Download this page in

‘સાહિત્ય આધારીત ફિલ્મ નિર્માણ પ્રક્રિયા: ‘દેવદાસ’ નવલકથા અને ફિલ્મ સંદર્ભે’

રાજકોટમાં ‘ફૂલછાબ’ દ્વારા એક ‘રસામૃત’ નામનો કાર્યક્રમ થયો હતો, તેમાં વક્તા જય વસાવડાએ ‘સિનેમા અને સાહિત્ય’ વિષયે પોતાના સ્વાનુભવો- નિરીક્ષણોનો નિચોડ વર્ણવતા કહ્યું હતું કે, ‘આપણો પ્રેક્ષક જ મોટો અભિનેતા છે, નેવુંના દાયકામાં ગ્લેમર ઇન્ડસ્ટ્રીઝનો દરજ્જો ફિલ્મોને મળ્યો છે. ૬૦-૭૦ના દાયકામાં સિનેમા-સાહિત્ય સંલગ્ન જ હતાં. સિનેમાએ ‘કોમ્પીટીશન ઓફ ઓલ આર્ટ’ છે. અને કોમ્પીટીશન જયારે ‘કમ્પેરીઝન'માં ફેરવાય ત્યારથી સમાજમાં દૂષણો ઉભા થાય છે સિનેમા એ સાહિત્યનું એમ્પલીફાયર છે. સાહિત્ય ઉપરથી બનેલી ફિલ્મો પછીથી એના પુસ્તકો પણ છપાય છે, વંચાય છે, વેંચાય છે. સ્માર્ટમેકર ફિલ્મ હોય એ ઘણી વખત સાહિત્ય પરથી ફિલ્મ બનાવે પણ આપણને એની ખબર ન પડવા દે! ‘મુકદ્દર કા સિકંદર’એ દેવદાસની જ વાર્તા છે! પ્રકાશ ઝાની ‘રાજનીતિ’ ફિલ્મ મહાભારત જ છે. ‘દિવાર’ પણ મહાભારત પરથી જ બનેલી ફિલ્મ છે. ‘જે ૭૦થી ૮૦ ટકા ફિલ્મો કોઇને કોઈ સાહિત્યિક કૃતિઓ પરથી જ બને છે. ‘ફૂલછાબ’ના કાર્યક્રમમાં આવ્યો હોઉંને ઝવેરચંદ મેઘાણી યાદ ન આવે તો જ નવાઈ! મેઘાણીભાઈએ પણ ‘ઘોસ્ટ’ અંગ્રેજી ફિલ્મ જોઈ હતી એ ‘ભીંત રૂંવે ભેંકાર’ એ મેઘાણીભાઈની વાર્તા જ એ ફિલ્મનો વિષય છે. મેઘાણીભાઈએ સિનેમાઓમાં ફિલ્મો જોઈને સાહિત્યિક કૃતિઓ લખી છે. ‘પલકારા અને પ્રતિમા'એ મેઘાણીભાઇએ ફિલ્મો જોયા પછી લખેલી વાર્તાઓ છે. સિનેમાનો પડદો એ મોટું પાનું છે, કેમેરો એ કલમ છે, સાહિત્યનું પાનુ અને કલમછે.ઓડીયો-વિડીયો વીઝયુઅલ મેમરી હંમેશા જીવંત રહે છે.”(http://www.phulchhab.com/new/116974-‘સિનેમા એ સાહિત્યનું એમ્પલીફાયર છે: જય વસાવડા’) આ શબ્દો ઉપરથી એ વાત સ્પષ્ટ થાય છે કે સાહિત્ય અને સિનેમાને નજીકનો સંબંધ છે.

સાહિત્ય અને સિનેમાનો સંબંધ અન્યોશ્રિત છે. આપણે સાહિત્ય ને સિનેમાથી અલગ કરી દઈએ પરંતુ તેને અલગ કરી શકાતું નથી. કેમકે સિનેમા સાહિત્ય પાસેથી પ્રેરણા બને છે. સિનેમાને વિચારો, સાંપ્રત સમસ્યાઓ તથા સમાજનું સાચું પ્રતિબિંબ સાહિત્ય દેખાડે છે. માટે સિનેમાએ સાહિત્યની પાસે એનકેન પ્રકારે આવવું પડે છે.

