‘કાફલો’–પ્રતીકાત્મક નવલકથા તરીકે
સ્વાતંત્ર્યોતર ગુજરાતી કથાસાહિત્ય જે વિશિષ્ટ નવલકથાઓ દ્વારા સમૃદ્ધ થયું છે. તેમાં વીનેશ અંતાણી એક છે. પરંપરા અને આધુનિકતાની સમન્વયની દૃષ્ટિ ધરાવતા, વચલી કેડીનો સ્વીકાર કરનાર વીનેશ અંતાણીએ નવલકથા, નવલિકા, નિબંધ, અનુવાદ ક્ષેત્રે પોતાની કલમ ચલાવી છે. તેમણે ‘નગરવાસી’, ‘પલાશવન’, ‘પ્રિયજન’, ‘આસોપાલન’, ‘સૂરજની પાર દરિયો’, ‘સર્પદંશ’, ‘લુપ્ત નદી’, ‘કાફલો’વગેરે નવલકથાઓથી ગુજરાતી નવલકથા સાહિત્યની સમૃદ્ધિમાં વધારો કર્યો છે. એમની ‘ફાંસ’, ‘પ્રિયજન’, ‘પલાશ વન’તથા ‘કાફલો’ જેવી નવલકથાઓથી તેમણે સ્વાતંત્ર્યોતર નવલકારોમાં મોખરાનું સ્થાન પ્રાપ્ત કર્યું છે.
વીનેશ અંતાણી કચ્છ જિલ્લાના એક નાનકડા ગામમાંથી આવે છે. તેથી રણના વાતાવરણે પણ તેમના ઘડતરમાં સવિશેષ પ્રભાવ પાડ્યો છે. તેઓ એક સિદ્ધહસ્ત નવલકથાકાર છે. બાહ્ય ઘટનાઓનો ઝાઝો આધાર ન લેતાં મનોઘટનાઓને પ્રગટ કરવાનું વિશેષ વલણ ધરાવે છે. વીનેશ અંતાણીની નવલકથાકાર તરીકેની એ લાક્ષણિકતા છે કે તેમનું ધ્યાન વ્યાપક માનવ પરિસ્થિતિના પ્રશ્નો તરફ વળ્યું છે. માનવ અસ્તિત્વના કેટલાંક સૂક્ષ્મતર સ્તરો ખુલ્લા થયા છે. આજના માનવીના આંતરજગત વિશેની એક્સ-રે છબી ભણી જાણે એનું વલણ વધુ રહ્યું છે. આનું ઉત્તમ દૃષ્ટાંત સર્જકની નવલકથા ‘કાફલો’ છે.
આ નવલકથામાં લેખકે ઊખડી જતી માનવવસાહત, વિખરાઈ જતા માનવસમાજ અને એને બચાવવાનાં બધા પ્રયત્નોમાં મળેલી નિષ્ફળતાને કારણે વ્યથિત માનવીની વાત કરવાનું ધાર્યું છે. આ માટે એમણે આપણી વસાહત અને આપણા સમાજથી દૂરના સ્થળકાળવાળા એક કાફલાની કલ્પના કરી છે. ખોરાક પાણીની તલાશમાં નીકળેલા કેટલાક જિપ્સીઓએ નદીકાંઠે રહેતાં સ્થાનિક લોકો સાથે લડાઈ કરી, એમને ભગાડી ત્યાં સ્થાયી થવાનું સ્વીકાર્યું અને પછી ત્યાં તેમનો વંશવિસ્તાર થતાં આ વસાહત અને સમાજ અસ્તિત્વમાં આવ્યાં હોય એ કલ્પના કરી છે.
આ કાફલાનો એક લાક્ષણિક પરિવેશ લેખકે સર્જ્યો છે. પૂર્વે ગાઢ જંગલો પાસે ભરપૂર વહેતી નદી અને બાજુમાં લહેરાતાં ખેતરો. તેની વચ્ચે સાદું અને સુખી જીવન જીવતો કાફલો. ખેતી અને શિકાર કરતો, ટાણે-પ્રસંગે નાચતો-ગાતો વારેતહેવારે પૂજા કરતો, હંમેશ સરદારના આદેશનું પાલન કરતો કાફલો કેવી રીતે ઊખડ્યો અને તેમાં વસતી પ્રજા કઈ રીતે વિખરાઈ તેની વાત કરવાનું લેખકે નક્કી કર્યું છે. તેથી તેમણે સમાજના ઉન્મૂલન, વિઘટન અને તજજન્ય વિષાદનાં કથાઘટકો સંયોજીને કથાનું નિર્માણ કરેલું છે.
