એકવીસમી સદીમાં સ્ત્રીઓના પ્રશ્નો વિષે સ્ત્રીઓ અને પુરુષો બંને ચર્ચા કરતા થયા છે. વર્તમાન પત્રો, સામાયિકો, રિસર્ચ જરનલ અને ટી.વી.. રેડિયો, ઇન્ટરનેટ જેવા ઇલેકટ્રોનિક મિડિયાનું યોગદાન રહ્યું છે. આ સાધનોની ઉપલબ્ધતાને કારણે સ્ત્રીઓ પોતાનો મત રજૂ કરતી થઇ છે. આજની સ્ત્રી જુદા જુદા ક્ષેત્રમાં પોતાની કારકીર્દી ઘડીને આગળ આવી છે. તો બીજી બાજુ કેળવણી ડ્રોપ આઉટ, કૂપોષણ, સ્ત્રીભૃણ હત્યા, ઘરેલું હિંસા, દહેજ જેવા પ્રશ્નોની મૂક્ત ચર્ચા કરતી થઇ છે. આ પ્રશ્નોને દૂર કરવા કાયદાકીય જોગવાઇની માંગણી કરતી પણ બની છે. સ્ત્રીઓમાં આવેલ આત્મવિશ્વાસ આજનો નહિ પરંતુ સદી પૂર્વે પણ ગુજરાતની બહેનોને પોતાના આગવા અભિપ્રાયો હતો. જે તે સમયે પ્રકાશીત થતા સ્ત્રીલક્ષી સામાયિક જેવા કે, સ્ત્રીબોધ, સુન્દરી સુબોધ, સ્ત્રીહિતોપદેશ અને ગુણસુંદરી જેવા સામાયિકોમાં પ્રગટ થતા હતા. ઇ.સ.૧૮૫૭માં ‘સ્ત્રી બોધ’ નામનું સામાયિક સૌ પ્રથમ ગુજરાતી ભાષામાં બહેનો માટે પ્રકાશીત થતું હતું. આ સામાયિક મુંબઇનાં પારસી કેખુશરૂ કાબરાજી દ્વારા શરૂ થયું હતું. જેમાં સ્ત્રીઓ વિષયક લેખ પ્રગટ કરવામાં આવતા. વીસમી સદીની શરૂઆતમાં આવું જ એક ‘સુન્દરી સુબોધ’ નામનું સામાયિક ગુજરાતમાં શરૂ થયું. ‘સુન્દરી સુબોધ’ - પરિચય
ઇ.સ.૧૯૦૪માં ગુજરાતમાં ‘સુન્દરી સુબોધ’ નામનું સામાયિક શરૂ થયું. આ સામાયિક અમદાવાદના બંધુસમાજના સંપાદન હેઠળ પ્રગટ થતું હતું જેનું તંત્રી પદ રામમોહનરાય જસવંતરાય સંભાળતા. જેની ર્વાિષક કિંમત ૩ રૂપિયા ૮ પૈસા હતી.
‘સુન્દરી સુબોધ’ માસિકના પ્રથમ પૃષ્ઠ ઉપર સ્ત્રી ઉન્નતિ માટેના સાહસિક ગોવર્ધનભાઇ ત્રિપાઠીના વિચારો ઘણા વર્ષો સુધી અંકિત થતાં. જેમકે "સ્ત્રીઓ પંડિત થાય, કુટુંબપોષક થાય, સ્વસ્થ થાય, શરીરે બળવત્તી, રોગહીન અને સુન્દર થાય, યોગ્યતાના પ્રમાણમાં કુટુમ્બ બન્ધનમાંથી તેઓ મુક્ત સ્વતંત્ર થાય ને તે મુક્તતાથી અને સ્વતંત્રતાથી કુટુમ્બની મુર્ખ ઇચ્છાઓ અને કલેષોમાંથી છૂટી એ કુટુમ્બનાં ખરાં કલ્યાણ કરવા શક્તિમત્તિ અને ઉત્સાહિત બને. કુટુમ્બના બાળક વર્ગને પોષણ અને શક્તિ આપે અને વૃદ્ધ વર્ગોની કલ્યાણવાસનાઓ તૃપ્ત કરે".
