Download this page in

‘ધ ચેર્સ’ (ખુરશીઓ) અને ‘ધ ઓલ્ડ મેન એન્ડ ધ સી’ ની પાત્રસૃષ્ટિની દ્રષ્ટિએ રસાસ્વાદ

‘ધ ચેર્સ’ નાટકનો ગુજરાતી અનુવાદ દિગીશ મહેતાએ ‘ખુરશીઓ’ ના નામથી ૧૯૬૭માં કરેલ છે. જેના લેખક છે, યુજીન ઇયોનેસ્કોના. આ નાટકમાં સર્જકે ખૂબ જ ઓછાં પાત્રો દ્વારા એક સફળતાનો રંગ પૂરી આપ્યો છે. નાટકમાંથી પસાર થતાં પ્રત્યક્ષરૂપે આપણને ફક્ત બે જ પાત્રો દેખાઈ આવે છે, વૃદ્ધ અને વૃદ્ધા. ત્રીજું પાત્ર છે, પ્રવક્તાનું જેનું આગમન થવાનું છે. એના સંકેતો નાટકમાં સતત મળતા રહે છે. પરંતુ આ પાત્ર નાટકના અંત ભાગમાં જ આવે છે. અને જે પાત્રો આવતાં નથી એવાં પાત્રોની તો લાઈન લાગેલી છે. જેમાં નોકરો, પાદરીઓ,કેમિસ્ટો, વાસણવાળાઓ, ડેલિગેટો, પ્રેસિડેન્ટો, પોલીસો, વેપારીઓ, શ્રમજીવીઓ, કારકુનો, લશ્કરવાળાઓ, ક્રાંતિકારીઓ વગેરેનો સમાવેશ થાય છે.

આ નાટકના કેન્દ્રસ્થ-ધરીરૂપ જો કોઈ પાત્રો હોય તો તે છે, વૃદ્ધ અને વૃદ્ધા. જેમની ઉંમર અનુક્રમે પંચાણું અને ચોરાણું વર્ષની છે. આ બંનેનો અતીતરાગ એમના સંવાદોમાંથી પ્રગટ થાય છે. બંને જણ ભૂતકાળનાં સંસ્મરણોમાં ગરકાવ છે. એટલે વીતી ગયેલા સમયને બંને જણ સ્મર્યા કરે છે. અને બંને એકબીજાને પ્રોત્સાહિત કરતાં રહે છે. વૃદ્ધા સતત વૃદ્ધને કહેતી રહે છે કે, - ‘ તમે હેડ એડમિરલ થઇ શક્યા હોત..... હેડ કેબીનેટ મેકર, હેડ ઓરકેસ્ટ્રા કંડકટર......’ વૃદ્ધા એવું પણ કહે છે કે, -‘ તમે વડા પ્રવક્તા બની શક્યા હોત, જો તમારામાં વધુ ઈચ્છાશક્તિ હોત તો..... મને ગૌરવ છે, મને આનંદ છે કે તમે આખરે સંબોધવાનું સ્વીકાર્યું છે- એક-એક દેશને યુરોપને, એકએક ઉપખંડને.’ વૃદ્ધાના આ પ્રેમ અને પ્રોત્સાહનના પ્રત્યુતરમાં વૃદ્ધનો જવાબ વાસ્તવિકતાનો સ્વીકાર કરતો રહે છે, વૃદ્ધ જણાવે છે કે, – ‘ કમનસીબે મને મારી જાતને વ્યકત કરતાં એટલી બધી મુશ્કેલી પડે છે, એ મારે માટે એટલું બધું અઘરું છે..... એક વાર શરુ થયા પછી એ સહેલું છે.... જીવનની જેમ, કે પછી મોતની જેમ..... તમે મનોમન નક્કી કરી લીધું છે, એટલું બસ.... એક વાર મોં ખોલ્યું એટલે વિચારો આવે છે. શબ્દો, અને ત્યાંથી પછી, આપણા જ શબ્દોથી આપણને બધું જ લાધે છે, એ નગરને એ ચમનને એમ આપણે નમાયાં મટી જઈએ છીએ.’