હંમેશ પૂરતા પ્રમાણમાં વરસતો વરસાદ બબ્બે વર્ષ સુધી વરસે નહીં, નદી સુકાઈ જાય, અન્ન પાકે નહીં, એ બધી મુશ્કેલીઓમાં માંડ માંડ ટકી રહેવા મથતા કાફલાવાસીઓની ઝૂંપડીઓ ને માલમિલકત એક પ્રચંડ વાવાઝોડામાં નાશ પામે. પોતાના પ્રિય સ્થળથી દુઃખી થઈ હિજરત કરતો કાફલો સલામત સ્થળની શોધમાં પર્વત મેદાનો વટોળી આખરે રણમાં આવી પહોંચે અને ત્યાં સુધી પહોંચતાં થાક, ભૂખ, તરસ અને મરણથી વિખરાતો વિઘટન પામતો જાય એવો એક કથાતંતુ છે.
આ કથાતંતુ સાથે એક બીજો કથાતંતુ પણ લેખકે આપ્યું છે. કાફલાની સૌથી સુંદર એવી સ્ત્રી, કાફલાનો સરદાર એને ચાહતો હોવા છતાં તેને અવગણીને કાફલાના ગાયકવાદક એવા પુરુષને પરણે. સરદાર સાથે શિકારે જતાં એ પુરુષ કોઈ પ્રાણીનો કોળિયો થઈ જતાં કે પછી ગમે તે કારણસર લાપત્તા થાય. ત્યારથી કાફલાની અવદશાનો જાણે કે આરંભ થાય. સ્ત્રીને પ્રાપ્ત ન કરી શકવાથી ખિન્ન થયેલો સરદાર આ ઘટનાથી મનોદુર્બળ અવસ્થામાં સરે. વણઝારાનો નાયક અને કાફલાઓને ઉજાડી દેનાર કોઈ ભયંકર લોહીતરસ્યા આપત્તિરૂપ માણસની વાતથી સરદારને સાવધ કરે. એ શયતાનથી કાફલાને બચાવવા સરદાર રાતદિવસની જાગતી ચોકી જેવી વ્યવસ્થા ગોઠવે અને છતાં એ શયતાને જાણે કોઈ છૂપારૂપે કાફલામાં પ્રવેશીને વહેતી નદીને સૂકવી નાંખી હોય, વરસાદને બાંધ્યો હોય, ખેતીને નિષ્ફળ કરી હોય, વાવાઝોડારૂપે ત્રાટક્યો હોય એવું માની સરદાર કાફલાની વસતીનું સ્થળાંતર કરવા પ્રેરાય. પગલું પગલું દબાવીને પાછળ આવતા એ રાક્ષસથી બચાવવા સરદાર કાફલાને એકથી બીજા અને ત્યાંથી ત્રીજા સ્થળે લઈ જાય અને એ રઝળપાટમાં જ કાફલાનો સમાજ વિખરાતો ક્ષીણ થતો જાય. કાફલાને દુર્ભાગ્યમાંથી બચાવવાના સરદારના પ્રયત્નો નિષ્ફળ જાય!એ પ્રાપ્તવ્ય અને કર્તવ્ય એમ બંનેમાં વિફળતાની વેદના અનુભવે.
કુદરતનો કોપ તથા પ્રાપ્તવ્ય અને કર્તવ્યમાં વિફળતા જેવા બે કથાતંતુના સંયોજનથી આ કથાનું વાર્તામાળખું રચાયું છે. તેથી આ નવલકથાની કથા સરળ નહીં પણ સંકુલ છે. કોઈ અજાણ્યા ભયથી ડરી જઈને સરદાર કાફલાને ઉન્મૂલ કરી અન્યત્ર ખસેડે, અને ખસેડવા જતાં કાફલો તૂટતો જાય એવું ઉભડક અને અસ્વાભાવિક કારણ અહીં નથી. એ માનવસમાજ બે બે વર્ષના દુષ્કાળ અને પછી વાવાઝોડા જેવી આસમાની આફતને કારણે હિજરત માટે લાચાર થાય એવી લેખકે કલ્પના કરી છે, તે વજૂદવાળી અને પ્રતીતિકર છે. આ નવલકથાની વસ્તુ ગૂંથણી આમ સુરેખ છે.
