રાવજી પટેલના ગદ્યમાં પાત્રનિરૂપણ
કવિ, વાર્તાકાર અને નવલકથાકાર રાવજી પટેલનો જન્મ ખેડા જિલ્લાના વલ્લવપુરા ગામમાં તા.૧૫/૧૧/૧૯૩૯ ના રોજ થયો હતો. તેમના પિતા છોટાલાલ અને માતા ચંચળબા હતા. તેમણે રાવજી પટેલ ઉપરાંત બીજા છ સંતાનો હતાં. ખેતી ઉપર જ જીવન નભતું હોવાથી રાવજી પટેલનું જીવન અભાવો અને અપૂરતા પોષણ વચ્ચે રહેલું. પ્રાથમિક શિક્ષણ વતન પાસેના સૂઈ ગામમાં, જ્યારે માધ્યમિક શિક્ષણ ડાકોરની સંસ્થાન હાઇસ્કૂલમાં લીધું હતું. આ હાઈસ્કૂલ ભણતરના વર્ષોમાં રાવજીને કવિતા કરવાની લેહ લાગેલી, પણ કોલેજનું ભણતર આરંભે એ પહેલાંતો કમાવું પડે એવી નોબત આવી પડી. તેથી નોકરી અને કોલેજ બંને સાથે થઈ શકે એમ માનીને તેમના પિતાજીએ મિલમાં કામ કરતાં રાવજીના મામાને ત્યાં અમદાવાદ મોકલી આપેલો. અહીં નગર જીવનમાં રાવજી પટેલનો જીવનસંઘર્ષ વધારે કપરો બનેલો. ત્યારબાદ અમદાવાદની કાપડ મિલમાં, ગુજરાત વિદ્યાપીઠના પુસ્તકાલયમાં, ‘કુમાર’ કાર્યાલયમાં એમ વિવિધ સ્થળે નોકરી કરી, થોડો સમય ‘સંદેશ’ અને ‘ગુજરાત સમાચાર’ સાથે સંલગ્ન રહ્યા હતા.
ભર્યા ભર્યા પ્રાકૃતિક જીવનથી વિચ્છેદાઈને અમદાવાદ જેવા શહેરના કઠોર તથા કુત્રિમ જીવનમાં રાવજી માટે ન ચાહીનેય જવાનું થાય છે. આ જ ગાળાથી સુકલડી શરીરની માંદગી પરખાય છે. કોલેજનું પહેલું વર્ષ અને ‘કુમાર’ તથા અન્ય છાપાની નોકરી, પત્ની લક્ષ્મી અને દીકરી અપેક્ષા, જીવવા પૂરતું કમાવવાનું મળે નહીં, પરિણામે પત્ની સાથેય ક્લેશ-કંકાશ ચાલે, કોઇની પાસે માગવાની તો આધિ વાત, કોઈને કશું કહે પણ નહીં, એવો સ્વમાની આ સર્જક જોતજોતામાં કવિતા નવલકથાથી આધુનિકોમાં જુદો પડીને નીજી મુદ્રાએ આલેખવા માંડે છે. ત્યાંજ ટી.બી.નો રોગ જીવલેણ રીતે વકરે છે.
ક્ષયના ઈલાજ માટે આણંદના દરબાર ગોપાળદાસ સેનેટોરિયમમાં દાખલ થાય છે ત્યાં લખાય છે તેમની પ્રથમ નવલકથા ‘અશ્રુઘર’. વળી પાછું અમદાવાદ કોલેજનું પ્રથમ વર્ષ પૂરું થાય છે, પણ બીજુ તો છોડવું જ પડે છે. કમાવા માટેનો રઝડપાટ અને કવિતાનો જાદુ ચાલું જ છે વળી પાછો ટી.બી.નો ઊથલો આવે છે, અને ભાવનગર પાસેના સોનગઢ-ઝિંથરીના અમરગઢ ક્ષય ચિકિત્સાલયમાં દાખલ થાય છે. જિજીવિષા તીવ્ર બને છે, કોઈ કવિ મિત્ર દ્વારા દવા માટે પૈસા મોકલાવાય છે તો સરસ ટીશર્ટ લાવીને પહેરે છે ને બીજા દર્દીઓની સરભરા કરતાં, હસાવતાં પોતાના સ્વજનો મળવા નથી આવતા એ અંગત પીડાને વિસરી જાય છે. તેમણે ઇ.સ.૧૯૬૦ની આસપાસ લેખન કાર્ય આરંભેલું, અને ઇ.સ.૧૯૬૮માં તો એ પોતાના અક્ષરદેહને મૂકીને અનંતની યાત્રાએ ચાલ્યા ગયા હતા. એમણે માંડ એક દસકો સાહિત્ય સર્જન કર્યું હતું, પણ જેટલું લખ્યું તેટલું ઘણી રીતે મૂલ્યવાન સાબિત થયું છે. રાવજી પટેલની કૃતિઓમાં જોઈએ તો અશ્રુઘર (લઘુનવલ:ઇ.સ.૧૯૬૬), ઝંઝા(નવલકથા:ઇ.સ.૧૯૬૬), અંગત(કાવ્યસંગ્રહ:ઇ.સ.૧૯૭૧), વૃત્તિઅનેવાર્તા(નવલકથા+વાર્તાઓ:ઇ.સ.૧૯૭૭) વગેરે છે. અંગત તથા વૃત્તિ અને વાર્તા મરણોત્તર પ્રકાશનો છે. વૃત્તિ એ રાવજી પટેલની અધૂરી રહી ગયેલી નવલકથા છે, તેની સાથે તેમની અગિયાર વાર્તાઓ મૂકીને પ્રકાશન થયું છે.