આખા નાટકમાં વૃદ્ધ અને વૃદ્ધા ભાષાના માધ્યમથી પ્રગટ થતાં રહે છે. અહીં આંગિક અને વાચિક અભિનય ઉપરાંત આહાર્ય અને સાત્વિક અભિનયને પણ જબરજસ્ત અવકાશ છે. વૃદ્ધ અને વૃદ્ધાનો એકબીજા તરફનો પ્રેમ, લાગણી અને એકબીજામાં ઓતપ્રોત થવાની ભાવના, ‘માય ડાર્લિંગ’ જેવા શબ્દોથી એક બીજાને આશ્વાસન આપતાં રહે છે. એક રીતે જોવા જઈએ તો ખુરશીઓ ગોઠવવાની આખી પ્રક્રિયા એક રમત જ છે. અને અંતમાં ‘શહેનશાહ ઘણું જીવો’ એમ બોલી બારીની બહાર ઉછળી પડે છે. વૃદ્ધ અને વૃદ્ધાની આ રમતો પાછળનું તેમજ એમના એક સાથે મૃત્યુ પામવા માટેનું એક કારણ એ પણ હોઈ શકે અને તે છે તેમની એકલતા, એકાકી જીવન.

આ નાટકની અંદર પ્રવક્તાનું પાત્ર પણ મહત્વનું બની રહે છે. ‘પ્રવકતા આવશે’ ‘પ્રવક્તા આવશે’ એવાં ઉચ્ચારણો પછી પણ આ પાત્રનો પ્રવેશ થતો નથી. આ પાત્ર વિલક્ષણ પ્રતિભા તેમજ વિરલ વ્યક્તિત્વ ધરાવે છે. આ નાટકમાં ‘એબ્સર્ડ’ની પરાકાષ્ઠા લાવવાનું કામ આ પાત્ર દ્વારા જ થાય છે. બંને મુખ્ય પાત્રો આ પાત્રની પ્રતિક્ષા કરી રહ્યાં છે. અજબની વાત તો એ છે કે આ પાત્ર બહેરું અને મુંગું છે. પ્રવકતા જેવું અગત્યનું પાત્ર આવું હોય એ જાણી ને અચરજ થાય છે. સર્જકે આ પાત્રને રમત, ટીખળ સર્જતું બતાવ્યું છે. વૃદ્ધ અને વૃદ્ધા જયારે બારીમાંથી કૂદીને બહાર પડે છે ત્યારે આ પાત્રનો પ્રવેશ થાય છે. આ પાત્ર સ્ટેજ ઉપર આવીને ન સમજી શકાય એવા સંદેશા પાટિયા ઉપર લખે છે. આ ઉપરાંત પોતાની જાતને વ્યકત કરવા માટે હાથથી સંજ્ઞાઓ કરે છે પણ તેમાં સફળતા મળતી નથી. બોલવાનો પ્રયત્ન કરે છે, ગળું સાફ કરીને ગળામાંથી અવાજ કાઢે છે. ‘ એ ... મૂ.... મૂ....તું... એવા તૂટક અક્ષરો. બોલવામાં સફળતા મળતી નથી એટલે બંને હાથે ઝટકો મારે છે. થોડીવાર પછી કંઈક યાદ આવ્યું હોય તેમ પોતાના ખિસ્સામાંથી ચોકનો ટૂકડો કાઢીને પાટિયા ઉપર મોટા અક્ષરે ‘ANGEL FOOD’ પછી લખે છે, ‘ NNAA NNA NWN WNW V.’ આટલું લખ્યા બાદ ફરી તે અદૃશ્ય સમુદાય તરફ ફરીને લખેલા તરફ આંગળી ચીંધે છે. એનાથી સંતોષ ન થતાં ચેન-ચાળા કરીને ભૂંસી નાખે છે. પછી પાટિયા ઉપર બીજું લખાણ લખે છે. ‘HADIEU ADIEU ADA.’ આટલું લખીને તે ફરીથી પ્રેક્ષકો સમક્ષ ફરે છે. સ્મિત કરે છે, પૂછે છે, તેમની સમક્ષ તે કંઇ પહોંચાડી શક્યો છે ? આશા ભરી આંખોથી તે જોઈ રહે છે. પરંતુ તેની એ આશા ઠગારી નીવડે છે. તેનું સ્મિત કરમાતું જાય છે. ચહેરો મૂરઝાતો જાય છે. બીજી જ પળે એકદમ ચીઢાઈને નમન કરે છે અને એ પણ તિરસ્કારથી, સ્ટેજના બારણા તરફ સરકતો જાય છે. તીરછી આંખે ખુરશીઓની હારમાળાને, શહેનશાહને નમન કરે છે. આ સમયે વિવિધ પ્રકારના અવાજો, હસવાના અવાજો, ગણગણાટ, ખોંખારા સંભાળાતા રહે છે અને એ બધાની વચ્ચેથી તે વિદાય લે છે. અહીં તેનો અભિનય આપણને મંત્રમુગ્ધ કરી મૂકે છે. આ નાટકમાં આમ તો આપણને ફક્ત ત્રણ પાત્રો જ પ્રત્યક્ષ થાય છે. પરંતુ વૃદ્ધ અને વૃદ્ધાને ત્યાં જે અતિથિઓ આવવાના છે એમાં મિલકતવાળા આસામીઓ અને બુદ્ધિજીવીઓનો સમાવેશ થાય છે. જેમાં નોકરો, પાદરીઓ, કેમિસ્ટો, વાસણવાળાઓ, ડેલીગેટો, પોલીસો, વેપારીઓ વગેરે. અતિથિ તરીકે આવનાર પ્રથમ પાત્ર છે, સન્નારી-મેડમ, માથે હેટ પહેરેલી છે. વૃદ્ધ અને વૃદ્ધાના સંવાદોમાંથી તેનું પાત્ર ખીલી આવે છે. વૃદ્ધા તેના બ્લાઉઝના રંગોની પ્રશંશા કરે છે. તે દેખાવડી છે તેમજ તેના હાથમાં છત્રી પણ છે. વાતચીત દરમ્યાન તે ગુસ્સે પણ ભરાય છે. વૃદ્ધ તેને સમજાવે છે. વૃદ્ધ તેમને સદાય યુવાન રહો એવી ઇચ્છા વ્યકત કરે છે. એવામાં કર્નલનો પ્રવેશ થાય છે. આ ઉપરાંત મિસ બેલનું પાત્ર પણ અહીં જોવા મળે છે. તે એમના પતિ સાથે આવેલ છે. ફોટોફ્રેમ વાળાનો પ્રવેશ પણ થાય છે. એકબીજાના ભૂતકાળને યાદ કરવામાં આવે છે. આમ કોઈ ન આવતું હોવા છતાં જાણે કે આ બધાં પાત્રો સ્ટેજ ઉપર આવીને ગોઠવાઈ જતાં હોય એવો આભાસ ઉભો કરવામાં આવ્યો છે, વાસ્તવમાં આ તમામ પાત્રોમાંથી કોઈ એક પાત્ર પણ પ્રવેશતું નથી. આ નાટકમાં ફક્ત ત્રણ જ પાત્રો ને સ્ટેજ ઉપર બતાવવામાં આવ્યાં છે. વૃદ્ધ-વૃદ્ધા અને પ્રવક્તા.

ટૂંકમાં આ સર્જકે ત્રણ જ પાત્રોની મદદ લઈને એક ઉચ્ચ કોટિની કૃતિ સર્જી આપી છે. જે સર્જકની એક વિશેષતા જોવા મળે છે.

