અંગ્રેજી સાહિત્યનું સ્વાધ્યાયલોક
કવિતામાં આધુનિકતાનો સંસ્પર્શ કરાવતા તથા મુંબઇને પુચ્છ વિનાની મગરી... કહેનારા આધુનિક તથા કૌતુકપ્રિય કાવ્યોની રચના કરનાર કવિ, વિવેચક, સંપાદક અને અનુવાદક નિરંજન ભગત થોડા સમય પહેલા જ તેઓનું દેહાવસાન થયું પણ શબ્દથી તો જીવિત છે. તેવા નિરંજન ભગતનો જન્મ અમદાવાદના ખાડિયા વિસ્તારમાં આવેલી લાખા પટેલની પોળમાં, મોસાળઘરે થયેલો. તેમનું પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ કાલુપુરમાં થયેલું. તેમણે ફ્રેંચ ભાષા, વ્યાકરણ તથા સાહિત્યનાં પુસ્તકો ભેગા કરી ઘરમાં જ લાઈબ્રેરી સ્થાપેલી. તેઓ લાડકવાયા હોવા છતાં દશ જ વર્ષની વયે પિતાના ગૃહત્યાગથી મોટા પુત્ર તરીકેનો કારમો અનુભવ સહન કરે છે. નિરંજન ભગતનું ઉચ્ચશિક્ષણ અમદાવાદ, મુંબઈ અને ફરી અમદાવાદમા થયું. તેમણે અંગ્રેજી વિષય સાથે સ્નાતક અને અનુસ્નાતકની પદવી મેળવી, ત્યારબાદ ઇ.સ.૧૯૫૦માં એલ. ડી. આર્ટ્સ કોલેજમાં જ અંગ્રેજીના અધ્યાપક અને પછીથી નિવૃત્તિ સુધી અમદાવાદની જુદી જુદી પાંચ કોલેજમાં અધ્યાપનકાર્ય કર્યું. તેમણે ચતુર્માસિક ‘એકાંકી’નું સંપાદન, વર્તમાન સંદેશમાં સાહિત્યસાધના શીર્ષકથી સાપ્તાહિક લેખન તથા પરિચય ટ્રસ્ટનાં સામયિકો ‘ગ્રંથ’ અને ‘સાહિત્ય’નું સંપાદન કર્યું. મુંબઈ નિવાસ દરમ્યાન ત્યાંના નોખા વાતાવરણ ઉપરાંત ચાર મિત્રો સાથે મૈત્રીસંબંધ સ્થપાયો. કવિ રાજેન્દ્ર શાહ તો તેમણે મન સહોદર, મડિયા દ્વારા તેમને યુસિસની લાઇબ્રેરીમાં અમેરિકન કવિતાનો પરિચય થયો, હરિશ્ચંદ્ર ન હોત તો તેમને વિશ્વકવિતાનો પરિચય થાત નહીં, તેમજ બલ્લુકાકાના કાવ્યસંગ્રહ ‘ભણકાર’ની સ્થાપના વગર ‘પ્રવાલદ્વીપ’ની મુખ્ય કવિતાનું સર્જન થાત નહીં. સર્જનસાહિત્ય વિશે વાત કરીએ તો તેઓ કવિ, વિવેચક અને અનુવાદક તરીકે જાણીતા છે. તેમના કાવ્યસંગ્રહોમાં ‘છંદોલય’, ‘કિન્નરી’, ‘અલ્પવિરામ’, ‘પ્રવાલદ્વીપ’, ’૩૩કાવ્યો’, ‘છંદોલય’ બૃહદ, ‘પુનશ્વ’. અનુવાદમાં ‘ચિત્રાંગદા’ રવીન્દ્રનાથનું નાટક, ’ઑડનનાં કાવ્યો’ અન્ય સાથે તેમજ વિવેચનમાં ‘કવિતાનું સંગીત’, ‘આધુનિક કવિતા’, ‘કવિતા કાનથી વાંચો’, ‘યંત્રવિજ્ઞાન અને મંત્રકવિતા’ તેમજ પરિચય પુસ્તિકા રૂપે ‘મીરાંબાઈ’, ‘કવિ ન્હાનાલાલ’, ‘ડબલ્યુ. બી. યેટ્સ’, ‘ટી. એસ. એલિયટ’, ‘વિકટર હ્યુગો’, ‘વિકટર હ્યુગોની સાહિત્યસૃષ્ટિ’ તેમજ સ્વાધ્યાયલોક ગ્રંથશ્રેણી: ૧ થી ૮ વગેરે તેમનું સાહિત્યસર્જન છે.
