‘કુંતી- કર્ણ’ માં કથા કરણ ની


‘પપ્પા ક્યારે આવશે? પપ્પા આવશે એટલે આપણે લોનાવલા જઈશું ? મારો ફ્રેન્ડ મનન લાસ્ટ વીક ગયો હતો. એના મમ્મી પપ્પા જોડે. મોમ ત્યાં વૉટર ફૉલ છે.મજા કરશું. ડૉન્ટ સે નો. ઓ. કે. ’જવાબમાં

ચિત્રા કહે છે ‘કરણ મોડું થાય છે. બ્રશ કર્યું ?હજી મંગળા નથી આવી. કૉર્ન ફ્લોર ખાઈ લે. કમ ઓન ક્વીક. પછી નહાઈ પણ લે’! [1[

આ સંવાદ છે ઈલા આરબ મહેતાના વાર્તા સંગ્રહ ‘કાળી પરજ’(પ્ર-સાલ ૨૦૧૪) માં સમાવિષ્ટ નવલિકા ‘ કુંતી- કર્ણ’ ના મહિનાના વીસ દિવસ નોકરી અર્થે વિદેશ રહેતા પિતાની રાહ જોતા પૂત્ર કરણ અને પતિની ગેરહાજરીમાં સંતાન અને સર્વિસ બન્ને પલ્લામાં સમતુલા જાળવી રાખવા મથતી આધુનિક માતા ચિત્રા વચ્ચેનો. જ્યારથી ચિત્રાએ પતિના આછાપાતળા વિરોધ વચ્ચે માત્ર સ્પેસ માટે સંસ્કાર પબ્લિશિંગ હાઉસમાં નોકરી શરુ કરી ત્યારથી માતા –પૂત્ર વચ્ચે આવા સંવાદ વધી ગયા છે

ચિત્રાને એક નવોદિત લેખિકાની ‘કુંતી’ નામની નવલકથા વાંચી એના વિશે અભિપ્રાય આપવાનું કામ એક બે દિવસમાં પૂરું કરવાનું હતું . મહાભારત પર આધારિત આ નવલકથાની કુંતી ભવિષ્યમાં રાજ રાણી અને પછી રાજમાતા બનવાના સ્વપ્નને વાસ્તવિકતામાં પલટાવવામાં બાધારુપ બની રહે એવા પોતાની કૌમાર્યાવસ્થામાં પ્રાપ્ત થયેલ પૂત્રને એના ભવિષ્ય પર છોડી દઈ નચિંત બનવા ઈચ્છી રહે છે. પોતાના ઉજ્જવળ ભવિષ્ય માટે નવજાત શિશુને પણ ત્યજી દેતી કુંતીની બૉલ્ડનેશ ચિત્રાને સ્પર્શી જાય છે. રાતના ત્રણ વાગ્યા સુધી જાગીને પણ એ વાંચ્યા કરે છે. આથી સવારે સમયસર ઉઠી શકતી નથી. પૂત્ર કરણને સ્કુલે જવાનું મોડું થઈ જાય છે. કામવાળી સમયસર આવતી નથી. એ બધાથી ઘેરાઈ ગયાનો અનુભવ કરતી ચિત્રા અને માતા પિતા બન્ને ઘેર હોય ત્યારે બહાર ફરવા જવાની ઈચ્છા વ્યક્ત કરતા બાળક કરણ વચ્ચે એવા જ સંવાદ થાય છે. જેમાં પૂત્ર માતા પાસે પ્રોમિસ માગતો રહે છે માતા ચિત્રા એને ટાળતી રહે છે.

