અહમદ’ગુલ’ની ડાયસ્પોરા કવિતા
અહમદ યુસૂફ લુણાત ‘ગુલ’ પાસેથી ‘ઉપવન’, ‘પમરાટ’, ‘મૌન પડઘાયા કરે’, ‘મૌનનું તેડું’, ‘પાંખડી’, ‘સંગતિ’, ‘મૌનાલય’ જેવા કાવ્યસંગ્રહો પ્રાપ્ત થાય છે. ‘એરોમા’એ એમની અંગ્રેજી કવિતાનો અનુવાદિત સંપાદિત સંગ્રહ અદમ ટંકારવી પાસેથી મળે છે. ‘અજાણ્યા’ નામનો વાર્તાસંગ્રહ અને ‘યુ.કે.માં ગુજરાતી સાહિત્યનો આલેખ’ એમ વિવિધ પ્રકારની સાહિત્ય સામગ્રી પ્રાપ્ત થાય છે.
તેમની કવિતાઓમાંથી ઉપસતો બે સંસ્કૃતિ વચ્ચેનો તીવ્ર વિરોધ અનુભૂતિમય રીતે અભિવ્યક્ત થયો છે. ખરા અર્થમાં ડાયસ્પોરાનો ભાવ ધરાવતી તેમની રચનાઓ કાવ્યાત્મક્તા અને સંવેદનની દૃષ્ટિએ વ્યંજનાપૂર્ણ બની છે. ડાયસ્પોરા અંતર્ગત તેમની ‘કેરીની સફર’, ‘બ્રિટનને..’, ‘ચોમેર હતાશાની’, ‘એક નવલું પ્રભાત’, ‘સૂનકાર’, ‘મા’, ‘મારું સરનામું’ વગેરે રચનાઓ સંવેદન, રચનારીતિ અને ભાવની તિર્યકતાને કારણે નોંધપાત્ર ઠરી છે. ‘બ્રિટનને...’માં એક વૃક્ષની જેમ પોતાની સ્વ-ભૂમિમાંથી ઊખડીને પરદેશી ભૂમિ પર રોપાઈ, વિકસીને ઘટાદાર વૃક્ષમાં પરિણમ્યાની સુખદ લાગણી અનુભવવા છતાં સતત રહેતી પોતાના નીજના માળાની શોધ ડાયસ્પોરાનો ભાવ જન્માવે છે. જુઓ-
‘હતાશ, નિસ્તેજ, નીરસ, / એ કાળી રાતને / થપથપાવી,પંપાળી/ હળવેકથી હડસેલી / હું નીકળી પડ્યો તો / એક અજાણ્યા રસ્તે-પશ્વિમે / એક નવા સૂરજની તલાશમાં / જેમ-તેમ / અનેક વિડંબનાઓ પાર કરી અહીં પહોચ્યોં / અહીં- / આવકારાયો, સત્કારાયો, આલિંગાયો, ગોઠવાયો, રોપાયો/ ......છતાં માફ કર / આ ઘટાદાર વૃક્ષમાં હજુ શોધું છું / એક માળો.’
અહીં પોતાના વતનમાંથી નીકળતા સમયે અનિશ્ચિત ભવિષ્યને કારણે વ્યક્ત થતી મન: સ્થિતિ અને પરદેશમાં પહોચ્યા પછી ત્યાં મળતો આદર/સત્કાર, પોતાની જાતને નવી ભૂમિમાં ગોઠવવાની મથામણ, પરદેશમાં વેઠેલ કષ્ટો અને તેમ છતાં અનુભવાતી પરાયાપણાની ભાવનાને કારણે વસાહતી પ્રજાના અસુરક્ષિત ભાવિનો નિર્દેશ વ્યંજનાત્મક રીતે પ્રગટ્યો છે. આવો જ ભાવ ધરાવતી ‘કેરીની સફર’માં પશ્વિમી સંસ્કૃતિની ઉપયોગિતાવાદની માનસિકતા આલેખાઈ છે. આખી રચના સ્થૂળતા તરફથી સુક્ષ્મતા તરફ ગતિ કરે છે. કેરીની ઉપયોગીતાથી સૂચવાતો માનવીય સંદર્ભ કલાત્મક રીતે ઉપસી આવ્યો છે. અહીં વ્યક્ત થયેલ અનુભવનું કથન ડાયસ્પોરાના ભાવને સાંકેતિક ભૂમિકા પૂરી પડે છે. જુઓ-
‘શરીર સૌષ્ઠવ / હસમુખ / રૂપરૂપનો અંબાર/ સૌંદર્યવાન/ હતી એ! / એક્ષપોર્ટરની નજર પડી / ગમી / કન્ટેનરમાં ગોઠવાઈ / એક છેલ્લી દૃષ્ટિ પાછળ રહેલ / સાથીઓના / ઢગલા પર નાંખી / ગદ્ગદ્ કંઠે / રૂંધાતા સ્વરે કહે: / હું તો જાઉં છું / વતન છોડી પરદેશ / ડાળ પર આપણે / પવનના હિલ્લોરે ઝૂલતાં / સૂસવાટા વાયરાના લયે / ગાતાં / નાચતાં / બધું યાદ આવશે / સફરમાં / ક્રશરમાં / ડસ્ટબિનમાં / તમારે તો સાચવવાનો છે / આપણો વંશ / ખચિત, તમારા થકી જ / લહેરાતી થશે, બીજી અનેક / આમ્રવાડીઓ.’