અંગ્રેજી સાહિત્યનો જેમાં સમાવેશ થયેલો છે તેવા સ્વાધ્યાયલોક ગ્રંથશ્રેણીના ગ્રંથ-૨માં કુલ ૨૨ અભ્યાસલેખો છે. આ ગ્રંથમાં ત્રણ પ્રકારના અભ્યાસલેખોનો સમાવેશ થયેલો છે. જેમાં ૧. સાહિત્યકાર અને ઈતિહાસકારના જીવન તેમજ સર્જનનો પરિચય કરાવતા લાંબા-ટૂંકા કુલ નવ લેખો, ૨. કાવ્યોના રસદર્શન વિશેના લેખો, ૩. પ્રકીર્ણ લેખો કે જેમાં સ્મરણલેખ, પ્રસંગલેખ, બે પુસ્તકોના ઉપરણાં પરની નોંધો, એક પ્રસ્તાવના અને એક અહેવાલનો સમાવેશ થાય છે. આ ગ્રંથની શરૂઆતમાં નિરંજન ભગત કવિ અને કવિતા વિશે જે ભૂમિકા બાંધે છે તે અદ્વિતીય છે: ‘પુનરુત્થાન પછીના અર્વાચીનયુગમાં જગતસાહિત્યમાં નાટ્યાત્મક કવિતામાં સર્વશ્રેષ્ઠ કવિ છે શેક્સપીયર, કથાનાત્મક કવિતામાં સર્વશ્રેષ્ઠ કવિ છે મિલ્ટન અને ઊર્મિકવિતામાં સર્વશ્રેષ્ઠ કવિ છે વર્ડ્ઝવર્થ. આમ, અંગ્રેજી ભાષાની કવિતામાં કવિતાના ત્રણે પ્રકારમાં જગતસાહિત્યમાં સર્વશ્રેષ્ઠ એવા કવિઓ છે. અંગ્રેજી ભાષાની કવિતાની આ અદ્વિતીયતા છે.’
સ્વાધ્યાયલોકના પ્રથમ લેખમાં મિલ્ટનની કવિતાનાં જુદા-જુદા સ્વરૂપોની ઈંગ્લેન્ડ ઉપરાંત સમગ્ર વિશ્વમાં નોંધ લેવાય છે તેમજ વખણાય છે તથા તેમના વ્યક્તિત્વ, સાહિત્યની શૈલી, જીવન, કવન તેમજ લેખમાં મુકાયેલ શ્રેષ્ઠ કવિતાની પંક્તિ દ્વારા જીવન, મનુષ્યને કેન્દ્રમાં રાખવાની વાત તેમજ ભગવદગીતામાં આવતા કર્મયોગના આદર્શની વાત સુંદર રીતે રજૂ કરેલ છે:
‘ Of man’s first disobedience, and the fruit
Of that forbidden tree, whose mortal taste
Brought death into the world, and all our woe…’ પૃ.૩
ટેનિસનના લેખની શરૂઆત પ્રસિદ્ધ ઊર્મિગીત ‘Break, Break, Break’ તથા ‘Crossing the bar’થી શરૂઆત થાય છે અને પૂર્ણ પણ તે કાવ્યની રજૂઆતથી થાય છે. સાથે કવિના જીવન, કવન, દર્શન એમ ત્રણેયને આવરી લેતો લાધવયુક્ત અભ્યાસલેખ છે. વર્ડ્ઝવર્થની મુત્યુની શતાબ્દી નિમિત્તેના આ અભ્યાસલેખમાં પ્રકૃતિ પ્રત્યેની સભાનતા, તેમનું જીવન, શૈશવકાળના આપઘાતનો પ્રયત્નનો પ્રસંગ, હોકસા-હેડમાં સમાજ સાથેના પરિચય દ્વારા થયેલો માનવપ્રેમ, વ્યક્તિત્વ ઘડતર, અભ્યાસ, સર્જન તેમજ વિવિધ ક્ષેત્રોના પ્રવાસ દરમ્યાન બે પ્રસિદ્ધ કાવ્યો ‘સ્ટેપિંગ વેસ્ટવડર્ઝ’ અને ‘ધ સોલિટરી રિપર’ રચાયાં. ડબલ્યુ.