કામશાસ્ત્રીય ગ્રંથોમાં ‘નારી’

More on Portrayal of Women in Literary World

કામશાસ્ત્રીય ગ્રંથોમાં ‘નારી’
વેદો, ઉપનિષદોથી માંડીને દુનિયાનાં તમામ ગ્રંથો કે શાસ્ત્રો સૃષ્ટિ-ઉત્પત્તિમાં સ્ત્રી અને પુરુષના મહત્ત્વને સ્વીકારે છે. ભારતીય સંસ્કૃતિ અને સાહિત્ય તો સ્ત્રીને શક્તિનું સ્વરૂપ ગણી તેને વંદે છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એવા ચાર પુરૂષાર્થોની પ્રાપ્તિમાં પુરૂષની સાથે સાથે સ્ત્રીને પણ સમાન હકો આપવામાં આવ્યા છે. ભારતીય સંસ્કૃતિ યજ્ઞ-યાગાદિ જેવાં ધાર્મિક કાર્યો માટે સ્ત્રીની અનિવાર્યતા ગણાવે છે. કુટુમ્બના આર્થિકોપાર્જનમાં પણ મદદગાર થતી સ્ત્રીના અનેક દૃષ્ટાંતો સાહિત્યમાં અનેક સ્થળે પ્રાપ્ત થાય છે. સૃષ્ટિનું મૂળ બીજ એવા કામમાં સ્ત્રી પ્રમુખ સાધન તરીકે છે. સૃષ્ટિની રચનામાં કામ અતિ અગત્યનો હોઈ કામ પુરૂષાર્થને શ્રેષ્ઠ માનવામાં આવ્યો છે. ત્રિવર્ગને સાધન બનાવીને જ સ્ત્રી-પુરુષ ચોથા પુરૂષાર્થ મોક્ષને પ્રાપ્ત કરે છે. કામ પુરૂષાર્થની સાંગોપાંગ ચર્ચા કરતા કામશાસ્ત્રીય ગ્રંથો સ્ત્રી-પુરુષના સંબંધોની સૂક્ષ્મતાથી ચર્ચા કરે છે. આ ગ્રંથો માત્ર મૈથુન સંબંધિત જ ચર્ચા કરતા નથી, પરંતુ આવા ગ્રંથોમાંથી સ્ત્રી-સંબંધિત અન્ય ઘણી બધી બાબતોની સ્પષ્ટતા પ્રાપ્ત થાય છે જે પ્રસ્તુત લેખમાં સંક્ષેપમાં રજૂ કરવાનો નમ્ર પ્રયાસ કરવામાં આવ્યો છે.
કલાઓથી પરિપૂર્ણ સ્ત્રીની કામના
કામસૂત્ર સંગીત, વાદ્ય, નૃત્ય, ચિત્ર, પાક, વાસ્તુ વગેરે ચોંસઠ કલાઓને કામકલા તરીકે ઓળખાવે છે. તેઓ ચોંસઠ કલાઓને ચારુ(લલિત), કારુ (આર્થિકોપાર્જનયુક્ત), ઔપનિષદિક (મંત્ર-તંત્રયુક્ત), બુદ્ધિવૈચક્ષણ્ય અને ક્રીડાકૌતુક એમ પાંચ વિભાગોમાં વહેંચે છે. કામશાસ્ત્રો અનુસાર આ કલાઓના જ્ઞાનથી સ્ત્રી પુરુષને અને પુરુષ સ્ત્રીને સરળતાથી આકર્ષી શકે છે.
     योगज्ञा  राजपुत्री च महामात्रसुता तथा।  सहस्रान्तःपुरमपि स्ववशे कुरुते पतिम् ।। [1]
કામશાસ્ત્રો અનુસાર વિધવા તથા અન્ય સ્ત્રીઓ કલાઓના જ્ઞાનથી આર્થિકોપાર્જન પણ કરી શકે છે. બાભ્રવ્યમુનિ અનુસાર ચોંસઠ કલાઓના જ્ઞાનથી ગમે તે સ્ત્રી ભલે તે ચાહે ગણિકા હોય સમાજમાં પ્રતિષ્ઠિત સ્થાન પ્રાપ્ત કરે છે. [2]
નારી માટે સૌન્દર્યવૃદ્ધિનો અભિગમ 
        કામશાસ્ત્રો મુજબ સ્ત્રીનાં અંગોમાં કામનો વાસ રહેલો છે. આ મુજબ સ્ત્રીનાં મસ્તક, હોઠ, ગાલ, કંઠ, આંખ, કેડ, સ્તન, છાતી, નિતમ્બ, યોનિ, ઢીંચણ, નાભિ, જાંઘ, પગ અને અંગુષ્ઠ એમ પંદર જગ્યાએ કામનો વાસ રહેલો છે. આ કામ પંદર તિથિઓ પ્રમાણે શુક્લપક્ષમાં અંગૂઠાથી ઉપરની તરફ તથા કૃષ્ણપક્ષમાં મસ્તકથી નીચેની તરફ ગતિ કરે છે. [3] આ કારણે જ કામશાસ્ત્રો સ્ત્રીનાં અંગોની સુન્દરતાને સૌભાગ્ય ગણી તેની જાળવણી અને વૃદ્ધિના ઉપાયો પણ રજૂ કરે છે.[4] કામશાસ્ત્રીય ગ્રંથો સ્ત્રીનાં મુખ, કેશ, હાથ, પગ, આંખ, નખ, દાંત વગેરે અંગોની સુન્દરતા વધારવાના અનેક ઔષધીય પ્રયોગો રજૂ કરે છે. અહીં કામશાસ્ત્રોની લાવણ્યવતી નારીની કલ્પના દૃશ્યમાન થાય છે.
