“એક મિસરો તું લખી દે”માં વ્યક્ત થતો માનવીય ભાવ
માનવ જીવ બીજાં પ્રાણીથી વિશિષ્ટ છે, જેના મૂળમાં બુદ્ધિશક્તિનું વરદાન છે. આ બુદ્ધિશક્તિથી બીજા પ્રાણીથી વિશેષ પ્રગતી સાધી અને વિચારોનાં આદાન-પ્રદાન માટે ભાષા શોધીને ખૂબ પ્રગતી કરી. પોતાનાં નિજાનંદ માટે અથવા આનંદ, દુઃખ વ્યક્ત કરવાં માટે સાહિત્યની રચના કરી. કલાની અન્ય શાખાઓ ઊભી કરી. મનુષ્યનાં જીવન સાથે સાહિત્યનો ખૂબ નિકટનો સંબંધ રહ્યો છે. એમ કહી શકાય કે માનવ જીવન સાથે ભળી ગયું છે, ઓતપ્રોત રહ્યું છે. પોતાને થયેલો હર્ષ, શોક, વિષાદ, ઉમળકો, વિરહ, મિલન વગેરે વ્યક્ત કરવાં માટે સાહિત્યનો સહારો લીધો છે.
અર્વાચીન કાળમાં આવતા આપણે ત્યાં ઘણા બધા સ્વરૂપો બહારથી આવીને વિકસ્યા છે. ગુજરાતી પદ્યનું મધ્યમ અહી આવી રીતે વિકાસ પામે છે. આગળ ઉપર જતા આ બહારથી આવેલા સ્વરૂપ બાહ્ય અને આંતરિક રીતે ગુજરાતીતા ધારણ કરે છે. બાલાશંકર કંથારિયાથી આવેલુ આ ગઝલનું સ્વરૂપ આગળ આવતા વધારેમાં વધારે ખેડાવા લાગે છે. આ ગઝલસાહિત્યને બળકટ અને ઉત્તમ સર્જકો મળતા રહ્યા છે. આ સર્જકોએ પરંપરામાં રહીને પરંપરાને તોડી, છોડી છે. અને એ રીતે આ સ્વરૂપ આગળ વિકસ્યું છે. આધુનિક સમયમાં આવતા આ સ્વરૂપ પરંપરાને તોડી છે, જેમાં ચીલા ચાલુ કલ્પન-પ્રતીકોથી આગળ વધે છે, જેમાં મયખાના, પયમાના, સુરા, સાકી, જામ વગેરે ભાવપ્રતીકો બદલાય છે. ગઝલના આંતરિક સ્વરૂપ પણ આ રીતે બદલાતું જોઈ શકાય છે. આધુનિક સમય ગાળાની ગઝલોમાં મનુષ્ય જાતની વિચ્છીન્ન્તા રજુ કરી છે. એકલતા, ભીંસ, નગરસંસ્કૃતિ, વતનપ્રીતિ આ સંવેદનાઓ વ્યકત થયી છે. દરેક યુગમાં નવા નવા સર્જકો દ્વારા આ રીતે નવી નવી સંવેદનાઓ કવિતામાં ઝીલી છે.
ગુજરાતી ગઝલને જોઈએ તો દરેક યુગમાં એને સર્જકો મળતા રહ્યા છે. બાલાશંકર, કલાપી, શયદા, મરીઝ, સૈફ પાલનપુરી, શૂન્ય પાલનપુરી, અમૃત ઘાયલ, જલન માતરી, ખલીલ ધનતેજવી જેવા શાયર-ગઝલકારો મળતા રહ્યા છે.
ગઝલ મૂળ અરબી ભાષાનું સાહિત્ય સ્વરૂપ છે. ગઝલ અરબસ્તાનથી ઈરાકની ફારસી ભાષામાં વિકાસ પામી છે. ભારત પર મોગલ સલ્લતનત પછી ભારતમાં ફારસી રાજભાષા બને છે. તે સમયે ભારતીય સૈનિકો અને મોગલ સૈનિકો વાતચીત ફારસી હિન્દીમાં થતી એમનું મિશ્રણ થતા ઊર્દુભાષા પ્રચલિત બને છે. ફારસીનું અતિશય પ્રચલિત કાવ્યસ્વરૂપ ગઝલ ધીમે ધીમે આમ લોકો સુધી પહોચવા લાગે છે. એટલે એમ કહી શકાય કે ગઝલનું વતન મધ્ય-પશ્ચ્ચિમ એશિયા એટલે કે અરબસ્તાન – ઈરાક છે. ‘ગઝલ’ સાહિત્ય સ્વરૂપ ગુજરાતીમાં પ્રવેશ્યાને આજે સવાસો વર્ષ થવા જાય છે.
(૧) ‘બૃહદ રાષ્ટ્રભાષા કોશ’માં ગઝલ વિશે નોંધવામાં આવ્યું છે. ગઝલ : સ્ત્રી (ફારસી અથવા ઉર્દુમાં બબ્બે કડીઓના એક ચરણવાળું પદ. સૌન્દર્ય – પ્રેમથી સભર કવિતા)
(૨) ‘બૃહદ હિન્દીકોશ’માં ગઝલ વિશે આ પ્રમાણે વ્યાખ્યા આપવામાં આવી છે. ગઝલ : સ્ત્રી (અરબી) ફારસી-ઉર્દુમાં મુક્તક કાવ્યનો એક ભેદ જેનો મુખ્ય વિષય પ્રેમ હોય છે.’