બી.યેટ્સ વિશેના અભ્યાસલેખના આરંભમાં જ રવીન્દ્રનાથ ટાગોરની અંગ્રેજી ‘ગીતાંજલિ’ની પ્રસ્તાવના લખનાર લેખક અને ત્યારબાદ શ્રેષ્ઠ કવિ તરીકે પ્રસિદ્ધિ પામ્યાની વાત મૂકાયેલી છે. આ ઉપરાંત ટી. એસ. એલિયટનો લેખ ગ્રંથમાં દીર્ધલેખ તરીકે સ્થાન પામેલો છે. લેખમાં કોઈ કૃતિઓનું વિશ્લેષણ કે વિવેચન જેવુ કંઇ નથી પણ તેમાં સર્જકના શૈશવ, શિક્ષણ, રહસ્યવાદ, રાષ્ટ્રવાદ, સૌંદર્યવાદ, એ બી થિયેટરમાં ભજવેલા નાટકો, પ્રેમિકા મોડ ગન, મિત્રો તેમજ જીવનનાં અંતિમ વર્ષોમાં જીવનચર્યાની વાત મૂકેલી છે. લેખના અંતમાં યેટ્સના અવસાન નિમિતે તેમની ઇચ્છાને મન આપી તેમના ક્બ્ર પર અંકન કરવામાં આવેલી ‘અંડર બેન બુલ્બન’ કાવ્યની ત્રણ પંક્તિઓ લેખમાં સારો એવો ઉઘાડ રજૂ કરે છે:
‘ઠંડી નજર નાખ
જીવન પર, મૃત્યુ પર.
અસવાર, પસાર થા !’ પૃ.૪૦
પંચોતેરમી જન્મતિથિ પ્રસંગે ટી.એસ.એલિયટે વોલ્ટર દ લા મેરને એક કાવ્યમાં એમની કવિપ્રતિભાને અંજલી આપતા અંતે કહ્યું છે કે, ‘દ લા મેર શબ્દના રહસ્યના શોધક કવિ છે.’ એમની કવિતામાં જીવનદર્શન સિવાયની કોઈ જંજાળ નથી તેમજ સર્જકના જીવન, કવિઓની સામ્યતાની વાત, કવિતામાં તેમણે પૂર્ણતા સિધ્ધ કરી તેની વાત, સર્જન બાબતોની ચર્ચા, નવલકથા ‘ધ રિટન’ની સમીક્ષા, ‘એક વામન વ્યક્તિની સ્મરણકથા’નો ટૂંકપરિચય જેવી ચર્ચા લેખમાં મૂકી છે. દ લા મેરની ગદ્યકૃતિઓ એની પદ્યકૃતિઓની પૂરક છે અને તેઓ જીવનશૈશવના કવિ છે માટે તેઓ જીવનને શિશુની દૃષ્ટિએ જુએ છે. સ્વાધ્યાયલોક ગ્રંથ-૨માં અહીં ટી.એસ.એલિયટને વધારે મહત્વ આપતા હોય તેવું લાગે છે કારણકે તેમના વિષયના અહીં ચાર અભ્યાસલેખો પ્રાપ્ત થાય છે. ટી.એસ.એલિયટ, ટી.એસ.