ભારતીય સમાજમાં સ્ત્રીત્વનું વૈવિધ્ય

More on Portrayal of Women in Literary World

પુરાણ અનુસાર સ્ત્રીની ઉત્પત્તિ શતરૂપામાંથી થઈ છે એ ઘણી બધી રીતે સૂચક છે. શતરૂપા એટલે જ સ્ત્રીનાં સો રૂપ અથવા અનેક રૂપ. સમાજનાં પાયાનાં બે અંગ એટલે સ્ત્રી અને પુરુષ. આપણો પ્રારંભિક સમાજ સ્ત્રીપ્રધાન હતો, જે પછીથી પુરુષપ્રધાન બન્યો છે. સમાજ નામની સંસ્થામાં સ્ત્રીનું મુખ્ય અને પાયાનું સ્થાન છે. તે જન્મદાત્રી છે, પોષક છે અને સંવર્ધક છે. સામાજિક ધોરણે એણે અનેક પ્રકારની પ્રવૃત્તિના આધારે અનેક પાત્રતા કે વિશેષણો પ્રાપ્ત કરેલ છે. એમાં કેટલાંક પોતે સિદ્ધ કર્યાં અને કેટલાંક સમાજે આપેલ છે. ભારતીય સમાજમાં સ્ત્રીત્વનાં આવાં પાસાંઓમાં અનેક પ્રકારનું વૈવિધ્ય છે. સારાં અને નરસાં બન્ને પાસાં પરના એક વિહંગાવલોકન દ્વારા પ્રાચીન અને મધ્યકાલીન ભારતમાં સ્ત્રીનું શું સ્થાન હતું તેની એક ઝાંખી કરાવવાનો અત્રે નમ્ર પ્રયાસ છે.
ભારતીય સમાજમાં સ્ત્રી દીકરી, બહેન, પ્રેયસી, પત્ની, માતા, રાણી, દેવી, વિધવા, સતી, નર્તકી, નાયિકા, ગણિકા, દેવદાસી ઈત્યાદિ સ્વરૂપે સ્વીકારાઈ છે. એના જીવનનાં આ પાસાંઓનું ધર્મશાસ્ત્રો, નીતિશાસ્ત્રો, પુરાણો, કાવ્યો, નાટકો ઈત્યાદિમાં જે વિવિધતાભર્યું સ્થાન છે તેનો માત્ર એક સામાન્ય પરિચય આપવાનું અત્રે અભિપ્રેત છે. વેદ, ઉપનિષદો, સંહિતાઓ, સ્મૃતિગ્રંથો, મહાકાવ્યોના આધારે સ્ત્રીના વૈવિધ્યસભર જીવન અને તેના સામાજિક દરજજા પરત્વે માત્ર એક આછી રૂપરેખા આપવાનો મારો ઉદ્દેશ છે.
આદર્શ સ્ત્રી કે પતિવ્રતા સ્ત્રી કેવી હોવી જોઈએ? કામકાજમાં સહાયક બનનાર મંત્રી જેવી, ઘરકામમાં વિનમ્રતા દાખવતી દાસી જેવી, ભોજન કરવવામાં માતા જેવી, શરીરસુખ આપવામાં રંભા અપ્સરા જેવી, ધર્મને અનુકૂળ વ્યવહાર કરનારી અને ધરતીની જેમ ભાર ઉપાડનારી તેમજ ક્ષમા આપનારી હોવી જોઈએ :
કાર્યેષુ મંત્રી કરણેષુ દાસી ભોજયેષુ માતા શયનેષુ રમ્ભા,
ધર્માનુકૂલા ક્ષમયા ધરિત્રી સાદ્ગુણ્યમેતિદ્ધિ પતિવ્રતાનામ્.
‘પદ્મપુરાણ’માં પણ કહેવાયું છે કે પતિવ્રતા પત્ની એ છે જે કાર્યમાં દાસી, રતિકર્મમાં વેશ્યા, ભોજન કરાવવામાં માતા અને વિપત્તિમાં મંત્રી જેવી સહાયક હોય.
સ્ત્રીનું આદર્શરૂપ પ્રાચીન કાળથી દેવી સ્વરૂપે છે. દેવીરૂપે સર્જન અને પોષણના સંદર્ભે વૈદિક કાળથી જ અત્યંત મહત્ત્વ સ્થાપિત થયેલું છે. સર્વશક્તિમયી દેવીની ઉપાસના અત્યંત પ્રાચીન કાળથી જ વિવિધ રૂપમાં પ્રચલિત રહી છે. જીવનના ઉદ્ગમ અને વિકાસનું કોઈ અંગ એવું નથી જે માતૃશક્તિથી ઉદ્ભાષિત ન થયું હોય. કહેવાયું છે કે-
સર્વદેવમયી દેવી સર્વદેવીમયં જગત્,
યતો હં વિશ્વરૂપા ત્વાં નમામિ પરમેશ્વરીમ્.
