‘આનંદમઠ’: રાષ્ટ્રોત્થાનપ્રેરક ઐતિહાસિક નવલકથા
(મૂળ લેખક : બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય, ગુજરાતી અનુવાદ : ઉર્વા અધ્વર્યુ, પ્રકાશક: દેવશીર્ષ અક્ષરતીર્થ – અમદાવાદ- ૩૮૨૩૫૦, મૂલ્ય : ૨૦૦)
ભારતીય સાહિત્યજગતમાં બંગાળી સાહિત્ય હરકોઈના આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે. તેમાંય બંગાળી ભાષાના ઉત્તમ નવલકથાકાર તરીકેની શોધ જાગે તો બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયનું નામ મોખરે આવે. બંકિમચંદ્ર માત્ર બંગાળી ભાષામાં જ સિમિત ન રહેતા ભારતીય નવલકથાકાર બન્યા છે. તેમની નવલકથાઓ મુખ્યત્વે ઐતિહાસિક તથ્યો પર આકાર પામી છે. તેમાં ‘મૃણાલિની’, દુર્ગેશનંદિની’, ‘કપાલકુંડલા’ વગેરે ઉપરાંત ‘આનંદમઠ’ તેમની જાણીતી નવલકથા બની છે. વિદેશી શાસકવર્ગ અને કુદરતી પ્રકોપ સમયે બંગાળને બેઠું કરવામાં સફળ ભૂમિકા ભજવનાર આ નવલકથાની ઐતિહાસિક પરિપાટી ભણી દૃષ્ટિ કરીયે.
‘આનંદમઠ’ નવલકથામાં વસ્તુ તરીકે સર્જકે ઇતિહાસની બે ઘટનાઓને વણી છે : એક તો ઈ.સ. ૧૭૭૬-ના વર્ષમાં બંગાળમાં પડેલો ભીષણ દુષ્કાળ અને બીજું ઈ.સ. ૧૭૮૦-ના સમયગાળા દરમિયાન થયેલ એક અખ્યાત સંન્યાસી ઉપદ્રવ-વિદ્રોહ.
ઈ.સ. ૧૮૫૭-ના સંગ્રામકાળ દરમિયાન પ્રખર રાષ્ટ્રભક્ત અને સમર્થ સાહિત્યસર્જક બંકિમબાબુ નાયબ મેજિસ્ટ્રેટ અને નાયબ કલેક્ટર કક્ષાની અંગ્રેજ સરકારની નોકરીમાં સેવારત હતા. આથી તેમની પાસે ઈ.સ. ૧૭૮૦-ના સમયમાં ઢાકા, ઉત્તર બંગાળ, રંગપુર, પૂર્ણિયા વગેરે વિસ્તારોમાં થયેલા ‘સંન્યાસી-વિદ્રોહ’ને લગતા કાગળો હાથ લાગે છે. આ સાથે અંગેજ સરકારની દમનનીતિથી પણ તે પુરા વાકેફ હતા. –આ બધી બાબતો તેમને ઐતિહાસિકતાનું પીઠબળ પૂરું પડે છે અને તેઓને નવલકથા રચવાની પ્રેરણા મળે છે. પરિણામે આપણને ઈ.સ. ૧૮૮૨-માં ‘આનંદમઠ’ નામે એક યશસ્વી નવલકથા પ્રાપ્ત થાય છે.
નવલકથાના આરંભમાં દુષ્કાળથી ત્રસ્ત બનેલા જનસમુદાયનું આલેખન થયું છે. કૃતિ ઊઘાડની આ ઘટનાના અનુસંધાન તરીકે બીજી ઘટના રૂપે સંતાન સંપ્રદાયના સંન્યાસીઓની અંગ્રેજો સામેની વિદ્રોહનીતિની કથા નિરુપાય છે. કથાવહન માટે પત્રો તરીકે પદ્ચીહ્ન ગામનાં ધનિક પણ દુષ્કાળથી હારેલા મહેન્દ્રસિંહ અને કલ્યાણી તથા તેમની નાની પુત્રી છે તો સંતાન સંપ્રદાયમાં જોડાયેલા સત્યાનંદ, જીવાનંદ, ભવાનંદ, શાંતિ વગેરે તથા નિમી વગેરેની નવલકથામાં આગવી ભૂમિકા રહેલી છે. આ રીતે જોતાં આરંભમાં દુષ્કાળ અને એ પછી આલેખાયેલ સંતાનોનું વિદ્રોહી સ્વરૂપ એ આ નવલકથાની સંયુક્ત વસ્તુ બને છે.
