વૈદિક કાળમાં નારીની સ્થિતિ

More on Portrayal of Women in Literary World

                માનવે જ્યારે ધરતી પર આંખ ખોલી તો તેને માના રૂપમાં નારીની ગોદનું સંરક્ષણ જ નહીં મળ્યું પણ તેના પાલવની છાયામાં સ્વર્ગીય આનન્દની અનુભૂતિ પણ તેનાથી થઇ. સ્વયં આ ધરતી માના રૂપમાં જનની- જન્મભૂમિના રૂપમાં આકાશની ઊંચાઇથી લઇને સમુદ્રની ઊંડાઇ સુધી અપાર સંભાવનાઓની શુભકામનાઓ તેમના માટે લઇ આવી. તેણે માના રૂપમાં નારીનું ભૌતિક રૂપ પણ જોયું અને તેને તેના અલૌકિક  સ્વરૂપના દર્શન પણ થયાં. નારી વિધાતાની અદભૂત સૃષ્ટિ છે. ભારતીય સમાજે અત્યંત પ્રાચીનકાળમાં વેદ પ્રતિપાદિત આદર્શો અને જીવનપ્રણાલીનો સ્વીકાર કરીને પોતાનો વિકાસ કર્યો હતો. વૈદિકકાળમાં નારીને અતિ ઉચ્ચ સ્થાન પ્રાપ્ત થયું હતું. વેદના હજારો મંત્રોમાં નારીની ગરિમામયી છબીને અંકિત કરવામાં આવી છે.
ઉષા, આપ:, અદિતિ, સરસ્વતી વગેરે દેવતાઓને સમ્બોધન કરનાર જે મન્ત્રો મળે છે તેમાં નારી મહાત્મ્યનો જ ઉલ્લેખ થયો છે. जायेदस्तं मघवन्त्सेदु योनिस्तदित्वा युकता हरयो वहन्तु । (ऋक्.3-53-4) અર્થાત્ હે ઐશ્વર્યવાન ઇન્દ્રદેવ સ્ત્રી જ ઘર હોય છે, એ જ પુરુષનું આશ્રયસ્થાન હોય છે. ઋગ્વેદમાં સ્ત્રીને યજ્ઞમાં બ્રહ્માનું સ્થાન ગ્રહણ કરવાને યોગ્ય બતાવ્યું છે. આ વેદમાં સરસ્વતીરૂપા વિદુષી નારીનું આહ્વાન કરવાવાળો મંત્ર નીચે મુજબ છે. सरस्वती देवयन्तो हवन्ते सरस्वतीमध्वरे तायमाने ।
सरस्वती सुकृतो अह्वयन्त सरस्वती दाशुषे वार्यं दात ।। (10-17-7)
અર્થાત્ દિવ્ય ગુણોની કામના કરવાવાળી વિદુષી દેવીને અમે આમંત્રિત કરીએ છીએ. યજ્ઞોના અવસર પર સરસ્વતીરૂપી સુપઠિત દેવીને અમે બોલાવીએ છીએ. ઉત્તમ કર્મવાળી સન્નારીને અમે આહૂત કરીએ છીએ. તે દાનશીલ વ્યક્તિઓને ઉત્તમ જ્ઞાન આપે છે.
ઋગ્વેદમાં કન્યા શિક્ષણની વ્યવસ્થા નિર્દેશેલી છે. પુત્રની જેમ તેને પણ ઉપનયન વગેરે સંસ્કાર આપવામાં આવતા. વેદ અધ્યયનમાં પણ તેને અધિકાર આપવામાં આવતો હતો. નારી પુરુષના સહયોગી તરીકે વર્તતી હતી. તે પુરુષની સાથે યજ્ઞાદિ કર્મો પણ કરતી હતી. ફક્ત યજ્ઞાદિ કર્મો જ નહિ ભીષણ યુદ્ધમાં પણ તે સેનાપતિ બનતી. વેદમાં સ્ત્રી અબળા મનાતી ન હતી. સુવીરા, શૂરપત્ની, ઇન્દ્રપત્ની વગેરે ગૌરવયુક્ત વિશેષણોથી નવાજવામાં આવતી.
सहोत्रं स्म पुरा नारी समनं वाव गच्छति ।(अथर्व.20-126-10)
(પ્રાચીનકાળથી જ નારી શ્રેષ્ઠ યજ્ઞો ને મહોત્સવોમાં ભાગ લેતી આવી છે.)