કથામાં આમ પાત્રો ઘણાં છે પણ તેમાં વધુ અગત્યનાં ત્રણ છે. સ્ત્રી, ચારિ અને સરદાર. આ ત્રણ પાત્રો જ કથામાં ચરિત્રની કક્ષાએ વિકસે છે. આ ત્રણ ચરિત્રો વડે જ કૃતિની વસ્તુરચના સિદ્ધ થાય છે. તેથી આ ચરિત્રોની વિભાવના સમજવા જેવી છે. અહીં સ્ત્રીની કલ્પના એક સુંદરપણ ભયાક્રાન્ત અને ભ્રમિત નારી તરીકે થઈ છે. ચારિની કલ્પના એક પરપીડન, જૂઠી અને ખંધી નારી તરીકે થઈ છે અને સરદારની કલ્પના એક અપરિણીત, ભયાક્રાન્ત, દ્વિધાગ્રસ્ત, પ્રેમ અને કર્તવ્યમાં વિફળ માણસ તરીકે થઈ છે. સરદાર આ કૃતિના કેન્દ્રમાં છે અને તેની સમસ્યા આ બે નારીઓને કારણે ઊભી થયેલી છે.
પ્રેમની એક ઊંડી આરત અને કર્તવ્યની ભારે જવાબદારી સાથે જીવવા મથતો આ સરદાર ગ્રીક ટ્રેજેડીના નાયકની યાદ અપાવે છે. તેના કોઈપણ અપરાધ વિના તે નિયતિ સામે પરાજય પામે છે. પ્રાપ્તવ્ય અને કર્તવ્યમાં મળતી નિષ્ફળતા તેને નરી નિરસતાનો અનુભવ કરાવે છે. સ્ત્રી અને ચારિ બંનેનું દૃષ્ટિપરિવર્તન થયું છતાં તેની સમસ્યા સુલઝી નહીં તે તેના જીવનની ખરી કરુણતા છે.
નવલકથાનું કથાવસ્તુ જાણ્યા બાદ વાચકના મનમાં અનેક પ્રશ્નો ઉદભવે છે તેનો અર્થ એ છે કે નવલકથાની દેખીતી સરળતા આભાસી છે ખરી વાત એ છે કે આ કથા પ્રતીકાત્મક છે. તેનાં બનાવો, પાત્રો અને પરિવેશ પ્રતીકાત્મક છે.
વરસાદને તેડવા તેની સામે જતો અને વરસાવતો લઈ આવતો પુરુષ અસ્તિત્વનો સંદેશવાહક (messenger of being) છે, કહો કે વૈશ્વાનર છે. તેના મૃત્યુ સાથે કાફલામાંથી ચૈતન્ય લુપ્ત થાય છે. વરસાદ વરસતો નથી, દુષ્કાળ પડે છે. જ્યાં સુધી પુરુષ કાફલામાં હતો ત્યાં સુધી કાફલો લયમાં જીવતો અને તાલમાં બંધાયેલો હતો. પણ તેના મૃત્યુ પછી કાફલાના લોકોના જીવનમાંથી એ લય અને તાલ, એ સુખ અને સંગીત અદૃશ્ય થઈ જાય છે.
પગમાં ચેતન વિનાનો મૂંગો માની કેડ ઉપર જ રહ્યે રહ્યે મોટો થતો, લાંબા કાનવાળો નાની ઉંમરમાં જ વયસ્ક માણસનો આભાસ ઊભો કરતો પુત્ર વાસ્તવમાં કુંઠિત આવતીકાલનું પ્રતીક છે.
સરદારના દાદાના વખતથી જીવતો આખા કાફલાનો વૃત્તાંત સાચવતો એ લાંબી જિંદગી અને ઇતિહાસના બોજથી બેવડ વળી ગયેલો વૃંદારક ભૂતકાળનું પ્રતીક છે. કાફલાની દરેક ઘટનામાં હાજર અને સક્રિય સોમા વર્તમાનકાળ છે. રંગીન પથરો આંખ પર મૂકીને ભાવિ ઘટનાઓને જોઈ શકતી અને કાફલાનાં બાળકોને ખોબામાં ધરતી ફાલા ભવિષ્યકાળ છે. ફાલા જ્યારે જ્યારે રંગીન પથ્થર આંખ પર મૂકીને જુએ છે ત્યારે તેને અંધકાર અથવા પુત્રના લબડતા ટાઢાબોળ પગ દેખાય છે તે સૂચક છે. અંધકાર આગળ કહ્યું તેમ દુરિત અને અનવસ્થાનો નિર્દેશ કરે છે અને પુત્રના લબડતા ચેતનવિહોણા બે પગ કુંઠિત ભાવિનો નિર્દેશ કરે છે. વૃંદારક-સોમા નિઃસંતાન છે એ બાબત એ બંને કાળવંધ્ય હોવાનો નિર્દેશ કરે છે.
