નારીવાદ : ગુજરાતી સાહિત્યના સંદર્ભમાં

More on Portrayal of Women in Literary World

કોઇપણ વૈચારીક દ્વન્દનો  સમાજિક વિકાસમાં મહત્વનો ફાળો હોય છે. સમાજના ઉત્ક્રાંતિકાળથી એમ બનતું આવ્યું છે. છેલ્લી એકાદ સદીથી નારીવાદી વિચારધારાએ આવું જ એક ન્યાય- અન્યાયનું દ્વન્દ છેડ્યું છે. આ માટે પ્રાચીન ગ્રંથ વેદથી લઇને નવનિર્મિત આધારો સાથે જૂદા જૂદા સમુહો પોત પોતાની સમજ અને ખયાલો રજૂ કરે છે. ધર્મગ્રંથોનો આધાર લઇને કેટલાંક સુત્રાત્મક સંકેતો કે કેટલાંક ઉદાહરણોના આધાર લેવાય છે તો બીજી તરફ પ્રવર્તમાન પરિસ્થિતિનો તાગ મેળવીને તેના સમીકરણો ગોઠવાય છે. અલબત્ત દ્વન્દની આવી સામાજિક કસોટીએ ચડેલી વિચારધારા કે મૂલ્યો પછીથી નવા રૂપે રંગે સમાજજીવનમાં વણાઇ જતાં હોય છે. સભાનપણે છેડાયેલી આવી સઘળા વલણોની  ક્રિયા-પ્રતિક્રિયા કે ગતિવિધીને જે તે સમયનું સાહિત્ય તટસ્થભાવે આલેખતું હોય છે.
નારીવાદી વલણોનું સભાનપણે આંદોલન ચલાવનાર વર્ગનો મુખ્ય પ્રશ્ન તેને થતાં અન્યાયનો છે. તેમની થતી અવહેલનાનો છે. તેમની ફરિયાદ ફક્ત સમાજિક, સાંસ્કૃતિક કે રાજકિય ક્ષેત્રો પુરતીજ મર્યાદિત જ નથી પરંતું તેમની સામે વૈશ્વિક પડકાર છે. ગુજરાતી સાહિત્યના નારીવાદી વિચારક શરીફા વિજળીવાળા નારીવાદને કેવી રીતે જુએ છે તે નોંધપાત્ર છે ‘ નારીવાદે કોઇ એકલદોકલ સ્ત્રીની સમસ્યા નથી ઉકેલવાની. કારણ ઘણીવાર સ્ત્રીને થતાં અન્યાય કે અપમાન બદલ એનું સ્ત્રી હોવું જવાબદાર ન પણ હોય. આવા અન્યાય કે અપમાન બદલ એનું સ્ત્રી હોવું જવાબદાર ન પણ હોય. આવા અન્યાય કે અપમાનનો ભોગ પુરૂષ પણ બનતો હોય... એટલે જ્યાં સ્ત્રી હોવાને કારણે જ સ્ત્રીનું શોષણ થતું હોય, જ્યાં એની સમસ્યા માટે એનું સ્ત્રીપણું જવાબદાર હોય અથવા તો જ્યાં સ્ત્રીને પોતાને જ સમ્સ્યા માનવામાં આવતી હોય ત્યાં નારીવાદે લડત આપવાની છે. એટલે કે આ લડાઇ અન્યાય,શોષણ, અસમાનતા સામેની છે. એટલે જે કોઇને પણ સાજિક ન્યાય, સમાનતાની પડી હોય એ બધાને નારીવાદી કહી શકાય.’ 1 આ વિધાન એ બાબતનું સમર્થક છે કે મુળે તો વાત અન્યાયની છે.
