‘તિરાડ’ નવલકથામાં દલિત વિમર્શ
અનુઆધુનિક સાહિત્યનું મુખ્ય લક્ષણ વિદ્રોહો ને બદલે પ્રતિક્રિયાનું રહ્યું છે.આ પ્રતિક્રિયાઓ મુખ્યત્વે અનુઆધુનિક સાહિત્યના મુખ્ય ચાર વલણો ૧.નારીચેતના ૨.દલિતચેતના ૩.ગ્રામચેતના અને ૪.નગરચેતનામાં વ્યક્ત થયેલી છે. જેમાં દલિતચેતના અંતર્ગત હરીશ મંગલમ્ કૃત ‘તિરાડ’ (૧૯૯૨) નવલકથામાં રજુ થયેલી દલિત વેદના-સંવેદનાની પ્રતિક્રિયાઓ અને તેમાંય દલિત નારીની આંતર-સંવેદનાની પ્રતિક્રિયાઓ આ નવલકાથામાં કેવી-કેવી રીતે ઝિલાયેલી છે તેમજ એ પ્રતિક્રિયાઓને વ્યક્ત કરવા હરીશ મંગલમે પ્રયોજેલ ભાષા-અભિવ્યક્તિની જુદી-જુદી તરાહો, વાતાવરણ-પરિવેશ, પાત્રોનો સંઘર્ષ – આ બધા પાસાંઓને કેન્દ્રમાં રાખી પ્રસ્તુત લઘુનવલને સઉદાહરણ મૂલવવાનો અહીં આશય છે. જે દલિત નવલકથાને જરા જુદાં સ્વરૂપે સમજવામાં ઉપયોગી નીવડશે એવી મારી ખાત્રી છે.
વર્ષોથી આપણા સમાજમાં વર્ણવ્યવસ્થાને કારણે દલિત અને અદલિત એવા બે વર્ગો છે.વર્ષોથી દલિતવર્ગ મૂંગી પીડા સહન કરનારો અને અદલિત વર્ગ તેમનો શોષણ કરતો રહ્યો છે.આ શોષણ સહેનારા દલિતોના મનમાં પોતાના સામાન્ય માનવી તરીકે છીનવાતા અધિકારોનો આક્રોશ,પીડા અને વ્યથા ભારોભાર ભરેલા હોય એ સ્વાભાવિક છે.આ દલિતોની પીડા આધુનિક અને અનુઆધુનિક બંને યુગમાં જોવા મળે છે.આ દલિતચેતનાનાં મુખ્ય લક્ષણથી ’તિરાડ’ લઘુનવલ જરા જુદો ચીલો પાડે છે. જેમાં આક્રોશ કે દલિત-સવર્ણો વચ્ચેનો સંઘર્ષ નથી પરંતુ દલિત સમાજમાં દલિત નારીની સ્થિતિ શું હોઈ છે એ વાત વધારે ઉજાગર પામી છે જે અન્ય દલિત કૃતિઓથી આ નવલ ને જુદી પાડે છે.
‘તિરાડ’(૧૯૯૨) હરીશ મંગલમ્ કૃત ૬૪ પાનામાં વિભાજિત કળાત્મક લઘુનવલ છે. જોસેફ મેકવાન કૃત ‘આંગળિયાત’ની તુલનાએ અહીં વાર્તાઓનો પટ ઓછો છે.પૂંજા પટેલના બે દીકરા ભગા અને બળદેવ વચ્ચે જમીનના શેઢાને લઈને બોલાચાલી અને મારામારી થાય છે.જેમાં નિર્ભિક એવો સોમો આ બંને પટેલીયા ભાઈઓની વહારે આવે છે.પરંતુ સુઝબુઝ ખોઈ બેઠેલો ભગો પાવડાનો હાથો સોમાના બરડા પર ફટકારે છે.આ પ્રારંભિક ઘટના આ નવલકથાની મુખ્ય આધારશિલા બને છે.
આ પ્રસંગ બાદ સોમો સતત માંદગીમાં સપડાતો જાય છે. એના સંભવિત મૃત્યુના સંકેતો પણ ‘સુરજનો પૂર્વ ભાગ હંમેશા અંધકારમાં ગરકાવ રેહતો’(પૃષ્ઠ ૧૭), કાગડાની સતત હાજરી અને એની વિવિધ ચેષ્ઠાઓ,બિલાડીનું ઘરમાં પ્રવેશી ચપળતાથી ઉંદરનો શિકાર કરીને ગળી જવો,ઉંદરોની અવિરત દોડધામને લીધે કાટ ખાઈ ગયેલા તારને લીધે રામદેવ પીરની છબી નીચે પડવી ને કાચ તૂટી જવો..વગેરેમાં મૃત્યુંના એંધાણ હરીશ મંગલમે આપી જ દીધા છે. આ સંભવિત મૃત્યુને જોઈતી પણ જાણે જ છે.પણ પોતાની વ્યથાને છુપાવી સોમાને હિંમત આપે છે અંદરથી તો એ ય તૂટી ગઈ છે.પણ સહનતાની મૂર્તિ સમી જોઈતી પતિની સેવા કરવામાં ઉણી ઉતરતી નથી.