ઈ.સ. ૧૭૮૦ આસપાસ બંગાળમાં સન્યાસી વિદ્રોહ થયો ત્યારે ભારતના ગવર્નર જનરલ તરીકે વોરન હેસ્ટિંગ્સ હતા. તેમણે આ વિદ્રોહ વિષે પોતાના ઉપરીઓને લખેલા પત્રોમાંથી માળતી માહિતી પ્રમાણે, સંન્યાસીઓ તિબેટની પહાડોની દક્ષિણમાં કાબુલથી ચીન સુધીનાં સંપૂર્ણ દેશમાં છવાયેલાં રહેતાં. એ લોકો દર વર્ષે ક્યારેક એક હજાર તો ક્યારેક દસ હજારનું જૂથ બનાવી જગન્નાથધામની તીર્થયાત્રાએ નીકળતા. તેઓ અચાનક જ મોટી સંખ્યામાં પૂર વેગે આવી ચડતા અને અંગ્રેજો સામે લડી, ત્વરાથી પગપાળા જ નાસી છૂટતા.આવી અથડામણોમાં સંન્યાસીઓએ કેપ્ટન ટોમસ અને કેપ્ટન એડવર્ડ્સ જેવા સૈનિક અધિકારીઓની હત્યા કરેલી. એ રીતે આ સંન્યાસીઓ સાહસ, ઉત્સાહ અને નિડરતાથી ભારતમાતાની રક્ષા કરતાં.
નવલકથાની શરૂઆતમાં મુકાયેલું દુષ્કાળનું વર્ણન અને એમાં સબડતી પ્રજાનું અસ્તવ્યસ્ત જીવન અહીં સત્યાત્મક અને ચિત્રાત્મક રજૂઆત પામ્યું છે. દુષ્કાળથી દારુણ અને ક્રૂર બનેલા લોકોનું વાસ્તવિક વર્ણન આપણને હચમચાવી મૂકે તેવું છે. એ વર્ણનથી તત્કાલિન સામયની સ્થિતિનો ચિતાર મળે છે, જેમકે-
“અન્ન મળવાનું મુશ્કેલ બનતા લોકો ઝાડનાં પાંદડાં, ઘાસ-ફૂસ અને જંગલી વનસ્પતિ ખાવા લાગ્યા, નીચી જાતિનાં અને જંગલી લોકોએ કુતરાં, બિલાડાં અને ઉંદરડાં મારીને ખાવાનું શરૂ કર્યું. અનેક લોકો ઘર છોડીને ભાગી ગાયા. જે રહી ગયાં તે પરપ્રાતમાં જઈને ભૂખે માર્યા.”(‘આનંદમઠ’-પૃ. ૧૦)
-દુષ્કાળની આવી સ્થિતિ અને બીજી બાજુ અંગ્રેજો દ્વારા નાખવામાં આવેલા કરવેરાને લીધે પ્રજાની હાલત વધારે બદતર બને છે.
