Download this page in

કવિશ્રી વિનોદ જોશીની ગીત કવિતામાં નારી સંવેદના

ગુજરાતી પદ્યસાહિત્યમાં ગીત સ્વરૂપ ખૂબ જૂનું છે. મધ્યકાલમાં એનાં જુદા જુદા સ્વરૂપમાં ખેડાયેલું જોવાં મળે છે. જેમાં ભજન, ગરબી, દુહા, પ્રભાતિયા, પદ વગેરે સાહિત્ય સ્વરૂપમાં ખેડાયેલું છે, પણ ગીતને ‘ગીત’ સંજ્ઞા ઘણી મોડી મળી છે. એટલે ગીત સંજ્ઞા મળી તે પૂર્વે ખૂબ ગીતો લખાયાં છે, કે રચાયાં છે. પ્રાચીન સમયમાં મુખપરંપરામાં ઘણાં ગીતો ઊગીને આથમી ગયાં હશે. ગુજરાતી સાહિત્યનું ગીત સ્વરૂપ બીજાં સ્વરૂપોથી અલગ છે, ગીતો ખૂબ ગવાય છે અને ગીતમાંથી જ લોકગીતો બને છે .કોઈ કવિની રચના બહોળા જનસમુદાયમાં આવતાં એમાં ફેરફારો થાય અને મૂળકૃતિની જગ્યાએ જુદી કૃતિ અવતરે અને એવી રીતે ગીત લોકગીત તરફ આગળ વધે છે.

ભાષા વિહોણો માણસ વીરતાભર્યા પ્રસંગે હર્ષોલ્લાસથી નાચી ઉઠ્યો હશે અથવા કોઈ ભયજનક ઘટના કે દ્રશ્યોથી ચીસો પાડી ઉઠ્યો હશે. આશા-નિરાશા, સુખ-દુઃખ કે પ્રેમની લાગણીનાં ઉત્કટ આવેગમાં પ્રત્યુદગાર કાઢ્યાં તેમાંથી ગીતનો ધ્વનિ નીકળ્યો હશે. અહી ગીતના સ્વરૂપ વિશેની થોડી ચર્ચા નીચે મુજબ છે.

“ગીત કવિતા અને સંગીતના સહિયારા સીમાડા ઉપર ઊગતો છોડ છે. ગીત એ માત્ર નાજુક લલિત હળવી ઊર્મિલ રચના છે”. -સુન્દરમ્

“ઉત્કટ ભાવોદ્રેકની લયપૂર્ણ ગાનાભિવ્યક્તિ એટલે ગીત”.- લાભશંકર પુરોહિત

“ગીત એ શબ્દ અને કલ્પન દ્વારા મુક્ત અને લયાત્મક અભિવ્યક્તિ માટે મથતું કાવ્યતત્વ”.- રમેશ પારેખ

“ગીતને આકાર સાથે નહીં અનુભૂતિ સાથે નાતો છે” - ડૉ. વિનોદ જોશી

અહીં કરેલી વિવિધ વ્યાખ્યાઓ ગીતનાં કોઈ એક પાસાને રજૂ કરે છે. પરંતુ સંપૂર્ણ રીતે ગીતની વ્યાખ્યા કોઈએ આપી નથી. અહીં ગીતની થોડીક લાક્ષાણિક્તાઓ નજરે ચડે છે જે આ પ્રમાણે છે:
- સંગીતનું આંતરિક તત્વ.
-ઉત્કટભાવોર્મિનું દ્વિકલથી અષ્ટકલ માત્રાઓમાં લયાવર્તન અને પ્રાસની ઉચિત ગોઠવણી.
-એકજ ભાવને કેન્દ્રમાં રાખવાનો હોય છે.
-એક્લક્ષિતા : પ્રત્યેક ધ્રુવપંક્તિ સાથે અંતરના અનુસંધાનો.
-પંક્તિનું લાઘવરૂપ – લાઘવતા.
-શુષ્ક વિચાર–ચિંતનનું ઊર્મિમાં વિગલન.
-લય, રાગ, ઢાળનું વૈવિધ્ય : વિશિષ્ટ નિરૂપણરીતિ.
-પ્રતીક, કલ્પન, અલંકારની યોજનાનો સ્વાભાવિક ઉપયોગ.
-લાલિત્ય, સરળતાને કારણે બંધાતી ભાવાત્મક આકૃતિ.

ગીતનું બળ ધ્રુવપંક્તિથી જ નક્કી થઈ જાય છે તેના લયનો પ્રભાવ આખુય ગીત ઝીલે છે. ગીતની દરેક પંક્તિનું અનુસંધાન થતું હોવાથી એકાત્મકતા વધે છે. ગીત ધ્રુવપંક્તિની આસપાસ ફરે છે. ગીતમાં ધ્રુવપદનું ચોક્કસ સ્થાન હોય છે. ધ્રુવપદમાં જ કવિના સંવિત્તનો અડધા ઉપરાંતનો હિસાબ રજુ થઈ જતો હોય છે. સફળ સર્જક ગીતમાં તેની રાગીયતા પુરેપુરી જાળવીને ધ્રુવપદનાં વિષયની પુષ્ટિની વિવિધ રીતો અજમાવે છે. ધ્રુવપંક્તિ પછી ધ્રુવપંક્તિને પુષ્ટ કરવા પ્રયોજાતું એકમ એટલે અંતરો. “ગીતનાં કેન્દ્રભાવને પુષ્ટ કરવાની જે યોજના ગીત સ્વરૂપમાં કવિ કરે છે એને અંતરો કહેવામાં આવે છે”.૧૨ અંતરો ગીતના પ્રમુખ ભાવને પુષ્ટ કરે છે. ગીતની બાહ્ય આકૃતિ સાથે પૂરકોનો ભાવવિશ્વ સાથે સંબંધ હોય છે. રે.., લોલ.., હાંરે.., હો.., કે.., તે.વગેરે શબ્દો નિરર્થક હોય છે પણ તેમાં ભાવ હોય છે. આ પૂરકો આરંભ, મધ્યે કે અંતે આવતા હોય છે. જે લયપૂર્તિ કરે છે, ભાવના ઉપાડમાં મદદ કરે છે. જેમ ગીતમાં ધ્રુવપંક્તિ, અંતરો ઈત્યાદિ બાહ્યઘટકો છે એવી જ રીતે ગીતમાં આંતરિક ઘટક તત્વો વિશે વાત કરી છે, જે નીચે મુજબ છે.

ગીતનાં અંતરંગ તત્વોમાં એક જ ભાવસંવેદન, લય અને ભાષા, વિષયવૈવિધ્ય, રસકીયક્ષમતા, રાગીયતા, વિષયનિરૂપણરીતિ, ઊર્મિવિચારનું પ્રવાહીપણું, માધુર્ય અને સૌદર્ય, અર્થવ્યંજકતા, ઉક્તિલાઘવ, પ્રતીક, કલ્પન, પુરાકલ્પનનો વિનિયોગ ઈત્યાદિ તત્વોનો સમાવેશ થાય છે. અહીં એ પણ નોંધ લેવી પડે કે પ્રાચીન સમયનાં ગીતો મોટાભાગે ગવાયાં છે, જયારે અર્વાચીન કાળના ગીત ગવાય છે સાથે સાથે પઠન પણ થાય છે. એ રીતે વૈવિધ્ય ગીતકવિતામાં આવ્યું છે.

ગુજરાતી ગીતસાહિત્ય અનેક કવિઓનાં હાથે ખેડાયું છે. નરસિંહથી લઈને અત્યાર સુધી ગીત ગવાતું રહ્યું છે. અને ખેડાતું રહ્યું છે. સમયના બદલાવોની છા૫ પણ ગીતોએ ઝીલી છે. મધ્યકાળમાં ધર્મ, અધ્યાત્મ, ભક્તિના રંગે રંગાયેલી કવિતાઓ હતી. અર્વાચીનકાળમાં સુધારાવાદી વલણ, વાસ્તવવાદી પવન વાયો અને આધુનિક સમયમાં પહોચતા સૌંદર્યાભિમુખ કવિતાઓ આવી, પ્રયોગશીલતા આવી, વ્યક્તિગત અનુભવો ઇત્યાદિ વિષયો પર ગીતરચનાઓ લખાઈ છે. દરેક યુગમાં સમર્થ ગીતકવિઓ મળ્યાં છે. અને એમના થકી આપણી ગીતકવિતા રળિયાત બની છે. અહીં ગુજરાતી ગીત કવિઓ વિશે વિગતે વાત કરીએ.