ખેતમજુરી કરીને ઘરનું ગુજરાન ચલાવવાનો પણ એ પુરતો પ્રયત્ન કરે છે.પરતું એકલે પંડે કેટલું થાય ? જોઈતીની આ મૂંઝવણને સર્જક સરસ રીતે આલેખે છે...’દવાના પૈશાય નથી અનં ઉં દવા લાવું ચ્યોંથી ? ઘરાક બળદેવ પટેલ જોડેથી લઉં તો ખરી પણ...’ (પૃષ્ઠ-૨૧) અહીં એક બાજુ જોઈતીના જીવનમાં વ્યાપેલી ગરીબાઈ છે તો સામે પક્ષે ‘પણ...’ માં ન કેહવાયેલી બળદેવ પટેલની લંપટતાનો નિર્દેશ છે.જેનો ભોગ જોઈતી વારંવાર બને છે.પરંતુ શાંત સ્વભાવની જોઈતી એનો વિરોધ કરી શકતી નથી. જોઈતીને ભારો ચડાવતી વખતે બળદેવ જોઈતીની છાતીને કોણીથી સ્પર્શ કરી લે છે.સાવધ જોઈતીની બળદેવે કરેલી આ છેડતી આ નવલની બીજી મહત્વની આધારશીલા છે.આ પ્રસંગનો સાક્ષી ભીખારી,વાણંદ અને જાદુગર એવા ત્રિવિધ રોલ ભજવતો અને જેનું કામ જ ‘વાત નું વતેસર’ કરવાનું છે એવો પશો પંડ્યો બને છે.જે આખી વાત ને ગામ આખામાં વેહતી કરે છે. અહીંથી જોઈતીની આખો સમાજ અવહેલના કરવા લાગે છે.બળદેવ-જોઈતીના સંબંધોની અફવાઓ લોકો ગામે ગામ વેહતી કરે છે.
આ સમયગાળા દરમિયાન બળદેવના લગ્ન રૂખી સાથે થાય છે.તો સોમાના મૃત્યુ બાદ વિધવા જોઈતીના લગ્ન મથુર ભગતના દીકરા ધનજી જોડે લેવાઈ છે.જોઈતીના નવા જીવનમાં જેઠ-જેઠાણી,સસરા ભગત અને પતિના ત્રણ સંતાનો છે.પણ આ બધાનો જોઈતીને પુરેપુરો સાથ મળે છે.આથી જ પોતે સોમાના સંતાનની માતા બનવાની છે એ વાત જેઠાણીની સમજાવટથી જ પતિ ધનજી આગળ હૈયા છૂટી વાત કોઈ પણ પ્રકારના છોછ વગર કરે છે.જેમાં જોઇતિની નિખાલસતા અને સચ્ચાઈના ગુણ જોવા મળે છે.તો સાથે સાથે દેરાણી –જેઠાણીના સંબંધની પણ એક આગવી ભૂમિકા જોવા મળે છે.જે સમાજને ઉદાહરણ પૂરું પાડે છે.
અડગ અને નિર્ભીક જોઈતી ન્યાય માટે પંચાયત પાસે જાય છે. પરંતુ, પંચાયતા ન્યાય કરવાને બદલે અન્યાય કરી બેસે છે અને પોતે ભૂતકાળમાં કરેલા કાળા કામોની વાત આગળ આવતા ઉભી પુંછડીયે નાસે છે.જે પરમ્પરાગત પંચાયતની વાસ્તવિકતા દર્શાવે છે.બીજી બાજુ બળદેવના લગ્નને સાડા ત્રણ વરસ થવા છતાં કોઈ સંતાન થયું નથી.આથી દંપતિ દાક્તરી તપાસ કરાવે છે જેમાં બળદેવના શરીરમાં શુક્રાણુંઓની ઉણપ છે.એવો રિપોર્ટ આવે છે .શરૂઆતમાં ડોક્ટર આશ્વાસન આપે છે કે દવાથી સારું થઈ થશે. પરંતુ દવાથી કોઈ પરિણામ આવતું નથી આથી ડોક્ટર હાથ ઉંચા કરી દે છે.જોઈતીના જીવનમાંથી કાળા વાદળાં દૂર થાય છે ને અંતે સત્યનો જય થાય છે.આમ સુખાંતે કથા પૂરી થાય છે.
