સંવેદનાની તીવ્ર અનુભૂતિની વાર્તા “સણકો”
વાર્તાકાર તરીકે ધરમાભાઇ શ્રીમાળીનું કામ શબ્દશીલ્પ તરીકે ટકોરાબંધ નું છે.તેઓ જનપદના તળ જીવનના અચ્છા જાણકાર છે. અને તેમાં પણ ગ્રામીણ જીવનમાં ખૂમારી અને ખૂદારીથી જીવતા દલિતો-પીડિતોની અનેકવિધ પીડા તેમણે ખૂબ જ નજીકથી જોઇ છે. અને તેમાં પણ અનેક અભાવોથી ઘેરાયેલી જિંદગી જીવતા અને એની સામે આવતા પડકારો રાત-દિવસનાં સંઘર્ષો ને તીવ્રતાથી આલેખવામાં આ વાર્તાકાર સ્વસ્થમુદ્વ્રા સાથે નોખા તરી આવે છે.
દલિત પછાત સમાજની જીવનરીતિ તેની ગતિવિધિ વાણી –બોલી,તેનું પોતાનું જ જીવાતું જીવન વ્યવહાર તેમનું આંતરવિશ્ર્વ સુખ-દુ:ખ વગેરેને નિકટથી નિહાળ્યું છે. પરંતુ તેમની વાર્તાનું જમાપાસું એ છે કે દલિત પર થતા અન્યાય, અત્યાચારનો ઉગ્ર સ્વર કળાત્મક ધોરણે આ સર્જકે તેમની કસદાર કલમ દ્વ્રારા દલિત નારીની અસ્મિતાના સૂરને તેની છબીને અનોખી રીતે સણકો વાર્તામાં ઉજા ગર કરી છે.
“સણકો” વાર્તામાં વાર્તાનાયિકા મંછીના અરમાનો કેવા તો ધૂળધાણી થઇ જાય છે.તેની વેદનાનો તીવ્ર સૂર છોડી જાય છે. મંછીએ સેવેલા ઓરતા પર પાણી ફરી વળતા તેની અંતરવ્યથા કેવી તો હદયદ્વ્રાવક હોય છે. તેની પ્રતીતિ આ વાર્તામાંથી થાય છે.
દલિત સમાજમાંથી આવતા માણસુડા પાત્રો તેમના રીત-રિવાજો, વાણી, વર્તન વ્યવહાર તેમજ સમગ્ર બહુજન સમાજ કેવી તો કપરી વિકટ અને પરિસ્થિતિમાંથી ગુજારો કરી રહ્યો છે. આર્થિક સમસ્યા તેમના માટે હંમેશા લટકતી તલવારની જેમ જ હોય છે. તેમના માટે તો કહેવત પ્રમાણે ‘ પાયની પૈદાસ નહિ અને ધડીની નવરાશ નહીં’ સમાજમાંથી શોષક અને શોષણખોર નાબૂત નહીં થાય ત્યાં સુધી અમીરી ગરીબીની ખાઇ પૂરવી કઠીન જ છે. એક વર્ગે આખી જિંદગી માત્ર વેઠયું જ છે એવો પ્રશ્ર્ન પણ થાય કે તેમણે જોયેલા સેવેલા તેમના આશા-અરમાનોનું શું? આ મણ મણ જેવા પ્રશ્ર્નો તેમના માટે જાણે કે પ્રશ્ર્નો બનીને જ રહી જાય છે.ઉચ્ચવર્ગે પોતાની જ્ઞાતિ –જાતિના અહંને સંતોષવાને લીધે તે અન્ય માણસ ઉપર અન્યાય અત્યાચાર કરતો આવ્યો છે. વાર્તાનાં આરંભમાં અસમાનતાને કારણે ઊભી થતી વર્ણભેદ વર્ગભેદની ભેદરેખા તરી આવે છે. નિમ્નવર્ગની કાળી મજૂરી ઉપર તાતાથૈયા કરતા વાણિયા, પટેલો જેવા પાત્રોની માનસિકતા શોષણખોરની છે તે ‘સણકો’વાર્તામાંથી છતું થાય છે.