ગ્રામીણ કૃષિચેતના અને આધુનિક ચેતનાના સંયોજનથી મનોહર ભાષારૂપો અવતારતી આ કવિની રચનાઓમાં આવતાં પાત્રો અંગત વેદના અને મૃત્યુની અનુભૂતિઓ આલેખે છે. રાવજી પટેલના નાયકો તેમની સર્જક ચેતનાના અંશોવાળા સંવેદનશીલ નાયકો છે. રાવજી પટેલ નાયકોના માધ્યમ ધ્વારા પોતાના સંવેદનસ્ત્રોતો કે અનુભવ સ્ત્રોતો ને ખપમાં લે છે. પરિણામે સંવેદનની શુક્ષ્મતમ રેખાઓ અને ગતિવિધિઓ પકડવામાં તેમને લાભ થાય છે. આમ સર્જકનો અનુભવખંડ પાત્રના અનુભવખંડ તરીકે રૂપાંતરિત થઈને નિરૂપણ પામતો હોવાથી ભાવકને આ કથાનાયકોનું ભાવજગત વધારે આત્મીય અને હદયસ્પર્શી લાગે છે. ‘અશ્રુઘર’નો નાયક સત્ય, ‘ઝંઝા’નો નાયક પૃથ્વી કે ‘વૃત્તિ’નો નાયક જદુ તત્વતઃ રાવજી પટેલની સંવેદનશીલતાના જ ત્રણ ફ્ણગા છે. અલબત્ત, ત્રણેયના સામાજિક, કૌટુંબિક સંદર્ભો અને ઘટનાખંડનો અનુભવ જુદો હોવાથી જુદીજુદી રીતે નિરૂપણ પામ્યા છે, છતાં સંવેદનના અનુભાવનની બાબતમાં આ ત્રણેય નાયકો એક ધોરીનસમાં શ્વસતા હોય એવું લાગે છે. આમ, એ રાવજી પટેલની નવલકથાનો એક વિશેષ બની રહે છે.
ચરિત્રોના વિકાસની બાબતમાં પણ આ વસ્તુ રાવજી પટેલમાં જોવા મળે છે. એકજ સંવેદન સ્ત્રોતનાં ફરજંદ જણાતા નાયકોનો વિકાસ પ્રત્યેક નવલકથામાં એની આગવી રીતે થતો જોવા મળે છે. ‘અશ્રુઘર’માં તેના નાયક સત્યની પ્રણય ઝંખનાનો તંતુ વાર્તા વિકાસમાં કેન્દ્ર સ્થાને રહે છે. પરિણામે તે કથાની સાથે વિકસતો જાય છે. જ્યારે ‘ઝંઝા’માં તેનો નાયક પૃથ્વી ડાયરીમાં વ્યક્ત થતાં આંતરવિશ્વમાં ઉઘાડ પામતો જાય છે. તેથી તેમાંથી કોઈ એક સીધો સાતત્યપૂર્ણ વસ્તુવિકાસ પ્રાપ્ત થતો નથી. અલબત્ત, પરિઘ તરીકે રહેતાં અન્ય પાત્રોનું કેન્દ્ર બની રહેતા પૃથ્વીના આંતરસબંધોના તાણાવાણામાં પૃથ્વીનું ચરિત્ર વિકસે છે. અને તે ભિન્ન ભિન્ન લાગણીઓમાં વર્તુળોની એક સંકૂલ છાપનું તેજોવલય પોતાની આસપાસ રચી લે છે. અલબત્ત ‘વૃત્તિ’એ અપૂર્ણ હોવાથી તેના નાયક જદુનું સંવેદનકુળ આપણે પકડી શકીએ છીએ, પરંતુ તેનો કશો વિકાસ આપણને પ્રાપ્ત થતો નથી.