એલિયટ: જન્મશતાબ્દી પ્રસંગે, ધ લવ સોંગ ઑફ જે. આલ્ફ્રેડ પ્રુફ્રૉક અને એલિયટનું અંતિમ કાવ્ય. આમ, ચાર લેખો દ્વારા એલિયટ વિશેના જીવન-કવન વિષયની માહિતીનો તાગ રજૂ કરેલો છે. આ લેખો દીર્ઘ છે પણ તેમાં કૃતિ વિશેના વિશ્લેષણ-વિવેચન બાબતે કોઇપણ ચર્ચા નથી પણ લેખકની અભ્યાસનિષ્ઠા જ આ લેખ દ્વારા પ્રસ્તુત થાય છે. લેખમાં ટી.એસ.એલિયટના જીવનથી માંડીને ક્યાં ક્યાં તેમનો નિવાસ થયો અને કેવા કેવા અનુભવો થયા તેનો ઇ.સ.૧૮૮૮ થી ૧૯૬૫ દરમ્યાનની જીવનચર્યા લેખમાં નોંધાયેલી છે. આ લેખ પરિચય પુસ્તિકાસ્વરૂપે પણ પ્રગટ થયા છે. કવિ રાવજી પટેલની જેમ ઓછો સમય જીવી સાહિત્યમાં પોતાનું આગવું સ્થાન હાંસિલ કરનારા ગ્રીસના સર્જક દેમેત્રિઓસ કાપેતાનિક્સ પણ અમર થઈ ગયા. અભ્યાસલેખની શરૂઆતમાં જ ‘Prophets’ કાવ્યના અંતિમ શ્લોકનો શબ્દેશબ્દ એના જીવનનો અર્થ અને એના સાહિત્યસર્જનનું રહસ્ય પ્રગટ કરે છે :
‘But those who see his face in all its terror
Will die for that, yet not before they give
A cryptic message to the world in error
With hints of what to hope and hoe to live.’ પૃ.૮૦
ઉપરાંત લેખમાં કાપેતાનિક્સના જીવન, સર્જન તથા જીવાતાજીવનના સંસ્મરણો તેમજ અમુક શ્રેષ્ઠ કવિતાની પંક્તિઓનું રસદર્શન કરાવેલ છે. નિરંજન ભગતે સી.પી.સ્નોના બે અભ્યાસલેખો રજૂ કરેલા છે. તેઓ જાન્યુઆરીમાં લંડનથી સીધા અમદાવાદની મુલાકાતે આવ્યા હતા તથા ઉમાશંકર જોષી તથા કુ. નંદિની જોષી સાથેની પ્રત્યક્ષ મુલાકાત, પ્રશ્નોતરી તથા પ્રશ્નોતરીના પ્રત્યુત્તરની ચર્ચા લેખમાં સાંકળી લીધી છે. ઉપરાંત વડોદરા ત્યારબાદ ‘જયશંકર સુંદરી’ નાટ્યગૃહમાં સ્મારકવ્યાખ્યાનો વિજ્ઞાનસંદર્ભે યોજાયા હતા, તેમાં ‘સમાજમાં વિજ્ઞાનનું અર્પણ’માં તેમણે સમકાલીન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ઉદાહરણસહ વાત રજૂ કરી હતી તે લેખમાં મૂકાયેલી છે. શેક્સપીયરની ચતુર્થ જન્મશતાબ્દી નિમિતે આચાર્યશ્રી સંતપ્રસાદ ભટ્ટના ગ્રંથ ‘શેક્સપીયર ’ ના