ધીરુભાઈ ઠાકરની વિવેચનપ્રતિભા
શ્રી ધીરુભાઈ ઠાકર એક સંનિષ્ઠ અધ્યાપક તરીકેની કારકિર્દી બજાવી ચૂક્યા છે. પરિણામ સ્વરૂપે તેમનું વિવેચન અધ્યાપકીય વિવેચનસજ્જતાથી ઘડાયું છે. એમના વિવેચનને જીવંત અને અસરકારક બનાવવાના અધ્યાપનકાર્યનો બહુ મોટો ફાળો રહ્યો છે. સાહિત્યિક પ્રશ્નોવિષયક ચિંતન, સફળ-નિષ્ફળ કૃતિઓનું મૂલ્યાંકન, સર્જકોની સાહિત્યસૃષ્ટિ વિશે તેમણે ઘણું લખ્યું છે. આધુનિક સાહિત્યનાં મર્મગ્રાહી વિવેચનોએ તેમને વર્તમાન પેઢીના વિવેચક તરીકે મોખરાનું સ્થાન અપાવ્યું છે. “રસ અને રુચિ”, “સાંપ્રત સાહિત્ય”, “પ્રતિભાવ”, “નાટ્યકળા”, “શબ્દ અને સંસ્કૃતિ”, “શબ્દનું સખ્ય” – આદિ વિવેચનસંગ્રહોમાંથી પસાર થતાં તેમનામાં રહેલી તર્કશીલતા, તટસ્થતા, અવલોકનશક્તિ, શુદ્ધ સત્યદર્શન, વિચારપ્રેરક તથા વિદ્વત્તાપૂર્ણ વિવેચકબુદ્ધિ તેમના વિવેચનનાં મહત્વનાં અંગ બની ગયાં છે.
ઠાકરસાહેબનાં વિવેચનમાં સમીક્ષા અને પ્રવાહદર્શન સવિશેષ જોવા મળે છે. વિવેચનને તેમણે યુગકર્તવ્ય ગણી વધાવી લીધું હોવાનું તેમના સંગ્રહો જોતાં માલૂમ પડે છે. “ન્હાનાલાલ : કવિ કે નાટ્યકાર?”, “જીવન, મૃત્યુ અને કવિતા : એક દૃષ્ટિ”, “સાહિત્યમાં નાવીન્ય”, “કવિશ્રી ન્હાનાલાલ : સવાસોમી જન્મજયંતી”, “સંસ્કારરક્ષક જ્ઞાનવીર”, “સાહિત્યિક ઇતિહાસ : સ્વરૂપ અને લેખનના કેટલાક મુદ્દાઓ”, “ગુજરાતી સાહિત્યમાં અદ્વૈત દર્શન”, “જલતી રહે મશાલ” જેવા લેખોમાં તેમની સમીક્ષા – અવલોકનશક્તિ અસરકારક રીતે આલેખાઈ છે. આ બધા લેખો જતાં તેમની રુચિ હંમેશાં સાહિત્યના નાના કે મોટા પ્રવાહો ઉપર મંડાયેલી રહે છે. તેન ખ્યાલ સ્પષ્ટપણે મળે છે. “સાહિત્યમાં રૂપવિધાન”, “આધુનિક કવિતાપ્રવાહની ત્રણ સેરો”, “સત્યશોધના ત્રિભેટા પર”, “દલિત સાહિત્ય”, “ગુજરાતી સાહિત્યની આજ”, “ગુજરાતી સાહિત્ય : એકવીસમી સદીનાં પરિબળઓ અને પડકારો”, “સવા શતાબ્દીનું સ્વારસ્ય”, “પ્રેમપરીક્ષા”, “દયારામનું ડ્રામૅટિક મૉનોલૉગ”, “અનુવાદ સાહિત્યિક આપત્તિ છે?” – આ સાહિત્યિક લેખક ધીરુભાઈના જાગ્રત વિવેચનના ઉત્તમ નમૂના છે. આ લેખોમાં તેમની વિચારસરણી નૂતન પ્રસ્થાનરૂપ બની રહેલ છે. કર્તા-કૃતિ-સમીક્ષાની તેમની આગવી સૂક્ષ્મ કલાસૂઝ તેમને અનંતરાય રાવળ પછીના ઉત્તમ વિવેચક ઠેરવે છે. ઘણી વાર બંગાળી, અંગ્રેજી સાહિત્યની શ્રેષ્ઠ કૃતિઓની ચર્ચા સંવેદનશીલતાથી આલેખી જાણે છે.