અર્નેસ્ટ હેમિંગ્વે જેવા સર્જકે પણ ખૂબ જ ઓછાં પાત્રોના ઉપયોગથી ‘ધ ઓલ્ડ મેન એન્ડ ધ સી’ નવલનું સર્જન કરી આપ્યું છે. જે આંતરરાષ્ટ્રીય બેસ્ટસેલરનું બિરુદ ધરાવે છે. જે નોબેલ પારિતોષિક પુરસ્કૃત નવલકથા છે. જેનો ગુજરાતી અનુવાદ રવીન્દ્ર ઠાકોરે ‘અપરાજેય’ નામે કરેલો છે, જે ૧૯૫૨માં પ્રગટ થયેલી, અને તેનો અનુવાદ ૧૯૯૧માં થયો. આ નવલમાં પણ લેખકે ખપ પુરતાં જ પાત્રોનો ઉપયોગ કર્યો છે, લઘુનવલનું આ એક ઉત્તમ લક્ષણ છે. આ લઘુનવલમાં મુખ્ય પાત્ર તરીકે એક વૃદ્ધ કે જે ઉંમર લાયક છે અશક્ત છે, પરંતુ દ્રઢ મનોબળ ધરાવે છે, આટલી ઉંમર હોવા છતાં પણ તે અઢાર ફૂટ લાંબી અને લગભગ દોઢસો પાઉન્ડ વજન ધરાવતી માછલીને ફસાવીને એકલે હાથે તેનો શિકાર કરે છે, પોતાનો ડાબો હાથ થોડો અશક્ત હોવા છતાં પણ પૂરા ઝનૂનથી તેને મૃત્યુને ઘાટ ઉતારે છે, ત્યારબાદ પોતાની હોડી સાથે બાંધીને કિનારા તરફ પ્રયાણ કરે છે, પરંતુ રસ્તામાં મળતી શાર્ક તેનો શિકાર કરે છે, ખતરનાક લાગતી શાર્કને પણ તે એકલે હાથે મહાત કરે છે, ત્યારબાદ મળતી બીજી બે શાર્કોનો પણ તે વધ કરે છે, આમ અશક્ત હોવા છતાં પણ તે અસામાન્ય કામો કરતો રહે છે, પેલા છોકરાની યાદ પણ તેને આવતી રહે છે પણ તે હાજર નથી, આ વૃદ્ધ સતત વિચારતો રહે છે તેમજ તેને એક બીજી આદત પણ પડી ગઈ છે અને તે છે એકલા એકલા મોટેથી બોલવાની, માછલીના શિકાર પછી પણ એ માછલીને ઉદ્દેશીને કંઇકને કંઈક બોલતો રહે છે, તો વળી રસ્તામાં મળતી શાર્કોને જોઇને પણ બબડતો રહે છે, શાર્કને માર્યા પછી પણ તેને ઉદ્દેશીને મોટેથી બોલતો રહે છે, રાત્રીના અંધકારમાં રસ્તો કાપતાં કાપતાં પણ મનમાંને મનમાં કંઇકને કંઈક બોલે જાય છે. પોતાની છાપરીમાં જઈને પડ્યા પછી ઊંડા ઊંડા શ્વાસ લેતો રહે છે, કારણ કે આ ત્રણ દિવસ અને ત્રણ રાત દરમ્યાન એટલો બધો થાકી જાય છે કે પોતાની છાપરી સુધી આવતાં આવતાં પાંચ વખત આરામ કરવો પડે છે, આ પેલી માછલીની મહેરબાની હતી તેને થકવવામાં. એ પોતાની સાથે માછલીનું ફક્ત હાડપિંજર જ લાવી શકે છે એ તેની નિષ્ફળતા છે.

