‘શમ્યાપ્રાસ’ - એક સમીક્ષા
સાંપ્રત સમયના ગુજરાતી સાહિત્યમાં વાર્તાક્ષેત્રે વિવિધ વિષયવસ્તુ અને શૈલી પરત્વે પરિવર્તન આવતાં જાય છે. સંશોધન - વિવેચનની દશા અને દિશામાં સંશોધક અને વિવેચક જુદી જુદી રીતે સૈદ્ધાંતિક માપદંડ વડે કૃતિને મૂલવે છે. આ ક્ષેત્રમાં જેટલી કેડીઓ નવી બનાવીએ એટલી ઓછી છે. સર્જક ગુણવંત વ્યાસ આ ક્ષેત્રે વિદ્વાન વિવેચક, સહૃદય ભાવક, સંપાદક, વાર્તાકાર અને સમીક્ષક છે, એ તેમના સર્જન-લેખન વડે પ્રમાણી શકાય. ‘રચનાબોધ’, ‘દલિત સાહિત્યઃ અભ્યાસ અને અવલોકન’, ‘પિચ્છ એક પોરપિચ્છ’ (ચિંતનાત્મક નિબંધો-૨૦૦૮), ‘મોરપિચ્છનું મધુવન’ (લલિત નિબંધો-૨૦૦૯), ‘શમ્યાપ્રાસ’ વગેરે વિશિષ્ટ સર્જનના ફળરૂપે સાહિત્ય જગતમાં તેમની એક આગવી ઓળખ સર્જકની તથા ‘કથાકાર’ તરીકેની પણ રહેવા પામી છે. ‘રમેશકથા’ના વિવિધ કાર્યક્રમ અમદાવાદ, આણંદ, વડોદરા... એવા વિવિધ સ્થળોએ યોજાતાં રહે છે તેનો પણ વિશેષ આનંદ અને ગૌરવ થાય.
‘શમ્યાપ્રાસ’ એમની સર્જકીય પ્રતિભાનું વિશિષ્ટ અવતરણ બની રહે છે. વર્ષ - ૨૦૧૪માં પ્રકાશિત ‘શમ્યાપ્રાસ’ વાર્તાકૃતિને ગુજરાત સાહિત્ય અકાદમી તરફથી પુરસ્કાર પ્રાપ્ત થયો. વાર્તાસંગ્રહ ‘શમ્યાપ્રાસ’ કૃતિમાં કુલ ૧૨ વાર્તાઓ સમાવિષ્ટ છે. ભાવવિશ્વની દૃષ્ટિએ વાર્તાઓમાં વૈવિધ્ય જોવા મળે છે. ‘શમ્યાપ્રાસ’ પ્રથમ વાર્તા જે મુળે તો વાર્તાસંગ્રહનું ‘શીર્ષક’ છે. પ્રસ્તુત વાર્તા ભાવજગત અને ભાષાશૈલીની દૃષ્ટિએ નવીન અને વિશિષ્ટ છે. કથાવસ્તુમાં એટલું જ કે વાર્તાનાયક એક સરનામાવાળી ચિઠ્ઠિને આધારે અજાણ્યા રસ્તાઓમાંથી પસાર થતાં થતાં, અજાણ્યા લોકોને સરનામું પૂછતાં પૂછતાં એક ચોક્કસ સ્થળે પહોંચવા માગે છે જે આશ્રમ છે, ‘શમ્યાપ્રાસ’. ના... ના...કરતાં પણ ગમતાં સ્થળે જવાનો નાયકનો ઉમળકો આરંભથી અંત સુધી અનુભવી શકાય છે. પણ ત્યાં સુધી પહોંચવા માટેની વાર્તાનાયકની મથામણ, અનુભવસૂઝ અને એ સાથે પોતાના ઉમદા વિચારો વડે વણી લેતા ઉત્તમ કવિઓના ગઝલશેર સમગ્ર વાર્તાની રચનારીતિમાં નવીનતા જન્માવે છે. સર્જકની ભીતર ચાલતાં જીવન પ્રત્યેના વિશિષ્ટ ભાવો આ વાર્તામાં કળાતાં જોવા મળે છે જેમકે, સરનામાની ચિઠ્ઠિના અક્ષરો ન ઉકેલી શકનારા શહેરના લોકો માટે લેખક કવિ રમેશ પારેખના ગઝલ શેરથી ભાવ વ્યક્ત કરે છે,
‘ટપાલ જેમ તેમ ઘેર-ઘેર પહોંચો પણ
સમસ્ત શહેરના લોકો અભણ મળે તમને’ (પૃ ૧૦)
પોતે મૂળ સરનામે પહોંચી શકશે કે કેમ એની અવઢવ અને મથામણમાં જ શહેરના રસ્તા, ભીડ, માનવમન... એવું બધું તેમના અનુભવ જગતમાં પ્રવેશે છે તેમ વાર્તાનાયક ‘જાત સાથે વાત’ કરતાં જાય છે. જેમ કે, ‘નીકળી પડુ પાછો આ નગર છોડીને, વળતી ટ્રેનમાં શાંતિથી ઠરી બેસું. એક કાગળના ટુકડા પર ભરોસો કરીને આવ્યો’તો આ નગરમાં. હતું, કોઈક તો મળશે અહીં, સાચી દિશા ચીંધનાર ! કાંઈક તો આંગળી ઝાલનાર ! (પૃ.૧૦) પણ આટલા મનોમંથન બાદ પણ ઉંડી શ્રદ્ધા સેવતો વાર્તાનાયક મનોજ ખંડેરિયાના એક ઉત્તર શેરથી પ્રેરાઈને પંથ પકડે છે. ‘ટોપલીમાં તેજ લઈ નીકળી પડો, પાણીની વચ્ચેથી રસ્તા થઈ જશે’ (પૃ. ૧૦)
આ રીતે ચિનુ મોદી, બેફામ, ઉદયન ઠક્કર, કિસન સોસા, રાજેશ વ્યાસ ‘મિસ્કીન’, રઘુવીર ચૌધરી, મરીઝ, વિનોદ જોશી, રમેશ પારેખ, હર્ષદ ત્રિવેદી, નીતિન વડગામા, ચન્દ્રકાંત ટોપીવાળા, તુષાર શુકલ, મકરંદ દવે... એવા ઉત્તમ કવિ - ગઝલકારની ઉત્તમ રચના - શેર વડે લેખકે વાર્તાનાયકની ભીતર ચાલતા ભાવોને કલાત્મક રીતે વાચા આપી છે. જીવનની સફર કરવી એ કોઈ સરળ વાત નથી. એવી જ રીતે કોઈ ગમતાં સ્થળે પહોંચવા પૂર્વે કરવી પડતી મથામણ કે સંઘર્ષ પણ જીવનપાઠનો એક ભાગ છે. એ સ્વીકારવુ જ રહ્યું. વાર્તાનાયકના મુખે લેખકે મૂકેલો આત્મસંવાદન પ્રશંસનીય છે. ‘ઘરેથી સંકલ્પ કરીને નીકળ્યો છું, આફતોને અતિક્રમીનેય આગળ વધવું જ રહ્યું’. (પૃ.૧૩) ને એટલે જ ભીતરનું બળ પુરું પાડતો રાજેશ વ્યાસ મિસ્કીનનો ઉત્તમ શેર અહીં કારગત નીવડે છે.