અને દુષ્કાળનું બીભત્સ રૂપ તો ત્યારે સામે આવે છે જયારે મહેન્દ્રસિંહ અને કલ્યાણી તેની પુત્રીને લઈ પોતાનું ગામ (પદ્ચીહ્ન) છોડી શહેરમાં જતા હોય છે. આવામાં કલ્યાણી પુત્રી સાથે મહેન્દ્રથી જુદી પડી જાય છે અને ડાકુઓના હાથે લાગે છે. ડાકુઓ તેને જંગલમાં લઈ જઈને ખાવાનો વિચાર કરે છે. પણ તેઓ પરસ્પર ઝઘડી પડતા તેમનાં સરદારને જ મારીને ખાવા લાગે છે અને કલ્યાણી લાગ જોઈને ભાગી છૂટે છે. આ રીતે માનવભક્ષી મનુષ્યને પણ લેખકે સત્યના તખ્તા પર આલેખ્યો છે. આ ક્ષણે આપણને પન્નાલાલ પટેલની ‘માનવીની ભવાઈ’માં વર્ણિત કાળમુખા દુષ્કાળનું ચિત્ર માનસપટ પર તરી રહે છે.
દુષ્કાળ પછી સમાંતરે જોડાતી સંન્યાસીવિદ્રોહની કથાનાં આરંભમાં સંતાનોની લડતનું ચિત્ર છે. પ્રજા પાસેથી વેરા સ્વરૂપે વસૂલેલા અનાજને સૈનિક છાવણી સાથે લઈ જતા અંગ્રેજો પર સંન્યાસીઓ ઉત્સાહપૂર્વક લુંટ ચલાવે છે અને અંગ્રેજો પાસેથી અન્ન છોડાવી લોકોમાં વહેંચવાનું ઉમદા કાર્ય કરે છે.
બીજી એક નોંધપાત્ર બાબત એ છે કે આપણું રાષ્ટ્રગીત સૌપ્રથમ વખત આ કૃતિમાં મુકાયું છે. સંન્યાસીઓ લડાઈ વખતે ‘વંદે માતરમ્’નાં નાદ સાથે સામેની ટુકડી પર કુદી પડી એકાએક જ હુમલો કરે છે અને પોતાનો વિજય થતા ચાર ખંડમાં રહેલાં ‘વંદે માતરમ્’નું સમૂહગાન કરે છે. તેમાંનો પ્રથમ ખંડ એ પછીથી આપણું રાષ્ટ્રગાન બને છે. જોકે આ ‘વંદે માતરમ્’ ગીત મૂળે તો બંકિમબાબુની ભારતમાતા પ્રત્યેની નીજી સ્વાનુભૂતીમાં રચાયું હોય તેનો ઇતિહાસ સાથે વિશેષ કોઈ સંબંધ રહેતો નથી, પરંતુ આ ગીતમાંથી તેમની કવિત્વશક્તિ અને રાષ્ટ્રભક્તિનો પુરાવો મળે છે. આ ઉપરાંત પણ સર્જકે નવલકથામાં સત્યાનંદના મુખે અવારનવાર એક ગીતપંક્તિ મૂકી છે :
“હરે મુરારે મધુકૈટભારે |
ગોપાલ ગોવિંદ મુકુન્દ શૌરે |” (‘આનંદમઠ’, પૃ. ૨૨)
ગદ્ય સાથે ભળતો આવો પદ્યસૂર કથાને આમ લયાત્મક બનાવે છે. –આ સત્યાનંદ એટલે કૃતીમાંના સંન્યાસીઓના આદ્યગુરુ. જેમનું પાત્ર સર્જકે અતીમાનવીય કે માનવીય ક્ષુધાતૃષાથી અતીત સ્વરૂપનું આલેખ્યું છે. તેઓએ ગાઢ જંગલની વચ્ચે ‘આનંદ’ નામનો એક મઠ સ્થાપ્યો છે. સત્યાનંદ આ મઠ દ્વારા સંતાનઘડતરનું આગવું કાર્ય કરે છે. લેખક પોતે આ મઠની સ્થાપના વડે સમાજ અને રાષ્ટ્રસાથેની પોતાની ભાવનાઓનો એક આદર્શ પૂરો પાડવા માગે છે. જેના પરિણામે ‘આનંદમઠ’ની સ્થાપનાનો વિચાર વહે છે. કૃતિમાં સત્યાનંદની પ્રેરણાથી સંતાનો સન્યસ્ત જીવન ધારણ કરીને મા ભારતીની રક્ષાર્થે ખડેપગે રહી શહાદત વહોરતા બતાવ્યા છે. સંતાનોની એ ખુમારી અને સ્વાર્પણને જોઈ નવલકથાના ગુજરાતી અનુવાદક ઉર્વા અધ્વર્યુ કહે છે :