સમૂહ માધ્યમ તરીકે આજે સિનેમા સૌથી સશકત માધ્યમ છે. લોકોની મનોવૃત્તિ તથા વિચારધારા બદલવામાં, માનવીય સંવેદના જગાડવાનું ખૂબ મોટું કામ સિનેમા કરે છે. સાહિત્ય અને સિનેમા પ્રારંભમાં બન્નેયનું માધ્યમ એક હતું. પરંતુ સમય જતાં બન્નેય સ્વતંત્ર વિદ્યા શાખા રૂપે વિકસી છે. આ બન્નેયનો ભાવક વર્ગ અલગ છે. સિનેમા માસ આકર્ષિત કરે છે. જ્યારે સાહિત્યનો વર્ગ ખાસ છે. પરંતુ બન્નેયના કેન્દ્રમાં માનવ અને તેનું જીવન છે. સિનેમા મનોરંજન માટે હતી. પરંતું કેવળ સિનેમા મનોરંજન માટે બનતી નથી. તે સમાજને દિશા, વિચાર અને સાચો રાહ બતાવાનું કામ કરે છે. કહો કે ‘જીવન જીવવાની કળા આપે છે.’ અને સિનેમા ને તે સમજ સાહિત્ય આપે છે. માટે બન્નેયનો સંબંધ નજીકનો છે.

ભારતીય સિનેમામાં ઘણી સિનેમાઓ સાહિત્ય કૃતિ કે તેમાંથી પ્રેરણા લઈને બની છે. આપની હિન્દી સિનેમામાં વિશાલ ભારદ્રાજ, ઇમ્તિયાઝ અલી, અનુરાગ કશ્યપ, વિમલ રોય વગેરે એ સાહિત્યિક ફિલ્મો બનાવી છે. ભારતીય સિનેમામાં મુનશી પ્રેમચંદ(ગોદાન, ચિત્રલેખા), ટાગોર (નયેનીડ, ડાકઘર, કાબુલીવાળા), શરદચંદ્ર ચટ્ટોપાધ્યાય(દેવદાસ), મહાશ્વેતા દેવી(હજાર ચૌરસી કી મા) સત્યજિત રાય(ચારુલતા), ક.મા.મુનશી(પૃથિવીવલ્લભ) આ ઉપરાંત કમલેશ્વર, ગુલશનનંદા, ધર્મવીર ભારતી, ભગવતીચરણ શર્મા વગેરેની કૃતિઓ પરથી ‘Artfilm’ બની છે.

સાહિત્ય પાસે સિનેમા એ કેમ જવું જોઈએ? કેમ કે સાહિત્ય પાસે વસ્તુ, ઈતિહાસ, ગીત, લક્ષ્ય આ બધાની જરૂર સિનેમાને હોય છે જ. ને તે સાહિત્ય પૂરી કરે છે. આ લેખમાં મારે ભારતીય લેખક-બંગાળી લેખક ‘શરદચંદ્ર ચટ્ટોપાધ્યાય’(શરદબાબુ)ની ‘દેવદાસ’ ઉપન્યાસ-નવલકથા પરથી બનેલ દેવદાસ(૧૯૫૫) ફિલ્મની નિર્માણ પ્રક્રિયા વિશે વાત કરવી છે. આ પ્રક્રિયા વિશે વાત કરતાં પહેલા ‘શરદચંદ્ર ચટ્ટોપાધ્યાય’(શરદબાબુ)નો પરિચય જોઈએ.

