‘દિશાન્તર’ કૃતિનો આસ્વાદમૂલક અભ્યાસ
ડો.ધીરેન્દ્ર મહેતા ઉચ્ચ સ્તરીય સર્જક પ્રતિભા ધરાવે છે. પ્રથમ પંક્તિના સર્જકોમાં તેમનું અનન્ય સ્થાન છે. 1960નું ગુજરાતી સાહિત્ય સુરેશ જોશીથી પ્રભાવિત થયું હતું. આવા સમયમાં ડો. મહેતાએ 1970-71 ના સમયમાં પોતાની પ્રથમ કૃતિ ‘વલય’ થી સાહિત્ય જગતમાં સ્થાન મેળવ્યું. ત્યારથી આજ સુધી કોઇના પણ પ્રભાવમાં રહ્યા વગરની તેમની સર્જનયાત્રા છે.
અહીં સ્વાનુભાવ સર્વાનુભાવમાં રૂપાંતરિત થતો જોવા મળે છે. પ્રસ્તુત સંશોધનપત્ર ધીરેન્દ્રની ‘દિશાન્તર’ કૃતિ પર આધારિત છે. ‘દિશાન્તર’ માનવીઓની એકલતાની, એકાકીપણાની, એતિયેનેશનની કથા છે. એ સંબંધોના ભરપૂર સંકેતો અને ઉલ્લેખો લેખક કથામાં વેરતા રહ્યા છે. જેનુ નિરૂપણ પ્રસ્તુત સંશોધન પત્રમાં રજૂ થયેલ છે.
“ દિશાન્તર” - પોતાની આસપાસ અનેક સગા સંબંધી મિત્રો, સહ કાર્યકરો અને જન મેદનીની હાજરી હોવા છતાં તેમની સાથે મનોવિચ્છેદ અનુભવતા આધુનિક માનવીની એકલતા ધીરેન્દ્ર મહેતાની લઘુનવલ ‘દિશાન્તર’માં સબળ કલમે આલેખાઇ છે. કહેવાની બૌદ્ધિકતા કે પુસ્તકીય વિદ્ધવતા તે કોઇ પરિણામ નથી કે નથી એ કશાક ઉત્તમની પ્રાપ્તિ. એ તો છે એક જાગૃત સભાનતા વાળી ક્ષણે-ક્ષણે વેદાતી- સંવેદાતી પ્રક્રિયા જે કદાચ મનુષ્ય સાથે મૃત્યુ પર્યન્ત વિસ્તરે છે. આવા ગંભીર વિષયની વાત નવલકથા દેહે ધીરેન્દ્ર “દિશાન્તર” માં લઈને આવે છે.
માણસની આ વિખુટાપણાની વ્યથાના મૂળમાં રહેલી બાહ્ય પરિસ્થિતિઓ અને અંતર્ગત મન:સ્થિતિઓ, માનવ ચિત્તની સંકુલ ગ્રંથિઓ પ્રગટ – અપ્રગટ વેદનાઓમાં રૂપાયન માટે આવશ્યક એવી કળાસૂઝ અને કલ્પ કલા અહીં “દિશાન્તર”માં મળી રહે છે.
“દિશાન્તર” માં નાયક બાલ્યાવસ્થામાં જ પોલિયોની બિમારી ના કારણે અપંગ બનેલ હોવા છતાં પ્રાપ્ત પરિસ્થિતિને વશ ન થતા તેનો પડકાર ઝીલવા જેટલું આત્મબળ અને ખમીર ધરાવે છે.બસો કરતા પણ ઓછા પૃષ્ઠની આ નવલકથા પોલિયોના રોગનો ભોગ બનેલા નિખિલ અને તેને સ્વેચ્છાએ પરણેલી પૂર્વીની આસપાસ ગૂંથાઇ છે.
