મરાઠી લોકસાહિત્ય સંશોધક-સંપાદક ડૉ. પ્રભાકર માંડે
વિશ્વનાથ કાશીનાથ રાજવાડે, પાંડુરંગ સદાશિવ સાને ઉર્ફે ‘સાને ગુરુજી’, દુર્ગા ભાગવત, માલતી દાંડેકર, ડૉ. સરોજિની બાબર, ડૉ. રામચંદ્ર ચિંતામણ ઢેરે, ઇરાવતી કર્વે, ડૉ. તારા ભવાળકર, ડૉ. ગંગાધર મોરજે, મધુકર વાકોડે ડૉ. વિશ્વનાથ શિંદે, ડૉ. પુરુષોત્તમ કાલભૂત આવા લોકસાહિત્યના વ્યાસંગી અભ્યાસીઓમાં લોકસાહિત્યક્ષેત્રે અનન્ય પ્રદાન કરનારા ડૉ. પ્રભાકર માંડેનું નામ નિ:શંકપણે જોડી શકાય એમ છે.
મહારાષ્ટ્રમાં ઔરંગાબાદ જિલ્લાના ગંગાપુર તાલુકાના સાવખેડ ગામમાં ૧૬ ડિસેમ્બર, ૧૯૩૩ના રોજ જન્મેલા ડૉ. પ્રભાકર માંડે લલિતસાહિત્યની સાથે લોકસાહિત્યના પણ સંશોધક, સમીક્ષક, આસ્વાદક અને અભ્યાસી રહ્યા છે. તેમના પર તેમના માતા-પિતાના આનુવંશિક સંસ્કાર, કુટુંબીજનના વાણી-વ્યવહાર અને સાહિત્યિક મિત્રપરિવારનો ઘણો પ્રભાવ રહ્યો છે. બાળપણમાં ઘર પાસે રહેતાં જન્માંધ તુળસાફોઈ તેમને દરરોજ વાર્તાઓ કહેતા. પ્રભાકર માંડે તે મન દઇને સાંભળતા. તેથી જ તેઓ કહે છે કે, “તુળસાફોઈએ કહેલી બધી વાર્તાઓ, બધાં ગીતો લખી લીધાં હોત, અક્ષરબદ્ધ કરી લીધાં હોત તો ઘણો મોટો ખજાનો ભવિષ્યની પેઢીઓને આપી શકાયો હોત.”[૧] ડૉ. પ્રભાકર માંડેએ ભારતીય જીવન અને લોકસંસ્કૃતિને જ કેન્દ્રસ્થાને રાખી માનસશાસ્ત્રીય અને સમાજશાસ્ત્રીય વિશ્લેષણ કર્યું છે. લોકસાહિત્ય અને લોકસંસ્કૃતિ માટેની આત્મીયતાને લોધે તેમણે લોકસાહિત્ય માટે શોધયાત્રા કરી. ઉપેક્ષિત દલિતવર્ગ અને વિચરતી વિમુક્ત જાતિ સાથે સંવાદ કર્યો.
હૈદરાબાદની ઉસ્માનિયા વિદ્યાપીઠમાંથી ડૉ. પ્રભાકર માંડેએ મરાઠી વિષય સાથે સ્નાતક અને અનુસ્નાતક તેમજ ઔરંગાબાદની આંબેડકર મરાઠવાડા વિદ્યાપીઠમાંથી બી.એડ.ની પદવી મેળવી. લોકસંસ્કૃતિ જેવા ગંભીર વિષય પરત્વે દુર્લક્ષ સેવવામાં આવતું હતું એવા સમયે ડૉ. પ્રભાકર માંડે આ જ વિષયમાં સંશોધન કરવાનું વિચારે છે. ૧૯૬૦માં ડૉ. બાબાસાહેબ આંબેડકર મરાઠવાડા વિદ્યાપીઠ, ઔરંગાબાદમાં તેઓ પીએચ.ડી.નું રજિસ્ટ્રેશન કરાવે છે. ડૉ. મહેશ રા. સરોદે સાથેની મુલાકાતમાં તેમણે એક ખાસ નોંધવા જેવી બાબત જણાવી હતી કે ૧૯૬૦માં લોકસાહિત્ય જેવા વિષયમાં પીએચ.ડીનું રજિસ્ટ્રેશન કરાવનાર સમગ્ર મહારાષ્ટ્રમાં તેઓ પ્રથમ જ વિદ્યાર્થી હતા.
ઔરંગાબાદ જિલ્લાના કન્નડ તાલુકાનાં પિશોર ગામની માધ્યમિક શાળામાં શિક્ષક તરીકે જોડાયા પછી ડૉ. ના. ગો. નાંદાપૂરકરની સૂચના અનુસાર તેમણે બે માહિનામાં જ વિદ્યાર્થીઓની સહાયથી ૨૧૦૦૦ ઓવીઓ તેમજ ૩૦૦૦ લોકકથાઓનું સંપાદન કરેલું હતું. તે જ સંપાદન અને સામગ્રીનો અભ્યાસ કરીને તેઓએ ૧૯૬૭માં ‘કન્નડ તાલુકાનો લોકસાહિત્યનો ચિકિત્સક અભ્યાસ’ વિષય પર સંશોધન કરી પીએચ.ડી.ની પદવી મેળવી.
ડૉ. પ્રભાકર માંડેના મોટા ભાઈ ઔરંગાબાદ જિલ્લાના શેંદૂરવાડામાં શિક્ષક હોય છે. ત્યાંના તલાટી કિસનરાવ કુલકર્ણી પાસેથી ડૉ. પ્રભાકર માંડેએ હસ્તપ્રત લીધી. જેમાં નારાયણ નામના કોઈ કવિએ મધ્વમુનિશ્વરનું ઓવીબદ્ધ ચરિત્ર લખેલું હતું. સંતકવિ મધ્વમુનિશ્વરની સમાધિ શેંદૂરવાડામાં જ હતી. આ હસ્તપ્રતના આધારે તેઓ એક વિસ્તૃત શોધનિબંધ લખે છે. તે શોધનિબંધ પ્રાચાર્ય ચિટણીસને બતાવે છે. તેને છપાવી શકાય તે માટે આર્થિક સહાયના આશયથી પ્રાચાર્ય ચિટણીસ ડૉ.પ્રભાકર માંડેને ડૉ. બાબાસાહેબ આંબેડકર પાસે મોકલે છે. ડૉ. બાબાસાહેબ આંબેડકર પ્રભાકર માંડેને પાસે બોલાવી એમની પીઠ પર હાથ મૂકી કહે છે ‘આવું જ કામ કરતો રહે, શોધ કરતો રહે.’ બી.એ.નો અભ્યાસ કરતી વખતે મળેલ આ પ્રોત્સાહનને લીધે જ તેઓ પોતાના સંશોધન-લેખનક્ષેત્રે આગળ વધ્યા.
લોકસાહિત્યના અભ્યાસ અને સંશોધન માટે એક સ્વતંત્ર વ્યાસપીઠ ઉપલબ્ધ થાય એ ઉદ્દેશથી તેમણે દુર્ગા ભાગવત, નરહર કુરંદકર, રામચંદ્ર ચિંતામણ ઢેરેના આશીર્વાદથી ઇ.સ.૧૯૭૮માં ઔરંગાબાદમાં લોકસાહિત્ય સંશોધન મંડળની સ્થાપના કરી. નવોદિત લોકસાહિત્યના અભ્યાસીઓના શોધનિબંધને સ્થાન મળે તે માટે ‘લોકધાટી’ નામનું ત્રૈમાસિક પણ શરૂ કર્યું. ૧૯૫૫થી ‘પ્રતિષ્ઠાન’, ‘અસ્મિતાદર્શ’, ‘હંસ’, ‘વાઙ્મયશોભા’, ‘નવભારત’, ‘સત્યકથા’, ‘મહારાષ્ટ્ર સાહિત્ય પત્રિકા’, ‘India Folklore’ જેવા વાઙ્મય અને સંશોધન સામયિકોમાં લેખ પ્રસિદ્ધ કરીને સાહિત્યમાં તેમણે પોતાની એક આગવી ઓળખ ઊભી કરી છે. ૨૧૦૦૦ ઓવીગીતો, ૧૫૦૦થી વધારે લોકગીતો અને સેંકડો લોકકથાઓનું જે સંકલન કર્યું તેના પરિણામે જ ‘જાતગાવચી પંચાયત’, ‘લોકસંસ્કૃતિચે મૂલતત્વ’. ‘મૌખિક વાઙ્મય : સ્વરૂપ આણિ સમીક્ષા’ જેવા પુસ્તકો તૈયાર થયા છે.
