પ્રિયતમા સાથેના કાલ્પનિક મિલનનું કાવ્ય : ‘ઢોલિયે'
ઢોલિયે
અમે અજાણ્યા ક્યાં લગ રે’શું ?
કહો તમારા ઘરમાં?
કહો તમારા ઘરમાંથી વળી
તબો-તમાકુ પંડ ઊઠીને ક્યારે લેશું?
દખણાદી પરસાળ ઢોલિયો ઢળ્યો,
ક્યારનો પડ્યો પડ્યો હું
જતાં-આવતાં ઘરનાં માણસ ભાળું;
બોલ તમારા સુણી માંહ્યથી
પાંપણ વાસી
અમો ખોલિયે દુવાર આડું!
જોઉં જોઉં તો બે જ મનેખે
લહલહ ડોલ્યે જતો ડાયરો!
કોણ કસુંબા ઘોળે?
ઘૂંટે કોણ ઘેનનાં ફૂલ?
હથેલી માદક લહરી શી રવરવતી-
દિન થઈ ગ્યો શૂલ…
હમણાં હડી આવશે પ્હોર-
રાતના ઘોડા ગોરી,
સાગઢોલિયે પાંખ ફૂટશે;
કમાડ પર ચોડેલી ચકલી
સમણું થઈ ઘરમાં ફડફડશે.
જુઓ પણે પરસાળ સૂંઘતો ચાંદો.
અમને ઘડી વાર તો ગંધ ઊંઘની આલો,
આલો શ્વાસ તમારો ઓઢું, જંપું.
અંધકારથી પડખાંનો આ-વેગ
હવે તો બાંધો
ઢળ્યે ઢોલિયે…
- રાવજી પટેલ
કેટલાક સર્જકો આપણને અલ્પ સમય માટે સ્મરણમાં રહે છે, કેટલાકને આપણે ભૂલી જતાં હોઇએ છીએ તો કેટલાક એવા પણ હોય છે, જે દાયકાઓ વીતે, સદીઓ વીતે છતાં આપણાં સ્મરણપટ પરથી ભુસાંતા નથી. વળી, કેટલાક સર્જકોનું જીવન ઘણું નાનુ હોય છે. પરંતુ એ ટૂંકા સમયમાં પણ તેઓ એવું અદકેરું સર્જન કરી જાય છે જે અમૂલ્ય હોય છે. જેમ કે, કલાપી. માત્ર છવ્વીસ વર્ષ ને પાંચ માસ જેટલા અલ્પ ગાળામાં પણ એમણે જે સર્જન કર્યુ છે, તે આજે પણ સહૃદયી ભાવકો અને વિવેચકોને આકર્ષે છે. રાવજી પટેલ પણ એવા જ એક અવિસ્મરણીય સર્જક છે, જેમણે પોતાના ટૂંકા જીવન-માત્ર 28 વર્ષ ને નવ માસ-માં પણ નવલકથા, કવિતા જેવા સાહિત્યનાં સ્વરૂપોમાં નોંધપાત્ર સર્જન કર્યુ છે, જે અમૂલ્ય છે. તેમનો જન્મ ખેડા જીલ્લાના પાકા રસ્તા તથા લાઇટના અભાવવાળા નાનકડા વલ્લવપુરા ગામમાં ખેડૂત પિતા છોટલાલ પટેલને ત્યાં 15 નવેમ્બર 1939ના રોજ થયો હતો. તેમની માતાનું નામ ચંચળબા હતું. ઘણાં અભાવો વચ્ચે તેઓ ગામમાં ભણે છે. લગ્ન મહાલવા માટે આવેલા કાકી સાથે તેઓ કોઇને પણ કહ્યા વગર અમદાવાદ જતા રહે છે. તેઓ અમદાવાદમાં રહે તો છે પણ ખેડૂતપુત્ર હોવાથી ઘર-ગામ, સીમ-ખેતર સાથેનો તેમનો નાતો અકબંધ રહે છે. પ્રકૃતિની ગોદમાં રહેલા આ કવિજીવને નગરસંસ્કૃતિમાં વસવુ પડે છે એ એમના જીવનની કરુણતા છે. તેઓ શહેરમાં રહે તો છે પણ ગામ-ખેતર પ્રત્યેનું તેમનું આકર્ષણ તો ક્યારેય છૂટ્યું નહોતું.