ધીરુભાઈ ઠાકરે ઈ. સ. 1963થી 2012 સુધીમાં આશરે બસોથી અઢીસો વિવેચનલેખો આપ્યા છે. આ વિવેચનલેખોમાં ઘણું વૈવિધ્ય જોવા મળે છે. તેમણે કોઈ લેખનું વિસ્તારથી તો કોઈનું સંક્ષેપમાં વિવેચન કર્યું છે. સંનિષ્ઠ વિવેચક ધીરુભાઈએ સાહિત્યનાં દરેક સ્વરૂપો; જેવાં કે નાટક, નવલકથા, નિબંધ, નવલિકા, ગઝલ, હાઇકુ, ખંડકાવ્યો વગેરે પર તેમણે વિવેચના આપેલી છે. કવિતા સાહિત્યસ્વરૂપમાં પદ્યસ્વરૂપલક્ષી લેખો ધ્યાન ખેંચે છે. “હાઇકુનું કાવ્યસ્વરૂપ અને તેનો ગુજરાતી સાહિત્યમાં પ્રયોગ”, “ગરબો-ગરબી”, “ખંડકાવ્ય : સ્વરૂપ અને વિકાસ”, “ કરુણપ્રશસ્તિ : સ્વરૂપ અને વિકાસ” જેવા સ્વરૂપલક્ષી લેખો છે. જેમાં આ સ્વરૂપની ગતિ-દિશા વિશેનું વિવેચન વિકાસાત્મક પ્રકારનું રહ્યું છે. “સ્વગત”, “મનોમુદ્રા” અને “સંકેત”, “રુદ્ર આક્રોશ કરતી રમ્યઘોષા”, “ઇન્દ્રજિતવધ”, “આત્મનિમજ્જન” જેવા કાવ્યસંગ્રહોની મુલવણી કાવ્યવિવેચનસાહિત્યમાં અદ્વિતીય બની છે. નવલકથાના સ્વરૂપના વિભાગમાં સાંપ્રત નવલકથાઓની ચર્ચા ઉલ્લેખનીય છે. જેમકે “અમૃતા”, “અસ્તિ”, “કાજળની કોટડી”, “ચહેરા”, “પૂર્વરાગ”, “ચૌલાદેવી”, “આપણો ઘડીક સંગ” – નવલકથાઓને પૂરી સજ્જતાથી નવા ઉન્મેષ સાથે આલેખી છે. આધુનિક નવલકથાની કેટલીક રચનાગત મર્યાદાઓ તરફ અંગુલિનિર્દેશ કર્યો છે. ટૂંકી વાર્તામાં “સાચાં શમણાં”, “રૂપકથા”, “વનછાયા”, “કાશીનું કરવત” જેવા લઘુલેખો ધ્યાનખેંચે છે. ગુજરાતી સાહિત્યનું વિવેચનનું વિવેચન કરતા લેખોમાં “ગુજરાતીમાં સાહિત્યિક ઇતિહાસલેખન”, “ગુજરાતી સાહિત્યની આજ”, “ગુજરાતી સાહિત્ય : એકવીસમી સદીનાં પરિબળો અને પડકારો”માં સાહિત્યના કેટલાક મહત્વના સંકેતો પામી શકાય છે. ધીરુભાઈના પછીના સંગ્રહોમાં એકંદરે આધુનિક-અનુઆધુનિક પ્રવાહ તરફ ગતિનિર્દેશ કરતા લેખો મહત્વના છે.
