Download this page in

સરનામું

એકાદ કલાકથી સરનામું શોધતાં કંટાળી હતી માન્યા. દરેક રસ્તો આ એક જ ગોળાઈએ આવીને અટકી જતો હોય એમ એ અલગ અલગ રસ્તેથી અહીં જ આવીને રોકાઈ જતી.એના જીવનનું ધ્યેય પણ તો એક જ નામ પર આવીને અટક્યું હતું. નિકેત. ગોળ મટોળ સ્મિત મઢ્યા મોઢે પોતાનું નામ લઈને પોકારતું કોઈ આવીને ઉભું માન્યા સામે. આદત મુજબ વહાલથી મીઠી ચૂંટી ખણવા માન્યાનો હાથ લંબાયો. સૂકી નીરસ હવાનો ગરમ સ્પર્શ અંદર સુધી દઝાવી ગયો એને. નિકેતના સ્મરણથી પ્રસન્ન થયેલું મન એની જ યાદથી ખિન્ન થઈ ગયું.

શા માટે? સરળ ચાલતી જીવન નૈયા અચાનક કશા જ કારણ વિના થંભી જાય તો વાંક કોનો? સમાંતર ચાલતા પૈડાંમાંથી એક ખોટકાઈ જાય તો બીજું એનો ભાર લઈ પણ લે, પરંતુ અહીં તો એક પૈડું એની મરજીથી છૂટું પડી ગયેલું. આજે છ મહિના થયા નિકેત ગયો એને. માન્યા એ ઘણી મહેનત પછી એનું પગેરું શોધ્યું હતું. મુંબઈથી હૈદ્રાબાદ નિકેતને શોધતી આવી હતી એ. કોઈ નિર્મલ બાબના આશ્રમનું સરનામું લઈને. એ આશ્રમ તો ભૂલભૂલામણી જેમ શોધ્યો જડતો જ નહોતો.

માન્યા એ આખરે દૂર બેઠેલા યુવાનને પૂછવાનું નક્કી કરી જ લીધું. આ ત્રીજી વાર એ આ યુવાનને જોઈ રહી હતી. નિકેતના અચાનક સંસાર ત્યાગવાની વાતથી એ એટલી તો વિચલિત થઈ ગયેલી કે એને ભગવા રંગથી નફરત થઈ આવેલી. આજુબાજુ એ યુવાન સિવાય બીજું કોઈ જ ન દેખાતાં એણે એની તરફ જવા કદમ ઉપાડ્યા.

ગોળાઈને છેક છેવાડે, પગથિયે બેસીને કોઈ દળદાર પુસ્તક વાંચતો એ યુવાન એના વાંચનમાં એટલો મશગુલ હતો કે એને આજુબાજુના વાતાવરણની જાણે કોઈ અસર જ નહોતી. માન્યા એની સાવ લગોલગ જઇને ઊભી રહી.

“ એક્સ્ક્યુઝ મી, તમે જરા આ સરનામું બતાવી શકશો?” માન્યા એ પૂછ્યું.

જવાબમાં બે તેજોમય આંખો ઊંચકાઇ. સાવ પરિચિત એવી એ આંખોને માન્યાની આંખોએ ઓળખી. પણ ઓળખાણનો જે ભાવ માન્યાની આંખોએ દેખાડ્યો એનો પ્રતિભાવ ન મળ્યો કે પછી એ આંખો કોઈ આવરણ હેઠળ દબાયેલી હતી? વર્ષો સુધી જે આંખોએ પોતીકાનો ભાવ દર્શાવ્યો હતો એ જ આંખો આજે એને સાવ અજાણી લાગી. પ્રેમના અમીરસથી ભરપૂર એ આંખો આજે સાવ કોરી કેમ હતી? એક વખતે આંખોના ઇશારાથી જ શરૂ થયેલાં ને આંખોથી સીધા દિલમાં પાંગરેલાં એમના પ્રેમ આડે આજે ધર્મની અભેદ દીવાલ આવીને ઊભી હતી.જે નિકેતને શોધતી એ અહીં સુધી આવી હતી એ તો ધર્મના આંચળ હેઠળ ક્યાંક ખોવાઈ ગયો હતો. ધર્મની જડ માન્યતા આગળ એનો પ્રેમ આજે હારી ગયો હતો. માન્યાએ પળવારમાં નિર્ણય લઈ લીધો.

“સોરી ટુ ડિસ્ટર્બ યુ. હું ખોટું સરનામું શોધી રહી હતી.” એક વાર પણ પાછળ જોયા વિના એ ત્યાંથી નીકળી ગઇ. ધર્મભીરુ બે આંખો ક્યાંય સુધી માન્યાની પીઠને તાકતી રહી.