‘અશ્રુઘર’નો નાયક છે સત્ય. તે કવિ છે, લેખક છે, અત્યંત સંવેદનશીલ છે. સત્ય ટી.બી. પેશન્ટ છે અને સારવાર અર્થે આણંદના સેનેટોરિયમમાં દાખલ થયો છે. સત્યના મામા અહીં દાખલ કરીને ગયા પછી એના માં-બાપ માંડ એક બે વાર જ મળવા આવ્યા છે. સત્યને પોતાના સ્વજનો મળવા આવતા નથી તેનું દુ:ખ થાય છે. સેનેટોરિયમમાંના અનેક પાત્રો વચ્ચે પોતાના દર્દી પતિને લઈને આવતી લલિતાના પ્રવેશ સાથે સત્યને શિયાળુ તડકાની આડેથી પડછાયો ખસી જઈ જાણે ઇપ્સિત આપ્તજનની હુંફ પ્રાપ્ત થતી હોય તેમ લાગે છે. લલિતાનો આ પ્રવેશ સત્યના જીવનનું તેમજ કથાના હાર્દનું જીવાતુભૂત તત્વ બની જાય છે. આ લઘુનવલમાં સત્ય અને લલિતાનો પ્રેમ સબંધ મુખ્ય છે. સત્ય લાગણીશીલ છે લલિતા દ્વારા ભેટ સ્વરૂપે તેને પેન અપાય છે. અહીં સત્યના પાત્ર દ્વારા રાવજી પટેલની છબી ઉપસી આવે છે. આ લઘુ નવલમાં કથાનાયક સત્યનું અને એના દ્વારા આ કથાકૃતિના સર્જકનું જીવનચરિત્ર ઉપસી આવે છે. સત્યને કોઈકવાર સૂર્યા સાથે વાસનાભોગ્ય પણ બતાવ્યો છે. સૂર્યા બહુપુરુષભૂખી છે તે સત્યને મિત્ર અહેમદ દ્વારા જાણવા મળે છે. લલિતાના પાત્રમાં આપણને સમજશીલ નારીનું ચિત્ર દેખાય છે, તે સત્યને ભેટ સ્વરૂપે પેન આપે છે છતાં પોતાના પતિની સેવા કરવાનું ચૂકતી નથી. કથાના અંતે વિધવા બની શિક્ષિકાની નોકરી કરવા સત્યના ગામમાં જ આવે છે, પણ છેવટ સુધી આત્મસન્માન જાળવી રાખે છે. અને સત્યના લગ્ન સૂર્યા સાથે થાય છે.
કથામાં આવતા ગૌણ પાત્રો વિશે વાત કરીએ તો દિવાળીબા, પિતાજી, ભાઈ, ભાભી, પૉ. મેયો, અહેમદ, રતિલાલ, સૂર્યા, જન્નુ, ગોબરકાકા વગેરેનો સમાવેશ થાય છે. અહેમદ સૂર્યાના ચારિત્ર વિશે સત્યને જણાવે છે જે અંતે સમજપૂર્વક સૂર્યા સાથે જ સત્યને જીવન ગાળવાનું કહે છે. સૂર્યા રંગીન સ્વભાવની, પુરુષોની મૈત્રીઝંખી આછકલી છોકરી છે તે સત્યની ભાભીની બહેન છે. રતિલાલ એવું પાત્ર છે જેના દ્વારા સૂર્યાને ગર્ભ રહ્યો છે. હોસ્પીટલમાં આવતા પાત્રોમાં જન્નુ અને નલિની છે, જન્નુ વિકૃત દ્રષ્ટીવાળો જ્યારે નલિની ઈર્ષાળુ છે. સર્વદમન અને રમતી જેવા પ્રાણી પાત્રો પણ કથામાં નિરૂપાયા છે.
‘ઝંઝા’ સંવેદન કથા છે અને એ ઉર્મિસંવેદના એના નાયક પૃથ્વીના અંતરમાં ઉઠતી નાનીમોટી લાગણીઓની ડમરીઓનું તથા વિચારવંટોળોનું પરિણામ છે. પૃથ્વી નવલકથા લખવા માંગે છે, પૃથ્વી સામાન્યજન નથી પણ સાહિત્ય સંસ્કારનો એ નકરો માણસ છે, નિખાલસતા તેનો સ્વભાવ છે. પોતે એક ધનિક ઉદ્યોગપતિ બાપનો દીકરો હોવાથી બંગલો, ગાડી અને વૈભવવાળો છે. દંભ તો ધનિકોના જીવનમાં રોજની વાત છે પણ પૃથ્વી તેમ કરી શકતો નથી. રોજના ગોઠવાયેલા જીવનમાં અને વ્યવહાર વાણી વર્તનની બનાવટોમાં એ જીવી શકતો નથી, માટે પૃથ્વી અને તેના પિતાને ઊભા રહ્યેય બનતું નથી. અમદાવાદમાં પૃથ્વીના પિતાનો વૈભવી બંગલો છે જેનું નામ છે ‘સંતોષ’. પણ પૃથ્વીને તેમાં જરાય સંતોષ નથી. પૃથ્વીની માં પ્રેમાળ છે, તેથી કોઈકવાર પૃથ્વીને મીઠો ઠપકો પણ આપે છે. પૃથ્વીને પત્ની આજ્ઞાનો સ્વભાવ પ્રતિકૂળ છે, તેથી કોર્ટમાં છૂટાછેડા માટે અરજી પણ કરી છે. આના કારણે ઘરની આબરૂના ધજાગરા થવાથી પૃથ્વી પર પિતાજી વધારે ચિડાય છે. મનમોજી સ્વભાવના કારણે ફેક્ટરીમાં પણ નોકર-ચાકરો સાથે પૃથ્વી વધારે ભળતો હોય છે. ઘર છોડીને એક ભાડાની ઓરડીમાં રહે છે ત્યાં ક્ષમા સાથે પ્રેમસંબંધ બંધાય છે પણ ક્ષમાના લગ્ન આનંદ સાથે થઈ જતાં તે દિલ્લી જતો રહે છે ત્યાં ચોર મુસ્તુફા સાથે થોડો સમય વિતાવે છે અંતે કપુરી પૃથ્વીની મદદ કરે છે અને ભાડું આપી પાછો અમદાવાદ મોકલી દે છે.