“બંકિમબાબુની આ અમરકૃતિ માત્ર એક નવલકથા જ નથી, પરંતુ વિદેશી સામ્રાજ્યવાદની જંજીરોમાં જકડાયેલી ભારતમાતાને મુક્ત કરવા ઝઝુમતા ક્રાંતિવીરોની શબ્દમય તસવીર છે.”(મનોગત-‘આનંદમઠ’, પૃ.૩)
આ મુજબના વિરોચિત આલેખનની સાથે લેખકે નવલકથામાં નારીશક્તિનું પણ બહુમાન કર્યું છે. આ બાબતે કૃતીમાંનાં કલ્યાણી અને શાંતિના પત્રો આપણું ધ્યાન ખેંચે છે. સંતાન સંપ્રદાય ધારણ કરનાર સંતાને પોતાના ગૃહસ્થજીવનનો ત્યાગ કરી સંન્યાસી બનવું પડે છે અને જો કોઈ સંતાન ફરી પોતાની પત્નીને મળે તો પ્રાયશ્ચિત રૂપે મૃત્યુને વહાલું કરવાનું રહે. ત્યારે ઘણી યાતનાઓમાંથી પસાર થવાનું હોવા છતાં પણ કલ્યાણી જેવી નારી સઘળું સહી લઈને મહેન્દ્રસિંહને સંન્યાસી બનવાની અનુમતિ આપે છે. તો બીજી તરફ જીવાનંદની પત્ની શાંતિ પુરુષવેશ ધારણ કરી, પતિના માર્ગે ચાલી સ્ત્રીસંન્યાસિની તરીકે સંતાન સંપ્રદાય ધારણ કરે છે. તેનું વીરત્વ આપણને આ પંક્તિમાં જોવા મળે છે :
“કોની શક્તિ છે રોકવાની
યૌવનજળના પ્રબળ તરંગોને ?
હરે મુરારે ! હરે મુરારે !”(‘આનંદમઠ’, પૃ. ૧૪૦)
આ રીતે આપણને તત્કાલીન સમાજની નારીચેતનનાં દર્શન થાય છે.
કૃતિની સંવાદરચનામાં પણ આપણને સર્જકની પૂર્ણ સભાનતા દેખાઈ આવે છે. ખાસ કરીને અહીં અંગ્રેજ અધિકારીઓનાં સંવાદમાં વાસ્તવદર્શન છે. અંગ્રેજોની ચાલ પામવા વેશ બદલો કરીને શાંતિ તેમનાં પડાવમાં જાય છે. ત્યારે તેની સાથે એક અંગ્રેજ સૈનિકનો સંવાદ થાય છે :
અંગ્રેજ સૈનિક : “ટુમારા મકાન કહૉં હાય, બીબી?”
શાંતિ : “હું બીબી નહિં, વૈષ્ણવી છું. ઘર પદ્ચીહ્નમાં છે.”
અંગ્રેજ સૈનિક : “બહોટ અચ્છા, પડસીન મેં, વહી પડસીન ન? ઉહૉં એકઠો ગોર હાય?”
શાંતિ : “ઘર? ઘણાં ઘર છે.”
અંગ્રેજ સૈનિક : “ગર નહિં, ગર નહિં ! ગોર - ગોર-”
શાંતિ : “સાહેબ ! તમારા મનની વાત સમજી ગઈ, ગઢ?”
અંગ્રેજ સૈનિક : “યસ ! હા, ગોર. ગોર હાય?”
શાંતિ : “ગઢ છે. ખુબ જ મોટો કિલ્લો.”-(‘આનંદમઠ’ પૃ. ૨૦૪)
સંવાદોની આ પ્રમાણે લીધેલી સુક્ષ્મતમ કાળજીથી તે સમયની મિશ્રભાષા અંગે ખ્યાલ આવે છે.