નિખિલ સ્થૂળ અને સૂક્ષ્મ રીતે ઠોકરો ખાય છે. પણ તેથીતો તે વધારે વેધક બને છે. એનું ચિત્ત આળુ બની ગયું છે. તે વૈચારિક રીતે એકલવાયો બનતો જાય છે. એનામાં પ્રેમ સમભાવ, કૃતજ્ઞતા, આદિભાવ નથી એમ નથી પણ આ સર્વની પાછળ ભૂમિકારૂપ પોલિયોએ અર્પેલી અપંગતા છે.
“દિશાન્તર” માં મુખ્ય બે પાત્રો છે. નાયક નિખિલ અને નાયિકા પૂર્વી. જો કે ભાઈજી, નિખિલના ભાઈ ભાભી, કોલેજના આચાર્ય, અધ્યાપકો વગેરે ગૌણ પાત્રોનો ખપ પૂરતો ઉપયોગ કરવામાં આવ્યોછે. કથાઘટકનું લક્ષ્ય જ પૂર્વી નિખિલના માનસોને પ્રગટ કરવાનું છે અને ગૌણ પાત્રોને વિકસાવવાનું અહીં જરૂરી પણ નથી.
નિખિલ એક સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતું પાત્ર છે. તે પ્રખર બુદ્ધિમંત, તેજસ્વી, પ્રભાવક સંનિષ્ઠ અધ્યાપક છે. તેની બૌદ્ધિક પ્રતિભા પાશ્ચાત્ય સાહિત્યથી પરિકૃત થયેલી અને ઘડાયેલી છે. તેમ છતાંય સંકુલ માનસ ધરાવે છે.
પ્રશ્ના નોકરીનો હોય કે છોકરીની પસંદગીનો પોતાની અપંગતા પ્રત્યે સહેજ પણ ગર્ભિત ઇશારો હોય તેવા હરકોઇ પ્રસંગે આ તેજ મિજાજ આખાબોલો તરૂણ અસહિષ્ણુ બન્યા વિના રહી શકતો નથી. અપંગતાના કારણે બંધાઇ ગયેલી અમુક મનોગ્રંથિને લઈને જ કદાચ તેઓ આવી તીવ્ર પ્રક્રિયા દાખવતા હશે.
તેના વ્યવહાર – વાણી- વર્તનમાંથી ફલિત થાય છે કે ક્યારેકતો તે લાગણીહિન લાગે એટલી હદ સુધી આગળ જતા લાગે છે તો બીજી તરફ તના હ્રદયમાં સ્નેહની ભીનાસ છે. પરંતુ તે કોઇક વાર જ ભીતરની દિવાલોને ભેદીને બહાર આવે છે. પોલિયોના કારણે તે માત્ર શારિરીક વિકલાંગ નથી પરંતુ તેની સાથે સાથે તેની ચેતના અને માનવ હ્રદય અનેક આઘાત – પ્રત્યાઘાતની પછડાતો ખાઇને વિચિત્ર અને વિલક્ષણ વર્તનને નોતરે છે.
અપંગ હોવાના કારણે સહાનુભૂતિ પાત્ર બનીને બીજા કોઇની મદદથી દયનીય રીતે જીવવા હરગિજ તૈયાર નથી સામી વ્યક્તિ તેના અપંગપણાની દયા ખાઇને કે સમભાવથી પ્રેરાઇને તેની મદદે આવે ત્યારે તેનું સ્વમાન તત્ક્ષણ ઘવાય છે અને અભિમાનનું રૂપ ધારણ કરે છે. ભાઇજી નિખિલના પરિચિત છે અને તે જે રીતે પૂર્વીને નિખિલનો અંતરંગ પરિચય આપે છે તે દર્શાવે છે કે ભાઇજી અને નિખિલ વચ્ચે સારા સંબંધો છે.