इन्द्राण्येतु प्रथमाजीतामुषिता पुरः । (अथर्व.1-27-4)
(કોઇના દ્વારા ન જીતાયેલી, ન લૂંટાયેલી અભિમાની (ઇન્દ્રાણી) બધાની આગળ ચાલો.)  સ્ત્રીના સૌભાગ્યવતીપણાની, સહૃદયત્વપણાની, ઉદ્યમીપણાની પણ પ્રશંસા થાય છે.
न मत् स्त्री सुभसत्तरा न सुयाशुतरा भुवत् । (अथर्व.20-126-6)
(મારાથી વધુ બીજી કોઇ સ્ત્રી સૌભાગ્યશાળી નથી ને કોઇ સ્ત્રી વધુ સુખી અને સંતતિવાળી નથી.)
ઋગ્વેદના દશમા મંડળનું 25મું સૂક્ત નારીની મહિમાનું બહુવિધ આખ્યાન કરે છે. તેનો મંત્ર જેની ઋષિકા સૂર્યા સાવિત્રી છે, જે નારીગૌરવને જ ઉપસ્થિત કરે છે. વૈદિકકાળથી લઇને આજ સુધી આર્ય જાતિ વિવાહના અવસર પર આ સૂક્તના મંત્રોનો પ્રયોગ કરતી આવી છે. જે મંત્રો प्रेतो मुञ्चामि (10-85-25) તથા पूषा त्वेतो नयतु हस्त गुह्याश्विना त्वा प्र वहतां रथेन ।
गृहान्गच्छ गृहपत्नी यथासो वशिनी त्वं विदथमा वदासि ।।(10-85-26)
( પૂષાદેવ આપને અહીંથી હાથ પકડીને લઇ જાય. આગળ અશ્વિનીકુમાર આપને રથમાં બેસાડીને લઇ જાય. આપ પોતાના પતિગૃહ તરફ પ્રસ્થાન કરો. ત્યાં આપ ગૃહસ્વામિની અને દરેકને પોતાના અનુશાસનમાં રાખનારી બનો. ત્યાં આપ વિવેકપૂર્ણ વાણીનો પ્રયોગ કરો.)
બીજા મંત્રો सुमंगलीरियं वधू (10-85-33), गृभ्णामि ते सौभगत्वाय हस्तं (10-85-36), तुभ्यमग्रे पर्यवहन (10-85-38), इहैव स्तं मा वि यौष्टं (10-85-42), अघोर चक्षुरपतिध्नोदि (10-85-44) છે. આ મંત્રો ગૃહસ્થમાં પ્રવેશ કરનારી નારીનું ગૌરવમય રૂપ પ્રસ્તુત કરે છે. समञ्जन्तु विश्वेदेवा: समापो हृदयानि नौ (10-85-47) મંત્રમાં દ્વિવચનનો પ્રયોગ દ્રષ્ટવ્ય છે. જેમાં વર અને વધૂ દ્વારા સન્માનરૂપ ગૃહસ્થના દાયિત્વને પૂરા કરવાનો સંકેત છે.
ફરી સ્વસુરગૃહમાં જઇને વહુ કઇ રીતે ગૃહસ્થ પરિવારની સામ્રાજ્ઞી બની જાય છે. તેનો સંકેત પણ આ મંત્રમાં (10-85-46) માં મળે છે. મહર્ષિ દયાનંદ સરસ્વતી રચિત સંસ્કારવિધિના વિવાહ પ્રકરણમાં આ મંત્ર ઉદધૃત કર્યો છે. साम्राज्ञी श्वसुरे भव साम्राज्ञी श्वश्वां भव ।
ननान्दरि साम्राज्ञी भव साम्राज्ञी अधिदेवृषु ।। (10-85-46)
તેનો અર્થ કરતાં દયાનન્દ સરસ્વતી લખે છે કે હે વરાનને, તુ મારા પિતા જે તારા સસરા છે, તેમાં પ્રીતિ કરીને સમ્યક પ્રકાશમાન, ચક્રવર્તી રાજાની રાણીની સમાન પક્ષપાત છોડીને પ્રવૃત્ત થાય. મારી માતા જે તારી સાસુ છે તેમાં પ્રેમયુક્ત થઇને તેની આજ્ઞામાં સારી રીતે રહીને, જે મારી બહેન તારી નણંદ છે તેમાં પણ પ્રીતિયુક્ત અને મારો ભાઇ તારો દિયર અને જે મોટા અથવા નાના છે તેમાં પણ પ્રીતિથી પ્રકાશમાન અધિકારયુક્ત થાય અર્થાત્ સૌની સાથે અવિરોધપૂર્વક પ્રીતિથી વર્તાવ કર.