‘તારું કશું ન હોય તો છોડીને આવ તું, તારું બધુ જ હોય તો છોડી બતાવ તું’ (પૃ.૧૩) ઘરેથી નીકળ્યા ત્યારે જે સૂરજ આકરો લાગતો હતો એ જ સૂરજ સરનામું મળી જતાં તેનો તાપ શમી ગયો હોય એમ લેખકે વર્ણવ્યું છે ? નિશ્ચિત સ્થળે પહોંચતા આનંદનો ઓડકાર પણ વાર્તાનાયકના સંવાદમાં અનુભવી શકાય છે. ‘હું છલકાઈ ઉઠ્યો. મારા પૂર્વજોની અપૂર્વ સમૃદ્ધિનો જ્ઞાનસાગર સામે લહેરાઈ રહ્યો હતો... ઋચાઓથી પવિત્ર અને શબ્દોથી સુશોભિત આ વારસાને હં વંદી રહ્યો, આને એળે ન જ જવા દેવાય, વેડફાવા તો કેમ દેવાય ! હું દ્રઢતાથી પ્રવેશ કરું છું. મારામાં ઉજાશ - ઉજાશ થઈ આવે છે, જાણે એક સાથે સેંકડો સૂર્ય ન ઉગ્યો હો! ’ (પૃ. ૧૮) ‘શમ્યાપ્રાસ’ આશ્રમે પહોંચ્યાનો વિશેષ આનંદ આ સંવાદમાં કળી શકાય છે. લેખકે વાર્તાને અંતે તેનો સંદર્ભ પણ આપ્યો છે, બ્રહ્મનદી સરસ્વતીના પશ્ચિમકાંઠા પર મહર્ષિ વેદ વ્યાસના આશ્રમ ‘શમ્યાપ્રાસ’ કે જ્યા ઋષિઓ દ્વારા નિરંતર યજ્ઞો થતા રહે છે એવો ઉલ્લેખ શ્રીમદ્ ભાગવત પુરાણમાં આપેલ છે. સમગ્ર વાર્તામાં કોઈ ભૌતિકવાદનો આનંદ નથી નિરૂપાયો બલ્કે, પ્રતીકાત્મક રીતે જીવનની સફરમાં પસાર થતાં થતાં પ્રાપ્ય જીવનમૂલ્યો, ચિંતન અને સહજ આનંદની અનુભૂતિનો વિસ્તાર વાર્તામાં થયો છે. એ માટે સામગ્રીરૂપે, ગઝલકાર અને તેમના શેર અનુભવ જગતને સમજવામાં કારગત નીવડે છે. એટલે તો સર્જકે વાર્તામાં લખ્યું છે. ‘રૂપાળાં પાટિયાં ને આકર્ષક જાહેરાતોથી કદાચ હું લોભાઈ જાઉં, કદાચ ક્યાંક ફંટાઈ જાઉં કે કદાચ ક્યાંક મોટા બંધ હોલના અંધકારમાં ત્રણ-ત્રણ કલાક ગુંગળાઈ મરી, બાહુકની સ્થિતિને પામું એ પહેલાં હું સરનામાને સાચવતો આગળ ધપું છું’ (પૃ.૧૧) માયાવી શહેરમાં આટોપાઈ જવાના બદલે નાયકને તો વૈરાગીભાવ વધુ સ્પર્શે છે ને એ સમગ્ર વાર્તાનો પ્રધાન સૂર બની રહે છે. આમ, ભૌતિક સુખ-ભોગ પાછળ ભાગવાને બદલે આત્મસંવાદ આદરીને સંસ્કૃતિ સ્થળ ‘શમ્યાપ્રાસ’ આશ્રમે પહોંચવાનો સંકલ્પ એ પરમ લક્ષ્ય સિદ્ધ કર્યોનો નિર્દેશ છે. પ્રથમ પુરુષ એકવચનના કથનકેન્દ્રમાં વિહરતી વાર્તા વાસ્તવમાં લેખકની ‘આંતર શોધ’ બની રહે છે.
‘શમ્યાપ્રાસ’ સંગ્રહમાં ચરિત્રકેન્દ્રિ ત્રણેક વાર્તા મળે છે. ‘નવી સડક’, ‘સુન્દરકાણ્ડ’ અને ‘જુઠ્ઠો’ જો કે ત્રણેય વાર્તામાં આલેખિત વ્યક્તિચરિત્ર ભિન્ન છે. ‘નવી સડક’ વાર્તામાં લખુભાનું પાત્ર કેન્દ્રવર્તી નીવડ્યું છે. ગ્રામજીવનમાં જીવતાં મનુષ્યને શહેરની ભૌતિકતા પ્રત્યે અણગમો ઉપજે તે સ્વાભાવિક છે. લખુભા ગામના મોભાદાર વ્યક્તિ.ને એમને નવી સડક બનાવતા એક ટ્રક ડ્રાઈવરે અપશબ્દોથી રસ્તાથી દૂર થવાનું સૂચવ્યું. આટલી વાતે તેમના મન પર ભારે આઘાત લાગ્યો. પોતે સડક બનાવવાના નિર્ણયથી દુઃખી હતાં કેમકે નવી સડકમાં પોતાના બાપદાદાનો વરસો જૂનો આંબો વહેરાઈ જવાનો ભય તેમને વ્યગ્ર કરતો હતો. ટ્રકડ્રાઈવરના શબ્દોથી પીડાતા લખુભા ‘જીવવું હવે ધૂળ બરાબર, સગા દીકરાને ય નો’તો સાંખી લીધો, ને આ એક મગતરું મને જેમ તેમ કૈ જાય ? મારીને મારા બાપુની ઈજ્જતના આમ ફાલુદા ઉડાડે?’ (પૃ-૨૦) આમ, સ્વમાન ઘવાયાની પીડામાં ડૂબેલા લખુભા ગમે તે ભોગે પોતાનો આંબો વહેરાવા દેવા માગતા નહોતા. હઠાગ્રહી સ્વભાવને લીધે જ તેમના છોકરાઓ પણ શહેર ચાલ્યા ગયેલા. લખુભાનુ ધ્યાન રાખનાર લવો તેમને સમજાવ્યાં કરે, જીવ બાળે પણ લખુભા કોઈનેય ન ગાંઠે. વાર્તાને અંતે લખુભા સ્વયં આક્રોશ, આઘાત, એકલતામાં સબડતા કોદાળી લઈ રાત્રિના અંધકારમાં આંબા પર ઘા ઝીકવા લાગે છે. વાસ્તવમાં રાજા-રજવાડાના ઠાઠમાં જીવતા લખુભાની માનહાનિ અને પીડાએ તેમને નોંધારા બનાવી દીધેલા હોય એમ વાર્તાન્તે કળી શકાય છે. ગ્રામજીવન, તેની બોલી, તળપદ-માનસ, અને વ્યક્તિત્વ ‘લખુભા’ દ્વારા લેખકે કલાત્મક રીતે આકૃત કર્યું છે. વાર્તાનો અંત જેટલો દુઃખદ છે એટલો જ વાસ્તવિક પણ છે.
‘જુઠ્ઠો’ વાર્તામાં નિરૂપીત વિષયવસ્તુ જરાં જુદી રીતે આલેખાયું છે. વાર્તામાં રાહુલની એવી કોઈક વાત રહસ્યમય રીતે વ્યક્ત થઈ છે જે વાર્તાને અંતે પણ રહસ્ય જ રહી છે. વાર્તાનાયક સતત અસમંજસમાં રહે છે કે રાહુલની વાત પર વિશ્વાસ કરવો કે ન કરવો. એ માટે પોતે શહેર જઈ ચોકસાઈ કરી લેવાની તૈયારી પણ દાખવે છે. ‘જુઠ્ઠો’ એવા સંબોધનથી વાર્તાનો આરંભ અને અંત આલેખાયો છે. કેટલાંક લોકોને ‘સફેદ જૂઠ’ બોલવાની ટેવ હોય. અર્થાત્ જૂઠ પણ એ રીતે બોલે કે સત્ય લાગે. રાહુલના જુઠ્ઠા સ્વભાવ અને તેની નાટકીય ભાષાનું દર્શન આ વાર્તા બની રહે છે. ‘વાત જાણે એમ હતી કે...’ આ ઉક્તિ લખીને સર્જકે રહસ્યમય વાતને ખુલ્લી કરી જ નથી. આમ, સમગ્ર વાર્તા રાહુલના વ્યક્તિત્વને આકૃત કરી ભાવકના ચિત્તમાં સતત કૂતુહલ જન્માવે છે. સમાજમાં આવા ચરિત્રો હોય છે જ તેનો આ એક દાખલો છે.