આમ તો આર્થિક રીતે સુખી પરિવારની અંગ્રેજી લિટરેચર સાથે એમ.એ થયેલી ચિત્રાએ જોબ શરુ તો માત્ર પોતાની મજા માટે જ કરી હતી. તેણે પતિ રાજીવને જોબ શરુ કરવા અંગે વાત કરી ત્યારે રાજીવે એને કહ્યું હતું કે ‘હું – મારે તો ટ્રાવેલિંગ કરવું જ પડે પણ તું પણ આખો દિવસ ઘર બહાર હોય‚ કરણ આવે ત્યારે થાકેલી હોય.આ બધું જરુરી છે ?ત્યારે પોતે પતિને પણ કહ્યું હતું ‘ કમ ઑન રાજીવ.હું આ કામ મજા માટે કરું છું. થાકવા માટે નહિં.’[2] પણ‚ ચિત્રા થાકી જતી હતી પોતાની જોબથી નહીં‚ નોકરીના કામ અંગે દેશ – વિદેશ ફર્યા કરતા અને માત્ર ટેલીફૉનથી જ ઘર અને બાળક સાથે નાતો જોડી રાખતા પતિની ગેરહાજરીમાં ઘર અને બાળકની જવાબદારી એને એકલીએ સંભાળવી પડતી હતી માટે.. જોબ તો એની પસંદગીની જ હતી .અમેરિકન યુનિવર્સિટીમાં ક્રીએટિવ રાઈટિંગનો કોર્ષ કરેલી ચિત્રાનું કામ લેખકોની મેન્યુસ્ક્રીપ્ટોનો અભ્યાસ કરી તે અંગે અભિપ્રાય આપવાનું હતું.. પોતાના રસના વિષય પર જ કામ કરવાનું હોઈ ચિત્રાનું ધ્યાન પૂત્ર પરથી પુસ્તક તરફ વળવા માંડ્યું હતુ. એને એમાં મજા આવતી ચિત્રાની મજા બાળક કરણ માટે ક્યારે સજા બનીને રહી જાય છે એની એને ખબર પડતી નથી. અઠવાડિયામાં ચાર પાંચ પુસ્તકો વાંચી એને વિશે અભિપ્રાય આપવામાં પરોવાયેલી રહેતી ચિત્રાનો મોટાભાગનો સમય એમાં જ જવા લાગ્યો હતો. પૂત્ર કરણને હોમ વર્ક કરાવતી ‚ટેનિસ‚ સ્વીમિંગ ‚ચેસ –બધામાં એની સાથે રહેતી એની પાર્ટનર બનતી ચિત્રા હવે પૂત્રને મોબાઈલ પર જ રમતો રમી લેતો જોઈ સંતોષ માનવા લાગી.પૂત્રને બદલે પુસ્તક ખોળામાં લેતી થયેલી ચિત્રા જોતજોતામાં પોતાની આવડત‚ શિક્ષણ અને અનુભવને આધારે એડિટર બની ગઈ. એકબાજુ એના કામ અને દામ વધવા માંડે છે.બીજી બાજુ સાંજે શાળાએથી આવેલા થાકેલા કરણને બંધ ઘરના બારણે ટેકો દઈ રસ્તા પર પાંપણ બીછાવી માની રાહ જોવાની ટેવ પડવા માંડે છે. રમવા ગયેલો કરણ પડોશીના બદમાશ છોકરાનો માર ખાઈને આવ્યો હોય ત્યારેય ચિત્રા પતિને ફોન પર ‘ઓલ ઈઝ વેલ’ ના ખબર આપતી રહે છે. એણે પસંદ કરેલી કૃતિઓની બજારમાં માંગ વધારે રહે છે. આથી નવોદિત લેખિકાઓ પોતાની કૃતિના અભિપ્રાય અર્થે એની આગળ પાછળ ફરવા માંડે છે.આ બધામાં રાચતી એડિટર ચિત્રાને બોસે સોંપેલ કામ ઉપરાંત રાજીવની ફોરેનની ટ્રીપ તે વખતે ઈસ્ત્રીવાળાં શર્ટ -પેન્ટ‚સૂટની વ્યવસ્થા‚ઘરમાં જરૂરી અઢળક ચીજ વસ્તુઓની ખરીદી અને નોકરોનું પણ ધ્યાન પણ રાખવાનું છે. એ વાત જાણે હવે ભાર રુપ લાગવા માંડે છે.શરુઆતમાં વિદેશી લેખકની મુલાકાત અર્થે પણ બહારગામ જવાની પોતાની ઈચ્છા પૂત્ર કરણને કારણે ટાળતી ચિત્રા કોઈ કોઈ વાર પતિ ઘેર હોય ત્યારે કરણને તેની પાસે છોડી પોતે બોસે ગોઠવેલી મુલકાતો અર્થે બહાર જવા લાગે છે. એના ન્યુઝ અખબારોમાં પણ સ્થાન પામવા માંડે છે. એની ખ્યાતિ વધતી જાય છે. ધીમે ધીમે પતિ ઘેર આવવાનો હોય ત્યારે ચિત્રાએ બહારગામ જવાનું જ હોય એવો એક અલિખિત નિયમ બની જાય છે. એકવાર પોતે રાજીવ આવી જશે એમ માની એક જાણીતી અમેરિકન લેખિકા સાથે દિલ્હીમાં મુલાકાત ગોઠવેલી.બધી તૈયારી થઈ ચૂકી હતી.પરંતુ પતિની વિદેશયાત્રા લંબાયાનો ફોન આવતા પોતે બોસે પોતાની ગોઠવેલી મુલાકાત રદ કરવી પડશે પોતે બોસ ને શું જવાબ આપશે એ વિચારે મૂંઝાતી એ પતિને ફોન પર કહે છે.

