પ્રયુક્તિઓનું વૈવિધ્ય ધરાવતી વાર્તા: બે સુરજમુખી અને


ગુજરાતી ટૂંકી વાર્તાના આરંભથી લઇને સુરેશ જોષી સુધી પહોંચતા જુદા જુદા વાર્તાકારોની શૈલી વાચકોનું ધ્યાન ખેંચે છે. વાર્તાના વિષયવસ્તુમાં પણ નાવિન્ય જોવા મળે છે. પરંતું સુરેશ જોષીની વાર્તાકળા પરંપરાગત વાર્તાકારો કરતાં પ્રયોગશીલ હોવાને કારણે સૌથી વિશેષ બની રહે છે. સુરેશ જોષી વાર્તાઓમાં ભિન્ન-ભિન્ન સામગ્રી તો આપે જ છે. પરંતું તેમની નિરૂપણ રીતિ પણ ધ્યાનાકર્ષક છે. તેમની વાર્તાઓ કથનાત્મક પધ્ધતિએ કહેવાઇ છે પરંતું પાત્રોની સંકલન કળા, સ્થળ, ધટનાઓની બાદબાકી, સમયના વિવિધ પરિમાણોનો ઉપયોગ, કપોલકલ્પના, પાત્રોના માનસની ભેળસેળ વિનાની રજુઆત, આ બધું ભાવકોને તેમની શૈલીનો અપુર્વ અનુભવ કરાવે છે. સુરેશ જોષીએ વાર્તાને લીલા કહી છે. તે અર્થમાં જોઇએ તો તેઓ પૂર્વનિર્ધારીત વાર્તા લખતા નથી. તેમનું સર્જનકર્મ પારદર્શી અને પરિણામલક્ષી છે. તેઓ તેમની વાર્તાઓમાં નિરૂપણ રીતિનો પ્રયોગ એવી રીતે કરે છે કે વાચકને સર્જાતી પરિસ્થિતિનું વિશિષ્ટ દર્શન થાય. તેમની વાર્તાઓમાં થયેલા ચૈતસિક નિરૂપણો, પાત્રોનું મનોવિશ્વ, આવેગોનું આલેખન, સ્વપ્નનું આલેખન વગેરે વાર્તાઓમાં ખુબજ મહત્વના બને છે. કારણ કે તેઓ આધુનિક મનુષ્યની છિન્નભિન્ન પરિસ્થિતિ, એકલતા, વિસ્મય આ બધા સંઘર્ષોને પ્રતીકાત્મક રીતે બતાવવા માંગે છે. સુરેશ જોષી કૃતિની આકૃતિ વિશે પણ એટલા જ સભાન છે. તેઓ કૃતિની આકૃતિમાં કલાને પ્રાણભુત તત્વ માની રૂપનિર્મિતિનો મહિમા કરે છે. સુરેશ જોષીની વાર્તાઓમાં પ્રયોગવૃતિ તેમની સર્જન પ્રવૃતિનું એક આગવું પાસું છે.