‘શરદચંદ્ર ચટ્ટોપાધ્યાય’(શરદબાબુ) એ બંગાળી જ નહીં પરંતુ તે વિશ્વસાહિત્યના લેખક છે. તેમના સાહિત્યને લીધે તેમની નામના પુરા વિશ્વમાં થઈ છે. સાહિત્યક્ષ્રેત્રે તેમને ‘દેવદાસ, ચરિત્રહીન, ગ્રહદાહ, બામણની દીકરી, વિરાજવહુ, સાવકી મા, પંડિતજી, શુભદા, પલ્લીસમાજ, પરિણીતા’-(આબધી જ કૃતિઓના ગુજરાતી અનુવાદ થયેલા છે.) વગેરે પ્રદાન કર્યું છે. તેમની સાહિત્ય કૃતિઓની અનુવાદ અન્ય ભાષામાં પણ થયેલ છે. માટે તે બંગાળી કે બંગાળ પૂરતું તેમનું સાહિત્ય સીમિત નથી તે વિશ્વ સ્તરે જાણીતાં થયા છે. ભારતના ઘણાં એવાં ભાવકોના પ્રિય લેખક શરદબાબુ છે. શરદબાબુના સાહિત્ય સંદર્ભે ગુજરાતી અનુવાદક ભોગીલાલ ગાંધી નોંધે છે કે, ‘જીવનનાં સાચાં મૂલ્યો, આપણા સમાજની વાસ્તવિક સ્થિતિ અને તેનું સ્વરૂપ શરદબાબુના સાહિત્યમાં વારંવાર પ્રગટ થાય છે. ભારતીય નારીના પૂર્ણ સ્વરૂપને બેનમૂન નિખાર આપ્યો છે. નારી જીવનની કઠોર યાતનાઓ.. અને આ યાતનાઓ વચ્ચે પણ તેનું કોમળ સ્વરૂપ... બીજી વ્યક્તિઓ માટે પોતાનું જીવન ન્યોછાવર કરવાની તેમની તમન્નાઓ અને કોઈપણ જાતની અપેક્ષા વગર ભારતીય નારીનું આ પૂર્ણ પ્રેમસ્વરૂપ અતિ કઠિન પરિસ્થિતિમાં જાણે સોળે કળાએ ખીલી ઊઠેલું આપણને શરદબાબુની કથાઓમાં દ્રશ્યમાન થશે જ. તેમનું સંપૂર્ણ સાહિત્ય સર્જન જાણે પોતાના જ સ્વાનુંભવનું પ્રતિબિંબ ના હોય તેવું લાગે છે! પ્રસંગોની સચોટતા એટલી સુંદર રીતે રજૂ કરી છે કે જાણે તેમાંથી તેઓ પસાર થયા હોય તેમ અવશ્ય લાગે.’ (પરિચયમાં-‘માનવ-મનના શ્રેષ્ઠ કસબી શરદબાબુ’-ભોગીલાલ ગાંધી, દેવદાસ-શરદબાબુ, અનુવાદ- ભોગીલાલ ગાંધી, પ્રવીણ પ્રકાશન પ્રા. લિ., રાજકોટ, નવસંસ્કરણ:૨૦૧૦) હવે શરદબાબુની દેવદાસ નવલકથા પરથી બનેલ દેવદાસ(૧૯૫૫)ફિલ્મની નિર્માણ પ્રક્રિયા વિશે વાત કરીએ.

ફિલ્મ નિર્માણપ્ર ક્રિયા:

અહીં ‘દેવદાસ’ નવલકથા (શરદચંદ્ર ચટ્ટોપાધ્યાય, અનુવાદ- ભોગીલાલ ગાંધી) અને દેવદાસ(૧૯૫૫) ફિલ્મની નિર્માણ પ્રક્રિયા વિશે વાત કરવી છે.