(૩) એક સામાન્ય વ્યાખ્યા પ્રમાણે ‘ગઝલ એટલે પ્રેમીજનો વચ્ચે થતો વાર્તાલાપ કે ગૂફ્તગૂ.’
(૪) “સાર્થ જોડણીકોશ”માં ગઝલનો અર્થ આ પ્રમાણ આપવામાં આવ્યો છે. ‘ગઝલ : એક ફારસી રાગ ; રેખતો એ રાગનું કાવ્ય.
(૫) “ગુજરાતી વિશ્વકોષ”માં નોંધવામાં આવ્યું છે કે “ગઝલ શબ્દ મુગાઝેલત અથવા તગઝ્ઝુલ પરથી આવ્યો છે. મુગાઝેલતનો અર્થ કુમારિકાઓ સાથે પ્રેમગોષ્ઠિ કરવી એવો થાય છે. તગઝ્ઝુલનો અર્થ પ્રેમનો રંગ થાય છે. ટૂંકમાં, સંવનન અને પ્રેમગોષ્ઠિ ગઝલ કાવ્ય સ્વરૂપમાં મહત્વના લેખાય છે.”
(૬) ‘ભગવદ્ગોમંડળ’માં ગઝલ વિશેનું વિવરણ આ પ્રમાણે છે. (૧) પુ.(પિંગળ) એક માત્રામેળ છંદ. (૨) સ્ત્રી. એ નામના રાગનું કાવ્ય. સ્ત્રીઓના પ્રેમ, મૈત્રી અને જવાનીની હકીકતની કવિતા; પ્રેમના કિસ્સાઓની ફારસી કવિતા. ગઝલનો મૂળ અર્થ પ્રિયા સાથે રમવું કે સ્ત્રીઓ સાથે વાતચીત કરવી અથવા તેમની સાથે વિલાસ કરવો એવો થાય.
મોટાભાગની સાહિત્ય કૃતિ તેના બાહ્ય દેખાવથી જ ઓળખાઈ જાય છે. શે’ર એ ગઝલનું કલેવર છે. શે’રનો અર્થ “ઈરાદાપૂર્વક લખાયેલી સમીપ પ્રાસયુક્ત વાણી.” ગઝલમાં પ્રત્યેક શે’ર સ્વતંત્ર એકમ છે. જેમ જુદા જુદા મોતીને પરોવવાથી નેકલેસ તૈયાર થાય છે તેમ પ્રત્યેક શે’રનું ભાવ વિશ્વ સ્વાયત હોવા છતાં અર્થ-ભાવ-સાંકળથી એક બીજા ગૂંથાયેલા હોય છે.
મત્લઅનો અર્થ થાય છે –“ઉદય થવો કે પ્રારંભ થવો.” કોઈ પણ ગઝલમાં લખાયેલા પ્રથમ શે’રને મત્લઅ-મત્લા કહેવામાં આવે છે. ગઝલના અન્ય શે’રોની જેમ તેમાં રદીફ કાફિયા આવે છે.
મક્તાનો અર્થ ‘કઠણ વસ્તુને કાપવી’ અથવા ‘બસ’ એવો થાય છે. ‘શબ્દકોશ’માં અર્થ છે –“અંતનું સ્થળ” અથવા ગઝલની છેલ્લી કડી. સામાન્ય અર્થ થાય ગઝલની છેલ્લી કડી. ગઝલની છેલ્લી કડીમાં ગઝલને પૂર્ણ કરવાની હોવાથી ઘણા ગઝલકારો પોતાનું તખલ્લુસ મૂકે છે. સારો ગઝલકાર પોતાની પ્રતિભાનો પરિચય કરાવે છે અને મક્તામાં પોતાનું તખલ્લુસ આપી પોતાની માલિકીપણાને રજુ કરે છે.
‘કાફિયા’નો સામાન્ય અર્થ ‘જવા માટે તૈયાર !’ ગઝલના શે’રોમાં અંત ભાગે જ અંત્યનુંપ્રાસયુક્ત શબ્દ આવે તે – ‘કાફિયા’. કાફિયા એટલે પ્રાસ.
‘રદીફ’નો અર્થ થાય છે -‘પાછા ફરવું’, ‘ફરીથી લખવું’ રદીફ હંમેશા કાફિયા પછી જ આવે છે. તેનું સ્થાન દરેક શે’રમાં નિશ્ચિત જ હોય છે.તે ક્યારેય બદલાતી નથી.જો કે, દરેક ગઝલમાં રદીફ હોવી જ જોઈએ તે અનિવાર્ય નથી. રદીફને કારણે ગઝલમાં લયનું, સંગીતનું એક અનોખું વિશ્વ ઉભું થતું અનુભવાય છે.
અરબી-ફારસી-ઉર્દૂમાં છંદને ‘બહર,’ અંગ્રેજીમાં ‘Meter’ ગુજરાતી ‘છંદ’ તરીકે ઓળખવામાં આવે છે. ‘બહર’નો અર્થ થાય છે -‘કાપવું’, ‘ચીરવું’ અરબી ભાષામાં બહર ઘણી છે. પણ તેમાની ૧૯ બહર ખુબ પ્રચલિત છે.