રાવજી પટેલની કવિતામાં જાનપદી સૃષ્ટિ એ મુખ્ય પાસું છે. નગરસંસ્કૃતિનું આલેખન કરતા કાવ્યો તેમણે લખ્યાં છે પણ જાનપદી સૃષ્ટિ એમને ગળથૂંથીમાંથી જ મળી હતી. રાવજી પટેલ એક સામાન્ય માણસની જેમ એકલતા, નિરાશા, મૃત્યુ, રતિ જેવા ભાવ અનુભવે છે અને એ ભાવોને કવિતા દ્વારા આપણી સામે સહજ રીતે મૂકી આપે છે. ‘મારી આંખે કંકુના સૂરજ આથમ્યાં’ જેવા શાશ્વત મૂલ્ય ધરાવતા ગીત આપનાર રાવજી પટેલ પાસેથી કાવ્યનાયકને કોરી ખાતી એકલતાને આલેખતું અને આભાસી ભાવ વ્યક્ત કરતું ‘ઢોલિયે’ નામનું કાવ્ય પણ મળે છે. રાવજી પટેલની એકલતાની ક્ષણોનું કાવ્ય હરકોઈ સંવેદનશીલ મનુષ્યની એકલતાનું કાવ્ય બની રહે છે, અને એ રીતે એ અંગત હોવા છતાં બિનંગત બની રહે છે.
આ કાવ્યમાં લગ્ન પછી પત્ની પિયરમાં ગઈ છે અને વિરહઘેલો પતિ સાસરીમાં પ્રથમવાર જાય છે ત્યારે સાસરીમાં એકલતા અનુભવે છે અને પછી કાલ્પનિક રીતે પત્નીને મળે છે એ પ્રસંગ રજૂ થયો છે. જમાઈ પ્રથમવાર આવે એટલે તેને આગતા-સ્વાગતા મળે એ સ્વાભાવિક છે. પણ કાવ્યનાયકને તો પોતાની પ્રિયતમાને મળવું છે એટલે આટલી આગતા-સ્વાગતા વચ્ચે પણ તે પત્નીને ઝંખે છે અને પોતની આંતરવ્યથા રજૂ કરે છે. કોઇ પુરુષ લગ્ન કરે એટલે પત્નીનું (સાસરાનું) ઘર પણ તેનુ પોતાનું ઘર બની રહે છે. પણ એ પોતાના ઘરમાં કાવ્યનાયકને અજાણ્યુ લાગે છે કારણ કે તે પોતાની મરજી મુજબા કંઈ કરી શકતો નથી. તેને મહેમાનની જેમ જ રાખવામા આવે છે. આ માત્ર સંબંધી-મહેમાન નથી, જમાઈ છે એટલે તેને કોઈ કામ કરવા ન દેવાય. પાણી માંગે તો દૂધ આપવામા આવે. અર્થાત્ ખાટલેથી પાટલે ને પાટલેથી ખાટલે. જમાઈ ઘરનો જ એક સદસ્ય છે પણ એ સદસ્ય હોવા છતા પોતે ઊઠીને પાણી, પાન-બીડી લઈ ન શકે. જો એ એમ કરે તો સાસરીપક્ષને લોકનિંદા સહન કરવી પડે એટલે સાસરીયા તેને જે માંગે એ ઘડીના છઠ્ઠા ભાગમા હાજર કરી દે. અહીં ગામડાનો પરિવેશ તાદૃશ થાય છે.
નવાં નવાં લગ્ન પછી કાવ્યનાયક પોતાને સાસરે પ્રથમવાર જાય છે ત્યારે તેની એવી આગતા-સ્વાગતા થાય છે કે તે પોતાની રીતે કંઈ કરી શકતો નથી. તેથી તેને આ ઘરમાં અજાણ્યું લાગે છે. ને એને પ્રશ્ન થાય છે કે ક્યાં લગી હું મારી પત્નીના ઘરમાં અજાણ્યો બનીને રહીશ ? ક્યારે એવો સમય આવશે કે હું મારી રીતે જે જોઈયે એ લઈ શકીશ ? પણ અહીં તો જમાઈને પોતાની રીતે કંઈ જ લેવા કે કરવાનું નથી એટલે કાવ્યનાયક પોતાના આંતરમન સાથે વાત કરવા લાગે છે. જમાઈને ઘરની પરસાળમાં સાગના ખાટલામાં બેસાડી દેવામા આવ્યો છે અને તેને જે જોઈયે તે ત્યાં જ હાજર કરી દેવામાં આવે છે.
