કૂવો : નારીકેન્દ્રી નવલકથા

More on Portrayal of Women in Literary World

અનુઆધુનિક યુગમાં દલિત ચેતના અને નારી ચેતનાને વિકસવાનો બહોળો અવકાશ પ્રાપ્ત થયો છે. પરંતુ નારીવાદી ન હોવા છતાં નારીકેન્દ્રી હોય તેવી સબળ નવલકથાઓ ગુજરાતી સાહિત્યને પ્રમાણમાં ઓછી સાંપડી છે. ‘કૂવો’ નવલકથા એવા સમયમાં એક સીમાસ્તંભ બની રહી છે, ને એજ રીતે “સૌથી વરવી સ્થિતિ ભારતના ખેડૂતોની છે. ગોદાનનો પ્રભાવ ગુજરાતી સર્જકોએ ઝીલ્યો નથી. આવી પરિસ્થિતિ વચાળે નારી વિમર્શની સાથોસાથ કિસાન વિમર્શનું નિદર્શન પૂરું પાડતી નવલકથા ‘કૂવો’ નું ગુજરાતી સાહિત્યમાં પ્રગટવું આશ્વાસિત છે.” ૧
‘કૂવો’ નવલકથાએ નારીવાદી નવલકથા નથી પરંતુ નારીકેન્દ્રી નવલકથા છે. જેમાં સદ્ અને અસદ્ તત્ત્વોનો સંઘર્ષ સ્થૂળ અને સૂક્ષ્મ એમ બંને રીતે જોવા મળે છે, અને નવલકથાને અંતે નાયિકા દરિયાનો વિજય એટલે કે, સદ્તત્ત્વનો વિજય છે જેમાં લેખક અશોકપુરીના કથાન્યાય જોવા મળે છે. તો આવી સબળ અને પ્રબળ કૃતિ ‘કૂવો’ ની પરિએષણાએથી તપાસ કરીએ. ૫૦ પ્રકરણ અને ૨૮૦ પૃષ્ઠોમાં વિસ્તરેલી ‘કૂવો’ નવલકથા વસ્તુ અને વસ્તુસંકલનાની દ્રષ્ટિએ સબળ કૃતિ છે. ખેતરનો ખોળો ખૂંદતા ખેડૂતવર્ગ અને તેની સાથે થતા અન્યાય, શોષણ અને અત્યાચાર તથા તેની સામે અવાજ ઉઠાવતી ખેડૂત પત્ની દરિયાની આ કથા છે. “આમ, તો આ નવલકથાને કોસ, મશીન અને કૂવોને ત્રણ ખંડોમાં વહેંચી શકાય. વંશીવેલાથી મુખી અને ડુંગરાના ખેતરના પરિવાર વચ્ચે-ભાગિયો કૂવો હોય છે. કૂવો ડુંગરના ખેતરમાં છે અને મહિનાના વીસ દિવસે ડુંગરના ખેતરમાં અને દસ દિવસ મુખીના ખેતરમાં કોસનું પાણી વહેંચવાનું લખાણ છે.” ૨ પરંતુ મુખી કોશ આપવા બાબતે આડોડાઈ કરે છે, પોતાની સત્તાના જોરે મન ફાવે તટલા દિવસ કૂવે પોતાનો કોસ જોડે, અધવચ્ચે ડૂંગરને પોતાના ખેતર પરમાર કામ કરવા બોલાવે, એટલું જ નહીં પણ કૂવાના થાળાનું સમારકામ કરવાની ખર્ચ પણ ડૂંગરને જ ભોગવવો પડે છે. સર્જકે નવલકથાની શરૂઆતમાં આ અન્યાયી પરિસ્થિતિ મૂકી આપી છે. ને આ કરોળિયાના જાળા જેવી પરિસ્થિતિમાંથી પ્રસંગોના તાર કાઢીને સર્જકે નવલકથાનું જાળું ગુંથ્યું છે.