વિવેચક ધીરુભાઈએ સાહિત્યસ્વરૂપોની સાથે રજૂ કરેલા કેટલાક ઉત્તમ સર્જકોના યુગસંદર્ભો, એમનું દર્શન, દોષો, સર્જકત્વ વગેરે વગેરે મોટાભાગના લેખોમાં જોવા મળે છે. કર્તા – કૃતિઓના વ્યાપક સમગ્રલક્ષી અભ્યાસથી તેમનું સર્જન-અધ્યયન વિસ્તરેલું છે.
સાહિત્યનાં ઉત્તમ સર્જકોને લઈને લખતા લેખોમાં, “રાજેન્દ્ર શાહની કવિતા”, “એકાંકીકાર ઉમાશંકર”, “જયંતિ દલાલનાં કેટલાંક નાટકો”, “નાટ્યસર્જક ન્હાનાલાલ”, “પ્રવાલદ્વીપના કવિ”, “ચંદ્રવદન મહેતા : એક મિજાજ”, “મણિલાલ અને મણિશંકર”, “આચાર્ય આનંદશંકર ધ્રુવનું ધર્મચિંતન”માં તેના ગુણદર્શન પૂરી તટસ્થતાથી તપાસતા વિવેચકોમાં ધીરુભાઈ પ્રથમ હરોળમાં બિરાજે છે.
એક તટસ્થ વિવેચક તરીકેની તેમની વિશિષ્ટતા એ છે કે તેમના લેખોમાં કોઈ વિવાદનો મધપૂડો છેડ્યા વગર નિર્ભિક મનથી લેખની ચર્ચા કરે છે અને અંતે તેના મર્મને પકડી પાડીને સત્યનો સાક્ષાત્કાર કરાવે છે. એક “લઘુ ઇતિહાસ” સમાન ઝીણી ઝીણી વિગતો તેમના સંગ્રહોમાં અચૂક તારવેલી હોય છે. સત્યનિષ્ઠા અને સહૃદયવાળા આલેખનને કારણે એમના લખાણોમાં ક્યાંય પાંડિત્યનો દંભ જોવા મળતો નથી. પોતાના ઉમળકાને અને નાપસંદગીને અતિ સહજતાથી પ્રગટ થવાં દીધાં છે. કોઈને આઘાત આપે તેવું ક્લિષ્ટ લખાણ તેમના સંગ્રહમાંના લેખોમાં જોવા મળતું નથી. જેમકે, “કવિઓ કે વિદૂષકો?”, “દલિતસાહિત્ય” તેમના ઉત્તમ ઉદાહરણરૂપ છે.
સર્જક કે સાહિત્યકૃતિઓની વિશેષતાઓ ખોલતાંની સાથે જ મર્યાદાઓ પણ આપોઆપ સહજતાથી ધીરુભાઈ નોંધી લે છે જે એમનો વિવેચક તરીકેનો પ્રથમ મોટો ગુણ છે. મણિલાલ ન. દ્વિવેદી પરનો અભ્યાસ તેનો ઉત્તમ નમૂનો છે. આથી જ મણિલાલ પરના લેખો “જ્ઞાનમુખી કવિતા : આત્મનિમજ્જન”, “કાન્તા : એક અવલોકન”, “આત્મધર્મી પત્રકાર”, “મણિલાલ નભુભાઈ : સાહિત્ય અને તત્વજ્ઞાનનું અદ્વૈત?”, “મણિલાલ નભુભાઈનું સંશોધનકાર્ય”, “સંસ્કારરક્ષક જ્ઞાનવીર”, “ધર્મક્ષેત્ર કુરુક્ષેત્ર” વધુ ધ્યાન ખેંચે છે. તેમના કૃતિ-વિવેચનમાં વિવેચક તરીકેની સહૃદયતા, ઉત્તમકોટિની વિદ્વત્તા નોંધપાત્ર છે. ધીરુભાઈના વિવેચનલેખો ભાવકપક્ષે હંમેશાં પથદર્શક બન્યાં છે. મણિલાલ વિષયક લેખો તેના અભ્યાસીઓ માટે પર્યાપ્ત માત્રામાં સહાયરૂપ નીવડે છે. ધીરુભાઈના વિવેચનસંગ્રહોમાં ભાષાવિષયક કેટલીક કૃતિઓની રચનાગત મર્યાદા ધ્યાન ખેંચે છે; જેમકે,