‘ક્યારનો પડ્યો પડ્યો હું
જતાં આવતાં ઘરનાં માણસ ભાળું.'
કાવ્યનાયક ખાટલામાં બેઠાં બેઠાં ઘરમાં આવ-જા કરતાં વ્યક્તિઓને જૂએ છે. અહીં ‘ક્યારનો' શબ્દ સૂચવે છે કે કાવ્યનાયક થોડીવાર પહેલા જ આવ્યો નથી. તેને આવ્યાને ઘણો સમય વીતી ગયો છે અને કલાકોના કલાકો સુધી તે સાગના ખાટલામા પડ્યાં પડ્યાં ઘરમા જતા-આવતાં માણસોને નિહાળી રહે છે. તેને તો પોતની પ્રિયતમા-પત્નીને મળવુ છે. પણ અહીં તો તેણે માત્ર જોવાની ક્રિયા કરવાની છે એપણ ઘરના અન્ય સદસ્યોને જ. જેના માટે તે તલસી રહ્યો છે, જેને એ ઝંખે છે એ જોવા મળતી નથી. પત્ની ઘરમા છે અને પોતે પરસાળમાં છે, બન્ને વચ્ચે દિવાલ છે પણ પ્રિયતમાને ઝંખતો નાયક ઘરમા થતાં કોલાહલ વચ્ચેય, અનેક લોકોની હર-ફર વચ્ચેય કાન સરવા કરી પત્નીનો અવાજ સાંભળી લે છે. નથી નાયક અંદર જઈ શકતો કે નથી નાયિકા તેની પાસે બહાર આવતી એટલે આંખથી તે પત્નીને જોઈ શકતો નથી પણ મનથી મળવા જાય છે. અર્થાત્ વાસ્તવિક રીતે મળી શકતો નથી પણ કાલ્પનિક રીતે તે પોતાની પત્નીને મળે છે. કાવ્યનાયક કલ્પના દ્વારા પત્ની પાસે પહોંચી જાય છે અને પત્ની પાસે હોય એટલે આજુબાજુનું વિશ્વ તેને મન કંઈ જ હોતુ નથી. ખરેખર આજુબાજુ બધા હાજર છે પણ બન્ને હવે કોઈને ગણકારતા નથી.
‘લહ લહ ડોલ્યે જતો ડાયરો !
કોણ કસુંબા ઘોળે ?
ઘૂંટે કોણ ઘેનનાં ફૂલ ? '
‘ડાયરો' શબ્દ રાત્રિનું સૂચન કરે છે. ડાયરો રાત્રિના સમયે ભરાતો હોય છે અને એમા આખુ ગામ ભેગું થતુ હોય છે. પણ અહીં તો માત્ર બે જ વ્યક્તિઓ દ્વારા પ્રેમરૂપી ડાયરો લહલહે છે. હવે પત્ની સાથે છે, એકાંત છે અને રાત્રિ પણ છે એટલે કાવ્યનાયકમાં નવા ભાવો ઉદ્ભવે છે. તે ઉત્તેજના અનુભવે છે. તો બીજી બાજુ જાણે ઊંઘ પણ આવે છે. અર્થાત્ રાત્રિ ઘણી વહી ગઈ હોય એમ કહી શકાય. કાવ્યનાયક સવારે આવ્યો હતો અને આવતાવેંત જ તેને ખાટલા પર બેસાડી દેવામાં આવે છે. પણ પત્ની વિના તેને દિવસ કાંટા જેવો ચૂંભે છે. સમય તેના માટે કાંટા જેવો બની ગયો છે. પણ જેવો તે પત્ની પાસે ગયો એટલે સમય ક્યારે વહી ગયો, રાત ક્યારે પુરી થવા આવી તેની તેને ખબર રહેતી નથી. દિવસે પત્ની વિના-પ્રિયતમાના વિયોગે એક ક્ષણ પણ યુગ સમાન લાગતી હતી એની સામે પત્ની સાથે-પ્રિયતમાના સંયોગે રાત કેવી રીતે પુરી થઈ સવાર થવા આવી તેનોય ખ્યાલ રહેતો નથી. કવિ રાતને ઘોડા સાથે સરખાવે છે. ઘોડો દોડે તો થોડી જ ક્ષણોમાં ઘણું બધુ અંતર કાપે છે એમ અહીં પત્ની સાથે છે એટલે રાત ઘોડાની જેમ દોડે છે. બીજું ઘોડો એ કામાવેગનું પ્રતીક પણ છે. રાત પુરી થવા આવી છે, સવાર થવાની તૈયારી છે અને રાતનો ઢોલિયો છૂટી જવાનો છે એટલે તે પત્નીને મળવા વધુ આતુર બને છે. તે પત્નીને ચકલીનું પ્રતીક આપે છે, એ પણ આંગણામાં ચણ ચણતી, કલરવ કરતી કે આકાશમાં ઊડતી નહીં પણ કમાડ પર ચોડેલી ચકલી. હિંદુ પરંપરા મુજબ દીકરી પારકું ધન ગણાય છે, એને લગ્ન પછી પિતાનું ઘર છોડી પતિને ઘરે ઊડી જવાનું હોય છે. પણ પતિના ઘરે ગયા પછી સ્મરણરૂપે કે શમણાંરૂપે જ તે ઘરમાં ફડફડશે.