‘પણ શું કામ કામ ડાઉન રાજીવ! તું તો આવી જશે માની મેં બોસને દિલ્હી જવાની હા પાડી દીધી હતી’ રાજીવ કહે છે ‘પણ હું શું કરું મારા બૉસને ના પાડું ?ત્યાં હેડ ઑફિસમાંથી ઓર્ડર આવ્યો કે વાટાઘાટો વ્યવસ્થિત રીતે પાર પાડો.’

ચિત્રા પૂછે છે ‘અને મારું શું ?હું ના પાડી દઉં?’
જવાબ મળે છે ‘એ તારો પ્રોબ્લેમ છે. ’
ચિત્રાને એકદમ સામો તતડાવીને જવાબ આપવનું મન થયું પણ સંયમ મેળવી તે બોલી‚
‘પ્લીઝ રાજીવ ‚ડુ સમથિંગ. આ મિટિંગ મારે માટે બહુ ઈમ્પોર્ટન્ટ છે. ’
સામેથી પતિ કહે છે ‘મારું કામ પણ તારા કામ કરતાં વધુ ઈમ્પોર્ટંન્ટ છે. અને ફોન મૂકાઈ જાય છે.[3]

પતિની ગેરહાજરીમાં તેની પરવાનગીથી માત્ર મોજ માટે શરુ કરેલ કામમાં માન- અભિમાન અને મની ભળ્યા છે.ત્યારે પતિ પાસેથી આવો જવાબ સાંભળ્યા પછી ચિત્રા મનમાં ને મનમાં સમસમી જાય છે. વિચારે છે . ‘રાજીવ પણ મેલ શોવનીસ્ટ છે.. વેલ ‚શું કહે તે ? રાજીવ અમેરિકા ભણતો હતો ત્યારે જ પોતાને ભણવાની તક મળી તે ખરું પણ એણે સમજવું જોઈએ. મારામાં ટેલેન્ટ છે. મેં પસંદ કરેલી કૃતિઓ માર્કેટમાં ખૂબ વેચાઈ છે.બોસે મને પગારમાં મોટો જ્મ્પ આપ્યો છે. હવે હું પાછી ફરીશ નહીં. નો વે.’[4]

કેન્સલ થયેલી મિટીંગ ફરી ગોઠવાઈ છે. થાકેલા પતિની સોડમાં સૂતેલા પૂત્રને મૂકીને દિલ્હી જવા તૈયાર થયેલી ચિત્રાને -મમ્મીને જતી રોકવા જાગી ગયેલા કરણના આંસુ માના હ્રદયને પલાળે છે જરુર‚ પણ પાળ બનીને રોકી શકતા નથી જ. કરણ પોતાની નાનકડી આંખે જોયેલું સ્વપ્ન ‘વૉટર ફૉલમાં નહાવાનું’ સ્વપ્ન પૂરું કરવા ઘણે દિવસે ઘેર આવેલા પિતાને વળગીને સૂઈ જાય છે તો મા છટકી જાય છે. મા ને પકડે છે તો પિતા. કરણની નાનકડી બાથ મા – બાપ બન્નેને સાથે નથી જ પકડી રાખી શકતી.કરણ નથી તો માતા પિતાના સ્નેહની સરિતામાં નાહી શકતો નથી તો કૃત્રિમ ‘વૉટરફૉલમાં’.