સંતાન સૈનિકોની બહોળી સંખ્યા હોવા છતાં અંગ્રેજો સામેની લડાઈમાં તેની ભારે ખુંવારી થતી. એનુ કારણ અંગ્રેજો પાસે રહેલી મહાકાય તોપો હતી. જેથી સંતાનોના ફુરચા ઊડી જતા. આ વિનાશકતાને લેખકે આલેખી છે :
“... મુઠ્ઠીભર સંતાન સૈનિકો તોપોની સામે ક્યાં સુધી ટકે? ખેતરનો પાક લણતા હોય એમ તોપચીઓ એમને ધરાશાઈ કરતા રહ્યાં.” -(‘આનંદમઠ’ પૃ. ૧૭૩)
આવી સ્થિતિમાં પણ સંતાનોની નીડરતા ઓછી નોહતી. તેઓ તલવાર-ભાલા જેવા ઓછા હથિયારો વડે પણ સામી તોપોએ આગળ ધસી જતાં. અંગ્રેજસેના સામે ઘમાસાણ યુદ્ધ થતું. આ દૃશ્યમાં રહેલી સંતાનોની તાકાતને સર્જકે શબ્દે મઢી છે :
“ખેડૂતના હાથમાં રહેલું દાતરડું જેમ ઊભા મોલ કાપે એ રીતે સંતાન સૈનિકો કેપ્ટન ટોમસના સિપાઈઓને કાપવા લાગ્યા.” -(‘આનંદમઠ’ પૃ. ૧૩૩)
-આવી બહાદૂરીનાં જોરે જીવાનંદ, ભવાનંદ તથા હજારો સંતાનો આત્મબલિદાનનાં ભોગે પણ મા ભારતીનાં રક્ષણાર્થે લડતા રહે છે.
આમ, સત્યના આધાર પર રચાયેલી આ નવલકથા બંગાળના નવનિર્માણ માટે આદર્શરૂપ બની રહે છે. આ સાથે જ અહીં આલેખિત રાષ્ટ્રભાવનાના પગલે નિર્બળ બનેલી પ્રજામાં નવી ચેતનાનો સંચાર આ કૃતિ દ્વારા થાય છે. આ સંદર્ભે ડૉ. શ્રીકુમાર લખે છે કે “આનંદમઠનો પ્રભાવ બંગાળી જીવન ઉપર પડ્યો છે તેવો પ્રભાવ ધર્મગ્રંથો સિવાય બીજા કોઈ ગ્રંથો પાડી શક્યા નથી” (જ્ઞાનગંગોત્રી ગ્રંથશ્રેણીના ભારતીય સાહિત્ય ગ્રંથનાં ‘બંગાળી સાહિત્ય’ લેખમાં છપાયેલ વાક્ય, પૃ. ૯૫-૯૬) આ અર્થમાં બંકિમચન્દ્ર ચટ્ટોપાધ્યાય બંગાળના યુગપ્રવર્તક સાહિત્યકાર બની રહે છે તથા ‘આનંદમઠ’ કૃતિ રાષ્ટ્રકલ્યાણ અર્થે સર્જાયેલા એક ઉત્તમ પ્રકારના ઐતિહાસિક દસ્તાવેજ રૂપે અમર બને છે.
|| સંદર્ભસૂચી ||
• ‘આનંદમઠ’, બંકિમચન્દ્ર ચટ્ટોપાધ્યાય, ગુજરાતી અનુવાદ – ઉર્વા અધ્વર્યુ, આવૃત્તિ – ૨૦૦૭.
• જ્ઞાનગંગોત્રી ગ્રંથશ્રેણી, ભારતીય સાહિત્ય, બંગાળી સાહિત્યનો ઇતિહાસ, પ્રકાશક : સરદાર પટેલ યુનિવર્સિટી
• ગુજરાતી વિશ્વકોષ