આ શબ્દો સ્ત્રીઓની ઉન્નતિ અને કુટુંબ કલ્યાણની ભાવનાને દર્શાવતા આ સામાયિક ઘણી ભદ્ર વર્ગીય કુટુંબની બહેનોમાં પ્રિય થયું. જેમાં ગુજરાતની સાક્ષર બહેનો શારદાબહેન મહેતા, વિદ્યાગૌરી નીલકંઠ, કૃષ્ણાગૌરી રાવળ જેવી બહેનો નિયમિત લખતી. આ સામાયિક એટલું પ્રિય થઇ પડ્યું કે ગુજરાતના શહેરો ઉપરાંત ગ્રામીણ વિસ્તારમાં આવેલ પુસ્તકાલય અને કન્યાશાળાઓમાં તેના અંકો મંગાવવામાં આવતા, એટલું જ નહિ પરંતુ વિદેશમાં વસતા ગુજરાતી વાંચકો મંગાવતા હતા. જેમાં સુરત, અમદાવાદ, મુંબઇ, વડોદરા, જામનગર, જૂનાગઢ, અકોલા, કરાંચી, કાનપુર, ઝાંઝીબાર, કલકત્તા, રંગૂન જેવા શહેરોમાં અને માટુંગા, સોજીત્રા, નડિયાદ, તલાજા, માતર, ગોઝારીયા, પેથાપુર, બારેજા, ચરાડા, વાલોડ, સાથલા, કંપાલા જેવા ગ્રામીણ વિસ્તારોમાંથી પણ તેના વાંચકો મંગાવતા હતાં. સ્ત્રીઓ અને કેળવણી -
સુન્દરી સુબોધમાં પ્રકાશીત થતા લેખોનું વિષયવસ્તુ સ્ત્રીજીવન સાથે જોડાયેલ પ્રશ્નોનું હતું. તેથી જ ‘સુન્દરી સુબોધ’ના પ્રકાશન કાઢતી વખતે તેનો જે હેતુ દર્શાવવામાં આવ્યો તેમાં પણ સ્ત્રી કેળવણી પર ભાર મૂકવામાં આવ્યો હતો. સ્ત્રીઓની કેળવણી માટે તે સમાજમાં પોતાનું આગવું સ્થાન ઉભુ કરવામાં સક્ષમ બનાવવામાં સહાયક નીવડ્યું છે. સુન્દરી સુબોધના પ્રથમ અંકમાં પ્રકાશીત થયેલ. આ હેતુ જોઇએ તો, "આપણા પ્રાન્તમાં સ્ત્રી વર્ગના પ્રમાણમાં ભણેલી સ્ત્રીઓની સંખ્યા ઘણી જ જુજ છે. અને જયાં ભણાવવામાં આવે છે ત્યાં કેળવાયેલી બાળાઓની કેળવણી સાધારણ, અધૂરી અને કેટલીક બાબતમાં બીન જરૂરિયાતની છે. સ્ત્રી કેળવણીની ન્યુનતા તરફ આપણા અનેક વિચારકો અને વિદ્વાનોનું ધ્યાન ખેંચાયું છે. અને તે દૂર કરવા તેઓએ ભાષણઓ, પુસ્તકો છૂટક લખાણો વિગેરે દ્વારા કંઇક વખાણવા લાયક પ્રયત્નો કર્યા છે. અને હજી પણ કર્યે જાય છે, કેટલાક માસિક અને અઠવાડિયક પત્રકારોએ પણ એ કામ ઉપાડી લઇ કોઇક વખતે વિષય સંબંધી જ્ઞાન આપવા માંડ્યું છે. પરંતુ એમ પ્રસંગોપાત છૂટક છૂટક કરેલા પ્રયાસો કરતા માત્ર સ્ત્રી કેળવણી તરફ જ અનન્ય લક્ષ રાખી ખાસ સ્ત્રીઓ માટે પ્રકટ થતા માસિક પત્રોની હાલમાં ઘણી જ આવશ્યકતા છે." (સુન્દરી સુબોધ, પૃ.૧, અંક-૧, પૃ.૫)