નવલકથામાં એક પ્રસંગે નિખિલને માટે એક વૃદ્ધ દંપતિ તેને જોવા આવે છે ત્યારે નિખિલ કહે છે કે “ મારા પગની ખોડ તો તમે દેખી શકો છો મુરબ્બી ...........મારે એક બીજી પણ ખોડ છે ... મારી ખોપરી ચોરસ છે. તમારે પણ હશે માથેહાથ ફેરવી જુઓ”. અહીં વૃદ્ધ અજાણ્યા દંપતી સાથેનો આવો અમાનવીય વ્યવહાર કેટલે અંશે વાસ્તવિક ગણાય? અહીં સામા માણસને આઘાત આપવાની વૃત્તિ ઉપરાંત તેની આત્મપીડન વૃત્તિ પણ ધ્યાન ખેંચે છે. નિખિલ અહીં “સાયકીક કેસ” જેવો વર્તાય છે જે તેના પાત્રને યોગ્ય નથી. સંવેદનશીલ પ્રખર બુદ્ધિશાળી માણસ આવું બેહુદુ વર્તન કરે ખરો?
તો વળી એક વેળા નિખિલ વિચારે છે કે “ હવે શું કરવાનું છે ? જમવું નથી. જોઇએ ક્યાં સુધી ભૂખ્યા રહી શકાય છે. સ્થિતિમાં કેવું પરિવર્તન આવતુ જાય છે, જોઇએ તો ખરા” આવા વિચારોમાં તેની બાલિશતા છતી થાય છે. બૌદ્ધિક માણસ આવા તરંગ કરે ખરો?
પૂર્વીએ લગ્નજીવનમાં નિખિલ સાથે હ્રદયગત તાદાત્મય અનુભવવાની, દામ્પત્યસુખ પામવાની, અપંગ પતિની ટેકા લાકડી બનીને તેને સુખી કરવાની મનોકામના સેવી હતી. નિખિલ પાસેથી ઉષ્માભર્યા હ્રદય સંબંધની અપેક્ષા રાખી હતી. એણે અપેક્ષાઓથી એ સમય ભરી દીધો હતો અને હવે એ અપેક્ષાઓનો ભાર લાગી રહ્યો હતો. લગ્ના કરી એક આવાસમાં વસવા સિવાય નિખિલ સાથે બીજું કયું ઐક્ય સિધ્ધ થયું હતું? અને હવે તો ચાર દિવાલોની વચ્ચે પણ અલગ પડી જવાનુ હતુ.
પૂર્વીની આ દુ:સહ હ્રદયવ્યથા કવચિત આંસુ બનીને વહી જાય છે. પરંતુ બે હ્રદય વચ્ચેનું અંતર કેમેય ઘટતુ નથી. નિખિલ પૂર્વી સુધી પહોંચીશકતો નથી તેના ઋતુ હ્રદયને સ્પર્શી શકતો નથી. એમાં એની પંગુતામૂલક અહંગ્રંથિ ઉપરાંત પૂર્વીની ગુરુતાગ્રંથિ પણ વિધ્નરૂપ બને છે. અપંગ યુવકને વરીને પોતે જે અસાધારણ આત્મત્યાગ કર્યો છે તે વિશેની પૂર્વીની સભાનતા નિખિલને ડંખ્યા કરે છે. તે તેને પૂર્વી સાથે ભાવાત્મક ઐક્ય સાધવામાં નડતરરૂપ નીવડે છે. પૂર્વી પણ સમજે છે કે પોતે સ્વેચ્છાએ ત્યાગમય જીવનપંથ સ્વીકાર્યો છે અને તેને ઉજાળવા જે કાંઇ કરવું ઘટે તે કરી છૂટ્વું જોઇએ.
પ્રયત્ન કરવા છતાં આ ગુરુતાગ્રંથિમૂલક ઉપકારભાવથી સાવ મુક્ત થઈ શકતી નથી.અંતે એનું પરિણામ કેવુંક આવશે. તેનો સંકેત આ શબ્દોમાં સાંપડે છે. “પવનનું એક ઝોકું આવે છે અને બાવળની સૂકી ડાળખીના કાંટામાં ભેળવેલા મોતીમાંથી ખરી પડે છે. કાંટા વધુ તીક્ષ્ણ સ્વરૂપે છતાં થાય છે અને ઝાડ વધું સૂનું લાગે છે.