અર્વાચીનકાળમાં ગીત ધાર્મિકતાને વળોટીને સાંસારિક બને છે. દલપતરામે ‘માંગલિક ગીતાવલી’થી પ્રારંભ કર્યો. નર્મદે આત્મલક્ષિતાયુક્ત, પ્રણય-પ્રકૃતિ અને સ્વદેશ-પ્રીતિનું ગણ માંડ્યું. નરસિંહરાવે ‘Lyric’નો મહિમા કર્યો. બોટાદકરે કુટુંબ ભાવના વ્યક્ત કરતી રચનાઓ આપી જેમકે ‘જનનીની જોડ સખી નહિ જડે રે લોલ’ તો ખબરદારે ગુજરાતીને ‘ગુણવંતી’ કહી, ન્હાનાલાલ કલ્પનાની ભવ્યતા લાવ્યાં. મેઘાણીએ કસુંબલ રંગનું ગાન, ભાન અને પાન કરાવ્યું.

આગળ આવતા નજાકતભરી કવિતાઓ લઈને સુન્દરમ્, શેષ અને ઉમાશંકર આવ્યા. સમાજની વાસ્તવિકતાનું દારુણ ચિત્ર કવિતામાં રજૂ થયું.

ચોથા દાયકામાં સૌંદર્યાભિમુખ કવિતાઓ લઈને પ્રહલાદ્ પારેખ આવે છે. આ પછી રાજેન્દ્ર શાહ, પ્રિયકાંત મણિયાર, મકરંદ દવે, હરીન્દ્ર દવે, રાવજી-મણિલાલ, જયંત પાઠક, અવિનાશ વ્યાસ, અનીલ જોશી, માધવ રામાનુજ, સુરેશ દલાલ, રમેશ પારેખ, વિનોદ જોશી, મનોહર ત્રિવેદી, તુષાર શુક્લ, રાજેન્દ્ર શુક્લ જેવા કવિઓએ ભાષાને સમૃદ્ધ કરી. આ સમયગળાનાં કવિઓમાંથી વિનોદ જોશી સમકાલીનોથી અલગ ભાત ગીત રચનામાં ઉપસાવે છે. કોઈના પ્રભાવમાં આવ્યાં વિના પોતાની અલગ મુદ્રા ગીત કવિતામાં ઊભી કરે છે. વિનોદ જોશી ગીત કવિતામાં ગામઠી વાતાવરણ લાવે છે. કવીએ ‘પરંતુ’(૧૯૮૪) અને ‘ઝાલર વાગે જૂઠડી’(૧૯૯૧) જેવા કાવ્યગ્રંથો આપીને કાવ્ય સાહિત્યમાં સુવાસ ફેલાવી છે. કવિતામાં લોક્લય, લોકઢાળ અને તળબોલીના શબ્દો લાવે છે. વિનોદ જોશીએ ગીત રચનાઓમાં નારીભાવ વિશેષ આલેખ્યો છે. કવિના ગીતોમાં આવતો લોક્લય સહજ આવીને ભળ્યો છે. શબ્દલય, ઢાળનું ભાવવાહી માધુર્ય, સુગમ, સરળ અને સચોટ રીતે વ્યક્ત થાય છે. આ સિવાય તેમણે પ્રેમમસ્તીનાં ગીતો આપ્યાં છે. કવિ પાસેથી વિચારપ્રધાન ગીતો કરતા ભાવ પ્રધાન ગીતો વધું મળે છે. ભાવ નૈસર્ગિક છે. અહીં નાયિકાનાં ભાવસૌંદર્યનો સ્પર્શ કરાવ્યો છે. ઉભરાતું યૌવન, સૌંદર્યથી છલોછલ અને લજ્જાળ, શરમાળ યુવતીનાં મનોજગત સુધીનો પ્રવાસ ગીતમા જોવાં મળે છે. આ નાયિકાના ભાવો જેવા કે વિરહ-મિલન , વિષાદ વગેરેને આલેખાયાં છે. વિનોદ જોશી સિદ્ધહસ્ત ગીત કવિ છે.

ગુજરાતી સાહિત્યમાં કવિતા ક્ષેત્રે આઠમો-નવમો દાયકો ખૂબ મહત્વનો બને છે. પોતાના સમકાલીનોથી અલગ ચીલો ચાતરીને નોખી છાપ આ કવિએ ઊભી કરી છે. નાયિકાનાં ભાવસંવેદનનો સ્પર્શ ગીત રચનામાં કરાવ્યો છે. સાથે સાથે તળપદ ભાષા, ભાવને અનુરૂપ ભાષા કવિને સાંપડી છે, જે લય અને ભાવના પ્રવાહમાં વેગ આપે છે. ભાષાના કારણે ગીત કવિતા ક્યાંય નબળી પડતી જોવા મળતી નથી. ભાવ, ભાષા, લય અને અને સરવાળે કવિતાનાં માધુર્ય સુધી પહોંચ્યા છે. કવિતામાંથી નિષ્પન્ન થતો ધ્વનિ નિતનવી ભાતો ઉપસાવી આપે છે. ગામડાનો તળપદ સંસ્કાર અહીં ગીતોમાં સહજ ભળ્યો છે.

આધુનિક ગુજરાતી સાહિત્યમાં જેમનું નામ ખૂબ જ સન્માન પૂર્વક લેવામાં આવે છે એવા કવિ એટલે વિનોદ જોશી. કવિની આગવી મુદ્રા ગીતકવિ તરીકેની છે. કવિનો ટૂંકમાં પરિચય નીચે મુજબ છે. કવિ શ્રી વિનોદ જોશીનો જન્મ ઈ.સ.૧૯૫૫ના ઓગસ્ટ મહિનાની 13મી તારીખે અમરેલી જિલ્લાના ભોરીંગડા ગામ(મોસાળ)માં થયો હતો. કવિનું બાળપણ ગામઠી તળપદ વિસ્તારમાં પસાર થયું છે. કવિ વિનોદ જોશીના માતાનું નામ લીલાવતીબહેન અને પિતાનું નામ હરગોવિંદદાસ. વિનોદ જોશીએ પ્રાથમિક શિક્ષણ બોટાદની નજીક તુરખા ગામે તેમજ બોટાદનાં આસપાસના ગામોમાં મેળવી માધ્યમિક અને કોલેજનું શિક્ષણ બોટાદમાં સંપન્ન કર્યું. અનુસ્નાતકની પદવી રાજકોટ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી પ્રથમ વર્ગમાં પ્રથમ સ્થાને રહીને પ્રાપ્ત કરેલ છે. ઉચ્ચ શિક્ષણની પ્રત્યેક પરીક્ષા તેઓએ પ્રથમ વર્ગમાં પ્રથમ સ્થાને ઉત્તીર્ણ કરી છે. અને પ્રત્યેક પરીક્ષામાં યુનિવર્સિટી ફર્સ્ટ આવી સુવર્ણચંદ્રકો પણ મેળવ્યાં છે. વિનોદ જોશીએ ‘રેડિયો નાટક : શિલ્પ સર્જન’ વિષય પર ડૉ.ઈશ્વરલાલ દવેના માર્ગદર્શન હેઠળ પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી.