વિવાહ-યોગ્ય કન્યાનાં કામશાસ્ત્રીય ગુણો –અવગુણો
કામગ્રંથો વિવાહ-યોગ્ય કન્યાનાં લક્ષણોમાં તેના ગુણો ઉપરાંત તેની સુન્દરતા પર સવિશેષ ભાર મૂકે છે. કામસૂત્ર મુજબ પુરુષે રૂપથી સમ્પન્ન, પ્રમાણસર કેશ, કાન, આંખ, નખ, દાંત અને સ્તનોવાળી કન્યા સાથે લગ્ન કરવા જોઈએ.[5] રતિરહસ્ય અનુસાર પુરુષે જેનું લાવણ્ય કમળની પાંખડી સમાન સુન્દર હોય, રંગ સુવર્ણ સમાન અને પ્રકાશિત હોય, જેનાં હાથ, પગ, આંખ, નખ સુન્દર અને આકર્ષણયુક્ત હોય, પગ કોમળ અને સમાન હોય, જે અલ્પ ભોજન તથા નિદ્રા લેનારી હોય, જેના હાથ-પગ ઉપર કમળ, કળશ અને ચક્ર જેવાં શુભ ચિહ્નો અંકિત હોય તેવી કન્યા સાથે જ પરણવું જોઈએ.[6]
કામશાસ્ત્રો કેવી કન્યા ન પરણવી જોઈએ એ વિશે કહે છે કે, પુરુષે અત્યંત રુંવાટીવાળી, ભૂરી, સ્થૂળ, કર્કશ બોલનારી, નક્ષત્ર, નદી, પર્વત કે વૃક્ષનાં નામવાળી તથા નામના અંતે ‘લ’ કે ‘ર’ વર્ણ આવે તેવી કન્યા સાથે વિવાહ ન કરવા જોઈએ.[7] ઉપર્યુક્ત નામોવાળી કન્યા સાથે વિવાહ ન કરવા અંગે વિચારણા કરતા વિદ્વાનો જણાવે છે કે, સૂર્ય અને ચન્દ્ર નક્ષત્રો ઉપર ભ્રમણ કરે છે આથી આવા નામવાળી કન્યામાં અતિક્રમણ અર્થાત્ પરગમનવૃત્તિ ન આવે તેથી તેમજ નદી નિમ્નગામિની હોઈ તેવા નામવાળી કન્યા ( ચારિત્ર્યથી ) પતન ન પામે તે ડરથી, પર્વત સ્થિરતા કે જડતાનું પ્રતીક મનાતું હોઈ આવી કન્યા જડ ન બની જાય તે ભયથી તથા વૃક્ષોનાં ફળ,ફૂલ, છાયા ઉપર સર્વનો અધિકાર હોઈ આવા નામવાળી કન્યા પરગામિની ન બની જાય તેવી ભીતિથી તથા નામના અંતે ‘લ’ કે ‘ર’ વર્ણ આવે તેવી કન્યા લેવડ-દેવડ તથા રમણવૃત્તિવાળી બની જવાના ભયથી આવાં નામવાળી કન્યાઓ સાથે  વિવાહ ન કરવા સલાહ અપાઈ છે.[8] આ બાબતને સર્વત્ર લાગું કરવામાં જોખમ રહેલું છે. ક્યાંક થોડાં દૃષ્ટાંતો મળી જવાથી આનું સાર્વત્રીકરણ કરી આવાં નામવાળી સદાચારી નારીને અન્યાય ન થાય તે જોવું ઘટે. કામશાસ્ત્રની દૃષ્ટિએ નારીના પ્રકારો
કામશાસ્ત્રો  નાટ્યશાસ્ત્ર તથા આયુર્વેદને નજર સમક્ષ રાખીને સ્ત્રીઓના અનેક પ્રકારો પાડે છે. જેનું અતિસક્ષેપમાં વિવરણ નીચે મુજબ છે.
૧, જાતિ કે આકૃતિના આધારે નારીના પ્રકારો :
પદ્મિની :
         બધા પ્રકારોમાં ઉત્તમ આવી સ્ત્રીનું શરીર કમળદળ સમાન કોમળ હોય છે. આનાં કામજળ (રજ)માં કમળ જેવી સુવાસ આવે છે.[9] આવી સુન્દર સ્ત્રી ધાર્મિક ભાવનાથી યુક્ત હોય છે.
   ચિત્રિણી :
         સંગીતાદિ કલાઓમાં કુશળ આ સ્ત્રીના શરીરનો બાંધો સપ્રમાણ હોય છે. આનાં કામજળ (રજ)માં મધ જેવી સુવાસ આવે છે.[10] તે બાહ્યસંભોગ અર્થાત્ ચુંબન વગેરેમાં વિશેષ રુચિ ધરાવે છે. આવી સ્ત્રી શક્તિશાળી હોય છે.
શંખિની :
         થોડા મોટા આકારવાળી આ સ્ત્રી ભોજન તેમજ સમાગમમાં વધુ રુચિ ધરાવે છે. આની યોનિમાંથી   દૂધ જેવી સુવાસ આવે છે. ચાડીખોર,દયાવિહીન આ સ્ત્રીનો અવાજ કર્કશ હોય છે.[11]
હસ્તિની :