સુરેશ જોષીની સમગ્ર વાર્તાઓમાં ટેકનિક પરત્વે ‘બે સુરજમુખી અને’ વાર્તા સૌથી વધુ ચર્ચાસ્પદ છે. વાર્તામાં ક્યાંય વિરામચિન્હોનો ઉપયોગ થયો નથી. આ વિશે ર્ડા. જગદીશ ગુર્જર નોંધે છે કે : “ વાર્તામાં આદિથી અંત લગી વિરામચિન્હો મૂકવામાં આવ્યાં નથી. ભાવકચેતના તથા વાર્તાકૃતિ વચ્ચે વ્યવધાન ઉભું કરીને કશીક સંકુલતા નિર્માણ કરવાનો આશય એ પાછળ રહ્યો છે. આમ છતાં ભાવકે તો વિરામચિન્હો કલ્પીને એમાં લય ભાવ પ્રમાણે ઉક્તિઓ તથા પંકતિખંડોને પારખવાના રહે છે જ. એક રીતે જોઇએ તો વિરામચિન્હો ભાષાકીય ક્ષમતા અને વ્યંજના ઉપસાવવામાં કાર્યસાધક સંકેતો સિધ્ધ થતા હોય છે, એનો લોપ કરવાથી કલાત્મકતા કેટલે અંશે સિધ્ધ થઇ શકે? અહીં આ પ્રકારના વલણને આપણે માત્ર પ્રયોગનું મૂલ્ય આપી શકીએ.”[1] તો નીતિન મહેતા વાર્તાની નિરૂપણ રીતિ વિશે કહે છે કે “ ‘ બે સુરજમુખી અને’ એ વિરામચિન્હો વિનાની વાર્તા છે તેથી એ ગતકડું છે કે એ જ કારણે તે વાર્તા વિશિષ્ટ બને છે એવું નથી. વાર્તાના આંતરપ્રવાહને તપાસતાં એ તો જરૂર કહી શકાય કે વાર્તામાં વિરામચિન્હોના અભાવમાં પાત્રના ચિત્તની ગતવિધિને વ્યવધાન વિના એકધારી વહેતી રાખવામાં આવી છે. વાર્તામાં સંકેતપરક અવકાશ પૂરી સભાનતાથી રખાયો છે. પાત્રના ચિત્તની અસ્ખલિત ગતિ વ્યુતક્રમ વાળી કાવ્યાત્મક શૈલી અને મુક્ત સાહચર્યોની પ્રયુક્તિ દ્વારા નિરૂપાઇ છે.” [2] શિરીષ પંચાલ પણ આ વાર્તાની ટેકનિક વિશે નોંધ લેતા લખે છે કે, “ સુરેશ જોષીના એકાદા નૈમિષારણ્યે’ સિવાયના ચારેય વાર્તાસંગ્રહોનાં વસ્તુ પાત્રો શૈલી તેમની સંપૂર્ણ સંકુલ પરાકાષ્ઠાએ ‘ બે સુરજમૂખી અને ’ વાર્તામાં જોવા મળે છે. આ વાર્તા વિરામચિન્હો વગરની છે માટે દુર્બોધ નથી. .વાર્તાનો પાઠ થતાં અદ્દ્શ્ય વિરામચિન્હો સ્પષ્ટ બનવા માંડે છે આ વાર્તાની શૈલી વધુ વ્યુત્કમવાળી – કવિતાની લગોલગ જઇ પહોંચે છે.” [3] આમ, વિવેચકોએ આ વાર્તાની ટેકનિક્ને લઇને હકારાત્મક અભિગમ અપનાવી તેને સ્વીકારી છે. અલબત્ત, આ વાર્તા સામાન્ય ભાવકોને સમજવા માટે થોડી મહેનત કરાવે તેવી છે.

વાર્તા કહેનાર વાર્તાનાયકની ભૂતકાળની સ્મૃતિઓને લેખકે આંતર ચેતના પ્રવાહની ટેકનિક વડે આલેખી છે. વાર્તા કહેનાર પાત્ર મોટી ઉંમરનો સર્જક છે. ભર બપોરે તે બહાર નિકળ્યો છે. તેના ચિત્તમાં ભૂતકાળની ઉત્કટ સ્મૃતિઓ છે. બળતી બપોરે ચાલતો જતો હોય છે ત્યારે એક પ્રેમી-યુગલનાં સંવાદો તે સાંભળી રહે છે. આ સંવાદો સાંભળતાં જ તેના મનોજગતમાં બીજા અનેક પ્રકારના દશ્યો તથા સંવાદોની તેને યાદ આવે છે. આ સંવાદોને કોઇ ક્રમ વિના કે સમયના સંદર્ભ વિના મૂકવામાં આવ્યાં છે.

વાર્તાનાયકને પોતાનું દાંપત્યજીવન સાંભરે છે. પત્નીનો બળાપો તેને યાદ આવે છે :
- હવે કદી પગ નહીં મૂકું આ ઘરમાં
- જરા મારી વાત
- ‘ના’ તમારી વાતનો અંત નથી. રહોને તમારી ધુનમાં મસ્ત, ખબર છે ખરી?
- હા, હું જાણું છું
- તો તમને તો બધું અહીં સૂનકાર જ લાગે છે. બેસી રહો છો મોઢું ચઢાવીને કાગળ ચીતરો છો. અક્ષર બોલવાનો નહીં, કોને પરણી છું હું ? આ ઘરના સુનકારને ?