ઘેર મા હોય ત્યારે પપ્પાની અને પપ્પા હોય ત્યારે મમ્મીની રાહ જોયા કરતો પૂત્ર રાહ જોયા કરે છે.બસ રાહ જોયા કરે છે. ક્યારેક રડીને‚ તો ક્યારેક તોફાન કરીને એ માતા પિતાને જતા રોકવાનો વૃથા પ્રયત્ન કર્યા કરે છે.માતા પિતા એને જુદી જુદી લાલચો આપી એના આંસુ અટકાવવાનો ઉપાય યોજે છે. એવામાં જ બોસ ચિત્રાને ઈંગ્લેન્ડની કેમ્બ્રીજ યુનિવર્સિટીમાં આયોજિત એક નવા પ્રોજેક્ટ માટે તેને ત્રીસ દિવસ માટે ઈંગ્લેન્ડ જવાની વાત કરે છે. ઈંગ્લેન્ડની વાત સાંભળતા જ ચિત્રાનું હ્રદય આનંદથી ઉભરાઈ જાય છે સેમિનાર એટેંડ કરવાનો‚ ત્યાંના પ્રોફેસરો અને વિધ્યાર્થીઓને મળવાનો લાભ મળે એ કોને ન ગમે ? કારકિર્દીના ઉઘડતા આકાશમાં પતંગની માફક ઉડતી ચિત્રાનું મન ઝોલા ખાય છે. એક તરફ છે પોતાની કારકિર્દીની ટોચ –પોતાનું મૂર્ત થવા જઈ રહેલું સ્વપ્ન –બીજીબાજુ એક બાળકની જવાબદારીના બોજથી ઢળી પડતું માતૃહ્રદય. ચિત્રા શરુઆતમાં તો આ ઑફર સ્વીકારતી નથી. પતિ વીસ દિવસ બહાર રહેતો હોય ત્યારે પોતે એક મહિનો ઘર અને નાના બાળકને છોડીને બહાર કઈ રીતે જઈ શકે ? પણ મનમાં પડેલી મહત્વાકાંક્ષા મરી પરવારી નથી. એવામાં અંગ્રેજીની પ્રાધ્યાપિકાઓ અને લેખિકાઓ સાથે લંચ પર ગયેલી ચિત્રાને મોનિષા નામની એક પ્રોફેસર એક રસ્તો સૂઝાડે છે. કરણને બૉર્ડિંગમાં મૂકવાનો.

એ કહે છે‘ હજારો છોકરાઓ ભણે છે બૉર્ડિંગ સ્કૂલમાં. કરણ સ્વતંત્ર રહેતાં શીખશે ને તું પણ તારી કેરિયરમાં આગળ વધી શકશે’ [5]

ચિત્રાને મોનિષાનો હૉસ્ટેલ વાળો ઉપાય ગમી ગયો.તેના મનના કોઈક ખૂણે મોટી ઈન્ટરનેશનલ ફાર્મા સ્યુટિકલ કંપનીના માર્કેટિંગ મેનેજર તરીકે દેશવિદેશમાં ફરતા રહેતા અને પોતાના પગાર ‚પ્રમોશન અને પ્રશંસાથી ક્યારેય પ્રભાવિત ન થયેલા પતિને પોતે પણ કંઈ એનાથી ઓછી ઉતરતી નથી જ એ બતાવી દેવાની ભાવના તો હતી જ . કુંતીની જેમ આવેલી ઑફર ઠુકરાવી પોતાની ભૂલનો ભોગ પોતે જ નહોતી બનવા માંગતી. એણે કરણ માટે ઈન્ટરનેટ પરથી જ હૉસ્ટેલ પસંદ કરી લીધી.ઢોરને પણ નવા માલીકના ખિલે બાંધતા પહેલા એને એનું હેવાયું કરવું પડે છે. અહીં તો માતા પૂત્રને જ્યાં મૂકવાનો છે એ હૉસ્ટેલ પણ પોતે જાતે જોવા કે પૂત્રને ત્યાં લઈ જઈને બતાવવાને બદલે પિક્ચરના હેરી પોર્ટરની હૉસ્ટેલ બતાવી સંતોષ માની લે છે!. ચિત્રાએ પોતાને ઘર પરિવાર સાથે જોડી રાખતી સ્નેહની સાંકળની નબળી કડી – તોડી નાંખી.