‘સુન્દર કાણ્ડ’ વાર્તામાં સુન્દરના ચરિત્રની અને દલિત નાયકની પીડાનું વર્ણન છે. ‘બીજો વિકલ્પ’ વાર્તા પણ દલિત ચેતનાની કૃતિ બની રહે છે. બન્ને વાર્તામાં દલિતનાયકની વ્યથા, સ્થિતિ, અને આત્મસન્માનની પ્રતીતિ થાય છે. ‘સુન્દર કાણ્ડ’ વાર્તામાં નાયક સુન્દરની ગામ છોડીને અન્ય સ્થળ શહેરમાં પ્રયાણ કરવા તરફની વેદના આલેખાઈ છે. લેખકે વ્યંજનાસભર પ્રાકૃતિક આલેખન કર્યું છે. ‘લોકોએ જે હરિયાળી કેડીઓ વાઢીને ડામરિયા સડકોની જાળો પાથરી હતી. ઓતરાદિ નદીયુંને ઉપરવાસે બાંધીને ભીના પટના તળિયાને સુકવવાનું સાહસ ખેડ્યું હતું. શહેરના વાઘા સજી રહેલુ ગામ માણસને મઠારવાની માવજત ભૂલી ગયું હતું ને માનવસંસ્કૃતિની ઓળખ સમી નદી ખરેલા નાયડાની જેમ સુકાતી, સંકોચાતી નિષ્પ્રાણ બનવા લાગી હતી’ (પૃ. ૭૮) આ રીતે ગામ ગામ મટીને શહેર બની ગયાની વાત લેખકે નિર્દેશી છે. આવા ગામમાં સુન્દર અને તેના પાંચેક સ્વજનોનું આગમન માનનગરમાં થયું ને નવી વસાહતમાં તે સ્થિર થયો. શહેરના લોકોને તેમનું આગમન ગમ્યું નો’તું કારણ કે સુન્દર આદિવાસી હતો. તેની જાત જ વિચરતી જાતીની. ને અણગમતા ધુત્કારની વચ્ચે નાળવિચ્છેદની પીડાને ઝીલીને પણ તે જીવતો રહે છે. સુન્દર કોઈના દબાણમાં જીવનારો ફક્કડ મોજીલો અને ધાર્યુ કરનારો યુવક છે. લેખક યથાર્થ લખે છે, ‘ટીપીટીપીને આભૂષણોને આકાર આપવામાં એક્કા શહેરી - સોનીઓ મૂળ ધાતુમાં હલકી ધાતુની ભેળવણી કરવામાં પાવરધા હતા. પણ પારા જેવો સુન્દર કેમેય કરીને હાથ નહોતો આવતો.’ (પૃ.૮૧) આવા સુન્દરને આભડછેટ ગણતા નાગરો તેને ધુત્કારતા ભરબપ્પોરે પાણી પણ ન ધરતા. શહેરના લોકો વિશે લેખક લખે છે, ‘પાણીને નામે પેસવું છે ઘરમાં ને પછી લૂંટ, ચોરી... મુઆઓ મરતા નથી અહીંથી.’ (પૃ.૮૦) એક ઠેકાણે તે ભાથુ ખાવા બેસે છે ત્યારે પણ, ‘ઉભો થા, એય જંગલી! હટ અહીંથી, આઘો જા! ક્યાં - ક્યાંથી ચાલ્યા આવે છે, સાલ્લાઓ’ (પૃ.૮૧) આવા તો કંઈક તિરસ્કાર તેને મળે છે. લેખકે દલિત નાયકની વેદનાને બરાબર વાચા આપી છે. જેમકે, ‘રોજી-રોટીની તલાશે ભટકતી પોતાની, વસાહતને આવા કેટલા કડવા અનુભવ થયાં હતાં’ (પૃ.૮૨) વળી, શહેરમાં થતી ચોરી, લૂંટના કિસ્સામાં સુન્દર જેવા ઘણાં હડફેટે ચડે ને શંકાનો ભોગ બને તેય સત્ય હકિકત છે. પણ સુન્દર માગીને જીવનારો યુવક નહોતો. છતાં એકવાર બે પાવડા ચોર્યાનું આળ તેના પર આવેલું ને શારીરિક શિક્ષાનો ભોગ પણ પોલીસ દ્વારા પામેલો. વાર્તાનું અંતિમ દૃશ્ય નિરૂપણ વ્યંજનાસભર છે. રવિવારના દિવસે આખું શહેર રામાયણમાં લંકાદહનના દૃશ્યને જોવામાં ટી.વી. પર ધ્યાનમગ્ન રહે છે ત્યારે બીજી બાજુ શહેરમાં વ્યાપેલી લૂંટ, પોલીસની સાયરન, શહેરી લોકોનો ભય, .. જેવી સ્થિતિ સર્જાય છે ને તેમાંય વિચરતી જાતિ જેવાને પોલિસ ગુનેગાર ઠેરવી જેલમાં પૂરે. જ્યારે ગૂનેગારો બહાર જ રખડ્યા કરે. ચોરીના આળ પછી ચેતી ગયેલો સુન્દર હવે ફરી પકડાય તેમ નહોતો. પોતાના સ્વજનો સાથે તે વતનની વાટે નીકળી ગયાનો ઉલ્લેખ રામાયણના લંકાદહન કરતાં હનુમાનજીની સ્થિતિ સાથે નિરૂપીને વ્યંજના સભર નિર્દેશ કર્યો છે. વસ્તુનિરૂપણની દૃષ્ટિએ આ વાર્તા ચરિત્રપ્રધાન બને છે.
‘બીજો વિકલ્પ’ વાર્તા સાદ્યંત કલાત્મક વાર્તા બની રહે છે. ‘શમ્યાપ્રાસ’ પછીની વધુ પસંદ પડે તેવી આ વાર્તા છે. વાર્તાનાયક બાધર દલિતજાતિનો ભણેલો ગણેલો શિક્ષક યુવાન છે. ગામની શાળાના હેડમાસ્તરે તેને તેની જાત અને નામ બદલીને ગામમાં નોકરી કરવાનો વિકલ્પ દર્શાવ્યો. કારણ કે હેડમાસ્તર ગૌરીશંકર પંડ્યા જાણતા હતા કે ગામ તેને શાંતિથી જંપવા નહીં દે. તે કહે છે, ‘ફાડી ખાશે કારણ વિનાના! ખુબજ સંકુચિત એવો અહીંનો સમાજ છે. જાત ન પ્રકાશશો અહીં તમારી!’ (પૃ.૭૨) બાધર માટે આ વિકલ્પ જીવતે જીવત મરવા બરાબર લાગ્યો. આ વિકલ્પ સ્વીકારવો એના કરતાં ગામ છોડીને નોકરી છોડીને બીજે ગામ બદલી સ્વીકારવાનો વિકલ્પ તેને આત્મસન્માનીય લાગ્યો. બાધરને મન ‘ગામ બીજું મંજુર હતું. જાત બીજી નહીં’ એટલે જ બાધર છના પરમારને બદલે બહાદૂરસિંહ છત્રસિંહ પરમાર બનીને ગામમાં ટકવાનો વિકલ્પ નહોતો પસંદ કર્યો. અધિકારીઓ દ્વારા થયેલ ખોટી અરજી અને આક્ષેપો સહન કરીને પણ ગામની ભલે જીત થઈ હોય પોતાને ત્યજવામાં. પણ, બીજી જાત ન સ્વીકારીને બીજી બદલી અપનાવીને બાધરે પોતાની જ નહીં પોતાની સમગ્ર નાતનું પણ સન્માન વધાર્યું. ‘હવે નવી શાળા, નવું ગામ, નવા લોકો ને વળી પાછો નવો તમાશો. આ વિચારીને તે વ્યથિત તો થાય છે પણ પિતાની સમજણને વશ થઈ ફરી હકારાત્મક વલણ દાખવી જીવનમાં મચેલી ઉથલ પાથલને વીસરે છે. બાધરની માનસિક સ્થિતિને વર્ણીત કરતું પ્રાકૃતિક વર્ણન સૂચક નીવડે છે. જેમકે, ‘વાદળાં વચ્ચે લપાતો - છુપાતો સૂરજ આજે આખો દાડો દેખાણો જ નહોતો. અત્યારે બાધરની વિદાય જોવા જ જાણે આથમણી કોરથી એણે ડોકિયું કર્યું હતું’ (પૃ.૭૩) વતનની હૂંફ પામવા લેખકે લખ્યું છે. તેમ, ‘વાસ એને શ્વાસ લેતો કરશે એ વિશ્વાસે એને ઘર ભણી દોરી ગયો’ (પૃ.૭૪) ને સાચે જ તે માતા-પિતાની છાયામાં વેદના વીસરી જાય છે. બીજે દિવસે નોકરીના સ્થળે પહોંચવા માટે બાધર બસમાં બેસે છે. વાર્તાનું વસ્તું વળાંક લેતું હોય એમ બસમાં મુસાફરોની સાથે બાંધરની અનુભૂતિ, એક નાનકડું બાળક પિતાને જે સવાલો કરે છે તેનો નિર્દેશ, પિતાના સૂઝપૂર્વકના જવાબો, રામજીમંદિર, હનુમાનજી મંદિરમાં દર્શન કરવાની લોકોની ઈચ્છા... ને અંતે શનિદેવનું મંદિર અને તેની ઉત્પત્તિ પાછળના કારણો - આ બધુ બાધરને સ્પર્શવા લાગ્યું. ખાસ તો શનિદેવ અને તેમની ઉત્પતિની વાતમાં તેને પોતાની જાતીને વેઠવી પડતી સમસ્યાઓનું નિરાકરણ દેખાવા લાગ્યું. એટલે કે અપમાનિતોના આક્રોશનું પ્રતિક શનિદેવ હોય અને તેથી પનોતીઓને દૂર ઠેલવા શનિમાર્ગ અપનાવવા જેવો લાગ્યો. આ રીતે તેને એક જુદી જ દિશા, શક્તિ પામ્યાનો અનુભવ થયો. શનિમંદિરે વાચેલ મંત્ર - ‘જો યહ શનિચરિત નિત ગાવૈ, કબહુ ન દશા નિકૃષ્ટ સતાવૈ’ (પૃ.૭૭) હવે તે બીજે ગામ પહોંચીને નિરાશ નહોતો. વાર્તાન્તે બાધરમાં જાગેલી આત્મશક્તિ અને તેને જગાડવામાં ભાગરૂપ શનિદેવનો સંદર્ભ વાર્તામાં નવીનતા, હકારાત્મક શક્તિ અને દલિતો માટે નવી આશાનો સંદેશ દાખવે છે. ભાષાભિવ્યક્તિ અને વસ્તુનિરૂપણ એમ બેવડી ભૂમિકાએ વાર્તા રસમય બની છે.
