ઉત્તરરામચરિતમ્ નાટકનો આસ્વાદ મુલક અભ્યાસ
ઉત્તરરામચરિત મહાકાવિ ભવભૂતિની પરિણતપ્રજ્ઞાનું પ્રસૂન છે. કરુણરસના એક ઉત્તમ નાટક તરીકે આ કૃતિએ ભવભૂતિને સંસ્કૃત સાહિત્યમાં ગૌરવવંતુ સ્થાન અપાવ્યું છે. રામના ઉત્તરજીવનનું નિરૂપણ કરતું આ નાટક તેમાં રહેલા ભાવસંઘર્ષને કારણે અત્યંત પ્રસિદ્ધ બન્યું છે. અને વિવેચકોએ પણ આ નાટકને “उत्तरे रामचरिते भवभूतिर्विशिष्यते” એમ કહીને કવિ અને નાટક બન્નેનું ગૌરવ વધાર્યું છે.
કવિ ભવભૂતિ એ ત્રણ નાટકો આપ્યા છેઃ (૧) મહાવીરચરીતમ્, (૨) માલતીમાધવ, અને (૩) ઉત્તરરામચરિતમ્ જેમાં -
(૧) મહાવીરચરીતમ્ – કવિ ભવભૂતિની આ પ્રથમ કૃતિ મનાય છે. આ અપૂર્વ કૃતિના છેલ્લા બે અંકો અન્ય લેખકના છે. રામની બાલ્યાવસ્થા, સીતાસ્વયંબર, રામવનવાસ, સીતાહરણ, રાવણવધ, અયોધ્યા માં પુનરાગમન અને રાજ્યાભિષેક વગેરે પ્રસંગો ને અહી વણી લેવાયા છે. મૂળ કૃતિમાં જરૂરી ફેરફારો પણ કરાયા છે. બાકીની બે કૃતિઓની તુલનામાં આ ઉતરતી કક્ષાનું નિષ્ફલ નાટક છે.
(૨) માલતીમાધવ – આ પ્રકરણ પ્રકારનું રૂપક છે. તેમાં દસ અંકો છે. પ્રકરણ હોઇ કથાવસ્તુ મહદઅંશે કવિકલ્પિત છે. જો કે કવિ કથાસરીત્સાગરની મદીરાવતીની કથામાંથી પ્રેરણા લીધી છે અને ઉચિત ફેરફાર કરી આ રંગીન નાટક રચ્યું છે. દેવારત અને ભુરિવસ્તુ નામના બે પ્રધાનો તેઓની વિદ્યાર્થી અવસ્થામાં પોતાના બાળકો અનુક્રમે માધવ અને માલતિ ના લગ્ન કરવાનો નિર્ણય કરે છે. રજાનો સાળો નંદન માલતી ને પરણવા ઇચ્છે છે. તેથી બંને પ્રણયીઓના માર્ગમાં આ ખલનાયક નંદન અનેક વિઘ્નો ઊભાં કરે છે અને સંઘર્ષ જન્મે છે. આ સાથે માધવનો મિત્ર મકરંદ અને નંદનની બહેન માંધ્યાતીકાના પ્રણયનું પણ સમાંતર આલેખન છે. માલતીને કાપાલિક ઉપાડી જાય છે. ત્યારે કામકંદી નામની બૌધ ભિક્ષુણીની મદદથી ચમત્કારી બચાવ થાય છે. અંતે બંને પ્રણયી યુગલોના લગ્ન થાય છે. અને સુખદ અંત લાવે છે. આ નાટકમાં વસ્તુસંકલ્પનાની ખામીઓ, બિન જરૂરી વિસ્તાર અદભુત, અસાવસ્તવિક અને આકસ્મિક તત્વોના ભરપુર ઉપયોગ જેવા દોષો હોવા છતાં એકંદરે આ મઝાનું અને સફલ નાટક છે.