પ્રારંભે તો નારીવાદી વલણે આક્રમક બનીને પુરૂષપ્રધાનતાનો વિરોધ કર્યો. પરિણામે નારીવાદ અને આલોચક વર્ગનો સંઘર્ષ નિર્માણ થયો. નારીવાદે આક્રમક બનીને પ્રબલ હલ્લો કરીને એ વાત પર ભાર મૂક્યો કે : શાસ્ત્રોક્ત નિયમો કે પછી સામાજિક નિયમો પુરૂષ વર્ગે જ બનાવ્યા છે. પરિણામે તેમાં પુરૂષપ્રધાનતા રહી છે અને તેની સગવડ- અગવડનો ખયાલ કરાયો છે અને સ્ત્રી વર્ગને અન્યાય કરાયો છે. પરિણામે આજદિન સુધી નારી સહન આવી છે. અલબત્ત સામે પક્ષે એમ પણ ખ્યાલ પ્રવર્ત્યો કે અહી પુરુષપ્રધાનતાની વાત નથી એ તો સ્ત્રી-પુરૂષની તત્કાલીન પરિસ્થિતી અને શારિરીક ભુમિકાએ બનેલી વ્યવસ્થા છે. બંન્ને ખયાલના પુરાવાઓ અને આધાર પણ મળી રહે છે. અહી સુધી તો બંન્ને વર્ગની વાત સાચી અને વજુદવાળી લાગે. આ ભૂમિકાએ સમાજના બંન્ને વર્ગ સ્ત્રી-પુરૂષના જીવન સબંધીત નવી વિભાવના, નવા મુલ્યો, નવા ખયાલો સાથે સહમત થઇને નવેસરથી વિચાર્યું હોત તો તેના પરિણામો કા તો વહેલા મળવા શરુ થયાં હોત અથવા તો સમાજ વધુ સુમેળ સાધી શક્યો હોત.
નારી સંવેદનને આલેખાતું સાહિત્ય તો આપણે ત્યાં આરંભથીજ લખાતું આવ્યું છે પરંતુ વૈશ્વિક સ્તર પર આંદોલિત થયેલા આ નારીવાદી વલણની અસર ગુજરાતી સાહિત્ય પર લગભગ સાતમા દાયકાથી જોવા મળે છે. નારીવાદી વલણો ગુજરાતી સાહિત્યના કેન્દ્રમાં આવે છે. જેના તાંતણા દેશ દુનિયાની તમામ સીમાઓને સ્પર્ષે છે. વાર્તા, નવલકથા, નાટક કે કવિતા જેવા સ્વરૂપોમાં વિશેષભાવે જોવા મળે છે. જેમાં નારીના સંવેદનનો, તેના પુરૂષ સમોવડા અસ્તિત્વનો કે તેને થતાં અન્યાયની લડતનો પડઘો પ્રબળ રીતે ઝીલાયો છે.
નારીવાદની સભાનતા સાથે નહી પણ નારીસંવેદન તરીકે તો આપણે ત્યાં પુરૂષ લેખકોની સાથે સાથે હીરાબેન પાઠક, વિનોદીની નિલકંઠ, લીલાવતી મુનશી, લાભુબેન મહેતા વગેરે સ્ત્રી લેખિકાઓ પાસેથી વાર્તાઓ મળે છે. પરંતુ ગુજરાતી સાહિત્યમાં આધુનિકકાળના મધ્યાહ્નથી થોડી સભાનતા સાથે નારીવાદી વલણ જોવા મળે છે. જેમાં મુખ્યત્વે કુન્દનિકા કાપડિયા, સરોજ પાઠક, ધીરુબેન પટેલ, વર્ષા અડાલજા, ઇલા આરબ મહેતા, બિંદુ ભટ્ટ, હિમાંશી શેલત જેવા સર્જકો પાસેથી નારીવાદી વિચારધારાનું મંથન અને તેમાંથી નિપજતી સામાજિક સાંકૃતિક પરિવેશની છબી આલેખાતી જોવા મળે છે. નારીનું આંતરમન અને ચૈતસિક વ્યાપારો અહી સાર્જનોમાં વ્યક્ત થાય છે. અહીં આલેખાયેલ સાહિત્યમાં ક્યાંક નારીને થતાં સામાજિક અન્યાયની વાત છે તો ક્યાંક તેના પર થતાં અત્યાચારની વાત છે, ક્યાંક તેના આંતરિક સંવેદનાની વાત છે તો ક્યાંક તેની લાગણી-માગણીની વાત છે. સમગ્રતયા જોતાં નારીવાદી ચેતનાનો આવિષ્કાર તેમાં ઝીલાયો છે.