આ પાત્રને વિવિધ રીતે ઉઠાવ આપવા માટે સર્જકે વિવિધ પ્રવિધિઓનો પણ ઉપયોગ કર્યો છે, વૃદ્ધ કેટલો શક્તિશાળી હતો તેના ઉદાહરણ માટે સર્જકે તેની નિગ્રો સાથેની પંજાની રમતને પણ મૂકી આપી છે, તો વિવિધ વર્ણનોમાંથી પણ આ પાત્રની વિશેષતાઓ ફળીભૂત થાય છે, આ પાત્ર મનનું શાંત છે, ઉગ્ર સ્વભાવ તેનો નથી માછલી જયારે ચક્કર ઉપર ચક્કર મારતી હોય છે ત્યારે તે બીજા વિચારોમાં ખોવાઈ જાય છે. વૃદ્ધ પેલી માછલી સામે નહીં પરંતુ રસ્તામાં મળતી શિકારી શાર્કો સામે હારી જાય છે. ફસાયેલી માછલી અને રસ્તામાં મળતી શાર્કોના દ્વંદ દરમ્યાન લેખકે કરેલી તેની શક્તિઓનું અદ્દભૂત, આહલાદક વર્ણન પાત્રના વિકાસમાં અગત્યનો ભાગ ભજવે છે. આ ઉપરાંત આ લઘુ નવલમાં ‘પેલો છોકરો’ (મેનોલિન) અગત્યનું પાત્ર છે, આ છોકરો પેલા વૃદ્ધ સાથે શરૂઆતના ચાલીસ દિવસ સુધી માછલી પકડવા માટે જાય છે, તે આ વૃદ્ધને પોતાનો ગુરુ માને છે, કારણ કે તેને દરિયામાં માછલી કેવી રીતે ફસાવવી અને તેનો શિકાર કેવી રીતે કરવો તે શીખવાડ્યું છે, વૃદ્ધની હોડીમાં હાર્પૂન, રસ્સીઓ, કૂવાથંભ તેમજ અન્ય જરૂરી ચીજ-વસ્તુઓ તે મૂકી આપતો, પરંતુ છેલ્લા ચાલીસ દિવસ સુધી તેઓ કોઈ માછલી પકડી લાવી શકતા નથી જેના પરિણામે તેના માં-બાપ તેને પેલા વૃદ્ધ સાથે માછલી પકડવા માટે મોકલતા નથી, તેઓ આ વૃદ્ધને કમનસીબ માને છે, અને બીજા માછીમાર સાથે તેને મોકલી દે છે, જ્યાંથી તે ત્રણ ત્રણ માછલીઓ પકડી લાવે છે, પરંતુ પેલા છોકરાને આ ગમતું નથી, એતો વૃદ્ધની સેવા કરવા જ માગે છે, વૃદ્ધની તેને દયા આવે છે, બાકીના દિવસો વૃદ્ધ એકલો જ જાય છે પરંતુ પેલો છોકરો તેની હોડીમાં બધી વસ્તુઓ મૂકવાનું કામ કરે છે, વૃદ્ધ જયારે મોટી માછલીના શિકારે હોય છે ત્યારે તે પેલા છોકરાને સતત યાદ કરતો રહે છે. કારણ કે જો આ છોકરો સાથે હોત તો રસ્સીઓને પાણીથી ભીંજવી આપત તેમજ બીજા અન્ય કામમાં પણ મદદ કરત. વૃદ્ધ જયારે માછલીનું ફક્ત હાડપિંજર લઈને આવે છે પછી થાક્યો-પાક્યો સૂઈ ગયો હોય છે ત્યારે પેલો છોકરો તેને બારીમાંથી જોઈ લે છે, વૃદ્ધની આ દશા જોઇને તેને દયા આવે છે, અને રડવા લાગે છે, તે વૃદ્ધના જાગવાની રાહ જોતો તેની પથારી પાસે જ બેસી રહે છે, વૃદ્ધ જાગે છે, એના માટે ગરમા ગરમ કોફી લઇ આવે છે, ત્યાર બાદ તેના માટે જમવાનું તેમજ એક નવું ખમીસ પણ લઇ આવે છે, વૃદ્ધનું જૂનું ખમીસ થાગડ-થીગડ વાળું છે, એટલે કે જર્જરીત થઇ ગયેલું છે, વૃદ્ધ હવે જયારે પણ માછલી પકડવા જશે ત્યારે તે પણ તેની સાથે જ જશે એવું જણાવે છે, તે જાણે છે કે, હવે તે અશક્ત થઇ ગયો છે, તેને કોઈ સાથીદારની જરૂર છે. તેના જેવો બીજો સાથીદાર આ વૃદ્ધને કોણ હોઈ શકે ? અને તેથી હવે નક્કી કરે છે કે એનાં મા-બાપ ના પાડશે તો પણ હું આ વૃદ્ધ સાથે જ જઈશ અને તેની સેવા કરીશ. લેખકે વૃદ્ધના સહાયક પાત્ર તરીકે આ પાત્રને મૂકી આપ્યું છે, તો વળી ઘણી વાર આ છોકરો પોતાના ભૂતકાળને પણ યાદ કરતો રહે છે, એ ફક્ત પાંચ જ વર્ષનો હતો ત્યારથી આ વૃદ્ધ સાથે માછલી પકડવા જતો તેમજ વૃદ્ધ તેને એક વખત મરતાં મરતાં પણ બચાવી લે છે.