કવિ વિનોદ જોશી સિદ્ધહસ્ત કવિ છે. પરંપરામાં રહીને પોતાની છાપ અલગ ગીતકવિ તરીકે અંકિત કરી છે. નારીભાવના સફળગીતો આપ્યાં છે. કવિત્વ સરાણે ચડાવીને કવિએ લોકભાવો – લોકલયો – લોકભાષાનો એક સાથે સંયોજીને લાલિત્યપૂર્ણ ગીતકાવ્યો આપ્યાં છે. નાયિકાની વિવિધ ભાવમુદ્રા ઉપસાવવામાં કવિ સફળ રહ્યા છે. ‘ઝાલર વાગે જૂઠડી’માંથી નાયિકા કેન્દ્રી ઘણાં ગીતો મળે છે. આ નાયિકા યુવાનીમાં પ્રવેશતી કિશોરી છે. કોઈ નાયિકા કુંવારી છે, જે પતિ અંગેના ઘણાં સપના લઈને બેઠી છે. તાજી પરણીને સાસરે ગયેલી કન્યા, વિરહિણી, પ્રોષિતભર્તૃકા વગેરે નાયિકા જોવા મળે છે. યૌવનનાં પ્રમાણભાવોની અનેકવિધ છબિઓ એમનાં ગીતોમાં ઝીલાય છે. નારી હૃદયની પ્રેમોર્મિઓનું, ઊછળતા નિર્ઝર સમું ગાન છે. નાયિકા અહીં ગોપકન્યા છે. પણ ગોપજીવન પુરતો મર્યાદિત ન રહેતા સમગ્ર નારી ચેતનાને વાચા આપી છે. મિલન ઝંખતી વિરહિણી અહીં જોવા મળે છે. પ્રણયનું નાજુક સંવેદન વ્યક્ત થયું છે. મોટાં ભાગનાં ગીતો નારીનાં મુખે મુકાયેલા છે. કલ્પનાઓમાં સોરઠી ગોપજીવન, ગ્રામજીવનનો પરિવેશ અભિવ્યક્ત થયો છે. તળપદ લોકબોલી, લોકતત્વોનો કાવ્યપૂર્ણ વિનિયોગ ગીતોમાં થયો છે. ઘણાં ગીતોનો લય લોકગીતોમાંથી સાંપડયો છે. અથવા તો લોકગીતને મળતો આવે છે. તળપદ કાઠિયાવાડી શબ્દો કાવ્યમાં પ્રયોજ્યા છે. સરળ રીતે મુગ્ધા નાયિકા પોતાના પ્રેમસંવેદનની વાત માંડે છે.

કવિના ગીતોમાં પ્રયોજાતા કલ્પનાઓમાં સોરઠી ગોપજીવન – ગ્રામજીવનનો પરિવેશ અને પરિવેશને સચોટ રીતે વ્યક્ત કરવાં તળપદા – લોકબોલીનાં શબ્દો ખપમાં લીધા છે. આ ગીતમાં આવતી નાયિકા સોરઠી ગામડામાં વસે છે. ‘મોર’ અને ‘પારેવડાં’ જેવા પ્રતીક પ્રયોજાયા છે. ગીતમાં જે મણિનગર અને સ્તનદ્વયને સૂચવે છે. રાગાવેગના સંકેતો કવિએ એ રીતે પ્રયોજ્યાં છે. અને ગીતનો ભાવતંતુ સંવાદપૂર્ણ બનીને આવે છે. ગ્રામપરિવેશની સાથે ગીતોમાં લગ્ન – સંવનન – વિરહ – સંયોગને સૂચવતા કલ્પનાઓ ધ્યાન ખેંચે છે. મીંઢળ, નાડાછડી, માંડવો, કરેણ, આંગણ, કેળ, તોરણ, પાપણ, કેસરિયા, પરદેશી, કૂવાકાંઠો, વહુવારુ, ગોરાં દે, સૈયર, સાસુ, પાનેતર, મોતી, ટાંક્યા, આસોપાલવ, આંબલો, અત્તરની શીશી, શ્રીફળ, વેલડું, મૈયર, રમણદીવો, મશરૂના ચીર, જોબન, કેડ્ય પાતળી, પરણ્યો, ઊભો વાંસ, સેંથી, નાવલો, કોલ, હૈયાડાબલી, સોહાગના સિંદુર, ઝાંઝર, દામણી, અંજળ, વ્હાલમજી, કંકોતરી, લવિંગડીનું, પાન, સોપારીનો કટકો, અલ્લડ, સાથિયા, ઝરૂખડા, ઉજાગરા, શેરી, ઓસરી, નીંદરના ચોર, ટહુકો, તોફાન, શણગાર, તંબોળી પાન, અણસાર, રૂમઝૂમ, આંસુ, લાપસી, કુલેર વગેરે જેવાં કૈં કેટલાય શબ્દો મુગ્ધા નવોઢા – વિરહી યૌવનનાં મનોભાવોને વ્યક્ત કરી રહે છે.

ગીતનો આકાર જાળવવા વિનોદ જોશી ખાસ્સી સભાનતા જાળવી શક્યાં છે. આથી નજીકના પૂરોગામીઓથી કે સમકાલીનોથી વિશેષ આ કવિએ ખૂબ તકેદારી દાખવી છે. ક્યાંક એકાદ માત્રાની છૂટ લીધી છે. કવિ શબ્દના ભાવસંવેદનને અને નાદધ્વનિને ચકાસી લેતા લાગે છે. રાગીયતા, લય, પ્રાસાનું પ્રાસ, વર્ણયોજના તરફ કવિ પુરા સભાન રહે છે. ભાવને અનુરૂપ શબ્દો કવિ સહજ પ્રયોજી શકે છે. એ રીતે ગીતરચના નીખરી આવે છે. ભાવનિરૂપણ અને શબ્દસંયોજના બેઉના સાંમજસ્ય રચવા તરફની કાળજી ગીત કવિતામાં દેખાઈ આવે છે. ગીતોનું લયવૈવિધ્ય વિશેષ ધ્યાન ખેંચે છે. મુખડા અને અંતરાની રચનામાં એ ઘણું વૈવિધ્ય આણે છે. પ્રાસની વાત, અંતરો, ધુવપંક્તિ વગેરે બાબતોમાં કવિએ મોથ મારી છે. લાંબો લય અને ટૂંકા લયની વિવિધ ભાતો ઉપસાવવામાં કવિએ લોકગીતના લયને ખપમાં લીધો છે.

કવિએ ‘ઝાલર વાગે જૂઠડી’ સંગ્રહમાં પ્રણય, પ્રકૃતિ વિષયક ગીતો લખ્યા છે. અને એમાંથી અહીં પ્રણયગીતોની વાત કરી છે. જેમાં નારી–ભાવ સવિશેષ ગવાયો છે. કવિના ગીતો વિશે વાત કરીએ ત્યારે રતિરાગનું આલેખન સહેજે આપણું ધ્યાન દોરે છે. શૃંગારને ગીતકવિતામાં ઠાંસી ઠાંસીને ભર્યો છે. ઊર્મિગીત સ્વાભાવિક જ રંગદર્શિતાવાળું હોય એવી રંગદર્શિતા રતિ આલેખન વેળાએ આક્રમક બનતી લાગવા છતાં સંયમની સીમા લોપતી નથી. કવિ સ્વસ્થ રીતે રતિરાગનું આલેખન કરે છે. એમની ગીતકવિતામાં ગણાવેલા કાવ્યવિશેષો એમની ગીત કવિતામાં મોજૂદ છે. એ ઉદાહરણોમાં જોઈ શકાય છે.

કવિ ‘ઝાલર વાગે જૂઠડી’ કાવ્યગ્રંથની પહેલી જ કવિતામાં ‘ગોરાંદે’(નાયિકા)ને અધવચ ઉંબરે ઊભા રાખીને મિલનની અપેક્ષાઓ ઊભી કરે છે. અને નોખી નોખી ભાવમુદ્દ્રાઓ ઊભી કરે છે. ‘ઝાલર વાગે જૂઠડી’ જેવી ધ્રુવપંક્તિમાં ‘આણીપા’ અને ‘ઓલીકોર’ શબ્દ દ્વારા નવું ભાવવિશ્વ ધીરે ધીરે શિખર સુધી લઇ જાય છે. એ આખું ગીત અહીં જોઈએ.
‘ઊભાં ગોરાંદે અધવચ ઊંબરે
જોતાં આણીપા જોતાં ઓલીકોર, ઝાલર વાગે જૂઠડી
ઝાંખી બળે રે શગદીવડી
ઘેરી ઊભાં અંધારાં ઘનઘોર, ઝાલર વાગે જૂઠડી-‘ઝાલર વાગે જૂઠડી’, પૃષ્ઠ-૧૩

નાયિકા પતિની રાહમાંને રાહમાં આંસુના પૂરમાં તણાઈ જાય છે, જાણે ! અહી લોકહ્રદયનો ભાવ, લોકભાષા અને લોકગીતનો લય બરોબર પ્રયોજાયા છે. સરળ દેખાતી રચનામાં ભાવોનું ઊંડાણ જોવા મળે છે. નાયિકા પિયુની રાહ જોતી બતાવી છે. બને છે એવું કે પતિ આવતો નથી. આખુય ગીત એક પ્રકારની મુગ્ધતા ઊભી કરે છે, અને એનો ડૂમો ભરાય જાય છે અને એવી સ્થિતિમાં ભાવકને મૂકી દે છે.