ડૉ. પ્રભાકર માંડેએ ૧૯૬૧થી ૧૯૯૩ સુધીમાં ડૉ.બાબાસાહેબ આંબેડકર મરાઠવાડા વિદ્યાપીઠની કારકિર્દીમાં મરાઠવાડડાના લોકદેવતા અને લોકવિધિ, ગંગાપુર તાલુકાના પુનર્વસિત ગામડાંઓના સામાજિક અને સાંસ્કૃતિક જીવનની તપાસ, ગોદાવરી શોધ-પ્રકલ્પ, મરાઠવાડાનું લોકસાહિત્ય સર્વેક્ષણ, સાતપુડાના આદિવાસી ભીલ અને કોંકણ જીવન, ભાષા અને મૌખિક વાઙ્મય, કિનવટ તાલુકાના આદિવાસીઓના પરંપરાગત નૃત્ય-નાટ્યોનું દસ્તાવેજીકરણ (ચિત્રીકરણ, ફિલ્માંકન), ખાનદેશના ભવાડા-લળિતનું દસ્તાવેજીકરણ – આ સંશોધન પ્રકલ્પોનો ક્ષેત્રીય પદ્ધતિથી અભ્યાસ કરી મરાઠી લોકસાહિત્યના અભ્યાસીઓને એક નવી દિશા પ્રાપ્ત કરાવી આપી.
લોકસાહિત્ય અને લોકસંસ્કૃતિ વિશેના અનેક રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય પરિષદ, પરિસંવાદ અને ચર્ચાસત્રમાં ડૉ. પ્રભાકર માંડે પોતાના વિચારો રજૂ કરતા રહ્યા છે. તેમણે પ્રથમ ઈ.સ.૧૯૭૮માં ઓરિસ્સામાં ‘લોકસંસ્કૃતિ’ વિશે થયેલા આંતરરાષ્ટ્રીય ચર્ચાસત્રમાં ‘Symbolic Death and Spiritual Rebirth’ વિષય પર શોધનિબંધ રજૂ કર્યો. ત્યારબાદ કટકના ચર્ચાસત્રમાં વિભાગીય અધ્યક્ષપદે રહી “Myth and Creation Ritual’ શોધનિબંધ પ્રસ્તુત કર્યો. ઇ.સ.૧૯૭૯માં મૈસૂરમાં આયોજિત ‘American Seminar on Folklore’માં શોધનિબંધનું વાચન કર્યું. ઇ.સ.૧૯૮૨માં મૈસૂરમાં ભાષવિજ્ઞાનના આંતરરાષ્ટ્રીય ચર્ચાસત્ર માટે ‘Secret Languages in Maharashtra’ વિષય પર શોધનિબંધ તૈયાર કરીને ચર્ચાસત્રમાં પ્રસ્તુત કર્યો. પશ્ચિમ જર્મનીમાં હાયડેલબર્ગ વિદ્યાપીઠમાં ઇ.સ.૧૯૮૮માં ‘મહારાષ્ટ્ર સંસ્કૃતિ, પરંપરા અને પરિવર્તન’ વિષય પર આયોજિત ચર્ચાસત્ર માટે ડૉ. રા. ના. દાંડેકર, દુર્ગાબાઈ ભાગવત, જેમ્સ લેન, એનફેલ્ડ હાઉસની સાથે ડૉ. પ્રભાકર માંડેને પણ નિમંત્રિત કરવામાં આવ્યા. આ ચર્ચાસત્રમાં તેમણે ‘Traditional Lore’ વિષય પર શોધનિબંધ પ્રસ્તુત કરી પોતાના વિચારો રજૂ કર્યા. સંયુક્ત રાષ્ટ્ર અમેરિકાની એરિઝોન વિદ્યાપીઠમાં ઇ.સ.૧૯૯૧માં યોજાયેલ ચર્ચાસત્ર માટે તેમણે ‘Narrative Folk Songs prevalent in Maharashtra’ વિષય પર નિબંધ તૈયાર કર્યો હતો. એ જ વર્ષે દિલ્લીમાં ‘Slavic Folklore’ વિષય પર યોજાયેલ ચર્ચાસત્રમાં ‘Creation Myths of Nomads’ વિષય પર શોધનિબંધનું વાચન કર્યું. આવા અનેક શોધનિબંધો તેમણે તૈયાર કર્યા છે.
સાંસ્કૃતિક જીવનની અખંડ પરંપરા જેમાં સમાયેલી છે એવું લોકસાહિત્ય એ એક નદીના પ્રવાહની જેમ વહેતું રહે છે. તેના સર્જક અજ્ઞાત હોવાથી કોઈ એક વ્યક્તિને તેનું કર્તૃત્વ આપી શકાતું નથી. સમાજ જેમ જેમ પ્રગતિ કરતો જાય છે, સભ્ય બનતો જાય છે, તેમ તેમ લોકસાહિત્યનું મહત્વ ઓછું થતું જાય છે. સમયાંતરે આવું સાહિત્ય નષ્ટ થવાની સંભાવના રહે છે. આપણી આ મૂડી નષ્ટ ના થઈ જાય તે માટે મરાઠી લોકસાહિત્યમાં વિશ્વનાથ કાશીનાથ રાજવાડે, શ્રીધર કેતકર, સાને ગુરુજી, ડૉ. ના. ગો. નાંદાપૂરકર, ડૉ. સરોજિની બાબર, ડૉ. પ્રભાકર માંડે, ડૉ. ગંગાધર મોરજે, ડૉ. મધુકર વાકોડે, ડૉ. વિશ્વનાથ શિંદે, ડૉ. કૃષ્ણા ઇંગોલે, ડૉ. સાહેબ ખંદારે, ડૉ. ધોંડીરામ વાડકરે વિશેષ પ્રયત્ન કર્યો છે. ડૉ. પ્રભાકર માંડેએ મરાઠી લોકસાહિત્યક્ષેત્રે સમકાલીનો કરતાં જુદી પદ્ધતિએ કાર્ય કરી નવી પેઢીના અભ્યાસીઓ માટે એક આદર્શ ઊભો કર્યો છે.