         સ્થૂળ આકારવાળી, ઠીંગણી અથવા ખૂબ ઊંચી લજ્જાહીન, સમાગમમાં વધુ સમય લેતી. આ સ્ત્રીની યોનિમાંથી હાથણીનાં મદજળ જેવો ગંધ આવે છે. આ સ્ત્રી ખાઉધરા સ્વભાવવાળી હોય છે. [12]
આ ચારેય પ્રકારોમાં પૂર્વ પૂર્વ ઉત્તમ અને ઉત્તરોત્તર અધમ ગણાય છે.
૨, જનનેન્દ્રિયના કદના આધારે નારીના પ્રકારો :
             જેની યોનિની ઊંડાઈ છ આંગળ જેટલી હોય તે મૃગી, જેની યોનિની ઊંડાઈ નવ આંગળ જેટલી
હોય તે અશ્વા કે વડવા તથા જે સ્ત્રીની યોનિની ઊંડાઈ બાર આંગળ જેટલી હોય તે કરિણી કે હસ્તિની કહેવાય છે. योनिनां परिणाहकैः रसनादित्यांगुलीकैः क्रमात् ....। - अनंगरंग- 3-1(द्वितीय चरण)
૩, કામવેગના આધારે નારીના પ્રકારો :
સમાગમકાળ દરમ્યાન સ્ત્રીના ભાવાવેશ કે વેગના આધારે તેના ત્રણ પ્રકારો પડે છે. કામશાસ્ત્રો મુજબ જે સ્ત્રી સદા સમાગમ માટે ઉત્સુક રહ્યા કરે તથા વારંવાર દ્રવીભૂત થયા કરતી હોય તેને પ્રચંડવેગા, જે સ્ત્રીની કામેચ્છા નહિવત હોય, જે  રતિક્રીડા પ્રત્યે ઉદાસીન હોય અને જેની યોનિ સૂકી અને  કામજળ વિનાની હોય તેને મન્દવેગા તથા પ્રચંડવેગ અને મન્દવેગની વચ્ચેનાં લક્ષણો ધરાવતી સ્ત્રીને મધ્યમવેગા કહે છે. કામશાસ્ત્રો ઘટતા કામવેગ માટે વધતી ઉંમરને પણ જવાબદાર માને છે.
૪, સ્ખલિત કાળપ્રમાણના આધારે નારીના પ્રકારો :
        સમાગમકાળ દરમ્યાન ખૂબ જ ઝડપથી સ્ખલિત કે સંતુષ્ટ થનારી સ્ત્રી શીઘ્રા, મધ્યકાળમાં સ્ખલિત થનારી સ્ત્રી મધ્યા તથા સમાગમકાળે ખૂબ જ અધિક સમયે દ્રવિત થનારી સ્ત્રી ચિરા  કહેવાય છે.
૫, પ્રકૃતિના આધારે નારીના પ્રકારો :
        આયુર્વેદના ત્રિદોષના આધારે કામશાસ્ત્રીય ગ્રંથો સ્ત્રીના નીચે મુજબના ત્રણ પ્રકારો પાડે છે.
કફપ્રકૃતિયુક્તા સ્ત્રી :
        કામશાસ્ત્રો મુજબ સ્નિગ્ધ, સુન્દર નેત્ર, દાંત, નખ, ચરણવાળી, શ્યામા એવી કફપ્રકૃતિવાળી સ્ત્રી બધી સ્ત્રીઓમાં ઉત્તમ ગણાય છે. કેલિકુતૂહલ અનુસાર શિશિર, પોષ તથા વસંત ઋતુમાં સમાગમની ઉત્કટ ઇચ્છા ધરાવનારી કફપ્રકૃતિની સ્ત્રી ઝડપથી સ્ખલિત થઈ જાય છે.[13]
પિત્તપ્રકૃતિયુક્તા સ્ત્રી :
        ઓછી પ્રસન્નતા, શ્વેતવર્ણ, રક્તનેત્ર, મોટા નખ, ભરાવદાર નિતમ્બ તથા સ્તનો  ધરાવતી   પિત્તપ્રકૃતિવાળી સ્ત્રી સદા સમાગમ માટે તૈયાર રહે છે. છતાં આવી સ્ત્રી વર્ષા તથા શિશિર ઋતુમાં વધુ સમાગમસુખ ઇચ્છે છે.[14]
    વાતપ્રકૃતિયુક્તા સ્ત્રી :
        આવી સ્ત્રીનાં અંગો કઠોર તથા કેશ રૂખા હોય છે. અધિક ભોજન કરનારી આ નારીનાં નેત્રો અને  નખ કાળાં હોય છે. આવી સ્ત્રીઓ ગ્રીષ્મ અને વસંતકાળમાં સમાગમની તીવ્ર ઇચ્છા ધરાવે છે.[15]
૬, વયના આધારે નારીના પ્રકારો :
સોળ વર્ષ સુધીની વયની  સ્ત્રીને બાલા, સત્તરથી ત્રીસ વર્ષની આયુવાળી  સ્ત્રીને તરુણી, એક્ત્રીસથી પંચાવન વર્ષ સુધીની સ્ત્રીને પ્રૌઢા તથા પંચાવન વર્ષ પછીથી મૃત્યુ સુધીની આયુવાળી   સ્ત્રીને વૃદ્ધા કહે છે.[16]
૭, સંબંધના આધારે નારીના પ્રકારો :
         પુરુષ સાથેના સંબંધના આધારે નાટ્યશાસ્ત્રે આપેલા  સ્ત્રીના પ્રકારોને કામશાસ્ત્રો પણ સ્વીકારે છે.

