Download this page in

‘સોમતીર્થ’ નવલકથામાં ઐતિહાસિક તથ્યોની માવજત

પ્રસ્તાવના:

ગુજરાતી સાહિત્યમાં કથા સાહિત્યની શરૂઆત તો નિબંધ વગેરે જેવા સાહિત્યિક પદાર્થથી થઈ છે પણ નવલકથા જેવું સાહિત્ય સ્વરૂપ ઈતિહાસની કથા દ્વારા વધારે નિખાર પામે છે. અહીં " ‘સોમતીર્થ’ નવલકથામાં ઐતિહાસિક તથ્યોની માવજત " એ વિષય અંતર્ગત "સોમતીર્થ “નવલકથાની ઐતિહાસિક્તા જુદા જુદા તથ્યોને આધારે તપાસવાનો નમ્ર પ્રયત્ન કરેલો છે.

અંગ્રેજી શબ્દ Novel પરથી નવલકથા શબ્દ ઉતરી આવ્યો છે. ગુજરાતી ભાષાની પ્રથમ ઐતિહાસિક નવલકથા “કરણઘેલો” નંદશંકર તુલજાશંકર મહેતાએ ઇ.સ. ૧૮૬૬ માં લખી. ત્યારબાદ તો ઇતિહાસની ઘટનાઓને કેન્દ્રમાં રાખી અનેક નવલકથાઓ અને લઘુનવલો લખાયા. જેમાં કનૈયાલાલ મુન્શી કૃત “જય સોમનાથ”, “પાટણની પ્રભુતા”, “ગુજરાતનો નાથ”, “રાજાધિરાજ”, “પૃથ્વીવલ્લ્ભ”, “ભગ્નપાદુકા” વગેરે ધુમકેતુ કૃત “ચૌલાદેવી”, ચુનીલાલ મડિયા કૃત “કુમકુમ અને આશકા”, “સઘરા જેસંગનો સાળો”, મનુભાઇ પંચોળી કૃત “સોક્રેટિસ”, “દીપનિર્વાણ”, “બંધન અને મુક્તિ” ઝવેરચંદ મેઘાણી કૃત “ગુજરાતનો જય”, “સમરાંગણ”, નરોત્તમ પલાણ કૃત “હુ હુ”, દુલેરાય કરાણી કૃત “જામ અબડો અભંગ”, ગોકુલદાસ રાયચુરા કૃત “સોમનાથની સખાતે”, રઘુવીર ચૌધરી કૃત “રુદ્રમહાલય” અને “સોમતીર્થ” ઐતિહાસિક નવલકથાઓ મુખ્ય છે. આ નવલકથાઓમાં ઇતિહાસની ઘટનાઓ અને પાત્રોને લોકોના રસ રુચી અનુસાર કળાત્મક રીતે રજુ કરવામાં આવ્યા છે.

લેખક પરિચય:

લોકાયતસૂરી અને વૈશાખનંદન નામે જાણીતા રઘુવીર ચૌધરી ઉત્તર ગુજરાતના ગાંધીનગર જિલ્લાનાં બાપુપુરા ગામમાં ૫ ડિસેમ્બર ૧૯૩૮નાં રોજ જન્મયા હતા. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ માણસામાં લીધા બાદ ૧૯૬૦ માં હિન્દી વિષય સાથે બી.એ. કર્યુ અને અધ્યાપન કાર્ય શરૂ કર્યુ. ત્યારબાદ એમ.એ અને પીએચ.ડી ની પદ્દવી પણ મેળવી. ૧૯૯૮ માં ગુજરાત યુનિવર્સિટી માંથી હિન્દી વિભાગના અધ્યક્ષ તરીકે નિવૃત થયા. મૂળ હિન્દી ભાષાનાં અધ્યાપક અને તેમનુ સૌથી વધુ પ્રદાન ગુજરાતી સાહિત્યમાં છે. તેમણે અનેક નાટકો, કવિતા, વાર્તા, નવલકથાઓ લખી છે. અનેક સન્માનો અને પુરસ્કારો પ્રાપ્ત કર્યા છે. ૨૦૧૫ નો સાહિત્યનો સર્વશ્રેષ્ઠ જ્ઞાનપીઠ પુરસ્કારથી તેમને નવાજવામાં આવ્યા છે.[1]