ડૉ. બાબાસાહેબ આંબેડકર મરાઠવાડા વિદ્યાપીઠમાં રીડર તરીકે જોડાયા પછી ડૉ. પ્રભાકર માંડેએ હિંદુસ્તાનની બધી વિદ્યાપીઠો સાથે પત્રવ્યવહાર કરીને લોકસાહિત્ય વિષયના અધ્યયન-અધ્યાપન ક્યાં થાય છે એની માહિતી મેળવી. કેટલીક વિદ્યાપીઠમાં સ્વતંત્ર વિભાગ છે, તો કેટલીક વિદ્યાપીઠમાં વૈકલ્પિક પ્રશ્નપત્ર છે એવી માહિતી તેમને મળી. ત્યારબાદ તરત જ તેમણે સંબંધિત વિદ્યાપીઠ પાસેથી અભ્યાસક્રમ મંગાવ્યો. તે પરથી લોકસાહિત્યનો અભ્યાસક્રમ બનાવી તે વખતના મરાઠી વિભાગના પ્રમુખ અને મરાઠી અભ્યાસ મંડળના અધ્યક્ષ ડૉ. યૂ. મ. પઠાણ પાસેથી વૈકલ્પિક પ્રશ્નપત્ર તરીકે માન્યતા મેળવી લીધી. તેથી ડૉ. બાબાસાહેબ આંબેડકર મરાઠવાડા વિદ્યાપીઠમાં ‘લોકસાહિત્ય’ અભ્યાસક્રમ શરૂ થયો. ટૂંક સમયમાં જ મહારાષ્ટ્રની અન્ય વિદ્યાપીઠોએ આવા વૈકલ્પિક પ્રશ્નપત્રને મંજૂરી આપી. પરંતુ અધ્યાપન માટે સ્વતંત્ર એવું પુસ્તક જ નહોતું. તેવા સમયે ડૉ. પ્રભાકર માંડે વિદ્યાપીઠમાં લોકસાહિત્ય શીખવવા માટે જાતે અભ્યાસ કરીને નોંધો કરે છે. આખું વર્ષ ચાલેલ આ પ્રક્રિયામાંથી તે નોંધોના આધારે ૧૯૭૮માં પુસ્તક તૈયાર થાય છે ‘લોકસાહિત્યાચે સ્વરૂપ’. આ પુસ્તકને લોકસાહિત્યના પાઠ્યપુસ્તક તરીકે પણ ઓળખવામાં આવે છે. પુસ્તકમાં પ્રારંભે સંજ્ઞા અને અર્થ આપી, તે વિશે વિદ્વાનોના મંતવ્યો આપ્યાં છે. લોકસાહિત્યની મુખ્ય અભ્યાસપદ્ધતિ તેમજ આધુનિક અભ્યાસપદ્ધતિ વિશે વિચાર કરીને લોકસાહિત્યની વિભાવના વિશે સવિસ્તર વિવેચન કર્યું છે. લોકસાહિત્યના મુખ્ય લક્ષણો જણાવી લોકસાહિત્ય અને લલિત સાહિત્યના સામ્યભેદની પણ ચર્ચા કરી છે. લોકસાહિત્યશાસ્ત્રનો પરિચય કરી આપતા પાશ્ચાત્ય તેમજ ભારતીય ગ્રંથકારોના ગ્રંથોની મદદ લીધી છે. આ પુસ્તકમાં ડૉ. પ્રભાકર માંડેએ લોકસાહિત્યમાંથી સમાજનું અંતરંગ પ્રકટ કર્યું છે. એક સમાજના લોકોને બીજા સમાજના લોકો માટે દુરાગ્રહ હોય છે તે તેના લોકસાહિત્યમાંથી જણાઈ આવે છે. બ્રાહ્મણ લોભી હોય છે, મારવાડી કંજૂસ હોય છે, શીખ ઓછું વિચારનાર હોય છે વગેરે મત લોકસાહિત્યમાંથી નિર્માણ થાય છે. જેનું ઉદાહરણ, ડૉ.પ્રભાકર માંડેએ ઔરંગાબાદ જિલ્લાના વૈજાપુર તાલુકાના પુરણગામના પુંજાબા ચંદ્રભાન લહિરેની પરંપરાથી ચાલતા આવેલ જાતિના ગીતો પ્રસ્તુત પુસ્તકમાં આપ્યાં છે. ડૉ. પુરુષોત્તમ કાલભૂત કહે છે કે, “‘લોકસાહિત્યાચે અંત:પ્રવાહ’(૧૯૭૫), ‘લોકસાહિત્યાચે સ્વરૂપ’ (૧૯૭૮) આ પુસ્તકો લોકસાહિત્યના અભ્યાસી, સંશોધકો માટે દીવાદાંડીની જેમ દિશા બતાવે છે.”[૨]
‘લોકસાહિત્યાચે અંત:પ્રવાહ’ (૧૯૭૫), પુસ્તક ડૉ.પ્રભાકર માંડેએ લોકસાહિત્ય વિશે પીએચ,ડી, પદવી માટે તેમણે પ્રસ્તુત કરેલા મહાશોધનિબંધ પર આધારિત છે. લોકસાહિત્ય એ લોકમાનસ અને સમાજજીવનનો આવિષ્કાર હોવાથી લોકજીવનનો અભ્યાસ કરવો પણ આવશ્યક છે. લોકસાહિત્યમાં સમાજના પ્રચલિત એવી પરંપરાગત રૂઢિ, આચાર-વિચાર, લોકવિશ્વાસનો સમાવેશ થાય છે. લોકમાનસ પર આજે પણ મંત્ર-તંત્રવિચાર, ઇહવાદ અને દેવવાદનો પ્રભાવ જોવા મળે છે. ડૉ. પ્રભાકર માંડેએ આ પુસ્તકમાં લોકગીત, લોકકથા, વિધિનાટ્ય, લોકમાનસ, તાંત્રિકવિધિ, કથાવિશેષ, કલ્પનાબંધ (Motif), લોકનૃત્ય વગેરેનું શાસ્ત્રીય અને અભ્યાસપૂર્ણ વિવેચન કર્યું છે. ઉપરાંત સમાજમાં જોવા મળતી ‘દ્રષ્ટિબાધા’ પર પણ વિવેચન કર્યું છે. ‘દ્રષ્ટિબાધા’ માટે સામાન્ય રીતે આપણે ‘નજર લાગવી’ એવો શબ્દપ્રયોગ કરીએ છીએ. દ્રષ્ટિબાધા થાય તે બાળકની નજર ઉતારવા માટેની વિધિ વખતે બાળકના શરીર પરથી મીઠું ફેરવવામાં આવે છે. તેના ગાલ પર મેશનું કાળું ટપકું કરવામાં આવે છે, આંખમાં પણ મેશ આંજવામાં આવે છે. આ વિધિ વખતે ગાવામાં આવતી ઓવી ડૉ. પ્રભાકર માંડેએ સંકલિત કરી આપી છે.
“દ્રષ્ટ મી કાઢીતે મીઠ મોહર્યાચા કાંદા,
દ્રષ્ટ મી કાઢીતે મીઠ મ્હવરી કાળા બિબા,
દ્રષ્ટ મી કાઢીતે મીઠ, મ્હવરી, પિવળ્યા મેથા,
કોણી દ્રષ્ટ કેલી? મિઠાચ્યા ઝાલ્યા લાહયા
દ્રષ્ટ હોઈલ બાંધા દોરા,
લાડક્યા બાળાલા સુરમા લિયાલા દેતે કાઢી.” (ત્રીજી આવૃત્તિ ૨૦૦૮, પૃ. ૧૬૨-૧૬૩)
શબ્દના ઉચ્ચારથી એક અતિમાનવીય એવી મંત્રશક્તિ કાર્યાન્વિત કરવામાં આવે છે, તે જ પ્રમાણે કોઈ આકૃતિઓ કે સંસ્થાઓના ચોકઠાં બનાવી તેનો શરીર સાથે સંબંધ પ્રસ્થાપિત કરીને આ શક્તિને કાર્યાન્વિત કરાય છે. એવો વિશ્વાસ લોકોમાં પ્રચલિત છે. તેને યંત્ર કહેવાય છે. આ યંત્ર કાગળ કે ધાતુ પર બનાવાય છે. યશપ્રાપ્તિ, ધનધાન્યસમૃદ્ધિ માટેના યંત્ર જોવા મળે છે. ઘર કે દુકાનની દીવાલ પર આ યંત્ર સિંદૂરથી દોરવામાં આવે છે. આ યંત્ર લખી આપનાર લોક વિશિષ્ટ હોય છે. તેમણે આ યંત્રમાં તાંત્રિકશક્તિ લાવવા માટેની સાધના કરેલી હોય છે. ડૉ. પ્રભાકર માંડેએ આ યંત્રોનું સંકલન કરી તેના પર પોતાના વિચાર રજૂ કર્યા છે.