ઉપરણા પરનું લખાણ, શેક્સપીયરની છબીની સાથે તેમના યુગની છબીનો નિર્દેશ તેમજ લેખમાં ૧૭મી સદી અને ૧૮મી સદીમાં ગદ્યકંડિકાની પરંપરામાં મુખ્યત્વે કૃતિલક્ષી વિવેચનમાં ક્લાસિકલ રૂચિ છે અને ૧૯મી સદીમાં પદ્યપ્રશસ્તિની પરંપરામાં મુખ્યત્વે પાત્રલક્ષી વિવેચનમાં રોમેન્ટિક રૂચિ છે. શેક્સપીયરના સર્જન વિષેની વાત, સંશોધન અને વિવિધ વિભાવનાની વાતનો ઉલ્લેખ કરેલો છે. અને વ્યક્તિલક્ષી અભ્યાસલેખમાં છેલ્લે ઈતિહાસકાર ટોયમ્બીને ક્લાસિસિષ્ટ, પ્રશિષ્ટતાવાદી, પ્રાચીનગ્રીક પ્રશિષ્ટતાવાદી હતા તેવી વાત મૂકાયેલી છે. ઈતિહાસકાર તરીકેની છબી ઉપસી આવે તેવું વૈશ્વિકજ્ઞાન, આયુષ્યના અંતિમ તબક્કામાં ગ્રંથત્રયી Experiences, Surviving the future, Toynbee on Toynbee રચી સિધ્ધ કરી બતાવે છે. આમ, આરંભના ચાર તબક્કામાં ધર્મ, ફિલસૂફી, સાહિત્ય, યંત્રવિજ્ઞાન વગેરે એમના ચિંતનના વિષયોની વાત કરી અને અંતિમ દાયકામાં મનુષ્યજાતિનું ભવિષ્ય એમની ચિંતાનો વિષય રહ્યો છે અને એમના જીવન, કવન વિશેની સમીક્ષાત્મક નોંધો લેખમાં તાદૃશ્ય કરી છે.
સાહિત્યની શરૂઆત કવિતાથી કરનારા, મિત્રોની સહાયથી અંગ્રેજી કવિતાને લાયબ્રેરીમાં માણેલી, વાંચનપ્રવૃતિ તેમજ અંગ્રેજીમાં ઉચ્ચશિક્ષણનો અધ્યયન-અધ્યાપનનો અનુભવ તેમણે વિશ્વકક્ષાની અંગ્રેજી કવિતા તરફ વાળે છે. અને તેનું પરિણામ આપણને તેમની અનુવાદપ્રવૃતિ, સ્વાધ્યાયલોકના ગ્રંથોમાં જોવા મળતી અંગ્રેજી સાહિત્યની કવિતા, યુરોપીયન સાહિત્યની કવિતા તેમજ અમેરિકા તથા અન્ય સાહિત્યની કવિતાના રસદર્શનો કરાવેલ તે તેમના ઘડતરની નીપજ જોઈ શકાઈ છે. આ સ્વાધ્યાયલોકમાં જે કૃતિઓના રસદર્શનો છે તે કૃતિઓમાં શેક્સપીયરની કવિતા ‘ધ ફીનિક્સ એન્ડ ટર્ટલ’, વર્ડ્ઝવર્થનું સૉનેટ ‘ધ ડેફોડિલ્સ’, વોલ્ટર સેવેઇજ લેંડરનું મુક્તક ‘ફિનિસ’ અને ટી. એસ. એલિયટની એકોક્તિ ‘ધ લવ સોંગ ઑફ જે.