ગુજરાતી કહેવતોમાંથી પ્રગટતી નારીની વ્યથા

More on Portrayal of Women in Literary World

છેલ્લી સદીથી સ્ત્રીઓને થતાં અન્યાય સંદર્ભે જે જાગરુકતા પ્રગટી એમાંથી  ‘નારીવાદ’નો ઉદભવ થયો એમ કહી શકાય. એમાયે સભાનપણે નારીવાદી અભિગમ તો છેલ્લાં પચાસ વર્ષોમાં ઉભી થયેલી એક વિચારધારા છે. સ્ત્રીઓની વ્યથાના સંદર્ભે જરા ઊંડાણપૂર્વક વિચાર કરીએ છીએ ત્યારે સમજાય છે કે ભારતીય સમાજવ્યવસ્થામાં રાજકીય પરિવર્તનોને કારણે જે સામાજિક પરિસ્થિતિ બદલાઇ એમાં સૌથી વધારે સહન કરવાનું સ્ત્રીઓને ભાગે આવ્યું છે. રાજકીય અરાજકતામાં સમાજનો સ્ત્રીઓ સાથેનો વ્યવહાર અમાનુષી અને અન્યાયકારી રહ્યો છે. આપણા સમાજે સ્ત્રીઓને માટે એક ચોક્કસ માળખું તૈયાર કર્યું અને એમાં પુરાઇ રહેનારી સ્ત્રેઓ ઉપર આદર્શવાદીનું લેબલ માર્યું. આ માળખા સામે વિદ્રોહ કરનાર કે એને ઓળંગવાની મથામણ કરનાર સ્ત્રીઓ ઉપર માછલાં ધોવાયા અને સમાજે એને જુદાં જુદાં દ્રષ્ટિકોણથી જોવાનો પ્રયત્ન કર્યો.આ બાબતોની શાખ પુરે છે સમાજમાંથી આવતી કહેવતો.
કહેવતો સમાજનો અરીસો છે. સમાજની માનસિકતાની પરિચાયક છે. કહેવતકાર પાસે સૂક્ષ્મ નિરીક્ષણ શક્તિ છે. સમાજનો વ્યાપક મત કહેવતકારની સાથે હોય છે, એટલે જ ભાષક પોતાની વાતને અસરકારક રીતે રજૂ કરવા કહેવતોનો ઉપયોગ કરે છે. કહેવતોમાં સ્ત્રીઓની વ્યથા અસરકારક રીતે પ્રગટ થયેલી જોવા મળે છે. રૂઢિઓની દીવાલોમાં કેદ સ્ત્રીઓને માટે સમાજના વૃત્તિવલણો કેવાં રહ્યા છે તેની સૂક્ષ્મ વિગતો કહેવતોમાંથી પ્રગટ થાય છે. પ્રસ્તુત લેખમાં સ્ત્રીઓની સ્થિતિને કહેવતકારે કેવી રીતે રજૂ કરી છે તે તપાસવાનો મુખ્ય ઉપક્રમ છે.
