મહીપતરામ રૂપરામ નીલકંઠનું સાહિત્ય સર્જન

ગુજરાતી સાહિત્યમાં પદ્યસાહિત્ય તો પ્રાચીનકાળથી લખાતું આવ્યું છે. પરંતુ જેને વાસ્તવિક ગદ્ય સાહિત્ય કહી શકીએ તેનો આરંભ તો ઓગણીસમી સદીમાં જ થયો. અંગ્રેજોના આગમન પછી પધ્ધ્તિસર અપાતા શિક્ષણવાળી શાળાઓ શરૂ થઈ. સુરતમાં આવી શાળાઓની શરૂઆત થઈ જેનો લાભ ઉચ્ચ વર્ગના લોકોને મળ્યો. આમ, સાહિત્ય ક્ષેત્રમાં ઘણાં નાના-મોટાં સર્જકોનો ઉદય થયો. જેમાં નંદશંકર, નર્મદાશંકર ને નવલરામ આ ત્રણ મુખ્ય હતાં. આ ઉપરાંત મહીપતરામ, હરગોવનદાસ કાંટાવાળા, કવિ દલપતરામ, રણછોડભાઈ ઉદયરામ, મોહનલાલ રણછોડદાસ, ભોગીલાલ વગેરે પ્રકાશમાં આવ્યાં.

મહીપતરામના સાહિત્ય સર્જન ઉપર નજર કરીએ તો તેમણે કેટલાંક ચરિત્રો આપ્યાં, નવલકથા આપી, તેમણે કરેલી ઈંગ્લેન્ડની મુસાફરીનું વર્ણન કરતું પુસ્તક આપ્યું. તેમના પુસ્તકોની યાદી નીચે પ્રમાણે છેઃ

૧. સધરાજેસંગ
૨. ભવાઈ સંગ્રહ (ઈ.સ. ૧૮૬૬)
૩. સાસુવહુની લડાઈ
૪. વનરાજ ચાવડો
૫. મહેતાજી દુર્ગારામચરિત્ર (ઈ.સ. ૧૮૭૯)
૬. કરસનદાસ મૂળજી ચરિત્ર (ઈ.સ. ૧૮૭૮)
૭. અકબરચરિત્ર (ઈ.સ. ૧૮૮૭, બીજી આવૃત્તિ)
૮. પાર્વતીકુંવર આખ્યાન (ઈ.સ. ૧૮૮૧, બીજી આવૃત્તિ)
૯. ઈંગ્લેન્ડની મુસાફરીનું વર્ણન (ઈ.સ. ૧૮૬૪)
૧૦. બોધવચન
૧૧. ટૂંકી કહાણી ભાગ – ૧
૧૨. ટૂંકી કહાણી ભાગ – ૨

મહીપતરામનું શાળાપયોગી પુસ્તક ‘‘વનરાજ ચાવડો’’ ઐતિહાસિક નવલકથા છે. આ નવલકથાનો મુખ્ય આધાર ઈતિહાસ છે. આથી તે ઐતિહાસિક નવલકથા બની રહે છે. આ નવલકથાનું કથાવસ્તુ ઐતિહાસિક છે. પણ મહીપતરામે કરેલા સુધારાની વાત પણ જોવા મળે છે. ‘વનરાજ ચાવડો’ ની ભાષા સાદી, સરળ અને રસિક છે. તેમના અન્ય પુસ્તકો કરતાં ભાષા સંસ્કારી અને ઉચ્ચ લાગે છે.

બીજી ઐતિહાસિક નવલકથા તે ‘‘સધરાજેસંગ’’ આ કથા વીરરસપ્રધાન છે. તેમાં સિધ્ધરાજની કારકિર્દી, લડેલા યુધ્ધો, મેળવેલો વિજય વગેરેનું વર્ણન છે. આ વાર્તાનો મુખ્ય આધાર રાસમાળાનો છે. તેમાં મહીપતરામે પોતાની શક્તિ પ્રમાણે કલ્પેલી વાતોનું ઉમેરણ જોવા મળે છે.

‘‘ભવાઈ સંગ્રહ’’ નામના પુસ્તકમાં ભવાઈના વેશોનો સંગ્રહ છે. પ્રાચીન સમયમાં ભવાઈનો પ્રચાર ઘણો હતો. જુદા જુદા ૧૮ વેશોનો અહીં સંગ્રહ કરેલો છે. ભવાઈઓમાંથી નાટક શરૂ થયાં. સમાજમાં સુધારો થશે એવા હેતુથી તેમણે આ પ્રકારના સાહિત્યનો સંગ્રહ કર્યો.