બાળમાનસને પ્રગટ કરતી વાર્તાઓમાં ‘દાઢીવાળો બાવો’ અને ‘મેળો’ બન્ને વાર્તા કલાત્મક છે. જો કે ‘મેળો’ વાર્તા બે હેતુ સિદ્ધ કરે છે. બાળમાનસ અને દલિતસંવેદના. ‘મેળો’ વાર્તામાં ગોકો નામે બાળનાયક તેની ‘મા’થી મેળામાં ભૂલો પડ્યો છે. એક બાળક વિચારે તેમ, ‘પીઠ ફરીનઅ ઊભી વોંય તોય આઘેથી ચ્યમ નજરે ચડતી નથ્ય. વેન(હઠ) કરીનઅ મા-નઅ મેળે લાયો’તો; ઈ મેળો જ મા વનઅ ગરી જ્યો કઅ ? ’ (પૃ.૪૭) મેળામાં માં’થી ભૂલો પડેલો ગોકો મેળામાં ‘મા’ને આમ તેમ શોધા શોધ કરે છે. પછી તો મેળામાં અજાણ્યા લોકો રડતા ગોકાને જોઈ સહાનુભૂતિ દાખવતાં પૂછપરછ કરે છે. કઈ જાતીનો, કયા ગામનો, માતાપિતા કોણ? વગેરે. આ ભીડમાં રામભાઈ જેવા સજ્જન પુરુષે ગોકા પ્રત્યે સહાનુભૂતિ દાખવતા તપાસ શરૂ કરી, બિસ્કિટ, ચોકલેટ અપાવી. ગભરાયેલા ભૂલા પડેલા બાળકને ડર ન લાગે માટે વધતી મેદનીને વિખેરી બાળકને બને એટલું પોતીકુ વાતાવરણ આપવાનો પ્રયાસ થવા લાગ્યો. બાળકને સૂઝે એવા જ વિચાર ગોકાને આવવા લાગ્યા કે, ‘મા જાણી જોઈને તો મૂકી નહીં ગઈ હોય ને ?’ અચાનક મા ને જોતા જ ગોકો દોડીને ભેટી પડ્યો. માએ પણ તેને ફુલની જેમ ઉચકી લીધો. ‘મારો લાલ, મારું પેટ’ કહીને વરસવા લાગી. લેખકે મા-બાળકનો પ્રેમ સચોટ દર્શાવ્યો છે. નાત-જાત ગમે તે હોય પણ મા-બાળકનો પ્રેમ તો દરેક નાત-જાત કરતાંય ઉંચો જ રહેવાનો. રામભાઈને ગોકાની મા પરિચિત લાગી તે સમજી ગયો કે તે તો દલિત છે. તરત જ તેણે પોતે તેડેલા બાળક પ્રત્યે તેની સહાનુભૂતિ પ્રત્યે સૂગ દર્શાવી. પોતાના વસ્ત્રો - ખંખેરવા લાગ્યો. રૂમાલથી દાગ લૂછવા લાગ્યો. ને બધી ચીડ ગોકાની મા કમરી પર કાઢતા કહેવા લાગ્યો, ‘લી, છોરા ન ઓમ રખડતો મેલી દેવાનો? જણીન બાર કાઢો છો તી ધ્યાન રાખતા વો તો મારી હારી જાત જ... ’ (પૃ.૫૩) આ રીતે બાળકની ચિંતા કરતા જાતિદ્રોહ વધારે પડઘાતો હતો. પણ અગાઉ કહ્યું તેમ મા-બાળકનો સંબંધ દુનિયાની બધી જ જાત - ધર્મ કરતાં શ્રેષ્ઠ છે તેનું દર્શન લેખકે વાર્તાને અંતે સચોટ રીતે આપ્યું છે, ‘બે જીવના ચહેરાની રોનક મેળાને શરમાવતી શોભી રહી હતી’ (પૃ.૫૪) વાર્તાતત્વને વ્યંજિત કરનારા પ્રાકૃતિક વર્ણનો વાર્તા માટે પૂરક નીવડે છે. જેમકે, માને શોધતા ગોકાની સ્થિતિનું ચિત્ર - ‘હવા થોડી ગરમ થઈ, મા ને શોધવા જ સૂરજ થોડો ઉપર ચડ્યો હોય એવું લાગ્યું. ને ન મળતાં આકરો, બન્યો હોય એમ વધુ તપવા લાગ્યો. ધૂળમાં ભળેલા પેલાં આસુંથી ધરતી તપી’ (પૃ.૪૭, ૪૮) આ ઉપરાંત મેળામાં ભૂલા પડેલા બાળક પ્રત્યે લોકોની સહાનુભૂતિ, જાત-જાતની પ્રતિક્રિયા, બાળકનો ભય, અચાનક માનું મળી જવું - વગેરે વાર્તાને વિસ્તારવામાં ઉપકારક નીવડે છે. કમરી - ગોકો પછાત જાતિના જાણીને રામભાઈનું ચીડાઈ જવું વગેરે ભેદભાવ તો દર્શાવે જ છે પણ આ બધી પરિસ્થિતિને અવગણીને ‘મા-દિકરા’નું મળી જવું એ ઘટના વાર્તામાં ઉંચા સ્થાને બેસીને જાણે વાર્તાને દલિત સંવેદનાને બદલે ‘માતૃપ્રેમ’ નિબંધ તરફ લઈ જાય છે. આમ, આંખમાં ઠરી જાય, તેવી શૈલીમાં વાર્તા સરળ અને સ-રસ બને છે.
‘દાઢીવાળો બાવો’ અન્ય વાર્તા કરતાં જુદી અને વિશિષ્ટ છે. બાળકો હંમેશા દાઢીવાળા બાવાથી ડરતાં હોય છે. એમને ડરાવવાની ટેવ પણ આપણે જ પાડી છે. વાર્તામાં બાળનાયકની મમ્મીએ જે બિહામણાં બાવાની છબિ બાળકના ચિત્તમાં ઉભી કરી તે કાયમી રહી. કેમ કે પછી તો બાળક ઘરની બહાર નીકળે ત્યારે બાવાની છાયાથી ભયભીત પામે છે. મા હંમેશા બાળકને ડરાવતી ધમકાવતી કહે, ‘ખબરદાર! જો જાગ્યો છે તો, બાવાને આપી દઈશ. એ બાવા, આ ભગે તો આને લઈ જજે!’ (પૃ.૨૭) બાળક મા નું ધાર્યું ન કરે ત્યારે બળજબરીથી તેને સુવાડવા, ખવડાવવા, પીવડાવવા માટે આ ડરાવવાનો કીમિયો કામમાં લેવાય છે. બાવાનું ચિત્ર પણ અજીબ છે જેમકે, ‘લાંબી દાઢી ને માથે જીંથરાળા વાળ, મોટી મુછો ને લાલધુમ આંખો. બીજ ગયેલો હું અવાજ ફાટી ગયેલો ને વળતો જ મમ્મીને વળગી પડેલો, કસકસતો’ (પૃ.૨૬) આમાને આમા બાળકને તાવ આવી જાય ત્યારે માને અહેસાસ થાય છે કે દીકરાને તાવ પોતાને લીધે જ આવ્યો. બાળક માટે મમ્મી જ સર્વોપરી છે. જેમકે, ‘હવામાં તરતા મમ્મીના મધુર કંઠે તણાઈને આવતું સવાર મને ગલીપચી કરતું જગાડે છે. હું પડ્યો પડ્યો જાગતો મમ્મીની મીઠી લહેક સાંભળું છું’ (પૃ.૨૯) બાળકનો કલ્પનાલોક વિશાળ અને તીવ્ર હોય છે. ન ધારેલાં પ્રશ્નો તેને સતાવે છે જેમકે, ‘કાનાની મમ્મીય એને બાવાની બીક બતાવતી હશે ? કાનાને બાવાની બીક લાગતી હશે ? એ તો ભગવાન એનેય બાવો ઉપાડી જાય ?’ (પૃ.૨૯). આવા તો ઘણાં અજબગજબ પ્રશ્નો બાળમનમાં ઉઠ્યા કરે. વાર્તામાં વક્રતા એવી સર્જાય છે કે જે મમ્મી બાવાની બીક આપ્યા કરતી હતી તે મમ્મી રામલલ્લાના દર્શને ગઈ પછી ઘરે પાછી ફરી શકી નહીં. એકાએક સમાચાર મળ્યાં કે રેલગાડીમાં આગ લાગવાથી લોકો ભડથું થઈ ગયા. સતત બે દિવસ રાહ જોયા બાદ બાળકને ખબર પડી જ જાય છે કે મમ્મી હવે આવવાની નથી. એની પીડાને લેખકે આ રીતે વાચા આપી છે, ‘દઝાડતી દાઢીની આ ડરામણી દુનિયામાં મારે મમ્મીને ક્યાં શોધવી ? મમ્મી વિનાનું મારું કોણ ? મમ્મી વગર તો મરી જ જાવ હું ! ના મારે નથી જીવવું મમ્મી વગર’ (પૃ.૩૨) આમ, વાર્તાનો અંત વાસ્તવિક છતાં પીડાજન્ય છે, સાથે જ બાળકના ચિત્તમાં ભય કેવી રીતે પેદા થાય છે. તેનું મનોવિજ્ઞાન પણ વાર્તામાં વર્ણવાયું છે.