ચોરવાડથી પાછાં આવ્યા ત્યારે પછીના દિવસોમાં નિખિલ પૂર્વીને સ્પષ્ટ કહે છે તેને માટે કંઇ પણ - કોઇ પણ અનિવાર્ય નથી અને પૂર્વીનો પણ આ કોઇ પણ વ્યક્તિમાં સમાવેશ થઈ જાય છે. પરિણામે પૂર્વી વિચ્છેદનો ભાવ અનુભવે છે. અને હવે ક્મ્પેનિયનની જેમ બેઉ એક જ છાપરા નીચે વસે છે. “સાથેછતા અલગ” કમ્પેનીયન શબ્દની સાથે કેટલાયે સ્મૃતિ અધ્યાયોનું આવરણ પૂર્વીને ઘેરી વળે છે.
“પૂર્વી એને આધાર આપવા ગઈ તો એનાથી જ બેસી પડાયુ અને જુએ છે તો એના ખોળામાં કોઇકનું મસ્તક ! ચોમેરના અંધકાર ઘન બનીને ગોદમાં ઠલવાયો એવી અનુભૂતિ થઈ. દરિયો જાણે દડતો-દડતો એના સુધી આવી ગયો....
પૂર્વી અને નિખિલની મનોગ્રંથિઓ તેમની સંવેદનાઓ અને સૂક્ષ્મપ્રતિક્રિયાઓનું દરિયાઇ અંધકાર ઓરડાના ખૂલતા અને વસાઇ જતા બારી-બારણા અને મોતીથી સજાવેલી સૂકી ડાળખી જેવા કલ્પન, પ્રતિક દ્વારા થયેલું આલેખન વ્યંજનાસભર અને લાઘવયુક્ત છે.
પૂર્વી એક ભાવનાશાળી તેજસ્વી યુવતી છે. તે સમજદાર અને બુદ્ધિશાળી સહનશીલ નારી છે. પરંતુ પોતાની થતી સતત અવગણના તેના વ્યક્તિત્વને એક સભાનતાના ગૌરવ સુધી ખેંચી જાય છે. પૂર્વી નિખિલના ઘરે પહેલીવાર આવે છે ત્યારે તેના વૈચારિક વ્યક્તિત્વથી અધિક પ્રભાવિત થાય છે પરંતુ આ પ્રભાવ તેનામાં વિશાદની લાગણી જન્માવે છે. પૂર્વીના સાનિધ્યમાં ઘડીભર સુખ અનુભવતો નિખિલ જ્યારે બંધ ઓરડાની પૂર્વીએ ઉઘાડેલી અંદરની બારી અને તેમાંથી બહાર આવેલી બોગનવેલની ડાળી જુવેછે ત્યારેતેને આશા જન્મે છે કે અંતરનો ઓરડો હવે હર્યોભર્યો બની રહેશે.
પૂર્વી જાણે વિકલાંગ માણસ સાથે જીવન જોડીને પોતે જાણે એક મહાન “સેક્રીફાઇસ” કર્યો છે તેવુંતેના હ્રદયમાં ગૌરવ જાગે છે. જે નિખિલના અહં સાથે સતત ઘર્ષણ અનુભવે છે. આમ અહીં પૂર્વીનું પાત્ર સંકુલ રહીને પણ સાચુકલું લાગે છે. પૂર્વીમાં રહેલી સભાનતા તેને માનવીય બનાવે છે. તે કોઇ આદર્શ નારી નથી કે નિખિલની હરકતોને બસ સહન કર્યે જાય. શયન સુખની તેની ઝંખના,નિખિલ તરફતી થતી અવમાનના, અલગતા, એકાંકીપણુ આ તમામને લેખકે સહજ અને સ્વાભાવિક રીતે આલેખ્યા હોઇ સ્પર્શક્ષમ બની રહ્યા છે.