સામાન્ય રીતે મોટા ભાગના ગઝલકારો પોતે પોતાનું ઉપનામ ધારણ કરે છે. જેને તે પોતાના અંતિમ મિસરામાં વણી લે છે.સરળ રીતે કહેવું હોય તો ગઝલકાર પોતાની ગઝલમાં પોતાના અસલ નામને બદલે ગઝલના અંતિમ શે’રમાં પોતાનું તખલ્લુસ મુકે છે.
દરેક સાહિત્ય સ્વરૂપ આંતર – બાહ્ય લક્ષણો હોય જ છે. જે દરેક સ્વરૂપને એક-બીજાથી અલગ પડે છે. આંતરી લક્ષણોની ચર્ચા નીચે મુજબ છે.
(૧) અંદાજે બયાં (અભિવ્યક્તિ રીતિ )
(૨) હુસ્ને – ખયાલ (વિચાર સૌન્દર્ય)
(૩) મૌસીકીયત (સંગીતમયતા)
(૪) લાઘવ
(૫) ચોટ
(૬) મિજાજ
(૭) ભાષા કર્મ
આ ઉપરાંત, સંકેત જેવું તત્ત્વ પણ ગઝલમાં અવાર નવાર આવે છે. તો ગઝલોમાં વિષય, પ્રતીક, કલ્પન, મીથ, આધુનિકતા, પ્રયોગશીલતા આદિની પણ છણાવટ થઈ શકે.
ગુજરાતી ભાષામાં ગઝલને સમજપૂર્વક આલેખવામાં સૌ પ્રથમ કોઈ કવિનું નામ લેવું હોય તો તે છે – બાલાશંકર કંથારિયા. આ કવિને આપણા પ્રથમ ગઝલકાર સંબોધવામાં કોઈ વાંધો નથી. બાલાશંકર કંથારિયા પાસેથી સૌ પ્રથમ આપણને ઇયત્તા અને ગુણવત્તા ઊભય દ્રષ્ટીએ ગઝલો પ્રાપ્ત થાય છે. તેમની ગઝલોમાં સાહિત્યિક મૂલ્ય ઘણું છે. તેમની ગઝલોમાં પ્રેમ-પ્રણય કેન્દ્ર સ્થાને છે છતાં એમની ગતિ ફિલસૂફીની છે. તેમની ગઝલનો આ જાણીતો મત્લો ખૂબ જ લોકપ્રિય બન્યો છે.
“ગુજારે જે શિરે તારે, જગતનો નાથ તે સહેજે,
ગણ્યું જે પ્યારું પ્યારાએ, અતિપ્યારું ગણી લેજે.
આ ગઝલ આમ તો હમરદીફ-હમકાફિયાની છે. આથી અહી કાફિયા પોતે જ રદીફની ગરજ સરે છે.
ત્યારબાદ મણિભાઈ નભુભાઈ દ્વિવેદી પાસેથી ગઝલો મળે છે. ખૂબ જ લોકપ્રિયતા અપાવનાર ગઝલકાર છે-કલાપી. રાજવી કવિ સુરસિંહ તખ્તસિંહ ગોહિલ પાસેથી ઉત્તમ કક્ષાની ગઝલો મળી આવે છે. ‘આપની રહમ’, ‘સનમની શોધ’, ‘આપની યાદી’ વગેરે ગઝલો નોંધપાત્ર છે.
“જખમથી જે ડરી રહેતાં, વગર જખામે જખમ સહેતાં,
હંમે તો ખાઈને જખમો ખૂબી ત્યાં માનનારાઓ !”
‘સાગર’- જગન્નાથ દા. ત્રિપાઠી પાસેથી ગઝલો મળે છે. આ સમયગાળા દરમ્યાન કાન્ત, બહેરામજી મલબારી, ન્હાનાલાલ વગેરે પાસેથી ગઝલો મળી આવે છે. અમૃત કેશવ નાયક પાસેથી સારી ગઝલો પ્રાપ્ત થાય છે. આ સમયગાળા દરમ્યાન ખબરદાર, માંનીકાંત, મણીલાલ પંડ્યા વગેરે પાસેથી ગઝલો મળે છે.
‘શયદા’- હરજી લવજી દામાણી ગુજરાતી ગઝલની વિકાસયાત્રામાં મહત્વનું યોગદાન છે.
“તમો શોધો તમોને એ જ રીતે,
હું ખોવાયો પછી મુજને જડ્યો છું.”
‘સગીર’ – ગુલામ હુસૈન મહંમદ હુસેન પાસેથી ગઝલો પ્રાપ્ત થાય છે. ‘બેકાર’ – ઈબ્રાહિમ દાદાભાઈ પટેલનું નામ મુશાયરા પ્રવૃત્તિ સાથે જોડાયેલું છે. ‘આસીમ રાંદેરી’ પાસેથી ગઝલો મળે છે, નઝમો ખુબજ મઝાની મળે છે. ‘પતીલ’ મગનભાઈ ભુધરભાઈ પટેલનું નામ પણ જાણીતું છે. આ યુગમાં સાબિર વટવા, નસીમ વગેરે નામ જાણીતા છે.