ભારતમાં સ્ત્રીનો આદર અનેક રીતે કરવામાં આવ્યો છે. ‘બૃહત્સંહિતા’માં કહેવામાં આવ્યું છે કે ‘સ્ત્રી માટે જ ધર્મ અને અર્થનો સંગ્રહ કરવામાં આવે છે, પુત્રવિષયક સુખ પણ એનાથી જ પ્રાપ્ત થાય છે. આથી માન જ જેનું ધન છે એવા શ્રેષ્ઠ પુરુષો માટે એ યોગ્ય છે કે ઘરમાં અબળાઓને ગૃહલક્ષ્મી સમજીને સદાય એમનો આદર કરવો.’ ‘મહાભારત’ પણ કહે છે કે ‘જયાં સ્ત્રીનો અનાદર થાય છે ત્યાં બધી ક્રિયાઓ નિષ્ફળ થઈ જાય છે.’ અને ‘જયાં સ્ત્રીઓ પૂજાય છે ત્યાં દેવતાઓ ખુશ થાય છે.’ ‘મનુસ્મૃતિ’માં એક બાજુ સ્ત્રીની ફરજો વિશે કડક શબ્દોમાં આકાંક્ષા આપવામાં આવી છે તો બીજી બાજુ સ્ત્રીનો આદર પણ કરવાનું કહેવાયું છે. તેમાં પ્રસિદ્ધ શ્લોક છે કે-
યત્ર નાર્યસ્તુ પૂજયન્તે રમન્તે તત્ર દેવતાઃ,
યત્રૈતાસ્તુ ન પૂજયન્તે સર્વાસ્તત્રાફલાઃ ક્રિયાઃ.
અર્થાત્ જે કુળમાં સ્ત્રીઓની પૂજા થાય છે, એના પર દેવતા પ્રસન્ન થાય છે અને જે કુળમાં એની પૂજા નથી થતી તે કુળનાં બધાં કર્મ નિષ્ફળ થાય છે.  એટલે કે કદીય સ્ત્રીઓનો અનાદર ન કરવો જોઈએ. આ ઉપરાંત ‘મનુસ્મૃતિ’માં એમ પણ કહેવામાં આવ્યું છે કે ‘જે કુળમાં સ્ત્રી શોક કરે છે એ કુળ શીઘ્ર નષ્ટ થઈ જાય છે અને જે કુળમાં એ શોક નથી કરતી તે કુળ કાયમ ઉન્નતિ કરે છે.’
સ્ત્રીને માતા તરીકે પ્રાચીન કાળથી જ ભારતીય પરંપરામાં પ્રતિષ્ઠિત કરવામાં આવી છે અને બહુમાન કરવામાં આવ્યું છે. ‘યાજ્ઞવલ્ક્યસ્મૃતિ’ કહે છે કે ‘ગુરુ, આચાર્ય અને ઉપાધ્યાય કરતાં પણ માતા વિશેષ છે.’
માતા સિવાય ઘરની સ્વામિની કે ગૃહલક્ષ્મી તરીકે સ્ત્રીને ખૂબ જ વધાવવામાં આવી છે. ‘મહાભારત’માં કહેવાયું છે કે-
ન ગૃહં ગૃહમિત્યાહુર્ગૃહિણી ગૃહમુચ્યતે,
ગૃહં હિ ગૃહિણીહીનમરણ્યસદૃશં મતમ્.
અર્થાત્ ઘરને ઘર નથી કહેવામાં આવતું, પત્ની જ ઘર કહેવાય છે. કેમકે પત્ની વિનાનું ઘર વન સમાન હોય છે.
જન્મદાત્રી માતા અને ગૃહસ્વામિની સ્ત્રીનું પત્ની તરીકેનું સ્થાન ભારતીય પ્રણાલિમાં ભવ્ય અને ઉચ્ચ કક્ષાનું સ્થાપવામાં આવેલ છે. પત્ની તરીકેની સ્ત્રી પાસે અનેક ક્ષમતાઓ અને અપેક્ષાઓ રાખવામાં આવી છે અને આદર્શ પત્ની કેવી હોય તેની વિભાવના તમામ શાસ્ત્રોમાં દર્શાવવામાં આવી છે. એટલે જ ‘પંચતંત્ર’ કહે છે કે ‘જે સ્ત્રી પર એનો પતિ પ્રસન્ન નથી થતો એને સ્ત્રી નહિ માનવી જોઈએ. પતિના પ્રસન્ન થવાથી બધા દેવતાઓ સ્ત્રી પર પ્રસન્ન થાય છે.’
પતિવ્રતા સ્ત્રી અંગે શાસ્ત્રવચન અત્યંત અપેક્ષાથી સભરસભર છે. ‘મહાભારત’માં એવી અપેક્ષા રાખવામાં આવી છે કે ‘પતિવ્રતા સ્ત્રીઓ પતિના શયન પછી શયન કરે છે, ભોજન, સ્નાન વગેરે કાર્યો પતિના પછી કરે છે. પતિની ઈચ્છા વિરુદ્ધ આભૂષણ નથી પહેરતી, કયારેય કોઈની નિંદા નથી કરતી. એ જ એનાં કર્તવ્ય છે.’ સ્ત્રીના ધર્મ કેવા હોય એ અંગે પણ ‘મહાભારત’ કહે છે કે ‘કુલીન, સંતાનવતી, સતી, સાધ્વી, નિત્ય પતિને અનુકૂળ રહેનારી ધર્મપત્ની હોય એ સ્ત્રીનો ધર્મ છે.’ પત્ની તરીકેની ફરજ દર્શાવતાં ‘મહાભારત’ એમ કહે છે કે-
સા ભાર્યા યા ગૃહે દક્ષા સા ભાર્યા યા પ્રજાવતી,
સા ભાર્યા યા પતિપ્રાણા સા ભાર્યા યા પતિવ્રતા.