સ્ત્રીઓના સંદર્ભમાં જે કહેવતો છે તેમાં સ્ત્રીઓનું ચરિત્ર બે સ્વરૂપમાં રજૂ થયેલું જોવા મળે છે. એક સ્વરૂપમાં સ્ત્રીનું દુ:ખી, લાચાર ચિત્ર છે. બીજા સ્વરૂપમાં તે મા ના સ્વરૂપમાં છે, જ્યાં તેનું રૂપ વાત્સલ્યથી ભર્યું ભાદર્યું છે. પહેલા સ્વરૂપનો વિગતે વિચાર કરીએ ત્યારે એમાંથી સ્ત્રીનું કરુણ ચિત્ર આપણી સામે ખડું થાય છે. જેમાં કુટુંબમાં સ્ત્રીનું નિમ્ન સ્થાન, ચોરે ને ચૌટે એની વગોવણી, વહુ તરીકે વેઠવી પડતી પારાવાર મુશ્કેલીઓ, શોષણ પામીને બદલામાં મળતી બદનામી, સાસુ તરીકે ક્યારેક વેઠવી પડતી અવમાનના, ડહાપણ દાખવવા જતાં મળતી પીડા આ બધી જ વિગતો કહેવતોમાં ધરબાઇને પડી છે. કહેવતોનું દસ્તાવેજી મૂલ્ય ઘણું છે. એમાં સ્ત્રીને થયેલો અન્યાય છૂપો રહેતો નથી. કુટુંબ જીવનમાં સ્ત્રીની ભૂમિકા અત્યંત મહત્ત્વની હોવા છતાં પિતૃસત્તાક સમાજમાં સ્ત્રીનું સ્થાન કેવું નિમ્ન ભૂમિકાએ રહ્યું તેની સાહેદી કહેવતો પૂરી પાડે છે. કુટુંબ માટે સર્સ્વ અર્પણ કરનારી સ્ત્રીઓનું શોષણ તો થયું પણ સાથે સાથે એને સ્વતંત્રતા પણ પ્રાપ્ત ન થઇ.સ્ત્રીઓની આ અવદશા માટે જવાબદાર કોણ ? એવા પ્રશ્નનો ઉત્તર આપવો સહેલો નથી. ક્યાંક પુરૂષ જવાબદાર તો ક્યારેક સ્ત્રી પણ ખરી.
ભારતીય સમાજમાં સામાન્ય રીતે ઘરકામની સઘળી જવાબદારી સ્ત્રીઓ ઉપર છે. દુર્ભાગ્યે આપણે ત્યાં ઘરકામને ગૌણ ગણવામાં આવે છે. કહેવતોમાંથી જે ચિત્ર ઉપસે છે એમાં જણાઇ છે કે ખાસ કરીને ઘરકામની જવાબદારી વિશેષ રીતે વહુ ઉપર રહેતી હશે. દરેક કુટુંબીજનોને રાજી રાખવામાં વહુ કેટલો શ્રમ કરતી હશે તેનો માત્ર વિચાર જ કરવો રહ્યો.વહુ ઉપર કામના સંદર્ભમાં સાસુઓ પણ આધિપત્ય ભોગવતી હશે એવું જણાય છે. નીચેની કેટલીક કહેવતો જુઓ :
'અરો, ધરો ને નાની વહુ ઉપર આવીને પડો', ' ટાઢ વાય સહુને ન વાય વહુને', ' ઊઠ વહુ વિસામો ખા, હું કાંતું તું દળવા જા', ' સહુ ગયા સગે-વગે બાઇ રહ્યા ઊભા પગે', 'ચતુર વહુ ચુલામાં પેસે', 'વહુ દોહતી સૂએ ને વલોવતી ઊઠે'
ઉપરની કહેવતોમાં દેખાય છે કે સ્ત્રી ઉપર વિશેષ રીતે વહુ ઉપર ઘરની જવાબદારીનું ભારણ રહેતું હશે. ગમે તેવી પરિસ્થિતિમાં પણ સ્ત્રીએ પોતાની જાતની ભૂલીને પરિવારજનો માટે કાર્ય કરતા રહેવું પડે. વિસામો મળે તો પણ કેવો 'હું કાંતું તુ દળવા જા' – એવો. આ કહેવત વહુની સ્થિતિ કેવી સ્પષ્ટ કરી આપે છે. સ્ત્રીની હોંશીયારી આખરે તો આ ઘરકામમાં જ ઉપયોગમાં આવે. ગમે તેવી