સ્ત્રી કેળવણીના ઉદ્દેશ્યની સાથે સાથે સ્ત્રીઓની કેળવણી સાથે જોડાયેલ પ્રશ્નો, અધવચ્ચે ભણવાનું છોડવાની સમસ્યા, કેવા પ્રકારની કેળવણી આપવી વગેરે જેવા વિષયો ઉપર લેખો પ્રગટ થતાં. ડિસેમ્બર-જાન્યુઆરી ૧૯૧૧-૧૨માં સ્ત્રી લેખિકાઓ દ્વારા વિશેષ અંક પ્રસિદ્ધ કરાવવામાં આવ્યો હતો. જેમાં સ્ત્રીઓને કેવા પ્રકારની કેળવણી આપવી જોઇએ ? સ્ત્રીઓને કેળવણીથી થતા લાભ, ભારતમાં સ્ત્રીઓની સાક્ષરતા જેવા વિષય પર લેખ નિયમિત લખાતા એટલું જ નહિ વિશ્વના અન્ય દેશો ચીન, જાપાન, ઇગ્લેન્ડ, જર્મની વગેરે જેવા દેશોમાં સ્ત્રીઓને અપાતી કેળવણી વિષયક બાબતો પર ચર્ચા થતી. સ્ત્રીઓની અધુરી કેળવણી પાછળ રહેલ જવાબદાર પરિબળોની રજૂઆત કરવામાં આવતી. કેળવાયેલી સ્ત્રીઓથી થતા લાભ રજૂ કરવામાં આવતા. સ્ત્રી કેળવણી તરફેણનો સમાજમાં અભિગમ કેળવવામાં પ્રત્યક્ષ રીતે સહાયભૂત બન્યું. સ્ત્રીઓ અને સ્વાસ્થ્ય -
કુટુંબના સ્વાસ્થ્યની જવાબદારી સ્ત્રીઓ દ્વારા નભતી હોય છે. તેથી સ્ત્રીઓનું પોતાનું અને કુટુંબના અન્ય સભ્યોનું સ્વાસ્થ્ય જળવાય તે માટે જુદા જુદા રોગો વિષયક જાણકારી આપવામાં આવતી હતી. જેમાં બાળરોગ, ક્ષય તેમજ સગર્ભાવસ્થા દરમ્યાન રાખવી જોઇતી સાવચેતી, બાળકના જન્મબાદ માતા અને બાળ સંભાળ વિષયક બાબતોનું જીણવટભર્યું માર્ગદર્શન આપવામાં આવતું હતું, એટલું જ નહિ પરંતુ સ્ત્રીઓમાં મરણનું પ્રમાણ આપીને તેના નબળા સ્વાસ્થ્ય અને સામાજિક ઉછેરની પણ કારણો સહિત ચર્ચા થતી હતી. આવા જ એક સ્ત્રી મરણ પ્રમાણના આંકડા આપીને તેની પાછળ જવાબદાર કારણોમાં નાની છોકરીઓ તરફ દુર્લક્ષ, બાળલગ્ન, અકાળે ગર્ભપાત, અપૂરતો ખોરાક વિષયક સમજૂતી આપવામાં આવતી. જેથી સ્ત્રીઓને સાચી માહિતી મળી રહે અને સ્ત્રીઓના સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓથી જાગૃત બને.