“ઇન્દ્રજિતવધ : મહાકાવ્યનો એક પ્રયોગ” લેખમાં તેઓ લખે છે કે “દોલતરામની ભાષામાં એકંદરે સંસ્કૃતિની અર્થપ્રૌઢિ અને શિષ્ટતા છે. કવચિત્ અતિ સંસ્કૃતમયતાને કારણે એકિલષ્ટ બની જાય છે. કોઈવાર તેઓ સંસ્કૃત શબ્દની સાથે તળપદો શબ્દ મૂકે છે. તે બેહૂદું લાગે છે. કવચિત્ અતિસામાન્ય ઉક્તિથી ભાવની ગંભીરતા જોખમાય છે. “ઊંઘતાળું” શબ્દ ખટકે છે. એવું જ એક ઠેકાણે “વિયોગકાળે નીકળી ગઈ ડુશ” એમ કહ્યું છે. તે હાસ્યાસ્પદ છે. ક્યાંક ઉપમામાં ઔચિત્યનો ભંગ માલૂમ પડે છે.”(1)
“રમણલાલ વ. દેસાઈ : ગ્રામલક્ષ્મીની વિભાવના”માં જણાવે છે કે, “વધારે ખૂંચે તેવી બાબત ભાષાની છે. રમણલાલ કથનશૈલી રસાળ અને પ્રવાહી છે તે ખરું. તેમની ભાષામાં નાગરી છટાવાળી પ્રાસાદિકતા પણ છે. પરંતુ ગ્રામ-સમાજના સભ્યોના વાણીવર્તન હૂબહૂ ગ્રામવાતાવરણ ઉપસાવે તેવાં સ્વાભાવિક લાગતાં નથી. ક્વચિત્ ગ્રામબોલીની લઢણ કે લહેકો લાવવાનો પ્રયત્ન જોવા મળે છે, પરંતુ તે પન્નાલાલ કે પેટલીકરનાં ગ્રામીણ પાત્રોના જેવી વાસ્તવિક છાપ ઊભી કરી શકતાં નથી.”(2)
આધુનિક સાહિત્ય વિશે દિશાસૂચન કરતા લેખો અભ્યાસીઓ માટે કીમતી માર્ગદર્શન પૂરું પાડે છે. એમના લખાણમાં ક્યાંય પાંડિત્યનો ભાર વર્તાતો નથી. ધીરુભાઈની ગદ્યશૈલી પણ મુદ્દાસર વિશદ, અસંદિગ્ધ પ્રકારની છે. તેમની નિરૂપણરીતિમાં એક વિશિષ્ટ પદ્ધતિ છે. આકાશવાણી પર, સેમિનાર કે પરિસંવાદમાં વ્યાખ્યાનો આપતા હોય કે પછી ગોવર્ધનરામ કે મણિલાલ, કૃતિનું અર્થઘટન હોય – સાહિત્યપદાર્થનો નિષ્કર્ષ કાઢતી વખતે નીરક્ષીરભાવે અભિપ્રાય આપે છે. ઝીણવટભર્યું મૂલ્યાંકન કરવાની તેમની આડવત એક અનોખી સિદ્ધિ સમાન છે. તેમની પદ્ધતિ પણ તર્કબદ્ધ રહી છે. કોઈ પણ લેખની શરૂઆત કરતા પહેલાં વિવેચક ધીરુભાઈ તેની પૂર્વભૂમિકા બાંધીને જ લેખનો આરંભ કરતા હોય છે. ઠાકરસાહેબે કૃતિલક્ષી વિવેચનમાં જિજ્ઞાસુ ભાવકને હંમેશા ધ્યાનમાં રાખ્યો છે. તેમની કૃતિપસંદગીમાં સૌંદર્યલક્ષી સત્ત્વશીલ આલેખન અચૂક જોવા મળે છે. અભ્યાસપૂર્ણ, વિશદ, વિદ્વાન સંશોધકની ઝીણી દૃષ્ટિ, સંવેદનશીલતા, તેજસ્વી અભ્યાસપ્રવૃત્તિનો નિચોડ તેમાં હોય છે. તેમની કૃતિચર્ચા સર્જકની કૃતિનાં આંતરિક સૌંદર્યને ત્વરિત સૂઝ અને શક્તિથી આલેખી જાણે છે. આથી તેમની શૈલી સાદી, સરળ અને પ્રાસાદિક રૂપ ધારણ કરે છે. વિવેચક ધીરુભાઈની નિરૂપણરીતિ પણ આગવી ભાત પાડે છે. “કરુણપ્રશસ્તિ : સ્વરૂપ અને વિકાસ” લેખનો વાર્તાલાપરીતિએ ઉઘાડ કરે છે.