વેદમાં નારીને ગૃહસ્થની ધુરા વહન કરવાની પ્રેરણા તો આપી જ છે. પણ સમય આવ્યે વીર ભાવનાઓથી યુક્ત થઇને પ્રચંડ કર્મોમાં લાગી જવાનો આદેશ પણ આપ્યો છે. ઋગ્વેદના દશમા મંડળનું 15મું સૂક્ત શચી પૌલોમીને સમર્પિત છે. તેની દ્રષ્ટા ઋષિ (ઋષિકા) પણ એક નારી શચી પૌલોમી જ છે. તેમાં જે વીર નારીનું ચિત્રણ કરવામાં આવ્યું છે તેની ઓજસ્વી વાણીને સાંભળો. उदसौ सूर्यो अगादुदयं मामको भग: ।
अहं तद्विद्वला पतिमभ्यसाक्षि विषासहि ।।(10-159-1)
સૂર્યના ઉદયની સાથે સાથે મારા સૌભાગ્યની પણ વૃદ્ધિ થઇ રહી છે. હું મારા પતિદેવને પ્રાપ્ત કરીને વિરોધિઓને પરાજિત કરવાવાળી તથા સહનશીલ બનું.
તે ફરી કહે છે....
अहं केतुरह मूर्धाहमुग्रा विवाचनी ।
ममदेनुक्रतुं पति: सेहानाया उपाचरेत् ।। (10-159-2)
હું કેતુ (ધજા) તુલ્ય છું સમાજની મૂર્ધાસ્થાનીય છું. તેજસ્વિની બનીને સભાઓમાં પ્રભાવશાળી ભાષણ આપનારી છું. મારો પતિ મારી ઇચ્છા, જ્ઞાન અને કર્મને અનુકૂળ આચરણ કરે છે. આ વીરપ્રસૂ નારીની સંતાન પણ તેવી જ તેજસ્વી છે. मम पुत्रा:शत्रुहणोऽथो मे दुहिता विराट् ।
उताहमस्तिसञ्जया पत्यौ मे श्लोक उत्तम ।। (10-159-3)
મારા પુત્રો શત્રુઓનો નાશ કરવાવાળા છે અને મારી પુત્રી પણ જ્ઞાનાદિ ગુણોના કારણે વિશેષરૂપથી પ્રકાશિત થવાવાળી છે. હું સ્વયં પણ કામ ક્રોધાદિ વિકારોને જીતવાવાળી તથા બાહ્ય શત્રુઓનો નિગ્રહ કરવાવાળી છું. મારું આચરણ અને વ્યવહાર એવો છે કે જેનાથી મારા પતિને ઉત્તમ યશ પ્રાપ્ત થાય છે. 
યજુર્વેદમાં નારી ગૌરવગાન કરવાવાળા અનેક મંત્ર મળે છે. આઠમા અધ્યાયનો 43મો મંત્ર આ પ્રકારે છે. इडे रन्ते हव्ये काम्ये चन्द्रे ज्योतेऽदिते सरस्वति महि विश्रुति ।
एताते अघ्न्ये नामानि देवेभ्यो मा सुकृतं ब्रूतात् ।।
આ મંત્રના દેવતા પત્ની છે. અહીં પત્ની માટે જે વિશેષણ પ્રયુક્ત થયા છે તેનાથી નારીની ગરિમા અને પ્રતિષ્ઠા વ્યક્ત થાય છે. તે પત્ની અઘ્ન્યા છે. તેની તાડના કરવી ઉચિત નથી, તે સ્તુતિ કરવાને યોગ્ય છે (इडे), રમણીય છે- કામના કરવાને યોગ્ય છે(काम्ये), સ્વીકાર કરવાને યોગ્ય છે(हव्ये), પોતાના શીલ અને આચારથી દ્યુતિમાન છે (ज्योति), અવિનાશી આત્મા હોવાને કારણે અદિતિ છે(अदिते), વિદ્યાયુક્ત છે(सरस्वती), પૂજ્યતમ છે(महि), ઉત્તમ કીર્તિ તથા વેદવાણી યુક્ત છે(विश्रुति). આ બધા નામ અથવા વિશેષણ પત્ની માટે વેદમાં પ્રયુક્ત થયા છે. સંસારના સાહિત્યમાં નારીની પ્રસંશા માટે આટલા શબ્દોનો પ્રયોગ એક સાથે કદાચ ક્યાંય થયો નહીં હોય.