સ્ત્રીના માતૃ સ્વરુપને ભલે પૂજનીય માનવામાં આવતું હોય. બોટાદકર જેવા કવિએ ભલે ‘જનની ની જોડ સખી નહીં રે જડે રે લોલ ’એમ ગાયું હોય. પણ‚ જનનીની અંદર ધબકતી સ્ત્રી જ્યારે પોતે પોતાની લક્ષ્મણરેખા ક્યાં દોરવી જોઈએ એનો વિવેક ભૂલી જાય છે ત્યારે એની ભૂલનો ભોગ બને છે એનું ભુલકુ. એની ઈચ્છા જ્યારે મહેચ્છા બની જાય અને મહેચ્છા જ્યારે મહત્વાકાંક્ષામાં પરિણમે ત્યારે એને કોઈ સંબંધના બંધન બાંધી રાખી શકતા નથી .મહાભારતમાં કુંતી નવજાત પૂત્ર કર્ણ ને પાણીમાં વહાવી દેતા અચકાઈ નહોતી.આજની એડિટર ચિત્રા પણ ઈંગ્લેન્ડ જવાના માર્ગમાં બેડી રુપ બનેલા કરણને હૉસ્ટેલમાં મુકીને એ બેડી ખોલી નાંખે છે. પ્રશંસાથી પ્રેરાઈને કે ઉજ્જવળ કારકિર્દી માટે‚ તો ક્યારેક પતિ સમોવડી કે પુરુષ સમોવડી બનવાની લાહ્યમાં કેટલીયે ચિત્રાઓ પોતાના બાળકોની હેપીનેસનો એક યા બીજી રીતે ભોગ લેતી હશે !

આર્ય સંસ્કૃતિમા જેમને દેવ ગણી પૂજવામાં આવે છે એવા માતા - પિતા ઘર રુપી દેવાલયને આલય બનાવવા - માત્ર આર્થિક સંપત્તિની શોધમાં બહાર ભટકતા થયા છે.છતા માતા પિતાએ અનાથ શા એમના બાળકો હૉસ્ટેલોની મધર ટીચર પાસે ઉછરી રહ્યા છે. સંયુકત પરિવારની વાત ક્યાં કરવી – વિભકત પરિવાર પણ વિંખાતો – પિંખાતો જાય છે ત્યારે પ્રશ્ન થાય છે કે‘ એમને ક્યારે વરસતા વરસાદમાં પણ ફૂલો વેચીને‚ કોઈ ઊંચી ઈમારતના પગથિયે માતા અને પિતાની વચ્ચે બેસીને –ખાતો - હસતો કોઇ છોકરો દેખાશે? પોતાના બાળકની એવી કોઇ હેપીનેશને એમની આંખ ઓળખી શકશે ?’

આજની ઉછરતી પેઢીને રામાયણ કે મહાભારત વાંચવામાં કોઈ રસ નથી. એતો જે જુએ છે તે શીખે છે અને એ જ કરવા પ્રેરાય છે. ત્યારે‚માત્ર ‘હેતુ ગણતા હેતે ’હવે સમજી જવાની જરુર છે કે આજે શા માટે વૃધ્ધાશ્રમો વધી રહ્યા છે!

સંદર્ભ –

  1. 1. કાળી પરજ, વાર્તા સંગ્રહ પ્ર –સાલ ૨૦૧૪ – પૃ -૬૮‚
  2. 2. એજન પૃ -૬૫‚
  3. 3. એજન પૃ -૬૭‚
  4. 4. એજન પૃ -૬૭‚
  5. 5. એજન પૃ -૭૪

ડૉ. અર્ચના જી. પંડ્યા, ગુજરાતી વિભાગ, એસ.એલ.યુ આર્ટ્સ & એચ & પી ઠાકોર કૉમર્સ કૉલેજ ફૉર વિમેન- અમદાવાદ મો -૯૯૯૮૦૮૮૬૬૦