‘‘સાસુ - વહુની લડાઈ’’ નામના પુસ્તકમાં તેમણે તે સમયની સમાજમાં સાસુ-વહુ સંબંધી તથા સ્ત્રીઓને લગતી બાબતો જણાવી છે. આ પુસ્તકમાં નાગર બ્રાહ્ણણ સ્ત્રીઓને કેવી કેળવણી મળતી, તેમની પ્રકૃતિ કેવી હતી, કામ કેવા હતાં તેનું વર્ણન જોવા મળે છે. તથા તેમાં મહીપતરામે સુધારા-વધારા કરવાની સૂચના પણ આપી છે. આ પુસ્તકમાં સાસુ, વહુ, નણંદ, ધણી વચ્ચેના ઝઘડા અસરકારક રીતે વર્ણવ્યાં છે. સાથે-સાથે સીમંતનું પણ વર્ણન છે. હાસ્યરસનું પણ આલેખન છે. સીમંત વખતે ગવાતા ગીતો બાળાબહેનના સંગ્રહમાંથી આપ્યાં છે, અને તેની ચર્ચા કરી છે. એ સમયે દીકરીને દૂધપીતી કરવાનો રિવાજ પ્રચલિત હતો તે માટેના કારણો પણ જણાવ્યાં છે. આ પુસ્તક દ્વારા મહીપતરામનો આશય એ સમયના હિંદુ સંસારમાં ચાલતા દુષ્ટ અને નીંદનીય રિવાજોને બંધ કરવાનો હતો.

મહીરતરામે ચાર જીવનચરિત્રો આપ્યાં. તેમાં ‘‘દુર્ગારામ ચરિત્ર’’ જોઈએ તો તેમાં તેમણે દુર્ગારામના જીવન અંગેની અને કાર્યો અંગેની વાત માત્ર વીસ પાનામાં જ કરી છે. બીજુ લખાણ તે દુર્ગારામ મહેતાજીએ માનવસભા સુરતમાં સ્થાપી હતી તેમાં પોતે કરેલા ભાષણોનું છે. આથી આ ચરિત્રગ્રંથ આત્મકથન બની જાય છે. આ ભૂમિકામાં મહીપતરામે તેમને ઉત્તમ શિક્ષક તરીકેનું વર્ણન આપ્યું છે. દુર્ગારામની દરેક પ્રવૃત્તિઓ આ ચરિત્રમાં આલેખી છે. મહીપતરામે દુર્ગારામને મહાપુરુષ કહીને બિરદાવ્યાં છે. વિધવા વિવાહના ઉપદેશક દુર્ગારામ પ્રથમ પત્ની મૃત્યુ પામતા એક વિધવા સાથે ન પરણતા કુંવારી કન્યા સાથે પરણે છે. આ બાબત અંગે મહીપતરામે પોતાના વિચારો આ પુસ્તકમાં લખ્યાં છે. મહીપતરામે દુર્ગારામના જીવન વિશે જો વિસ્તારપૂર્વક લખ્યું હોત તો ઘણી બાબતોની જાણકારી આપણને મળત, પરંતુ દુર્ગારામના ભાષણો રજૂ કરીને પણ આપણને લાભાન્વિત કર્યા છે.

‘‘કરસનદાસ મૂળજી ચરિત્ર’’ આ પુસ્તક ૧૮૭૮માં પ્રસિધ્ધ કર્યું. એ સમયમાં ચરિત્ર નિરૂપણો નહોતા. મહીપતરામની ભાષા થોડી સાદી, સરળ, ઘરગથ્થું ને મર્માળી એવું આ ચરિત્રમાં વપરાયેલી ભાષા પરથી કહી શકાય. કરસનદાસ અને મહીપતરામ બંને મિત્રો હતાં. સુધારક યુગની ચળવળોમાં બંનેએ એકસરખો ફાળો આપેલો. આથી મિત્રના હાથે બીજા મિત્રનું ચરિત્ર લખાય તે યોગ્ય જ છે. આ પુસ્તકમાં કરસનદાસને એક સુધારક તરીકે જ બતાવાયા છે. તેઓ માણસરૂપે કેવા હતાં તે વાતને નોંધવામાં આવી નથી. નવલરામે આ પુસ્તકનું અવલોકન કરતાં કહ્યું છે કે, ચરિત્ર વિશે લખતા શોધ, સત્યતા, વિવેક અને વર્ણનશકિત આ ચાર ગુણ અવશ્ય જોઈએ. આમાંના છેલ્લાં ત્રણ ગુણ મહીપતરામે ઉત્તમ રીતે પ્રગટ કર્યાં છે.

‘‘અકબર ચરિત્ર’’ આ પુસ્તકમાં માત્ર ઈતિહાસના જ દર્શન થાય છે. તેમાં સાદી, સહેલી અને રસભરી ભાષા પ્રયોજાયેલી જોવા મળે છે.