કવિ વિનોદ જોશીએ ગીતકવિતામાં નવોઢા(નાયિકા)ને ભાવાંકન કરી છે. પિયરમાં પોતાના દાદાના હેત, બાળપણથી લઈને લગ્ન થયાં ત્યાં સુધીનો સમય, પોતાની સ્વતંત્રતા વગેરે ઉપર પડદો પડી ગયો. આ બધું કોઈએ છીનવીને પટારામાં મૂકી દીધું, તો આ નવોઢા સાસુ(બાઈજી) પાસે કૂંચી માંગે છે, આ ગીતમાં છે. સાસુને સંબોધિને એ વાત કરે છે.
કૂંચી આપો, બાઈજી !
તમે કિયા પટારે મેલી મારાં મૈયરની શરણાઈજી
કોઈ કંકુથાપા ભૂંસી દઈ મને ભીંતેથી ઉતરાવો,
કોઈ મીંઢળની મરજાદા લઇ મને પાંચીકડા પકડાવો
ખડકી ખોલો બાઈજી !
તમે કિયા કટાણે પોંખી મારા કલરવની કઠણાઈ
તમે ઘરચોળામાં ઘૂઘરિયાળી ઘરવખરી સંકેલી,
તમે અજાણ્યા ઊંબરિયેથી મારી નદિયું પછી ઠેલવી
મારગ મેલો, બાઈજી !
તમે કિયા કુહાડે વેડી મારા દાદાની વડવાઈજી !
કૂંચી આપો, બાઈજી ! -‘કવિતા’ (૨૪/૩/૯૩)

આ ગીતમાં પતિગૃહે આવેલી કન્યા ઘરમાં પગ મુકતા જે અનુભવી રહી છે એ વાત આ ગીતમાં કવિએ બહુ સરળ ભાષામાં મૂકી આપી છે. આ નવોઢાના ગીતોમાં કવિએ ભાવસંવેદનની ખૂબ જ ઠાંસી ઠાંસીને ભર્યા છે. નવોઢા સાસરે આવી છે અને પોતાનો સાયબો છે જેની સાથે રિસામણા, મનામણા થયાં કરે છે. આજે એ રિસાયો છે અને આ વાત નાયિકા સખીને સંબોધિને એ કરે છે. આ ગીત ‘સખી ! મારો સાયબો’માં નિરૂપણ કર્યું છે તે જોઈએ..
સખી ! મારો સાયબો સૂતો ફળીએ ઢાળી ઢોલીયો
હું તો મેડીએ ફાનસ ઓલવી ખાલી પડ્યે પોઢી જાઉં-‘નવનીત-સમર્પણ’(૧૦/૯/૯૧)

આ ગીતમાં કવિએ સૌરાષ્ટ્રનો તળપદ સંસ્કાર ઝીલ્યો છે. રિસામણા – મનામણાનું એક ચિત્ર કવિએ સરસ રીતે મુક્યું છે. લય સાથે ભાવનું આકલન કવિએ કર્યું છે. કાવ્યમાં આવતાં શબ્દો સખી, ફળિયું, ઢોલીયો. ફાનસ, રઝાઈ, ધબકારે, સાથિયો, ઝાંઝર, ઓઢણી વગેરે કાવ્યમય બની જાય છે. કવિ વિનોદ જોશીની કવિતામાં આવતો ગ્રામ પરિવેશ પૂરોગામીઓ કરતાં કે સમકાલીન કરતાં વિશેષ રીતે પ્રયોજે છે. અને એક જૂદું ચિત્ર ઊભું કરે છે. કવિએ ગીતોમાં એવા નાયક નાયિકાને લાવ્યા છે જેમણે હજી દાંપત્યજીવનની શરૂઆત કરી છે. કવિએ નવોઢાને વિરહી બનાવીને ભાવસંપન્ન ગીતો લખ્યાં છે. લીલા સુખ પામવાની ઝંખના સેવતી નાયિકા વિરહી બને છે. ત્યારે રાત નીકળતી નથી એવી વાત ગીતમાં કલાત્મક રીતે આલેખાઈ છે. એવું જ એક ગીત છે. “ને સાયબો આવ્યો નંઈ !”
દિ’આખ્ખો સાવરણે ફળિયું વાળ્યું, સખી !
સળિયું ભાંગીને રાત કાઢી,
ને સાયબો આવ્યો નંઈ !-‘નવનીત-સમર્પણ’(૨૪/૩/૯૩)

પતિ મિલનને ઝખંતી નાયિકાના મનોભાવો આ ગીતમાં સૂક્ષ્મરીતે મૂકી આપ્યાં છે. ગીતમાં સળિયું ભાંગીને, પાંપણ લૂછીને, પાંગત છોડીને, રાત કાઢી જેવા શબ્દ પ્રયોગથી પતિ મિલનની ઝંખના અને વિરહની વેદના વ્યક્ત થઇ છે. અહી ‘રાત કાઢી’ એ પણ શબ્દ પ્રયોગ વિશેષ સંદર્ભમાં મુક્યો છે. આ શબ્દ પ્રયોગ ભાવ વ્યક્ત કરવા માટે ભાવને પોષક એવાં શબ્દો કવિએ મુક્યાં છે. ભાવને અનુકુળ એવી ભાષા કવિએ ખપમાં લીધી છે.

કાવ્યમાં એ એવી નાયિકા પ્રકૃતિના તત્વો સાથે વાત કરતી કવિએ અહી મૂકી છે. નાયિકા ઘરની બહાર જતી હોય છે. ત્યારે પાંદડું એને ઊભી રાખે છે અને આખું ગીત ખૂબ કલાત્મક રીતે આવે છે તે જોઈએ.
લે !
પાંદડાએ, લે ! મને ઊભી રાખી,
પછી અમથી પછી તમથી પછી
સાચુકલી વાત કરી આખી... -‘નવનીત-સમર્પણ’(૫/૪/૯૬)

કવિ વિનોદ જોશી ઘણો સમય ગામડાંમાં રહ્યા છે, અને નગરમાં રહ્યા છે એટલે એક તરફ ગામડાનું જીવન અને બીજી તરફ આ નગર જીવન બંનેનું સાયુજ્ય આ એક ગીતમાં જોવા મળે છે. ‘મારો સાયબો’ આ ગીતમાં ખૂબ જ ઉત્તમ સંયોગ બંને સંસ્કૃતિનો અહીં થયેલો જોવા મળે છે. નાયિકાના મુખે આખી રચના આવે છે.
“મુંબઈ સમાચાર વાંચે મારો સાયબો
હું મૂઈ વાસીદાં વાળતી જઉં ...
અત્તરના પૂમડાં નાખે મારો સાયબો
હું મૂઈ આંધણ ઉકાળતી જઉં ...-‘કવિતા’-જૂન-૯૬

આ ગીતમાં કવિએ ‘હું મૂઈ’ શબ્દ દ્વારા ગીતના સમગ્ર ભાવજગતને પોષણ આપ્યું છે. લોકલયથી ગીતનાં ભાવજગતને ગતિ મળે છે. અને એવી વિરહનું સંવેદન નાયિકાના મુખે કવિએ મુક્યું છે. વિનોદ જોશીની ગીત કવિતામાં તેમણે તળપદ પરિવેશ મુક્યો છે જેમાં ‘થાંભલીનો ટેકો’ ગીતની નાયિકાનું આવું જ દ્રશ્યાંકન સુંદર રીતે આલેખાયું છે.
“થાંભલીનો ટેકો ને ઓસરીની કોર,
કણબીની છોકરીએ પાળ્યો છે મોર... મોર ટહુકા કરે -‘ઝાલર વાગે જૂઠડી’ પૃષ્ઠ-૨૬