‘મરીઝ’ અબ્બાસ અબ્દુલઅલી વાસી ગુજરાતી ગઝલમાં ગઝલ શિરોમણી ગણી શકાય છે. જે ગુજરાતના ‘ગાલીબ’ તરીકેનું બહુમાન પામ્યા છે. ‘અમૃત ઘાયલ’નું નામ ગુજરાતી ગઝલમાં કાયમ માટે અમર બની ગયું છે. ‘ગઝલનો બાદશાહ’ ઘણા વિદ્વાનો મને છે.
“ઘાયલ સાંભળી મને, ડોલી ઉઠે કાં ન સભા,
મારી ગઝલના જામમાં જિંદગીનો ખુમાર છે.”
‘ગની’ – દહીંવાલા ગુજરાતી ગઝલમાં એક સીમાસ્તંભ ગઝલકાર છે. છંદવૈવિધ્ય, વિષય વૈવિધ્ય આદિ ધ્યાન ખેંચે છે. ‘શૂન્ય’ પાલનપુરી – અરબી ફારસી ભાષાના એક મહત્વના ગઝલકાર છે. ‘બેફામ’ – ગુજરાતી ગઝલના એક મહત્વના ગઝલકાર છે. ‘સૈફ’ પાલનપુરી – ગુજરાતી ગઝલ અને નઝમ સાહિત્યનુ એક ચિરસ્મરણીય નામ છે. ‘અનીલ’ રતિલાલ મુલચંદ રૂપવાળા નામ જાણીતું છે. ‘શેખાદમ આબુવાલા’ પરંપરાગત અને આધુનિક ગઝલકારો વચ્ચેની કડી સમાન છે. ‘જિગર’ જમિયત પંડ્યા ગુજરાતી ગઝલના વિકાસમાં ખુબ મહત્વનું નામ છે. હરીન્દ્ર દવે ગીતકાર તો ખરા જ પણ ગુજરાતી ગઝલો પણ ખુબ જ સારી આપી છે. ‘ગાફિલ’ મનુભાઈ ત્રિવેદીની ગણી રચનાઓ સારી છે. આ સમયગાળાના અનંતરાય ઠક્કર, કિસ્મત કુરેશી વગેરે ગઝલકારો મળે છે. ‘આદિલ મન્સુરી’ ફકીર મહમદ ગુલામનબી મન્સુરીને આધુનિક ગઝલકાર ગણવામાં આવે છે. તેમની પાસેથી ‘પગરવ’, ‘સતત’, ‘વળાંક’, ‘મળે ન મળે’ જેવા ગઝલસંગ્રહો મળે છે. ‘મનોજ ખંડેરિયા’ એક ઉત્તમ ગઝલકાર તરીકે લોકપ્રિય બન્યા છે. ‘અચાનક’, ‘અંજની’, ‘હસ્તપ્રત’ જેવા ગઝલસંગ્રહો મળી આવે છે.‘ઈર્શાદ’ ચિનુ મોદી આધુનિક ગઝલકારોમાં નોંધનીય છે. તેમની પાસેથી ‘ક્ષણોના મહેલમાં’, ‘ઈર્શાદગઢ’, ‘અફવા’, ‘ઈનાયત’, ‘નકશાના નગર’, ‘શ્વેત સમુદ્રો’ જેવા ગઝલસંગ્રહો મળી આવે છે. રાજેન્દ્ર શુક્લ સાંપ્રત ગઝલકારોમાં મહત્વના ગઝલકાર છે. આ કવીએ ઊર્દુ-ફારસીની સાથે ભારતીય સંસ્કૃતિના તાર જોડીને પોતાની નિજી ઓળખ પ્રસ્થાપિત કરી છે. સંસ્કૃત ભાષાનું મોટું ભાથું છે આ કવિ પાસે. તેમની પાસેથી ‘કોમલ રિષભ’, ‘અંતર ગાંધા’, ‘સ્વવાચકની શોધ’, ‘ગઝલસંહિતા’, ‘મંજ્લા ૧ થી ૫’ કાવ્ય સંગ્રહો છે. શ્યામ સાધુ- શામળદાસ મૂળદાસ સોલંકીનું નામ લેવું જોઈએ. ‘અદમ’ ટંકારવી પ્રયોગશીલ ગઝલકાર છે. રમેશ પારેખ ગુજરાતી કવિતામાં એક સીમા સ્તંભ કવિ તરીકે ખ્યાતી પામ્યા છે. ભગવતીકુમાર શર્મા પણ ગુજરાતી ગઝલના વિકાસમાં મહત્વનું કવિકર્મ રચનારા ગઝલકાર છે. મનહર મોદી ગુજરાતી ગઝલક્ષેત્રે વક મહત્વના ગઝલકાર છે.તેમની પાસેથી ‘આકૃતિ’, ‘ઓમ તત સત’, ’૧૧ દરિયા’, ‘હસુમતી અને બીજા’, ‘એક વધારાની ક્ષણ’ અને ‘મનહર અને મોદી’ જેવા કાવ્યસંગ્રહો મળી આવે છે.આ ગઝલકારની વિશેષતા એ છે કે તે આધુનિકતા અને પરંપરા ઉભય સાથે નાતો જાળવીને ગઝલો રચે છે. કવિની પ્રયોગશીલતા વિશેષ ધ્યાન ખેંચે છે. તેમનો એક શે’ર.