“સોમતીર્થ” માંથી પ્રાપ્ત થતી ઐતિહાસિક માહિતી:

“સોમતીર્થ” નવલકથા ઇ.સ. ૧૯૯૬માં રઘુવીર ચૌધરી કુલ ૩૨ પ્રકરણો અને ૨૮૦ પૃષ્ઠોમાં લખવામાં આવેલી છે.[2] “સોમતીર્થ” નવલકથાની મૂળકથા સોમનાથ પર ઇ.સ. ૧૦૨૬ માં ગઝનાનાં સુલ્તાન મહમદ ગઝનીની ચડાઇ અને તેણે કરેલી લૂંટ અને ભિષણ સંહારની છે. આ આક્રમણ પહેલા અને આક્રમણ પછીની સ્થિતિનો આબેહુબ ચિતાર આપ્યો છે. આ નવલકથા માંથી ગુજરાતનાં સોલંકી રાજ્વી ભીમદેવ ૧લો, જૂનાગઢનાં ચુડાસમા રાજા રા’નવઘણ પહેલો, આહિર દેવાયત્ત બોદર, સિંધના સુબા હમીર સુમરા, માળવાનાં રાજા ભોજ, ભૂમલીનાં રાણા શ્રી સંગ, ભીમદેવનાં મંત્રીઓ, ગઝનીનો ઇતિહાસ, અલબૈરુની આ ઉપરાંત ભારતની અને ગુજરાતની ભુગોળ, દેવદાસી પ્રથા, કાપાલિકોનો ધર્મ, ભગવાન શિવમાં આસ્થાનુ આબેહુબ વર્ણન મળે છે. મૂળ “સોમતીર્થ” સાહિત્યિક પુસ્તક હોઇ, લેખકે કથાનકને રસપ્રદ બનાવવા બે કાલ્પનિક પાત્રો જેવાકે સદાશિવ (યુવાચાર્ય) અને ફકીર (દુરવેશ) વગેરેનુ નિરુપણ કરી વાચકોનો ગ્રંથના અંત સુધી રસ જાળવી રાખ્યો છે.

કોઇ પણ વિષયનો અભ્યાસ કરવા માટે આધાર સાધનોની જરૂર પડે જ છે. એમ ઐતિહાસિક માહિતી આપતા કોઇ પણ પ્રકારના અવશેષો કે અહેવાલને ઇતિહાસના સાધનો ગણવામાં આવે છે. જેમા હસ્તપ્રતો, સામાયિકો, આત્મકથા ગ્રંથો, પત્ર વ્યવહારો, સિક્કાઓ, ગુફાઓ, કિલ્લાઓ, મંદિરો, જુના મકાનો અને ઉત્ખનન માંથી મળેલ વસ્તુઓ વગેરેને ઇતિહાસના સાધન તરીકે સ્વીકારવામાં આવે છે. આમ આધાર સાધન એ ઇતિહાસનુ લક્ષ્ય નથી, પરંતુ લક્ષ્ય પ્રાપ્ત કરવા માટેનુ સાધન છે. એ રીતે અહીં નવલકથાની સિદ્ધિ માટે લેખકે આધાર સામગ્રીમાં સુખ્યાત કથાનક લઈને નવલકથા સિદ્ધ કરવાની મથામણ જોવા મળે છે.