આ ગીતમાં ‘કાળજડું કાચું ને રેશમનો ભાર’ અનુભવતી નાયિકાની ભાવસ્થિતિને કવિ મનોમન ઘૂંટે છે. એની છાતીમાં ટહુકાઓ પાળ્યા હોવા છતાંય એનું ચિત્ત કાઈક ગહનતત્વ પામવાની મથામણમાં છે. કવિએ ધ્રુવ પંક્તિનો ભાવખંડ ‘મોર ટહુકા કરે’નાં પ્રાસ ‘હાર ઝૂલ્યા કરે’ અને ‘ભીત ઝૂર્યા કરે’ આ બે ભાવખંડ પ્રયોજીને કણબીની છોકરીના મનોભાવના વ્યાપને વિસ્તાર્યો છે. એક ગતિ આપી છે. અને અંતિમ અંતરામાં એની સાચી સૂક્ષમતા ભાવશિખરની સાક્ષી બને છે.

કવિના ગીતોમાં સંભોગ શૃંગાર, સંવનનીય ભાવવિશ્વની ગતિ અને તેનું થતું ધ્રુવીકરણ જોવા મળે છે. અહી કવિ કામ્યમુદ્રાઓનું વાસ્તવલક્ષી આલેખન કરીને ખુલ્લો શૃંગાર લઈને આવે છે. એમાં ક્યારેક પરિરંભણની પરાકાષ્ઠાઓનો અનુભવ કામ્ય આવેગો અને શૃંગારમુગ્ધ નાયક-નાયિકાનું વ્યંજનાપૂર્ણ થતું કાવ્યમય નિરૂપણ કવિની આગવી અને નવીનતા દાખવતી પ્રતિભાનું પ્રતિવાદન કરી જાય છે, જુઓ ..
-“અંધારે રેબઝેબ રઘવાયા હાથ બેઉ
શોધે છે હૂંફાળું સુખ
દરિયાના ફીણ જેમ પથરાતા શ્વાસ કરે
હળવેથી ભીંસાતી વાત”-‘ઝાલર વાગે જૂઠડી’ પૃષ્ઠ-૫૮

અહીં કવિએ ‘રઘવાયા હાથ’ અને ‘હૂંફાળું સુખ’ દ્વારા ભાવનાત્મક સ્થિતિને એક શિખર સુધી પંહોચાડી આપે છે અને રતિભાવને જગાડે છે. સ્ત્રી – પુરુષના મિલન સુખની ભાવનાત્મક ક્રિયાનું પ્રગટીકરણ કવિ કશાય સંકોચ વિના કરી દેતાં જણાય છે. થોડા ઉદાહરણ જોઈએ. ‘મૈયર પાછું સાંભરે’ જેવા ગીતમાં આ વતની પ્રગટીકરણ જોઈએ.
“એવા પાદરમાં દીઠો અમિયલ આંબલો
એનાં ફળ રે મીઠાં ને તૂરી છાલ
મૈયર પાછુ સાંભરે...-‘ઝાલર વાગે જૂઠડી’ પૃષ્ઠ-૨૨

આખાય ગીતમાં ભાવની સૂક્ષ્મતા ધીરે ધીરે શિખર સુધી લઇ જાય છે અને કવિએ શુદ્ધ પ્રણયને વ્યક્ત કર્યો છે. પ્રણયી મિજાજ પણ રંગીન છે. આવા શુદ્ધ પ્રણયભાવમાં વિરહભાવને ખૂબ જ આસ્વાદ્ય બનાવે છે. તો વળી તેઓ પોતાના ગીતોમાં પ્રેમની મસ્તી અને તોફાન પણ લાવે છે. પ્રેમના ભાવનું તોફાન કવિની કલમે સુંદર રીતે આલેખ્યું છે જુઓ
‘કચ્ચકડાની ચૂડી રે મારૂં કૂણું માખણ કાંડું
સૈયર શું કરીએ ?
ખરબચડી કેડી પર પાની પરવાળાની માંડ
સૈયર શું કરીએ ?-‘ઝાલર વાગે જૂઠડી’ પૃષ્ઠ-૩૬

પ્રણયના મસ્તીસભરગીતો કવિ પાસેથી મળે છે. જેમાં પ્રેમથી રસભીના હૈયાની હલકો જ સાંભળવા મળે છે. શૃંગારિક ભાવોની રેલમછેલ છે. ઘણાં એવા પણ ગીતો છે જેનો ઉપાડ આખા ગીતને તોળીને ઊભું હોય જેમકે એમનું આ ગીત ..
“ખડકી ખોલીને હું તો અમથી ઊભી’તી
મુને ઉંબર લઇ ચાલ્યો બજારમાં” -‘ઝાલર વાગે જૂઠડી’ પૃષ્ઠ-૧૯

અહી કવિએ ગામઠી શબ્દો ‘ખડકી’, ‘અમથી’ વગેરે શબ્દો દ્વારા પ્રણયની નાવિન્યતાભરી સંવેદનસૃષ્ટિ લઈને આવતાં હોવાથી બીજા કવિથી અહી અલગ પડે છે.
“ અબરખની કોટડીમાં અંધારા ઘોર
એક દીવો બેઠેલો ચુપચાપ
અલ્લડ દીવાસળીમાં અજવાળાં બંધ
અને વિસ્તરતું બાકસનું માપ”-‘ઝાલર વાગે જૂઠડી’, પૃષ્ઠ-૬૬

અહીં પંક્તિમાં ‘વિસ્તરતું બાકસનું માપ’ દ્વારા નાયિકાનું કામ્યરૂપ આલેખાયું છે. કાવ્યમાં વ્યંજના શક્તિનો સહારો લઈને નાયિકાના ભાવ સંવેદનો ઉઘાડા થાય છે. અહીં કવિતામાં કવિએ શબ્દોનું સાયુજ્ય ખૂબ ઔચિત્યપૂર્વક સાધ્યું છે. જે નાયક નાયિકાનાં ભાવ સંદર્ભો મૂકી આપ્યા છે.
-“તું મીંઢળ જેવો કઠ્ઠણ ને હું નમણી નાડાછડી ;
તું શિલાલેખનો અક્ષર ને હું જળની બારાખડી.” -‘ઝાલર વાગે જૂઠડી’, પૃષ્ઠ-૨૫

અહીં કવિએ નાયિકા માટે નાડાછડી અને બારાખડી જેવા શબ્દયુગ્મો મુક્યા છે. નાયક માટે ‘મીંઢળ’ અને ‘શિલાલેખનો અક્ષર’ જેવા શબ્દ પ્રયોગો કર્યા છે. બંનેની સરખામણીમાં સ્ત્રીના હ્રદયની કોમળતા, ઋજુતા, નાજુકતા અહીં કવિએ રજૂ કરી છે. આવું ઔચિત્ય એક બીજી કવિતામાં પણ જોવા મળે છે.
“એક કાચી સોપારીનો કટ્ટકો રે
એક લીલું લવિંગડીનું પાન
આવજો રે... તમે લાવજો રે... મારાં મોંઘા મેમાન
એક કાચી સોપારીનો...-‘ઝાલર વાગે જૂઠડી’, પૃષ્ઠ-૧૪

આ ગીતમાં પણ ‘કાચી સોપારીનો કટ્ટકો’ સાથે ‘લીલું લવિંગડીનું પાન’ અને ‘વાંકી મોજલ્લડીનો ઝટ્ટકો’ સાથે ‘ઝાંઝરનું ઝીણું તોફાન’ અને અલ્લડ આંખલડીનો ખટ્ટકોની સાથે ‘હૈયામાં ઉઘલતી જાન’ દ્વારા નાયક નાયિકાના ભાવસંવેદનનું પ્રગટીકરણ થતું જાય છે. ભાષાના ભાવયુગ્મો યોજીને કવિતાને શિખર સુધી લઈ જાય છે. અહીં પ્રણયની પવિત્રતા સાથે નવો રંગ બક્ષે છે. પ્રણયનાં મોહક ભાવો આપની સમક્ષ રજૂ કરે છે.