આ વાર્તામાં મંછી તેનો પતિ સોમો સોમો, પુત્ર કેશો અને બેચર પટેલ તથા ગૌણપાત્રોમાં નાથી, નાનકો વગેરેની આસપાસ વાર્તાના તાંતણા ગૂંથાયા છે. મંછીનો પતિ સોમો બેચર પટેલના ખેતરે કાતિલ ઠંડીમાં પાણી વાળતાં વાળતાં જ ઠંડીમાં ઠરીને ઠીકરું થઇ જતા મૂત્યું પામે છે. ભયંકર ગરીબીમાં જીવતી મંછી અને તેના બે બાળકો સાથે તે નોંધારી થઇ ગઇ, તેણે મનોમન નક્કી કર્યું કે કેશાને ભણાવવો અને તેના બાપની જેમ ગુલામીમાંથી મુક્ત કરવો અને તે માટે મંછી ગમે તે તૈયાર છે.પરંતુ વાર્તાના અંતે પરિણામ કંઇક જુદું જ આવે છે. વાર્તાનું શીર્ષક “સણકો” એ પ્રતીકાત્મક રીતે મંછીના શરીર સાથે પડછાયાની માફક ચોંટી રહે છે. મંછીના અરમાન એવા હતા કે સોમોના મૂત્યું પછી કેશાને ભણાવવો પરંતુ ઘરમાં તો હાડલાં કુસ્તી કરે છે. કેશો ભણવામાં હોશિયાર છે. પણ તેને ગણવેશના ફાંફા છે. મંછી પાસે રૂપિયા નથી. વાણિયા પાસે જવાય તેવુ નથી.તેથી તે બેચર પટેલ પાસે જાય છે. આ પટેલ મંછી લબડાવે છે. તે મંછીને એક શરતે પૈસા આપવા તૈયાર થાય છે. મંછીને પટેલની લોલુપતાની ગંધ આવી જતા તે થરથરી જાય છે. પટેલના મુખમાં મૂકેલા ઉદગારો જૂઓ- મંછી,પૈસા તો આલુ આગળના બાચીસી તોય તૂ કી સી એકઅ આલુ ખરો, પણ...’ તે મંછીને ભીડે છે મંછીને થયું. આ રોયો, નફ્ફટ આટલી ઉમરે ‘’ આ સવારથી સાંજ સુધીનો સમય નિરૂપાયો છે મંછીના હદયમાં ચાલતું ઘમસાણ તેનો ફફડાટ તેના બાહ્ય વર્તન દ્વ્રારા વધારે પામી શકાય છે. લેખકનો તળપદ સાથેનો ઘરોબો કેટલો નિકટનો છે. તે વાર્તાની તાસીર જોતા પામી શકાય છે. સર્જકની વર્ણનકળાની નજાકત મંછીના ઘરની હાલત વર્ણવતા કેવી નિખરી આવે છે.
જૂઓ –
“ બહાર ઓસરીમાં કેશાએ દફતર ખોલ્યું પણ ભણવાની કાંઇ ઇચ્છા જ ના હોય એમ ઉભો થઇ ગયો.લોટનો ડબ્બો ખખડવાનો અવાજ એના કાને અથડાયો.એણે ઘરમાં જોયું તો એની મા બે હાથે લોટનો ડબ્બો ઉંધો કરીને કથરોટમાં ઠપઠપાવી રહી હતી.” ૨૮૫
“સણકો” વાર્તાના આરંભમાં મંછીને કેડમાં સણકો ઉપડે છે. સણકાની સાથે એની રોજિંદી ઘટમાળ શરૂ થાય છે. આ “સણકો” સાધંત વાર્તામાં મંછીના દર્દ સાથે કેવો તો એકરૂપ પર્યાય જેવો બની જાય છે. આ આખું શબ્દચિત્ર વાર્તામાંથી કેવું તાદશ થાય છે.-
“પગને વાગેલી ઠેસ પંપાળી પંપાળીને એ ઘરમાં ગઇ, ઝરમરની વટલોઇ લઇ બહાર આવી. ખૂણામાં પડેલાં સંગથરા બકરી આગળ નાખ્યા, બકરીના આંચળમાંથી દૂધની એક સરર....સરરર થતી રહી. વાગેલી આંગળી પર બકરીનો પગ પડયો. મંછીના મોઢામાંથી નીકળેલો સિસકારો દૂધની સેડમાં ભળી ગયો ને વટલોઇમાંનું દૂધ છલકાતા છલકાતા રહી ગયું.”16
ધરમાભાઇની કલમે રસળતી પ્રવાહી શૈલી વાર્તાને વેગવાન બનાવે છે. વાર્તામાં આવતા નાથી મગનના પાત્રો મંછીના મનમાં ચાલતા વિચારોને વેગ આપવામાં આ શબ્દચિત્ર મહત્વનો ફાળો આપે છે. વાર્તામાં નિરૂપાયેલ પટેલ,વાણિયા વગેરે દલિત સમાજની મજબૂરી તેની લાચારીનો ગેરલાભ લઇ તેને આર્થિક તળે દેવાના ડુંગર નીચે દાબી દે છે. પછી આખી જિંદગી તેનું શોષણ કર્યા કરે છે. આ વાર્તામાં પણ મંછી અને સોમાની આવી જ હાલત થાય છે. બેચર પટેલ જયારે કેશલાને ભાગ્યા તરીકે કેશાની વાત કરે છે. ત્યારે મંછીના કેડમાં ઉપડેલો સણકો બેવડાય જાય છે. મંછી કેશાને ભણાવવા તો માગે છે. પણ ગણવેશ કયાંથી લાવવો, બેચર પટેલ મંછી પર રોફ જમાવે છે. તેના શબ્દો જૂઓ-