વાર્તાનાયકનો અંતરમુખી સ્વભાવ તેની પત્નીને પસંદ નથી તે તેનાથી કંટાળી ગઇ છે. ઉપરોક્ત સંવાદો તેની પત્નીની અપરિપક્વતા અને દાંપત્ય જીવનની વિસંગતિને પ્રગટાવે છે. જે વાર્તાનાયકને આધાત આપે છે, બેચેન કરી મૂકે છે. આ સ્થિતિથી તેનું ચિત્ત તંગ થવા લાગે છે.

આ બાજુ અણસમજુ, જીદ્દી અને લવારા કરતી પત્નીથી વાર્તાનાયક પણ કંટાળ્યો છે. વાર્તાનાયકની પત્ની તેની સર્જક કળાને સમજી શકતી નથી તેથી વાર્તાનાયકના મનમાં તેના પ્રત્યે ધૃણા, જુગુપ્સા અને વિરતી જન્મે છે તે સંકેતાત્મક રીતે લેખકે મૂકી આપ્યું છે.
“ તપાવેલા સળીયાની જેમ પાસે સૂતેલી એ એના નિસાસાથી ધગધગતી સારડી ફેરવીને અણુએ અણુને કોચે છે.”
“ઘર ચાલે છે. સંસાર સરે છે. નથી બોલતો હું નથી બોલતી એ. દરમાં રહેનારા બે જીવ મૂંગા ઊંડે ને ઊંડે સરે છે. કાયા ફુલે છે મૌનથી આંખ સૂઝે છે અંધકારથી”

અહીં, પત્ની સાથેના સંબંધોની સ્મૃતિ વાર્તાનયકનાં દાંપત્ય જીવનની યાતનાઓને રજુ કરે છે. રેઢિયાળ દાંપ્ત્યજીવનનું દુ:ખ જેરવીને વાર્તાનાયક જીવી રહ્યો છે. આ દુ:ખની સ્મૃતિમાંથી નિકળી તે અન્ય કોઇ ત્રીજી જ વ્યક્તિની સ્મૃતિમાં સરે છે. વાર્તાનાયકનું ચિત્ત વાસ્તવ જીવનની પિડાથી દુર થવા કાલ્પનિક પ્રેમિકાનું સર્જન કરી ચૈતસિક સુખ મેળવવા તેના સ્મરણમાં સરે છે. તેના અજાગ્રત મનમાં પડેલા ભૂતકાળનાં છુટા છવાયા વિચારો કોઇ સંબંધ અધુરો રહી ગયો હોય તેની પુન:સ્મૃતિ તેને કરાવે છે.
-“ તાપમાં તપીને લાલચોળ થયેલા ગાલ સોનેરી આછી રુંવાંટી સ્પર્શની લિપિ અંકાયે જ જાય છે.”
“ અરે રદયમાં કેટલાય પ્રકટ કર્યા વિનાના ઘા છે.”
“ નથી ખબર કે કેવું રૂપ છે પણ કલ કૂજન, અક્રમ જલ્પન, આંખમાં ચમક ખીલી ઉઠયાં છે.”
“ ના હું ઘરમાં નથી હવે તો સૃષ્ટિ આખી અભિસાર પથ, પવન વાય પાંદડાં હાલે બધે એક જ ઈંગિત બંધે એક જ સંકેત.”
“ નથી જોયું એનું મુખ કે નથી જાણતો એના ભાગ્યશાળી પ્રિતમને પણ ઘડીભર થંભી ગયો હું વયના ભારથી નહીં, ભરબપોરે આંખે અંધારા આવવાથી.”
“ ના એમ કાંઈ સહેલાઈથી નહિ છોડું તારો હાથ
શું કરીશ?
રુંવાટીની સંખ્યા ગણીશ, જન્મારો એમાં જશે.”
“ ભાગવતમાં કહયું છે પ્રેમતો અતિ ગુહ્ય
બોલીશ નહીં એ શબ્દ
કેમ?
બોલીએ તો ઉડી જાય”