અર્થાત્ પત્ની એ છે જે ઘરના કામકાજમાં કુશળ હોય, સંતાનવતી હોય, પતિને પ્રાણની સમાન પ્રિય માને અને જે પતિવ્રતા હોય. એ જ રીતે ‘રામાયણ’માં વાલ્મીકિ કહે છે કે ‘સમાજમાં એ જ સ્ત્રીઓનો આદર થાય છે જે સત્ય, સદાચાર, શાસ્ત્રોની આજ્ઞા તથા કુલોચિત મર્યાદામાં રહે છે અને જે પતિને સર્વશ્રેષ્ઠ દેવતા માને છે.’
સ્ત્રીધર્મ વિશે શંખ કહે છે કે પતિ કે વડીલોની આજ્ઞા વગર બહાર ન જવું; ઉત્તરીય કે દુપટ્ટા જેવા ઉપરના વસ્ત્ર વિના બહાર ન જવું; ઝડપથી ન ચાલવું; વેપારી, સંન્યાસી, વૃદ્ધ પુરુષ અને વૈદ્ય સિવાય કોઈ અન્ય અપરિચિત પુરુષ સાથે વાત ન કરવી; નાભિ ન દેખાડવી; વસ્ત્રને પગની એડી ઢંકાય ત્યાં સુધી પહેરવાં; સ્તન ન દેખાડવાં; હાથ અથવા વસ્ત્રથી મુખ ઢાંકીને જ જોરથી હસવું, પોતાના પતિ અથવા સંબંધીજનની ઘૃણા ન કરવી; ગણિકા, જુગાર રમનારી સ્ત્રી, અભિસારિકા, સંન્યાસિની, ભવિષ્યકથન કરનારી સ્ત્રી, જાદુટોણાં કે ગુપ્ત વિધિ કરનારી સ્ત્રી ઈત્યાદિનો સંગાથ ન કરવો. કેમકે વિદ્વાન લોકોએ કહ્યું છે કે સારા ઘરની સ્ત્રી પણ ખરાબ લોકોની સંગતને કારણે બગડી જાય છે. આમ, પત્ની અથવા સ્ત્રી તરીકે સમાજે અનેક ઉચ્ચ આકાંક્ષો સેવેલ છે.
ભારતીય સમાજમાં પુત્રીના જન્મ કરતાં પુત્રજન્મને જ વધારે સ્પૃહણીય માનવામાં આવેલ છે. આવી માન્યતા જ સ્ત્રીનું નીચલું સ્તર દર્શાવે છે. ‘પંચતંત્ર’માં પુત્રીની આવી અનિચ્છનીય સ્થિતિને દર્શાવતાં કહેવામાં આવ્યું છે કે ‘‘‘પુત્રીનો જન્મ થયો’ એનાથી જ પિતાને ખૂબ મોટી ચિંતા થવા લાગે છે. એને કોને આપવામાં આવે એવી ચિંતા કાયમ મનમાં રહે છે. વિવાહ પછી પતિથી સુખ મળશે કે નહિ એવો મનમાં સંશય રહે છે. એટલા માટે સાચે જ કન્યાના પિતા હોવું તે કષ્ટદાયક છે.’ એમાં એમ પણ કહેવાયું છે કે ‘કન્યા જન્મ લેતાં જ માતાને ચિંતિત કરે છે, ભાઈઓના શોકથી વધે છે અને પતિ દ્વારા પરાધીન હોવા છતાં નિંદિત કર્મ કરે છે. એટલા માટે કન્યારૂપી વિપત્તિને પાર કરવી અત્યંત કઠિન છે.’
એક બાજુ કન્યાને ભારરૂપ માનવામાં આવી છે તેમ અન્ય રીતે કન્યાનું સન્માન કરવાનું પણ કહેવાયું છે. ‘મનુસ્મૃતિ’ કહે છે કે ‘પોતાનું કલ્યાણ ઈચ્છનાર કન્યાના પિતા, ભાઈ, પતિ અને દેવરે સદા કન્યાનું પૂજન કરવું જોઈએ તથા વસ્ત્રાભૂષણથી એને અલંકૃત કરવી જોઈએ.’
પોતાના પતિની પાછળ ચિતામાં બળી મરવાની કુપ્રથા પણ ભારતીય સમાજનું અંગ હતું. પરંતુ સતીપ્રથા ફરજિયાત નહોતી. આમ છતાં સતીત્વને મહાન પુણ્ય તો ગણવામાં આવે જ  છે. ‘મહાભારત’માં કહેવાયું છે કે ‘એમાં જરા પણ શંકા નથી કે પતિની સાથે જ મૃત્યુનો સ્વીકાર કરવો એ પત્ની માટે મહાન ફળદાયક છે.’ ‘દક્ષસ્મૃતિ’ પણ એમ જ કહે છે :‘જે વિધવા નારી પોતાના પતિની ચિતા પર ભસ્મ થઈ જાય છે તે સ્વર્ગમાં અનંત સુખ પ્રાપ્ત કરે છે.’
સતીપ્રથા જેમ નિંદ્ય છે તેમ ભારતમાં વિધવાઓની સ્થિતિ પણ નિંદનીય છે. પ્રાચીન કાળથી જ વિધવાઓ ઉપર જાતજાતનાં નિયંત્રણો અને નિયમો સ્થાપિત કરવામાં આવેલ છે. આવાં નિયંત્રણો આપતાં  ‘હારીતસંહિતા’માં કહેવામાં આવ્યું છે કે ‘કેશ રંગવા, પાન ખાવું, સુગંધ તથા પુષ્પાદિનું સેવન કરવું, દાગીના પહેરવા, રંગીન વસ્ત્રો પહેરવાં અને કાંસાના વાસણમાં ભોજન કરવું - આ બધાનો વિધવાએ ત્યાગ કરવો જોઈએ.’એવા જ આકરા નિયમોના પાલન અંગે મનુ પોતાનો મત આપતાં કહે છે કે ‘પતિનું મૃત્યુ થવાથી પવિત્ર પુષ્પ, કંદ અને ફળના આહારથી શરીરને ક્ષીણ કરવું અને વ્યભિચારની ભાવનાથી પરપુરુષનું નામ પણ ન લેવું.’