તો ‘મા’ રચનામાં પરદેશમાં સાલતો અભાવ, પરદેશી સભ્યતા-સંસ્કૃતિ પ્રત્યેનો અણગમો અને કાવ્યમાંથી ઉપસતું તળગુજરાતનું ચિત્ર અંકિત થયું છે. વર્તમાન અને અતીત વચ્ચેનો સંઘર્ષ અહીં સ્વદેશ અને પરદેશ વચ્ચેની ભૌગોલિક, સામાજિક અને સાંસ્કૃતિક ભિન્નતા દ્વારા પમાય છે. જુઓ-
‘મા / હવે જો કોઈ / દેશથી આવે તો / મોકલાવજે, / પરોઢિયે ઊઠી / ઘંટીના મધુર તાલ પર / તુજ હસ્તથી / દળેલો મીઠો લોટ / ત્યાં સુધી બ્રેડના ડૂચા / ગળે ઊતારતો રહીશ હું / ને / તુજ હાથથી / કૂવે જઈ ધોએલાં / મારાં લૂગડાંનું પોટલું / મોકલાવજે / ત્યાં સુધી લૉન્ડ્રીના / ધોએલાં કપડાં / મુજ શરીર પર / ટીંગાડતો રહીશ / ને / મા / મોકલાવજે / તારા ખોળાની હૂંફ / ત્યાં સુધી હીટરના તાપમાં / બાળતો રહીશ / શરીર મારું / જો / મા / કોઈ આવે તો…’
પરદેશમાં અનુભવાતો આ વિચ્છેદ ખોરાક-પોષક કે સાંસ્કૃતિક, સામાજિકતા સુધી જ સીમિત નથી, બલ્કે તે જીવાયેલા જીવનની ભૂતકાલીન સ્મૃતિઓનો વર્તમાન સાથે સંઘર્ષ છે. એમાં એક જગ્યાએથી કપાઈને બીજી જગ્યાએ પોતાને રોપવાની અને વિકસવા માટેની માનસશાસ્ત્રીય ભૂમિકા પડેલી છે. બે જુદી-જુદી સાંસ્કૃતિક ભિન્નતાના પરિણામે રહેસાતા, ભીંસાતા માનવીની વેદના અભિવ્યક્ત થઈ છે. ‘હું’માં વર્તમાન જીવનની ધરા પર ઉભા રહીને અતીતને ભૂલી ભાવિ જીવનને ઉજાળવા અને સમૃધ્ધ બનાવા માટેનું આહવાન કર્યું છે. તો ‘સૂનકાર’ રચનામાં પણ ચોતરફ વ્યાપ્ત પરિસ્થિતિ સામે સમાધાન કર્યા વિના માર્ગ કાઢવાની વેદનાનો સૂર અભિવ્યક્ત કર્યો છે. સમગ્ર વિશ્વની ડાયસ્પોરિક પ્રજાનો જે પ્રશ્ન છે તે ‘મારું સરનામું’માં વ્યક્ત થયો છે. પોતાનું કાયમી સરનામું કયું એની વ્યથામાં જીવતી વસાહતી પ્રજાની મૂળ ઓળખ અને તેની સાથે જોડાયેલ પોતાની માતૃભૂમિ સાથેનો ચૈતસિક નાતો, તેનાથી થયેલ વિચ્છેદના પરિણામે અતીત અને વર્તમાન જગત વચ્ચેના પ્રશ્નો અને ભાવિ જીવનની ચિંતામાં જીવતી પ્રજાનો સંઘર્ષ, તેની મનોવ્યથા કે વેદના-પીડા આદિ ડાયસ્પોરિક સંવેદન અંતર્ગત આકરીત કર્યું છે. જ્યાં ત્યાં ભટકતી વસાહતી પ્રજાનાં હંગામી સરનામાં તો અનેક હશે પણ જ્યાં આ શરીર ઢળશે અને બે ગજ જમીન મળશે તે જ પોતાનું કાયમી સરનામું કે અંતકાળ સુધીનું રહેઠાણ હશે એવો ભાવ ડાયસ્પોરિક કવિતામાં નવીન ભાવપરિમાણ ઉપસાવે છે. જુઓ-