એક રીતે જોઈએ તો ‘ઝંઝા’ ચરિત્ર પ્રધાન નવલકથા છે. પૃથ્વી, ગુણવંતી, ક્ષમા, મિ.પુરોહિત, અરુણ ભટ્ટ, માં, પિતાજી, અત્યંત, બંડી, બુચો, મંગો, મોઘી, જોની, મુસ્તુફા, મુન્નો અલગારી, કપૂરી, રેવતી, સંજય, ઋજુલ, નીતિ, રક્ષા, ખેલવાળો છોકરો, કિરપાલ સિંગ, પોપટ અને ચકલી જેવાં પક્ષીઓ વગેરે વિવિધ સ્તરનું જીવન જીવતાં પાત્રોની વાસ્તવિક અને ચૈતસિક સૃષ્ટિના તાણાવાણા ગુથતાં જતા જીવનને એની સમગ્રતામાં આ ચરિત્રો દ્વારા પકડવાનો લેખકે પ્રયત્ન કર્યો છે.
‘વૃત્તિ અને વાર્તા’ નામના આ પુસ્તકમાં રાવજી પટેલની અધૂરી રહી ગયેલી નવલકથા ‘વૃત્તિ’ અને અગિયાર ટૂંકી વાર્તાઓ આલેખાયેલી છે. અધૂરી રહી ગયેલી નવલકથામાં પણ આલેખાયેલા પાત્રો પોતાની કેવી અનન્ય ભૂમિકા નિભાવી જાય છે તે આલેખવા જેવું છે. ‘વૃત્તિ’માં આવતાં પાત્રોમાં મનોરડોસો, જદુ, સુરજ, હરિઓમ, મોતી, કમુ, દીવી, કેસર, અને પદ્મકાંત છે. મનોરડોસાએ ભરજવાનીથી વૃધ્ધાવસ્થા સુધી બહારવટું ખેલ્યું છે. છતાં એ પોતાની ગરીબીને તસુ પણ દૂર ખસેડી શકતો નથી. તેનાથી ઊલટું તે કંગાલિયતની ગર્તામાં તે ઊંડો ને ઊંડો ઊતરતો જાય છે. મનોરડોસાને માટે તેનો ભૂતકાળ જાણે ઓથારરૂપ બની ગયો છે તેમાંથી છટકવા તે વારંવાર પ્રાયશ્ચિતના ભાવો પણ વ્યક્ત કરે છે. મનોરડોસાને ઘડપણમાં બકરું ખાવાની ઈચ્છા થાય છે પણ પોતાનો બળદ મરી ગયો હતો તેનું લોહીમાંસ વાટકામાં વહેચાતું જોયું હતું તે યાદ આવતાં પોતાનું મન માંડી વાળે છે. મનોરડોસાને વચેટ દીકરો જદુ કથાના કેન્દ્રમાં છે તે ભણવા માટે અમદાવાદ રહે છે, ત્યાં ભણવા સાથે ખર્ચ કાઢવા અને બાપને મદદરૂપ થવા નોકરી સાથે ટ્યુશન પણ કરાવે છે. પણ બાળપણથી જ ઉપેક્ષાનું દુ:ખ અનુભવતો તથા મોસાળમાં ઉછરેલો ને ભણીને શહેરમાં રહેતો થયેલો જદુ મા-બાપ સાથે ખાસ ભળી શકતો નથી. હા મદદ માટે કોશિશ જરૂર કરે છે. જદુની આંતરબાહ્ય વિષમ જિંદગીના બે છેડે ઊભેલી બે સ્ત્રીઓ દીવી અને કેસર સાથેના એના સંબંધો વિસ્તરે એ પહેલાં રાવજી પટેલનું અવસાન થાય છે અને કૃતિ સદાને માટે અપૂર્ણ જ રહે છે. વૈદ હરિઓમ જદુનો મિત્ર છે ડાકોરમાં જદુ તેના ઘરે જ રહેતો હોય છે તે મનોરડોસા અને જદુને જોડતી કડીરૂપ છે. મનોરડોસાનો મોટો પુત્ર ઘનશ્યામ છે જે જુદો રહીને પોતાની ખેતી કરે છે, જ્યારે સૌથી નાનો પુત્ર જેસિંગ યુવાન થયો છે પણ મુંગો છે. મનોરડોસાની ભૂતકાળની પ્રેમિકા કંકુની દીકરી દીવી તેમના ઘરમાં જ રહે છે. દીવી દેખાવડી અને સેવાભાવી છે. જદુ કેસરના દીકરાને ટ્યુશન કરાવવા જતો હોય છે જ્યાં કેસર અને જદુ વચ્ચે પ્રેમકથા વિસ્તરે છે. મનોરડોસાનો મિત્ર રાયસંગ હોય છે જે મૃત્યુ પામતાં ૧૫૦ વિઘાનો હક્ક મનોરને આપતો જાય છે. પાત્રોની લાલસાજન્ય માનસિકતા અને ક્રિયાપ્રક્રિયાના આલેખનથી ‘વૃત્તિ’ અધૂરી હોવા છતાં આશ્વાદ્યતાની બાબતે પૂરી નવલકથા છે.