પરિવેશનો પણ પ્રતીકાત્મક વિનિયોગ છે. આકાશમાં ખેંચાઈ જતો વરસાદ અને પછી પડતા દુષ્કાળ કાફલામાં ધીરે ધીરે જીવનઅભાવ પ્રસરી રહ્યાનો નિર્દેશ કરે છે. વાવાઝોડું તીવ્ર વિપદા આવી રહ્યાનો નિર્દેશ કરે છે. સ્ત્રીની ઝૂંપડી પાસે સુકાતું વિશાળ વૃક્ષ અને તેની સૂકી ડાળી પર બેસી કર્કશ અવાજમાં કકળાટ કરતો કાગડો અનિષ્ટના આગમનનો નિર્દેશ કરે છે. સરદારને તડકાનો રંગ બદલાયેલો લાગે, કાફલાની હવાની ગંધ બદલાતી લાગે, વૃંદારકને તડકામાં ઝીણાં ઝીણાં સફેદ જંતુઓ ઊડતાં દેખાય એ બાબત કાફલામાં બદલાતી પરિસ્થિતિ અને તેમાં ફેલાતાં જતાં અનિષ્ટનો નિર્દેશ કરે છે. રાત વધતી જાય તેમ તેમ સ્ત્રીની ઝૂંપડીમાંથી ઊઠતી બળતા ઘીની સુંગધ સ્ત્રીની નીતિમત્તાનો અને અપાર્થિવતાનો નિર્દેશ કરે છે. વણઝારણ સ્ત્રીઓના હાસ્ય ઉપર લોઢાને ટીપવાનો ઠોકાતો અવાજ આ પ્રદેશમાં મુક્ત હાસ્ય મુરઝાઈ જવાની વાતનો સંકેત કરે છે. કાફલાની નાભિમાંથી છૂટો પડી ગયેલો સૂરજ કાફલામાંથી લુપ્ત થયેલા ચૈતન્યનો નિર્દેશ કરે છે. દૂર દૂર સુધી ફેલાઈને પડેલું, મૃગજળ દેખાડતું રણ કાલનું પ્રતીક બની રહે છે.
નવલકથાની ઘટનાઓ અને તેનાં પાત્રોમાં રહેલી સાંકેતિક વિગતો જોયા પછી એ બધાનો એક સમગ્ર રૂપમાં વિચાર કરતાં ખ્યાલમાં આવે છે કે લેખકે આ નવલકથામાં આજની આપણી એક યુગ સમસ્યાને કળાત્મક રૂપ આપવા મથામણ કરી છે.
જર્મન ફિલસૂફ નિત્સેએ ઈશ્વરના અવસાનની સત્તાવાર ઘોષણા કરી ત્યારથી ઈશ્વરની અનુપસ્થિતિમાં આપણા જીવન અને જગતમાં શું થશે તેનો નિર્દેશ કરતી અનેક સાહિત્યરચનાઓ પશ્ચિમમાં થઈ છે. આપણે ત્યાં આ વિષયને અનુરૂપ આ પહેલી નવલકથા છે. તેમાં સીધી રીતે કશું પ્રગટ કરવાને બદલે લેખકે પ્રતીકતંત્રનો આશરો લઈ આપણા યુગની વાસ્તવિકતાને કળાત્મક રીતે પ્રગટ કરી છે. સાચો કળાકાર યુગબળથી દૂર રહી શકતો નથી. પોતાના યુગની ચેતનાને અવગત કરી તેને મૂર્ત અને પ્રભાવક રૂપ આપવાનું કામ તે કરતો હોય છે. શ્રી વીનેશભાઈએ આ કામ કર્યું છે. વૈયક્તિક વેદન-સંવેદનની કથાઓથી આગળ વધીને તેમણે આ કથામાં આપણા યુગની એક સમસ્યાને ઉજાગર કરી છે, તે તેમને ઊંચા સ્થાનના અધિકારી બનાવે છે.
સંદર્ભગ્રંથો
1. કાફલો – લે. વીનેશ અંતાણી
2. નવલકથા સ્વરૂપ – પ્રવીણ દરજી
3. ગુજરાતી નવલકથા – રઘુવીર ચૌધરી, રાધેશ્યામ શર્મા
4. શૈલી અને સ્વરૂપ – ઉમાશંકર જોશી
5. કથાલોક – ચુનીલાલ મડિયા