દેવદાસ નવલકથાનું વસ્તુ :

શરદબાબુની નવલકથા દેવદાસ’નો ગુજરાતીમાં અનુવાદ ભોગીલાલ ગાંધી એ કર્યો છે. આ નવલકથા ૧૬-પ્રકરણમાં વિભાજીત છે. નારાયણ જમીનદારનો પુત્ર દેવદાસ-(દેવદા-દેવબાબુ) અને નીલકંઠ ચક્રવર્તીની પુત્રી પાર્વતી(પારુ)ના વચ્ચેની કરૂણ પ્રેમ કહાની છે. બાળપણમાં તોફાની એવાં દેવદાસને વતનથી દૂર ભણવા અને રહેવા કલક્તા મોકલી દેવાંમાં આવે છે. બાળપણમાં જ આ બન્નેય વચ્ચે પ્રેમના બીજ રોપાય જાય છે. પરંતુ દેવદાના પરિવારવાળા પાર્વતીના પરિવારને પોતાનાથી ઉતરતું- હલકું ઘર તથા ‘કન્યાવિક્રય કરનાર ચક્રવર્તીના ઘરની છોકરી લાવતી હશે?’ કહીને લગ્ન માટે ‘ના’ પાડી દે છે. ત્યારબાદ પાર્વતીના લગ્ન પોતાનાથી મોટા એવાં હાતીપોતા ગામના જમીનદાર ભુવન ચૌધરી (બીજ વર) સાથે થાય છે. પાર્વતી સાથે લગ્ન ન થતાં દેવદાસ ઘર છોડીને ફરી કલક્તા જતો રહે છે, ત્યાં ચુનીલાલના સંપર્કને લીધે દારૂ અને મહેફીલના રવાડે ચડી જાય છે. તે જ સમયે નાચવા-ગાવાવાળી ચંદ્ર્મુખીના સંપર્કમાં આવે છે. પતિતા ચંદ્રમુખી દેવદાસના સંપર્કમાં આવ્યા બાદ સંસ્કારી અને લોકના હિતમાં જીવન વિતાવે છે.

ધર્મદાસ પાર્વતીને દેવદાસના બદલાયેલ જીવન વિશે જણાવે છે, પાર્વતી દેવદાને સુધારવા માટે પોતાની સાથે પોતાની સાસરીમાં રહેવા કહે છે. જીવનમાં એકવાર આવવાનું વચન આપી દેવદાસ પારુને દારૂ ન પીવાનું વચન આપી શકતો નથી. ને ફરી દારૂ- મહેફિલના સંગમાં આવે છે. દારૂ વધુ પીવાને કારણે અનેક બીમારીઓ તેના શરીરમાં ઘર કરી જાય છે. આ વાત ચંદ્ર્મુખી જાણે છે ત્યારે તે કલકતા પાછી આવી દેવદા ને સુધારે છે. હવા ફેર માટે બહાર ફરવા દેવદા -ધર્મદાસ ટ્રેનમાં સાથે જાય છે. પરંતુ પારુની યાદ આવતાં અને બીમારી વધી જતાં દેવદાસ ટ્રેનમાં ધર્મદાસને સૂતો છોડીને પાર્વતીના ઘર તરફ જાય છે. નવકથાના અંતે પાર્વતીની સાસરીમાં દેવદાસ જાય છે. ને મૃત્યુ પામે છે. પાર્વતી આ વાત જાણે છે તો બેભાન થઈ જાય છે. નવલકથાનો અંત કરૂણ છે. અંતે આ બે પાત્રો મળી શકતા નથી. લેખકે આ કરૂણ અંત વિશે નોંધે છે કે ‘…દેવદાસ જેવા હતભાગ્ય, અસંયમી, પાપિષ્ઠની સાથે તમારો પરિચય થાય, તો તેને માટે જરા પ્રાથના કરજો-પ્રાથના કરજો કે બીજું ગમે તે થાય, પણ તેની માફક કોઈને એવું મૃત્યુ ન આવે. મૃત્યુમાં કંઈ ખોટું નથી, પણ એ છેલ્લી ક્ષણે જાણે એક સ્નેહભર્યું મુખ જોતાં જોતાં એનો જીવનનો અંત આવે ! મરતી વખતે કોઈની પણ આંખમાં બે અશ્રુબિંદુ જોઇને એ મરવા પામે!’ (દેવદાસ- શરદબાબુ, અનુવાદ- ભોગીલાલ ગાંધી, પ્રવીણ પ્રકાશન પ્રા. લિ., રાજકોટ, નવસંસ્કરણ:૨૦૧૦, પૃ. ૧૨૦)