 સ્વકીયા :
         પુરુષની પોતાની પત્ની જે સદાચારી, પતિવ્રતા અને ગૃહકાર્યમાં દક્ષ હોય તે સ્વકીયા કહેવાય છે. આના ત્રણ પ્રકારો પડે છે. નવયૌવના, શરમાળ, મૃદુતથા સમાગમથી દૂર રહેતી પ્રણયકોપાને મુગ્ધા, કામકળામાં કુશળ નવયુવતીને મધ્યા તથા કામોન્મત્ત, કામવ્યવહારમાં નિર્લજ્જ તેમજ ભાન ભૂલી સમાગમમાં જોડાનારી સ્ત્રીને પ્રગલ્ભા કહે છે.
સ્વકીયા નાયિકાના મધ્યા તેમજ પ્રગલ્ભાના ધીરા, અધીરા, ધીરાધીરા વળી આ ત્રણેયના પણ જ્યેષ્ઠા, કનિષ્ઠા  એમ કુલ તેર પ્રકારો પડે છે. 
પરકીયા :
         પરકીયાના પરોઢા અને અનૂઢા એવા બે પ્રકારો પડે છે. જે વિવાહિતા સ્ત્રી કામાધિક્યથી પર પુરુષની કામના કરે તેને પરોઢા કહે છે તેમજ માતાપિતાના નિયંત્રણ વિનાની જે અવિવાહિતા કન્યા કામને વશ થઈ પુરુષગામિની બને તે અનૂઢા કહેવાય છે.
સામાન્યા :       
સામાન્યા નાયિકા રતિક્રીડામાં તથા સંગીતાદિમાં કુશળ અને ધનિકોને જ પ્રેમ કરનારી ગણિકા હોય છે. આના પણ રક્તા તથા વિરક્તા એવા  પ્રકારો પડે છે.
 ૮, અવસ્થાના આધારે નારીના પ્રકારો :
ભરતમુનિએ પાડેલા નાયિકાના આઠ પ્રકારોનું મૂળ સ્ત્રીમાં રહેલી કામભાવનામાં જ રહેલું છે. આથી જ અનંગરંગ અને સ્મરદીપિકા જેવા કામશાસ્ત્રીય ગ્રંથો ખંડિતા, વાસકસજ્જા, કલહાંતરિતા, અભિસારિકા, વિપ્રલબ્ધા, વિયોગિની, સ્વાધીનપતિકા અને ઉત્કંઠિતા જેવી અષ્ટનાયિકાનો ઉલ્લેખ કરે છે. કામશાસ્ત્ર અનુસાર સ્ત્રીઓનાં હૃદયમાં રહેલો કામ જ તેમને ઉત્કંઠિત કરી સુખી અને દુ:ખી કરે છે.
૯, સત્ત્વપ્રમાણના આધારે નારીના પ્રકારો :
કામશાસ્ત્ર અને નાટ્યશાસ્ત્ર  બન્ને મનુષ્ય ઉપર સત્ત્વ, રજસ અને તમસ એ ત્રિગુણનો પ્રભાવ સ્વીકારે છે. આ ઉપરાંત દેવ, યક્ષ, ગન્ધર્વ, મનુષ્ય, પિશાચ વગેરેના પ્રભાવના આધારે સ્ત્રીના દેવસત્ત્વા, યક્ષસત્ત્વા, ગન્ધર્વસત્ત્વા, મનુષ્યસત્ત્વા ઉપરાંત જીવ-જન્તુ કે પશુ-પક્ષી જેવાં આચરણ કે ગુણોના આધારે સ્ત્રીના નાગસત્ત્વા, કાકસત્ત્વા, કપિસત્ત્વા, ખરસત્ત્વા વગેરે અનેક પ્રકારો પડે છે. સ્ત્રીનું આચરણ કામભાવના પર વિશેષ પ્રભાવ પાડતું હોઈ અનંગરંગ, પંચસાયક, રતિરહસ્ય, કેલિકુતૂહલ અને રતિકલ્લોલિની જેવા કામશાસ્ત્રીય ગ્રંથો આની ચર્ચા કરે છે. મનુષ્યસત્ત્વા અંગે કહેવામાં આવ્યું છે તે મુજબ ગૃહસ્થોનાં તમામ વ્રતો અને ઉત્સવોમાં તત્પર રહેતી, મૈત્રીપૂર્ણ સ્વભાવ ધરાવતી પ્રત્યેક તરફ પ્રેમયુક્ત વ્યવહાર કરનારી, છળ-કપટથી દૂર રહેનારી માનવીય ગુણોથી ભરેલી સ્ત્રી મનુષ્યસત્ત્વા કહેવાય છે.[17]   ૧૦, ગુણ-દોષના આધારે નારીના પ્રકારો :
