માવો
બારણું ઉઘાડયું ને હું હફ કરતી ઝબકી ગઈ. "ઈ" જ હતાં. "ઈ" એટલે મારા "ઈ"... ઇવડાં "ઈ". આમ ગણો તો ....ઇસ્વર... હવે તો; મારા ભગવાન...આજથી!
લગનનો સાફો ટેબલ ઉપર્ય મૂકી દીધો'તો.લલાટે કરેલો ચાંદલો હજી ભૂંસાણો નો'તો. હું હેઠી નજર્યે બેઠી'તી, ને મેં સે'જ ઊંચે જોયું. ઈણે દાંત કાઢયા...મલક-મલક. ઈણે એટલે ઈવડાં "ઈ"એ. ઈવડાં ઈ એટલે, જેને માંણા ... ઠીક લ્યો, હવે નામ દીધા વગર્ય કાંઈ હાલવાનું સે ! કોઈ હાભળતું નથ્ય ને ? તો કઉ. જેને માણાં કલ્યાણજી ક્યે સે ને ઈ. બોવ ભોળા. એમ કયો કે ભોળા ભગવાનનો અવતાર ! મારી-તારી કાંઈ નય. કોઈ દયે કોઈની વાત મોઢા ઉપર્ય હાભળો નઈ. લગન પેલા બે વાર ભેગા થ્યેલા પણ મારી ને ઈની સિવાય તીજાનો અખ્ખરે ય નો કાઢે.
એના ભોળપણને લીધે જ આજ હું એના ઓયડામાં બેઠી સવ. નકર તો કાલ્યની બપોરે કાંઈક નોખો જ પ્લાન કર્યો'તો.
હવે પૂછતાં નઈ કે પ્લાન સું હતો ! ના રે ભાઈ, હું કોઈ કાળે નઈ કઉ ! ... ના રે.. ના હોં.. ઠીક લ્યો, પણ હા , આપડી શિવાય આ વાત તીજા પાંહે નો જાય ઈ સરતે વાત કરું, બરોબર્ય ? સરત કબૂલ ને ?
આખા ગામમાં જીણાભાઈનો માવો વખણાય. એકવાર માણાં એની દુકાનનો માવો ખાય એટલે બીજી વાર ન્યા આવવું જ પડે. માવા તો આખા ગામની દુકાનુમા મળે. પણ જીણાભાઈના હાથનો માવો... વાત જ રે'વા દ્યો. કોકવાર ખાજો... મારા હાહરા એમાં સું નાખે સે એની વલે જ નથ્ય પડતી.
મારા બાપુ ય ઈ માવાના બંધાણી થઇ ગ્યા'તાં. વાડીયે જવાનું હોય ને ઉતાવળ હોય એટલે મને માવો લેવા મુકલે. એક દાડો મારા બાપુ રોંઢો કરતા'તા ઈ ટાણે હું માવો લેવા ગઈ. જીણાભાઈનો મોટેર વિઠ્ઠલ દુકાને બેઠેલો. લાંબા-લાંબા વાળ, વાળ લાલ કલરમેટથી ચમકતા'તા. ગળામાં બગસરાનો જાડો ચેઇન. હાથમાં જાડું ઇસ્ટીલનું કડું. મોઢામાં પાન. અને પાનથી લાલ-લાલ થઇ ગ્યેલા એના હોઠ. વારેઘડિયે ગલ્લા ઉપર્યથી ઊંચો થઈને બાઇર પીસકારા મારે. દુકાનની બારેય લાલ ચટ્ટાક પણ... હંધુય છોબન વાળી દીધેલું. ગાલમાં જાણે ચોટીલા ને ભીમોરાની ટેકરીયું માતાજીના પ્રકોપથી હાલક-ડોલક થાય... મેં ઓટલા ઉપર્ય ચડતા માવો માંગ્યો. ઈણે પુસ્યું,
"કેવો જોવે ?"
મેં કીધું ," મારા બાપા ખાય એવો."
ઈણે દાંત કાઢ્યા ને માવો બાંધી દીધો.
અને એકવાર પાછું બપોરે જાવાનું થ્યું. મેં માવો માંગ્યો. ઈણે ગલ્લા ઉપર્યથી બાઇર પિસ્કારો કર્યો ને આમતેમ જોયું. તડકા શિવાય શેરીમાં દિવાલુંના પડછાયા ને બીજી હું. ઈ શિવાય ચકલું ય ફરકતું નો'તું - બે તયણ કુતર્યા દિવાલ પાંહે હાંફતા'તા.