૧) બહુ જ તાવ આવતો હોય ત્યારે (નાગરવેલના પાન પર લખીને તે પાન ખવડાવાય છે.)
૨) સમૃદ્ધિ માટે
આ પ્રકારના ચોકઠાંની પરંપરા ભારત અને ચીનમાં ઘણાં પ્રાચીન સમયથી ચાલતી આવી છે. તેનું સવિસ્તર વિવેચન આ પુસ્તકમાં કર્યું છે.
‘ગાવગાડ્યાબાહેર’ (૧૯૮3) પુસ્તકના સર્જન પાછળ પરભણીના ડક્કલવાર સમાજના પાંડુરંગ કાંબળેની મુલાકાત કારણભૂત છે. પાંડુરંગ કાંબળેની મુલાકાત લીધા પછી ડૉ. પ્રભાકર માંડે તેમને જમવા માટે દસ રૂપિયા આપે છે અને હોટેલમાંથી જમી આવવા કહે છે ત્યારે તે હોટેલનું ચાલતું નથી એમ કહે છે. તે જ વખતે ડૉ. પ્રભાકર માંડે તેને ઘરે જમવા આવવા આગ્રહ કરે છે. ત્યારે પણ તે નમ્રપણે કહે છે, “અમને ફક્ત માંગાનું અને ભગવાનનું જ ચાલે છે. માંગાઓ પાસેથી અમે કોઈપણ ખાદ્યવસ્તુનો સ્વીકાર કરીએ છીએ’. (‘માંગ’ એ પારંપરિક હિન્દુ જાતિ છે. જેને હિન્દુ વર્ણવ્યવસ્થામાં અસ્પૃશ્ય કે દલિત ગણવામાં આવે છે.) આ સાંભળીને ડૉ.પ્રભાકર માંડેને પ્રશ્ન થાય છે કે, જે લોક તેમની પરંપરાનું આટલી હદે પાલન કરે છે તે લોકોનું શોષણ આપણે કેવી રીતે કરીશું? આ વિચરતી વિમુક્ત જાતિના લોકોનું જગત અને માનસ જાણવા માટે તેમણે શોધ શરૂ કરી. મઢી, માલેગાવ એવા સ્થળોએ ચાલતાં-ચાલતાં આખા મહારાષ્ટ્રમાં ફરીને વિચરતી-વિમુક્ત જાતિના લોકોનું જગત જોયું. તેમાંથી જ ‘ગાવગાડ્યાબાહેર’ પુસ્તક રચાયું. જેને પરિણામે જુદીજુદી વિચરતી વિમુક્ત જાતિ-જનજાતિની ઉત્પત્તિકથા, તેમની વાણી, ઉખાણાં, લગ્નમાં પીઠીના ગીતો, જસમા ઓડણની કથા, તહેવારોના ગીતો, ડક્કલવારના જાતિપુરાણ એવી ઘણી લોકસાહિત્યની સામગ્રી ઉપલબ્ધ થાય છે. આવી સામગ્રી લોકસાહિત્યની સાથે સમાજશાસ્ત્ર, નૃવંશશાસ્ત્ર, ગુનાશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, ભાષાવિજ્ઞાન એવા અન્ય અભ્યાસક્ષેત્રોને પણ પૂરક બને છે. તે તે ક્ષેત્રમાં અભ્યાસની નવી શક્યતા નિર્માણ કરે છે. અનેક સાંપ્રદાયિક અને સંસારનો ત્યાગ કરેલ સાધક જ્યારે સંસારી થયા ત્યારે તેમાંથી નિર્માણ થયેલ જાતિ, પરપ્રાંતમાંથી આવેલ વિચરતી અનેક જાતિ-જનજાતિઓને ગ્રામરચનામાં સ્થાન ન મળવાને લીધે ગ્રામજીવનના પરિઘની બહાર રહી ભિક્ષુક વૃત્તિથી જીવન ગુજારવું પડે છે. તેઓ ગ્રામસમાજના સાંસ્કૃતિક જીવનમાં સહભાગી થઈ શક્યા નહીં. ફકીરનું જીવન જીવતી એક જાતિ કોલ્હાટી, આ જાતિના લોકોની ભાષા મહારાષ્ટ્રના કહાર, મોચી, રાજપૂત જાતિના લોકોની હિન્દી બોલીના સ્વરૂપની છે. જેની ચર્ચા ઉદાહરણ સાથે કરી છે. જેના પરથી ડૉ. પ્રભાકર માંડેની સૂક્ષ્મદ્રષ્ટિનો પરિચય આપણને મળે છે. વિચરતી-વિમુક્ત જાતિના લોકો એકબીજા સાથે વાત કરતી વખતે જુદા જુદા પારસી (ગુપ્ત બોલી) શબ્દોનો ઉપયોગ કરે છે. તેનો પરિચય આ પુસ્તકમાં કરાવી આપ્યો છે. મહારાષ્ટ્રની ગુપ્ત બોલીનું સંકલન ડૉ. પ્રભાકર માંડેએ પહેલી જ વખત કર્યું છે. માંગ (અસ્પૃશ્ય જાતિ), કોલ્હાટી, રાયચંદ (કલાકારની જાતિ), ગોપાળ (વ્યવસાયિક જાતિ), મેઢંગી (લોકજ્યોતિષીની જાતિ), લોકવૈદ, ભટકતા કારીગર- શિકલગર, દાદાગીરીથી ભિક્ષા માગનાર-કંજારભટ, બહુરંગી- સ્મશાન જોગી, ગાયબળદવાળા- તિરમાળી, ચોરીને જાતધંધો માનનાર- રાજપૂત ભામટા - આ અને માંગની અન્ય પેટાજાતિ-જનજાતિ વિશે વિસ્તૃત માહિતી ડૉ. પ્રભાકર માંડેએ આપી છે.