‘વૃત્તિ અને વાર્તા’માં રાવજી પટેલની અગિયાર વાર્તાઓ સમાયેલી છે. દરેક વાર્તામાં પાત્રોની આગવી છાપ ઉપસી આવે છે, વાર્તાઓમાં આવતાં પાત્રોમાં માનવસહજ ભાવનાઓ, લાગણીઓ, ઝંખનાઓ, ઈચ્છાઓ, ઈર્ષાઓ, રાગદ્વેષો વગેરેનું આલેખન થયું છે. માનવમનમાં નિર્માતી અનેકવિધ ભિન્ન-ભિન્ન સ્થિતિ પરિસ્થિતિઓના રાવજી પટેલ સારા જાણકાર છે. આવી અનેક સ્થિતિઓને પાત્રોના અંત:સ્તલ સાથે, સમગ્ર પરિવેશ સાથે, ઝીણવટભરી રીતે વાર્તાઓમાં નિરૂપે છે.
(૧) ‘સગી’ વાર્તાનો નાયક પોતે જ કથક છે. અન્ય પાત્રોમાં નં.૧૦ પલંગ પરનો દર્દી શંકર અને તેની પ્રિયતમા વાગદત્તા છે. આ વાર્તામાં પાત્રોના ચિત્ત સંચલનો અને આંતરબાહ્ય પરિસ્થિતિઓના તણાવાણા ગુથાતાં જોવા મળે છે. વાર્તાનો નાયક અત્યંત સંવેદનશીલ હોવાને લીધે હોસ્પિટલના સમગ્ર પરિવેશમાં તેમાંય ખાસ કરીને વોર્ડમાં બનતી નાની મોટી ઘટનાઓ, લોકોની પ્રવૃતિઓ અને તે રીતે સમગ્ર પરિવેશ ઉપર પોતાના પ્રતિસ્પંદ વહેતાં મૂકે છે. તે પડોશના પલંગ ઉપરના શંકર અને તેની વાગદત્તાના મિલનને જુએ છે અને પોતાના આંતરિક અભાવો સક્રિય થઈ ઊઠે છે જે શંકરની વાગદત્તા તરફના બાહ્ય અણગમા, રોષ, ચીડ, અને તે બધાના કેન્દ્રરૂપ ઈર્ષાભાવ રૂપે સતત પ્રગટ થતો રહે છે, તો કોઈકવાર અંતરના ઊંડાણોમાં એ દ્રશ્યો એને આનંદ પણ આપે છે. આ ‘સગી’ વાર્તામાં કથા નાયકના આંતરિક ધરાતલ પર ફેલાયેલુ અભાવ અને ઝુરાપામાં વલવલતું આંતરવિશ્વ જોવા મળે છે.
(૨) ‘એક ઘડીના પંચોતેરમાં ભાગનો ઉન્માદ’ વાર્તામાં લેખકે પાત્રોને નામ નહીં પણ નંબર આપેલા છે. નં-૩, નં-૩૬, નં-૩૭ વગેરે વોર્ડના દર્દીઓના જે નંબરો આપેલા હોય છે તેની જ વાત કરી છે. સમગ્ર વાર્તામાં મૃત્યુનું બિહામણું અને આતંકિત કરી દેનારું રૂપ પ્રગટી આવ્યું છે. નં-૩ મૃત્યુ પામે છે અને આખા વોર્ડના દર્દીઓ ઉપર અદીઠ મૃત્યુના ચાબખા વિંઝાવા માંડે છે. વાર્તાને અંતે મૃત્યુને એક છૂટકારા રૂપે જોતાં સગાવ્હાલાઓને જોઈ કથાનાયક હેબતાઈ જાય છે. તેમાં મૃત્યુ કરતાંય ભયાનક ઉષ્માહીન સબંધોનો અણસાર પામી છળી ઊઠે છે. આ વાર્તા રાવજીના કેન્દ્રસ્થ મરણભાવનું એક નવુંજ પરિમાણ ઉઘાડી આપે છે.