જેમ સર્જક ચેતના આ વલણનો આવિષ્કાર ઝીલે છે તેમ નારીવાદના અભ્યાસીઓએ પણ પોતાના વિચારો ખુબ ઉંડાણપૂર્વક વ્યક્ત કર્યાં છે. અભ્યાસીઓએ ભારતીય સાહિત્ય અને વૈશ્વિક સાહિત્યના સંદર્ભને સાથે રાખીને નારીવાદ વિશે પોતાનું સુક્ષ્મ નિરીક્ષણ કર્યું છે જે બતાવે છે કે સર્જન અને વિવેચન એમ બંન્ને ક્ષેત્રે નારીકેન્દ્રી ચર્ચાઓ છેલ્લા ઘણા સમયથી થતી આવી છે.
ગુજરાતી સર્જનાત્મક સાહિત્યમાં નારી અભિગમને રજુ કરતી ક્રુતિઓમાં નારી દર્શન વૈવિધ્યયુક્ત આલેખાયું છે..
ગુજરાતી વાર્તા સાહિત્યના આરંભે ક.મા.મુન્શી ‘એક પત્ર’ માં પતિના વાત્સલ્યને ઝંખતી નારી અને તેની થતી અવહેલના જેવી અન્યાયી પરિસ્થિતિનું આલેખન કર્યું છે. સામે પક્ષે તત્કાલીન સમયે સ્ત્રી જાગૃતિને કે નારીના ચૈતસિક આંદોલનોને મુન્શીએ કલાત્મક રીતે અલેખ્યાં છે. પરણિત નાયિકાની પોતાના સસુરપક્ષથી, તેમાયે ખાસ કરીને પતિ તરફથી થતા અત્યાચાર અને અવહેલનાની વાત છે. ‘મારી સોળ વર્ષની જિંદગીમાં બહુ બહુ દુ:ખ પડ્યું. કોણે પાડ્યું તે પ્રભુ જાણે, પણ એક વખત તો મારે કહેવું પડશે,- શરમ છોડી, ડોસાઓની મર્યાદા મૂકી કહીશ કે જો એ દુ:ખને માટે કોઇ જોખમદાર હોય, જો કોઇ એ દુ:ખ મટાડી શકત તો તે મારા સ્વામીનાથ – મારા દેવ – તમે હતા, પણ તમે મારો હાથ ઝાલ્યો, દુનિયાએ તમને કોમળ બિનાનુભવી બાળા સોંપી; પણ તમે તેનો વિચાર પણ ન કર્યો – મારી આ દશા થઇ – મારા પ્રાણ જવા, મારું ખૂન થવા વખત આવ્યો.’  વાર્તાના પ્રારંભે નાયિકામુખે મૂકાયેલ આ વેદના-સંવેદનાનો તંતુ વાર્તાના અંતે મૂકાયેલ વાત સાથે સધાય છે. ‘આ ભવે છૂટી-પ્રભુ ફરી આપણો સાથ ન કરાવે ! ‘સાસુજીને કહેજો, કે ફરી કોઇ ભણેલી સ્ત્રી ન લઇ આવે !’ 2 અહી સ્ત્રીચેતનાનો ખુલ્લો રણકાર સંભળાય છે.
ક્યારેક સ્ત્રી જ સ્ત્રીની શોષક બનતી હોય છે મેઘાણીની વાર્તા ‘લાડકો રંડાપો’ જોઇ શકીએ છીએ કે રૂઢિગત માળખાને કારણે એક સ્ત્રી બીજી સ્ત્રીની વ્યથાને નથી સંવેદી શકતી. તો વળી જયંતિ દલાલ ‘સ્ત્રીનગર’ના માધ્યમથી નર-નારીના સહિત્વની વાત લઇને આવે છે જેમાં કોઇ આદોલનની વાત નથી પણ સામાજિક વલણોના બદલાવની વાત જોવા મળે છે.