ઈણે મારો હાથ પકડીને દુકાનમાં ખેંચી ! હાથ છોડાવવા મેં ઈને ધક્કો માર્યો. મારી ઓઢણી કોણ જાણે ઈના હાથમાં આવી ગઇ. ને મારો પગ ખેંચી માલિપા ખેંચી લીધી, જ્યાં બાર્યના માણાંની નજરે ય નો જાય ! પશી તો બસ...ઈણે સોપારી ઉપર્ય ચપટી તમાકુ ને સે'જ ચૂનો નાખીને "માવો" ચોળ્યે રાખ્યો... ચોળ્યે રાખ્યો.... ચોળ્યે જ...
દિઠે ય નો ગમનારા વિઠ્ઠલ વિના હવે જીવવું હવે આકરું લાગવા માંડ્યું. મને ય હવે એના માવાની આદત પડી ગઈ. મારે ય નો હાલતું... મનમાં થાતું ઈ માવો ચોળ્યા જ કરે... ચોળ્યા જ...
વચમાં બે રાત્ય માંડ જાય ને માવો હાંભરે... હું બાપુ હારું માવો લેતી આવું ને રાત્યના માવાનું ય. ને પશી રાત્યે માવાની ઉજાણિયું થાય... માવો ચોળાય...માવાનો કેફ ચડે...બધું હાલકડોલક થાવા મંડે. ઈ કેફ બે દિ' હાલે. અને વળી પાછો માવો હાંભરે... વળી પાશી ઉજાણિયું...
મઈના-દાડા પેલા આ લગન નક્કી થ્યા. વિઠ્ઠલને મેં હમજાવ્યો કે બીજા હાર્યે તો હું નઈ જીવી હકું ! પણ ઈ એના બાપથી બિતો'તો. એટલે ગ્યા પરમ દાડા હુધી તો ઈ એમનેમ ચૂનો ને ચપટી તમાકુ નાખી માવો ચોળ્યા કર્યો. તે દિ' માવાની સોડમ કાંઈક બોવ મીઠી લાગતી'તી. માવો ચોળતા-ચોળતા નક્કી થ્યુ કે રાત્યે મારુ ફુલેકું નીકળે અને હંધાય ડિસ્કમાં તલ્લીન હોય ઈ ટાણે આપડે આંયથી રવાના થઈ જાવુ. અમે બેયે કબુલ્યું. ટેમ નક્કી થ્યો.
હગા-વાલા જાગીને-નાઈને તૈયાર થઈ ગ્યા તોય હું સૂતી રઇ. માવાનો કેફ હતો. આજ તો બોવ ચડ્યો'તો. બા જગાડવા આવ્યા. મેં કીધું કે માથું દુખે સે. ને હું સુઈ રઈ. આખો દિ' માથે ઓઢીને વચાર્યા કરી. દિ' ડૂબ્યો. મને ઉભી કરીને તૈયાર કરી. ગોતીડો તેડાયો. ઢોલના તાબડાંગ ઢીંગ... તાબડાંગ ઢીંગ વચાળે રાત્યના એક વાગ્યે ફુલેકું ઉતર્યું. નાચવાવાળા તો હજી નાચતા'તા. હું માથું દુઃખવાનું બા'નું કાઢીને સુવા આવી ગઈ. ટેમ થ્યો... નીકળવાનો. ઈ ટાણે મને મારા "ઈ" દેખાણાં ને પશી વિઠ્ઠલ.મારા "ઇ"ના લખ્ખણ અને સ્વભાવ ઊંડા ઉતરી ગ્યા. ખબર નઈ કેમ, પણ ઊંઘ આવી ગઈ ! ને તમને ખબર સે એમ અમી પરણી ય ગ્યા.
ઈણે સેરવાની કાઢી.ખિસ્સામાં વસ્તુ હતી ઈ ટીપોઈ ઉપર્ય મૂકી. બારી ખોલી.
ટોપોઈ ઉપર્ય મુકેલી વાસ્તુમાં ઘડિયાર, એનું પાકીટ, હાથરૂમાલ ને...હા...ઈ માવો જ દેખાય કે સું ! મેં ધીમેથી પૂછ્યું,
"તમી માવો ખાવ સવો?"
એક બારી બંધ અને એક ખુલ્લી રાખીને ઈ મારી પાંહે આવ્યા ને માવો લેતા બોલ્યાં,
"ટેવ નથી પણ ક્યારેક-ક્યારેક ખાઈ લવ.આજ તો હાહરિયાની ભેટમાં આ માવો મળ્યો સે !"