(૩) ઉત્તરરામચરિત્ – આ નાટક કવિની પરણિત પ્રજ્ઞાનું સુંદર ફલ છે. આ સાત અંકનું નાટક છે. આ નાટકનો મુખ્ય રસ કરૂણ છે. “एको रसः करुण एव” માનનારા ભવભૂતિ એ આ નાટકમાં રામના કરૂણરસનું અત્યંત ઉત્કટ આલેખન કર્યુ છે. અહી રામના ઉત્તર જીવનની કથા છે. રાજ્યાભિષેક પછી સીતાત્યાગની ઘટના અને તે પછી રામ અને સીતાની દારૂણ અને કરૂણ અવસ્થાનું અહીં ઉત્કૃષ્ટ આલેખન છે. રામ અને સીતાના પ્રેમનું નિરૂપણ શ્રેષ્ટ પ્રકારનું છે. કવિએ મૂળ કથામાં ઉચિત ફેરફારો કર્યા છે. અંતે રામ-સીતાનું મિલન કરાવીને કવિએ મહત્વના ફેરફાર કર્યા છે. નાટકનું સંવિધાન – વસ્તુગ્રથનકલા નોંધપાત્ર છે. છાયા-સીતાપ્રસંગ (ત્રીજો અંક) અને ગર્ભનાયક એ કવિના શ્રેષ્ઠ સર્જન છે. પ્રથમ અંકમાં ચિત્ર દર્શન પ્રસંગ દ્વારા રામના પૂર્વજીવનની ઘટનાઓ Flash Back માં રજૂ કરાઇ છે. વસ્તુગ્રંથન, પાત્રલેખન, રસનિષ્પત્તિ અને શૈલી એમ અનેક રીતે આ નાટક શ્રેષ્ટ છે.
ઉત્તરરામચરિતમ્ નાટકનો આસ્વાદઃ
કથાનક – રામના ઉત્તરજીવનને લગતી એટલે કે સીતાત્યાગ પછીના બનાવોને લગતી હકીકતો જુદાં જુદાં પુરાણો અને ધાર્મિક પરંપરાઓમાં જુદી જુદી રીતે પ્રાપ્ત થાય છે. વાલ્મીકિ રામાયણના ઉત્તરકાંડમાં રામના ઉત્તરજીવનની આ ઘટનાઓ રજૂ થઇ છે. પરંતુ તે અંશ વાલ્મીકિરચિત હોવા અંગે વિદ્વાનોએ શંકા વ્યક્ત કરી છે. ભવભૂતિનો વાલ્મીકિ તરફનો અસીમ આદર જોતાં એણે પોતાના કથાનકની પ્રેરણા વાલ્મીકિ પાસકેથી મેળવી હોય તો પણ તે વાલ્મીકિની આ ઉત્તરાર્ધક્થાને પૂર્ણપણે વફાદાર રહ્યા નથી. એમણે એ કથાનકમાં કેટલાંક આમૂલ પરિવર્તનો કરીને પોતાનું નાટયકૌશલ દર્શાવ્યું છે. અહીં રામ માત્ર ધોબીના કહેવાથી સીતાનો ત્યાગ કરતા નથી, પૌરજનોમાં વ્યાપક રીતે પ્રસરેલો લોકપવાદ સીતાના ત્યાગમાં કારણભૂત બને છે. અહીં સીતાને બાર વર્ષ માટે રસાતળમાં જતી બતાવી છે, પણ અંતે તો રામસીતાનું પુનર્મિલન કરાવીને એમણે મૂળ ક્થાને નવો ઘાટ આપ્યો છે. વડીલોને જમાઇના યજ્ઞસત્ર નિમિત્તે અયોધ્યામાં અનુપસ્થિત બતાવીને અષ્ટાવક્રના સંદેશ દ્વારા રામને રાજધર્મનું અનુસરણ કરવાની પ્રેરણા આપવામાં, ચિત્રદ્રશ્યનું આયોજન કરવામાં, છાયા-સીતા-દ્રશ્યના મૌલિક નિરૂપણમાં અને કુમારોના યુદ્ધને પણ નવો ઘાટ આપવામાં ભવભૂતિની