“આપણે જેને જીવન કહીએ છીએ તેના કરતાં વિશેષ વ્યાપક અને ઊંડો પ્રભાવ સર્જકકળાકારના ચિત્ત પર મૃત્યુ પાડી જાય છે. અસ્તિત્વને મૂળમાંથી હચમચાવી દે તેવું સંવેદનમૃત્યુ પછી બીજાનંબરે પ્રેમનું સંવેદન આવે. બેમાં ફેર એ કે પ્રેમનો અનુભવ માણસ જીવતાં પ્રત્યક્ષ કરી શકે છે, જ્યારે મૃત્યુનો અનુભવ તો કલ્પનાથી જ થઈ શકે.:”(3)
તો ક્યાંક કૃતિનાં મુખ્ય-ગૌણ હાર્દનું સમભાવપૂર્વકનું મૂલ્યાંકન તેમની આગવી સૂઝ છે. “ગુલાબસિંહ”ના સમાંતર ગાળામાં “સરસ્વતીચંદ્ર”ની રચના થતી હતી. આપણે ત્યાં નવલકથા ઉદયોન્મુખ અવસ્થામાં હતી ત્યારથી જ “સરસ્વતીચંદ્ર” અને “ગુલાબસિંહ” જેવી, મિષ્ટ ને પથ્ય જ્ઞાનનો ખોરાક પૂરો પાડતી, ચિંતનાત્મક નવલો સાંપડી તેને આપણું સદભાગ્ય ગણવું જોઈએ. સસ્તા રંજનને લક્ષતી, જીવનની સપાટી ઉપર જ ઘણુખરું ફરીને કેવળ સ્થૂળ વૃત્તિઓને ઉત્તેજતી પ્રસંગપ્રધાન નવલકથાઓના આધુનિક સમયમાં પણ ઉચ્ચ પ્રતિની નવલ માટે ઘણુંખરું આપણે એ જ્ઞાનમાર્ગી કૃતિઓ તરફ આંગળી ચીંધવી પડે છે. આ દૃષ્ટિએ “સરસ્વતીચંદ્ર”ની સાથે “ગુલાબસિંહ”નું પણ આપણા સાહિત્યમાં મહત્વનું સ્થાન ગણવું જોઈએ. (“ગુલાબસિંહ” : એક સમીક્ષા)(4)
વિવેચક ધીરુભાઈએ ક્યારેક નવોન્મેષ સર્જકોના સાહિત્યસર્જનમાં વિશેષ દર્શન કરાવી પોતાનો અભિગમ સ્પષ્ટ કર્યો છે. અતિ સૌમ્ય અને સદભાવથી સર્જકોની નવીન સાહિત્યકલા – સર્જનકલાને વખાણે છે; જેમકે, “અમૃતા”માં નિરૂપતિ ઉદયન, અનિકેત અને અમૃતાના મનોલોકનું ચિત્ર ફરીફરીને ગમે તેવું રમ્ય અને રસદાયક છે. રઘુવીરની પ્રતિભાનો ઉન્મેષ એમાં દેખાય છે.”(5)