          સમાગમસુખને ધ્યાનમાં રાખીને જ કામશાસ્ત્રીઓ કફપ્રકૃતિની સ્ત્રીને ઉત્તમા, પિત્તપ્રકૃતિવાળી સ્ત્રીને કામોપભોગ માટે મધ્યમા તથા વાતપ્રકૃતિ-યુક્તા સ્ત્રીને કામસુખ માટે અધમા કહે છે.
આ ઉપરાંત કામાશાસ્ત્રીય ગ્રંથો આર્થિકોપાર્જન કરતી વેશ્યા સ્ત્રીના અનેક પ્રકારોનું પણ વર્ણન કરે છે. આ મુજબ વેશ્યા સ્ત્રીના કુંભદાસી, પરિચારિકા, કુલટા, સ્વૈરિણી, નટી, શિલ્પકારિકા, પ્રકાશવિનષ્ટા, રૂપજીવા અને ગણિકા એવા નવ પ્રકારો પડે છે.[18] આમાં ગણિકાને સૌથી ઉત્તમ ગણી સમાજમાં તેને માન અને સ્થાન પ્રદાન કરવામાં આવ્યાં છે.
વિવાહયોજના અને નારી
ધર્મશાસ્ત્રો અને કામશાસ્ત્રો વિવાહના બ્રાહ્મ, પ્રાજાપત્ય, આર્ષ, દૈવ, ગાન્ધર્વ, આસુર, રાક્ષસ અને પૈશાચ એમ આઠ પ્રકારો ગણાવે છે.[19] આ વિવાહોમાંથી પ્રથમ ચાર વિવાહને ધર્મમાન્ય ગણાવે છે. તેમાં નારી પ્રત્યે સન્માન અને દાક્ષિણ્યની ભાવના દૃષ્ટિગોચર થાય છે, પરંતુ આવા વિવાહો માતા-પિતાની મરજીથી થતાં હોઈ સ્ત્રીના ગમા-અણગમાની પરવા કરેલી હોય તેવું બિલકુલ જણાતું નથી. માત્ર ગાન્ધર્વ લગ્નમાં જ પુરુષ સાથે સ્ત્રીની મરજી પણ સમાવિષ્ટ છે. બાકીના ત્રણ વિવાહો આસુર, રાક્ષસ અને પૈશાચમાં તો નારીની અવદશા જ થાય છે. આવા વિવાહો પોતાનો અર્થ સિદ્ધ કરવા માટે સ્ત્રીની મરજી વિરુદ્ધ કરવામાં આવે છે. આસુરવિવાહ કન્યાના માતા-પિતાને ધન આપીને તથા ધનના પ્રભાવથી સ્ત્રીને રાજી કરી કરવામાં આવે છે.[20] માતાપિતાની આર્થિક સ્થિતિ સુધારવા સ્ત્રી પોતાની ભાવનાઓનું બલિદાન આપે છે. રાક્ષસવિવાહ કન્યાના માતા-પિતા તેમજ સગાંવહાલાઓને મારીને કે હણીને તથા કન્યાનું અપહરણ કરીને કરવામાં આવે છે. તો સૌથી અધમ ગણાતા પૈશાચવિવાહ  તો સ્ત્રીને બળાત્કારે ભોગવ્યા પછી કરવામાં આવે છે. આ વિવાહો પુરુષપ્રધાન સમાજમાં સ્ત્રીની દયનીય દશાનો વાસ્તવિક ચિતાર રજૂં કરે છે. વિવાહપૂર્વે પણ પુરુષની અપેક્ષા કન્યાના ગુણો પર વિશેષ ભાર મુકાયો છે. સ્ત્રી માટે ‘અક્ષતયોનિ’ ની કામના કરતા ગ્રંથો પુરુષ વિશે આ સંબંધે કોઈ જ ચર્ચા કરતા નથી જે પુરુષપ્રાધાન્યતાને સૂચવે છે.
    પુનર્વિવાહ :  
           કામશાસ્ત્રો પુનર્વિવાહિતા કે પુનર્ભૂના ઉલ્લેખથી પુનર્લગ્નને સ્વીકારે છે. પતિ નપુંસક હોય કે પ્રજોત્પત્તિ માટે અક્ષમ હોય અથવા તો પતિ મરી જાય તો સ્ત્રીએ બીજા લગ્ન કરી લેવા જોઈએ એમ ધર્મશાસ્ત્રો અને કામશાસ્ત્રો એકમતિથી સ્વીકારે છે. વિધવાવિવાહને પણ સ્વીકરતા  કામશાસ્ત્રો પોતાના ઉદાર વલણનો પરિચય આપે છે. [21]
વિવાહિતા સ્ત્રીનાં કર્તવ્યો અને સ્થિતિ :   