અહીં આ પરિસ્થિતિ ડુંગરે તો સ્વીકારી લીઘેલી છે પરંતુ દરિયા તો નોખી માટીમાંથી ઘડાયેલી નારી છે. તે અન્યાયની સામે વાવાઝોડાની જેમ ફુંકાય છે. એની વાણી અને વર્તનમાં અન્યાયનો પ્રતિકાર અભિવ્યક્ત થાય છે. ડુંગર અન્યાયી-નાગોડ મુખીની સામે રુએ રુએ ઠરી ગયેલો માનવી પરંતુ દરિયા વિવિધ પ્રકારના વાક્પ્રહારોથી પાનો ચઢાવે છે – જેમ કે “તેમને કંઈ ભોનબોંન સે કે નહીં ? ચ્યોં હુધી આમ બેહી રેશો ?... મફાના બાપુ તમ ઢીલાપોચા તો ખરા, નેંતર મગદૂર છે એમની કે આપડા ખેતરમાં કૂવો અને આપડા જ ખેતરાં તરસ્યાં રે !” (પૃ.2,3)
આથી ડુંગર શાહમૃગના જેવી નીતિ છોડીને અન્યાય સામે બાજ બની જાય છે, પોતાના સંગી ભીખાની મદદથી અને નિજની હિમ્મતથી મુખીની પરવા કર્યા વિના પાણી વાળે છે. અહીં સુધી આવેલા કથા પ્રવાહમાં રોચકતા લાવવા માટે, વેગ લાવવા માટે સર્જક ડુંગર અને મુખીની તકરારના પ્રસંગનું નિરૂપણ કરે છે. જેમાં કહ્યાગરો ડુંગર વિરોધનો વંટોળ બનતો જોઈ ખુંધિયો મુખી રૂએ રૂએ દાજે છે અને એલ ફેલ બોલે છે. ત્યારે ડુંગર જીવતરમાં પ્રથમવાર મુખીને કૂવામાં લબડાવીને પોતાના પાણીનો પરચો બતાવે છે. અહીંથી નવલકથાનો કથાપ્રવાહ વેગ પકડે છે. પછી તો ડુંગર પોતાના માર્ગે આડે આવતા હર રોડાને હટાવવાનો મક્કમ નિર્ધાર કરે છે.
ધોળા દિવસે ડુંગરના ખેતરમાંથી ઘાસચારાના ચોરી કરતા વસ્તાના દીકરાને પકડીને ડુંગર આકરામાં આકરી સજા ફટકારે છે, ભાવિના ગર્ભમાં ડુંગરના કર્મની આ જ પ્રકારની ડુંગરને સજા મળવાની છે તેના બીજ સર્જકે આ પ્રસંગમાં જ રોપી દીધાં છે. બીજી તરફ મુખી, સાપ મરે પણ લાઠી ન તૂટે તેવી નીતિ અપનાવીને મુખી પોતાને થયેલા અપમાનનો બદલો લેવા વસ્તા સહિત નાગોડ ટોળકીને કાળી રાતે મોકલે છે તેમાં ભીખાની ગેરહાજરીની તકને પણ ઝડપી લેવામાં આવી છે. અહીં વસ્તો અને તેના માણસો ડુંગર, દરિયા અને મફા પર અમાનુષી અત્યાચાર ગુજારે છે. આથી ડુંગર માનસિક સંતુલન ગુમાવી બેસે છે. આ પ્રસંગમાં સર્જકની વર્ણનકલા પરાકાષ્ઠાએ પહોંચી છે. પતિને પાણી ચઢાવી, આફત વહોરતી દરિયા પોતાના ઘર કુટુંબ અને ખેતીની બાજી સંભાળે છે, દરિયા ધીરજ અને કુનેહપૂર્વક કામ લે છે. મુખીની ચંડાળ ટોળકી સામે મેદાને પડે છે. અને કંકાસિયા કૂવાનો હિંમતપૂર્વક અંત આણે છે. દરિયાના આ મહાયજ્ઞમાં તેના કાકાજી સસરા દાજી, મંદિરના પૂજારી અને પતિ ડુંગરનો મિત્ર ભીખો તથા તેની પત્ની કાશીનો સાથ અને જરૂર મળે છે પરંતુ દરિયાની કુનેહ, એની હિમ્મત અને વ્યવહારસૂઝ તથા દુરંદેશી ધીરજ – આ બધુ એક ગ્રામીણ સ્ત્રી જે રીતે દાખવે છે એ નવલકથાનું મુખ્ય આકર્ષણ છે.