આલ્ફ્રેડ પ્રુફ્રોક’. શેક્સપીયર ની ‘ધ ફીનિક્સ એન્ડ ટર્ટલ’ કવિતાના લેખની શરૂઆત થાય છે કવિ રોબર્ટ ચેસ્ટર પ્રેમકાવ્યોના સંચય દ્વારા અને ત્યારબાદ પ્રકાશન બાબતની વાત મૂકાયેલી છે. ફિનિક્સ અને ટર્ટલના પંખીપ્રતીકો યોજીને પ્રેમકાવ્યોની રચનાથી આરંભ, આ કવિતા મૃત્યુજન્ય કરૂણતા છે. ત્યારબાદ જેની ચર્ચા કરવામાં આવી છે તે પ્રશ્ન છે: ‘આ કાવ્યમાં શેક્સપીયર નો ક્યો અંગત અનુભવ હશે?’ ફિનિક્સની જાતિ નારીજાતિ છે અને ટર્ટલ નરજાતિ છે તે લેખ દ્વારા માલૂમ પડે છે છતાં તેમાં પણ શંકા કુશંકા છે. ત્યારબાદ કાલિદાસ, રવીન્દ્રનાથ, ભવભૂતિ, બાલાશંકર, એલિઝાબેથ, બ્રાઉનીંગ, એમિલી, ડિકિંસન, ઈ.ઈ.કૂમિંગ્સ અને ડેંટીના સર્જનમાં વ્યક્ત થતી પ્રેમની વિભાવનાની યાદ અપાવે છે. આમ, લેખના ઉત્તરાર્ધ ભાગમાં અઢાર શ્લોકની પ્રેમગીતાના ભાગથી ચાર મોટા સ્તબકો દ્વારા આ કાવ્યની રજૂઆત કરેલી છે. અને અંતે કવિને અંજલિ આપતા કહે છે કે:
‘સૌ મૃત્યુમાં અમૃત એક પ્રેમ !’ પૃ.૧૬૮
‘ધ ડેફોડિલ્સ: ઐક્ય અને આનંદનું કાવ્ય’ નામના અભ્યાસલેખમાં વર્ડ્ઝવર્થ શરૂઆતમાં સર્વશ્રેષ્ઠ કાવ્ય ‘Immortality ode’ (અમરતાનું સ્તોત્ર)માં સંઘર્ષ પછીના સંવાદની પરાકાષ્ઠાની ક્ષણે કહે છે કે ,‘ભલું થાજો માનવહૃદયનું એની દ્વારા આપણે જીવીએ છીએ.’ તથા કવિતાની થીયરી વિષેની વાત મૂકાયેલી છે. તેમજ તેમના મહત્વના સોનેટોના શીર્ષક દ્વારા માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છે. સાથે એ પણ જણાવે છે કે જેમ, નાટ્યકાવ્યમાં શેક્સપીયર , મહાકાવ્યમાં મિલ્ટન તેમ ઊર્મિકાવ્યમાં વર્ડ્ઝવર્થ મહાન કવિ છે. ધ ડેફોડિલ્સ કાવ્યની પ્રેરણા એક નાના પ્રસંગ દ્વારા રચાઇ હોવાનું માનવમાં આવે તેમ છે, ‘૧૮૦૨ના એપ્રિલની ૧૫મી ને ગુરૂવારની સવારે, વાસંતી સવારે ગ્રસમિયરમાં ટાઉન એન્ડ ના ડવ કોટેજ પાસેના વનપ્રદેશમાં સરોવરના તટ પર બહેન ડોરોથીના સાનિધ્યમાં ફરતા ફરતા વર્ડ્ઝવર્થને ડેફોડિલ્સનો જે અંગત અનુભવ થયો એ આ કાવ્યની પ્રેરણા છે.’ (પૃ.