તો એક સારું અને સબળ પાસું એ પણ છે કે વિધવાના પુનર્લગ્નની જોગવાઈ પણ ભારતીય પરંપરાએ કરેલી છે. ‘વસિષ્ઠસ્મૃતિ’માં એમ કહ્યું છે કે ‘માત્ર લગ્નની વિધિ થઈ હોય અને વિધવા થયેલી અક્ષતયોનિ સ્ત્રીનાં પુનર્લગ્ન થઈ શકે છે.’ પુનર્લગ્ન અંગેનું એક ક્રાંતિકારી વિધાન ‘અર્થશાસ્ત્ર’માં છે, જે સ્ત્રીના સામાજિક દરજજા પર ઘણો પ્રકાશ પાડે છે. કૌટિલ્ય કહે છે કે ‘નીચ, લાંબા સમયથી પરદેશમાં જતો રહેલ, રાજદ્રોહી, પોતાની પત્નીને ભય આપનાર, પતિત, સમાજથી ત્યાજય અને નપુંસક પતિને પત્ની છોડી શકે છે.’
નિયોગપ્રથા સ્ત્રીત્વનું એક વિશિષ્ટ પાસું છે. જે સ્ત્રીનો પતિ અપુત્રાવસ્થામાં મૃત્યુ પામે તે સ્ત્રીને જો સંતતિની ઈચ્છા હોય તે પોતાના દિયર અથવા અન્ય કૌટુંબિક પુરુષ દ્વારા સંતાન પ્રાપ્ત કરે તેને નિયોગ કહે છે. પાંડવો આવી જ રીતે દેવો વડે કુંતીના સંયોગથી જન્મ્યા હતા. ‘યાજ્ઞવલ્ક્યસ્મૃતિ’માં નિયોગ અંગે એમ કહેવામાં આવ્યું છે કે ‘પિતા વગેરે વડીલોની આજ્ઞાથી દિયર, સપિંડ અથવા સગોત્ર પુરુષે પોતાના શરીરને ઘી ચોપડી અથવા અપુત્રા સ્ત્રી પાસે ઋતુકાળમાં ગર્ભસ્થિતિ સુધી જ જવું. ગર્ભ રહ્યા પછી પણ જો ગમન કરે તો તે પતિત થાય છે. આ વિધિથી ઉત્પન્ન થયેલો પુત્ર ક્ષેત્રજ કહેવાય છે.’ આવી જ પદ્ધતિ ‘ગૌતમધર્મસૂત્ર’માં પણ દર્શાવવામાં આવી છે કે ‘પતિવિહીન સ્ત્રી જો પુત્રની અભિલાષા રાખે તો ગુરુજનોની આજ્ઞાથી તે પોતાના દેવર દ્વારા પુત્ર ઉત્પન્ન કરી શકે છે. જો દેવર ન હોય તો સપિંડ, સગોત્ર અથવા પોતાની જ્ઞાતિવાળા વ્યક્તિ દ્વારા જ પુત્ર પ્રાપ્ત કરી શકે છે.’
આ ઉપરાંત રીતરિવાજોની બાબતમાં સ્ત્રીત્વનાં અન્ય પાસાંઓ પણ ચર્ચવામાં આવેલ છે. આપણે પરદાપ્રથા કે ઘૂંઘટપ્રથાને આધુનિક માનીએ છીએ, પરંતુ એવું નથી. પરદાપ્રથા હોવાના ઘણા સંકેતો પ્રાચીન સાહિત્યમાં મળે છે. વૈદિક કાળમાં સ્ત્રીઓ વડીલોની લાજ કાઢતી હતી એવા સંકેતો મળે છે. કહેવાયું છે કે-
અધઃ પશ્યસ્વ મોપરિ સન્તરાં પાદકૌ હર,
મા તે કશપ્લકૌ દૃશન્ત્સ્ત્રી હિ બ્રહ્મા બભૂવિથ.
અર્થાત્ સાધ્વી સ્ત્રી, તું નીચે જો, ઉપર ન જો. પગને સાથે રાખ. વસ્ત્ર એ રીતે પહેર કે જેથી તારા હોઠ અને કેડની નીચેના ભાગ પર કોઈની નજર ન પડે. આ ઉપરાંત ‘રામાયણ’ અને ‘મહાભારત’માં પણ સ્ત્રીની લાજ કાઢવાના સંકેતો મળે છે.
વર્ણભેદ ભારતનું કલંક છે. સ્ત્રીના સંદર્ભે એ અત્યંત ઘૃણ્ય બને છે. ‘વિષ્ણુધર્મસૂત્ર’ તો એમ કહે છે કે ‘શ્યામવર્ણા શૂદ્ર સ્ત્રી માત્ર શારીરિક ઉપભોગ માટે છે, ધર્મકાર્ય માટે નહિ.’