“પૂર્વ અને પશ્ચિમની સંસ્કૃતિના ભવ્ય સમન્વયનું ગાન કરનાર ભારતીય ઋષિકુળના કવિવર રવીન્દ્રનાથના જીવનની આ કથા નવી પેઢીને પ્રેરક નીવડશે એમાં શંકા નથી. સરેરાશ સાહિત્યરસિકજનને પણ તે રવીન્દ્રનાથના સાહિત્ય તરફ અભિમુખ કરશે. વળી ગુજરાતી ભાષામાં રવીન્દ્રનાથના જીવનની સંપૂર્ણ કથા અહીં પહેલી વાર ઉપલબ્ધ થાય છે તે દૃષ્ટિએ પણ સુઘડ છપાઈ અને સુંદર ચિત્રોથી મઢેલું આ પુસ્તક આવકારપાત્ર છે.” (“આસ્વાદ્ય રવીન્દ્રચરિત)”(6)
સાહિત્યના વિદ્વાન ધીરુભાઈના નામને છાજે એવી એમની વિવેચનપ્રવૃત્તિનાં કેટલાંક લક્ષણો ઊડીને આંખે વળગે છે. ધીરુભાઈની વિવેચનકલા વિશે ઉશનસે યથાર્થ જ બાર લક્ષણો તારવ્યાં છે. “મહદંશે જીવનલક્ષિતા, પૂર્વગ્રહમુક્તિ, વાદપ્રતિબદ્ધતાથી મુક્તિ, આધુનિક નવી ભાવના પરત્વે પણ ખુલ્લું મન, સર્વાંગીણ સંશોધનદૃષ્ટિ તથા તટસ્થ સમાલોચના, નીરક્ષીરવિવેક, નિષ્પક્ષપાતતા, વિશદતા, સમભાવપ્રેરિત નિર્મળતા, અધ્યાપકીયતા, અભિજાત શિક્ષકની રીતિ એટલે કે ક્રમિકતા ને સાંગોપાંગતા, બંને છેડાની અતિઉગ્રતાનો અભાવ.”(7), ઉશનસનું પ્રત્યેક વિધાનલક્ષણ વિવેચક ધીરુભાઈના વિવેચનની આગવી સર્જનાત્મક છાપ મૂકી જાય છે જે ચિરસ્થાયી છે. ઉપર્યુક્ત લક્ષણો જોતાં કહી શકાય કે તેમની વિવેચનપ્રતિભામાં ક્યાંક કોઈ પ્રકારે ઉપેક્ષાવૃત્તિ કે કઠોર વર્ણન જોવા મળતું નથી. તેમના નામને અનુરૂપ ધીર સ્થિર, સંપન્ન, વિવેચના તેમના લેખોમાં આગવી છાપ મૂકી જાય છે.
ડો. ધીરુભાઈએ એક પછી એક આપતાં વિવેચનપુસ્તકોમાં વિષયવસ્તુનો વ્યાપ અને સાહિત્યની સમૃદ્ધિ પામી શકાય છે. તેમનો લેખો શુષ્ક માહિતીસંચય ન બની રહેતાં રસપ્રદ અધિકૃત “સાહિત્યના જ્ઞાનકોશ”ના પર્યાયરૂપ બન્યા છે, એમ કહેવામાં જરાય અતિશયોક્તિ નથી. સર્જક ધીરુભાઈના વિવેચનનાં વિશિષ્ટ લક્ષણો જોતાં ગુજરાતી સાહિત્યના વિવેચનક્ષેત્રે તેમનું આગવું અને ચિરંજીવ યોગદાન રહ્યું છે અને રહેશે.