"સું...?" મારી હથેળીમાં પરસેવો થાવા મંડ્યો. મનમાં થ્યુ કે આને ક્યાંક ભણક તો નથ્ય લાગી ગઈ ને? મેં માવો જોયો. માવાની ઉપર્ય વિટોળેલી રિંગ જોઈ. માવો તો જીણાભાઈનો જ હતો. મેં પુછયુ,
"ભેટમાં, ભેટમાં કોણે દીધો ?"
" નામ તો નથી આવડતું પણ ઇ કેતા'તા કે તમારા ગામનો ઈ પ્રખ્યાત માવો છે. એકવાર ખાઈ જાય એને બીજી વાર ભોંય ચીરીને આવવું પડે !
મેં મારી શંકા ખાળવા કીધું, "તો તો ઈ જીણાભાઈની દુકાનની જ હશે !"
"હા... ઈ જ નામ દીધું'તું. કદાશ એનો સોકરો જ હતો ઈ !"
" હેં !"
ખાતરી થઈ ગઈ'તી, પણ થાય સું ! ઈ તો પાર્સલ તોડીને તમાકુ નાખી , બારી પાંહે જઈને ચૂનો નાખવા મંડ્યા'તા.
વિઠલાએ કાંઈક ગોટાળો ધરાર કરેલો સે. ઇ વશારે મારા તો રવાડા ઊભાં થઇ ગ્યા'તા. ઈ સે જ એવો ખુટ્ટલના પેટનો !
ઈ બારી પાંહે ઊભા'તાં. મેં કીધું, "આની કોર્ય વયા આવો ને. ન્યા સું આઘા ઉભાં ર્યા."
ઈણે માવો ચોળતા-ચોળતા કીધું, "પેલ્લી રાત્ય સે... જિંદગી આખી ભૂલાવી નો જોવે. એટલે રાત્યને સણગારવા મૂડ તો બનાવવું જોશે ને !"
હું સાડીને ધીરેધીરે સરકાવવા મંડી, જેમ ડુંગળીના એક પશી એક પડ ખુલતા હોય એમ. ઈ મારી કોર્ય જોઈ ર્યા. મેં સાડી કાઢીને હંકેલી ને ટીપોઈ ઉપર્ય મૂકી. ઈ માવો ચોળીને કાગળ ખોલતાં'તાં. મારુ કાળજુ કંપતું'તું : ઓલા સિટરીયાએ માવામાં ક્યાંક ... સૂઝતું નો'તું સું કરું ! હું ઝડપથી ઈની પાંહે પુગી અને એને બેય હાથે પકડીને છાતી સરસા ભીંસવા લાગી. ઈને એક હાથ મારા ગાલ ઉપર્ય મૂક્યો. ઈના હાથમાંથી આવેલી માવાની વાસે મારા અંતરમાં દિહવાળી ચાંપી હોય એવી પીડ થઇ. મેં ધીરેકથી એના કાન પાંહે મોઢું રાખી કીધું,
"માવો નો ખાવ તો કાંઈ દુબળા થઈ જાશો ?"
"કેમ?"
"મારુ માનો તો નો ખાવ, મને સુગ આવે સે !"
"પણ ... આ તો ભેટનો માવો સે...વખાણાય સે. ચાવી લઉં થોડોક."
મને માણાના આ વેણ ડંખતા'તાં, "એકવાર ખાવ તો બીજીવાર..."
મેં કીધું , "આજ નઈ, આજની રાત્ય હુધી મારી હારું થઈને નો ખાવ તો તમારો ઉપકાર...!"
"ઈ ધીમેથી મને ભીંસતા બોલ્યાં, " એકવાર સે'જ ચાખી લેવા દે...!"
મેં એના ખુલેલા હોઠ ઉપર્ય મારા લિપ્સટિકવાળા હોઠ મૂકી દીધાં. ને ધીરેધીરે એના હાથમાંથી માવો સરકાવી, બારીની બાર્ય ફગાવ્યો...... વિઠલો માવાની હાર્યે હેઠે પડતો હોય એમ લાગ્યું... લગભગ મારી આંખ ફરકી ગઈ'તી.
ઘડીક વારમાં હું માવા વગર્ય લથડિયા ખાવા મંડી...
જો જો હોં, વાત મારી ને તમારી વશમાં... તીજા પાંહે જાવી નો જોવે હોં !