‘લોક પૂછે મને /મારું સરનામું / શું બતાવું એમને? / છે બધાં એ હંગામી / સરનામાં / પણ/ જ્યાં ઢળશે આ શરીર /જ્યાં મળશે મને બે ગજ જમીન / ત્યાં હશે / અંત કાળ સુધી /રહેઠાણ મારું’
‘બાઉન્સર’માં વિકએન્ડમાં રોશનીથી ઝગમતી નાઈટ ક્લબોમાં જીવાતું જીવન પરદેશી સંસ્કૃતિના ભોગવાદી માનસને વાચા આપે છે, અને તેના પરિણામે તૂટતાં કૂટુંબોની સુરક્ષા કોણ કરશે એની ચિંતા અહીં રજૂ થઈ છે. વતન પ્રેમનો ભાવ ધરાવતી રચનામાં ભારતીય સંસ્કૃતિ અને પશ્ચિમી સંસ્કૃતિ વચ્ચે જણાતો ભેદ આલેખાયો છે. પરદેશી સંસ્કૃતિનું મૂળ લક્ષણ એ છે કે ભલે તમને બાહ્ય રીતે ગમે તેટલા આવકારે પણ દિલમાં જગા મળતી નથી. ભૌતિક સુખ-સમૃદ્ધિ ધરાવતા પશ્ચિમી સમાજની આવી માનસિકતાને કારણે ‘ગુલ’ તેને બેવફાનો દેશ કહીને ઓળખાવે છે અને તેને પરિણામે પરદેશમાં ગૂંગળામણ અનુભવાય છે તેવો ભાવ વ્યક્ત કર્યો છે. જેમકે-
‘બે વફાનો દેશ છે આ તો, વફા મળશે નહીં
આવકારો હોઠના, દિલમાં જગા મળશે નહીં’
પોતાના વતન-ગામ આલીપોરની યાદ ભૂતકાલીન સ્મૃતિઓમાં લઈ જાય છે. વર્તમાનકાલીન જગત અને ભૂતકાલીન જગત વચ્ચે જે તફાવત છે તેની વચ્ચે થતી તુલનામાંથી જ વતનરાગ આરંભાય છે. એકના મુકાબલે બીજું ઉતરતું-ચડિયાતું જ નહીં પરંતુ નવી પરિસ્થિતિમાં પોતાને ગોઠવી ન શકતાં એમાંથી જન્મતી પીડાને કારણે વર્તમાનને મુકાબલે ભૂતકાળ વધુ આનંદદાયક, સુખી કે સમૃધ્ધ જણાય છે, પરિણામે એ સ્મૃતિમાં હમેશાં અકબંધ સચવાઈ રહે છે અને નિમિત્તરૂપ કારણ બનતાં તે જાગ્રત થાય છે. વતન સાથેનો આ ચૈતસિક નાતો કાવ્યમાં અભિવ્યક્ત થયો છે પરંતુ તે કલાત્મક બની શક્યો નથી. અનુભવનું સીધું કથન રચનાને સિથિલ બનાવે છે. જેમકે-
‘વતનનું નામ આવે તો હૃદયના તાર ઝણકે છે,
ઊર્મિના પુષ્પ ખીલે છે, ઉમંગના બાગ મહેકે છે.
ને જ્યારે દૂરતના ઘાવ જો પીડા જગાડે તો,
વતન તું યાદનાં આંસુ બની આંખોથી ટપકે છે.
કદી જો મન તણાં અમ આંગણે અંધકાર વ્યાપે તો
સિતારા ચાંદ-સૂરજનું બની તું તેજ ચમકે છે.
કરીને બંધ આંખો હું નિહાળી લઉં તને પળભર
વતન તારી, નયન સામે સદા તસવીર લટકે છે.’
તેવી જ રીતે ‘હરપળે છે ગૂંગળાતું’માં પણ વસ્તુનું વ્યંજનામાં રૂપાંતરણ થયું નથી પરિણામે વતન વિષયક ભાવ સપાટ બયાન બની રહે છે, વતન અને પરદેશ વચ્ચે સામાજિક, સાંસ્કૃતિક કે ભૌગોલિક ભિન્નતાનો કે તેમાં કરવા પડતાં સમાધાનનો કોઈ સંઘર્ષ રચાયો નથી.