ફિલ્મ નિર્માણ પ્રક્રિયા:

દેવદાસ ફિલ્મ અને નવલકથા બન્નેયનો આરંભ સમાન છે. ગોવિંદ પંડિતની પાસે દેવદાસ, પાર્વતી અને ગામના અન્ય છોકરાઓ ભણી રહ્યા છે. તોફાની દેવદાની ફરિયાદ તેના પિતા આગળ શિક્ષક અને અન્ય વિદ્યાથી કરે છે. દેવદાસને ખૂબ માર પડે છે. અને તેના વધતાં તોફાન ને ધ્યાનમાં લઈને પિતા કલક્તા ભણવા મોકલી દે છે.

નવલકથામાં દેવદા અને પારુ નિશાળે ન જતાં સાથે માછલીઓ પકડવા જાય છે જ્યારે ફિલ્મમાં બુલબુલ પક્ષી પકડવા જાય છે. કેવળ માછલીઓ પકડવા જવાનો ઉલ્લેખ આવે છે. ત્યાર બાદ ફિલ્મમાં ગીત આવે છે.

બાળપણમાં શાળાએ ન જવાનું કારણ પંડિત શિક્ષક મારે છે એમ પારુ તેની ‘મા’ને આપે છે- જેવી વાત પુસ્તકમાં લખી છે. જ્યારે ફિલ્મમાં એવી કોઈ શિકાયત આવતી નથી કેવળ સારું નથી લાગતું માટે શાળાએ પારુ જતી નથી એમ જણાવે છે.

નવલકથામાં કલક્તાથી પાછો આવતો દેવદા બતાવવામાં આવે છે. ને પારુને પૈસા પણ આપે છે જે પૈસા તે ગાવાવાળા ને આપે છે. ફિલ્મમાં દેવદાસ મોટો થયા બાદ જ વતનમાં આવે છે.

ફિલ્મમાં પારુ અને દેવદાસના લગ્ન ના થવા પાછળ દેવદાના પિતા કહે છે- ‘હમસે છોટી જાત કે બ્રાહમણ’ ઉનકી બાતો મેં ધ્યાન ન દેના’ આ વાત દેવદાના પિતા તેની મા ને કહે છે. જ્યારે પુસ્તકમાં આ લગ્ન માટે તેની ‘મા’ અને પિતા બન્નેય રાજી નથી. ફિલ્મ મા કેવળ પિતાજી જ રાજી નથી ‘મા’ કશું બોલતી જ નથી.

રાત્રી દરમિયાન એકલી પારુ દેવદાસને મળવા જાય છે. તે સમયે પારુ ને કોઈ પણ વસ્તુથી બીક લગતી નથી. ‘માણસ જ્યારે કોઈના પ્રેમમાં હોય છે ત્યારે એને કોઈ પણ વસ્તુથી ડર લાગતો નથી’ જેવી વાત શરાદબાબુએ પારુના પાત્ર દ્વારા જણાવી દીધી છે.

કલકતા ગયા પછી દેવદાસ અને ચુનીલાલના સંવાદો આવે છે. ફિલ્મમાં પહેલા સંવાદો આવે છે. દેવદા પારુને ‘મા-બાપ’ લગ્ન માટે ના પાડે છે, તેનું કારણ પત્રમાં દર્શાવ્યું નથી, પરંતુ પુસ્તકમાં આવતા પત્રમાં તેનું કારણ ‘કન્યાવિક્રય અને ઉતરતું કુટુંબ’ બતાવ્યું છે.

ચુનીલાલ અને દેવદા પહેલીવાર ચંદ્રમુખીને મળે છે ત્યારે ગીત આવે છે, પુસ્તકમાં નથી.