આગળ જતાં કાવ્યમાં કવિ ‘નજરુનાં મેળ’ અને ‘રોપાતી કેળ’ દ્વારા પ્રણયની વિશાળતા વ્યક્ત થાય છે. કવિએ નાયિકાને પ્રિયતમથી દુર રાખીને ઝૂરતી મૂકી છે. પોતાના પ્રિયતમનો વિરહ સેવતી નાયિકાનું પ્રેમ સંવેદન-ભાવ સૌન્દર્ય ‘કૂવાકાંઠે’ નામક ગીતમાં અભિવ્યક્ત કર્યું છે. અને નિરાળું ચિત્ર ઉપસાવે છે.
“કુંણા કાંડા ને કેડ્ય પાતળી રે
પાણી આવે આવે ને સરી જાય,
નેણાં ઢાળીને ગોરી નીરખે રે
હેલ્ય મોતીડે અભરે ભરાય” -‘ઝાલર વાગે જૂઠડી’, પૃષ્ઠ-૧૬

નાયિકાનો વિરહ કેટલો ભારે થઈ પડ્યો છે તે વાત ‘કાળી રાત’ , ‘ઉજાગરાનો ભાર’ વગેરે પંક્તિઓમાં વ્યક્ત થતો જોઈ શકાય છે. આ ગીતમાં ‘ભારી જોબન’ દ્વારા યુવતીનાં યૌવનને ચીંધી આપે છે.

‘ઝાલર વાગે જૂઠડી’ કાવ્યગ્રંથમાં કવિએ નાયિકાનાં મુખે ‘રે વણઝારા’ ગીતમાં મીઠી ફરિયાદ અને સાથો સાથ સમાધાનનું રહસ્ય મુકીને ગીતને ઉંચાઈ આપી છે.
“રે વણઝારા !
તારી કાંગસીએ તોડ્યો મારો સોનેરી વાળ
મને બદલામાં વેણી લઇ આપ, -‘ઝાલર વાગે જૂઠડી’, પૃષ્ઠ-૧૮

પ્રણયનો રંગીન મિજાજ નાયિકાના મુખે મુક્યો છે. કવિના ઘણાં ગીતમાં સ્ત્રીઓનાં યૌન પ્રદેશનું દર્શન વ્યક્ત થતું જોવા મળે છે. એવું એક ગીત...
-“સૂડી વચ્ચે સોપારી ને સોપારીનો ચૂરો
કણબણ માંગે ગલગોટો ને
કણબણ માંગે ગલગોટો ને
કણબી દે ધતુરો...
સૂડી વચ્ચે સોપારી ને ...” -‘ઝાલર વાગે જૂઠડી’, પૃષ્ઠ-૨૦

‘સૂડી’ અને ‘સોપારી’નાં સંકેતાત્મક સંદર્ભે કણબણ ગલગોટો માંગે, ને કણબી ધતુરો આપે તો એ તેને ‘મીંઠો’, ‘તૂરો’ વગેરે દ્વારા કામ્યલીલાનાં સંદર્ભમાં વ્યક્ત થાય છે. જેમાં ઔચિત્યપૂર્ણ વિનિયોગ સધાતો જાય છે.

આખાય ગીતમાં શૃંગાર ગવાયો છે, નાયિકાના સંતૃપ્ત થયાનો અહેસાસ ‘મુંને મારો મુકામ ઓળખાયો રે, સૈ ! જેવી પંક્તિ દ્વારા વ્યક્ત થયો છે. કવિ પાસેથી પ્રેમ મસ્તીના ગીતો પણ મળે છે જેમાં વિપ્રલંભશૃંગાર સાથે પ્રેમ અને તોફાનનું તત્વ વિશેષ જોવા મળે છે.
“ડાબે હાથે ઓરું સાજન લાપસી
જમણે હાથે ચોળું રે કંસાર
હું તો અડધી જાગું ને અડધી ઊંઘમાં, -‘ઝાલર વાગે જૂઠડી’, પૃષ્ઠ-૨૮

‘ઉગમણે ભણકારા ભીંના વાગતા’ અને ‘આથમણે કાંઈ ઓગળતા અણસાર’ સમયની બે જુદી જુદી સ્થિતિ મુકવામાં આવી છે. ‘ઉગમણે ભણકાર’ અને ‘આથમણે ઓગળતા અણસાર’ દ્વારા વીતેલા સમયની ભાવનાત્મક સ્થિતિ રજૂ થઈ છે.

સંદેશો મળતા પ્રસન્ન થયેલી કાવ્ય નાયિકાની ભાવસ્થિતિ અહીં ગીતમાં પ્રગટ થાય છે. પ્રાચીન સામયમાં કબૂતરનો ઉપયોગ કરવામાં આવતો હતો. એક ગીતમાં નાયિકા કબુતરીને સંદેશો આપીને મોકલે છે તેવી વાત અહીં કવિતામાં આવે છે.
“કાગળ મારો માણીગરને દેજો રે કબુતરી
અમે આરસનાં ઓતાલીયે
અમે આરસનાં ઓતાલીયે
કેજો માંડી છે નવકૂકરી..”-‘ઝાલર વાગે જૂઠડી’, પૃષ્ઠ-૩૧

જૂના જમાનામાં સંદેશ વ્યવહાર માટે કબુતરનો સંદર્ભ લઈને વિરહથી વ્યાકુળ બનેલી નાયિકાની ભાવસ્થિતિ રજૂઆત પામી છે. મનોરંજન માટે ગામઠી રમત ‘નવકૂકરી’નો સંદર્ભ પણ કવિએ મુકીને ઔચિત્ય રચી આપ્યું છે.

કવિએ આ ગીતમાં કારેલાની કડવાશ સાથે નાયકનો વાસ્તવ સંદર્ભ અને ગુલાબજાંબુ ના ગળપણ સાથે નાયિકાનો અપેક્ષા સંદર્ભ મુક્યો છે. અને બંનેની વિષમતા એકરૂપ બની જતી જોવા મળે છે. કારેલાની કડવાશ સાથે ગુલાબજાંબુની મીઠાશ અથડાવી છે. આ ગીતમાં નાયિકા પ્રિયતમ માટે જે ધારણા બાંધી હતી એ જે રીતે ખોટી પડે છે એ વાત નાયિકાનાં મુખે અહીં કલાત્મક રીતે વ્યક્ત થાય છે.
“કારેલું રે કરેલું .. મોતીડે વઘારેલું
સૈયર મોરી મેં ભોળીએ ગુલાબ જાંબુ ધારેલું.” -‘ઝાલર વાગે જૂઠડી’, પૃષ્ઠ-૩૨

આ ગીતમાં આવતા ભાવ અને અર્થોનું માધુર્ય સાથે લયના વિનિયોગ દ્વારા નારીભાવનું ચિત્રણ અહીં વ્યક્ત થયું છે. વઘારેલું, શણગારેલું, ભારેલું, ભંડારેલું, વગેરે શબ્દો દ્વારા ભાવચિત્રણ વ્યક્ત થયું છે. ભોળી નાયિકાએ ધારેલી વાત અસંતોષમાં પરિણમે છે.
“એણે કાંટો કાઢીને દઈ દીધું ફૂલ
હું તો છાતીમાં સંઘરીને લાવી બુલબુલ -‘ઝાલર વાગે જૂઠડી’, પૃષ્ઠ-૩

અહીં કવિએ પ્રસ્તુત ગીતમાં ‘બુલબુલ’ નામના અત્યંત નાજુક અને રંગબેરંગી પક્ષી દ્વારા નાયિકાના આંતર સંવેદનો કવિએ વ્યક્ત કર્યા છે. બુલબુલના ગભરુ સંવેદન નાયિકા છાતીમાં સંઘરીને લાવે છે. કાંટો કાઢીને ફૂલ આપવું સાથે સાથે થતું પ્રેમનું આગમન આ ગીતમાં વ્યક્ત કર્યું છે.