            આચાર્ય વાત્સ્યાયન વિવાહિતા સ્ત્રીને એકચારિણી અને સપત્નિકા એમ બે ભાગોમાં વિભક્ત કરે છે.[22] જે પુરુષને એક જ પત્ની હોય તે સ્ત્રી એકચારિણી અને અનેક પત્નીઓ ધરાવનારા પુરુષની પત્નીને સપત્નિકા કહે છે. એકચારિણી સ્ત્રીએ પતિવ્રતા, ધાર્મિક અને સદાચારી થઈને કુટુંબનો ભાર ઉપાડી લઈ ઘરનાં સમગ્ર કામો કુશળતા પૂર્વક કરવાં જોઈએ. તેણે પ્રત્યેક મનુષ્યો સાથે સદ્ વર્તન કરવું જોઈએ.[23] આવી સ્ત્રીએ પતિ દ્વારા અપમાનિત થવાં છતાં તેને પ્રતિકૂળ આચરણ ન કરવું જોઈએ. સપત્નિકાનાં કર્તવ્યોની ચર્ચા કરતાં કામસૂત્રકાર જ્યેષ્ઠા તથા કનિષ્ઠામાં પરસ્પર સુમેળ સધાય તેવા સ્તુત્ય પ્રયાસો કરે છે.
વિવાહિતા ઉપરાંત કામશાસ્ત્રો પુનર્વિવાહિતા તથા પતિ દ્વારા ઉપેક્ષિતા સ્ત્રીનાં કર્તવ્યોની પણ ચર્ચા કરે છે. કામસૂત્ર પ્રમાણે પુનર્વિવાહિતાએ ઘરની સ્વામિની જેવું વર્તન કરવું જોઈએ.[24] અહીં બીજા લગ્ન કરેલી નારી લાચાર કે બિચારી ન રહેતા સાસરીમાં સ્વમાનભેર રહી શકે એવો નારીવાદી અભિગમ દૃષ્ટિગોચર થાય છે. ઉપેક્ષિતાવધૂએ પણ બધું ભૂલાવી પતિ તથા અન્ય સભ્યો સાથે પ્રેમપૂર્વક વર્તવાની વાત માત્ર સ્ત્રીએ જ સહન કરવાની બાબત તરફ દૃષ્ટિપાત કરાવે છે; પરંતુ આનાથી કુટુંબમાં કલ્યાણ તો અવશ્ય સધાય છે.
કામશાસ્ત્રો સામાન્ય સ્ત્રીઓ ઉપરાંત અંત:પુરની રાણીઓનાં કર્તવ્યોની પણ ચર્ચા કરે છે. જે વિવાહિતાનાં કર્તવ્યોમાં સમાઈ જાય છે. અનેક પત્નીઓ ધરાવનાર પુરુષની પત્ની પતિસુખ ભાગ્યે જ પ્રાપ્ત કરતી હોઈ તે દૃષ્ટિએ પણ દુ:ખી છે. વળી, એક જ ઘરમાં અનેક સ્ત્રીઓના વસવાટથી સ્ત્રીઓને પરસ્પર ઘણું કષ્ટ સહન કરવું પડે છે એ નિર્વિવાદ છે.
જાતીયસંબંધમાં નારીનું સ્થાન અને સ્થિતિ :
            ધર્મશાસ્ત્રો અને કામશાસ્ત્રો અનુસાર પ્રજોત્પત્તિ, ધર્મકાર્યો તેમજ કામસુખ જેવાં પ્રયોજનોથી સ્ત્રી સાથે પુરુષ વિવાહસંબંધથી જોડાય છે. ધર્મકાર્યો સમાન પ્રજોત્પત્તિ તથા કામસુખમાં પણ પતિપત્નીની યોગ્ય ભૂમિકાનું મહત્ત્વ છે. સમાગમકાળ દરમ્યાનનાં આલિંગન, ચુંબન, નખક્ષત, દંતક્ષત, પ્રહરણ, સીત્કાર વગેરેનો પ્રયોગ અપાર કામસુખ તથા સંતુષ્ટિ માટે થાય છે. કામશાસ્ત્રો પ્રથમ સ્ત્રીની સંતુષ્ટિ ઉપર વધુ ભાર આપે છે. ઘણીવાર સ્ત્રીને કામતૃપ્તિમાં માત્ર સાધન તરીકે જ જોવાતી હોવાનાં પ્રમાણો પણ પ્રાપ્ત થાય છે. કામાન્ધો દ્વારા નખક્ષત અને દંતક્ષતથી થનારા ઊંડા ઘા સ્ત્રીને પીડાકારક બની રહે છે. આનાથી સ્ત્રીની ત્વચાને નુકશાન થવાની અને તત્વિષયક રોગો થવાની તથા સામાજિક પ્રતિષ્ઠાની હાનિ થવાની પણ સંભાવના રહેલી હોઈ કામશાસ્ત્રો આ અંગે ચેતવણી પણ આપે છે. વાત્સ્યાયન પ્રહણન કે તાડનને કષ્ટતર માની તેનો તિરસ્કાર કરે છે. તેઓ આનાથી થયેલી સ્ત્રીઓની અવદશાને સોદાહરણ ચર્ચે છે. ચૌલદેશના રાજાએ કામાન્ધ બની પ્રહારથી ચિત્રસેના નામની  વેશ્યાની [25] તથા કોંકણદેશના રાજકુમાર શાતવાહને પ્રહારથી રાણી મલયવતીની હત્યા કરી હતી.