રાષ્ટ્રગીતની સમાન સમ્માન પ્રાપ્ત યજુર્વેદના 22મા અધ્યાયના 22મા મંત્રમાં જ્યાં રાષ્ટ્રમાં બ્રહ્મવર્ચસ્વને ધારણ કરવાવાળા બ્રાહ્મણ, શૂરવીર, ક્ષત્રિય તથા દુગ્ધવતી ગાયો વગેરેની કામના કરવામાં આવી છે ત્યાં રાષ્ટ્રની નારીને અનેક વ્યવહારોમાં કુશળ હોવાને કારણે આદર્શ કહેવામાં આવી છે.( आ ब्रह्मन्ब्राह्मणो......पुरन्धिर्योषा जिष्णू रथेष्ठा:)
અથર્વવેદમાં "शुद्धा पूता योषितो यज्ञिया इमा" (11-1-17) કહીને નારીને શુદ્ધ, પવિત્ર તથા યજ્ઞની સમાન આદર આપવામાં આવ્યો છે. 14મા કાણ્ડનું પ્રથમ સૂક્ત તો સ્ત્રીને યોગ્ય કર્તવ્યોનો ઉપદેશ કરવાવાળો વિશ્વકોષ જ છે. इन्द्राग्नि द्यावापृथिवी मातरिश्वा मित्रावरुणा भगो अस्विनोभा ।
बृहस्पतिर्मरुतो ब्रह्म सोम इमां नारी प्रजाया वर्धयन्तु ।। 14-1-54
અર્થાત્ ઇન્દ્ર, અગ્નિ, દ્યાવા-પૃથ્વી, વાયુ, મિત્ર, વરુણ, ભગ, બંન્ને અશ્વિનીકુમારો, બૃહસ્પતિ, મરુદ્ગણ, બ્રહ્મ અને સોમ – એ બધી દેવી શક્તિઓ આ નારીની શ્રેષ્ઠ સંતાનોની સાથે વૃદ્ધિ કરો.
14મા કાણ્ડના બીજા સૂક્તના અધિકાંશ મંત્ર વૈદિક વિવાહ વિધિમાં વિનિયુક્ત છે. પત્નીને ગૃહસ્થાશ્રમની મહારાણી કહેતાં તેને ઉપમા સાગરની આપવામાંઆવી છે જે નદીઓનો સ્વામી છે.
यथा सिन्धुर्नदीनां साम्राज्यं सुषुवे वृषा ।
एवात्वं साम्राज्येधि पत्युरस्तं परेत्य ।। (14-1-43)
જે રીતે સમુદ્રે નદીઓનું સમ્રાટ પદ પ્રાપ્ત કર્યું છે તે રીતે હે વધૂ તુ પતિને ઘરે જઇને સામ્રાજ્ઞી બન.
પુરુષ ઋષિઓની જેમ સ્ત્રી ઋષિકાઓએ પણ વેદના વિભિન્ન મંત્ર તથા સૂક્તોનું રહસ્ય જાણ્યું હતું. મંત્રોના અર્થ ચિન્તન કરી ઋષિકા પદને પ્રાપ્ત કર્યું હતું. ઋગ્વેદના સૂક્તોની દ્રષ્ટી ઋષિકાઓની નામાવલિ જોઇએ તો 10મા મંડળમાં સૂક્ત 36 તથા 40 ઘોષા કાક્ષીવતીએ જોયું. 35મા સૂક્તમાં મંત્ર 16 અને 18 ઉર્વશીએ જોયા. 134મા સૂક્તને જોવાનો શ્રેય યમીને છે. 156મા સૂક્તમાં નારી ગૌરવનું ગાન કરવાવાળી ઋષિકા શચી પૌલોમી છે. 186મા સૂક્તનું જ્ઞાન સાર્પરાજ્ઞીએ પ્રસારિત કર્યું. ઋગ્વેદના 5મા મંડળના 28મા સૂક્તનું દર્શન વિશ્વવારા આત્રેયીએ કર્યં હતું. 8મા મંડળના 61મા સૂક્તની દ્રષ્ટી અપાલા આત્રેયી છે. બીજાં પણ ઘણા ઉદાહરણો આપી શકાય. મંત્રદ્રષ્ટા નારી ઋષિકાઓની એક સૂચી બૃહદ્દેવતાના 24મા અધ્યાય (શ્લોક 84,85,86)માં નીચે મુજબ છે.                