સાતમા દાયકાથીતો નારીવાદી વિચારસરણીએ આક્રમકતા ધારણ કરી લીધી હતી. ચોતરફ તે એક આંદોલનના સ્વરૂપે ફેલાઇ ચૂક્યું હતુ. અને નારીને કેન્દ્રમાં રાખી તેની સંવેદનાઓ જરૂરિયાતો, ન્યાય-અન્યાય, શોષણ વગેરે વિષયો વાર્તા રચનાની પ્રથમ માંગ રહેવા લાગી સાથે સાથે વિવેચન પણ તેમાં જોડાય છે જેમાં નારીવાદમાં રહેલા જમા પાસાને વિવેચકો જૂદા તારવી કાઢે છે. કુન્દનિકા કાપડિયા, ધીરુબેન પટેલ, ,સરોજ પાઠક, વર્ષા અડાલજા,ઇલા આરબ મહેતા, હિમાંશી શેલત,  બિંદુ ભટ્ટ્ તેમજ અન્ય સ્ત્રી વાર્તાકારો નારીવાદી વલણોની પ્રભાવક્તા હેઠળ સર્જન કરે છે, તો સાથો સાથ પુરૂષ લેખકો પણ આ ગાળામાં નારીની સંવેદનાઓને ઝીલી શક્યા છે અને તેની વ્યથા-કથાને આલેખી છે. જેમાં જયંતિ દલાલ, હરીશ નાગ્રેચા, નવનીત જાની, કિરીટ દૂધાત, ધીરેન્દ્ર મહેતા, વીનેશ અંતાણી, રમેશ દવે વગેરે ઘણા સર્જકો પાસેથી કલાત્મક કહી શકાય એવી વાર્તાઓ મળી આવે છે.
અંતે ટૂકમાં કહી શકાય કે નારી આંદોલન સમગ્ર વિશ્વમાં જે રીતે ફેલાયું તેમાં ગુજારાતી સાહિત્ય પણ રંગાયેલુ જોઇ શકાય છે. અલબત્ત તેના સારા ફળદાયી પરિણામો પણ જોવા મળ્યા છે. ઉદભવેલા વલણ માટે દર્શના ધોળકિયાનું તારણ સાથે સહમત થઇએ કે  ‘સમય બદલાતાં સ્ત્રીના પ્રશ્નો પ્રમાણમાં હળવા થયા ત્યારે પણ એની કેટલીક સંવેદનાઓને તો આગવી રીતે જ જોવાની આવે છે. કેમકે જગતભરની સ્ત્રી – એ ગમે તેટલી પુરુષ સમોવડી હોય તોપણ સ્ત્રી તરીકે જ પ્રગટથતી હોય છે ને તેની પાછળ તેનું શારીરિક બંધારણ કામ કરતું હોય છે. આખરે તો શરીર ને મનને અવિનાભાવી સંબંધ છે એટલે એનો પ્રભાવ સ્ત્રી પર પડવાનો જ છે. સ્ત્રી-પુરુષના શારીરિક સંબંધમાં પણ પુરુષ, સ્ત્રીને કશુંક આપે છે ને સ્ત્રી કશુંક લે છે.આપ્યા પછી પુરુષ કટ ઑફ થઇ જાય છે. ને સ્ત્રી સૃષ્ટિ સાથે જોડાય છે. આ જોડાણ સ્ત્રીની ભૂમિકાને સમજવા માટેનું અગત્યનું પરિબળ બને છે.’3
આમ, આજે જ્યારે આધુનિકયુગ કે તેના ખયાલો સાથે જીવવા મથતા આજના સમાજે વિકાસની જબ્બર કહી શકાય તેવી હરણફાળ તો ભરી છે. પરંતુ સાથે સાથે એ બાબત પણ ચિંતાજનક છે કે તેની અસર તળે માનાવજાત ધીમે ધીમે સંવેદનહીન થતી જાય છે. ફલસ્વરૂપે આજે દરેકને  પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા મથામણ કરવી પડે છે. પછી તે સ્ત્રી હોય કે પુરૂષ. આજે સાવ છેવાડાના વિસ્તારોથી લઇને શહેર સુધી વિસ્તરેલા આ આંદોલને સમાજને નવેસરથી વિચારવા ફરજ પાડી છે. રાજકીય,સામાજિક અને સાંસ્કૃતિક એમ ત્રણેય પરિબળોએ બદલાતાં મૂલ્યોને, ખયાલોને સ્વિકૃત કર્યાં છે. અલબત્ત સદીઓથી ઘર કરી ગયેલા જડ નિયમો કે રૂઢીઓ એમ એક ઝાટકે તો દુર નહી જ થાય તેના માટે સમાજે જ પ્રયત્નો કરવા પડશે.

 

ડો. ભાવેશ એમ. જેઠવા, ગુજરાતી વિભાગ, ક્રાન્તિ ગુરુ શ્યામજીકૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સટી, ભુજ