મૌલિકતાનાં દર્શન થાય છે. ભવભૂતિનું સંવિધાનકૌશલ પ્રથમ ત્રણ અંકમાં રામના પૂર્વજીવન અને ઉત્તરજીવનના કલાત્મક અનુસંધાનમાં જોઇ શકાય છે. પ્રથમ અંકમાં ચિત્રદર્શન-પ્રસંગે ભૂતકાળની સુખ-દુઃખની અને વિશેષ તો દુઃખની સ્મૃતિઓનો તાર ઝણઝણી ઊઠે છે અને વિરહતાપની લાગણીઓ જ પ્રાધાન્ય પ્રાપ્ત કરે છે. આ દ્વારા કાલગુફામાં જાણે ભાવિ વિયોગના પડઘા સંભળાતા જણાય છે. કવિ કોઇ પણ જાતનો પ્રસ્તાર કર્યા વિના એક અનુરૂપ ભૂમિકાનું સર્જન કરીને સીતાત્યાગની વાત તો અત્યંત ટૂંકાણમાં પતાવી દે છે પણ એ ત્યાગથી ઉત્પન્ન થતો પરિતાપ જ વધુ જગ્યા રોકે છે. બીજા અંકમાં રામ બારબાર વર્ષથી સંઘરેલો એ સંતાપ પંચવટીના દર્શને દ્વિગુણિત થાય છે અને ત્રીજા અંકમાં પરાકાષ્ઠાએ પહોંચે છે. આમ પ્રથમ અંકમાં તો રામના ઉત્તરજીવન કરતાં પણ પૂર્વજીવનની કથા જ જાણે સવિશેષ નિરૂપાતી હોય તેમ લાગે છે.
શ્રી ઉમાશંકર જોષી કહે છે – “સ્વાભાવિક રીતે જ ઉત્તરરામચરિત એ પશ્ચાદદર્શનનું નાટક છે. પહેલા અંકમાં ચિત્રદર્શનની મદદથી અદભુત કલામયતાપૂર્વક તાડકાવધ પ્રસંગ જેવા બાળપણના સમયથી માંડીને રામના પૂર્વજીવનની બધી માર્મિક ઘટનાઓને સ્પર્શવાનું કવિ ચૂક્યા નથી. તે તે પ્રસંગની લાગણીઓ વર્તમાનની લાગણીઓ સાથે ગૂંથાઇ જાય છે એમાં તો કાંઇ શંકા જ નથી, પણ ભાવિનો રણકાર પણ એમાં ક્વચિત્ ગૂંજી ઊઠે છે. કવિએ ભારે સંવિધાનશક્તિથી ભૂતકાળના પુનઃકથનમાં ભાવિના કથનને ભેળવી દેવા જેવું કર્યું છે.”
પાત્રાલેખનઃ
નાટકનાં મુખ્ય અને ગૌણ પાત્રોના સુરેખ આલેખનમાં ભવભૂતિએ અજબ કૌશલ દાખવ્યું છે. ભવભૂતિ રામને જગતના ઇશ્વર તરીકે ઓળખાવે છે. પણ રામનું માનવસહજ પાત્રાલેખન કરવામાં તેમણે કોઇ સંકોચ અનુભવ્યો નથી. ભવભૂતિ રામ દ્વારા કરુણરચનો મહિમા સ્ફુટ કરવા માગે છે અને માટે જ ભવભૂતિ “रामस्य करुणो रसः” એમ કહીને રામ અને કારુણ્યનો જાણે અભેદ સ્થાપે છે. રામનું માનવસહજ નિરૂપણ કર્યા વિના આ બાબત પ્રગટ કરી શકાય તેમ ન હતી. કારુણ્યને કેન્દ્રમાં રાખીને કવિએ કરેલું રામનું આલેખન આ કારણસર જ પથ્થરોને પીગળાવનારું અને વજ્રનું વિદલન કરનારું બન્યું છે. સીતાના પાત્રાલેખનમાં પણ ભવભૂતિએ ભારે કાળજી રાખી છે. સીતાના ચારિત્ર્યમાં તો માત્ર વિરહસંતાપ જ નહોતો પણ અકારણ પરિત્યાગની