“બને તો એમને કહેજો કે ખૂશ્બો મ્યાનમાં રાખે,
બગીચામાં બધા ફૂલોની હમણા ઘાત ચાલે છે.”
મકરંદ દવે ગુજરતી કવિતામાં ખુબજ ખ્યાતિ પામ્યા છે. વિનોદ જોશી પ્રયોગશીલ કવિ ગઝલકાર છે. દલિત સંવેદના કિસન સોસા નામના કવિની કવિતામાં જોવા મળે છે. નયન હ. દેસાઈ અનેરો રોમાંચ પ્રગટાવે છે. કૈલાસ પંડિતે ખાસ્સી લોકપ્રિયતા મેળવી છે. ‘જલન’ માતરી પરંપરાપ્રિય ગઝલકાર છે. ખલીલ ધનતેજવી, ઉદયન ઠક્કર, ‘મેહુલ’ સુરેન ઠાકર, રાજેશ વ્યાસ, ભરત વિંઝુડા, મુકેશ જોશી, શોભિત દેસાઈ, એસ.એસ.રહી, અંકિત ત્રિવેદી, બકુલ દેસાઈ, અશોકપુરી ગૌસ્વામી, મુકુલ ચોકસી, હિતેન આનંદપરા, લાલજી કાનપરિયા, અશરફ ડબાવાલા, નીતિન વડગામા, પરાજિત ડાભી, નાઝીર દેખૈયા, જીતેન્દ્ર પ્રજાપતિ, રઘુવીર ચૌધરી, રવીન્દ્ર પારેખ,જયંત પાઠક, જગદીશ જોશી, ચંદ્રકાંત શેઠ, કરસનદાસ લુહાર, ઓજસ પાલનપુરી, જવાહર બક્ષી,નિનુ મઝમુદાર, પથિક પરમાર, હર્ષદ ચાંદરણા, કુતુબ આઝાદ, અઝીઝ કાદરી,દીપક બારડોલીકર, સાહિલ, મિલિન્દ ગઢવી, નાઝીર ભાતરી વગેરે કવિઓએ ગુજરાતી ગઝલોને સમૃધ્ધ બનાવી છે.
સાંપ્રત ગજરાતી સાહિત્યમાં જેમની કલમ ચાલી રહી છે તેમાં પરાજિત ડાભીનું નામ ખૂબ અગત્યનું છે. કવિનું વતન ભાવનગર છે. અહી જ શામળદાસ કોલેજમાં અભ્યાસ કરીને તેઓ રેલ્વે વિભાગમાં નોકરીમાંથી નિવૃત્તિ મેળવી છે. કવિ પરાજિત ડાભી કોલેજ સમયે તેઓ વાર્તા લખવાથી શરૂઆત કરે છે. અને ધીરે ધીરે તેમનું મન ગઝલો લખવા તરફ ઢળે છે. બને છે એવું કે પછી ગઝલો લખવા તરફ સતત પ્રયત્નશીલ રહે છે. આ સાથે ભાવનગરમાં ચાલતી ગુજરાતી ગઝલ તરફની પ્રવૃત્તિ ખુબ મહત્વનું પરિબળ બને છે. સ્કૂલ ઓફ ગુજરાતી ગઝલના તે વિદ્યાર્થી રહ્યા છે. પરાજિત ડાભીનું મૂળ નામ પ્રેમજીભાઈ છે. ‘પરાજિત’ એવું ઉપનામ ધારણ કર્યું છે. અહી ભાવનગરમાં ચાલતી વિવિધ સાહિત્ય પ્રવૃતિનો પણ મોટો ફાળો રહ્યો છે. શારીરિક પીડા સાથે વારંવાર ખેલવાનું બન્યું છે. સતત ચાર વખત કેન્સરની મહામારી સામે તેમને પનારો પાડ્યો છે. ઘણી વખત તેમને મોત સાથે તાળીઓ આપવાનું બન્યું છે. તેમ છતાં તેમના મુખેથી ક્યારેય નિરાશા, હતાશા, નાખુશ ક્યારેય જોવા ન મળે. ખુશ મિજાજના ધરાવતા કવિ પરાજિત આજે ભાવનગરમાં પોતાના નિવાસ સ્થાને નિવૃત જીવન પસાર કરે છે.
કવિ પરાજિત ડાભી પાસેથી આપણને અત્યાર સુધીમાં ત્રણ ગઝલ સંગ્રહો મળી આવે છે. તેમાં પ્રથમ ગઝલ સંગ્રહ “પગરવ તમારો ઓળખું છુ”, બીજો ગઝલ સંગ્રહ “ફરી હું મને મળું ન મળું” અને ત્રીજો ગઝલસંગ્રહ “એક મિસરો તું લખી દે”. સાદી, સરળ વાણીમાં ગઝલને અભિવ્યક્ત કરવાની ફાવટ કવિ પાસે છે. તે એમની ગઝલોમાં જોઈ શકાય છે. જુદા જુદા સામયિકોમાં તેમની ગઝલો પ્રસિદ્ધ થતી રહી છે. ગુજરાતી ભાષાનું જવલ્લેજ કોઈ સામયિક હશે જેમાં કવિની ગઝલો ના આવતી હોય. અને સતત તેમની સર્જન યાત્રા એ રીતે અવિરત ચાલુ રહે છે. મુશાયરામાં કવિ પોતાના અંદાજમાં ગઝલ રજુ કરતા સંભાળવા એ લ્હાવો છે. ગઝલના ગોત્રને આ કવીએ બરાબર પારખ્યો છે.