ભારતમાં સ્ત્રી પર જે અનેક નિયંત્રણો છે તેમાંથી એક ખૂબ મોટું નિયંત્રણ એટલે સ્ત્રીને સ્વતંત્રતાનો અધિકાર ન આપવો તે. અનેક ધર્મશાસ્ત્રોએ સ્ત્રીને પરતંત્ર માની છે. ‘મહાભારત’ કહે છે કે ‘સ્ત્રીઓને સ્વાધીનતા નથી હોતી, એ નિશ્ચિતરૂપે પરાધીન છે. પ્રજાપતિનો એ મત છે કે સ્ત્રી કદી સ્વતંત્રતાને યોગ્ય નથી.’ આ જ પ્રમાણેનો સૂર ‘મનુસ્મૃતિ’ અને ‘મહાભારત’ બન્ને ઉચ્ચ સ્વરે આલાપે છે કે-
પિતા રક્ષતિ કૌમારે ભર્તા રક્ષતિ યૌવને,
પુત્રાશ્ચ સ્થવિરેભાવે ન સ્ત્રી સ્વાતન્ત્ર્યમર્હતિ.
અર્થાત્ પિતા કૌમાર્યમાં, પતિ યૌવનમાં અને પુત્ર વાર્ધક્યમાં સ્ત્રીનું રક્ષણ કરે છે એટલે સ્ત્રીને સ્વાતંત્ર્ય આપવું જોઈએ નહિ.
બહુપત્નીત્વ અને બહુપતિત્વ ભારતીય સામાજિકતાનાં અંગો રહી ચૂક્યાં છે. દ્રૌપદી, મારિશા વગેરે એનાં દૃષ્ટાંતો છે. આ બાબતે ‘મહાભારત’ કહે છે કે ‘કલ્યાણ કરવાવાળા પુરુષોએ ઘણી પત્નીઓ કરવી એ અધર્મ નથી, પરંતુ સ્ત્રીઓ માટે પ્રથમ પતિ પ્રત્યે પોતાનું કર્તવ્ય ન કરવું તે મહાન અધર્મ છે.’
આવી બધી નકારાત્મકતાની વચ્ચે સ્ત્રીના હક કે અધિકાર માટે પણ ઘણા ઉલ્લેખો થયેલા છે. સ્ત્રીને પણ ધનસંપત્તિ આપવાની ફરજ અંગે ‘અર્થશાસ્ત્ર’માં કહેવાયું છે કે ‘મુશ્કેલીમાંથી બચાવવા માટે સ્ત્રીઓને ધનયુક્ત બનાવવામાં આવે છે.’ એમ કહીને ‘અર્થશાસ્ત્ર’ બે પ્રકારનાં સ્ત્રીધન અંગે પણ કહે છે કે સ્ત્રીધન બે પ્રકારનાં હોય છેઃ ૧. જીવનનિર્વાહ કરવાનું સાધન તે વૃત્તિ અને ર. ઘરેણાંગાંઠાં તે આબધ્ય .
સ્ત્રી પર બળાત્કાર કરવામાં આવે તેને અત્યંત ઘૃણ્ય માનવામાં આવેલ છે, પરંતુ ભારતીય શાસ્ત્રો આવી સ્ત્રીની શુદ્ધિ થઈ શકે એમ કહીને એના પ્રત્યે ઉદાર વલણ પણ ધરાવે છે તે બાબત પ્રશંસાને પાત્ર છે. ‘વસિષ્ઠધર્મસૂત્ર’ કહે છે કે ‘સ્ત્રી પર બળાત્કાર કરવામાં આવે કે ચોર લઈ ગયો હોય તેવી આફતો આવે તો સ્ત્રીને પતિએ ત્યાગવી જોઈએ નહિ. તે પાછી પ્રાજાપત્ય હોમથી અથવા ઋતુદર્શન પછી પવિત્ર બની શકે છે.’ એમ જ રીતે ‘પારાશરસ્મૃતિ’ અને ‘અત્રિસ્મૃતિ’માં પણ કહેવામાં આવ્યું છે કે જો કોઈ સ્ત્રી સાથે કોઈક બળાત્કાર કરે તો તે ત્યાજય નથી ગણાતી. તે માત્ર આવનારા ઋતુકાળ સુધી જ અપવિત્ર રહે છે.
સ્મૃતિગ્રંથોમાં સ્ત્રીઓને પુરુષની સરખામણીમાં કેટલાક વિશેષાધિકારો આપવામાં આવ્યા છે અને કેટલીક ખાસ સુવિધાઓ આપવાનો નિર્દેશ કર્યો છે. એ પરથી સ્ત્રીસન્માન કે સ્ત્રીદાક્ષિણ્યની ભાવનાનું દર્શન થાય છે. જેમકે માર્ગમાં ચાલતી વખતે સ્ત્રી માટે રસ્તો કરી આપવો જોઈએ, ગર્ભવતી સ્ત્રીને નદી પાર કરવામાં મદદ કરવી જોઈએ. યજ્ઞ અથવા કોઈ અન્ય અવસર પર નિમંત્રણ આપવામાં આવ્યું હોય ત્યારે સ્ત્રીઓને પહેલાં ભોજન કરાવવું જોઈએ, સ્ત્રીઓએ પુરુષની અપેક્ષાએ અડધું જ પ્રાશ્ચિત કરવાનું હોય છે, ભોજનમાં બધાથી પહેલાં સુવાસિની કન્યાઓને ભોજન કરાવવું જોઈએ ઈત્યાદિ.