વૃદ્ધ જયારે પંચ્યાસીમા દિવસે પણ માછલી પકડવા માટે જાય છે ત્યારે અંધારામાં પણ તેની હોડીમાં સામાન મૂકી આપે છે અને કોફી પીવડાવીને તેને બેસ્ટ ઓફ લક પણ કહે છે, વૃદ્ધ જયારે હારેલો-થાકેલો પોતાની છાપરી ઉપર પરત આવે છે ત્યારે તેને માટે કોફી, જમવાનું તેમજ નવું ખમીસ પણ લઇ આવે છે, અને બીજા માછીમારોને પણ જણાવી દે છે કે તેને કોઈ હેરાન-પરેશાન ન કરે. આમ આ નવલમાં આ પાત્ર કંઈક વિશેષ જ મહત્વ ધરાવે છે. આ ઉપરાંત આ નવલમાં પેલો નિગ્રો પણ એક સહાયક પાત્રના સ્વરૂપમાં ઉપસી આવે છે, તે ખૂબ જ તાકાત વાળો છે, હિમતવાન પણ છે, ભયાનક પણ છે, રાત્રીના સમયે તેનો ચહેરો (પડછાયો) વધારે ભયંકર લાગે છે. સતત આખી રાત તે વૃદ્ધ સાથે પંજાની સ્પર્ધામાં ટકી રહે છે અંતે હારી જાય છે અને વૃદ્ધ મોટી એવી રકમની શરતો જીતી જાય છે. આ ઉપરાંત કેટલાક માછીમારો, કોફી તેમજ નાસ્તો બનાવનાર, પેલા છોકરાનાં માં-બાપ જેવાં પાત્રો આ નવલમાં ડોકાતાં જણાય છે, આ બધા કરતાં પેલી ફસાયેલી માછલી અને રસ્તામાં મળતી શાર્કો પણ એક જાતનાં પાત્રો બનીને આપણી નજર સમક્ષ આવતાં રહે છે, તો વળી સદાય શાંત રહેતો સમુદ્ર, ઘૂઘવતો મહાસાગર પણ એક પાત્રના સ્વરૂપે આપણને જોવા મળે છે, દિવસના સમયે તેનું સ્વરૂપ અને રાત્રીના સમયે તેનું અલગ અલગ સ્વરૂપ જોવા મળે છે. સમુદ્રના તળિયે રહેતી માછલીઓનું પણ સુંદર શબ્દચિત્ર એક આગવી અદાથી નિરુપાયેલું જોવા મળે છે. આમ આ નવલમાં આપણને વિવિધ પાત્રોની રંગોળી લેખક દ્વારા પૂરાયેલી જોવા મળે છે.