‘હમ કીસી સે કમ નહીં’ વાર્તા ‘યુવાન વર્ગ’ ને કેન્દ્રમાં રાખી રચાઈ છે. વળી તે વાર્તા કરતાં નાટ્ય સ્વરૂપ વધુ લાગે છે. તે હિન્દી - ગુજરાતી - અંગ્રેજી ભાષા મિશ્રિત વાર્તા હોઈ રચનારીતિની દૃષ્ટિએ પણ નવીન બને છે. નવા જમાનાના પાત્રોરૂપે રોકી, સંજય, શુચિ, લકી જેવા મોર્ડન યુવાનો અને વાલા જેવા ગ્રામીણ યુવાનના મનોભાવને ઝીલતી આ વાર્તામાં ‘યંગસ્ટર્સ’ની ખાસ વર્તુણૂંક, ભાષા, ટેવ, સ્વભાવને આલેખવામાં લેખકે નવીન વાતાવરણ ઉભું કરીને વર્તમાન સમયમાં યુવાનોમાં જોવા મળતી મસ્તી, તરંગો, હકારાત્મક - નકારાત્મક પ્રતિક્રિયાઓને વાચા આપી છે. સીગારેટ, ડ્રીંક્સ જેવી આદતો, નવા વિદ્યાર્થીઓને સીનીયર વિદ્યાર્થીઓ દ્વારા થતી કનડગત, પછાત વર્ગના વિદ્યાર્થીને અનુભવાતી લઘુતાગ્રંથિ, શોષણ વગેરે બાબતોને આવરી લઈ લેખકે આધુનિક સમાજની કડવી વાસ્તવિકતા અંગુલિનિર્દેશ કર્યો છે. કોલેજના વિદ્યાર્થીઓ નાટ્યક્ષેત્રે ભાગ લે, તેમાં નાયક વાલાને મળેલો સૌથી ઉંચો રોલ, બીજા વિદ્યાર્થી રોકી, સંજય, લકીને આંખમાં ખૂંચતા અભિનય સમયે વાલાના પાત્રને હાનિ પહોચાડવાનું કાવતરું રચાય છે ને એમાંથી વાલાને ઉગારવામાં શુચિ મદદરૂપ નીવડે છે. વાલો ગામડાનો રહેવાસી છે જ્યારે બીજા પાત્રો શહેરીજીવનથી ટેવાયેલા છે. આ રીતે ગ્રામજીવન - શહેરી જીવન વચ્ચે ચાલતુ ઘર્ષણ પણ વાર્તામાં ગૂંથાયેલું છે. સમગ્ર વાર્તામાંથી ‘ફિલ્મી’ છાયા પ્રતીત થતી હોઈ આ વાર્તા ‘નાટ્ય’ની પણ ગરજ સારે છે એ માટે સર્જકને અભિનંદન ઘટે.
‘નિરુદ્દેશે’ વાર્તાનું વિષયવસ્તુ નવીન છે. સતત ઘડિયાળના કાંટાની જેમ કામ કરતો માણસ એકાદ દિવસ કારણ વિના રજા ભોગવે ત્યારે તેની આસપાસના સ્વજનો, મિત્રો, સ્નેહીઓની તેના પ્રત્યે કેવી પ્રતિક્રિયા હોય અને એ પરિસ્થિતિમાં નાયકને અનુભવાતી ગૂંગળામણ એ વાર્તાનું કેન્દ્ર છે. રજા પર ઉતરેલા નાયકની પત્ની શોભા પણ જાણે પોતાનું રુટિન ભંગ થતા ઉદ્વેગ અનુભવે છે. અહીં માત્ર નાયક સિવાય કોઈનેય રજાનો આનંદ નથી. બલ્કે ‘તબિયત નરમ છે?’, ‘સાઈટ વિઝિટ પર જવાનું છે ? ’, ‘કોઈ ગેસ્ટ આવવાના છે ?’, ‘કોઈને મળવા જવાનું છે ?’, ‘બોસ તો જીવે છે ને ?’ (પૃ.૫૬) વગેરે પ્રશ્નોનો નાયકને પત્ની દ્વારા સામનો કરવો પડે છે. એક રજા સામે આટલાં પ્રશ્નો સહન કરતાં નાયકને મનોમન થાય છે કે, ‘મારે હવે મારા ઘરમાં રહેવા માટેના કારણો ‘કોઈને’ આપવા પડશે?’ (પૃ.૫૯) આ રીતે આકસ્મિક મૂકેલી રજાવાળી ઘટનાએ નાયકને ત્રસ્ત કરી દીધી ને નાયક ઘરથી બહાર નીકળી પડે છે ફરવા માટે. રસ્તા, બજાર, ભીડમાંથી પસાર થતાં નાયકની આંતરસ્થિતિને લેખકે આ રીતે વાચા આપી છે. ભીડભર્યા વાહનોની ભરચકતામાં અટવાતાં, ગૂંચવાતા ને પાછા ઉકેલાતા એ પાછું જોયા વિના જ આગળ ઘસી રહ્યાં હતાં. એમાં હું મને શોધવા મથ્યો. એક એક ચહેરામાં મને હું જ ભળાયો. અખિલ, બ્રહ્માંડમાં એક હું જ અનંતરૂપ ભાસતા મારી મુંઝવણ વધી. (પૃ.૬૦) આ રીતે વાર્તામાં વ્યવહારિક જગતથી દૂર સરીને નિજાનંદ, ચિંતન, મનની એક નવી દિશા ખુલતી જાય છે. વાર્તાનું ગદ્ય કલાત્મક છે. જેમકે, ‘ઈચ્છાને ફૂલ આવ્યાં છે. એની સુગંધના દરિયાને સાચવતો ગજવામાં મૂકી આગળ વધુ છું’ (પૃ.૬૧), ‘મારા પગ એકબીજાને છેદતાં, એકબીજાની હરિફાઈમાં જ એક સ્કૂલના દરવાજે આવીને ઊભા રહ્યાં’ (પૃ.૬૧), ‘અનુકરણ એજ અનુશાસન’ (પૃ.૬૨), ‘ભવની ભૂખ લઈને ભેગા થયેલા લોકોની અહીં ભારે ભીડ જોઈ’ (પૃ.૬૨) વગેરે સર્જકની લલિત - ચિંતનગર્ભ ગદ્યશૈલીના ઉત્તમ દૃષ્ટાંત છે. જાહેર જન-જીવનમાં વર્તાતી ક્ષુલ્લક ઘટનાઓનું ચિત્ર પણ વાર્તામાં છે. ને તેનો કડવો અનુભવ કરનાર નાયકની પરિપકવ માનસિકતા પણ કાબીલે દાદ છે. પ્રકૃતિ સાથેની નાયકની એકરૂપતા પણ વાર્તાની લલિતશૈલીનું પાસુ બની રહે છે. ઘરે પાછા ફરતાં નાયકને ફરી પત્નીના ગુસ્સાનો ભોગ બનવું પડે છે. જેમ કે, ‘ક્યાં હતા ? શું થયું ? ક્યાં ગયા’તા ? કેમ ગયા’તાં ? મોબાઈલ સાથે રાખવો જોઈએ ને ? ‘ફોન તો કરાય ને!’ (પૃ.૬૫) આમ, સમગ્ર વાર્તા ‘નિરુદ્દેશે’ શીર્ષકને વળગી રહીને ભાવ અને ભાષાની એકાત્મ શૈલીમાં કલાત્મક કૃતિ નીવડી છે.