આ સમયે પ્રકાશીત થતા લેખમાં કન્યાઓનું ઘટતું પ્રમાણ પર પ્રકાશ પાડે છે. એટલું જ નહિ પરંતુ તે સમયે પણ ગામડાઓમાં શહેર કરતા કન્યાઓનું પ્રમાણ થોડું વધારે છે તેની સમજૂતી અપાતી. એકંદરે ગુજરાતમાં સ્ત્રીઓના જાતિ પ્રમાણ વિષયક ચર્ચા થવાની શરૂઆત વીસમી સદીની શરૂઆતમાં થઇ ગઇ હતી. જો કે દુઃખની વાત એ છે કે એક સદી બાદ પણ આ પ્રશ્ન વધુ ગંભીર સ્વરૂપે આપણી સમક્ષ ઉપસ્થીત રહ્યો છે. સ્ત્રીઓ અને રાજકરણઃ
વર્તમાન સમયમાં સ્ત્રીઓને રાજકીય ક્ષેત્રે સ્થાનિક સ્વરાજયની સરકારે ૩૩ ટકા અનામત આપવામાં આવ્યું છે. પરંતુ વીસમી સદીની મહિલાઓએ આરક્ષણના લાભ વિના રાજકીય ક્ષેત્રે પોતાનું યોગદાન આપ્યું હતું. સુંન્દરી સુબોધ માસિકમાં રાજકીય ક્ષેત્રે સ્ત્રીઓના યોગદાન વિશે લેખ પ્રકાશીત કરવામાં આવતા. જમનાબહેન સક્કઇ (મુંબઇ), સીસ્ટર નિવેદીતા, એની બેસન્ટ વિષયક, બરોડા રાજયના રાણી ચિમનાબાઇ સાહેબ, શારદાબહેન મહેતા, વિદ્યાગૌરી નીલકંઠના ભાષણો લેખ સ્વરૂપે પ્રકાશીત થતા.
ભગિની સમાજના ર્વાિષક સંંમેલના પ્રમુખ તરીકે ‘શારદાબહેન મહેતાનું ભાષણ અને મિસિસ જાઇજી જહાંગિર પીટિટનું ભાષણ શબ્દસહ પ્રકાશીત થતું.’ (એપ્રિલ-મે, ૧૯૧૭ પુ.૧૪, અંક૪-૫) જેથી કરીે તે સમયની સ્ત્રીઓ રાજકીય પ્રવૃત્તિથી માહિતગાર રહેતી. આમ રાજકીય રીતે પણ સ્ત્રીઓ પોતાનું યોગદાન આપતી એટલું જ નહિ આવા સામાયિક દ્વારા સ્ત્રીઓને જુદી જુદા રાજકીય સંસ્થાઓમાં જોડાઇને પોતાનું પ્રતિનિધિત્વ નોંધાવતી બની. ગાંધીજીના અસહકારના આંદોલનમાં સ્ત્રીઓને રાજકીય ક્ષેત્રે આગળ આવવાની તક મળી. વર્તમાન સમયમાં રાજકરણમાં પ્રવેશેલી બહેનો ભૂતકાળમાં રાજકીય ક્ષેત્રે પ્રવેશેલી બહેનોને આભારી છે. સ્ત્રીઓ અને સાહિત્યઃ
સુંન્દરી સુબોધના દરેક અંકમાં ‘કાવ્યકુંજ’ અને ‘વાર્તાલહરી’ એમ ગદ્ય અને પદ્ય બંને પ્રકારનું સાહિત્ય પ્રકાશીત થતું જેમાં મોટે ભાગે તેના વાંચકો જ કવિતા અને વાર્તાનું સર્જન કરીને પ્રકાશીત કરવા મોકલતા હતા. વાર્તાના વિષયો મોટેભાગે સ્ત્રીઓના જીવનની આસપાસના કે કુટુંબલક્ષી રહેતા. જયારે કવિતાના વિષય સાહિત્યમાં કુદરત, પ્રેમ, ઇશ્વર ઉપરાંત કેળવણી સંબંધિત પ્રગટ થતી હતી. આવું જ એક સ્ત્રી કેળવણી સંબંધીત ગીત ચંપાવતી બહેન દ્વારા પ્રગટ કરેલ જેની પંક્તિમાં સ્ત્રી કેળવણીની દશા રજૂ કરવાનો પ્રયત્ન કર્યો હતો.
ભાવે ભણજો ભણતરઓ ભણનારી રે,
નારી કેળવણી સુખકારી
રૂડી કેળવણી સદાચારી રે
રહે તોય અભણ બહુ નારી રે;
નહિ હોય કાં બુદ્ધિ નઠારી? - ભાવે ભણજો.
મોટું રાજ ચલાવવું જેવુ રે,
ગૃહ રાજય બરાબર તેવું રે;
સુખ દુઃખ પડે સૌ સહેવું - ભાવે ભણજો.