(૩) ‘કીડી કૅમેરા અને નાયક’ વાર્તામાં પાત્રો સ્વરૂપે કીડી અને કૅમેરાને આલેખાયા છે. લેખક કીડીની અનેકવિધ ક્રિયાઓ અને તેની ગતિને કેમેરાની અનેકવિધ એંગલોથી પકડીને શબ્દસ્થ કરે છે. કીડીની આ બધી ક્રિયાઓ અને કેમેરાની ગતિવિધિને માત્ર સાક્ષીભાવે અવલોકતો નાયક જાણે કે સ્થિતપ્રજ્ઞ ચેતનાનું પ્રતિરૂપ રચે છે. આમ જોઈએ તો કીડી, કૅમેરા અને નાયકની વચ્ચે જીવન, દ્રષ્ટિ અને દર્શનનો અનુબંધ રચાતો જોવા મળે છે.
(૪) ‘અમસ્તી અમસ્તી રેલગાડીઓ ને ખાલીખમ ગજવાં’ વાર્તામાં આવતા પાત્રોમાં રેલવે ક્રોસિંગવાળો ગોપાલ, બૂચી, ચૂંગો, ટીમું, શુનો, દાદીમા, ડૉ.શ્રીપત ચૌધરી વગેરેનો સમાવેશ થાય છે. બાળપાત્રો દ્વારા લેખકે અહીં બાળકોની કલ્પના, વિચારો, વાતો, મિત્રતા વગેરેની વાત કરી છે. માછલી ખાવાથી પોતાની મરેલી માં પાછી આવશે એમ વિચારી બધાં બાળકો વધારેમાં વધારે માછલી ખાવાના પ્રયાસો કરે છે, તથા તેમને રેલવેનો સહવાસ વધારે ગમે છે. બાળપાત્રોનું ભોળપણ અને તેમની તરંગ સૃષ્ટિને આલેખવાનો પ્રયત્ન કર્યો છે. તો ગ્રામીણ વૃધ્ધાના જીવનની છિન્નતા, ની:સહાયતા અને શૂન્યતાનો અનુભવ વિલક્ષણ રીતે રજૂ કર્યો છે.
(૫) ‘સૈનિકના બાળકો’ વાર્તામાં રાજૂ, તેનો પતિ માધવ, માધવની મા, ગબો, ભયલો, માધવની બીજી પત્ની રેણુ, તથા ડોલી અને મલ્લી નામની બે દીકરીઓ વગેરે પાત્રોનો સમાવેશ થયેલો છે. તેમાં મુખ્ય પાત્રો રાજૂ અને માધવના પત્ર વ્યવહાર દ્વારા જ વાર્તાનો રસ કેળવાય છે. રાજુ સમજદાર, આદર્શ ગૃહિણી તથા હોશિંયાર છે, પોતાના પતિએ બીજા લગ્ન કર્યા હોવા છતાં તે નારાજ થતી નથી અને સાસુને પણ સમજાવે છે. માધવના કાર અકસ્માતમાં મૃત્યુ પછી તરતજ કાગળ લખીને રેણુ તથા બંને દીકરીઓને પોતાની પાસે ગામમાં બોલાવી લે છે. માધવની મા પહેલાંતો માધવના બીજા લગ્નની વાત સાંભળી ગુસ્સે થાય છે પણ માધવના કાર અકસ્માતમાં મૃત્યુના સમાચાર સાંભળી રેણુ તથા બે દીકરીઓનું ત્યાં રણીધણી કોણ એમ કહી રાજુ દ્વારા તરત જ પત્ર લખાવે છે, અને તેમને પોતાની પાસે બોલાવી લે છે. અન્ય ગૌણ પાત્રોમાં ગબો અને ભયલો તેમની સફળ ભૂમિકા ભજવી જાય છે.