તેઓ એક વખત મિત્રો સાથે બીડમાં પરળીનાકા પાસે માંગગારુડી જાતિના લોકોની વસ્તીમાં જાય છે. ત્યાં તેમણે જાતપંચાયતના પાટીલ અંકુશી કાળે સાથે ચર્ચા કરી. ચર્ચા ચાલતી હોય છે તે દરમિયાન એક સ્ત્રી અંકુશી કાળે પાસે આવીને કંઈક બોલે છે. તે સ્ત્રીનું બોલવું ડૉ.પ્રભાકર માંડેને સમજાયું નહીં. તેથી તે સ્ત્રી શું બોલી? એ અંકુશી કાળેને ખણખોદ કરીને તેમણે પૂછ્યું તો પણ કશું જ કહ્યું નહીં. બહુ જ આગ્રહ કર્યા પછી ‘તે અમારી પારસી છે સાહેબ, અમને જ્યારે એકબીજા સાથે વાત કરવી હોય ત્યારે અમે તે વાપરીએ છીએ.’ એવી તેમને માહિતી મળી. દરેક વિચરતી વિમુક્ત જાતિની આવી ગુપ્તભાષા હોય છે એટલું જ તેમણે કહ્યું. એક નવો જ વિષય ડૉ.પ્રભાકર માંડે સામે પ્રગટ થયો. આપણને વિચરતા વિમુક્તો વિશે ઘણીખરી જાણકારી છે એવો તેમનો ભ્રમ તૂટી જાય છે. તે પછી તેમણે સતત ત્રણ વર્ષ વિચરતી-વિમુક્ત જાતિઓની ગુપ્તભાષાની શોધ આદરી તેમાંથી ‘સાંકેતિક આણિ ગુપ્ત ભાષા : પરંપરા વ સ્વરૂપ’ (૧૯૮૫) પુસ્તક સિદ્ધ થયું. આ પુસ્તક ‘ગાવગાડ્યાબાહેર’ પુસ્તકને પૂરક છે. ‘પારસી’ કે ‘સ્લેંગ’ વિશેનું મરાઠીમાં આ પહેલું જ પુસ્તક હોવાથી જાતપંચાયતમાં આવતાં સાંકેતિક શબ્દ, વ્યવસાયિક અને દલાલની ગુપ્તભાષા, ભવિષ્યકથન કરનારના સાંકેતિક શબ્દ – આ બધાંનું ઉદાહરણ સહિત મૂળગામી વિશ્લેષણ કર્યું છે. આવી ભાષાના અભ્યાસ વિના તે જાતિ-જનજાતિના અંતરંગની સાચી ઓળખ થાય નહીં. ‘ગાવગાડ્યાબાહેર’ અને ‘સાંકેતિક આણિ ગુપ્ત ભાષા : પરંપરા વ સ્વરૂપ’ આ બંને પુસ્તકોની ગુણવત્તા અને સંશોધનાત્મક મૂલ્યને ધ્યાનમાં લઈ ૧૯૯૧માં ડૉ. પ્રભાકર માંડેને ડી. લિટ.ની પદવીથી સન્માનિત કરાયા છે. વિમુક્ત-વિચરતી જાતિ-જનજાતિની આડબોલી અને ગુપ્તભાષા વચ્ચેના સામ્યભેદની ચર્ચા કરવામાં આવી છે. મહારાષ્ટ્રની વિમુક્ત-વિચરતી જાતિ-જનજાતિમાં પ્રચલિત ગુપ્ત ભાષાનું સ્વરૂપ ઉદાહરણ સાથે સ્પષ્ટ કર્યું છે. ‘ગાવગાડ્યાબાહેર’ અને ‘સાંકેતિક આણિ ગુપ્ત ભાષા : પરંપરા વ સ્વરૂપ’ આ બંને પુસ્તકો વિશે ડૉ.કુલકર્ણી દિનકર કહે છે કે, “પરિઘ બહારની ઉપસંસ્કૃતિનું વિવેચન ન કરતાં, તે સમાજજીવનની ઓળખ નહીં આપી તો સમાજપરિવર્તનની પ્રક્રિયા અપૂર્ણ જ રહે આ ભૂમિકાથી તેમના ‘ગાવગાડ્યાબાહેર’ અને ‘સાંકેતિક આણિ ગુપ્ત ભાષા : પરંપરા વ સ્વરૂપ’ આ મહત્વપૂર્ણ પુસ્તકનું સર્જન થયું છે. આ પુસ્તકમાં માત્ર સમાજશાસ્ત્રીય વિવેચન નહીં, તેની પાછળ ‘કથા’ અને ‘વ્યથા’નો ઉત્કટ આવિષ્કાર થયો છે.”[૩]
‘માંગ આણિ ત્યાંચે માગતે’ (૧૯૯૭) પુસ્તકમાં ‘ગાવગાડ્યાબાહેર’ પુસ્તકમાંના માંગ, માંગગારુડી અને ડક્કલવાર એ સંબંધી લેખનનો વિસ્તાર કર્યો છે. એ સિવાય ઢાલે માંગ, હોલાર વિશે માહિતી આપી છે. આધુનિક સમયમાં મૌખિક વાઙ્મયનું સંકલન કરવામાં આવે છે તો પણ માંગ જાતિના પારંપરિક મૌખિક વાઙ્મય દુર્લક્ષિત જ રહ્યું છે. ડૉ. પ્રભાકર માંડેએ ગામેગામ વસતા માંગની બાની કે ભાડળીનું સંકલન આ પુસ્તકમાં કર્યું છે. માંગ જાતિના પારંપરિક મૌખિક વાઙ્મયનું સંકલન કરી સંકલિત સામગ્રીનું સવિસ્તર વિવેચન કર્યું છે. માંગની ગુપ્તભાષાનું સ્વરૂપ આ પુસ્તકમાં તેમણે સ્પષ્ટ કર્યું છે. એમની ગુપ્તભાષાની બોલીમાં વાક્યો એક-બે કે ત્રણ શબ્દોના જ હોય છે. મરાઠી ભાષાના આખ્યાત પ્રત્યક્ષ વાપરીને, લિંગ અને વચનવિકાર કરીને મરાઠી જેવી વાક્યરચના કરીને માંગ લોકો તેમની ગુપ્ત ભાષા પારસી બોલે છે. વિભક્તિના પ્રત્યય વાપરવાની પ્રવૃત્તિ એકંદરે ઓછી જોવા મળે છે. માત્ર કર્તા અને ક્રિયાપદ વાપરીને વાક્યો બોલાય છે. ડક્કલવાર એ માંગની ઉપજાતિ છે. તે માંગ લોકોને તેમનું ‘જાતિપુરાણ’કે ‘બસવપુરાણ’ સંભળાવીને તેમની ભિક્ષા માંગે છે.
‘લોકપરંપરેતીલ શહાણપણ’ (૨૦૧૨) આ પુસ્તક દ્વારા ડૉ. પ્રભાકર માંડેએ લોકજીવનના સારરૂપ ઓવીઓ તેમજ કહેવતોનો ગૂઢાર્થ સમજાવીને તેમણે મૌખિક વાઙ્મયના સ્વરૂપે પ્રભાવી લોકપરંપરાની સમજણ સ્પષ્ટ કરી છે. સમાજની બધી જાતિ-જનજાતિના લોકોમાં કહેવતો અને ઓવીનો ઉપયોગ કરવાની પરંપરા જોવા મળે છે. આ પુસ્તકમાંની કહેવતો અને ઓવીઓ જીવનને માર્ગદર્શક બને છે.
બહિણાબાઈની સંકલિત કરેલ ઓવીમાંથી –
‘અરે અરે સંસાર સંસાર, જસા તવા ચૂલ્યાવર
આધી હાતાલે ચટકે, મંગ મિયતે ભાકર’
આ પંક્તિમાં સંસારને સુખ-દુ:ખનું સ્વરૂપ કહ્યું છે. સંસારમાં મુશ્કેલીઓ સહન કર્યા પછી જ મીઠાં ફળ મળે છે.
પારંપરિક જીવન જીવનાર લોકો કોઈપણ કામ કરતી વખતે તન્મયતાથી કામ કરે છે. તે વખતે તેમને ગીતો સ્ફુરે છે. સ્ત્રીઓ દળતી વખતે, ખાંડતી વખતે ગીતો ગાય છે. સામૂહિક રીતે પોતાના અનુભવોને શબ્દો અને સ્વરનું રૂપ આપે છે.
“દળણ દળાવં, તવર જાત્યાશી બોલવં,
અંગાચી હોતા ગંગા, મન ઉકલાવં”
દુ:ખની વાત બીજાને કહેવાથી સ્ત્રીનું મન હળવું થાય છે. મન હળવું થવાથી મનોવિકાર થતો નથી.
“સ્થળ પાહતાના, પહા ગણગોત પૂર્ણ,
મુલગી દિલ્યાવર, કાઢૂ નયે કુળ બીળ.”
આ ઓવીમાં બતાવ્યું છે કે કન્યાના લગ્ન કરતી વખતે પહેલાં યુવકના કુળ, ગોત્રની તપાસ કરી લેવી જોઈએ. મોટેભાગે સગાં-સંબંધીઓ કે પોતાની જ્ઞાતિમાંથી જ પાત્ર પસંદ કરાય છે. જેથી પતિ-પત્ની વચ્ચે કોઈ મુશ્કેલી ઊભી થાય તો સગાં-સંબંધીઓ ભેગા થઈ તેનું સમાધાન કરાવી શકે.