“એક મિસરો તું લખી દે” ગઝલ સંગ્રહ કવિ પાસેથી ૨૦૧૭માં મળી આવે છે. આ ગઝલ સંગ્રહમાં કૂલ મળીને ૩૫૫ જેટલી રચનાઓ થાય છે. તેમની રચનાઓ જુદી જુદી બહારોમાં લખાઈ છે. જેમાં ત્રિપદી ગઝલો, વૃતગઝલો, નઝમો છે. કવીએ કવિતામાં બાહ્ય સ્વરૂપ પરત્વે ખુબ જ ચીવટ રાખી છે. તેમના આ ગઝલ સંગ્રહમાં જોઈ શકાય છે. તેમની પાસેથી મળી આવતી ગઝલોમાં ઈશ્કે હકીકી અને ઈશ્કે મિજાજી એમ બંને ધારામાં ગઝલો રચાઈ છે.
કવિની ગઝલોમાં માનવ પૂજા, પ્રેમ – વિરહ, પ્રણયના વિવિધ ભાવોને અહી ઝીલ્યા છે. એમની કવિતામાં આવતા જુદા જુદા ભાવ પ્રતીકો એક અલગ છાપ ઉભી કરે છે. લોક વ્યવહારો અને તે સાથે લોકોના ગમા-અણગમા અને માનવીય ભાવો સુધી સહજ સૌને ખેંચી જાય છે. તેમની પાસે સંવેદનાનું અનોખું વિશ્વ છે. અહી કવિની પોતાની પીડા આલેખે છે પણ એ દર્દ પોતીકું ન રહેતા સર્વનું બની જાય છે. આ કાવ્ય સંગ્રહની શરૂઆતના તબક્કે ઘણા કવિ ગઝલકારોએ પ્રસ્તાવના રૂપી વાતો કરી છે પણ અહી મારા આ સંશોધન લેખમાં માનવ પૂજાને, માનવ પ્રેમ કે માનવીય ભાવ જોવાનો ઉપક્રમ છે. માનવીય ભાવોમાં પ્રેમ, લોભ, મોહ, હતાશા, નિરાશા, વ્યથા, પીડા વગેરે ભાવોને કવિએ અહી મૂકી આપ્યા છે.
માનવીય ભાવોની ગઝલો જોવા જઈએ તો દરેક કવિતાએ આપને અટકવું પડે તેમ મને લાગે છે. લોક વ્યવાહરો એમની કવિતામાં આવે છે. માનવ પૂજામાં એમને વાત કરી છે કે..
“મારી પાસે એવા પંખીની યાદી છે;
જેને એના માળા ગીરવી મુકેલા છે.”
આગળ ચાલે છે તે નાયક પર શંકા છે;
એના પગ પણ થોડા થોડા લથડેલા છે.
અહી પંક્તિમાં પંખી દ્વારા એવા વ્યક્તિની વાત કરી છે કે પોતે વ્યથા સહન કરી હોય અને બીજાને મદદ કરી હોય તો આવા સેવાભાવી વ્યક્તિનો મહિમા કવિ આવી રીતે કરે છે. પોતાના સુખો નેવે મુકીને લોકોના જીવન સુધારતા “માણસાઈના દીવા”માં મેઘાણીએ વ્યક્ત કરેલું રવિશંકર મહારાજનું ચિત્ર આપની સામે આવે છે. આવા તો ઘણા લોકો સમાજને માટે એક દીવો કરી ગયા હોય તો તેમની આખી વાત કવિ આ રીતે મૂકી આપે છે.
આપણે મનુષ્ય જીવન વ્યથાઓથી ભરેલું છે અને આપણે ખુબ ભૂલો કરતા હોઈએ છીએ પણ આપણી ભૂલો સ્વીકારવી એ ખુબ મોટી વાત છે. ગાંધીજીએ “સત્યના પ્રયોગો”માં આ ભૂલો ગણાવી આપી છે. તો તે જીવનને સુધારવા માટેનું પહેલુ ચરણ છે.
“ભૂલો વિશે હું તો એવું માનું છું કે,
ક્યાંક તો ભૂલો જીવનને પણ સુધારે છે.”
કવિ બહુ માર્મિક રીતે અહી ભૂલોથી આગળ માનવ જીવન સુધારે છે તે મૂકી આઓએ છે. અને તે પણ પ્રેમથી કહેવાયું છે. અહી શિખામણ આપતા ક્યાય નહિ પણ સત્યને ખુલ્લું મુકે છે એ પણ પ્રિયતમાને કહેતા હોઈએ તે વાણીમાં કવિએ વાત કરી આપી છે. ઘણી જગ્યાએ જોયેલા અને ધર્મના નામે રમખાણો કરતા ધર્મ ગુરુઓ પર કટાક્ષ કરતા લખે છે. જે ઉપદેશ કરે છે તે જ લોકો ધર્મના નામે ધુત ચલાવે છે એ વાત અહી જોવા મળે છે.