બુદ્ધિશાળી સ્ત્રીને આખરે તો ચૂલો જ સંભાળવાનોને ! ઘારકામ કરતાં કરવા ધાક લાગે તો પણ એ પોતાનું દુ:ખ વ્યક્ત ન કરી શકે. સતત કામ વેંઢારતા રહેવાનું. આ કહેવતોમાંથી સ્ત્રીની કુટુંબમાં કેવી ભૂમિકા હતી તે સ્પષ્ટ થાય છે. ગમે તેવા સંજોગોની વચ્ચે સ્ત્રી કાર્ય કરતી રહે એ જ અપેક્ષા એની પાસે રહેતી. પોતાનું અસ્તિત્વ ભૂલીને એણે સહર્ષ દાસીપણું સ્વીકાર્યું હતું. અને છતાં એને બદલામાં શું માથું હતું ? આનો જવાબ પણ આ કહેવતોમાંથી મળે છે: 'દીકરી તો સાપનો ભારો', ' જેને ઘર કન્યા તેને પરમેશ્વરે કન્યા', 'એક દુ:ખ તે પડ્યું ચાંદુ, બીજું દુ:ખ બૈરું માંદું, 'ચાર મળે ચોટલા તો ભાંગે ઘરના ઓટલા', ' જર, જમીન ને જોરુ ત્રણે કજિયાના છોરુ', 'ઝાઝી દીકરીએ કુળ હીણ', 'બૈરીના પેટમાં છોકરું રહે પણ વાત ન રહે', 'રાંડ કોઇની થઇ નથી ને થવાની નથી',    ' સ્ત્રીની બુદ્ધિ પગની પાનીએ', ' બે મરદ ભલા પણ સો ઓરત ખોટી'
આ કહેવતોમાંથી સમાજની સ્ત્રીઓ પ્રત્યેની માનસિકતા કેવી હતી તેનો સ્પષ્ટ પરિચય મળી રહે છે. જે સ્ત્રી કુટુંબ માટે સર્વસ્વ અર્પી દે એને સાપનો ભારો કહીને સમાજે કેટલો મોટો અન્યાય કર્યો છે ? કહેવતકારનું આ દર્શન એનું પોતીકું નથી પણ સમગ્ર સમાજની માનસિકતા સૂચવે છે. પુરૂષપ્રધાન માનસિકતાએ સ્ત્રીને નિમ્ન સ્થાનમાં કેવી ધકેલી દીધી હતી. સ્ત્રીની પરિસ્થિતિને સમજ્યા વિના જાતજાતનાં આક્ષેપો એની ઉપર આ સમયમાં થતાં રહ્યા. પુરૂષોના કજિયાઓ માટે પણ જવાબદાર સ્ત્રીઓ અને ખાનગી વાત જાહેર કરવાનો આરોપ પણ સ્ત્રીઓ ઉપર, સ્ત્રી માંદી હોય તો પુરૂષને દુ:ખ. કેવી અન્યાયકારી પરિસ્થિતિ એ સમયમાં પ્રવર્તતી હશે તેનો નિર્દેશ આપણને આ કહેવતોમાંથી પ્રાપ્ત થાય છે. સ્ત્રીઓની બુદ્ધિનું માપન કરનારા આ પુરૂષો પાસે મૂલ્યાંકનના ક્યા ધોરણો હશે ? જે સ્ત્રી ગમે તેવા પુરૂષને પરણી કદી પોતાની ફરિયાદ ન કહે એ સ્ત્રીને માટે એમ કહેવાય કે 'રાંડ કોઇની થઇ નથી ને થવાની નથી' આ કેવી માનસિકતા !
ભારતીય સમાજમાં પુરૂષો વ્યભિચાર કરે તો તેને માટે જવાબદાર સ્ત્રીઓને ઠેરવવામાં આવે. સ્ત્રી કોઇને કોઇ લાચારી સાથે પરપુરૂષનું પડખું સેવે તો તેને માટે 'રાંડ' શબ્દનું લેબલ લાગે. સમાજમાં ભારે દેકારો થઇ જાય. સમગ્ર સમાજની આબરુ જાળવવાનો ઠેકો સ્ત્રીઓના માથે હોય તેવી પુરૂષોની માનસિકતા રહી છે. આ સંદર્ભમાં અનેક કહેવતો પ્રાપ્ત થાય છે, જેમાંથી સ્ત્રીની લાચારી પ્રગટ થાય છે.