કાવ્યનાયક પત્ની સાથેના મિલનની ઉત્કટ પળને માણવા અધીરો બન્યો છે. પણ રાત ઘોડાની જેમ દોડે છે અને ઊંઘ પણ વેરણ બની છે. છતાં તેને ઊંઘની ગંધ તો લેવી છે અને એ ઊંઘમાં એકબિજાનો શ્વાસ એક થઈ રહે તેવી તેની ઈચ્છા છે.
‘અમને ઘડી વાર તો ગંધ ઊંઘની આલો'
આ પંક્તિમાં ‘અમને' શબ્દ સૂચવે છે કે કાવ્યનાયકને એકલા સુવુ નથી. તેની સાથી તેની પત્ની પણ હોય તેવી તેની ઈચ્છા છે. અને પત્ની એટલી નજીક રહે કે એનો શ્વાસ અનુભવી શકાય. તો જ તેને શાંતિ મળે, જંપ વળે. દિવસ દરમિયાન કાવ્યનાયક બહાર પરસાળમાં બેઠો હતો, બન્ને વચ્ચે દિવાલ હતી-અંતર હતુ, પણ હવે તો અંધારુ થયું-રાત પડી અને એપણ પુરી થવા આવી છે એટલે હવે તો પત્ની પોતાની પાસે સુવે તેવી આશા રાખે છે. રાત્રિના અંધકારમાં પત્ની પોતાનું પડખું સેવે એવી ઈચ્છા કાવ્યનાયક વ્યક્ત કરે છે.
એક ઢોલિયો દિવસનો હતો જે પત્નીના વિયોગે શૂળ જેવો લાગતો હતો અને બીજો ઢોલિયો રાત્રિનો છે જેમાં પત્ની સાથે છે. દિવસે પણ કાવ્યનાયકને ઢોલિયા પર બેસાડવામા આવે છે અને રાત્રે પણ તે ઢોલિયમાં સુવે છે, પણ દિવસે જે ઢોલિયો/ખાટલો છે તે આરામનું પ્રતીક છે, જ્યારે રાત્રિનો ઢોલિયો એ સ્ત્રી સાથેના સંવનનનું પ્રતીક છે. આમ, આ આખું કાલ્પનિક કાવ્ય છે. વાસ્તવિક સમય તો દિવસનો છે, પણ પોતાની પ્રિયતમા-પત્નીના મિલનની ઉત્કટ ઝંખના ધરાવતો કાવ્યનાયક કલ્પના દ્વારા પત્ની પાસે જાય છે અને આજુબાજુની દુનિયાને ભૂલી જઈ, ગણકાર્યા વિના સમય પસાર કરે છે. રાવજી પટેલના જીવનમાં જે અસંતોષની ક્ષણ હતી તે તેમણે આ કાવ્યમાં વ્યક્ત કરી છે. પહેલા ભણવા માટે અને પછી ક્ષયની બિમારીને કારણે ઘણો સમય તેઓને પત્નીથી દૂર રહેવુ પડ્યું એનો જે અસંતોષ હતો એ આ કાવ્યમાં રજૂ થયો હોય એમ લાગે છે. અને કવિની આવી સ્થિતિ સંમસંવેદના જગાડે છે.