‘નેહાળમાં લુગડાં પેરાબ્બા તો હા હા સીન....કેશલાન બેહાડીન હસાબ મંડાવજે , ચેટલું દેવું સઅ ઇનો આંકડો મૂચ્યો સઅ કદી ?’ 16
કેશલો જાણે માની હાલત પામી ગયો હોય તેમ સીધો જ બેચર પટેલના ખેતર ભેગો થઇ જાય છે, જયારે આ બાજુ મંછી તેને ગાંડાની માફક શોધી રહી છે. મંછીને તો કેશાના ગણવેશ માટે લીલપર જવાનું હતું.તેથી તે બપોર થયો હોવાથી કેશાને શોધવા નીકળી કયાંય ન મળતા તેણે લંગડાની ચાલે ખેતરનો રસ્તો લીધો મંછીને કેડમાં સણકારની વેદના ચાલું જ હતી.મંછી જયાં ખેતરે પહોંચી અને ત્યાંનું દશ્ય જોઇ તે અવાક થઇ ગઇ. બેચર પટેલ આંબાની નીચે આડા થઇ આરામ કરતા હતા અને કેશો પાવડો લઇ પાણી વાળી રહ્યો હતો. આ દશ્ય ચોટદાર ભાવકના ચિત્તમાં અંકિત થઇ જાય છે. તે રીતે નિરૂપાયું છે. ભાષાની તાજગી જૂઓ-
” હેં....!’ કરતી એના ગળામાંથી રાડ નંખાઇ ગઇ.આખો પહોળી થઇ ગઇ . માથા પરથી સાલ્લો સરકી ગયો એ ગાંડાની જેમ દોડવા ગઇ. પણ કેડમાં એવો તો સણકો ઉપડયો કે ફલાંગ ભરવા જતા પગ જૂઠો પડી ગયો હોય એવું થયું. છતાંય એ દોડવા ગઇ ને લથડિયું ખાતી ભોંય પર પટકાઇ ગઇ. પગ છોલાવાનું કે કેડમાં સણકાના લબકારાનું ભાન ના રહ્યું. એણે શેઢાનું લીલું ઘાસ બેઉ હાથે પકડીને ખેંચ્યું ને ઉભા થવાનો પ્રયત્ન કરતાં દર્દભર્યું ચીત્કારી, ના.....ના..., દીકરા, પાવડો હેઠો મૂચ.’ 285
આ ક્રિયા દ્વ્રારા મંછીની મનોદશા પામી શકાય છે. માની મમતા તેની વેદના વાર્તામાં ઘૂંટાઇને રજૂ થઇ છે. કંઇ કેટલાંય કેશલાને ભણી-ગણી અને સ્વમાનથી જીવવું છે. પરંતુ બેચર પટેલ જેવા મંછી, સોમો, કેશાને દેવા તળે દાબી તેનું શારીરિક માનસિક શોષણ કરે છે. આ પાત્રોની તીવ્ર સંવેદના હદય સોંસરવી ઉતરી જાય તે રીતે તળપદી બોલીમાં વ્યકત થઇ છે.
વાર્તાના કેન્દ્રસ્થાને દલિતનારીની વેદના રહેલી છે. ગામ, વાડીનું વાતાવરણ વગેરે લેખકની કલમે તાદશ રીતે ઝિલાયું છે. વાર્તામાં મંછી તેના પુત્ર કેશાને ભણાવવા માટે પેટે પાટા બાંધીને મજૂરી કરી રહી છે. તેને જે ક્ષણનો ડર હતો તેને જેમ જેમ દૂર ઠેલતી જતી હતી. તે જયારે આંખ સામે આવતા તેની આંખે અંધારા આવી જાય છે. તે ભાંગી પડે છે. “મણકા”નું સાયુજય મંછીના કેડમાં દર્દ સાથે રચાય છે. ‘સણકો’ ઉત્તમ પ્રતીકાત્મક વાર્તા છે.
વાર્તામાં દલિત પરિવેશ, ગરીબી, શોષણ અને દલિતોની મૂળભૂત સમસ્યાઓનું સરસ રીતે સુપેરે આલેખન થયું છે. મંછીના અંતરભાવો લેખકે ઝીણવટપૂર્વક બારીકાઇ વર્ણવ્યા છે. સર્જકકલાની કોતરણી કરી છે. વાર્તાનો સૂર વક્રતાભર્યો અને કરૂણાંત છે. પડછાયાની જેમ જળો જેવી દલિત સમસ્યાનું નિરૂપણ કરતી ‘સણકો’એ આસ્વાધ વાર્તા છે.
સંદર્ભ :
૧.સાંકળ વાર્તાસંગ્રહ – ધરમાભાઇ શ્રીમાળી
૨. પૂ. ૨૦
૩.એજન પૂ. ૨૧
૪. એજન પૂ.૨૨
૫.એજન પૂ. ૨૫