નવલકથાનાં ઐતિહાસિક પાત્રો:

ભીમદેવ ૧લો (ઇ.સ. ૧૦૨૨ થી ૧૦૬૪):-

નવલકથાનાં પ્રારંભે અણહિલવાડ પાટણનો રાજા ભીમદેવ ૧લો વાચકો સમક્ષ આવે છે. તે ઇ.સ. ૧૦૨૨ માં ગાદીએ આવ્યો. તે સોલંકી વંશનો પાંચમો રાજા હતો. તેણે અનેક પરાક્રમો કર્યા હતા. માળવાનાં પરમાર રાજાભોજ સાથે સંઘર્ષ થયો અને આખરે તેમા વિજયી નિવડ્યો. આબુનાં પરમાર રાજા ધન્ધુકને સામંત બનાવ્યો. ભીમદેવની રાજસત્તા ઉત્તર પૂર્વમાં માળવાની હદ સુધી વિસ્તરી હોવાનુ જણાય છે.[3] ભીમદેવના મંત્રીમંડળમાં વિમલ અને ડામર (દામોદર) ખાસ નોંધ પાત્ર છે. ભીમદેવ ૧લાનાં સમયમાં ખાસ નોંધપાત્ર ઘટના બની હોય તો તે છે ગઝનાનાં સુલ્તાન મહમુદની ગુજરાત પર ચડાઇ. આ ચડાઇ સમયે તે કચ્છ ના કંથકોટના કિલ્લામા ભરાયો હતો.

ચૌલાદેવી:-

“સોમતીર્થ” નવલકથામાં મુખ્ય નાયિકા સ્વરૂપે ચૌલાનુ વર્ણન મળે છે. પ્રાકૃતમાં એનુ નામ “બઉલા”વંચાય છે, જેનો અર્થ “બકુલા” થાય છે. “બઉલા” ને બદલે “ચઉલા” વંચાતા ગુજરાતી નવલકથામાં એનુ રૂપ “ચૌલા” પ્રયોજાયુ. ચૌલા એક ગણિકાની પુત્રી હતી. તે ખૂબ સ્વરૂપવાન હોવાથી ભીમદેવ આસક્ત થયો અને તેને પોતાના અંત:પુરમાં સ્થાન આપ્યુ. એનાથી એને ક્ષેમરાજ નામે પુત્ર થયો.[4]

ઉદયમતિ:-

ઉદયમતિ જૂનાગઢનાં ચુડાસમાં રાજારા’નવઘણની બહેન હતી. તેના લગ્ન પાટણનાં રાજા ભીમદેવ સાથે થયા હતા. તેને કર્ણદેવ નામે પુત્ર જન્મયો જે ભીમદેવ પછી ગાદીએ આવ્યો. રાણી ઉદયમતિએ પાટણમાં એક સુંદર વાવ બંધાવી. જે ‘રાણીની વાવ’ તરીકે ઓળખાય છે.[5]

રા’નવઘણ ૧લો (ઇ.સ. ૧૦૨૫ થી ૧૦૪૪):-

રા’દયાસનાં મૃત્યુ પછી રા’નવઘણ ૧લો બોડીદરમાં દેવાયત્ત બોદરને ત્યાં ઉછરીને મોટો થયો. આ સમયે જુનાગઢમાં સોલંકીઓના સુબાનું શાસન ચાલતુ હતુ. રા’નવઘણને જૂનાગઢની ગાદીએ આહિરોએ બેસાડયો.[6] નવઘણનાં શ્રીધર અને મહિધર નામનાં અધિકારીઓએ શાસન ચલાવ્યુ.[7] આ સમય દરમ્યાન મહમુદ ગઝનવી સોમનાથ લૂંટવા આવ્યો ત્યારે રા’નવઘણનુ સૈન્ય તેને બચાવવા ગયું તેમા સેનાપતિ મહિધરે પોતાના પ્રાણ ગુમાવ્યા.