‘ખાલીપો’ વાર્તા ભાવકને સતત જકડી રાખનાર રસપ્રદ કૃતિ છે. મોટી ઉંમરના ગંગાબા અને સાસરેથી પાછી આવેલી દીકરી સરિતા તથા પૌત્રી તાપ્તીની - એમ ત્રણેક પાત્રની આસપાસ ગૂંથાતી જતી સંવેદનાની આ કૃતિમાં, ત્રણેયની જુદી જુદી વ્યથા અને તેમાંથી જન્મેલા ‘ખાલીપા’ની કથાકૃતિ બની રહે છે. રાતપાળીની નોકરી સ્વીકારીને દિવસે દિકરી તાપ્તીને સમય આપી શકે એવા હેતુથી સરિતા નોકરી કરે છે. આજની આધુનિકતાનો નિર્દેશ પણ તેમાં છે. ગંગાબાને સરિતાની આ પ્રકારની નોકરી પસંદ નથી પણ જૂની પેઢીની સામે નવી પેઢીનું વર્ચસ્વ વધારે હોય એમ સરિતા પણ પોતાની રીતે જીવનારી, મોજશોખ કરનારી, સ્વતંત્ર અને કદાચ સ્વચ્છંદ કહી શકાય તે પ્રકારની સ્ત્રી હોઈ અથવા પોતાના ખાલીપાને પૂરવા પોતે સ્વીકારેલી નોકરીમાં જ સુખી રહેનારી સ્ત્રી છે. ગંગાબાને એના પરમેશ્વર લાલામાં જ સુખ દેખાય છે. લાલાની સેવામાં આત્મરત રહેનાર ગંગાબાને ક્યારેક સરિતા સમયસર ઘરે ન આવે ત્યારે વાંકુ પડે છે. ને વૃદ્ધવયે ઘરના કામ ન થઈ શકવાની તેમની અકળામણ, પીડા, ગુસ્સો પ્રગટે તે સહજ છે. પણ આ બધાની વચ્ચે નાનકડી તાપ્તીનો શો દોષ! એને એકલાં જીવવું પડે, તેનો મનગમતો ઢીંગલો જેનું નામ ‘મુન્નો’ છે ને એ જ એનું સર્વસ્વ જાણે. પોતે જે કંઈ ક્રિયા કરે તે મુન્નાને પણ કરાવડાવે ખાવું, પીવું, નવડાવવું, સુવડાવવું વગેરે. એક વૃદ્ધિ સ્ત્રીના સાનિધ્યમાં ‘મા’ હોવા છતાંય તાપ્તી જાણે મા વિનાની હોય એમ જીવ્યા કરે છે કેમ કે સરિતાનો ગુસ્સો ગંગાબા તાપ્તી પર કાઢે છે. આ નાનકડી બાળકી ‘મા’ વિના જ્યારે ઉંધમાંથી ઉઠે છે ત્યારે લેખક કહે છે તેમ, ‘મમ્મી વિનાના ઘરમાં પડેલી સવાર હજુ અજવાળા વિનાની જણાતી હતી.’ (પૃ.૮૭) જેમ તાપ્તી અને તેનો ઢીંગલો મુન્નો એમ ગંગાબા અને તેનો ભગવાન કૃષ્ણ લાલો. બન્ને સ્થિતિ સમાન છે. સરિતાની એકલતા વિશે હજુ લેખકે વિસ્તૃત વર્ણન નથી આપ્યું પણ ગંગાબા કહે છે તેમ, ‘આ મુઈ સરબી... પેલ્લેથી જ. એવી. મનમાં ધારે તે કરીને જ રે!’ ખાવુ, પીવું, પેરવું, ઓઢવું ને બસ હરવું ફરવું ! લોક રખડું જ કેને પછી ! ’ (પૃ.૮૮) પોતાની દીકરીને ગંગાબા એવી રીતે બોલે છે જાણે સાસુ વહુને ભાડતી હોય. પણ સરિતાની એકલતા તો ક્યાંક ભરાઈ જતી હશે. ગંગાબાની એકલતા કદાચ ભગવાનમાં ને તાપ્તીનું બાળજગત તો હજુ દુનિયાદારીને સમજ્યું પણ નથી. તેણે જિંદગીની તડકી - છાયડી અનુભવી પણ નથી. ત્યાંજ બાળપણ કોઈક ખાલીપામાં સરતું જાય એ મોટી વિડંબના કહેવાય. સતત મુન્નામય રહેતી તાપ્તીને ગંગાબા કહે છે, ‘પૈણીને જાય ત્યારે એને ય સાથે લેતી જજો’ (પૃ.૯૧) ત્યારે નિર્દોષ તાપ્તી જવાબ વાળે છે, ‘હુ તો પૈણવાની છું જ, મુન્ના સાથે’ (પૃ.૯૧) અહીં મોહનની મીરાં યાદ આવે એ સ્વાભાવિક છે. નિર્દોષ તાપ્તીને જ્યારે ગંગાબા ‘નફ્ફટ’ કહે છે ત્યારે ફરી તાપ્તી હાસ્ય રેલાવતો સાચો ઉત્તર આપે છે, ‘શેની શરમાઉં? તમેય નથી ગાતા, પરણું તો પ્રીતમ પ્યારો’ (પૃ.૯૧) તાપ્તીનો જવાબ ખોટો નહોતો જ એ ગંગાબા જાણતા હોય એમ ગાલમાં શરમાઈ જાય છે. બાળકો તો વડીલોનું અનુકરણ કરવાના જ. ગંગાબા તાપ્તીને સાચવે તો છે પણ હૂંફ વિના. આમ, તાપ્તી, સરિતા, ગંગાબા ત્રણેયની ઉંમર, અવસ્થા જરૂરિયાત ને એકલતા પણ જુદી છે. ત્રણેયની વ્યથા પણ એટલે જ જુદી છે. કેમકે ત્રણેય એમની અવસ્થામાં એકલા જ સફર કરે છે. સવારથી સાંજ વિત્યા પછી પણ સરિતા ઘરે નથી પહોંચી એની અવઢવમાં અકળાતા ગંગાબાના લાલાના દર્શન, પૂજા, પ્રસાદ બધું છૂટી જાય. ને અંધારું ઘરને ઘેરી વળે ત્યારે પણ સરિતા ન આવે એની વ્યથા લેખકે વાર્તાના શબ્દે શબ્દમાં આકૃત કરી છે. લેખકે વર્ણવ્યું છે તેમ, ‘ઘરમાં અંધારું આકારાઈ રહ્યું હતું ને ત્રિભેટે ખાલીપો ખખડતો હતો. તાપ્તીના વારંવાર આવતા મમ્મી... મમ્મી... ના ઉદગારોમાં હોંકારા ભણતાં ગંગાબાને ખ્યાલ ન રહ્યો કે તાપ્તીના ઉદગારોને પોતાના હોંકારા ક્યારે બંધ પડ્યો... પણ સરિતા ટેમસર આવે તો ને ? એય ક્યાંક એના ખાલીપાને ભરવા કોઈ ખૂણો શોધતી ન હોય, કોણ જાણે ?’ (પૃ.૯૩) ‘ત્રભેટે’ શબ્દ પણ સર્જકે સૂચક રીતે પ્રયોજ્યો છે. ત્રણેય પાત્રનો નોંખો ખાલીયો અમૂર્ત હોવાં છતાં વાર્તામાં શબ્દે શબ્દે આકારાતો અનુભવી શકાય છે. ઘટના વિના માત્ર પાત્રોને કેન્દ્રમાં લઈ રચાયેલી આ વાર્તા પણ ઉત્તમ ચરિત્રાત્મક અને સંવેદનાત્મક કૃતિ બને છે.