'આભને અણી નહિ ને વેશ્યાને ધણી નહીં', ;ઇશ્કની મારી જાય નાતરે તે સાલ્લો કાઢી પાથરે', 'એક રાંડ તેને સો સાંઢ', ' કાળી રાંડને કલ્લે ભાત', 'કોઠે જઇ આવી ને કથા કરવા બેઠી', ' બૈરી રહે તો આપથી ને જાય તો સગા બાપથી', 'નાઠી રાંડ સો ગામ ભાંગે'
ઉપરોક્ત કહેવતો ખાસ કરીને બદચલન સ્ત્રીઓ માટે વપરાય છે. અહીં સવાલ એ છે કે વ્યભિચાર તો પુરૂષો પણ કરે છે, પણ સમાજે એના માટે જે માનસિકતા અખત્યાર કરી છે એ સ્ત્રીઓની તુલનાએ જુદી છે. સ્ત્રીઓની ભૂલોને સમાજ હળવાશથી નથી લેતો એ વાસ્તવિકતા આ કહેવતોમાંથી સ્પષ્ટ રીતે પ્રગટ થાય છે. પોતાના પ્રેમને ખાતર પરણે ત્યારે પણ સમાજ કહે છે : 'ઇશ્કની મારી જાય નાતરે તે સાલ્લો કાઢી પાથરે' ક્યારેક પ્રેમને ખાતર સાહસ કરે ત્યારે ' જાય તો સગા બાપથી ' એમ કહી એની સ્વતંત્રતા ઉપર તરાપ લાગે.
સમાજમાં સ્ત્રીઓ મૂંગે મોઢે અત્યાચાર સહન કરતી રહે. ન છુટકે એ એટલું કહે ' આઇ મને કોઠીમાંથી કાઢો' પોતાનો પતિ પણ એની વાત ન સાંભળે અને ઊલટાનો બીજાનો ગુસ્સો પોતાની પત્ની પર ઉતારે ત્યારે જે કહેવતો આવી છે તે જુઓ : 'આઇનો ખાર બાઇ પર', 'નબળો ધણી બૈરી પર શુરો' સ્ત્રી સમાજનું ભલું કરવા ચાહે તો પણ એના કાર્યને વખાણવાને બદલે વખોડવાની માનસિકતા જોવા મળે છે. ' છાશમાં માખણ જાય ને વહુ કુવડ કહેવાય'
સ્ત્રી અને પુરૂષ સમાજના અભિન્ન અંગ. પરંતુ સ્ત્રીને ઊતરતી ગણવાની માનસિકતા કહેવતોમાંથી વ્યક્ત થતી દેખાય. આ કહેવત જૂઓ : 'ડોશી મર્યાનો ભય નથી, જમ પેંધ્યાનો ભય છે' આ કહેવતનો લક્ષ્યાર્થ જોઇએ તો સમજાય કે અહીં 'ડોશી' કેન્દ્રમાં છે. જેના ઉપરથી સ્ત્રીઓ માટેની માનસિકતા કેવી હશે તે સ્પષ્ટ થાય છે. જે રીતે કુટુંબ જીવનમાં વહુની લાચાર સ્થિતિ હતી તેવી જ રીતે ઘણી વખત સાસુની પણ સ્થિતિ લાચાર બની જતી. ખાસ કરીને જ્યારે કંકાસણ વહુ મળે અને દીકરાનું સમર્થન ન મળે ત્યારે તેની હાલત કફોડી બની જતી. આ કહેવત એ વાતને સમર્થન આપે છે. 'દીકરાને આવી દઢી, માને મેલી કાઢી' જ્યારે અનેક દીકરાઓ વચ્ચે મ કોને ત્યાં રહે એ સવાલ એને માટે મૂંઝવનારો બની રહેતો. મર્યા પછી પણ એની વિધિ કરવા કોઇ તૈયાર ન થાય ત્યારે આ કહેવત કેટલી માર્મિક રીતે એ પરિસ્થિતિને રજૂ કરી છે : 'સહિયારી સાસુની ઉકરડે મોંકાણ' બીજી એક કહેવત પણ આવી જ સ્થિતિને રજૂ કરે છે : 'બહારની ડોશીને બાળવા જાય, ને ઘરની ડોશીને કુતરાં ખાય' એવી જ રીતે સ્ત્રીના રુદનને પણ પુરૂષોએ સ્વીકાર્યું નથી. પોતાનું દુ:ખ વ્યક્ત કરવા એ કોઇ સ્વજનની પાસે હૈયાવરાળ ઠાલવે ત્યારે કહેવાય. 'રડતી હતી ને પિયરીયા મળ્યા' આ બધી પરિસ્થિતિમાં સ્ત્રીની સ્થિતિ કેવી વિકટ હતી એનો અંદાજ આપણને આ કહેવતો કરાવે છે. 'ડોશીએ ડાટ વાળ્યો'માં પણ સ્ત્રીનું લાલચુ ચિત્ર પ્રગટ કરવાનો આશય છે. સરવાળે સમગ્ર રીતે વિચાર કરીએ છીએ ત્યારે સ્ત્રીની વ્યથા આ કહેવતોમાંથી પ્રગટ થાય છે.