મહમુદ ગઝનવી:-

મહમુદ ગઝનવીનો જન્મ ૨ નવેમ્બર ૯૭૧નાં રોજ ગઝનામાં થયો હતો. તેના પિતાનુ નામ સબકતગીન અને માતાનુ નામ ઝાબુલી હતુ. સબકતગીને ગઝની પર કબ્જો કરી અને વહિવટ સંભાળ્યો. તેણે પોતાના બીજા પુત્ર ઇસ્માઇલને ગઝનાની ગાદી આપી બે વર્ષમાં જ મહમુદે ઇસ્માઇલને કેદ કરીને મારી નાખ્યો અને ગઝનીની ગાદી હસ્તગત કરી. તે ખૂબ મહત્વાકાંક્ષી અને દ્ર્વ્ય લોભી હતો. તેણે ઇ.સ. ૧૦૦૦ થી ૧૦૨૭ સુધીમા ભારત પર ૧૭ વખત ચડાઇ કરી. તેણે પેશાવર, મુલતાન, થાણેસર, મથુરા, કનોજ, ગ્વાલિયર, કાલંજર વગેરે અનેક સ્થળો પર હુમલા કર્યા. ઉત્તર હિંદનાં સ્થળો પરની ચડાઇઓ દરમ્યાન સૌરાષ્ટ્રનાં સોમનાથ મંદિરના ધાર્મિક મહિમાં અને આર્થિક સંપત્તિની યશોગાથા સાંભળતો. તેની મહેચ્છા સોમનાથનો ધનકોષ પ્રાપ્ત કરી જગતના કોઇ રાજાનાં ખજાનામાં ન હોય તેટલુ ધન પ્રાપ્ત કરવાની હતી. આથી ઓક્ટોબર ૧૦૨૫માં સોમનાથ પર ચડાઇ કરવા નિકળ્યો. ત્રીસ હજાર ઘોડેસવારો લઇ એ મુલ્તાન થઇ થરનુ રણ ઓળંગી ગુજરાત આવી પહોચ્યો.[8] અણહિલવાડનો રાજા ભીમદેવ ત્યાંથી પલાયન થઇ ગયો હતો. ત્યારબાદ મહમુદ મોઢેરા ગયો જ્યાં વીસ હજાર હિંદુઓએ એની ફોજનો સામનો કર્યો. તેમને હરાવી માંડલ, કચ્છનુ નાનુ રણ, વઢવાણ વગેરે માર્ગે સોરઠમાં દાખલ થયો. ઉના પાસે આવેલુ દેલવાડા લૂંટી સોમનાથ તરફ કુચ કરી. ૬ જાન્યુઆરી ૧૦૨૬ ગુરૂવાર નાં રોજ સોમનાથ પહોંચ્યો. હજારો રક્ષકોનુ બલિદાન લઇ મહમુદની ફોજે મંદિરનો કબ્જો લીધો. સોમનાથનાં જ્યોતિર્લિંગની પાષાણ મુર્તિને ભાંગી નાખી અને મંદિરની અઢળક સંપત્તિ લૂંટી લીધી. પછી એ લાકડાનાં મંદિરને બાળી નાખ્યુ. અઢારમાં દિવસે ૨૪ જાન્યુઆરી ૧૦૨૬નાં રોજ પ્રભાસ (સોમનાથ) છોડયુ અને સિંધનો માર્ગ લીધો. કચ્છ્માં આવેલા કંથકોટનાં કિલ્લામાં રહેલા પાટણનાં માંડલિકને હાર આપી કચ્છના રણ માંથી પસાર થતા મહમુદનુ સૈન્ય ભૂલુ પડ્યુ. તેની ફોજને પારવાર મુશ્કેલી નડી. મનસુરા વટાવ્યા પછી સિંધના જાટ લોકોએ રંજાળ કરી સંખ્યાબંધ સૈનિકોની ખુંવારી વ્હોરી ફોજ મુલ્તાન પહોચી અને આખરે એપ્રિલમાં ગઝનાં પાછી ફરી.