દિવ્ય એટલે સત્ય-અસત્યનું પારખું કરવું તે. અગ્નિપ્રવેશ, વિષ લેવું ઈત્યાદિ દિવ્ય ગણવામાં આવે છે. નારદ આવાં દિવ્ય સ્ત્રીઓને ગ્રહણ કરવાની ના કહે છે.  કાત્યાયને કહ્યું છે કે બધા પ્રકારના દંડોમાં જે દંડ પુરુષને મળતા હોય તેના કરતાં અડધી માત્રામાં જ સ્ત્રીને દંડ આપવામાં આવે. જો પુરુષને જે તે દંડ માટે મૃત્યુની સજા કરવામાં આવતી હોય તો તેવા જ પ્રકારના સ્ત્રીના અપરાધ માટે તેનાં અંગોનો વિચ્છેદ કરવો જોઈએ. મનુ કહે છે કે રથ પર બેઠેલાને, નેવું વર્ષથી વધારે આયુવાળી વ્યક્તિને, રોગીને, ભાર ઊંચકીને જનારાને, સ્ત્રીને, સ્નાતકને, રાજાને અને વરરાજાને માર્ગ કરી આપવો જોઈએ.
સ્ત્રી સાથે કોઈ પુરુષે વ્યભિચાર ઈત્યાદિ કુકર્મ કર્યું હોય તો તે  માટે આકરા દંડ કે સજાની જોગવાઈ કરવામાં આવી છે. એ જ રીતે જો સ્ત્રી પણ કોઈ અપરાધ કરે તો તેને માટે પણ આકરી સજાની જોગવાઈ કરવામાં આવી છે.
‘અર્થશાસ્ત્ર’માં કૌટિલ્યએ પરનારી સાથે બળાત્કાર કરનારને અને અવિકસિત છોકરી સાથે સંભોગ કરનારને દંડ આપવાનું કહેલ છે. જો કોઈ પુરુષ કોઈ વિકસિત અથવા યુવતી સાથે એની ઈચ્છાથી સંભોગ કરે તો તે પુરુષને પ૪ પણ (પ્રાચીન ચલણ) અને યુવતીને ર૭ પણ દંડ કરવામાં આવતો હતો. પોતાની જ જાતિની કન્યા, જે ત્રણ વર્ષ પહેલાં યૌવન પ્રાપ્ત કરી ચૂકી હોય પણ અવિવાહિતા હોય અને એની સાથે સંભોગ કરવામાં આવે તો તે મોટો અપરાધ માનવામાં નહોતો આવતો. લગ્નસંબંધમાં દેખાડવામાં અલગ કન્યા રજૂ કરવામાં આવે અને લગ્નમાં જુદી જ કન્યા આપવામાં આવે તો પણ દંડની જોગવાઈ હતી. જો પ્રવાસીની પત્ની વ્યભિચાર કરે અને એનો સંબંધી કે નોકર જો તે સ્ત્રીને નિયંત્રિત કરીને રોકી રાખે અને પતિ પાછો આવતાં તેને સોંપી દે એન એવી સ્ત્રીનો પતિ જો પોતાની પત્નીને માફ કરી દે તો પેલા પરપુરુષ પર કોઈ પગલાં લેવામાં આવતાં નહિ, પરંતુ જો વ્યભિચારિણીનો પતિ એમને માફ ન કરે તો સ્ત્રીનાં નાક અને કાન કાપી લેવાની સજા હતી અને વ્યભિચારી પુરુષને મૃત્યુદંડ આપવામાં આવતો હતો.
કેટલાક સંયોગોમાં સ્ત્રીનો ત્યાગ કરવાનું પણ કહેવામાં આવ્યું છે. ‘મનુસ્મૃતિ’માં એનો નિર્દેશ કરવામાં આવ્યો છે કે ‘પતિ પોતાની સાથે દ્વેષ કરવાવાળી સ્ત્રીની તે સુધરે તે માટે એક વર્ષ સુધી રાહ જુએ. જો સુધાર ન થાય તો એને આપવામાં આવેલ આભૂષણ ઈત્યાદિ એની પાસેથી લઈને એની સાથે સહવાસ કરવાનું છોડી દેવું જોઈએ.’આ રીતે આંશિક ત્યાગ સાથે સ્ત્રીને સુધરવાની તક પણ આપવામાં આવતી હતી. મનુ એમ પણ કહે છે કે ‘જે પત્ની જુગાર ઈત્યાદિને પ્રમાદયુક્ત, મદ્યપાનને કારણે મત્ત અને રોગથી પીડિત પતિની ઉપેક્ષા કરે તો પતિએ એનાં આભૂષણ ઈત્યાદિ લઈને ત્રણ મહિના સુધી સહવાસ ન કરવો જોઈએ.’
સ્ત્રીને સદાય આદરપૂર્વક રાખવી જોઈએ અને પરિસ્થિતિ પ્રમાણે તેને મારવી પણ જોઈએ. લાલન અને તાડન, પ્રેમાદર અને મારપીટને કારણે સ્ત્રી લક્ષ્મીનું રૂપ ધારણ કરે છે એમ ‘શંખસ્મૃતિ’માં કહેવાયું છે. સામાન્યતઃ સ્ત્રીને સત્કારપાત્ર નથી ગણવામાં આવી. સમાજમાં તેને નિમ્નતમ સ્થાન આપવામાં આવેલ છે અને દાસ, દુષ્ટ લોકો કે દુર્જનોની સાથે તેને મૂકવામાં આવી છે. કહેવાયું છે કે દુર્જનો, કારીગરો, નોકરો, દુષ્ટ લોકો, નગારાં અને સ્ત્રીઓ એ બધાંને મારોપીટો તો જ નરમાશ પામે છે. તેઓને પીટવાં જ જોઈએ કારણ કે તેઓ સત્કારપાત્ર નથી એમ ‘ગરુડપુરાણ’  કહે છે. ‘કથાસરિત્સાગર’માં પણ કહેવાયું છે કે ગધેડાં, ઢોલ, દાસી, પાળેલાં પશુઓ અને સ્ત્રીઓ-આ બધાંને દંડથી ભય બતાવીને ઉપયોગમાં લેવાં, કારણ કે તેઓ સનમાનને પાત્ર નથી.