કવિએ લોકગીતના લયને કેન્દ્રમાં રાખીને ગામડા ગામનું ચિત્ર અહી કવિએ મુક્યું છે. એવું આ ગીત ગામડાની યાદ સહેજે આવી જાય તેવું હ્રદય સ્પર્શી છે.
“વચલી ફળીમાં એક ખોરડું જી રે
પાછલી પછીત માણારાજ..
ઊંડો કૂવોને પાણી છીછરા જઈ રે
ધોરિયામાં છલકાતી ધાર મનરાજ..”-‘ઝાલર વાગે જૂઠડી’, પૃષ્ઠ-૩૪

પ્રિયતમ વિનાની નાયિકા સપનાનું સાંબેલું લઈ ઉજાગરાને ખાંડવાની વાત દ્વારા કાવ્યનાયિકાની વ્યથા મૂકી આપી છે. આવો વિરહ ગીતમાં નિરુપાયો છે.
“કેટલીય રાત કરી કાળી
ને કેટલાં પરોઢ ભરી અંધારા ધોયા
ં મંડેલા દાવ અમે માંડ્યા’તા માંડ
પછી પગડે બેઠા તોય રોયાં,
હવે પડતી મેલીશું પંચાતને,
સખી ! અમે સંકેલી લેશું ચોપાટને ..” -‘ઝાલર વાગે જૂઠડી’, પૃષ્ઠ-૩૭

કવિએ ઘણાં ગીતોમાં કામોત્તેજક પ્રવૃતિને પ્રતિફલિત કરવા ભાવસામગ્રી વિશિષ્ટ હોયછે. કામ માટે વિવિધ ભાવસંદર્ભો મુકે છે. કામ માટે ઝેરીકાળોતરો શબ્દ પ્રયોગ કરીને કામનું રૂપ ખુલ્લુ કર્યું છે. ‘સાપ’ એ કામનું પ્રતીક છે.
“ઝેરી કાળોતરો ડંખે રે !
કાંઈ મીઠો લાગે કાંઈ મીઠો લાગે
મારી આરપાર શેરડીનો સાંઠો
આરપાર શેરડીનો સાંધો રે લોલ.”-‘ઝાલર વાગે જૂઠડી’, પૃષ્ઠ-૩૮

ગીતમાં ‘ભરડાની ભીંસ’ અને ‘લોહીજાણ ચીસ’ આ બંને શબ્દ યુગ્મોમાં શૃંગારનું પ્રતીકાત્મક ચિત્ર વ્યક્ત કર્યું છે. કામનું પ્રતીક એવાં સાપના ડંખનું દર્દ નાયિકાને મીઠું લાગે છે. અહીં નાયિકાની કામેચ્છાનો અહેસાસ અને પરિપૂર્ણતા એ રીતે વ્યક્ત થઈ છે.

વિનોદ જોશીએ કથાગીતની જેમ પુરાકથાને ધ્યાનમાં રાખીને ગીત રચ્યું છે. નાયિકા પાણી ભરવા ગઈ છે. અને પાણીના તળ ઊંડા જતાં ચાલ્યા છે. ભૌગોલિક દુષ્કાળગ્રસ્ત પરિસ્થિતિમાં પાણી ભરવા ગયેલી યુવતીની મુંજવણ આ ગીતમાં કવિએ વ્યક્ત કરી છે.
“સાત હાથ સીંચણ ને બાર હાથ કૂવો
પાણિયારા પડ્યા ખાલી રે
બેડા લઈને હું તો હાલી રે -‘ઝાલર વાગે જૂઠડી’, પૃષ્ઠ-૩૯

ઘણાં ગીતમાં કથાનક ધ્યાનમાં રાખીને પ્રણય સંવેદન કવિએ મૂકી આપ્યું છે. કવિએ બીજા એક ગીત ‘આપન્નસત્વા નવોઢા’માં શૃંગાર નિરૂપાયો છે.
“પરોઢનો પરસેવો માણારાજ,
કે આખી રાત કરેલું ઝાંખું ફાનસ શગે ચડ્યું રે, મૂઈ! -‘ઝાલર વાગે જૂઠડી’, પૃષ્ઠ-૪૧

નાયિકા પ્રસન્નચિત્તે પોતાની સખીને ‘રે મૂઈ !’ એવાં સંબોધન સાથે નવોઢાની ભાવોપસ્થિતિ વર્ણવી છે. ‘પરોઢમાં પરસેવો’ એમ શરૂઆતની કડીમાં ભાવોપસ્થિતિ ઊભી કરી આપે છે. અને ધીરે ધીરે ભાવને સક્રિય કરતાં જાય છે. છેક રતિભાવ સુધી આવીને વિરમે છે.
“તમે કીધું કે હાઉં એ તો સમજ્યાં
પણ આજના ઉજાગરાને સમજો તો સારું
તમે બોલ્યાં કે જાવ જાવ એ તો સમજ્યાં
પણ સૂનમૂન ખાખરાને સમજો તો સારું” -‘ઝાલર વાગે જૂઠડી’, પૃષ્ઠ-૪૩

પ્રેમ-મિલનની શૃંગારિક ભાવોની ભરપૂર નાયિકાની મિજાજી રંગ આખી રચનામાં વ્યક્ત થાય છે. જે “આજના ઉજાગરાને સમજો તો સારું“ પંક્તિમાં જોઈ શકાય છે.
ઝાટકે રે...
ઝાટકે રે...વાળ ઝાટકે રે... ઊભી ઊભી ઝરૂખડે,
સોનેરી વાળ ખરી જાય. -‘ઝાલર વાગે જૂઠડી’, પૃષ્ઠ-૪૬

કવિએ ઉલ્લાસભર્યા પ્રણયના રંગો ગીતોમાં ભર્યા છે. નાયિકા પોતાના પ્રેમનો તલસાટ, ચંચળતા, ઉન્મેષ, મિલનની ઝંખના, પ્રેમની આતુરતા અને મધુરપ વ્યક્ત કરતી જોવા મળે છે. લજ્જાળ સ્વભાવ એમની કવિતામાં વ્યક્ત થાય છે.
“અમેં ધૂતારાં સાયબાનાં ઘરવાળાં..
અમે હોઠે જડેલ મૂઆ પરવાળાં..
અમે હેત અને હૈયાનાં સરવાળાં..”-‘ઝાલર વાગે જૂઠડી’, પૃષ્ઠ-૪૭

મિલનની ઉત્કંઠા સેવતી અને ધન્યતા અનુભવતી, ઉછળતી, કૂદતી, ક્યાંક વિરહમાં બેસેલી બાળપણનો ઊંબર ઓળંગીને યુવાનીમાં પ્રવેશી ચુકેલી નાયિકાનું ચિત્ર કવિએ ગીતોમાં મુક્યું છે.
“ઊભી બજારમાં ઉભો આંબલિયો
આંબલિયે ફળ કાચા જી રે..
લેણદેણ ઊભી આઘેરા ઊંબરે
વાયુના વીંઝણે વાચા જી રે. -‘ઝાલર વાગે જૂઠડી’, પૃષ્ઠ-૪૯

નાયિકાના છલકતા યૌવનની વાત કવિતામાં જોબનનાં ઝાંઝવે ઝૂલી માછલડી દ્વારા વ્યક્ત થતી જોવા મળે છે. યુવાનીના ઊંબરે આવીને ઉભેલી નાયિકા પ્રિયતમને છલકતા યૌવનમાં સમાવી લેવાની વાત કરે છે. કૂદાકૂદ કરતી નદીને દરિયો જે રીતે પોતાનામાં સમાવી લે તેવી વાત અહી ગીતમાં વ્યક્ત થઇ છે.
“મને ઝાલી લે ઝાલ, મને ઝીલી લે હાલ્ય,
હું તો ઓળઘોળ આજ, હતી ગોળ ગોળ કાલ્ય,
હું તો વિંઝાતી જાઉં હું તો વિંધાતી જાઉં
હું તો તેર હાથ તાકામાં બંધાતી જાઉં” -‘ઝાલર વાગે જૂઠડી’, પૃષ્ઠ-૫૦