જાણકારો ધર્મના ક્યાં ચાલ્યા ગયા?
કેમ આજે શહેરમાં રમખાણ બંધ છે?
આ સાથે મિર્ઝા ગાલીબનો શેર પણ યાદ કરી લેવ જેવો છે કે જે ધર્મ ગુરુ પર કટાક્ષ તકે છે જે નીચે મુજબ છે.
“ક્યાં મયખાનેકા દરવાજા ‘ગાલીબ’ઔર ક્યાં વાઈસ;
પર ઇતના જાનતે હૈ કલ વહ જાતાથી કે હમ નિકલે.”
પંડિતોનો ભય કવિને સાચું લખાવે છે તેવી ગઝલો કવીએ કરી છે. અહી દોસ્તો અને દુશ્મનો વચ્ચેનો વિરોધાભાસ કવિએ મુક્યો છે તે એક જુદી વાત બતાવે છે.
“મારવા ઉભા થયા છે દોસ્તો
દુશ્મનો કાયમ બચાવે છે મને.”
કવિની કવિતામાં પ્રેમ અને નફરત વારંવાર આવ્યા કરે છે અને દરેક કવિતામાં અલગ રીતે આવે છે. સાગર અને કિનારો સાથે તોફાન સાથે કવિ જીવનની કોઈ અવસ્થા ચીંધી બતાવે છે.
“બંધ મુઠ્ઠીની હવે તાકત બતાવીએ,
પ્રેમ દર્શાવ્યો હવે નફરત બતાવીએ.
સાવ કોરી ડાયરી લઈને ફરે છે જે
લોહીભીનો એમને ખત બતાવીએ.”
અહી કવિ એક જુદો કટાક્ષ રચે છે કે જેઓ પ્રેમની, ધર્મની વાતો જ કરવી છે તેમની જેમ નથી પણ આપને આચરણ આઈણ બતાવવું છે. એવી વાત સરસ રીતે નિરૂપણ પામી છે.ઘણી જગ્યાએ કવીએ લોક સામે ફરિયાદ પણ કરી છે. જે ધારદાર કટાક્ષ સાથે છે.
“જન્મથી જેને મળી છે અંધતા એ
હાથમાં લઇ મશાલો નીકળ્યા છે.”
અહી કવિ મશાલના પ્રતિક દ્વારા યોગ્યતા અને અયોગ્યતાના ધોરણો આપણી સમક્ષ મૂકી આપી સાંજનું વાસ્તવ દર્શન કરવી આપે છે. આવા શેર દરેક બાબતે વિચારવા પ્રેરે છે તે ધર્મ હોય, નોકરી હોય કે રાજકારણ હોય તેવી દરેક બાબતમાં થયેલા કે જોયેલા કારમાં અનુભવો અહી આ રીતે આલેખાયા છે.
જીવનને દરેક ક્ષણે જીવી જવાની વાત કવિ અહી વ્યક્ત કરે છે, વ્યથા, પીડા, મુસીબત આ બધું તો રહેવાનું છે મૃત્યુ સુધી માટે એની પરવા કાર્ય વગર જીવનને માણવાનો એક જુદો તાર કવિ અહી મૂકી આપે છે.
“મૃત્યુને તો વાર છે, ગાના બજા દો;
ડાઘુઓ તેયાર છે, ગાના બજા દો.
કંટકો બદનામ ખોટા થયી ગયા છે ;
ફૂલને પણ ધાર છે, ગાના બજા દો.”
અહી બીજી પંક્તિમાં સાચી વાસ્તવિકતા ચીંધી આપી છે કે ઘણા વ્યક્તિમાં અમુક રીતે જ આપણે તેને જોતા હોઈએ છીએ પણ તેમ હોતું નથી. ઝવેરચંદ મેઘણીની “બદમાશ” વાર્તામાં આવતું અલ્રખાનું પાત્ર અહી યાદ આવે છે, જે વ્યક્તિને ઘાતકી રુદયાનો ધરી લીધો છે અને ડાકુ ગણાય છે તેવી વ્યક્તિમાં પણ માનવીય ભાવ જે રીતે ફરી વળે તે વાત અહી કવિ કંટકોને બદનામ છે પણ ફૂલને ધાર છે એવી રીતે મૂકી આપે છે.
માનવીની જીંદગીમાં અઢળક વ્યથાઓ ભરેલી છે એ વાત સાચી છે પણ એમાંથી આપને આનંદ શોધી લેવાનો છે તો એવી વાત કવિ લઈને આવે છે, જીવન પણ સમજાય નહિ તેવો ગોટાળો બની ઉભી રહે છે અને એવી વાત કવિ અહી રજુ કરે છે.
“સાચી ખોટી સંખ્યાઓનો સરવાળો છે.
જીવન શું છે, એક ગજબનો ગોટાળો છે.
મારી બરબાદીનું સાચું કારણ આપું
મિત્રોનો પણ એમાં કાયમનો ફાળો છે.”
અહી કવિ મિત્રોના કટાક્ષમાં એક નોખી વાત લઇ આવે છે. આગળ કવિ જાણે પીડાને ઉકાળો માનીને પી ગયા છે એ વાત એટલી જ ચોટદાર રીતે વ્યક્ત થતી જોવા મળે છે. લખે છે કે
“સુખના નામે મળતા દુ:ખને નિવારી દે;
પીડા એ તો પીવા જેવો ઉકાળો છે.”