ભારતીય સમાજમાં પ્રાચીન કાળથી જ સ્ત્રીત્વના અનેક આયામો નિરૂપવામાં આવ્યા છે અને સ્ત્રીને બહુરૂપિણીની રીતે પ્રસ્તુત કરવામાં આવેલ છે. તેમાંથી તેનાં મુખ્ય મુખ્ય પરિમાણો જોઈએ તો તે છે દાસી, વિષકન્યા, દેવદાસી અને ગણિકા તરીકેનાં પરિમાણો. દાસી અંગે ‘કાત્યાયનસ્મૃતિ’માં કહેવામાં આવ્યું છે કે જો કોઈ સ્ત્રી કોઈ દાસ સાથે લગ્ન કરે તો તે પોતાના પતિના સ્વામીની દાસી બની જાય છે. આ નિયમ એ કુલીન કુટુંબની સ્ત્રીના વિષયમાં પણ લાગુ પડે છે જે કોઈને ત્યાં આશ્રય લે છે. આશ્રયદાતા એને દાસી બનાવી લે છે અને અન્યને દાસીરૂપે આપે પણ છે.
આ ઉપરાંત વિષકન્યા કે વિષ પાઈને ઉછેરેલી સુંદર યુવતીને જાસૂસ તરીકે, કોઈનું મૃત્યુ કરવા માટે ખપમાં લેવામાં આવતી. ‘કથાસરિત્સાગર’માં એવો ઉલ્લેખ છે કે વત્સરાજની સેનામાં વિષકન્યાને બજારુ વેશ્યાના રૂપમાં સામેલ કરવામાં આવી હતી. કૌટિલ્યના ‘અર્થશાસ્ત્ર’માં પણ એનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ‘નટાદિવર્ગના પુરુષોની સ્ત્રીઓને પણ વિવિધ ભાષાઓનું તેમજ સંજ્ઞાઓનું જ્ઞાન અપાવવું અને તેમને તેમનાં બંધુજનો સહિત દુષ્ટ વિદેશી ચારને-ગૂઢ પુરુષોને પકડી પાડવા, મારી નખાવવાના, છેતરવાના કામમાં નિયોજી દેવી.’
દેવદાસી એટલે દેવને પરણાવવામાં આવેલી સ્ત્રી. પ્રાચીન સમયથી જ પોતાની કોઈ માનતાના ભાગરૂપે કન્યાને મંદિરમાં દેવદાસી તરીકે અર્પણ કરવામાં આવતી. કેટલીક સ્ત્રીઓ જાતે જ દેવને ર્અિપત થતી. આવી સ્ત્રીઓની પુત્રીઓ પણ દેવદાસી જ કહેવાતી. દેવદાસીનું કાર્ય મંદિરમાં નૃત્ય કરવાનું હતું. આ ઉપરાંત તે મંદિરના મહંતો, પૂજારીઓ ઈત્યાદિના ઉપભોગનું સાધન પણ હતી. ઘણી દેવદાસીઓ ગણિકાવ્યાવસાય કરીને ગુજરાન ચલાવતી. દેવદાસી દેવને વરેલી હોવાથી તે લગ્ન ન કરી શકતી. ભીમદેવની રાણી ચૌલા પણ દેવાદાસી હોવાની માન્યતા છે. ‘પદ્મપુરાણ’માં આ પ્રમાણે દેવને સ્ત્રી અર્પણ કરવાનો નિર્દેશ કરવામાં આવ્યો છે કે ‘લાંબા સમય સુધી સ્વર્ગમાં વાસ કરવો હોય તો સુંદર સ્ત્રીઓને ખરીદીને મંદિરમાં અર્પણ કરવી જોઈએ.’ આ ઉપરાંત ‘ભવિષ્યપુરાણ’માં એમ કહેવામાં આવ્યું છે કે ‘જો સૂર્યલોકને પામવો હોય તો સૂર્યમંદિરમાં ગણિકાઓનું જૂથ અર્પણ કરવું જોઈએ.’
ગણિકા, વેશ્યા કે સામાન્યા સ્ત્રીના સ્તરમાં નિમ્નતમ સ્થાન ધરાવે છે, પરંતુ પ્રાચીન ભારતમાં ગણિકાનું સ્થાન સન્માનનીય હતું. વૈશાલીની નગરવધૂ આમ્રપાલિ, ‘મૃચ્છકટિકમ્’ નાટકની નાયિકા વસંતસેના ઈત્યાદિના ઉલ્લેખ પરતી એમ ફલિત થાય છે. પરંતુ ગણિકાને તિકસ્કૃત ગણવામાં આવે છે એ કહીકત છે. પુરુષ જ ગણિકાવ્યવસાયને પ્રોત્સાહન આપતો હોવા છતાં સ્ત્રીત્વના આ આયામને ખૂબ જ વગોવવામાં આવેલ છે. શૂદ્રકના ‘મૃચ્છકટિકમ્’ નાટકમાં કહેવામાં આવ્યું છે કે ‘પર્વતના શિખર પર નલિની નથી ઊગતી, ગધેડાઓ ઘોડાગાડી નથી ખેંચતા, જુવાર વાવવાથી ચોખા નથી ઊગાડી શકાતા અને વેશ્યાઓ પવિત્ર નથી હોઈ શકતી.’