પાત્રાલેખનની દ્રષ્ટિએ સર્જક અહીં ઘણા સભાન જણાય છે. નવલકથાના તમામ પાત્રો માનવ સહજ ક્રિયાઓ કરતા જણાય છે, પરિસ્થિતિને વશ ન થતાં તેનો સામનો કરે છે પરંતુ તેમાં પણ સર્જકે કોઈ પાત્રને દેવત્વ અર્પવાનો વ્યર્થ પ્રયત્ન નથી કર્યો, તમામ પાત્રોને આપમેળે વિકસાવવાનો અવકાશ પૂરો પાડ્યો છે. મૂળે આ નવલકથા નાયિકાકેન્દ્રી છે. દરિયા તેની નાયિકા છે. અને તેના સંઘર્ષની આસપાસ નવલકથાની ઘટનાઓના તાણાવાણા ગુંથાયા છે. “અગાઉ મળેલી ગુજરાતી ગ્રામીણ નાયિકા રાજુ કે ચંદાથી (‘માનવીની ભવાઈ’) (‘જનમ ટીપ’) એ ભિન્ન છે. રાજુને કાળુની, તો ચંદાને ભીમાની ઓથ છે જ્યારે દરિયાને એકલ પંડે લડવાનું આવ્યું છે. ભીખો કે દાજી છે પણ આમનેય દોરનારી દરિયા છે.”3 તે ખુંધિયા મુખીનો અત્યાચાર સહન કરવામાં માનતી નથી પણ તેની સામે વિદ્રોહનો બ્યુગલ ફૂંકે છે. અન્યાય સહન કરવાના હેવાયા થઈ ગયેલા પોતાના પતિને ઉશ્કેરી જાણે છે અકળાયેલો ડુંગર જ્યારે ઢોરોને મારે છે, મફાને છાછિયું કરે છે ત્યારે દરિયા એને પાણી ચઢાવે છે. “મૂંગા ઢોરને માર્યા કરતાં પોંણી હોય તો બાઝોને એલ્યા ખૂંદિયા હોમે. પાંચ્છેર દૂધ ઢળી ગયું એમાં જેને આટલું ચચરતું હોય એનાથી આંખ આગળ રોકાઈ જતા બપૈયા જોઈને બર્યું ખાવુંય ચ્યમ ભાવે ? બઉ જોર હોય તો મુખીનો કોસ બંધ કરાઈ અને આપડો જોડો તાર ખરાં જોણું. આ બચારા ઢોરનો શું વાંક ?” (પૃ.૭) દરિયા પાસે કોઈપણ કાર્ય અને તેની પાછળ વિમર્શ કરવાની આગવી કોઠાસૂઝ છે. તે પોતાની વાતને તર્કવિતર્ક અને વ્યવસ્થિત રીતે રજૂ કરવાની ક્ષમતા ઘરાવે છે. ખેતરમાં જ્યારે ડુંગર મુખીને કૂવામાં લબડાવે છે અને ત્યાર પછી પણ ડુંગર તો ચીઢાયેલો જ રહે છે પરંતુ દરિયા એ વખતે પોતાની વાત સ્પષ્ટ રીતે રજુ કરે છે કે “મુખી મોટા, કૂવો અમારા ખેતરમાં, અમારા બે ભાગ કૂવામાં અને ત્રીજો તમારો ચ્યમ ખરું ને !... જેવો કૂવામાં ત્રીજો ભાગ એમ તીજા ભાગનું ખરચેય તમારે આલવાનું લેખમાં ઠરાયું સે તોય...” (પૃ.35) આટલું કહીને બાજી સીધી ડુંગરાને સોંપીં દે છે મુખીને સમ્મત કરીને બાનમાં લેવાની આ યુક્તિ-પ્રયુક્તિ અને સ્પષ્ટ અભિગમ દાદ માંગી લે તેમ છે. પતિ સામે પણ પોતાનો વિચાર રજૂ કરવાની આ જ રીત મશીન બાબતે પણ સારી પેઠે સર્જકે કામે લગાડી છે. ડુંગર ભાઈલાલના કહેવાથી કૂવે મશીન બેસાડવાની વાત કરે છે ત્યારે દરિયા એકાએક ખાબકતી નથી. એ કહે છે કે, “એ તમારી વાત ખરી પણ આગળપાછળનો વચાર કરવો પડે. વગર જોંણે- કર્યે ભોંણિયો લાઈ અનં બેહી જઈએ, પછ્ય જિંગી પાલવ્વો પડે. પણ એક કોમ કરો ; જાં મશીન ચાલતું હોય તાં જોઈ આવો, વેરાં ખોટી થઈ ઘણીને પૂછીગાછીને બધું પાકે પાયે જોંણી લાવો. પછય પાવે એમ લાગે તો લાવવાનો નૈંણય પાકો કરો. મશીન લાવતા પહેલાં તમં એના જાણકાર તઈ જાઓ એક વાર. ચેવું સે મશીન ? ચેવું હેંડે સે ? ચ્યમનું પોંણી કાઢે સે ? ચેટલામાં આવે છે ?અનં ચેટલો ખરચ આવે સે ? ખરચનુય વિચારું પડે ને પાછુ આપડે. આ બધાં મશીનો તો પાછા હાથી બાંધ્યા જેવા એના ખરચાય ભારે. હુંય હમજુ સુ કે કોસેથી ખેતરાં પિવાડતાં તમને ઝાઝી આપદા પડે સે અનં તમને મશીનની લગની લાગી સે તો મેલો નં, ચ્યોં ના સે મારી ?” (પૃ.52.53)
દરિયાનાં આ વિધાનમાં તેનું ગણતર વધારે લેખે લાગ્યું છે. પતિને પ્રેમ અને તર્ક બંનેની મદદથી સમજાવવાની તેની રીત ધ્યાનાકર્ષક છે.