આમ, મૌખિક વાઙ્મયમાંથી જીવનદર્શન પ્રગટ કરતી ઘણી કહેવતો અને ઓવીઓ સંકલિત કરી તેનો ગૂઢાર્થ આ પુસ્તકમાં સપષ્ટ કરી આપેલ છે.
દરેક મનુષ્યએ બાળપણમાં વાર્તાઓ સાંભળી હોય છે. વાર્તાઓ સાંભળીને તેનામાં વાર્તા વિશે જિજ્ઞાસા, કુતૂહલ નિર્માણ થાય છે. તેમાં સમૂહમનના સ્પંદનના પ્રભાવથી કેટલાક ફેરફાર થઈ તે લોકકથા બને છે. મરાઠી લોકકથાનું સ્વરૂપ સંદિગ્ધ લાગતાં તેમાં વૈવિધ્ય આવ્યું. જેથી મરાઠી લોકકથાનું સ્વરૂપ અસ્પષ્ટ બન્યું. આવી પરિસ્થિતિમાં લોકસાહિત્યના અભ્યાસીઓ સામે ઘણાં પ્રશ્નો ઉપસ્થિત થાય છે. લોકકથા એટલે શું? તેનું સ્વરૂપ કેવું છે? તેની વિશેષતા કઈ છે? તે કેવી રીતે બદલાયું? તેનો વિકાસ થતો હતો ત્યારે કેવાં કેવાં વળાંકો આવ્યાં? તેનું લોકમાન્ય એવું વર્ગીકરણ થઈ શકશે? આ અને આવા પ્રકારના ઘણાં પ્રશ્નો વિચારવા માટે સૌપ્રથમ મરાઠી લોકકથાનું એકાદ પ્રતિનિધિ સંપાદન પ્રસિદ્ધ થાય એ આવશ્યક હોવાથી એક મહત્વની ઉણપ અને અભ્યાસીઓની અડચણ ‘એક હોતા રાજા’ (૨૦૦૩) પુસ્તકથી દૂર થઈ.
‘લોકપરંપરેતીલ સ્ત્રીપ્રતિમા’ (૨૦૦૩) પુસ્તકમાં સ્ત્રીની વિવિધ ભૂમિકામાં તેના મનના સ્પંદનો ઓવીગીતોને આધારે પ્રગટ થયાં છે. લોકપરંપરામાં સ્ત્રીની પ્રતિમા ખૂબ જટિલ રહી છે. પુરુષપ્રધાન સમાજરચનામાં તેનું સ્વતંત્ર અસ્તિત્વ નથી. શારીરિક દ્રષ્ટિથી અબળા, માનસિક દ્રષ્ટિથી અસહાય અને આર્થિક દ્રષ્ટિથી પરાવલંબી ગણી સમાજજીવનમાં તેનું સ્થાન ઉપેક્ષિત જ રહ્યું છે. માતા, સખી, દાસી વગેરે વિવિધ ભૂમિકામાંથી માતા તરીકેની તેની પ્રતિમા ઉત્તમ રહી છે. માતાનો મહિમા કરતી ઓવી –
“શેજીચં ઉસનં, માઝ્યા ઉંબર્યાપાસૂન,
આઈચ ઉસનં, જન્મ દિલેલ્યાપાસૂન,
માંડીચા ચવરંગ નેતરાચા કેલા દિવા,
ઉપકાર ફેડૂ કવા માય બાઈ?
નઉ માસ ઓઝં, વાગવિલં ડાવ્યા કુશી....”
નવ માસ ગર્ભમાં રાખીને જન્મ આપનાર માતાનું ઋણ કદી ફેડી શકાતું નથી.
માતાની જેમ ‘બહેન’ના સ્વરૂપની પ્રતિમા પણ લોકમાનસનો ખાસ વિષય રહ્યો છે. ભાઈ-બહેનનો પરસ્પરનો પ્રેમ જાણીતો છે. ક્યારેક દેખાય છે કે બાળપણમાં સાથે રમતાં-ઝઘડતાં ભાઈ-બહેન લગ્ન પછી એકબીજાથી દૂર થાય છે. સ્ત્રીએ ‘બહેન’ની ભૂમિકાથી બહેનનું કરેલ ચિત્રણ –
“બહીણ ભાઉ એકા ઝાડાચે સંતર,
આલી ભાવજય તિને પાડલં અંતર.”
ભાભીના આવવાથી બહેન અને ભાઈ વચ્ચે અંતરાય સર્જાય છે. એ આ ઓવીમાં આલેખ્યું છે.
ટૂંકમાં, ‘લોકપરંપરેતીલ સ્ત્રીપ્રતિમા’ (૨૦૦૩) પુસ્તકમાં સ્ત્રીની માતા, દીકરી, બહેન, પત્ની, વિધવા સ્ત્રી વગેરે ભૂમિકાને લગતી ઓવીઓમાં સ્ત્રીએ તેના જીવનનું વાસ્તવ અનુભવના આધારે આલેખ્યું છે.
‘મરાઠવાડ્યાતીલ કલગીતુર્યાચી શાહિરી’ (૧૯૯૫) પુસ્તકના માધ્યમથી ડૉ. પ્રભાકર માંડે પ્રથમ વખત જ મરાઠવાડાની ‘કલગીતુરા’ લોકકલા પ્રકાર પ્રકાશમાં લાવ્યા છે. મરાઠી વાઙ્મયના ઇતિહાસમાં ‘મરાઠી શાહિરી’ વાઙ્મયને એક મહત્વનું સ્થાન છે. પ્રાચીન કાળથી ભારતીય સમાજના માનસ પર વેદ-પુરાણ વાઙ્મયનો પ્રભાવ જોવા મળે છે. એ જ કારણથી ભારતીય પ્રજાનો અધ્યાત્મ સાથે હંમેશા સંબંધ રહ્યો છે. અધ્યાત્મનો વિષય એ શાહિરીનો પાયો છે. શાહિરોએ નાથસંપ્રદાયના ગોરખનાથ, મત્સ્યેન્દ્રનાથ અને સંતપરંપરાના જ્ઞાનેશ્વર, દાસોપંત સમર્થ રામદાસનું આધ્યાત્મિક તત્વજ્ઞાન પોતાના કવનમાં ગાઈને જનસમુદાયનું મનોરંજન કર્યું છે. તેમજ તેમણે માયા, બ્રહ્મ, પિંડ, બિંદુ, શૂન્ય વગેરે વિષયોની સાંકેતિક ભાષામાં જ રૂપકો યોજીને રહસ્યમય કવનની રચના કરી છે. ડૉ. પ્રભાકર માંડેના માટે ‘કલગી’ અને ‘તુરા’ બંને શબ્દોનો અર્થ એક જ હોય છે. પાઘડી કે ટોપીને મોતી, ફૂલ વગેરેથી સુશોભિત કરાય છે. તેને જ ‘કલગી’ કે ‘તુરા’ કહેવાય છે. આ બંને શબ્દો ફારસીમાંથી મરાઠીમાં આવ્યા છે. ‘શાહિર’ શબ્દ પણ મુસલમાનોના સંપર્કને લીધે રૂઢ થયો છે. શાહિરોમાં બે પંથ નિર્માણ થયેલા જોવા મળે છે. જેમાં કલગી પક્ષના શાહિરો શિવતત્વ નિરાકાર હોવાથી સગુણ, સાકાર શક્તિની ઉપાસના કરે છે, અને તુરા પક્ષના શાહિરો નિર્ગુણ, નિરાકાર શિવની ઉપાસના કરે છે.