[26] આથી આના પ્રયોગમાં સાવચેતી રાખી કામશાસ્ત્ર સ્ત્રીને અપાર કામસુખ અર્પવાની ભલામણ કરે છે.
પરગમનવૃત્તિ અને નારી :   
આચાર્ય વાત્સ્યાયન પરગમન માટે આખું પ્રકરણ ફાળવે છે. અન્ય કામશાસ્ત્રીય ગ્રંથો પણ આ વિષયે વિગતે ચર્ચા કરે છે. કામસૂત્ર પ્રમાણે પરગમનવૃત્તિ ગુપ્તરીતે અને પ્રકટપણે એમ બે પ્રકારે થતી જોવા મળે છે. પ્રધાનો, મંત્રીઓ, નગરાધ્યક્ષો વગેરે ઉચ્ચાધિકારીઓ નોકરવર્ગની સ્ત્રીઓ સાથે તેમના હોદ્દાના જોરે છુપી રીતે જાતીયસંબંધો બાંધતા હોવાના અનેક ઉલ્લેખો કામશાસ્ત્રોમાંથી પ્રાપ્ત થાય છે.[27] કામાન્ધ બનેલા રાજાઓ ઉત્સવો દરમ્યાન સ્ત્રીઓને બહાનાપૂર્વક મહેલમાં બોલાવી તેમની સાથે સમાગમ કરતા. એટલું જ નહીં પણ ઘણા દેશોમાં તો લગ્ન પછી અમુક દિવસે નવોઢાને રાત્રે રાજાના મહેલમાં મોક્લવામાં આવતી હતી. રાજાઓ ગમતી સ્ત્રી સાથે સમાગમ કર્યા બાદ તેને ઉપહાર આપી વિદાય કરતા હતા.[28] અહીં કુટુંબ દ્વારા ધકેલાતી નારીનું શાષકો દ્વારા થતું શોષણ દૃષ્ટાંતો સાથે રજૂં કરવામાં આવ્યું છે.
ઉચ્ચાધિકારીઓ તથા રાજાની જેમ અંત:પુરની રાણીઓ તથા અન્ય સ્ત્રીઓ નોકરજનો સાથે અથવા બહારથી છુપાવીને લવાતા પુરુષ સાથે શરીરસંબંધ બાંધતી હતી.[29] ક્યારેક અંત:પુરની સ્ત્રીઓ પરસ્પરના સજાતીય સંબંધોથી તૃપ્તિ મેળવી લેતી હોવાના ઉલ્લેખો પણ પ્રાપ્ત થાય છે. વાત્સ્યાયન પરદારાગમન પ્રકરણનો ઉદ્દેશ તેના જ્ઞાનથી પોતાની સ્ત્રીને અન્ય પુરુષથી બચાવવાનો હોવાનું જણાવી સમાજમાં સ્ત્રીનું જાતીયશોષણ થતું અટકાવવાના સ્તુત્ય પ્રયાસો કરે છે.
કામશાસ્ત્રો મુજબ  મોક્ષમાં સાધનરૂપ એવા કામને સિદ્ધ કરવામાં સ્ત્રી પ્રમુખ સ્થાન ધરાવે છે. આથી જ આ ગ્રંથો સ્ત્રીને શક્તિ તરીકે જોઈ તેનો સત્કાર કરી પુરુષને પણ સૃષ્ટિની ઉત્પત્તિમાં કારણરૂપ નારી પ્રત્યે સત્કારની ભાવના રાખવા તથા તેને પ્રસન્ન રાખવાનાં પ્રત્યક્ષ તેમજ પરોક્ષ સૂચનો આપે છે. કામશાસ્ત્રોમાં નારી સંબંધિત જે વિગતો પ્રાપ્ત થાય છે તે માત્ર જાતીયસંબંધ પૂરતી જ સીમિત ન રહેતાં સ્ત્રીના તથા પુરુષના સમગ્ર જીવનને અસર કરે છે. કામશાસ્ત્રોમાં નિરૂપિત નર અને નારી વિશે કોઈપણ ધારણા બાંધતાં પહેલાં જે તે સમયના સામાજિક પરિપ્રેક્ષ્યને અનિવાર્યપણે તપાસવો ઘટે.