દરિયા પોતાના ગાંડા થયેલા પતિ ડુંગરની દવા માટે જ્યારે મશીન વેચવાની વાત આવે છે ત્યારે તે બોલે છે.
“નથ્ય વેચવાનું મશીન” જોઈએ તો ઢોરાં વેચીસ.
દરદાગીના કે વાસણકૂસણ વેચીસ ; પણ મસીન તો નં ઈ જ.” (પૃ.134) આ વિધાનમાં દરિયાનો મશીનના સંદર્ભે પતિ ડુંગર પ્રત્યેનો પ્રેમ દર્શાવવામાં આવ્યો છે, અને આવા જ સમયે તે પરિસ્થિતિને પણ પડકાર ફેંકે છે કે “ભગતકાકા ! માંણહેય બેઠું થસે અનં મસીનેય બેઠું રે’સે. એમને પમઘાડ તમં દવાખોને લઈ જતા હોય તો કાલ લઈ જાવ, હવારે લઈ જાવ. દાજી, હપૂચા મૂંઝાયા વગર તમં એમને લઈ જાવ દવાખોંને. ઘરની કે ખેતરાંના મારી જવાપદારી.” (પૃ.134)
દરિયા એ ગ્રામસમાજની સ્ત્રી હોવા છતાં તેના વિચારોમાં આધુનિક શહેરી નારીની છાંટ જોવા મળે છે, જ્યારે ડુંગરને સાજો કરવા બાબતે દાજી, ભગત અને કાશી સારંગપુર હનુમાનજીના દર્શને લઈ જવાની વાત કરે છે ત્યારે તે વિરોધ કરતા કહે છે કે “ઓંમાં મંદિર મા’ઘેવનું કોંમ નંઈ. આ હનેપાત કાશી, બાધા-આખડી, જંતરમંતર કે દોરા-માદરિયાં કર્યે ના મટે. માદરિયાં દવાનું કોંમ ના કરે કાશી.” (પૃ.140)
સર્જકે દરિયાને વિશેષ રૂપે વિકસાવવા માટે દરિયાનો પોતાની જાત સાથેની સંવાદ મૂક્યો છે જેમાં દરિયાનો પાતાની જાત સાથેની પ્રશ્નોતરી છે અને એમાંથી દરિયાનો અંતરઆત્મા જે ઝંખે છે તે અંદરનો અવાજ દરિયા સાંભળે છે અને કંકાસિયા કૂવાને નાથવાનું કપરું કામ હાથમાં લે છે તે દરિયાનો આંતર સંવાદ નવલકથામાં ધ્યાનાર્હ અને વળાંક છે તે જુઓ.
દરિયા –            “મન એ વાતે હગડગ સે કે રડું તો હું ઘઉંને રડું  કે ભવને ? એક કોર મોટી તકરાર અનં એકકોર મોંદો ભરથાર, સું કરું ?”
અંદરનો અવાજ -   પરથમ ભરથારને મટાડ પછ્ય તકરારને .... બંગડી અસે તો બાજરી ગમે ત્યાંથી પેદા થસે... દરિયા ધાર કે આ તકરાર હપૂચી મટે તો .... ?
દરિયા –            ‘તો તો કશા ડખા જ ન રે’ને ? લઢવાડ જ ના રે’
અંદરનો અવાજ -   ‘તે તારું એમ કે’વું સે કે કૂવો જ કંકાહનું મૂળ સે ?’
દરિયા-             ‘ના જરાય નઈ. આપડા કૂવામાં એમનો ભાગ પેહી ગ્યો સે એને લીધે એમની પજવણી સે.’