આમ એક રીતે જોવા જઈએ તો આ બંને કૃતિઓનાં પાત્રોમાં એક પ્રકારની સમાનતા જોવા મળે છે. ‘ખુરશીઓ’ નાટકનું મુખ્ય પાત્ર પણ વૃદ્ધ છે, આ પાત્ર ભૂતકાળમાં કંઈક બનવાની ઈચ્છા ધરાવતો હતો પણ તે બની શક્યો નહિ, છેલ્લે તે આત્મહત્યા કરે છે. ‘અપરાજેય’ નવલનો નાયક વૃદ્ધ છે, અશક્ત છે, છેલ્લા કેટલાય દિવસોથી તે એક પણ માછલીનો શિકાર કરી શક્યો નથી તેમ છતાં હિંમત હાર્યા સિવાય તે નીકળી પડે છે મોટી માછલીની શોધમાં, સફળતા મળે છે પરંતુ અંતમાં પેલી શાર્ક માછલીઓને કારણે પોતાની જાતને પરાજિત માને છે, હારેલો, થાકેલો પોતાની છાપરીમાં આવીને સૂઈ જાય છે. તે હિંમત હારતો નથી કે આત્મહત્યા પણ કરતો નથી એટલો તફાવત આ બંનેમાં જોવા મળે છે. ‘ખુરશીઓ’માં પ્રવકતાનું પાત્ર જેટલું મહત્વ ધરાવે છે તેવું જ મહત્વ એમાં પેલા છોકરાના પાત્રનું પણ છે. આ ઉપરાંત પેલો નિગ્રો તેમજ અન્ય પાત્રો સહાયકના સ્વરૂપમાં આવી શકે છે. સમગ્ર નવલમાં સમુદ્ર પણ એક પાત્રના સ્વરૂપમાં ઉપસી આવે છે. આ ઉપરાંત સમુદ્ર કિનારાના અન્ય માછીમારો તેમજ પેલી માર્લિન માછલી પણ એક પાત્ર તરીકે જ ઉપસી આવે છે. ‘ખુરશીઓ’ નાટકમાં પણ ખાલી ખુરશીઓ એક પ્રકારના પાત્રની ભૂમિકામાં આવી જાય છે, તો વળી વૃદ્ધ અને વૃદ્ધા ને મળવા આવતાં પેલાં કાલ્પનિક પાત્રો પણ નાટકને એબ્સર્ડની ભૂમિકાએ લઇ જવામાં મદદગાર બને છે. આમ, આ બંને કૃતિઓમાં પાત્રો અગત્યની ભૂમિકા ભજવી શકે છે. જે કૃતિના વિકાસમાં જરૂરી છે. વૃદ્ધ - વૃદ્ધા નાટકના અંતે બારીમાંથી ભૂસકો મારે છે એના પછી પેલા પ્રવક્તાનો પ્રવેશ થાય છે, જે બહેરો તેમજ મૂંગો છે, જયારે પેલી નવલકથાના અંતમાં પણ વૃદ્ધ હારી-થાકીને આવીને સૂઈ જાય છે, તેની દ્રષ્ટિએ બધું પતી ગયું છે, પરંતુ પેલા છોકરાના પ્રવેશથી અને એના સંવાદોથી પેલા વૃદ્ધમાં એક પ્રકારની હિંમત આવતી જણાય છે. આમ, બંને કૃતિઓના અંત પણ આપણને અચરજ પમાડે એવા છે. બંને કૃતિઓ વિદેશીભાષાની હોઈ એના અનુવાદકો પણ ધન્યતાને પાત્ર છે, મૂળ કૃતિને વફાદાર રહીને એમણે આ અનુવાદ આપણી સમક્ષ મૂકી આપ્યો છે.

સંદર્ભ

1. ‘અપરાજેય’ (ધ ઓલ્ડ મેન એન્ડ ધ સી)અનુવાદક–રવીન્દ્ર ઠાકોર,પ્રથમ આવૃત્તિ – ૧૯૯૧.
2. ‘ખુરશીઓ’ દિગીશ મહેતા (અનુવાદક) પ્રથમ આવૃત્તિ- એપ્રિલ-૨૦૦૦.