‘મોટો’ વાર્તાનો આરંભ નાટ્ય શરૂ થતાં પહેલાં મંચ પર દૃશ્ય ગોઠવાય તેમ મિ. ભટ્ટ અને તેની જીવનશૈલી વિશે કુશળ કથનરીતિ પ્રયોજીને કથાવસ્તુમાં પ્રવેશ કરાવ્યો છે. ‘મામા ઈઝ નો મોર’ એવા મિ.ભટ્ટના ઉ્ચ્ચારેલા સંવાદથી મીના સાથેની વાતચીત આગળ ચાલે છે. ને પછી રાજકોટ કેવી રીતે, ક્યારે જવુંની યોજનાઓ રચાવા લાગે છે. બિઝનેસ, ઘર, દીકરો કેયુર... આ બધુ બોમ્બેમાં મૂકીને વતન તરફ જવું એમને માટે અઘરું તો છે જ છતાં મામાના અંતિમ સંસ્કારે ન પહોંચી શકાય તો બેસણાંમાં તો જવું જ પડશે એમ ધારી, ગીરીશ (ભાણો) સાથે વાતચીત કરી એક દિવસ રાજકોટ પહુચે છે. વતનનું ઘર, ભૂતકાળની સ્મૃતિઓ, ઉનાળાની કેરી, વેકેશન, મોટીબેન, સ્વજનો... બધું જ નાયકને ઘેરી વળે છે. વતન પહોંચ્યા પછી સફેદ મંડપ, સ્વજનો, ઔપચારિક સંબંધોની આગતાસ્વાગત, મામી, મોટી બેન, બા, દીપેશ, ગીરીશ બધા સાથે મળી, મામાના મૃત્યુનો શોક વ્યક્ત કરી નાયક મનોમન થોડી અકળામણ અનુભવે છે. સ્વજનો સાથે ઓળખાણ કરાવતાં મામી, ‘કાશીબેનનો મોટો ભાણો ગજાનંદ! મુંબઈ છે. મરણ ટાણે નો પૂગી ક્યો તો કારજમાં તો આવું જ છું નું વચન આપેલું કેમેય કરીને આજે મારતે ઘોડે આવી પૂગ્યો. એના મામાનો ખુબ માનીતો’ (પૃ.૯૮) ‘મોટો’, ‘માનીતો’ જેવા શબ્દોથી નાયક ભીંસાય છે. કેમ કે તને ભય છે કે આ લાગણીની હૂંફના બદલામાં પોતે વધુ સમય તેમને આપી શકે તેમ નથી. ‘મોટો’ શબ્દ એટલે વારંવાર તેને કઠે છે કદાચ હવે નાયક પોતે જ જાણે આ લાગણીઓથી દૂર ભૌતિકવાદી મુંબઈનગરમાં પોતાની જાતને વધુ સલામત સમજવા લાગ્યા હોય એમ કારજનો એક દિવસ ક્યારે પૂરો થાય અને પોતે વળતી ટીકીટે પ્લેનમાં બેસી ઘરે પહોંચે એવી રાહ જોવે છે. મોટી બેન, બા જ્યારે ભૂતકાળની વાતો નાયક સામે વાગોળે છે ત્યારે, લેખક સૂચક રીતે લખે છે, ‘ભૂતકાળ વિવશ કરી દે ને નાનપણ વીંટળાઈ વડે એ પહેલાં જ હું માથું ખંખેરી વર્તમાનમાં પાછો આવી જઉં છું’ (પૃ.૧૦૧) અને સ્વજનોથી ભાગતો નાયક જ્યારે સ્વજનોને છોડી પ્લેનમાં બેસે છે ત્યારે ‘હાશ’નો અનુભવ કરે છે. સાંપ્રત સમયમાં વતનમોહથી છૂટતાં જતા મનુષ્યો અને શહેરી સંસ્કૃતિની ચમક - ભભકમાં સુખ અનુભવતા મનુષ્યોની પલાયનવાદી વૃત્તિ તરફ લેખકે અંગુલિનિર્દેશ કર્યો છે. આ વાર્તા સરળ છતાં વાસ્તવિક વિષયવસ્તુ અને નાટ્યાત્મક ઉક્તિઓ વડે વર્તમાન સમયમાં સમસંવેદનનો અનુભવ કરાવે છે.
‘શમ્યાપ્રાસ’ કૃતિની અંતિમ વાર્તા ‘’શ્રદ્ધાંજલિ અગાઉની ‘ખાલીયો’, ‘મોટો’, વાર્તા જેવી અનુભૂતિ પ્રગટાવતી વાર્તા છે. આ વાર્તાનો અંત સુખદ વળાંક સાથે અવતરે છે. વાર્તાનાયકની બાના મૃત્યુબાદ પિતાજીની આધાતજ્ય હાલત ધીમી ગતિએ એકલવાયી અને નિરાધારપણાનાં ભાવમાં હડસેલાતી જાય છે. બા, બાપુજી, દીપેશ, મીના અને અમી... આ પાત્રસૃષ્ટિ વચ્ચે પિતાજીનું ખુબ ધ્યાન રાખવામાં આવતું હોવા છતાં તે સૌની ચિંતાનો વિષય બને છે. લેખક કહે છે તેમ, ‘ક્યારેક છતની ફિક્કી સફેદીનો રંગ એમના ચહેરા પર ઘોળાતો ત્યારે આંખોના ખૂણામાં ઉભરાતી ભીનાશમાં અમે બાની છબી તરવરતી જોતાં. ક્યારેક સુતા પછીયે નહીં સુતા બાપુજી સૌનાં જાગવાનું નિમિત્તે બનતા’ (પૃ.૧૦૩) બાપુજીની આવી સ્થિતિને લીધે તેમને એકલાં ન મૂકવાના દીપેશ અને મીનાના નિર્ણયે જ બાપુજીને વતન ધારીથી વડોદરા લઈ જવાય છે. ગામ છોડતી વખતે બાપુજીનો અનુભવાતી પીડા લેખકના શબ્દોમાં આ રીતે વ્યક્ત થઈ છે. ‘બહારની લૂ હવે અંદરે ય ઉકળાટ કરવા લાગી. પાદરની થોડી ધૂળે ય અંદર આવી ડ્રાઈવરે બે વાર મારી સામે જોયું. મેં બાપુજીને વાતોએ વળગાડી અંદર વાળ્યા કે પાવર વિન્ડોએ ગામ અને બાપુજી વચ્ચે કાચની દિવાલ ચણી લીધી બાપુજીએ કાચ પર હાથ ફેરવ્યો ને અંદર થોડી ગામની હવાને છાતીમાં ભરી લેવા જ જાણે લાંબો શ્વાસ લીધો’ (પૃ.૧૦૪) વડોદરા પહોંચ્યા પછી મીનાની નજર બાપુજીને સતત અવલોકતી રહે, કુશળ વ્યવસ્થા અને સગવડો બાપુજીના રુમમાં ગોઠવાઈ છતાં બાપુજી વારંવારે બસ સ્ટોપ પર કહ્યા વિના ચાલ્યા જતા ને એટલે જ તેમના ગળામાં કે ખિસ્સામાં સરનામાવાળું આઈકાર્ડ રાખવાનું ને પછીથી રૂમમાં જ તેમને લોક રાખવાનો નિર્ણય લેવાયો હતો. તેમનું ભેદી મૌન સૌને અકળાવલું. બંધ ઓરડામાં એસી, પડદા, ડીમલાઈટ, વોશબેઝીંગ, ટી.વી... ભૌતિક સગવડો વચ્ચે તેમને ગુંગળામણ થતી ને બારીના સળીયા પકડી બગીચાને તાક્યા કરતા. બંધ રુમમાં કાગળમાં તેમણે કંઈક લખ્યું ને ડ્રોઅરમાં મુકી દીધુ. લખાણ કંઈક આવું હતું. - ‘૩ દિવસ, ૭૨ કલાક, ૪૫૨૦ મિનીટ, ૨૫૯૨૦૦ સેકન્ડ, એક સેકન્ડ, એક દાંડો બ્રહ્માનો’ (પૃ.૧૧૦) આ કોયડાનો ઉકેલ કાઢતા સૌએ એટલું જ વિચાર્યું કે બાપુજીની મરજી જાણીને એમનો રાજીપો હોય ત્યાં રાખવા. છેવટે ‘ધારી જવું છે ?’ એવુ એમને પૂછવામાં આવ્યું ને તરત જ તેમના જીવમાં જીવ આવ્યો. બાની સાચી શ્રદ્ધાંજલિ ફળી. બા હંમેશા કહેતી કે બાપુજીની સેવા એજ મારી શ્રદ્ધાંજલિ. આમ વાર્તાને અંતે હરખભેર બાપુજીએ મીના તથા વાર્તાનાયકને આશિર્વાદ આપ્યા - ‘ભલું થજો તમારા બેઉનું’ - ને બાપુજીને ધારી તરફ રવાના કર્યા. આમ વાર્તાનો આરંભ દુઃખદ ઘટનામાંથી શરૂ થઈને પિતાજીની આઘાતજન્ય સ્થિતિ દૂર કરવાના પ્રયત્નો, અંતે વતન તરફ ગમન એવા સુખદ નિર્ણયથી વાર્તા અંત પામી છે. સમગ્ર વાર્તા બા-બાપુજીના અસ્તિત્વને સાચવતા સંતાનોની સરળ કથા બની છે. આજે પણ આધુનિક કાળમાં એવા પરિવારો છે જ્યાં વૃદ્ધ માતા-પિતાની બાળક સમાન કાળજી લેવાય છે. પ્રેમ, સંસ્કાર, સંબંધો, સદગુણો જ્યાં વસે છે ત્યાં ગમે તેટલાં કાળ બદલાય તોંય શાંતિ અને પ્રેમનું તત્વ વિલાતું નથી. એ વાર્તાનો પ્રધાન સૂર છે.