આ પ્રમાણે ભારતીય પ્રણાલિકામાં સ્ત્રીત્વનાં જમા અને ઉધાર એ બન્ને પાસાંઓ વિશે વિશદતાથી ચર્ચા વિચારણા કરવામાં આવી છે. એક બાજુ સ્ત્રીને બધા જ દોષોની ખાણ કહેવામાં આવી છે. તો બીજી બાજુ તેની અત્યંત પ્રશંસા પણ કરવામાં આવી છે. સ્ત્રીને સર્વદોષા માનીને ‘મહાભારત’માં કહેવામાં આવ્યું છે કે ‘ એક હજાર જીભ હોય અને સો વર્ષનું આયુષ્ય હોય તો પણ સ્ત્રીઓના દોષો પૂરા વર્ણવી શકાતા નથી.’ તો ‘પંચતંત્ર’ એમ કહે છે કે ‘આ સંસારમાં ધર્મને નષ્ટ કરવા માટે સંશયોની ડમરી, અવિનયનું ઘર, સાહસનું નગર, દોષોનું નિધાન, સેંકડો કપટોનું સ્થાન, અવિશ્વાસનું ક્ષેત્ર, વિશિષ્ટ મનુષ્યરૂપી બળદ દ્વારા પણ ન ખેડી શકાતું, સંપૂર્ણ માયાના કરંડિયા જેવું સ્ત્રીરૂપી યંત્રને કોણે બનાવ્યું છે?’એમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે ‘આ સ્ત્રીઓ પોતાનાં કાર્યોને સિદ્ધ કરવા માટે હસે છે અને રડે છે. બીજાને વિશ્વાસ અપાવે છે પણ સ્વયં કોઈનો વિશ્વાસ નથી કરતી. એટલા માટે કુલીન અને સદાચારી પુરુષોએ આ સ્ત્રીઓને શ્મશાનમાં રહેલ ઘડાની માફક છોડી દેવી જોઈએ.’
તો બીજી બાજુ સ્ત્રીના સદ્ગુણોની ભારોભાર પ્રશંસા કરવામાં આવી છે. અનેક પુરાણો, સ્મૃતિગ્રંથોમાં આવી દીર્ઘ યાદી આપવામાં આવી છે. એ સૌમાં ‘બૃહત્સંહિતા’ વિશિષ્ટ છે. એમાં સ્ત્રીના ગુણોને વિશિષ્ટ રીતે દર્શાવવામાં આવેલ છે. કહેવામાં આવ્યું છે કે ‘સ્ત્રીમાં જે અવગુણો દર્શાવવામાં આવ્યા છે તે તો પુરુષમાં પણ છે. એવા દોષોને સ્ત્રી દૂર કરવા પ્રયાસ કરે છે જયારે પુરુષ દુર્લક્ષ્ય સેવે છે.’ તદુપરાંત એવી દલીલ પણ એમાં છે કે ‘લગ્નની પ્રતિજ્ઞાઓ પુરુષ અને સ્ત્રી બન્ને માટે સરખી જ લાગુ પડે છે પણ સ્ત્રી તેને વળગી રહે છે અને પુરુષ તેને હળવાશથી લે છે.’ સ્ત્રીની કામુકતા અંગે વારંવાર આકરા પ્રહારો કરવામાં આવતા હોય છે. તેના જવાબરૂપે ‘બૃહત્સંહિતા’માં ધારદાર પ્રશ્ન પૂછવામાં આવ્યો છે કે ‘કોની કામુકતા વધારે તીવ્ર હોય છે? વૃદ્ધાવસ્થામાં પણ લગ્ન કરનાર પુરુષની કે યુવાવસ્થામાં વિધવા થવા છતાં આખી જિંદગી પવિત્રતા પાળનાર સ્ત્રીની?’ આવી તો અનેક સચોટ દલીલો દ્વારા સ્ત્રીત્વના સદ્ગુણો અને પુરુષના દુર્ગુણો એમાં દર્શાવવામાં આવેલ છે. જેમકે ‘કોનો પ્રેમ વધારે ઉચ્ચ હોય છે? પોતાની પત્નીઓને પ્રેમની મીઠી મીઠી વાત કહેનારો પણ પત્નીનું અવસાન થતાં તરત જ બીજાં લગ્ન કરનાર પુરુષનો કે પતિની સાથે જ પોતાનો પ્રાણ ત્યાગનાર સતી સ્ત્રીનો?’
આમ, સમગ્ર રીતે જોતાં, ભારતીય પરંપરિત શાસ્ત્રો અને સાહિત્ય પર એક દૃષ્ટિપાત કરતાં સ્ત્રીત્વનાં અનેક ઉત્તમ અને કનિષ્ઠ પાસાંઓ સુપેરે નિરૂપવામાં આવેલ છે. એમાંથી સમગ્ર રીતે ઉપસતી ભારતીય સ્ત્રીની સામાજિક સ્થિતિ ઉત્તમોત્તમ છે એટલી જ અધમોધમ પણ છે. ટૂંકમાં એમ કહી શકાય કે ભારતીયતામાં સ્ત્રીત્વ એટલે સદ્ અને અસદ્ની  આત્યંતિક પરિણતિ.

 

પ્રો. વિભા દવે    
સરકારી વિનયન કોલેજ
શહેરા, જિ. પંચમહાલ