‘હરપળે છે ગૂંગળાતું આ જીવન પરદેશમાં
રોજ અમને યાદ આવે છે વતન પરદેશમાં
ચાંદ પણ ક્યાં તે અમારો? ને નથી તે તારલા
પારકી ધરતી, પરાયું છે ગગન પરદેશમાં’
‘હું’માં વ્યતીત અને વર્તમાન વચ્ચેની તુલનામાં આવતી કાલને ઉજ્જવળ બનાવા માટેનું આહ્વાન છે. જે વીત્યું છે તે ભૂલીને આવતી કાલની નવી રાહ સર્જવાની વાત ભાવિ પેઢીને વૈશ્વિક માનવી બનવાનો માર્ગ ચીંધે છે.
‘હું / ગઈકાલનો માનવી / પણ તમે તો આજના છો. / ગઈકાલ તો અંધકાર છે. / ગઈકાલ તો ગુમનામ છે. / ગઈકાલ તો સૂમસામ છે. / ગઈકાલને / બસ ભૂલી જાઓ. / પણ/ આજના માનવી, તમે / આજને સંભાળો/ આજને ઉજાળો/ આજને બનાવો/ ને/ રાહ સર્જો નવી/ આવતી કાલના માનવી માટે.’
‘યુવાનો, તમારે’ અને ‘એક નવલું પ્રભાત’ જેવી રચનાઓમાં યુવાનોને પોતાની કોમના ઝઝબાત મરે નહીં તેથી તેને સાચવવાનું આહ્વાન કરવામાં આવ્યું છે. માત્ર કોમ કે જ્ઞાતિ આધારિત ઉદબોધનો સંકુચિત મનોદશામાં બાંધી દે છે. આજે વૈશ્વિકતાના યુગમાં આ પ્રકારની સીમિત વાત સંકુચિત મનોદશાને અભિવ્યક્ત કરે છે. ડાયસ્પોરા સર્જકે આવી સીમિતતામાંથી બહાર નીકળીને વૈશ્વિક એકતા માટે કાર્યરત બનવું જોઈએ. ડાયસ્પોરા સર્જકે સંસ્થાનવાદી મનોદશા પણ છોડવી પડશે, તો જ ડાયસ્પોરાનો ખરો અર્થ સરશે.
// સંદર્ભ સૂચિ //
1. અહમદ’ગુલ’ની ડાયસ્પોરા કવિતા, સંપા. ડૉ. બળવંત જાની, પાર્શ્વ પબ્લિકેશન, ૨૦૧૨
2. અમેરિકવાસી કેટલાક ગુજરાતી સર્જકો, મધુસૂધન કાપડિયા, ગુજરાત સાહિત્ય અકાદમી, ૨૦૧૧
3. ડાયસ્પોરા અને પન્ના નાયકની કવિતા- સંપા. નુતન જાની, શ્રી ના. દા. ઠા. મહિલા વિદ્યાપીઠ- મુંબઈ, ૨૦૦૭
4. ડાયસ્પોરા વિભાજન અને સિંધી ડાયસ્પોરા સાહિત્ય, નૂતન જાની, ‘તથાપિ’ માર્ચ-મે, ૨૦૧૦
5. બ્રિટનમાં ગુજરાતી ડાયસ્પોરા: ઐતિહાસિક અને સાંપ્રત પ્રવાહો, મકરંદ મહેતા, શિરીન મહેતા, વિશ્વ ગુજરાતી સમાજ, અમદાવાદ, ૨૦૦૯
6. બ્રિટનમાં ગુજરાતીઓ, પ્રવીણ ન. શેઠ, જગદીશ દવે, ગુજરાત સાહિત્ય અકાદમી, ૨૦૦૭
7. બ્રિટિશ ગુજરાતી ડાયસ્પોરા કાવ્યધારા, સંપા. ડૉ. બળવંત જાની, પાર્શ્વ પબ્લિકેશન, ૨૦૧૪
8. Global Indian Diaspora (history, culture and identity) Ed. Ajaykumar sahoo and laxmi narayan kadekar, Rawat Publications, jaipur, 2014
9. Indian Diaspora and translationalism, Ed. Ajaykumar sahoo and micheel baas,Rawat Publicationsj aipur, 2013
10. Indian Diaspora, Riocha Dewani, books Enclave, jaipur, 2013
11. Indian diasporic literature in English, Arvindkumar jha and Ramkumar Naik,Crescent Publication corporation new delhi, 2014