લજ્જાનું શલ્ય પણ હતું. પતિના વિરહ ઉપરાંત પુત્રોનો વિરહ પણ એણે વેઠવાનો હતો. અવમાનનાની સ્થિતિ સાથેનો આ વિરહ સીતા માટે દૈવી કૃપા વિના સહ્ય બનવો પણ શક્ય નહોતો. ભવભૂતિએ સીતાને માટે પ્રયોજેલો શબ્દપ્રયોગ “करुणस्य मूर्तिरथवा शरीरिणि विरहव्यथेव वनमेति जानकी” એણે કરેલા સીતાના આલેખનને અત્યંત અનુરૂપ છે. મુખ્ય પાત્રો ઉપરાંત ગૌણ પાત્રોના આલેખનમાં પણ ભવભૂતિએ ખૂબ જ કાળજી રાખી છે. રામમાતાઓની વ્યથા, ઋષિદંપતીની કરુણાજનક સ્થિતિ, વિદેહીની અકળામણભરી આસક્તિ, વનદેવતા વાંસતીનો માર્મિક ઉપાલંભ, નદીઓનો ચિંતાતુર વલવલાટ અને લવ, કુશ તથા ચંદ્રકેતુના વાત્સલ્યના ઓઘ ઉભરાવતા પરાક્રમી વ્યક્તિત્વ નિરૂપણ દ્વારા કવિએ જે તે પાત્રોના નિજી વ્યક્તિત્વને ભારે કલાત્મકરૂપે ઉપસાવ્યા છે. જે તે પાત્રોનો ઉદગાર, અભિનયચેષ્ટાઓ અને એમને માટેનાં નાટયાત્મક સૂચનો દ્વારા સ્પષ્ટ જણાય છે કે ભવબૂતિના ચિત્તમાં પ્રત્યંક પાત્રની એક સુરેખ કલ્પના છે અને તે કલ્પના પ્રમાણેનું પાત્ર સાકાર કરવા તે અભિધા અને સ્પષ્ટ કથનનો આશ્રય લેતાં પણ અસચાતો નથી. તે ક્યાંક પુનરુક્તિઓ કે દ્વિરુક્તિઓમાં કોઇ દોષ જોતો નથી.
રસ નિરૂપણઃ
“उत्तररामचरिते भवभूति विशिष्यते ।” નાટકનો કેન્દ્રીય પ્રશ્ન એ છે કે રામ પ્રાણપ્રિય સીતાનો પરિત્યાગ કરવાને વિચાર જ કેમ કરી શકે ? અને કોઇ કારણસર કરે તો પણ જ્યાં સુધી બધી આશંકાઓ, અવિશ્વાસનાં વાદળો દૂર ન થાય ત્યાં સધી સાચા અર્થમાં બન્નેનું પુર્નમિલન પણ કઇ રીતે શક્ય બને ? ખરેખર તો રામાયણમાં રામની વ્યક્તિગત લાગણીઓ એમના આદર્શ રાજાના વ્યક્તિત્ત્વની પડખે છે. જેની ઉપેક્ષા થઇ છે તે ભવભૂતિ જોઇ શક્યો છે. તેથી અહીં એનો હેતું રામને તટસ્થ આદર્શોની ઉચ્ચ ભૂમિકાઓથી નીચે ઉતારી એમને તીવ્ર સંવેદનશીલ મનુષ્ય તરીકે આલેખવાનું છે. એ રામના આંતરજીવન પર ભાર મૂક્વા માગે છે.
“स्नेहं दयां च सौक्यं च यदि वा जानकिमपि ।
आराधनाय लोकस्य मुञ्चतो नास्ति मे व्यथा ।।”
આ પંક્તિની કરુણ વક્રોક્તિ નોંધપાત્ર છે. તો વળી “ते हि नो दिवसा गताः” અને પેલા પ્રસિદ્ધ પતાકાસ્થાનક “રામ-આનું શું પ્રિય નથી ? ખૂબ અસહ્ય છે. માત્ર વિરહ દાખલ થઇને પ્રતિહારી – આવી પહોંચ્યો દેવ. રામ અરે કોણ ? પ્રતિહારી – દુર્મુખ.”