અંદરનો અવાજ-    ‘તો કાઢને કૂવામાંથી એમનો ભાગ !...’ (પૃ.145)
અંદરનો અવાજ-    ‘કૂવામાં ભાગનો કંકાહ હોય તો મટાડી નોંખ. કાઢ જડામૂળ કંકાહનું.’ (પૃ.147)
તેના આ આંતર સંવાદથી જ તેનું સંકુલ વ્યક્તિત્વ પ્રગટ થાય છે. આ પ્રકારના આંતર-સંવાદ પછી દરિયા કંકાસિયા કૂવાનું પાણી અગરાજ ગણીને એ પિયત કરતી નથી ત્યારે બધા એને ગાંડી ગણે છે, પરંતુ ભેંસો રાખીને એ ગણતરી કરી બતાવે છે ત્યારે દાજીની માફક ભાવક પણ અહોભાવ અનુભવી શકે છે. નવો કૂવો ખોદવાના એના નિર્ણયે એને ગાંડી ગણાવી તોય એ કહે છે કે “અમારે સૈયારો ગંડાપો વેઠવાનો છે! સ્વમાનની લડત માટેની સ્ત્રીહઠનું વિરલચિત્ર દરિયા નિમિત્તે આપણને પ્રાપ્ત થાય છે.” 4 એ જ રીતે દરિયા જીવન જીવવાની નીતિ પણ સુપેઠે જાણે છે. જેવા સાથે તેવાની નીતિમાં તે વઘારે માને છે, ને આથી જ તે નવો કૂવો ખોદવો અને કંકાસિયો કૂવો પૂરવો એવી ટેક લે છે અને એની પાછળ તેના જીવનનું આગવું ચિંતન પણ રહેલું છે. તે કાશીને ઉદ્દેશીને કહે છે કે, “વાત એકલા કૂવાની નથ્ય આ તો હાચ હાતર લડવાની વાત સે.... કાશી, જીવતરનો અરથ સેમાં સે એ તું જોણચ્છ ! જલ્મી, જીવી અને માર્યાની વચમાં તમે જે કંઈ કોમગીરી કરો એનાથી એના મૂલ નથ્ય થતાં પણ એ તમે શા હાતર કર્યું ? તમારી હાતર કર્યું ? કે હૌના હાતર કર્યું ? એની કદર થવાની.” (પૃ.156) આવી ઉંચા ગજાની ફિલસુફી દરિયાએ સરળ શબ્દોમાં કહી છે.
ત્યારબાદ ભાગિયો કૂવો પૂરી ન શકાય તેવી દરખાસ્ત લઈને જ્યારે મુખી ત્રંબક શેઠનું ટોળું આ બાબતને લઈને ભગત અને દાજી સાથે ચર્ચા કરે છે ત્યારે દરિયા તેમાં ભાગ લે છે. ત્યારે શેઠ દરિયાને તતડાવતા કહે છે ‘દરિયાઉ, આદમીની વાતોમાં તમ શા હાતર માથ્થાકૂટ કરો સો ? આવી ભોંજગડમાં તમને ગતાગમ ના પડે. તમ છાંના રો.’  (પૃ.189) આ પિતૃસ્તાક પુરુષપ્રધાન અવાજ સામે દરિયા અવાજ ઉઠાવે છે., તે કોર્ટનો ફસલો શું હશે તે ગામમાં જ અગાઉ બનેલા પિતાંબર જોશીના પ્રસંગ કે જેમાં પિતાંબર જોશીના ખેતરમાં ડાભીનો આંબો હતો તે પિતાંબરે કપાવેલો એ ખેતરમાલિકનો જ હક્ક એવો ફેંસલો કોર્ટ આપેલો, એની યાદ અપાવી બધા વડિલોને દરિયા ચૂપ કરી દે છે. આ રીતે તે મુખી અને શેઠ જેવા ગામના આગેવાનોને ચૂપ કરી દે છે. ભગત પણ મનમાં વિતારે છે કે ‘ભગવોંને એક રજપૂત અને અક વોંણિયો એમ બેને બનાઈ અનં પછ્ય એનું મન નંઈ મોન્યું અસે તાર બેને ભાંગીને અને આ દરિયાને બનાઈ હોવી જોઈએ. (પૃ.160)
આ પછી દરિયાનું ખરું સ્વરૂપ તો ભજન મંડળીના વાર્તાલાપ વખતે પ્રગટે છે. કૌરવોના અનેક પ્રહારોથી અભિમન્યુ ઘેરાય એમ ભજન મંડળીમાં દરિયાને ઘેરાવાનો વારો આવે છે. અનેક પ્રશ્નોના પ્રહારો છીંકણી આપ લેના વિરમ વખતે થાય છે.