વાર્તા નાયકની ચેતનાના સ્મરણ પરથી પામી શકાય છે કે તેના મનમાં હજુ કોઈ સ્વપ્નીલ પ્રેમીકાની યાદ બાકી રહી છે. તેને ઘણું બધું કહેવાનું રહી ગયુ છે. તેની સાથે અભિસાર કરવાનો બાકી રહી ગયો છે. કોઈ તેની સાથે જીવનના ચડાવ ઉતારમાં કદમ મિલાવી શક્યું નથી, તેનો તેને અફસોસ છે. કોઈ ભાગ્યશાળી હશે, જે એના હાથને પામ્યો હશે. પણ એના અંગ પરનો તલ હજુ એના સ્મરણમાં બચી ગયો છે. પરંતુ વાર્તાનાયક ભૂતકાળની સૃષ્ટિ ખોઈ નાખીને હદપારી અનુભવી રહયો છે. ભૂતકાળની સૃષ્ટિ ખોવાતાં તેની ચેતનામાં રિકક્તા અને શુન્યતા છવાઈ ગઈ છે. તેને તેનું જીવન મરણ સમાન લાગે છે. વાર્તાનાયક ભૂતકાળની વ્યગ્રતા અનુભવે છે. તેને લાગે છે કે પોતે સ્મૃતિઓના શિલાભાર નીચે કોઈ પ્રાચીન નગરની જેમ દટાઈને પોતે અશ્મીભૂત થયેલ છે.

વાર્તાનાયક પોતાની દિકરી રેણુના સ્મરણમાં સરે છે. તેની દિકરી પાટીમાં એકડા લખતી હોય તે દ્રશ્ય, તેને રેણુને કહેલી વાર્તા - સંવાદો પણ યાદ આવે છે.
“ રેણુ તારી પાટીના પથ્થરમાં કેદ પૂરેલા એકડાને છોડી દે. એને જોઈએ છે સંગાથ. ભલે ન મળે શુન્ય”
“ ‌- પપ્પા સુરજમાં કયો રંગ પુરું કાળો કાળો ? તમે તો પપ્પા કશું જાણતા નથી....
“રેણુ સુરજની બીજી‌-બાજુ કાળી છે, તું મોટી થઈશ ત્યારે દેખાશે.”
-પપ્પા તમારો સુરજ જુદો મારો સુરજ જુદો કોઈ વાર મન થશે તો કરશું અદલા બદલી ”

રેણુ સાથેના સંવાદમાં આવતો એકડો વાર્તાનાયકની વિચ્છિન્ન ચેતનાનું પ્રતીક બને છે. સુરજમાં કાળો રંગ પૂરવાનું કહેવુ તે મરણનું અને જીવનની શુન્યતાનું પ્રતીક બને છે. વાર્તામાં મરણ વિશેનુ અન્ય એક કલ્પન આ રીતે રજુ થયું છે : “ આપણે તો ફોતરાં માત્ર આપણી અંદર મરણનો દાણે બંધાય પુષ્ટ થાય, હસીએ તો, રડીએ તો, દિવસરાતએ ઘણો પોષાય. પછી ફોતરું ફાટે, ખોળિયું છૂટે.”

જિજીવિષા વિશેનું અન્ય એક કલ્પન ધ્યાન ખેંચે છે. “ બળબળતી આંખોમાં પ્રેમની સ્નિગ્ધ શલાકા પરસેવામાં શબની જેમ તરે છે કાયા.”

જિજીવિષા અને મુમૂર્ષાની જેમ જીવનની વિસંગતિ, શૂન્યતા, બંધનગ્રસ્તતા, ગતિશૂન્યતા અને મુક્તિની વંધ્ય ઝંખના કરતી આક્રંદ કલ્પાન કરતી સ્વગોકિત પણ નાયકના મુખે જોવા મળે છે : “ કોઈ મારું સાંભળે નહીંને હું ભારે થતો જાઉં દિવસને રાત દિવસને રાત........”

વાર્તાનાયક પત્નીથી ભલે સંતોષ ન પામ્યો હોય, તેને પુત્રી પ્રત્યે અપાર સ્નેહ છે. બન્ને વચ્ચે પ્રેમભર્યુ તાદાત્મય છે. વાર્તાનાયક દિલ ખોલીને પોતાનાં સંવેદનો રેણુને કહી શકે છે. રેણુ સમજી શકે તેવી ભાષામાં કહેવાનો પ્રયત્ન કરે છે. વાર્તાનાયક પોતે જોયેલુ સ્વપ્ન જાણે રેણુને કોઈ પરીકથા સાંભળાવતો હોય તેમ કહે છે : “ રાજાની કીર્તિના ઉઝરડા લઈને રોજ ચાંદા સુરજને જોયા કરીએ ત્યાં આંગણેજ આવે તારા જેવી બટુકડી બાળા એની એક આંખમાં સૂરજ એક આંખમાં ચાંદો હું કહું એને એક ફૂંક મારે તો જાદુ થાય હું અલોપ થઈ જાઉં ન રહે રાજા ન રહે કીર્તિ પણ એ તો સહિયર જોડે દોડી જાય પછી આવે પવન અધીર ચંચલ એને ન ઝલાય ન રોકાય તોયે કહું ભાઈ પવન એક એક કાંકરી ખેરવતો જા મારો લોપ કરતો જા પણ સાંભળે કોણ વરસાદનાં ટીપાં આવેને કહું થોડી ઘસી કાઢોને મારી કાયા દૂર દૂરના દરિયાને કહું દરમાં જતી કીડીને કહું સહેજ સહેજ થેલો મારો કે હું ગબડી જાઉં અહીંથી ખસું રેણુ કોઈ મારૂ સાંભળે નહીં ને હું ભારે થતો જાઉં દિવસને રાત દિવસને રાત”