અહી કવિની કલમ હિંદુ મુસ્લિમ એકતા અને બંધુત્વની ભાવના વ્યક્ત થતી ગઝલો મળી આવે છે એમનું એક ઉદાહરણ જોઈ લઈએ
કોઈ હિંદુ, કોઈ મુસલમાન હોય છે,
સૌ પ્રથમ તો બધા ઇન્સાન હોય છે.
અહી આવી રીતે કવિ કવિતામાં વેદો, કુરાન, ઉપનિષદ કે ભગવદ ગીતાનો સંદેશ બહુ સરળ રીતે મકી આપે છે. તો ઘણી ગઝલોમાં આ કરવું કે તે કરવું તે વાત કવિ સરળ રીતે રજુ કરી આપે છે. જીઅવનમાં ઘણી વખત નિર્ણય લેવામાં મનુષ્ય નીરનાય નથી કરી શકતો એ વાત અહી કવિ એ મૂકી આપી છે.
જે સમયસર નીકળી શકતા નથી,
એ પછી ખુદને મળી શકતા નથી.
જે તરફ દોરી રહ્યું છે આ રુદય;
એ તરફ આ પગ વળી નથી શકતા.
અહી જાત સાથે કવિ વાત મૂકી આપે છે.પત્રો બળી જાય પણ સ્મરણ નથી બળતા તે પ્રેમ સુધી જવાની મથામણ અહી જોવા મળે છે. પ્રેમ શાસ્વત છે તે વાત કવિતામાં જોવા મળે છે. આ જગતને સમજવાના કવિના જુદા જુદા કીમિયા છે તે કવિતા સુધી દોરી જાય છે. કવિ કહે છે કે
સુકાયેલા, તરડાયેલા, માણસને મેં જોયેલો છે.
ખુદની સાથે અથડાયેલા, માણસને મેં જોયેલો છે.
કર્ણ બનીને દાન કરે પણ નીયતના આ અંધારામાં,
ચોરી કરતા પકડાયેલા, માણસને મેં જોયેલો છે.
અહી વ્યક્તિ માનસની જે વાત આવે છે તે આખી મનુષ્ય જાતિનો પ્રશં બની એ આવે છે. એટલે એ સ્વનો નહિ પણ એ ભાવ સર્વનો બની જાય છે. જાહેરમાં કર્ણની જેમ દાન કરીને પછી થી પૈસા બનાવવા માટેની મથામણ અહી વ્યક્ત કરતા જોવા મળે છે. અહી માણસ બીજા કોઈ થી નહિ પણ માનસ માણસથી જ દરે છે તે વાત અહીં કવિ મૂકી આપે છે.
“માણસોને માણસોની બીક છે, બાકી બધું તો ઠીક છે.
માણસાઈ અંતની નજદીક છે, બાકી બધું તો ઠીક છે.”
મંદિર કે મસ્જિદોનો નથી ખોફ સહેજ પણ;
બસ માણસોનો ડર છે અહીં આવતા નહિ.
અહીં ઘણી વખત માણસો બીજાથી નહિ પણ એ પોતાનાથી જ ડરતા હોય છે કેમકે અહિયાં માનસ માણસને છેતરે છે તેવી વાત કવિ સર્જક મૂકી આપે છે.
અહીં કવિ માત્ર એક પક્ષેથી રહીને લખતા નથી પણ એ સામે પક્ષે કોઈ અપેક્ષા રાખે છે અને એ અપેક્ષા એ ભાવક પક્ષે છોડી દે છે. એક મિસરા પુરતી જવાબદારી સેવીને સામેથી એ પ્રત્યુતર માંગે છે. ઈશ્વરને આહ્વાન કરે છે, મિત્રને આહ્વાન કરે છે, પ્રિયતમાને આહ્વાન કરે છે કે ગઝલને આહ્વાન કરે છે એક મિસરો લખવા માટે ? કોયડાઓ છે આ બધા જ. આખી વાત સંદિગ્ધ રીતે મુકાતી આવી છે.આ કવિ પોતાના દર્દને આકાર આપે છે પણ ક્યાય ફરિયાદ નથી. અહી “એક મિસરો તું લખી દે” ગઝલ કવિતામાં માનવીય અનેક ભાવો આવીને ઠલવાયા છે. આ ભાવો મનુષ્ય સહજ હોય છે, પ્રેમ, લાગણી, વિરહ, મિલન, ગુસ્સો, ભય, કરુણા, અપેક્ષા, આદર, સન્માન, વિનય, વિવેક, વેર-ઝેર વગેરે માનવ સહજ વળગેલા ભાવોને વિહરવાની અહીં મોકલાશ મળી છે. એ રીતે આ ગઝલ સંગ્રહ વિશેષતા ધારણ કરે છે.
સંદર્ભ ગ્રંથો
(૧) એક મિસરો તું લખી દે - પરાજિત ડાભી
(૨) સમજીએ ગઝલનો લય - જિતુ ત્રિવેદી
(૩) ગઝલ શીખીએ - પ્રફુલ્લ દેસાઈ
(૪) ગઝલનું છંદો વિધાન – રઈશ મનીઆર
(૫) માહોલ મુશાયરાનો – રઈશ મનીઆર