પ્રસ્તુત નવલકથાને સર્જકે અનેક રીતે કળાત્મક બનાવી છે.ભાષાનું પોત સમૃદ્ધિ સભર છે તો નવલકથામાં પ્રયોજાયેલ પ્રતીકો ધ્યાનાર્હ બન્યા છે.ભાષાના ના પોતને લીધે કથા વધુ સરળ બની છે.જેમ કે..પથારીવશ પડેલો સોમો નવરો બેઠો-બેઠો હાથના નખને દાંત વડે કાપે છે અને નખને જે રીતે ફેંકે છે ત્યારની સાદૃશ્યતામૂલક ભાષા-‘નખના ટુકડાને જીભનું ટેરવું અને હોઠની મદદ વડે થુંક્ કરીને હવામાં ફેંકતો’ (પૃષ્ઠ ૧૯)
સોમાના મૃત્યુ સમયે ફુંકાયેલા પવનથી જે પરિવેશ રચાય છે.જે સર્જકની સર્જકતાને સિદ્ધ દર્શાવે છે....’જોરદાર પવન ફૂંકાતો હતો એટલે છાપરાનાં નળિયાં ફંગોળાયાં.સોમો જે રૂમાલ પેહરતો હતો તે ઊડીને થોરની વાડમાં ભરાયો,ઘણાં વર્ષો જૂનો લીમડો મૂળમાંથી જ હચમચી ગયો. માથાબોળ ઘમસાણ મચ્યું.કડડ કટ કરતું મોટું ડાળું તૂટી પડ્યું એવું જ ઘરની મોવટીના બે કટકા કરતું ગયું.’(પૃષ્ઠ ૨૭) અહીં મોવટી જાણે સોમાનું જ પ્રતિનિધીત્વ કરતું જોવા મળે છે.
બળદેવ નપુંસક છે એવી જાણ થાય છે ત્યારે બળદેવની પત્ની રૂખી ખેતરમાં ઘાસની ગાંસડીના છેડા બાંધવાની આખી વાત ખુબ જ સુચકતાથી અને કુનેહપૂર્વક આલેખન પામી છે...’રૂખીએ ઘાસને દબાવ્યું.ચારે બાજુથી સરખું કરી ફાંટીયાનાં છેડાની ગાંઠો વાળવા મંડી.ગાંઠો બરાબર વળતી નહોતી.વધુ પડતા ઘાસને લીધે છેડા મળતા નહોતા.બરાબર ખેંચવા છતાં છેડા મળે જ નહિ તો પછી ગાંઠ વળે જ કેવી રીતે ?’(પૃષ્ઠ ૭૯)
વિધવા થયા પછી જોઈતીના જીવનમાં જે રીતે ગામના લોકો આળ મુકવાના છે એનો આગતરો સંકેત સર્જર્ક અજગરના પ્રતિકથી રચી આપે છે. ‘અજગર ધીરે ધીરે જકડી રહ્યો હતો. પૂંછડીનું ગૂંચળું વાળી,શરીર ફરતે વીંટી ભરડો લેવાનો પેંતરો રચી રહ્યો હતો.’ (પૃષ્ઠ ૩૭)
દિયર ભોજાઇના કેટલાક રમુજી સંવાદો નવલને જુદું સ્વરૂપ અર્પે છે : એક વાર બળદેવ મોજમા આવી જાય છે ત્યારે ભાભી રેવલી ને કહે છે , ‘તમે તો બઉ જ ધોળા ધફ દેખાવ સો....અં તમારા ગાલ તો જોણી બરફના ગોલા જ જોઈ લ્યો ?—રેવલી યે તીરછી નજર કરી : એં, ગભરાશો નૈ તમ તમારઅ મારા કરતોય ધોરી અનં રૂપાળી વઉ લાઈશું’ (પૃષ્ઠ ૩૯)
બળદેવની નપુંસકતા જગ જાહેર થાય છે ત્યારે પણ રેવલી દિયર સાથે ટીખળ કરવી છોડતી નથી.
‘હેં બળદેવ ભૈ, સો તો પાડા જેવા નં બોકરા જેટલુંય જોર નથી ?
ભાભી ,ઉપરવાળો કરઅ એ ખરું...