‘‘પાર્વતીકુંવર આખ્યાન’’ મહીપતરામના સમગ્ર સર્જનમાંનું ઘણું અગત્યનું પુસ્તક. પાર્વતીકુંવર મહીપતરામના પત્ની હતાં. પત્નીનું આખ્યાન એક પતિ લખે એ ઘણી મોટી વાત છે. આ પુસ્તકમાં રચનારમાં પોતાનું નામ ન લખતાં મહીપતરામે ‘તેનો વર’ એવું લખ્યું છે. મહીપતરામ પહેલા પાર્વતીકુંવર સાથે ક્રોધથી વર્તતા પણ જ્યારથી તેમના ગુણ પારખ્યાં ત્યારથી તેમને જોવાની નજર જ બદલાઈ ગઈ. તેઓ વધારે ભણેલા નહોતાં પરંતુ મહીપતરામના સંપર્કમાં રહીને કેળવાયાં હતાં. પાર્વતીકુંવરે મહીપતરામને ઘણી બાબતોમાં સહાય કરી છે. સ્ત્રી કેળવણીમાં ઊંડો રસ લઈને પોતાનો ફાળો પણ આપ્યો હતો. મહીપતરામના વિદેશગમન વખતે સગાવહાલાઓએ તેમને ઘણા ગભરાવ્યા હતાં પરંતુ તેઓ ગભરાયા વિના મહીપતરામને વિદેશ મોકલવાના નિર્ણયમાં અડગ રહ્યાં હતાં. આ પુસ્તક દ્વારા પાર્વતીકુંવરે એક પત્ની તરીકેની કેવી ફરજો નિભાવી હતી તે જોઈ શકાય. આ પુસ્તકમાં મહીપતરામે પાર્વતીકુંવરની પ્રસંશા જ કરી છે.

‘‘ઈંગ્લેન્ડની મુસાફરીનું વર્ણન’’ આ પુસ્તકમાં તેમની મુસાફરી દરમિયાન જોવામાં આવેલી બાબતોનું વર્ણન છે. આ પુસ્તકમાં તેમણે તારીખ, વાર સાથે નોંધ કરી છે. ૨૭મી માર્ચ ૧૮૬૦ના રાત્રીના સાડા નવથી વહાણ મુંબઈથી ઊપડ્યું ત્યારથી ૧૮૬૧ની ૧૩મી એપ્રિલે મુંબઈ પરત ફર્યું ત્યાર સુધીની સમગ્ર વાત ટૂંકાણમાં રજૂ કરી છે. આ પુસ્તક ૧૮૭૪માં પ્રસિધ્ધ થયું. તેમના મિત્ર કરસનદાસ મૂળજી ૧૮૭૬માં ‘‘ઈંગ્લેન્ડની મુસાફરી’’ પુસ્તક પ્રસિધ્ધ કર્યું તે મહીપતરામના અભિપ્રાય માટે મોક્લ્યું ત્યારે તેમણે આના જેવું બીજું કોઈ પુસ્તક નથી એવું કહીને કરસનદાસને આગળ કર્યા. આ જ મહીપતરામનું સૌજન્ય. આ એક જ દ્રષ્ટાંત મહીપતરામનું ચરિત્ર આલેખવા પૂરતું છે.

સંદર્ભ

I. મહીપતરામ ગ્રંથાવલિ, ખંડ-૧, શુકલ રમેશ મ., ગુજરાતી સાહિત્ય અકાદમી, ગાંધીનગર, પ્ર. આવૃત્તિ – ૨૦૧૧.
II. મહીપતરામચરિત્ર, મહેતા ભાનુસુખરામ, પ્ર. આવૃત્તિ – ૧૯૨૯.
III. અર્વાચીન ગુજરાતી સાહિત્યની વિકાસરેખા, ઠાકર ધીરૂભાઈ, પાંચમી આવૃત્તિ – જુલાઈ ૨૦૧૧.
IV. ગુજરાતનો રાજકીય અને સાંસ્કૃતિક ઈતિહાસ ગ્રંથ, ભો જે. વિદ્યાભવન, અમદાવાદ.
V. ગુજરાતી સાહિત્યકોશ, ખંડ-૨, ગુ.સા.પરિષદ, ૧૯૯૦.
VI. અર્વાચીન ગુજરાતનું રેખાદર્શન ખંડ-૧ થી ૩, પારેખ હીરાલાલ, ગુજરાત વર્નાક્યુલર સોસાયટી અમદાવાદ, ૧૮૩૫.
VII. ગ્રંથ અને ગ્રંથકાર ૧ થી ૧૦ ભાગ, ગુજરાત વિદ્યાસભા, અમદાવાદ. પ્ર. આવૃત્તિ ૧૯૫૨.
VIII. સાઠીના સાહિત્યનું દિગ્દર્શન, દેરાસરી ડાહ્યાભાઈ.
IX. ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ ખંડ -૩, ગુ.સા.પરિષદ, અમદાવાદ.
X. એકલો જાને રે..... ગુજરાતના નીલકંઠ પરિવારની કથા, પરીખ શૈલજા કાલેલકર, અક્ષરા પ્રકાશન, અમદાવાદ, ૨૦૧૩.