દીકરીના બાપ હોવું એ પણ જાણે લાચારી. કેટલીક કહેવતો દીકરીના બાપની લાચારી પ્રગટ કરતી પણ જોવા મળે છે. 'દીકરીનો બાપ નીચો' જેવી. જમાઇ પણ આ સંસારમાં આધિપત્ય ભોગવે અને એટલા જ માટે કેટલીક કહેવતોમાં જમાઇનું ભયાવહ ચિત્ર મળે. 'જમાઇને જમ બરાબર' સ્ત્રી ગમે તેટલું કાર્ય કરે પણ એને ભાગે હંમેશા અપયશ જ આવે અને એટલે જ આ વાતનું સમર્થન આ કહેવત કરે છે : 'વરસાદ અને વહુને જશ નહી' પુરૂષોની પુરૂષપ્રધાન માનસિકતા જડતાનું સ્વરૂપ ધારણ કરી લેતી અને ત્યારે એ વાત કહેવતમાં આ રીતે આવે છે. 'હું તો મરું પણ તને રાંડ કરું'
સ્ત્રી પરણીને સાસરે જાય પછી એના માટે પિયરનું સગપણ સમાપ્ત થઇ જાય. સાસરામાં ગમે તેવી મુશ્કેલી હોય પણ એ સહન કરીને પણ રહેવું પડે એવી સમાજે ઊભી કરેલી માનસિકતાનો પરિચય આપણને આ કહેવતમાંથી મળે : 'પિયરની પાલખી કરતાં સાસરિયાની શુળી સારી' સાસરે આવેલી વહુ પહેલીવાર શરમ સંકોચ અનુભવે ધીમે ધીમે એની શરમ દુર થઇ જાય અને સહુની સાથે હળી ભળી જાય. વહુના આ પ્રકારના વ્યવહારને સમાજ કેવી રીતે જોતો હતો તેનો પરિચય આ કહેવતમાંથી પ્રાપ્ત થાય છે. 'પહેલા આણે વહુ ખાય નહિ, બીજા આણે વહુ ધરાય નહીં'
સ્ત્રીઓ વિષયક બીજા પ્રકારની કહેવતોનો વિચાર કરીએ છીએ ત્યારે થોડુંક આશ્વાસન મળે છે. ખાસ કરીને કહેવતોમાં સ્ત્રીના માતૃત્વનો મહિમા ખુબ થયો છે. સ્ત્રીઓનું માતૃસ્વરૂપ સમાજે આદર સાથે સ્વીકાર્યું છે અને એ મહિમા કહેવતોમાં આ રીતે અભિવ્યક્ત થયેલો નજરી પડે છે. 'ગોળ વિના મોળો કંસાર, મા વિના સૂનો સંસાર', ' ઘોડે ચડનાર બાપ મરજો,પણ દળણું દળનાર મા ન મરજો', ' છોરું કછોરું થાય,માતા કુમાતા ન થાય', ' જેવી કૂવા કાંઠે દીકરી, તેવી મા વિનાની દીકરી', ' મા તે મા બીજા બધા વનવગડાના વા' આ બધી કહેવતોમાંથી સ્ત્રીનું મા તરીકેનું સ્વરૂપ પ્રગટ થાય છે.