કલગી અને તુરા આ બંને પક્ષ ભિન્ન હોવા છતાં બંનેનું અંતિમ એક જ છે. મરાઠવાડાની કલગી-તુરા એટલે શું તેનો અભ્યાસ કરતા આ પરંપરાનો વિકાસ, તેનું અધ્યાત્મ અને લોકતત્વ સમજી લઈ તેની શાસ્ત્રીય ચર્ચા, વાઙ્મય પ્રકારના પ્રતીકોની, રૂપકોની, મિથનો ઉહાપોહ કરતાં તે વિષયની સમજ-ગેરસમજનું સોદાહરણ સ્પષ્ટીકરણ ડૉ. પ્રભાકર માંડેએ ‘મરાઠવાડ્યાતીલ કલગીતુર્યાચી શાહિરી’ પુસ્તકમાં કર્યું છે.
‘લોકરંગભૂમિ’ (૧૯૯૪) એ મહારાષ્ટ્રના નાટ્યાત્મક લોકાવિષ્કારનું અત્યંત રસપ્રદ પુસ્તક છે. ભારતીય પરંપરાની પરંપરાગત વિધિમાં લોકરંગભૂમિનું વિસ્તારથી વિવેચન કર્યું છે. આદિવાસીઓમાં કરવામાં આવતી ‘ગાવબાંધણી’ની વિધિ વિશે ડૉ. પ્રભાકર માંડે માહિતી આપતાં જણાવે છે કે આદિવાસીઓએ કલાત્મક આવિષ્કાર કેવળ મનોરંજન માટે ક્યારેય કર્યો નહોતો. તેનો સંબંધ તેમના આંતરિક જીવન સાથે હતો. ‘ગાવબાંધણી’ થાય તો ભૂતપ્રેત અને જંગલી પ્રાણી ગામમાં આવતાં નથી, રોગચાળો ફેલાતાં નથી એવી સમજ છે. વિધિ થયા પછી આખી રાત નાચ-ગાનનો કાર્યક્રમ ચાલે છે. એની સાથે આદિવાસીઓના નૃત્યનાટ્ય તેમજ તેમનામાં થતાં વિધિનાટકો, વિધિગીતો અને ભગવાન અવતરવાના નાટકો વગેરેની સમગ્ર ચર્ચા આ પુસ્તકમાં કરી છે. મહારાષ્ટ્રમાં ગોંધળ નાટ્યવિધિને અત્યંત મહત્વપૂર્ણ એવું સ્થાન છે. ગોંધળી એ વિચરતું જીવન જીવનાર દેવીના ભગતોની એક જાત છે. જે દેવીના ઉપાસનાની વિધિ કરાવી આપે છે. તેને જ ગોંધળ કહેવાય છે. ગોંધળની આ વિધિએ સ્વતંત્ર રંગભૂમિ વિકસિત કરી છે. ગોંધળની વિધિ પૂર્ણ થયા પછી બધાં દેવતાઓને આવાહન કરતાં ગીત ગાવામાં આવે છે. ગોંધળના આવા આવાહન ગીતોની સાથે અપ્રસિદ્ધ ગીતોને સંકલિત કરી ડૉ. પ્રભાકર માંડેએ સાંસ્કૃતિક, સામાજિક અને ઐતિહાસિક ઘટના પર પ્રકાશ પાડ્યો છે. તેમણે લળિત, ભજન, કીર્તન અને બાળગોપાળના સંવાદ, જાગરણ, નાથજોગીના ભજન, બહુરૂપિયા અને વાસુદેવાના શેરીનાટક, સ્ત્રીપુરુષના સંવાદાત્મક નાટ્ય, તમાશાનું નાટ્ય – આમ લોકરંગભૂમિના વિવિધ કલાવિષ્કારનો સમગ્ર પરિચય કરાવ્યો છે. લોકરંગભૂમિ પર સામાજિક-સાંસ્કૃતિક અને ધાર્મિક સંઘર્ષની અસર વિશે વિસ્તારથી ચર્ચા કરી છે. પરંપરાગત લોકનાટ્યના વ્યવસાયિકરણ થવાથી લોકકલાકારોની માનસિકતા કઈ રીતે બદલાય છે તેની પણ નોંધ લીધી છે. શહેરીકરણ અને ઔદ્યોગિકરણને લીધે પરિવર્તન આવવાથી ગોંધળ-જાગરણ-કીર્તનને વ્યવસાયનું સ્વરૂપ પ્રાપ્ત થયું. પરંપરા અને નવીનતાની સંક્રાંતિ થઈ લોકરંગભૂમિના સ્થિત્યંતર કેવા થઈ રહ્યા છે, ત્યાં સુધીની સમગ્ર ચિકિત્સા કરનાર આ મૌલિક પુસ્તક છે. આ પુસ્તકને મહારાષ્ટ્ર રાજ્ય ઉત્કૃષ્ટ વાઙ્મયનિર્મિતિ અને મહારાષ્ટ્ર સાહિત્ય પરિષદે પુરસ્કાર આપીને સન્માન કર્યું છે.
‘રામકથેચી મૌખિક પરંપરા’ (૨૦૦૭) પુસ્તકમાં ડૉ. પ્રભાકર માંડેએ પરંપરાથી પ્રચલિત હોય એવા સ્ત્રીઓના ઓવીગીતોમાં આવતાં રામકથાના સંદર્ભો વિશે ચર્ચા કરી છે. હિંદુસ્તાનના બધા પ્રદેશોમાં રામકથા પ્રચલિત છે. એટલું જ નહી, દક્ષિણપૂર્વ એશિયાના અનેક દેશોમાં ત્યાંના લોકો રામકથાથી પરિચિત છે. રામકથાને આધારભૂત હોય એવી ઐતિહાસિક ઘટના હિંદુસ્તાનમાં જ ઘડાઈ અને તે પછી તેમના સંબંધિત રામકથા નિર્માણ થઈ. શ્રીરામ ત્રેતાયુગમાં થઈ ગયા એવી અહીંના સમાજની શ્રદ્ધા છે. દ્વાપર યુગમાં ઇશ્વાકુ વંશના રાજકુળમાં શ્રીરામનો જન્મ થયો. આના પરથી ઈશ્વાકુવંશના સૂતોએ રામચરિત્રવિષયી કથા-ગાથા ગાઈ અને પ્રચલિત કરી. રામચરિત્ર પર આધારિત ગાથા અને આખ્યાન સમાજજીવનમાં પ્રચલિત રહ્યા અને સમાજે જ સ્વતંત્રપણે તેનો પ્રવાહ વહેતો રાખ્યો. આ પ્રકારે રામના ચરિત્રસંબંધી કથા-ગાથાની અને આખ્યાનોની એક મોટી પરંપરા નિર્માણ થઈ અને વર્ષોવર્ષ ચાલતી આવી. તેના વિસ્તૃત વિવેચન સાથેનું સંકલન આ પુસ્તકમાં કર્યું છે. રામકથાની પ્રાચીનતા, રામકથાની ભારતીય પરંપરા, રામકથાનો પ્રદેશિક આવિષ્કાર, રામકથાની મૌખિક પરંપરાનું સ્વરૂપ, આદિવાસી જનજાતિની મૌખિક પરંપરાની રામકથા, હરિયાણામાં રામકથાની મૌખિક પરંપરા, લોકગીતોમાંની રામકથા, સીતાનો જન્મ અને સ્વયંવર – એક જુદી કથા, સ્ત્રીઓના ઓવીગીતોમાંની રામકથા, રામકથામાંની સીતા-ત્યાગ કથા, રામકથામાંના આખ્યાન, લોકરંગભૂમિ પર રામકથાદર્શન વગેરે પ્રકરણ દ્વારા રામકથાની મૌખિક પરંપરાના સ્વરૂપનો પટ ઉકેલીને બતાવ્યો છે. આ પુસ્તકમાં ફક્ત સ્ત્રીઓના ઓવીગીતો પૂરતી જ ચર્ચા મર્યાદિત ન રાખતાં આદિવાસીઓના ગીતો, કથા તેમજ મહારાષ્ટ્ર, ગોવા, આંધ્રપ્રદેશમાં રામકથાસંબંધી પ્રચલિત લોકકથા કે લોકગીતો પર પણ વિચાર કર્યો છે. એટલું જ નહીં, લોકરંગભૂમિ પર લોકકથાસંબંધી જે નાટ્ય રજૂ થાય છે તેનો સમાવેશ કર્યો છે.