તેના સોમનાથ પરનાં આક્રમણની વિસ્તૃત માહિતી તેની સાથે ભારત આવનાર ઇતિહાસકાર અલબિરુની અને ફર્રૂખ્ખીએ આપી છે. ઇ.સ. ૧૦૫૦ આસપાસ થઇ ગયેલા કવિ ધનપાળે તથા મુનિશ્રી જિનપ્રભુસુરિએ “તિર્થકલ્પતરૂ” માં આ ચડાઈ વિષેનુ થોડુક વર્ણન આપ્યુ છે.[9]

અન્ય ઐતિહાસિક ઘટનાઓ:-

લેખકે આ નવલકથાને ઐતિહાસિક રંગરૂપ આપવા એ સમયની અને અગાઉની ઘણી ઘટનાઓને આવરી લીધી છે. જેમકે,
* ઇ.સ. ૭૮૮માં શીલાદિત્ય ૭માં નાં સમયમાં વલભીનો વિનાશ.[10]
* સોલંકી રાજવી મૂળરાજ ૧લો અને સૌરાષ્ટ્રનાં રાજા ગ્રાહરિપુ, કચ્છનાં લાખાફુલાણી વચ્ચેનુ યુધ્ધ.
* શિયાળબેટનાં અનંતસેન ચાવડા અને રા’કવાટ ૧લા વચ્ચેનો વિગ્રહ.[11]
* ચુડાસમા રાજા રા’દયાસ અને સોલંકી રાજા દુર્લભરાજ વચ્ચેનુ યુધ્ધ.
* રા’નવઘણ અને સિંધનાં સુબા હમીર સુમરા વચ્ચેનુ યુધ્ધ.

નવલકથાનો હાર્દ:-

ઇ.સ. ૧૯૯૬માં નવલકથાકાર રઘુવીર ચૌધરીએ છેક અગીયારમી સદીનાં પૂર્વાર્ધમાં બનેલી આ ઘટનાને પસંદ કરી તેની પાછળ સમાજમાં કોમી એકતા અને સમાજમાં હિંદુ-મુસ્લિમ વચ્ચે સંવાદિતા જળવાય રહે તેવો હેતુ રહેલો જણાય છે. તેમણે સત્તા અને સંપત્તિના લોભી રાજપુરૂષોએ પ્રજા વચ્ચે ઊભી કરેલી ગેરસમજોને દૂર કરવાનો યથાયોગ્ય પ્રયત્ન કર્યો છે.

કાલ્પનિક પાત્ર સદાશિવ અને ફકીરનુ નિરૂપણ કરી મહમુદનાં આક્રમણ સમયે અને આક્ર્મણ બાદ ગુજરાતની પ્રજામાંથી વેર ઝેરની ભાવના નિર્મૂળ કરવાનો પ્રયત્ન કર્યો છે. સમાજમાં શાંતિ અને સંવાદિતા ફેલાય, જ્ઞાતિ-જાતિનાં ઝઘડાઓ બંધ થાય એ હેતુસર આ કાલ્પનિક પાત્ર દ્વારા વાચકોને બોધ આપ્યો છે. સાહિત્યનું મૂળ કામ જ બોધ દ્વારા આનંદની પ્રાપ્તિ છે તેમાં પણ ઈતિહાસ દ્વારા કથારસને જાળવીને લેખક નવલકથા સિદ્ધ કરી આપે છે.

લેખકે સોમનાથની અઢળક ધન સંપત્તિનુ વર્ણન કરી મહમુદની સોમનાથ પરની ચડાઇનુ કારણ ધાર્મિક નહીં પરંતુ આર્થિક હોવાનુ સ્પષ્ટ કર્યુ છે. મહમુદ ભારત પર ૧૭ વખત ચડાઇ કરવામાં સફળ થાય છે તેની પાછળ ભારતનાં રાજાઓ વચ્ચેનો કુસંપ પણ એટલો જ જવાબદાર હતો.