ઉત્તરરામચરિતમાં ભવભૂતિએ અમૃત પ્રેમની અનુભૂતિની ગાથા ગાઇ છે. રસાનુભવ ચૈતન્યની વિશિષ્ટ અવસ્થા છે. અહીં મૃત્યુનાં બળોને કે દુરિતનો વિજય નથી છતાં તેની સાથેનો સંઘર્ષ હૃદયને તાવે તેવો છે. આથી તો –
“दलति हृदयं गाढोद्वेगं दि्वघा तु न भिद्यते
वहति विकलः कायो मोहं न मुञ्चति चेतनाम् ।
ज्वलयति तनूमन्तदहिः करोति न भस्मसा-
त्प्रहरति विधिर्मर्मच्छेदी न कृन्तति जीवितम् ।।” उत्तर. 3/31
અર્થાત્ – ગાઢ ઉદ્વેગવાળું હૃદય તૂટે છે પણ બે ટૂકડા થઇ જતું નથી. જડ શરીર મૂર્છા પામે છે પણ ચૈતન્ય ત્યજી દેતું નથી. અંદરનો દાહ શરીરને બાળે છે. પણ ભસ્મસાત્ કરી દેતો નથી. મર્મસ્થલને ચીરનારો વિધિ પ્રહારો કરે છે પણ જીવનને કાપી નાખતો નથી.
આથી તો – “एको रसः करुण एव” જેવી પ્રતિક્ષા કરવી પડે છે. રામ તો મૃત્યુ પામેલી પ્રિયતમા અંગેનો શોક કરુણ રૂપે વાસંતી આગળ ઠાલવે છે તે કહે છે કે – “चिराद्वेगारम्भप्रसृत इव तीव्रो विषरस.... धनीभूत शोको विकलयति मां नूतन इव ।।” તમસા આગળ એક જ ઘટના કરુણ અને વિપ્રલંભ શૃંગારની હોય એ રીતે પ્રગટ થઇ છે.
ભવભૂતિએ નાટયાન્તે રામસીતાનું મિલન યોજ્યું છે પણ તેની રામને માટેની ઉક્તિ આ મુજબ છે.
“अनिर्भिन्नो गभीरत्वादर्न्तगूढधनव्यथः ।
पुटपाकप्रतीकाशो रामस्य करुणो रसः ।।”
અર્થાત્ - “ઊંડો હોવાથી બહાર ન આવેલો અને જેની ગાઢ વ્યથા અંતરમાં ગૂઢ રહેલી છે તેવોરામનો કરુણરસ પુટપાક જેવો છે.” આમ રામનો સ્થાયી ભાવશોક છે જે નાટકમાં કરુણરસ રૂપે પ્રતીત થાય છે.
કવિશ્રી ઉમાશંકર જોશીએ ઉત્તરરામચરિતની પ્રસ્તાવનામાં કરુણરસ વિશે લખ્યું છે કે – “આ નાટયકૃતિમાં નદીઓ ચિંતાતુર વિચરે છે, વનદેવતા વલવલે છે, જનક વિદેહી જેવા આસક્તિની જાળથી સળગી ઊઠે છે. એમાં પથ્થરો રડવાની અને વજ્રનું હૈયું દળાવાની વાતો આવે છે અરે ! સર્વ ભૂતોને ધારણ કરનારી સાક્ષાત્ પૃથ્વી મૂર્છા પામે છે – આ બધું તે શું કવિએ જાદુગરની પેઠે કરુણ નામનો રસ નિષ્પન્ન કરવા માટે શબ્દનળીમાં નાખેલા ઘટકો અંશો માત્ર છે ? કવિના હૃદયની કોઇ સ્વકીય અનુભૂતિ આ બધા દ્વારા સાકાર થવા મથી રહી નથી ? ભવભૂતિ કવિનું કોઇ વિશેષ દર્શન ઉત્તરરામચરિત નાટક રૂપે મૂર્ત થયું નથી ?” આથી જ કહેવાયું હશે. “कारुण्यं भवभूतिरेव तनुते” કારુણ્યની બાબતમાં ભવભૂતિ જ છવાઇ જાય છે.
સંદર્ભઃ
૧. ઉત્તરરામચરિતમ્, સંપાદકો ડો. ગૌતમ વી. પટેલ, ડો. શાન્તિકુમાર પંડયા, ડો. રશ્મિન પી. મહેતા, પાર્શ્વ પબ્લિકેશન, અમદાવાદ.
૨. ઉત્તરરામચરિતમ્, સરસ્વતિ પ્રકાશન, અમદાવાદ.