(૬) ‘ચંપી’ વાર્તામાં અન્ના, તેની પત્ની ચંપી, ઘરડી મા, રૂપલ વગેરે પાત્રોનું આલેખન થયું છે. અન્ના અને ચંપીનું દાંપત્યજીવન પ્રજોત્પતિ માટે નિષ્ફળ ગયું છે તેથી અન્ના ચંપીને પિયર મોકલે છે અને આ વખતે તો તું ગર્ભ લઈને જ આવજે એવું સ્પષ્ટ કહે છે ચંપીના રૂપલ સાથેના સબંધો, રૂપલનું ઘેર આવવું, ચહેરાની છાપ છોડી જવી, ચંપી દ્વારા રૂપલને ના ઓળખવો વગેરે વળાંકો આવે છે. અંતમાં ડોકટર દ્વારા અન્ના પોતે બાપ બની શકે તેમ નથી એમ તટસ્થ રીતે માને છે અને દુખી મને ચંપી પાસેથી પોતાનો હાથ છોડાવી રસ્તે ચાલતો થાય છે. અન્નાની ઘરડી મા અન્ના પર વારંવાર ગુસ્સે થાય છે પણ વહુના સારા સમાચાર મળતાં સત્યનારાયણની કથા કહેવડાવે છે, અને આખા ગામમાં ગોળધાણા વહેંચે છે. ચંપીમાં એકબાજુ માતૃત્વની ઝંખનાને અત્યંત પ્રબળ કરી છે તો સાથોસાથ પતિની અંતરેચ્છાને પોતે પોષી શકતી નથી તેવી લાગણી પણ અંતરને કઠોરતી રહે છે.
(૭) ‘છબિલકાકાનો બીજો પગ’ વાર્તામાં છબિલકાકા, બાબુડીઓ, બીજો બાબુડીઓ, જીબાકાકી, અને રેવી વગેરે પાત્રો નિરૂપણ પામ્યા છે. મૂખ્ય પાત્ર છબીલકાકાની અપંગતા તેમની જાતિય વિકૃતિનું પ્રતિકાત્મક વહન કરે છે, જેનો શિકાર તેમને ત્યાં વાસણ માંજનાર બાબુડીઓ બને છે. તો વળી બાબુડિયામાં ફણગાતી અકાળ જાતિયતા રેવીમાં પોતાનું પ્રત્યાલંબન સાધે છે. પરિણામે છબીલકાકાથી તે અલગ થાય છે, ત્યાંજ સામેના ઘરમાં રહેવા આવનારો ભાડૂયાતી બીજો બાબુડીઓ છબિલકાકાને મળી આવે છે. આમ આ વાર્તામાં આવતા પાત્રોના નિરૂપણમાં જાતિયતાનું સ્પષ્ટ ચિત્ર જોવા મળે છે.
(૮) ‘રેષા’ વાર્તામાં આવતા પાત્રોમાં રેષા, રેષા ના પિતા અને મા ચંદન નો સમાવેશ થાય છે. જેની એકની એક પુત્રીને મૃત સંતાન જન્મ્યું હોય તેવા લાગણીશીલ પિતાની ભાવક સાથેની ‘જનાંતિક’ ઉક્તિઓ દ્વારા રજૂ થતી આ એક સંવેદનશીલ વાર્તા છે. રેષાને મૃત સંતાન અવતર્યું છે, અને ત્યારબાદ તેને પતિગૃહે પહોંચાડવા માટે તેની મા સ્ટેશન ઉપર મૂકવા ગઈ છે, પિતા ઘરે એકલા છે, ત્યારે સંવેદનો અને સ્મરણોમાં ઊંડા ઉતરતા જતાં દીકરીના મુંગા દુ:ખને એ તિવ્રતાએ અનુભવે છે કે આગામી જન્મમાં દીકરીને ત્યાં સંતાન થઈ જન્મવાની અને એ રીતે દીકરીનું દુ:ખ ઓછું કરવાની ઝંખના તે કરે છે.
(૯) ‘કિ-ધૂ’ વાર્તામાં વાર્તા નાયક અને તેની પિતરાઇ બહેન ધૂ ના મનોસંચલનો તેમજ આંતરબાહ્ય વ્યક્તિત્વોના આટાપાટા રચાય છે. બંને ભાઈ બહેનનો સબંધ ઘણો જ અંગત છે. ધૂ ની તમામ આંતરિક બાબતોમાં નાયક હસ્તક્ષેપ કરતો રહે છે, અને ધૂ પણ તેની સાથે તેજ રીતે વર્તે છે. ખુન્નું પરણેલો છે જ્યારે ધૂ હજી પરણવાની છે, લેખકે બંને પાત્રોના સબંધોનું નિરૂપણ કર્યું છે. ઉપરાંત શારીરિક રીતે દુર્બળ કે નબળા દેખાવના માણસો આંતરિક ધરાતલ પર કેટલા રૂપાળા હોય છે તે વાત પણ સુંદર રીતે વાર્તામાંથી ઉપાસવી શક્યા છે.
(૧૦) ‘દેવું’ વાર્તાનું મુખ્ય પાત્ર રૂમાલ છે જે કામુક પ્રકૃતિનો માણસ છે, એની દ્રષ્ટિમાં તો કમળાના રોગ જેવું વાસના જગત હતું. તે કંકુના યૌવન ઉપર લલચાયો છે તેથી નાની છોકરી શિવલીને કંકુના ઘરે મોકલી બોલાવે છે. કંકુ એક સીધી, સાદી, સરળ સ્વભાવની યુવતી છે. રૂમાલ તેને આર્થિક ભીંસમાં દોઢસો રૂપિયાની મદદ કરે છે અને બદલામાં શારીરિક સબંધની ઈચ્છા રાખે છે. પણ જ્યારે કંકુ આવે છે ત્યારે એકાએક રૂમાલનું હદયપરિવર્તન થાય છે. અને કંકુને કંકુ બહેન કહીને સંબોધે છે, અને તેની સામે રડી પડે છે.