આમ, વસ્તુની દૃષ્ટિએ ‘શમ્યાપ્રાસ’ વાર્તાસંગ્રહની મોટી વિશેષતા એ છે કે યુવાન, બાળક, વૃદ્ધ, દીકરી, દલિત, ગ્રામજીવન, શહેરીજીવનની આધુનિકતા એવા વિવિધ વિષયોને સ્થાન મળ્યું છે. કથાનો પ્રસ્તાર પાત્રોની માનસિકતાને ઉજાગર કરવામાં ફળદાયી નીવડ્યો છે. ભાષાકીય વિશેષતા પણ સર્જકની વિદ્વતાની પ્રતીતિ કરાવે છે. ‘મેળો’ જેવી વાર્તામાં દલિત સમાજની બોલી ઝીલાઈ છે. તો ‘નવી સડક’ વાર્તામાં લખુભાના સંવાદોમાં ગામઠી તળપદો રણકાર સંભળાય છે. ‘હમ કિસીસે કમ નહીં’ માં હિન્દી,ગુજરાતી,અંગ્રેજી મિશ્રીત ભાષા છે તો ‘મોટો’ વાર્તામાં ક્યાંક અંગ્રેજી ઉક્તિઓને પણ વણી લેવામાં આવી છે. વાર્તાના શીર્ષકો તેના કથાવસ્તુ અને પાત્ર ચિત્રણને કેન્દ્રિત કરનારા નીવડ્યા છે. જેમ કે ‘શમ્યાપ્રાસ’ વાર્તામાં નાયકનો અલગારી, ચિંતનશીલ, આધ્યાત્મિક સ્વભાવ, ‘શ્રદ્ધાંજલિ’ વાર્તામાં બાપુજીની લેવાતી કાળજી અને રાજીપાને ધ્યાનમાં રાખી લેવાતો નિર્ણય, ‘સુન્દરકાણ્ડ’માં સુન્દર જેવા દલિત યુવકોની દુર્દશાને વાર્તાન્તે નાટ્યાત્મક વિરોધમુલક લંકાદહન દૃશ્ય, ‘ખાલીપો’ વાર્તામાં ગંગાબા, સરિતા અને તાપ્તીની ભીતરી એકલતા, ‘મોટો’ વાર્તામાં વાર્તાનાયકની પલાયનવૃત્તિ, ‘દાઢીવાળો બાવો’ વાર્તાનો દુઃખદ અંત... વગેરે દરેક વાર્તામાંથી સર્જકનું આંતરિક માનસ પણ પ્રગટતું જણાય છે. વાર્તામાં નિરૂપાયેલ વર્ણનો અને એમાંય ખાસ સૂરજનું પ્રતીકાત્મક નિરૂપણ લગભગ ઘણીખરી વાર્તામાં જોવા મળ્યું છે જેમ કે, ‘શમ્યાપ્રાસ’માં ‘શહેરનો સૂરજ મને જરા ઝાંખો તો લાગ્યો’, ‘સૂરજ એનો પ્રભાવ દેખાડવો શરૂ કરી દીધો છે’, ‘કાંઠે’ નીકળ્યો ત્યારે સૂરજનો તાપ શમી ગયો હતો, ‘મારામાં ઉજાશ-ઉજાશ થઈ આવે છે’, જાણે એક સાથે સેંકડો સૂર્ય ન ઊગ્યા હો!, ‘મેળો’ વાર્તામાં ‘મા-ને શોધવા જ સૂરજ થોડો ઉપર ચડ્યો હોય એવું લાગ્યું’, ‘આકરો થયેલો સૂરજ થોડો થોભ્યો’, ‘શરમનો માર્યો છેટે ગયેલો સૂરજ થોડો ઝાંખો પડ્યો હતો’, ‘બીજો વિકલ્પ’ વાર્તામાં ‘બાધરે સૂરજથી મોઢુ ફેરવી લીધું’, ‘આથમતા સૂરજનાં ઝાંખા કિરણોમાં એનાં પડછાયા લંબાઈ રહ્યા હતા’, ‘કાલે સૂરજની પાછળ દોડતી બસની પાછળ, આજે સૂરજ પડ્યો હતો’, ‘મૂર્તિની પાછળ સૂરજ વાદળોમાં લપાઈ ગયો હતો’, ‘સુન્દરકાણ્ડ વાર્તામાં ‘શિયાળાના સૂરજને ન ગાંઠનારા નગરજનોને આદિદેવની અસલી ઓળખ કરાવવા જ, થોડો આઘો ગયેલો સૂરજદાદો થોડો ઓરો આવીને પ્રકાશના પરચા પૂરા પાડી રહ્યો હતો’ (પૃ.૮૦), ‘સુન્દરને તો સાતેય દા’ડા સુરજદાદાના’, ‘શહેર, અકળાયેલા સૂરજની પ્રખરતાથી આગની જવાળામાં શેકાઈ રહ્યું હતું’, ‘મોટો’ વાર્તામાં ‘રોજ સાંજે પ્રકાશનાં છેલ્લાં કિરણોને આ બારીમાંથી ડ્રોઈંગરુમમાં વેરી જતો સૂરજ અહીંથી તો ઝાંખો પાંખો ને નિસ્તેજ જ જણાય’, ‘સૂરજ એની હાજરીની ફરજિયાત નોંધ લેવડાવતો હતો’, ‘શ્રદ્ધાંજલિ’ વાર્તામાં ‘ગામ આંખોથી ઓઝલ થયું કે સૂરજે ય વિદાય લેવાની તૈયારી કરવા લાગ્યો’, ‘ધારીથી અમરેલી ને લાઠી લગી તો એવું જ લાગ્યું કે ડૂબતા સૂરજની સાથે દોટ મુકતી મોટર જાણે સ્પર્ધામાં ઉતરી છે’ (પૃ.૧૦૫), ‘ઉગમણે, આ ક્ષણ જોવા સૂરજ થોડો ઉપર ચડ્યો ત્યારે મોટરે ગતિ પકડી લીધી હતી’ (પૃ.૧૧૦).આ રીતે ભાવપ્રતીક બનીને ક્યારેક પાત્રની, સ્થિતિની, વાતાવરણ કે વિચારની પૂરતી કરવા લેખકે ‘સૂરજ’નો શબ્દપ્રયોગ સહેતુક ખપમાં લીધો છે. આ ઉપરાંત, પ્રાકૃતિક સૌંદર્યની ઝલક કેટલીક વાર્તામાં લેવા મળે છે. જેમ કે ‘સુન્દરકાણ્ડ’, ‘મેળો’, ‘નવી સડક’, ‘નિરુદ્દેશે’ વગેરે.
આમ, ‘શમ્યાપ્રાસ’ પ્રથમ વાર્તાથી આદરેલી આત્મખોજ અને અન્ય વાર્તામાંથી વિસ્તરતો ધ્વન્યાર્થ સાંપ્રતવાર્તા જગતમાં લેખકની નોંખી ભાત પ્રગટાવે છે. કથાવસ્તુથી કથનરીતિ અને લલિત વર્ણનાત્મક ભાષા વડે નિપજેલી સર્જક પ્રતિભા ‘શમ્યાપ્રાસ’ને સાહિત્ય જગતમાં કીર્તિ અપાવે તે જ સર્જકને મળેલો સાચો પુરસ્કાર ગણાય.
સંદર્ભ :
- ‘શમ્યાપ્રાસ’ – લે. ગુણવંત વ્યાસ (પ્ર. વર્ષ – 2014)