૧૭૨) કાવ્યમાં બે પ્રકારની પરાકાષ્ઠા છે. એક, કંઈક અસામાન્ય, અસાધારણ, અનન્ય, અદ્વિતીય, અનુપમ, અદ્ભુત વસ્તુનું દર્શન કરવાનો સહસા આનંદ. બે, એ વસ્તુનું વારંવાર સ્મરણ કરવાનો સહસા આનંદ, પ્રત્યેક પરાકાષ્ઠામાં કવિની એકલતા અને ઉદાસીનતા ઐક્યમાં અને આનંદમાં પરિણમે છે. કાવ્યના કેન્દ્રમાં નૃત્યનું પ્રતીક છે. કવિએ પ્રત્યેક શ્લોકમાં એ યોજયું છે કે પુષ્પો, તારકો, તરંગો આ નૃત્યના અંગો છે. જળ, સ્થળ અને ત્રિકલમાં આ નૃત્ય રચાય છે. વોલ્ટર સેવેઇજ લેંડરનું મુક્તક ‘ફિનિસ’: અંગ્રેજી ભાષામાં ગ્રીક મુક્તક એ અભ્યાસલેખની શરૂઆત કવિની સંઘર્ષમય જીવનયાત્રા ત્યારબાદ તેના જીવનમાં ચઢાવ-ઉતાર આવ્યા કરે છે. સૈનિકોની મદદ, પિતાના આદેશ દ્વારા ગૃહત્યાગ, પ્રથમ નજરે પ્રેમ અને થોડા સમય બાદ લગ્ન, સંપત્તિનો દૂરુપયોગ, છેલ્લે ફ્લોરેન્સમાં અવસાન તેમજ લેંડરના સમકાલીન સર્જકોની તેમના તરફની દિલચસ્પી. આ અભ્યાસલેખમાં સમાવાયેલી છે. તેમના મુક્તક દ્વારા જીવન વિશેનો તાગ મળે છે :
‘ I strove with none, for non was worth my strife.
(લડ્યો ન, લડવા સમુય મુજને ન કોઈ મળ્યું )
Nature I loved and, next to nature, art:
(સદા કુદરતે, કલ રસ વિશે જ હૈયું ઢળ્યું )
I warmed both hands before the fire of life:
( તપ્યો સતત તાપ, હાથ મુજ બેઉ હુંફ ભર્યા )
It sinks, and I am ready to depart.
(શમ્યો, ઊપડવું, પ્રયાણ અબ પ્રાણ ઝંખે નર્યા. )’ પૃ.૧૭૮
આમ, મુકતકમાં મનુષ્યની અપાત્રતા, જીવનની ક્ષણિકતા અને મૃત્યુની સાહસપૂર્ણ સ્વીકૃતિ દ્વારા મનુષ્ય, જીવન અને મૃત્યુની મર્યાદા, તથા પ્રકૃતિ અને કલાની અમરતા દ્વારા પ્રકૃતિ અને કલાનો મહિમા પ્રગટ થાય તેની વાત અહી રજૂ થયેલી છે. સ્વાધ્યાયલોકમાં રહેલા છેલ્લા લેખમાં ‘એલિયટનું અંતિમ કાવ્ય’ લેખની શરૂઆતમાં દ્વિતીય પત્ની વાલેરીને અંજલીરૂપે લખાયેલા કવિતાના બે પાઠ છે. એલિયટનું પ્રથમ કાવ્ય ‘ધ લવ સોંગ ઑફ જે. આલ્ફ્રેડ પ્રુફ્રોક’ એ કાવ્યથી આ અંતિમ કાવ્ય સુધીના તેમના બધા કાવ્યો અને પદ્યનાટકોને એક સળંગ રીતે જોઈ શકાયા છે.