દેવદા પૂછ્યા વગર કલકતા આવતો દેવદા માટે એની ‘મા’ પૈસાને ચિઠ્ઠી મોકલે છે તે વાત પુસ્તકમાં ‘એકદમ ગૃહિણી થઈ ગઈ !’પ્રકરણમાં તથા એ પહેલાના કોઈ પ્રકરણમાં ઉલ્લેખ આવતો નથી. ફિલ્મમાં તે પ્રસંગ ઉમેર્યો છે

ફિલ્મમાં દેવદાસ પહેલીવાર દારૂ પીવે છે ત્યારે તેને પાર્વતીના લગ્ન અને તે સાસરે જતી- પોતાનાથી દૂર જતી મનમાં દેખાય છે. આ ગમને ભૂલવા તે દારૂ પીવા દોડતો મહેફિલમાં બતાવ્યો છે. આ દ્રશ્યમાં ફિલ્માંકનની સૂઝ દેખાય છે.

કૃતિમાં બીજી વખત ચંદ્રમુખી દેવદા ને મળે છે ત્યારે દારૂ ન પીવાની વાતો કરે છે, ફિલ્મમાં આ સંવાદો પાછળ મૂક્યા છે, તેમાં દિગ્દર્શકની સૂઝ દેખાય છે.

પુસ્તકમાં દેવદાસ, તેનો ભાઈ તથા ગામના માણસો ભેગા મળીને દેવદાના પિતાજીની અંતિમ વિધિ- અગ્નિ સંસ્કાર કરે છે. જ્યારે ફિલ્મમાં દેવદા આવે છે તે પેહલા એ તમામ ક્રિયા પૂરી થઈ ગયેલી બતાવવામાં આવે છે. આ બન્નેય ઘટનાઓમાં ભેદ જોવા મળે છે.

પ્રકરણ-13માં ચંદ્રમુખી દેવદા પાસે આશીર્વાદ માગીને જ્યારે પણ ‘દાસીની જરૂર પડે તો મને યાદ કરજો હું તારી સેવા કરવા આવીશ’ એમ જણાવે છે. પરંતુ આ સંવાદ ફિલ્મમાં તે સમયે નથી. આ મહત્વનો સંવાદ હોવો જોઈએ કેમકે તેમાં ચંદ્રમુખીના પ્રેમની ઊંચાઈ નિરૂપાઈ છે. ફિલ્મમાં આ સંવાદ પાછળથી ઉમેર્યો છે.

ફિલ્મમાં દેવદા પ્રેત્યેના પ્રેમને કારણે ચંદ્રમુખી પોતાનું જીવન બદલી નાખે છે. ગ્રામીણ જરૂરિયાત મંદ લોકોની પાછળ જીવન ગુજારે છે. તો દેવદાસના બદલાયેલા જીવન સંદર્ભે મનોરમાનો પત્ર પારૂ પર આવે છે તે દેવદાના ઘેર તેને મળવા જાય છે. પણ દેવદા તેને મળતા નથી. તો એક બાજુ ભૈરવને લઈને ચંદ્રમુખી પણ દેવદાના ઘેર મળવા જાય છે, એક બાજુ દેવદાસના ઘેરથી પાર્વતી પાછી આવે છે ને બીજી બાજુ ચંદ્રમુખી જાય છે. આ બન્નેય સ્ત્રીઓને સામસામે દર્શાવીને તેમના પ્રેમનું સમર્પણ બતાવ્યું છે, ફિલ્મમાં આ દ્રશ્ય યોગ્ય રીતે રજૂ થયુ છે, જ્યારે પુસ્તકમાં આ પ્રસંગ નથી. તેમાં દિગ્દર્શકની સૂઝ દેખાય છે.

ફિલ્મમાં કેટલાક સંવાદો પુસ્તકનાં મૂળ રૂપમાં આવ્યા નથી, તેનો સાર ફિલ્મમાં રજૂ થયો છે. તેમાં પણ ફિલ્મકારની સૂઝ દેખાય છે.

