લઘુકથા
ઝાપટુ
પલાશ નિશાળેથી ઝાપટામાં પલળીને આવ્યો.
એ બારી બહાર જોઇ રહ્યો. ઝાંખાં ઝાંખાં દૃશ્યો એની સામે આવ્યાં. કેટલાંક વર્ષો પહેલાં એ પણ પલાશ હતો ત્યારે બકરા ચરાવવાની મજા કંઇ ઓર જ હતી. વરસાદમાં પલળીને આવતો ત્યારે બા ગરમ લાપસી બનાવીને હોંશે હોંશે ખવડાવી દેતી. માલણ નદીનાં રેલગાડીનાં નાળા પાસે ઢાળમાં લસરપટ્ટી કરીને નવી ચડ્ડી અઠવાડિયા પંદર દિ’માં તો હતી નો’તી કરી નાખતો. વ્હીસલ કરતી રેલગાડી નીકળતી ત્યારે બાવરો બની એની પાછળ દોઅડતો. પાણા કાઢેલી ખાણોમાં ભરાયેલા પાણીમાં ભાઇબંધો સાથે નહાવા પડતો. એકવાર તરતાં નો’તું આવડતું ત્યારે કેવો ડૂબી જાત .. !
બા ગઇ એને વર્ષો થયાં. એનામાં કેટલાંય વર્ષોનાં શ્વાસ પાંસળીમાં ભરાઇને વહી ચૂક્યા.
પલાશ ક્યારે પાસે આવીને ઉભો રહ્યો એની ખબર ન પડી. એનો હાથ પકડીને કહે, “ દાદાજી ! ચાલોને બહાર ન્હાવા જઇએ.”
એ અચાનક જાગ્યો; હેં હા, હા, ચાલો કરતાંક હેતથી એનો હાથ તેના માથા પર ફર્યો. થોડીવાર પહેલાં શરૂ થયેલાં ઝાપટાંએ વધુ જોરથી પડવું શરૂ કર્યું, ને એ બંને બહાર નીકળ્યા.