આવાજ બીજા એક કિસ્સામાં એક સાસુ દ્વારા તેની પુત્રવધુને પરીક્ષામાં ઉત્તીર્ણ થવા બદલ અભિનંદન પાઠવવાને કાવ્ય લખે છે જેમાં તે ભણવાથી થતા લાભની વાત કરે છે એટલું જ નહિ આ સામાયિકમાં એક બહેન દ્વારા પતિની આરતી પ્રગટ કરવામાં આવી. તેથી સામાયિકના તંત્રી દ્વારા નોંધ લખવામાં આવી કે "જેમ એક ભગિની તરફથી પતિની આરતી" મળી છે, તેમ ‘પત્નીની આરતી’ પણ કોઇ બન્ધુ મોકલી આપશે તો તેને આ પત્રમાં ખાસ સત્કાર પાત્ર ગણવામાં આવશે. તેથી તેના ઉત્તરરૂપે પત્નીવ્રતા પતિઓ દ્વારા છ જેટલી કવિતા મોકલવામાં આવી તેના નામ પત્નીદેવીની આરતી, ગૃહદેવીનું પૂજન, પ્રિયાની આરતી વગેરે હતાં. આમ, એક સામાયિક દ્વારા કુટુંબમાં પતિ અને પત્ની બંનેનું મહત્ત્વ સમજાવવાનો નમ્ર પ્રયાસ કર્યો. સ્ત્રીઓ અને કલા
રસોઇકલા હોય કે ગૃહસુશોભન હોય બંને પરંપરાગત રીતે સ્ત્રીઓની ભૂમિકાના ભાગરૂપ છે. ત્યારે ‘સુન્દરી સુબોધ’ સામાયિકમાં પરંપરાગત વાનગીની રીતો, સગર્ભાવસ્થા દરમ્યાન બહેનો માટેના પાક વગેરેની પદ્ધતિ પ્રકાશીત થતી. ઉપરાંત ગૃહ સજાવટની સાથે સાથે ભરત, ગૂંથણને અંકોડીને લગતી રીતો અથવા તેના સ્ટેપ પ્રકાશીત થતાં.
સમયતરંગ નામના વિભાગમાં તે સમયે ગુજરાતમાં બનતી તાજેતરની ઘટનાઓ વિષયક જાણકારી આપવામાં આવતી હતી. આમ, આ સામાયિક ગુજરાતની બહેનોમાં ખૂબ લોકપ્રિય થઇ પડ્યું. જે સ્ત્રીઓના સમગ્રલક્ષી વિકાસની હિમાયત કરતું. જેથી મોટાભાગના સમાજમાં વિચારોમાં પરિવર્તન લાવવું શક્ય બન્યું. આ સામાયિક પ્રકાશિત થતી જાહેર ખબરોમાં શબ્દકોષ (ગુજરાતી અને અંગ્રેજી) વિવિધ પુસ્તકો જેની ખરીદી પર સુન્દરી સુબોધના વાંચકોને વળતર મળતું. સ્ત્રી અને બાળકોની દવા, ખિસ્સામાં રાખવા લાયક વાૅચ, તિજોરી વગેરે વિષય પર થતી. જો કે સૌથી વધુ જાહેર ખબરો પુસ્તકો પર આવતી. વર્તમાન સમયમાં પ્રકાશિત થતા સ્ત્રીલક્ષી સામાયિકના વિષયો અને વીસમી સદીની શરૂઆતમાં થયેલ સામાયિકના ચર્ચાયેલ વિષયકોમાં ઘણો તફાવત આવી ગયો છે. એકવીસમી સદીમાં સ્ત્રીઓના જીવનમાં ક્યા પ્રશ્નો મહત્ત્વના છે તે આપણે નક્કી કરવું રહ્યું.
સંદર્ભ
૧. સુંન્દરી સુબોધ વર્ષ ૧૯૧૧-૧૨
૨. સુંન્દરી સુબોધ વર્ષ ૧૯૧૬-૧૭
૩. અર્વાચીન ગુજરાતનું રેખાદર્શન - હીરાલાલ ત્રિભુવનદાસ પારેખ
ખંડ-૩ પૂર્વાધ (સન ૧૯૦૮-૧૯૩૬)
મોસમ ત્રિવેદી, મુલાકાતી અધ્યાપક, એચ.કે.આર્ટસ કોલેજ, અમદાવાદ