બંને પ્રકારની કહેવતોનો સંયુક્ત રીતે વિચાર કરીએ છીએ ત્યારે સ્પષ્ટ રીતે જોઇ શકાય છે કે સ્ત્રીનું એક અસ્તિત્વ પીડાદાયક કે કષ્ટદાયક છે, સાથે સાથે મા તરીકે એનો મહિમા છે. પરંતુ મા બને છે ત્યારે પણ દીકરા અને વહુ વચ્ચે રહેસાતી રહેતી મા પોતાનો ધર્મ ચૂકતી નથી. સંતાનો નગુણા થઇ શકે પણ મા એવું ન કરી શકે. સ્ત્રીઓ કુટુંબનો મહત્વનો આધારસ્તંભ હોવા છતાં એનું સ્થાન હાંસિયામાં જ રહ્યું એ કડવી વાસ્તવિકતાનો સ્વીકાર કરવો જ રહ્યો. કહેવતોમાંથી પ્રગટ થતું સ્ત્રીનું આ લાચાર અને સમસ્યાગ્રસ્ત ચિત્ર સ્વસ્થ સમાજની નિશાની નથી. અનેક બાબતોમાં સ્ત્રીઓએ પોતાને થતો અન્યાય સ્વીકારી લીધો. પોતે અન્યાય સહન કરી સમાજની એબ એણે ઢાંકી. સ્ત્રીઓની આ સંવેદના કહેવતોમાં ગર્ભિત રીતે છૂપાઇને પડી છે. વ્યાપક રીતે એ સમાજનો બહુમત છે. બહુમત હંમેશા સત્ય રજૂ નથી કરતો, એટલે સંવેદનાસભર રીતે વિચારીએ ત્યારે કહેવતો જે સમયમાં રચાઇ એ સમયમાં સ્ત્રીઓની લાચાર સ્થિતિનો આપણનો પરિચય મળે છે. આ કહેવતોની પાછળ કોઇક ઘટના પ્રસંગ કે બનાવ પણ જોડાયેલો હોય અને એને આધારે સ્ત્રીઓનું મૂલ્યાંકન થયું હોય તો એ પણ કોઇ રીતે યોગ્ય નથી.
આ કહેવતોનો વર્તમાનમાં વિચાર કરીએ છીએ ત્યારે જોઇ શકાય છે કે એ સ્થિતિમાં બહુ ઓછો ફરક પડ્યો છે. સ્ત્રીને કાયદાએ પોતાના હક્કો ભોગવવા માટેનું રક્ષણ આપ્યું છે. પરંતુ આપણે સહુ જાણીએ છીએ કે સ્ત્રી ભાગ્યે જ હક્કોને ખરા અર્થમાં 'ભોગવવા' સુધી જાય છે. બહુધા એનું વલણ સમાધાનકારી હોય છે. એ સમાધાન કરીને અન્યાય ભોગવતી રહે છે. સવાલ અહીં અન્યાયની સાથે જોડાયેલાં અસ્તિત્વનો છે. સ્ત્રીનો સ્ત્રી તરીકે સ્વીકાર થાય એ જ સૌથી મોટી જરૂરિયાત છે. કહેવતો સ્ત્રીને થયેલાં અન્યાયની ગવાહી પૂરતી ઊભી છે. સ્ત્રીને લગતી નકારત્મક કહેવતો આપણી ભાષામાંથી ભૂલાઇ જાય એમાં જ સ્ત્રીનું અને સરવાળે સમાજનું કલ્યાણ છે.

 

ડૉ પ્રવીણ રથવી, અમદાવાદ