લઘુકથા: અરીસો


એ દાઢી પર હાથ ફેરવતો અરીસામાં જોઇ રહ્યો. બે દિવસથી શેવિંગ ન્હોતું કર્યું – જાતે કરીને જ વળી. સફેદી ક્યાંક – ક્યાંક ડોકિયા કરતી હતી. એ સિવાય એવો ને એવો દેખાતો હતો – સહેજ ભરાયેલું શરીર, ગોરો વાન, કથ્થઇ આંખો, કથ્થઇ વાળ – અલબત્ત ડાઇ કરેલા, પણ એનાથી શું ફેર પડે ? નાનપણમાં મા કહેતી – “ મારો કલૈયો કુંવર” – ને એ હરખાઇને અરીસામાં જોઇ રહેતો.

છોકરીઓ જોવાનું શરૂ કરેલું. કોઇ પાતળી, કોઇ જાડી, કોઇ ઉંચી, કોઇ નીચી, કોઇ કાળી, કોઇ ફીકી. એની જોડા-જોડ ઊભી રહી શકે એવી ધ્યાને ના આવી. એ અરીસાને ફરિયાદ કરતો – ‘ મારા લાયક કોઇ બની છે કે નહિ ?’ અરીસાના પ્રેમમાં સમય આઘો – પાછો થતો રહ્યો. એને જોઇ હા કહી દેવાને બદલે લોકો પૂછતાં થયા હતા – દીકરો શું કરે છે ?

નોકરીની ખોળા-ખોળની લીમીટ પતી એટલે એકમાંથી બીજો ધંધો ને બીજામાંથી ત્રીજો; ને કંઇક અજમાવ્યું ત્યારે ખબર પડી કે અહિંયા ય હરિફાઇ જબરી. નોકરી – ધંધાની પૂછપરછનો જવાબ આપી શકાય નહિ ને હસ્ત મેળાપનો મેળ થાય નહિ. એ અરીસાને પૂછતો – “ મારે આ દિવસો જોવાના ?”

સ્ટેશનરીની દુકાન ફળી, ને હળવે – હળવે ચાલી, એની સાથે દબાઇ ગયેલી આશા જાગી. એક પૂછાણ આવ્યું, “ છૂટાછેડા લીધેલા છે. વાત ચલાવું ?” એણે અરીસા સામે જોઇને વિચાર્યું – થોડું ઘણું ચલાવી લેવું પડે. ક્યાં સુધી આમ ને આમ ? જોઇને આવ્યાનાં વળતા દિવસે ફોન આવેલો, “ બીજો કોઇ વાંધો નથી પણ તમારી ઉંમર...”

વીજળી આપણે પાડવી હોય ત્યારે થોડી પડે ? એણે બે દિવસ શેવિંગ ન કર્યું. દાઢી પર હાથ ફેરવતા – ફેરવતા અરીસામાં જોયા કર્યું.

અરીસો આછું મલક્યો, ને પછી ઝંખવાણો થઇ ગયો.

નસીમ મહુવાકર, ડેપ્યુટી કલેક્ટર, જિલ્લા સેવા સદન, ખસ રોડ, બોટાદ (સૌરાષ્ટ્ર), 99 1313 5028 / 9426 22 35 22 / ઇમેઇલ : nasim2304@gmail.com