સ્વાધ્યાયલોક ગ્રંથના આ પુસ્તકમાં સર્જક તેમજ કૃતિઓ વિશેના લેખો બાદ કરતાં જે પ્રકીર્ણ અભ્યાસલેખો તરીકે ‘એક આદર્શ જ્ઞાનસત્ર’ લેખની શરૂઆતમાં અંગ્રેજી સાહિત્યની અસરની વાત, જગતભરમાં અંગ્રેજી ભાષામાં અનુવાદપ્રક્રિયાનો પરિચય તથા અંગ્રેજી ભાષાની ખરેખર જરૂરિયાત બાબતની સમીક્ષા અહીં મૂકાયેલી છે. ઇ.સ.૧૯૮૨માં પહેલીવાર યુરોપના ચાર નગરોના પ્રવાસ દરમ્યાન લગભગ અઢી મહિના જેટલું ચાલીને ફરેલા અને તેમાં તેમનું અવિસ્મરણીય અનુભવનું અહીં સંસ્મરણ રજૂ થતો લેખ ‘લંડનની નાગરિકતા’. મધુસૂદન પારેખનો ગ્રંથ ‘અંગ્રેજી સાહિત્યનુ આચમન’ ના ઉપરણા પરનું લખાણ તેમણે અહીં લેખ સ્વરૂપમાં મૂકેલું છે તેવા નિરંજન ભગતને મધુસૂદન પ્રત્યે ઈર્ષા થતી કારણકે તેમણે સૌ પ્રથમ આવું પુસ્તક લખવું હતું. તેમજ આજની અંગ્રેજી કવિતા લેખમાં અત્યારે અંગ્રેજી ભાષાની કવિતામાં જે વિશિષ્ટ વલણો અને વહેણો છે અને એની જે આગવી આબોહવા છે તેના વિષેની વિચારસરણી રજૂ થયેલી છે. તેમાં ૧૯૧૦ની આસપાસ એલિયટે એની કાવ્યપ્રવૃતિનો આરંભ કર્યો. ત્યારથી માંડી ૧૯૫૦ની આસપાસમાં કવિતાના વિરોધ કે વિકલ્પરૂપે એક નવીન પ્રકારની કવિતા પ્રાપ્ત થાય છે, તે વાત આ લેખમાં પુરાવારૂપે રજૂ કરેલી છે. ‘મયખાનું યાને રુબાયતે ઉમર ખય્યામ’ શીર્ષક પરથી ઉમર ખય્યામના ‘રુબાયત’ના હીરચંદ ઝવેરીના પદ્યાનુવાદનું અવલોકન છે. તેમાં રુબાઈઓનો અન્ય કવિઓની કૃતિઓ સાથે સંબંધ, છંદ તેમજ એમાં આવતા લઘુ-ગુરુ વિશેની વાત પણ મુકાયેલી છે.
આમ, સ્વાધ્યાયલોક દ્વારા આપણને પરદેશી સર્જકો અને તેમની કૃતિઓના પશ્ચિમ સંસ્કૃતિ તેમજ ત્યાંનાં સાહિત્યની સમજણ પૂરી પડે તેવો આ ગ્રંથ છે. નિરંજન ભગતની આ સ્વાધ્યાયયાત્રા દ્વારા અમુક સાહિત્યરસિકો સીધું અંગ્રેજી વાંચી શકતા નથી તેમને સ્વાધ્યાયલોક દ્વારા સારી સમજણ ગુજરાતી ભાષામાં પૂરી પડી રહેશે. સ્વાધ્યાયગ્રંથ શ્રેણીના બીજા પુસ્તકો જેમ કે, કવિ અને કવિતા, યુરોપીય સાહિત્ય, અમેરિકન સાહિત્ય અને અન્ય સાહિત્ય, ગુજરાતી સાહિત્ય: પૂર્વાર્ધ, ગુજરાતી સાહિત્ય: ઉતરાર્ધ, બે પંડિતયુગના કવિઓ તથા બે ગાંધીયુગના કવિઓ તેમજ અંગત નામના ગ્રંથોનું નિર્માણ ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય દ્વારા થયું છે. અને સાહિત્યપ્રિય ભાવકોને તે ખૂબ જ ઉપયોગી નિવાળવાનું છે.
સંદર્ભસૂચિ :
૧. સ્વાધ્યાયલોક, નિરંજન ભગત, પ્રથમ આવૃતિ-૧૯૯૭
૨. સ્વાધ્યાયલોક-૨, પરબ અંક.૧૨, ડિસેમ્બર ૧૯૯૭, પૃ.૭૯
૩. નિરંજન ભગત, ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ ગ્રંથ: ૫, પૃ.૨૮૦