‘તમારું શરીર સારું ન રહે તો આ દાસીને જરૂર યાદ કરી લેજો’ અહીં પ્રેમિકા રાણી નહી દાસી બનવા માગે છે. જ્યારે પારૂ પણ દેવદાને પોતાની સાથે પોતાના ઘેર આવવા કહે છે કેમકે પારુને પણ તેની સેવા કરવી છે. આ બન્નેય સ્ત્રીઓ દેવસદાની દાસી બની સેવા કરવા માગે છે. તેની સંપત્તિની માલકિન નહી. એ અર્થમાં શરદબાબુના સ્ત્રી પાત્રોને સાલમ કરવાં જેવા છે. ‘સ્ત્રી એટલે પ્રેમની મૂર્તિ’ જેવુ વિધાન આ સ્ત્રીઓ સંદર્ભે સાર્થક સાબિત થાય છે.

ફિલ્મમાં પારૂના પતિ અને મહેન્દ્ર સાથે પારુનો સંવાદ ખૂબ ઓછો બતાવ્યો છે. નવલકથામાં અંતે પાર્વતી મૃત્યુ પામેલા દેવદાસને ભંગીઓ લઈ ગયા છે તે દિશામાં દોડે છે ને મૂર્છિત થઈ જાય છે. પછી મહેન્દ્ર અને નોકરો મળીને ઉઠાવી લાવે છે. બીજે દિવસે તે જાગે છે. પરંતુ ફિલ્મમાં તે જાગતી બતાવી નથી. પાર્વતી દેવદાને લઈ જાય છે તે દિશામાં દોડતી બતાવે છે દરવાજા સાથે અથડાઈને બેભાન થઈ જતી બતાવે છે. ને ફિલ્મ પૂરી થઈ છે.

નવલકથામાં પ્રકરણ -૧૨માં(‘મને ખૂબ દુઃખ થાય છે’માં)દેવદાસ અને પાર્વતી વચ્ચે સંવાદ થાય છે ત્યારે પાર્વતી દેવદાની સેવા-કાળજી લેવાપોતાની બાળપણની મુરાદ છે જેને પૂરી કરવા વિનંતી કરે છે. તે સમયનો સંવાદ જુઓ-
‘પાર્વતી ફરી બોલી, ‘દેવદા! મારે ઘેર ચાલો!’
દેવદાસ આંખો લૂછી બોલ્યો; ‘વારુ, આવીશ.’
‘મને અડકીને કહો, આવશો?’

દેવદાસ અનુમાન કરી પાર્વતીના પગને હાથ લગાડી કહ્યું, ‘આ વાત હું કદી ભૂલું નહિ, મારી સેવા કર્યે જો તારું દુઃખ ફીટતું હોય તો હું આવીશ. મરતાં પહેલાં પણ મને એ વાત યાદ આવશે.’(એજન, પૃ.૭૯) અને અંતે તે પાર્વતીના ઘર પાસે જઈને જ મરે છે. ફિલ્મ અને નવલકથા બંનેયમાં આ સંદર્ભને યોગ્ય રીતે રજૂ થયો છે. શરદબાબુની કલાસૂઝને સાલમ કરવાનું થાય એમ છે.

ફિલ્મના રચનાકારે નવલકથાના મુખ્ય ભાવને સાચવ્યો છે. તેના મહત્વના પાસાંઓને ધ્યાનમાં લીધા છે. હિન્દી સિનેમામાં ‘દેવદાસ’ નવલકથા પરથી ત્રણ વખત ફિલ્મ બની છે. ૧૯૩૬(પ્રથમેશ બરુઆ), ૧૯૫૫(વિમલ રોય), અને ૨૦૦૨(સંજય લીલા ભંસાલી)માં. આ ત્રણેય ફિલ્મમાં રજૂ થયેલ કરુણ અંતને કારણે ભાવકને વધારે સ્પર્શી છે. તેમાં ૧૯૫૫માં બનેલ ફિલ્મમાં ખૂબ ઓછા ફેરફાર થયા છે. ને મૂળ ભાવને સચોટ રીતે રજૂ થયો છે તે આ ફિલ્મ(૧૯૫૫)ને જોયા પછી લાગે છે. આ ઉપરાંત દેવદાસની કથાને ધ્યાનમાં રાખીને આધુનિક રંગરૂપ સાથે અનુરાગ કશ્યપે ‘દેવ ડી.’(Dev.D-2009) ફિલ્મ બનાવી છે. જ્યારે પાકિસ્તાનમાં પણ શરદબાબુની દેવદાસને ધ્યાનમાં લઈને ઈકબાલ કશ્મીરી એ ‘દેવદાસ’(૨૦૧૦)માં સિનેમા બનાવી છે.