સંદર્ભ -

 [1]   कामसूत्रम् – 1-3-19- डो.पारसनाथ द्विवेदी, चौखम्बा प्रकाशन, पुनःमुद्रित-2004

[2]    एभिरभ्यर्थिता वश्या रूपशीलगुणान्विता । लभते गणिकाशब्दं स्थानं च जनसंसदि ।। - बाभ्रव्यकारिका – 1-5 डो.दलवीरसिंह चौहान, चौखम्बा प्रकाशन, प्रथम संस्करण-2005

[3]  अंगुष्ठे पदगुल्फजानुजघने नाभौ च वक्षःस्तने......।। - रतिरहस्यम् –2-1, डो.रमानन्द शर्मा, कृष्णदास              
अकादमी, वाराणसी, द्वितीय संस्करण -2009         

[4]  रूपगुणो वयस्त्याग इति सुभगंकरणम् । - कामसूत्रम् – 8-3-1

[5]  ...न्यूनाधिकाविनष्टदन्तनखकर्णकेशाक्षिस्तनीमरोगिप्रकृतिशरीरां तथाविध एव श्रुत्वाञ्शीलयेत् ।
- कामसूत्रम् – 3-1-2

[6]  अम्भोजास्या बहलनयना भूरिकेशप्रचारा .... ।। पञ्चसायकः 6 -2 - डो.रमानन्द शर्मा, कृष्णदास अकादमी, वाराणसी, 1994 

[7]  नक्षत्राख्यां नदीनाम्नीं वृक्षनाम्नीं च गर्हिताम् ।    - कामसूत्रम् – 3-1-12

[8]  कामसूत्रम् – मनोरमा हिन्दी व्याख्या, पृष्ठ - 294

[9]   कमलमुकुलमृद्वी फुल्ळराजीवगन्धः .... । -  रतिरहस्यम् –1-11

[10]  तन्वंगी गजगामिनी चपलदृक् संगीतशिल्पान्विता ....। - अनंगरंग- 1-10 डो.रमसागर त्रिपाठी, चौखम्बा प्रकाशन, दिल्ली, प्रथम संस्करण-2004         

[11]  दीर्घस्थुलकृशा पयोधरयुगं स्वल्पं दधाना सदा......। - रतिकल्लोलिनी – 11,12 - डो.दलवीरसिंह चौहान, चौखम्बा प्रकाशन, प्रथम संस्करण-2004

[12]  स्थुलापिंगलकुन्तला च बहुभुक् क्रूरा त्रपावर्जिता ....। - अनंगरंग- 1-14

[13]  श्र्लेषमला त्वरितमेव रसन्ती वेगमेति शिशिरे च वसन्ते .....।। – केलिकुतूहलम् – 6–40 पं. मथुरा प्रसाद दीक्षित, कृष्णदास अकादमी, वाराणसी, पुनःमुद्रित -2002

[14]  पित्तला ननु चिराचिरकालात्कामभावपरितोषमिर्यति ......।।     – केलिकुतूहलम्  – 6–41

[15]  वातवत्यतिचिरेण निष्कात्तुष्टिमेति रमते रतिसक्ता   ......।।     – केलिकुतूहलम् – 6–42

[16]  यावच्छोडशसंख्यमुदिता बाला ततश्र्त्रिंशतं........ ।                - अनंगरंग- 4-1

[17]  आतिथ्यसख्यादिषु बद्धभावानुरागिणी निर्मलचित्तवृत्तिः । नानाव्रतैरेतिच न प्रयासं मनुष्यसत्त्वा परिकीर्तिता सा ।। - अनंगरंग- 4-14

[18]  कुंभदासी परिचारिका कुलटा स्वैरिणी .......। - कामसूत्रम् –  5-6-50

[19]  ब्राह्मः प्राजापत्य आर्षो दैवो गान्धर्व आसुरः पैशाचो राक्षस इति। तत्र पूर्वे चत्वारो धर्म्या इति तदर्थं वरणसंविधानं प्रकरणमुच्यते ।   - कामसूत्रम् – 3 

[20]  आदाय प्रथमं वराद्बहुतरं शुल्कं यथाकोङ्क्षया.....।।  पञ्चसायकः 6 -16

[21]  विधवात्विन्द्रियदौर्बल्यादातुरा भोगिनं गुणसम्पन्नं च पुनर्विन्देत्सा पूनर्भू । - कामसूत्रम् – 3-1-12

[22]  भार्या च द्विविधा – एकचारिणी सपत्निका ।  - कामसूत्रम् – अधिकरण, पृष्ठ- 354

[23]  गुरुषु भृत्यवर्गेषु नायकभगिनीषु तत्पतिषु च यथार्हं प्रतिपत्तिः । - कामसूत्रम् – 4-1-5

[24]  सा प्रभविष्णुरिव तस्य भवनमाप्नुयात् ।          - कामसूत्रम् – 4-2-40

[25]  रतियोगो हि कीलया गणिकां चित्रसनां जघान ।    - कामसूत्रम् –  2-7-28

[26]  कर्तर्या कुन्तलः शातकर्णः शातवाहनो महादेवीं मलयवतीम् । - कामसूत्रम् –  2-7-29

27]  महामात्रेश्र्वराणामन्तःपुराणि निशि सेवार्थं राजानमुपगच्छन्ति वात्सगुल्मकानाम् । - कामसूत्रम् –  5-5-32

[28]  प्रत्ता जनपदकन्या दशमेऽहनि किञ्चिदौपायनिकमुपगुह्य प्रविशन्त्यन्तःपुरमुपभुक्ता एव विसृज्यन्त इत्यान्ध्राणाम् ।। - कामसूत्रम् –  5-5-31  

[29]  संहत्य नवदशेत्येकैकं युवानं प्रच्छादयति प्राच्यानामिति । - कामसूत्रम् –  5-6-38

 

ડૉ. ભરતકુમાર ડી. પરમાર
સંસ્કૃતવિભાગ
ગુજરાત આર્ટ્સ એન્ડ સાયન્સ કૉલેજ,
એલિસબ્રિજ, અમદાવાદ- 6