‘ચ્યમનું સે ડુંગરને ?’
‘અલી તારા ભાયડાને દવા-બવા તો કરાય !’
‘ચ્યોંથી કરાવે ? નવા કૂવાના તાયફામાંથી નવરી થાય તો કરાવે ને ?!’
‘થોડા કૂકા ભેગા થયા એમાં કૂવા કરવા ને’હરી’ (પૃ.204)
આવા તડતડતા તણખા જેવા વિધાનોની સામે દરિયાની જવાબ ભભૂકતી આગ જેવો છે, તે જુઓ.
“તમને બધાંને મારી ચ્યમ એટલી બધી લ્હાય બળે સે ! તમં કે’નારીઓ ચિયે મોઢે મને સલ્યા આલો સો ? ગોંડા ભાયડાને પાલવનારી હું બેઠી સું. એ તમને કંઈ ભારે પડવાનો નથ્ય તમં તમારા ઘણીને હાચવીનં બેહોનં અલીઓ ! ‘નવા કૂવાનો તાયફો’ કેનારીને મારે એટલું જ કે’વાનું, બોંન નવો કૂવો તો મારા મોંથાનો મૉડ સે.” (અસ્તિત્વની લઈને સૌભાગ્ય ચિહ્ન માનવાની પ્રગતિશીલતા અહીં વાંચી શકાય છે.)5 એનાથી મારું મોથું શોભવાનું, હમજી ? મનો કૂવો પૂરો થશે અને એમાં પોંણીય થશે. (પૃ.205)
દરિયાનો આવો ભરપુર આત્મવિશ્વાસ અને ટેક જ તેની પાસે નવો કૂવો ખોદાવે છે અને કંકાસિયા કૂવાનું નામો નિશાન મિટાવી દે છે. દરિયાના આ પુરૂષાર્થ આગળ મુખીની નાલેશી ભરી હાર થાય છે. દરિયાના પાત્ર બાબતે અનેક વિવેચકોએ પોતાના મંતવ્યો રજુ કર્યા છે.
દરિયાના પાત્ર સંદર્ભે પારુલ રાઠોડ જણાવે છે કે “નિર્ધારિત લક્ષ્ય તરફ આગળ વઘતી અને અંતે વિજયને વરતી દરિયા લોકત્તર નારી બની રહે છે. દરિયાના પાત્રને અસાધારણ કે લોકોત્તર બનાવવા જતાં નવલકથાકાર દરિયામાં લગભગ બધા જ ગુણોનું આરોપણ કરે છે. એને કારણે સર્વગુણ સંપન્ન બની જતી દરિયા માનવીય રહેતી નથી.” 6 આમ કહેવા ઉપરાંત દરિયાની સરખામણી તેઓએ ‘જનમટીપ’ ની ચંદા સાથે કરી છે. અને ચંદાને ચઢીયાતી દર્શાવી છે. પરંતુ ડો.કે.એમ.મકવાણા આ સંદર્ભે નોંધે છે કે “અહીં ચડતા-ઉતરતાની માત્રાથી પા6ને મૂલવા કરતાં કથાની પરિસ્થિતિમાં એ પાત્ર કેટલું બંધબેસતું છે ને તેના ચરિત્ર વિકાસ ઘડતર બરાબર થયું છે કે કેમ એ જ પૂરતું છે.”7
અંતે તો દરિયાની લોકોત્તરતાની બાબતને સાવ કિનારે મૂકવાની ભૂલ કર્યા વિના તપાસીએ તો પણ દરિયાનું પાત્ર વિરલ તરી આવે છે.

 

સંદર્ભ સૂચિ

    1. ભરત મહેતાઃ ‘કૂવો’ મેઘાણી પરંપરાનું સાતત્ય, વિ-વિદ્યાનગર ફેબ્રુઆરી 2008, અંક-2, પૃ.12.
  • 2. એજન. પૃ.12
  • 3. એજન. પૃ.13
  • 4. એજન. પૃ.13
  • 5. એજન. પૃ.14
  • 6. પારુલ રાઠોડ, ‘પરબ’, ‘એપ્રિલ-1998, પૃ.42’
  • 7. ડો.કે.એમ.મકવાણા, ‘ગ્રામજીવનની સાઠોકરી ગુજરાતી નવલકથા’ (પૃ.134)


અભિષેક દરજી, ગાંધીનગર