‘મૌખિક વાઙ્મયાચી પરંપરા : સ્વરૂપ આણિ ભવિતવ્ય’ (૨૦૧0) પુસ્તકમાં જુદીજુદી જાતિ-જનજાતિની લોકકલા રજૂ કરતાં ગેય સ્વરૂપમાં ગાવામાં આવતા મૌખિક પરંપરાના સ્વરૂપ-લક્ષણ સ્પષ્ટ કર્યા છે. સમાજમાં પરંપરાથી અનેકવિધ સ્વરૂપના વાઙ્મય એટલે કે રોજિંદા કાર્યો, વિધિવિધાન, રમતી વખતે ગાવામાં આવતા ગીતો, સમાજમાંની રૂઢ ભવિષ્યકથન વિષયની કલા, કહેવતો, રૂઢિપ્રયોગ, ઉખાણાં વગેરે લોકસાંસ્કૃતિક જીવનની મૌખિક કલાવાઙ્મયમાંથી લોકપરંપરાની શોધ આ પુસ્તકમાં લીધી છે. પરંપરાગત શ્રમગીતો વિશે માહિતી આપેલી છે. ઓવીગીતોમાં સ્ત્રીઓની ભાવસંબંધી અભિવ્યક્તિ, મા-માસી-સાસુની ભૂમિકા, સ્ત્રીને આવનાર વૈધવ્ય અને અકાળે મૃત્યુ, સ્ત્રીનું કલ્પનાવિશ્વ, શ્રદ્ધાવિશ્વ વગેરે વિશે ડૉ. પ્રભાકર માંડેએ સ્ત્રીના જીવનનું વિવિધ અને હૃદયસ્પર્શી ચિત્રણ સોદાહરણ સ્પષ્ટ કર્યું છે. બાળગીતો, બડબડ ગીતો, સ્ત્રીઓ ફુદરડી રમતી વખતે, નાગપંચમી, મંગળાગૌરી જેવા તહેવારો નિમિત્તે, સવારે આંગણું સાફ કરતી વખતે, રંગોળી કરતી વખતે, વસ્ત્રો ધોતી વખતે, તુલસીના છોડને પાણી રેડતી વખતે, તુલસીની પ્રદક્ષિણા કરતી વખતે ગવાતાં ગીતોનું સંકલન કરી તેના વિશે ચર્ચા કરવામાં આવી છે. મુખ્યત્વે ખાનદેશમાં પ્રચલિત ‘વહી’(કલગીતુરાની શાહિરી રચના જેવો જ એક રચના પ્રકાર) વિશે માહિતી આપી છે. આવી રચનાઓ ઉપદેશાત્મક હોય છે. ડૉ. પ્રભાકર માંડેએ મૌખિક આરતીઓ, ચક્રપૂજા, મંત્રાત્મક રચના, જનજાતિના ગીતો, ભવિષ્યકથન, કહેવતો, ઉખાણાં વગેરેનો સમાજશાસ્ત્રીય અને માનસશાસ્ત્રીય દ્રષ્ટિથી અભ્યાસ કર્યો છે. જેમાંથી હિંદુસ્તાનની મૌખિક પરંપરાનું સ્વરૂપ જાણવા મળે છે.
‘લોકગાયકાંચી પરંપરા’ (૨૦૧૧) પુસ્તકના આરંભમાં જ ડૉ. પ્રભાકર માંડેએ હિંદુસ્તાનના સમાજજીવનના સાંસ્કૃતિક પરંપરામાં કલાના માધ્યમથી દેવતાઓની ઉપાસનાતત્વનું પ્રાચીનત્વ સ્પષ્ટ કર્યું છે. એક રીતે ઉપાસનાપ્રકારમાં ભારતીય લોકપરંપરામાં જોવા મળતા સ્વીકાર અને સમન્વય – આ તત્વોનો વિચાર કરવામાં આવ્યો છે. લોકગાયકોની પરંપરામાં આવેલ પરિવર્તન, લોકગાયકોની કલા અને ગીતોનો પરિચય કરાવી આપ્યો છે. હિંદુસ્તાનમાં લોકગાયકોની પરંપરા ઘણા પ્રાચીનકાળથી રહી છે. ભિક્ષુક વૃત્તિથી જીવનાર લોકગાયકોની જાતિના લોકો સદીઓથી સમાજજીવનમાં ભક્તિભાવ ટકાવી રાખનાર તેમજ સમાજમાં મનોરંજન અને ઉપદેશ કરવાનું કાર્ય કરતાં રહ્યાં છે. લોકગાયક પ્રેક્ષકો સામે ગાયન-વાદન-નર્તન પ્રસ્તુત કરે છે. ગાયન શબ્દ પરથી મરાઠીમાં ‘ગાણ’ શબ્દ તૈયાર થયો છે. લોકગાયકોના સંતવાઙ્મયમાં ઠાકુર, કલ્યાણ, ટીપગાણ, પાનગાણ, ભાટ, નાગારી, માચેગાણ, ડૌરી, ડાકુલતે, હળદે, ધવળગાણ, પહાટગાણ, દિંડીગાણ કે દંડીગાણ વગેરે અનેક ‘ગીતો’નો ઉલ્લેખ કર્યો છે. તે સિવાય જોગી, પાંગૂળ, વાસુદેવ, ભોરપે, બાળસંતોષ, ગોંધળી, ભરાડી, વાઘ્યામુરળી વગેરે અનેક લોકગાયકોનો ઉલ્લેખ થયેલ છે. દરેક લોકગાયકના કોઈ આરાધ્ય દેવ હોય છે. વાસુદેવ એ કૃષ્ણના ઉપાસક, ગોંધળી એ દેવીના ઉપાસક, વાઘ્યા અને મુરળી એ ખંડોબાના ઉપાસક, ડૌરેગોસાવી એ ભૈરવના ઉપાસક અને પોતરાજ એ દેવી લક્ષ્મીબાઈના ઉપાસક હોય છે. મહારાષ્ટ્રમાં મહા મહિનામાં ઉજવાતો મુંજોબા દેવનો ઉત્સવ તેમ જ ચિત્રો બતાવીને કથા કહેવાની પરંપરા વિશે પણ ડૉ. પ્રભાકર માંડેએ સવિસ્તર માહિતી આપી છે. જેમાં તેમની સૂક્ષ્મ સંશોધનાત્મક દ્રષ્ટિ જોવા મળે છે,
આમ, લોકસાહિત્ય સંશોધન-સંપાદન ક્ષેત્રે અમૂલ્ય પ્રદાન કરીને ડૉ. પ્રભાકર માંડેએ પોતાની એક આગવી ઓળખ ઊભી કરી છે.
પાદટીપ :
૧. ‘બુડાડેલા ગાવ’ - લે. ડૉ. પ્રભાકર માંડે, પ્ર. આ. ૨૦૦૨, પૃ.૬૯
૨. ‘ઉનિ’ - લે. ડૉ. પુરુષોત્તમ કાલભૂત, પૃ. ૩૯
૨. ‘લોકસાહિત્યાચા આલોક’ - સંપા. ડૉ. નાંદેડકર શ્રીધર, પ્ર.આ.૨૦૦૮, પૃ.૩૯