નિખિલ જ્યારે પ્રામાણિક અને નિખાલસતાથી પૂર્વીને કહે છે. “તમને મારા પગની તકલીફનો વાંધો હોઇ શકે. ગતિ તો મંદ જ છે. પરંતુ તમે જાણો છો હું પરાધીન નથી.....” નિખિલના આ શબ્દોની સચ્ચાઇ પૂર્વીને સ્પર્શી જાય છે અને તે તેને પોતાનો જીવનસાથી બનાવવા તત્પર થાય છે. તો સામે પક્ષે નિખિલ અહંકેન્દ્રી જરૂરછે. પરંતુ સંવેદનશીલ પણ છે જ તેથી જ તો પૂર્વીના મિલન પછીની ક્ષણોનો અનુભવ સુખદ છે. આ ભાવકને લેખકે આ રીતે શબ્દસ્થ કર્યો છે. “..... અંદરની બારી ઉઘડી જવા જેવી આ અનુભવ નિખિલને થાય છે.”પૂર્વીસાથે સ્નેહનો સેતુ રચવાની લાગણી નિખિલના હ્રદયમાં પણ જન્મી ચૂકે છે. વાસ્તવિક્તા અહીં જુદો જ વળાંક લે છે. વાસ્તવમાં નિખિલ પોતાના અહં ને ત્યજી શકતો નથી, જ્યારે પૂર્વી પોતાની ગુરુતાગ્રંથી ત્યજી શકે તેમ ન હતી. પરસ્પર કોઇ કોઇને સરન્ડર થવાની તત્પરતા દાખવતા જ નથી હા, થોડા પ્રયાસો શરૂમાં પૂર્વી પક્ષે જરૂર થાય છે. પરંતુ નિખિલ પોતાના કિલ્લાને અભેદ જ રાખવા માગતો હોય તેમ અહીંથી અડગ અને મક્કમ રહે છે.
એકલતા, અલગાવ જ નિખિલની પ્રકૃતિ છે તેથી જ તો પૂર્વી સાથેના લગ્ન પછી તુરત જ વિચિત્ર લાગે તેવા વિખૂટા પડવાનો ભાવ તેના મનમાં જન્મે છે. પૂર્વીની સતત અવલેહના તેને અકળાવી મૂકે છે જાણે પોતે પૂર્વીને એક જડ પદાર્થરૂપે દેખાયા કર્યો છે.
લેખકે ભાષાની લાઘવશક્તિનો સુપેરે ઉપયોગ કર્યો છે. ધીરેન્દ્ર મહેતાની સમગ્ર કથનરીતિનું વૈવિધ્યભર્યુ પોત તપાસતા જણાશે કે તેમની સંવેદનાની રેંન્જમાં અનુભવ જગતની અપારવિધ વિગતો સમાઇ જાય છે.ભાઇ ભાભી સાથેનો નિખિલનો વિચ્છેદ, નોકરી મેળવવાના પ્રયત્નોમા મળતી અવમાનના, કોલેજનું કલુષિત વાતાવરણ, આચાર્ય અદ્યાપકોના વાણીવર્તન, વિદ્યાર્થીઓની હરકતો આવી સાવ વિભિન્ન પરિસ્થિતિઓ લેખક કુશળતાથી આલેખી શકે છે.
ગુજરાતી કથાસાહિત્યમાં વૈચારિક નવલકથા આપવાનો પ્રયાસ ગોવર્ધંનરામ ત્રિપાઠીએ કરેલો પછીથી દર્શક અને રઘુવીર ચૌધરી પણ આમાં સફળ રહેલા. કંઇક આવો જ પ્રયાસ ધીરેન્દ્ર મ્હેતાએ અહીં “દિશાન્તર” માં કર્યો છે. તેમની સર્જક્તાના ઉજ્જવળ અંશો આ કૃતિમાં પ્રગટ થાય છે.