ફિલ્મકાર જ્યારે સાહિત્ય કૃતિ પરથી ફિલ્મ બનાવે છે. ત્યારે ઘણીવાર તે મૂળ કૃતિમાં જે પ્રસંગ કે ઘટના ન હોય છતાં તે ઉમેરે છે. કદાચ એ કૃતિનો ભાગ નથી પણ ફિલ્મમાં તે બંધ બેસે છે. પ્રેક્ષક હંમેશા એવી ફરિયાદ કરતો હોય છે કે મૂળ કૃતિમાં આ પ્રસંગ છે જ નથી. પરંતુ પ્રેક્ષક ને એ જોવાનું છે કે જે પ્રસંગ-ઘટના દિગ્દર્શકે ઉમેરી છે તેનાથી ફિલ્મમાં કોઈ ચમકૃતિ આવી છે? કેમ કે સાહિત્ય જેમ કૃતિ(સર્જન) છે તેમ સિનેમા પણ એક કૃતિ છે. ને એના રચનાકારને તેમાં ફેરફાર કરવાનો સંપૂર્ણ અધિકાર છે. જ્યારે એ તેની સર્જનાત્મક શક્તિ ફિલ્મ-સિનેમામાં બતાવશે ત્યારે જ તે સિનેમા કૃતિ બનશે નહિતો રૂપાંતર જ બની રહશે. માટે ભાવકે આ વિચારને ધ્યાનમાં લઈને સાહિત્ય કૃતિ પરથી બનેલી ફિલ્મ ને જોવી જોઈએ.

‘દેવદાસ’ કૃતિ પરથી બનેલ ‘દેવદાસ’ ફિલ્મમાં દેવદાસની ભૂમિકા ‘દિલીપ કુમારે’ અદા કરી હતી. જયારે પાર્વતીનું પાત્ર ‘સુચિત્રા સેન’ અને ચંદ્રમુખીનું પાત્ર ‘વૈજયંતી માલા’એ ભજવ્યું હતું. નિર્દેશક-દિગ્દર્શક ‘વિમલ રોય’ એ કર્યું હતું. આ તમામ અભિનેતાઓને તેમના ઉમદા કાર્ય માટે શુભેચ્છા આપવી રહી.

સંદર્ભ:

૧) શરદબાબુ’-ભોગીલાલ ગાંધી, દેવદાસ-શરદબાબુ, અનુવાદ- ભોગીલાલ ગાંધી, પ્રવીણ પ્રકાશન પ્રા. લિ., રાજકોટ,નવસંસ્કરણ:૨૦૧૦
૨) દેવદાસ(૧૯૫૫) હિન્દી ફિલ્મ, -દિગ્દર્શક ‘વિમલ રોય’(https://youtu.be/9Ck5tUjEmfA)
૩)(http://www.phulchhab.com/new/116974)-‘સિનેમા એ સાહિત્યનું એમ્પલીફાયર છે: જય વસાવડા’
૪) સિનેમાવિમર્શ, અમૃતગંગર, ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર, પ્રથમ આવૃત્તિ-૨૦૧૨

(નોંધ: ગુજરાત સાહિત્ય અકાદમી અને ‘આણંદ આર્ટ્સ કૉલેજ દ્વારા આયોજિત ‘भारतीय साहित्य कृति आधारित फिल्म निर्माण प्रक्रिया’ નામના રાષ્ટ્રીય પરિસંવાદમાં રજૂ કરેલ શોધ પેપર જરૂરી સુધારા સાથે...)