સંદર્ભગ્રંથ
- 1. “રસ અને રુચિ”, ધીરુભાઈ ઠાકર, પૃ. 250
- 2. “શબ્દ અને સંસ્કૃતિ”, ધીરુભાઈ ઠાકર, પૃ. 138
- 3. “શબ્દનું સખ્ય”, ધીરુભાઈ ઠાકર, પૃ. 36
- 4. “રસ અને રુચિ”, ધીરુભાઈ ઠાકર, પૃ. 268
- 5. “સાંપ્રત સાહિત્ય”, ધીરુભાઈ ઠાકર, પૃ. 261
- 6. “શબ્દનું સખ્ય”, ધીરુભાઈ ઠાકર, પૃ. 191
- 7. “ચિરસ્થાયી મૂલ્યોનો ગ્રંથ” ઉશનસ્, “ગ્રંથ”, મે, 1983, અંક : 5, પૃ. 39
- 8. “શબ્દસુષ્મા”, રમણ સોની, પૃ. 126
- 9. “અતંદ્ર ચેતનાના વિવેચક”, પ્રવીણ દરજી, “સવ્યસાચી સારસ્વત”, સંપા. ભોળાભાઈ પટેલ અને અન્ય, પૃ. 212
- 10. “ડૉ ધીરુભાઈ ઠાકર”, ચિમનલાલ ત્રિવેદી, “પરબ”, જૂન 2009 અંક : 12, પૃ. 36
- 11. “રસ અને રુચિ”, ધીરુભાઈ ઠાકર, 1963, પૃ. 8
- 12. “સાંપ્રત સાહિત્ય”, ધીરુભાઈ ઠાકર, 1968, પૃ. 21
- 13. “નાટ્યક્ષેત્રે માતબર પ્રદાન”, મહેશ ચંપકલાલ, “સવ્યાસાચી સારસ્વત”, સંપા. ભોળાભાઈ પટેલ અને અન્ય, પૃ. 234
- 14. “સાંપ્રત સાહિત્ય” : ધીરુભાઈ ઠાકર, પૃ. 232
- 15. એજન, પૃ. 251
- 16. “ચિરસ્થાયી મૂલ્યનો ગ્રંથ”, ઉશનસ, “ગ્રંથ”, મે, 1983, અંક : 5 પૃ. : 41
- 17. સાંપ્રત સાહિત્ય : ધીરુભાઈ ઠાકર, પૃ. 351
- 18. પ્રતિભાવ, ધીરુભાઈ ઠાકર, પૃ. 5
- 19. “પ્રતિભાવ”નો પ્રતિભાવ, દિનમણિશંકર દેસાઈ, “ગ્રંથ”, ઓગસ્ટ 1972, અંક : 8, પૃ. 23
- 20. “સવ્યસાચી સારસ્વત”, સંપા. ભોળાભાઈ પટેલ અને અન્ય, પૃ. 231
- 21. પ્રતિભાવ, ધીરુભાઈ ઠાકર, પૃ. 152
- 22. “સુખદ વિક્ષેપ”, નટુભાઈ રાજપરા, “ગ્રંથ”, માર્ચ, 1974, અંક : 3, પૃ. 31
- 23. “શ્રી ધીરુભાઈ ઠાકરનું નાટ્યક્ષેત્રે પ્રદાન”, મહેશ ચંપકલાલ, “પરબ”, જુલાઈ 2009, અંક : 1, પૃ. 64
- 24. “નાટ્યવિદ અધ્યાપકનો અનુભવસમૃદ્ધ ઉપહાર”, વિનોદ અધ્વર્યુ, “સવ્યસાયી સારસ્વત”, સંપા. ભોળાભાઈ પટેલ અને અન્ય, પૃ. 240
- 25. “નાટ્યકાર : સિદ્ધાંતચર્ચા કે આચારસંહિતા?”, સતીશ વ્યાસ, “બુદ્ધિપ્રકાશ”, ડિસેમ્બર 1985, અંક : 12, પૃ. 451
- 26. “ગ્રંથની કેડીએ”, લે. રમણલાલ જોશી, પૃ. 46
- 27. “શબ્દ અને સંસ્કૃતિ : એક અવલોકન”, મધુસૂદન પારેખ, “બુદ્ધિપ્રકાશ”, જૂન 2003, અંક 6, પૃ. 17
- 28. “કેટલાંક સાહિત્યિક વિવાદો”, ધીરુભાઈ ઠાકર, પૃ. 265
- 29. “ગાંધીજી અને પાંચ સાક્ષરો”, ધીરુભાઈ ઠાકર, પૃ. 3