અહીં વાર્તાનાયકનું વાત્સલ્યભર્યુ પિતૃરદય દિકરીને વ્હાલ કરતાં કરતાં પોતે જોયેલાં સ્વપ્નને વાર્તાસ્વરૂપે કહે છે. વાર્તા વિશાળ કલ્પન અને કપોલક્લ્પન ખચિત છે. વાર્તા કહેતાં સમયે વાર્તાનાયકનું વ્યગ્રચિત્ત થોડું શાંત થયું હોય તેમ ભાવક્ને અનુભવાય. પરંતુ આ સ્વપ્નો ચાલ્યાજ કરે તેનો અંત આવતો નથી. રેણુને તે પોતાની સ્થિતિ સમજાવી શકતો નથી આ તેના જીવનની કરૂણતા છે. સર્જનાત્મક પ્રતિભા ધરાવતો વાર્તાનાયક સામાન્ય જીવનશૈલીમાં પોતાનાં જીવનને બંધબેસતું જીવી શકતો નથી, કળાપ્રિય આ જીવનું કોઈ સાંભળે નહિં, કોઈ માને નહીં એવી એક સર્જક વ્યકિતત્વની વિડંબના વાર્તા દ્વારા રજુ થાય છે. પીડાને પણ પરીકથા રૂપે રજુ કરવામાં આવી છે.

વાર્તાનાયકની સ્વગોક્તિઓ પરથી વાર્તાનાયક હતાશાનો શિકાર થયો હોય તેમ લાગે છે. તેને ચારે બાજુ નિરાશા જ દેખાય છે. તે સુ:ખને યાદ કરશે તો તરત જ દુ:ખ તેને યાદ આવી જશે એવા કાલ્પનિક ભય (Phobia)ના આવરણમાં તેનુ ચિત્ત ઘુમ્યા કરે છે. તે પરિસ્થિતનો સામનો કરવાને બદલે ભાગેડુ વૃતિ અપનાવે છે. અહીં વાર્તાનાયક પોતે દુ:ખી છે એવી માનસિકતાથી વધુ દુ:ખી થયા કરે છે.

વાર્તામાં લખાયેલું ગદ્ય એવા આરોહ-અવરોહથી લખાયું છે કે તે લેખકની કવિત્વશક્તિનો પરિચય કરાવે છે. વાર્તાની શરૂઆતથી લઈ અંત સુધી આવી લયાન્વિત પંકિતઓ પ્રાપ્ત થાય છે.

વાર્તાની શરૂઆતમાં જ : બળબળતો સૂર્ય
મૃગજળમાં તરે છે બે મુખ
સુરજની જેમ ઉન્મુખ.
આ પંક્તિઓ વાર્તામાં એકથી વધુ વખત પુનરાવર્તન પામી છે. ‘બળબળતો સુર્ય’ વાર્તાનાયકનાં વ્યગ્ર ચિત્તનું પ્રતીક બન્યું છે. મૃગજળમાં તરતા બે મુખનું કલ્પન દાંપત્યજીવનનાં બે પાત્રો છે. આભાસી અને સમજણ વિનાના દાંપત્યજીવનને તે રજુ કરે છે.

નાયક ચિત્તની મુગ્ધ અને રાગાત્મક ભાવોને વ્યક્ત કરતી રાગાવેગ સભર કાવ્યપંકિતઓ પણ મળી આવી છે.
“ પ્રથમ ચંબનની હોઠ પર અંકાયેલી ભીની મુદ્રા
રોમાવલિમાં દોડી જતો આછો કંપ
નથી વસંત નથી કોકિલ
મૃગજળમાં તરતાં બે સૂરજમુખી”

“ જો શબ્દ ઉડ્યા હોત પતંગિયાની જેમ
વહયા હોત ઝૂરણાની જેમ......”