घोषा गोधा विश्ववारा अपालोपनिषन्निसत् ।
ब्रक्तजाया जुहूर्नाम अगस्त्यस्य स्वसादिति: ।।
इन्द्राणी चेन्द्रमाता च सरमा रोमशोर्वशी ।
लोपामुद्रा च नद्यश्व यमी नारी च शश्वती ।।
श्रीर्लक्षमी: सार्पराज्ञी वाक् श्रद्धा मेधा च दक्षिणा ।
रात्री सूर्या च सावित्री ब्रह्मवादिन्य ईरिता ।।                 બ્રહ્મ અર્થાત્ વેદનો પ્રચાર કરવાને કારણે ઉપર્યુક્ત ઋષિકાઓને બ્રહ્મવાદિની કહેવામાં આવે છે. વૈદિક કાળ પછી બ્રાહ્મણ તથા ઉપનિષદ કાળમાં પણ નારીનું ગૌરવ તથા મહત્ત્વ અક્ષુણ્ણ રહ્યું. શતપથ બ્રાહ્મણ તથા તદનુવર્તી બૃહદારણ્યકોપનિષદમાં વાચક્નવી ગાર્ગી નામની બ્રહ્મવાદિની નારીનું આખ્યાન અનેકત્ર આવે છે. મહર્ષિ યાજ્ઞવલ્ક્ય જેવા બ્રહ્મનિષ્ઠ સાથે શાસ્ત્રાર્થમાં પ્રવૃત્ત થઇને ગાર્ગી જેવી ભારતીય વિદુષીએ સમસ્ત નારીજાતિને ગૌરવ આપ્યું.                 યાજ્ઞવલ્ક્યની વિદુષી પત્ની મૈત્રેયીનું આખ્યાન પણ બૃહદારણ્કોપનિષદ (2-4)માં વર્ણિત છે. મોક્ષમાર્ગમાં પોતાની રુચિને દર્શાવતી મૈત્રેયીએ પોતાના પતિને કહ્યું હતું. "सा होवाच मैत्रेयी येनाहं नामृता स्यां किमहं तेन कुर्या "- જેનાથી હું અમરત્વને પ્રાપ્ત ન કરી શકું તે જાણીને શું કરીશ ? પત્નીની આ જિજ્ઞાસાને શાંત કરવા માટે મહર્ષિએ આત્મા વિષયક પોતાનો પ્રસિદ્ધ ઉપદેશ આપ્યો.-  "न वा अरे पत्यु: कामाय पति: प्रियो भवति आत्मनस्तु कामाय पति: प्रियोभवति" વગેરે... મૈત્રેયીને જ સંબોધિત કરીને મહર્ષિ યાજ્ઞવલ્ક્યે ઉપનિષદના અમર વાક્યનું ઉચ્ચારણ કર્યું હતું. "आत्मा वा अरे द्रष्टव्य: श्रोतव्यो मन्तव्यो निदिध्यासितव्यो मैत्रेध्यात्मनो वा अरे दर्शनेन श्रवणेन मत्या विज्ञानेनेदं सर्वं विदितम् " (ચોક્કસ  આ આત્મા જ દ્રષ્ટવ્ય છે, શ્રોતવ્ય છે, મનન કરવાને યોગ્ય છે, અતિશય ધ્યાન કરવાને યોગ્ય છે. તેના શ્રવણ, મનન, દર્શનથી બધું જ જ્ઞાન થાય છે.) ઉપનિષદ્ કલીન ભારતીય નારીઓનું અધ્યાત્મ જ્ઞાન ભારતનો ઉજ્જવળ નિધિ છે.                 આમ વાદિક સંહિતાઓમાં નારીના ગૌરવ તથા મહત્ત્વને સર્વત્ર પ્રસ્થાપિત કરવામાં આવ્યું છે તથા તેને ગૃહસ્થાશ્રમની એક ધુરી માનવામાં આવી છે. નારીની ગરિમાનું પ્રત્યાખ્યાન કરનાર એક પણ મંત્ર સંહિતામાં મળતો નથી.

સન્દર્ભ સાહિત્યઃ-
(1) ऋग्वेद – श्री रामशर्मा आचार्य
(2) अथर्ववेद –श्री रामशर्मा आचार्य
(3) संस्कृतनिबन्धशतकम् – वि.वि.प्रकाशन वाराणसी


NARENDRA B. RAVAL
Asst. Professor -  Sanskrit
GOVT. ARTS COLLEGE,  AMIRGADH
DIST – BANASKANTHA ( North Gujrat )
nbraval41@gmail.com