મહમુદનાં સૈન્યમાં સેનાપતિ તિલક અને સુંદર તથા શક્તિસિંહ વગેરે હિંદુ હતા તો સામે પક્ષે સોમનાથના મંદિરનાં રક્ષણ માટે બલિદાન આપનાર ફરિદ નામનો એક મુસ્લિમ યુવક હતો. લેખકે કથામાં પાત્રોનાં અવતરણની સાથે ભૌગોલિક પરિસ્થિતિનો પણ ચિતાર આપ્યો છે. અરબ સાગર, ગીરનુ જંગલ, ત્રિવેણી, ગિરનાર વગેરેનું રોચક વર્ણંન કર્યુ છે.

મહમુદના સોમનાથના પતન બાદ ભીમદેવ પથ્થરનું નવું દેવાલય તૈયાર કરાવે છે. ત્યાર બાદ પોણા ત્રણસો વર્ષ બાદ ઇ.સ.૧૩૦૦ મા અલ્લાઉદ્દીન ખિલજી ફરી પાછો સોમનાથ નો વિનાશ કરે છે. આમ છત્તા હિંદુ-મુસ્લિમ પ્રજા વચ્ચે કાયમી વેર જેર ઊભા થયા ન હતા. લેખકે જે તે સમય , લોકોની ધર્મમા આસ્થા ,દેવદાસી પ્રથા વગેરેનુ પ્રભાવી શૈલિમાં વર્ણન કર્યુ છે. વર્તમાન સમય માં પણ આ નવલકથા એટલી જ પ્રસ્તુત છે.

લેખકે અંતમા મહમુદના અવસાન સમયની પીડાનું વર્ણન કરીને વાચકોનો તેના તરફ નો અભિગમ બદલી નાખવામાં મહદઅંશે સફળતા મેળવી છે.

પાદનોંધ:-

1.વિકિપીડિયા . રઘુવીર ચૌધરી.
2. ચૌધરી રઘુવીર, ‘સોમતીર્થ’, બીજી આવ્રૂત્તિ, અમદાવાદ, ઇ.સ.૨૦૦૯.
3 શાસ્ત્રી (ડો.) હરિપ્રસાદ ગં., ‘ગુજરાત નો પ્રાચીન ઇતિહાસ’ , બીજી આવ્રૂત્તિ, અમદાવાદ, ઇ.સ.૧૯૭૩, પ્રૂ.૧૮૮
4 એજન પ્રૂ.૧૯૪.
5. ઇ.સ.૨૦૧૪ મા યુનેસ્કો દ્વારા વિશ્વ વારસા મા પાટણ ની રાણકી વાવ નો સમાવેશ થયો છે.
6.દેસાઇ શંભુપ્રસાદ હ. ‘જૂનાગઢ અને ગિરનાર’, બીજી આવ્રૂત્તિ,રાજકોટ, ઇ.સ. ૧૯૯૦,પ્રુ.૭૨
7 ખાચર (ડો.) પ્રધુમન ભ., વાળા ડી.પી.,’તસવીરોમાં જૂનાગઢ’, પ્રથમ આવ્રુત્તિ, રાજકોટ, ઇ.સ. ૨૦૧૧, પ્રુ.૧૬
8 શાસ્ત્રી (ડો.) હરિપ્રસાદ ગં., ‘ગુજરાત નો પ્રાચીન ઇતિહાસ’ , બીજી આવ્રૂત્તિ, અમદાવાદ, ઇ.સ.૧૯૭૩, પ્રૂ.૧૮૯.
9.કાદરી (ડો.) ઝેનામાબીબી એ.,’વિ-વિદ્યાનગર’ , ‘ઇસ્લામિક સાહિત્યમાં સોમનાથ,’વલ્લ્ભ વિદ્યાનગર,અંક 496, ઇ.સ.૨૦૧૩,પ્રુ૧૮.
10 દેસાઇ શંભુપ્રસાદ હ. ‘જૂનાગઢ અને ગિરનાર’, બીજી આવ્રૂત્તિ,રાજકોટ, ઇ.સ. ૧૯૯૦,પ્રુ.૭૧ .