(૧૧) ‘ઘેટાં’ વાર્તામાં કથાનાયક, શબુ, અને રસુલ ખાટકી મુખ્ય પાત્રો છે. કથાનાયક અભણ છે તે ઘેટાં સાથે રહી રહીને ઘેટાં જેવો જ બની ગયો છે. આથી ગામના સરપંચ તેને ઘેટો જ કહે છે. તે દીકરીના લગ્ન અને દુષ્કાળના કારણે ઘેટાં વેચવાનો નિર્ણય કરે છે તેમાં શબુ દલાલી લેવા માટે શહેરમાં દુષ્કાળ રાહત કેમ્પ હોય છે એમ કહી છેતરીને ઘેટાં વેચાવે છે. તો રસુલ ખાટકી પણ ઓછી કિંમતમાં ખરીદી મૂંબઈમાં કતલખાનામાં વધારે રૂપિયામાં વેચે છે અંતમાં મુંબઈના કતલખાનામાં ઘેટાં ગણાય છે અને નાયકને અધમૂઓ કરી બહાર ફેંકી દઈ ખટારાઓ ચાલ્યા જાય છે. આમ, રાવજી પટેલનું સમગ્ર ગદ્ય જોતાં તેમણે જે પાત્રોનું સર્જન કર્યું છે તે પાત્રો ગામડાં ગામના, સંવેદનશીલ બહુવિધ વ્યક્તિત્વોવાળા ઉત્તમ છે. પાત્રોમાં રાવજી પટેલની સંવેદનશીલતા સ્પષ્ટપણે ઉપસી આવે છે.
સંદર્ભ ગ્રંથસૂચી :
૧. અશ્રુઘર, લેખક - રાવજી પટેલ, પ્રકાશક –કૃષ્ણકાંત મદ્રાસી, આદર્શ પ્રકાશન, ગાંધી માર્ગ, બાલહનુમાન સામે, અમદાવાદ-૩૮૦ ૦૦૧, પ્રથમ આવૃત્તિ – ૧૯૬૬
૨. ઝંઝા, લેખક - રાવજી પટેલ, પ્રકાશક - કૃષ્ણકાંત મદ્રાસી, આદર્શ પ્રકાશન, ગાંધી માર્ગ, બાલહનુમાન સામે, અમદાવાદ-૩૮૦ ૦૦૧, પ્રથમ આવૃત્તિ – ઓગસ્ટ ૨૦૦૮
૩. વૃત્તિ અને વાર્તા, લેખક – રાવજી પટેલ, પ્રકાશક – ભગતભાઈ ભૂરાલાલ શેઠ, આર.આર. શેઠની કંપની, મુંબઈ-૪૦૦ ૦૦૨, અમદાવાદ-૩૮૦ ૦૦૧, પ્રથમ આવૃત્તિ – નવેમ્બર ૧૯૭૭
૪. રાવજી પટેલની વાર્તાઓ, વ્યાખ્યાતા – ડૉ. પ્રવીણ દરજી, પ્રકાશક – રતિલાલ સી. ઠક્કર, કુલસચિવ, સરદારપટેલ યુનિવર્સિટી, યુનિવર્સિટી પ્રેસ, વલ્લભ વિદ્યાનગર, પ્રથમ આવૃત્તિ – ૧૯૮૩
૫. સર્જક રાવજી પટેલ, લેખક – મણિલાલ હ. પટેલ, પ્રકાશક – મણિલાલ હ. પટેલ, પ્રથમ આવૃત્તિ – ૨૦૦૫
૬. રાવજી પટેલ જીવન અને સર્જન, લેખક – મોહંમદ ઇશ્હાક શેખ, પ્રકાશક – બાબુભાઇ હાલચંદ શાહ, પાર્શ્વ પ્રકાશન, નિશાપોળ, ઝવેરીવાડ, રિલીફરોડ, અમદાવાદ-૩૮૦૦૦૧, પ્રથમ આવૃત્તિ – ૧૯૯૭
૭. કથેતિ, લેખક – જયેન્દ્ર શેખડીવાળા, પ્રકાશક – અમૃત ચૌધરી, ડિવાઇન પબ્લિકેશન્સ, ૩૦, ત્રીજે માળ, કૃષ્ણ કોમ્પ્લેક્સ, જૂનું મોડલ સિનેમા, ગાંધી રોડ, અમદાવાદ – ૩૮૦ ૦૦૧, પ્રથમ આવૃત્તિ – જુલાઈ ૨૦૦૯
૮. www.gujaratisahityparishd.com