--બળદેવ ભૈ, તમે તો હાવ સો !
--ઉપરવાળો હું કરઅ...? એ તો...!!
--......... ........... ......... (પૃષ્ઠ-૮૨)
નવલકથામાં દલિત સંવેદન સતત ઉજાગર થતું જોવા મળે છે.પ્રારંભે જ ભગા-બળદેવની લડાઈમાં પરોપકારે જોતરાઈ જતો સોમો જીવલેણ બીમારીનો ભોગ બને છે.જોઈતીની ગરીબાઈ એને અન્યાય સામે મૂંગી બનાવી દે છે. તો પશો પંડ્યો અને બળદેવ બંને ખલપાત્રના ચોગઠામાં બંધ બેસે છે.જો કે પશો પંડ્યો કથાંતે સત્ય જાણે છે ને પસ્તાવો મનોમન અનુભવી પોતાની જાત ને કોસે છે.જેમાં તેનું માનસ પરિવર્તન જોવા મળે છે.તો બળદેવ અંત સુધી ખલપાત્ર જ રહે છે.પોતાને બચાવનાર સોમાની પત્નીને પણ એ છોડતો નથી.બળદેવની સાથે બીજું મહત્વનું પાત્ર કેશાનું છે.મા-બાપ ગુમાવેલો કેશો ગરીબીને કારણે ચાર જ ચોપડી ભણી શકે છે. અને ત્યારબાદ વૈશાખ મહિનામાં કે એવા કોઇ પ્રસંગે ઢોલ વગાડી પેટીયું રળતો.આમ સર્જકે અહી ગરીબી અને લાચારી બંનેને સરખો અવકાશ આપ્યો છે.
સર્જકે અહી હાસ્યરસ અને કરુણરસને પણ જરૂર જણાતાં આલેખન કર્યું છે.સોમાના મુત્યુથી લઇ જોઈતી ઘર છોડીને જાય છે તે પ્રસંગોમાં કરુણ ઘૂંટાયેલો જોવા મળે છે તો સ્મશાનમા ભેગા થયેલા દલિતો કડવાની પત્ની ખાટલો આડો કરી તેના પર સાડલો નાખી નાવા બેસે છે ત્યારે પવનના લીધે સાડલો ઊડી જાય છે ને પરિણામે આસપાસ રમતા છોકરા આ દૃશ્ય જોય ચિચિયારીઓ કરે છે.તો દિયર-ભોજાઇના સંવાદો પણ રમુજ ભર્યા જોવા મળે છે.
આ નવલનું મુખ્ય પાત્ર જોઈતી દરેક પ્રસંગે શાંત રહેલી જોવા મળે છે.પરંતુ પોતાની બદનામી વધુ થવા લાગે છે ત્યારે વાઘણની માફફ તાડૂકે છે : ‘મેં કોય શેનાળવું થોડું કર્યું સઅ તે મારી પાસળ બદી પડી સો ! પેલી અળખી પરબતભાને લેઈ પડી સઅ તો ઇની હોમું ચ્યમ કોઈ મારી હોશ બોલતી નથી !...ઇની લગીરેય વાત તો કરી જુવો,માંયથી ઘાઘારીનું લેફું લઇ લે સઅ ક્અ નૈ ? અનં બધી મારી પાસળ પડી સન તે...’(પૃષ્ઠ-૬૬,૬૭)
જોઈતીના એક જ ઘરના ત્રણ ઉદાત્ત પાત્રો મથુર ભગત,જેઠાણી વલમ અને ખુબ જ ઓછા સમયમા આવતો જોઈતીનો પતિ ભાવકના મનને સ્પર્શી જાય છે. નવલકથામાં આ ઉપરાંત મગન, જોઈતીના કાકાસસરાકચરો, ખુશાલ, ધર્મો, શંકર, ઉસ્માન મિયાં વગેરે આ નવલકથાના સમયના ક્ષણિક ખંડના પાત્રો છે.
આમ ખુબ ઓછા પટ પર પથરાયેલી આ નવલકથા દલિત નારીની વ્યથા-સંવેદનાને પુરતો અવકાશ અર્પે છે.એ રીતે નારીવિમર્શનો જયઘોષ કરતી આ નવલકથા દલિતસાહિત્યની એક મહત્વપૂર્ણ નવલ બની રહે છે.
સંદર્ભ :
- 1. ’તિરાડ’(૧૯૯૨)—હરિશ મંગલમ્
- 2. હરીશ મંગલમ્ સર્જક અને વિવેચક-સંપા.પથિક પરમાર