વાર્તામાં સરરિયલ કવિતાનો મિજાજ ધરાવતી પંકિતઓ પણ છે.
“ પવન નમાવે છે પડછાયાને
આકાશને ખોતરતી બેઠી છે કીડી
શૂન્યને બેઠો છે પાસ આપણા અસ્તિત્વનો
દયા કરો ઈશ્વરની આંખ લઈ લો
સુરજમુખીની છાયા નીચેની લીલી દુર્વા પર ભાત આંક છે.”

વાર્તાને અંતે પણ કાવ્યાત્મકતા સર્જયેલી જોવા મળે છે:
“ પાતળી હવાની લહેરકી આંસુ પાડેને ઓગળી જાય હોઠ બોલે નહીં
પાકેલાં ફળ જેવા ચુમ્બનના રસથી ભર્યા ભર્યા હોઠ
ખૂલે આંખોમાં
આંખો તરે આંસુમાં
આંસુ ઝમે ને થાય સૂરજ
સૂરજ સૂરજમુખીનું વન”

વાર્તાના અંતમાં વાર્તાનાયકના રાગાવેગો, ગતિશૂન્યતા, રિક્તતા, મરણાસન્નતા, દાંપત્યની વિષમતા આ બધા સંકુલ ભાવોનું સન્નિધિકરણ અહીં રચાયું છે.

પ્રસ્તુત વાર્તામાં વાર્તાનાયકની ચેતનાને કોઈ ક્ર્મ વિના તેના ભાવોને કોઈ આકાર વિના અનિશ્ચિતતાથી સંકેતાત્મક રીતે રજુ કર્યા છે. વાર્તાનાયક પોતે પોતાની ભ્રમણાઓના વિષચક્ર્માં અટવાતો રહે છે. વાર્તામાં નિશ્ચિત ઘટના કે કથાઘટકનો ઉલ્લેખ નથી. બળતી બપોરે રસ્તે ચાલતા વાર્તાનાયકની ચેતનામાં અનેક પ્રકારના પાત્રો, પ્રસંગો, સંવાદ, દ્રશયો જે એક સાથે તે અનુભવે છે તે સર્જક રજુ કરે છે. આ બધું અવળસવળ છે. એકમેકમાં ગુંચવાયેલું છે સમયના કોઈ એક પરિમાણનો ઉપયોગ થયેલો નથી. વાર્તામાં રજુ થયેલો સમય અનેક સ્તરોનો અહેસાસ કરાવે છે. વાર્તામાં લેખકે પ્રતીક, કલ્પન, ભાવોનું કોલાજ, આંતર ચેતના પ્રવાહશૈલી, એક કરતાં વધુ પાત્રો-પ્રસંગો-પરિસ્થિતિનું સન્નિધિકરણ, સ્વપ્ન, કપોલકલ્પન, સ્મૃતિસાહચર્ય, પરિકથાનો વિનીયોગ કાવ્યશૈલી વગેરે ટેકનિકનો ઉચિત રીતે પ્રયોગ કર્યા છે. ભાવકોને સમજવા માટે પડકાર ફેંકતી અને નિતનવા અર્થો ખોલી આપતી આ એક કાવ્યાત્મક વાર્તા છે.

સંદર્ભ:

  1. ૧. ડૉ.જગદીશ ગુર્જર, સુરેશ જોષીની વાર્તાસૃષ્ટિ, પૃ. ૧૫૭
  2. ૨. ડૉ.નીતિન મહેતા, નિરંતર, પૃ. ૯૦
  3. ૩. ડૉ.શીરિષ પંચાલ, સુરેશ જોષીનું સાહિત્યવિશ્વ (કથા સાહિત્ય), પૃ. ૩૪

પિનાકિન વસંતરાય જોષી, અધ્યક્ષ ગુજરાતી વિભાગ, સરકારી વિનયન કોલેજ, દેડીયાપાડા. જિ. નર્મદા. મો.નં. : ૯૭૨૫૭૯૨૬૦૯ ઈ-મેઈલ : pinakinjoshi99@gmail.com