કવિએ મેળાના ગીતો આપ્યા છે અને આ મેળાને ઉત્સવ તરીકે આવે છે. નાયક-નાયિકાનાં પ્રણયનું માધ્યમ જાણે મેળો બને છે.
“અમેં નકટાં તે થઈ હરખપદૂડાં
મેળા વચમાં ગયાં તે ગયાં,
અમો અમોથી થઈ વેગળા
અમે વગરનાં થયાં તે થયાં” -‘ઝાલર વાગે જૂઠડી’, પૃષ્ઠ-૫૧

નાયિકા મેળામાં કોઈ બીજાને પોતાની જાત આપીને આવી છે. જેની મીઠી વેદના આ નાયિકા ભોગવી રહી છે. પ્રિયતમનાં વિરહમાં ઝૂરતી નાયિકાનું તાદ્રશ્ય ચિત્ર કવિએ અહીં વ્યક્ત કર્યું છે. તાજી પરણેલી સાસરે ગયેલી કન્યા સાસરિયામાં ગોઠવાઈ રહી છે. પિયરમાં ખૂબ સ્વતંત્રતાથી જીવી છે. દાદાના હેત માતા-પિતાના લાડકોડ છોડીને સાસરે આવેલી કન્યાની વાત કુલડીનાં પ્રતીક દ્વારા આલેખાયું છે.
“કાચી માટીની કુલડી રે હું તો
હું તો નીંભાડે પૂગીબૂગી નંઈ,
પહેલાં વહેલાં તે આંધણ ઉકળ્યાં ને
હું તો ચૂલે ચડીને ફૂટી ગઈ.” -‘ઝાલર વાગે જૂઠડી’, પૃષ્ઠ-૫૩

પ્રિયતમને ઝંખતી યુવતી જયારે પરણીને સાસરે આવે છે ત્યાર પછીના લીલા દિવસો અહીં આ ગીતમાં નિરુપાયાં છે.
“નીંદરડી રૂમઝૂમ ઢાળે રે ઢોલિયો,
આળસ મરડીને રાત જાગે;
શરણાયું આરપાર વાગે
હવે સોળે શમણાંને તમે સાંધો
કે આપણાં અંજળ થિયાં રે ..” -‘ઝાલર વાગે જૂઠડી’, પૃષ્ઠ-૫૫

અહીં યુવાન હૈયાનાં અરમાનો કવિએ ગીતમાં ખૂબ ભાવસભર મૂકી આપ્યા છે. સ્વપ્નની દુનિયા પણ એટલી જ મહત્વની છે. ઘણી વખત સ્વપ્નમાં પ્રિયતમ પાસે પહોંચી એની સાથે જોવા મળે છે. કવિ ગીતમાં સ્વાભાવિકતા રંગદર્શિતા પ્રગટાવી શક્યા છે. ઘણી જગ્યાએ આક્રમક બનતી જોવા મળે છે છતાં સંયમની સીમા ઓળંગતી નથી. સ્વસ્થ રીતે કવિ રતિ રાગનું નિરૂપણ કરે છે.આવું જ સંવેદન ‘પ્રોષિતભર્તૃકા’ જેવા ગીતમાં જોવા મળે છે.
“હું પેડુએ પાતળી મારો પરણ્યો ઊભો વાંસ
ભટકાણો ભરનીંદરમાં મધરાતે વાગી ફાંસ
વાટુ અરડુસી બે વાર,
ચાટુ ઓસડ બીજા બાર
બાઈજીનો બેટો (ઘણી ખમ્મા !) મુને થઈ બેઠો વળગાડ.“ -‘ઝાલર વાગે જૂઠડી’, પૃષ્ઠ-૧૭

ગીત રચનામાં ગામડાનાં તળનાં આવાં નર-નારીને પ્રમાણ્યાં છે. એ નારીભાવ કવિની સર્જકતા સાથે જોડાય છે ત્યારે કવિજીવ એને ગાતાં થાક્યો નથી. ગાયન રોમેન્ટિક છે. એ ગાયન અસંસિદ્ધ પ્રતીકોનાં અર્થભાવોથી રસિત છે. વળી કાવ્યલયનો મલાજો સાચવીને સંગીતમાં વિલસે છે.
“પલળી પલળીને અમે પોચાં થિયાં
હવે ક્યારે બોલાવશો?
ઊંબરમાં સૂનમૂન બેઠો ઉજાગરો,
ને શમણાનો દેશ ગયો ડૂબી,
આથમતી રાત હજી આથમતી જાય
નથી અંધારે ઉકલતી ખૂબી.” -‘ઝાલર વાગે જૂઠડી’, પૃષ્ઠ-૮૩

અહીં આવતા કલ્પનો કાવ્યગત છે.કવિની ભાષા તળપદી છે. લય સોરઠી છે. ગામઠી છે. લોકલય ખુબ જ કવિએ ખપમાં લીધો છે. લોકગીતોનો ઢાળ કવિએ પસંદ કર્યો છે. ગીતને પૂરકો દ્વારા નોખો આકાર મળ્યો છે. વિનોદ જોશીએ ગીતકવિતામાં રતિરાગનું આલેખન વિશેષ કર્યું છે. પણ સંયમની સીમા ક્યાંય વળોટી નથી. ભાવને વધારે તીવ્ર બનાવવા માટે શૃંગારરસ આલેખવામાં આવ્યો છે. ગીતકવિતાની આ પરંપરા જાળવીને કવિએ પોતાની આગવી છાપ ઊભી કરી છે. ભાષા, લય, પ્રતીક, કલ્પન, ગીતનો આકાર એ કવિના પોતીકા છે. તેમણે ઉમાશંકર, સુન્દરમ્, પ્રહલાદ પારેખ, રાજેન્દ્ર શાહ, અનીલ જોશી, મકરંદ દવે, હરીન્દ્ર દવે, રમેશ પારેખ જેવા કવિઓથી અલગ ભાત ઉપસાવી છે. ચીલા-ચાલુ પ્રેમ પ્રતીકોથી અલગ પ્રતીકો લઈને ગીતો લખ્યા છે. ગામડાની નાજુક વયની નાયિકાનું અહીં સવિશેષ પ્રતિનિધિત્વ જોવા મળે છે. કવિતામાં પોતીકો અવાજ ગુંજતો કર્યો છે. જેમાં કવિની આગવી પ્રતિભા જોઈ શકાય છે. એ રીતે ગામડાના તળનાં નર-નારીને કવિએ પ્રમાણ્યા છે.

સંદર્ભગ્રંથ

(૧) ‘ગુજરાતી ગીત સ્વરૂપ’, લેખક : ભગીરથ બ્રહ્મભટ્ટ, પ્રથમ આવૃત્તિ જુલાઈ, ૨૦૦૨
(૨) ‘ગુજરાતી સાહિત્ય વિવેચન શ્રેણી-૭ સુંદરમ’, લેખક : શિરીષ પાચલ, પ્રથમ આવૃત્તિ :૨૦૧૫
(૩) ‘ગુજરાતી ગીત : કેટલોક પુનર્વિચાર’ (લેખ), લેખક : વિનોદ જોશી
(૪) ‘ગુજરાતી ગીત-સ્વરૂપ વિચાર અને ગીત કવિ સુન્દરમ્’, લેખક : ડૉ.રાજેશ હ. ત્રિવેદી, પ્રથમ આવૃત્તિ- ઓગષ્ટ, ૨૦૦૯
(૫) ‘ઝાલર વાગે જૂઠડી’ (કાવ્યગ્રંથ), કવિ વિનોદ જોશી, ચતુર્થ આવૃત્તિ -૨૦૧૫
(૬) ‘પ્રત્યુદગાર’ – (વિવેચન લેખોનો સંગ્રહ, લેખક : ભાનુપ્રસાદ પંડ્યા, ચતુર્થ આવૃત્તિ -૨૦૧૫
(૭) ‘ફલશ્રુતિ’ –‘ગીત રસકીય કોટિ’ , ‘ગીતમાં લય વિધાન’, લેખક : લાભશંકર પુરોહિત

સામયિક

(૧) ‘કવિતા’ સામયિક, ૧૯૯૬
(૨) ‘નવનીત સમર્પણ’, ૧૯૯૧,૯૩,૯