‘ક્રાઇમ એન્ડ પનિશમેન્ટ’ : આસ્વાદમૂલક અભ્યાસ
મહાન રશિયન નવલકથાકાર ફયોદોર દોસ્તોયેવ્સ્કી ઓગણીસમી સદીના નોંધપાત્ર લેખક તરીકે વિશ્વસાહિત્યનાં નકશા પર સતત ઝળહળી રહ્યાં છે. ‘ક્રાઇમ એન્ડ પનિશમેન્ટ’ એમની અણમોલ અને અદ્વિતીય નવલકથા છે. દોસ્તોયેવ્સ્કીએ ‘ધી ઈડિયટ’, ‘ધી પઝેસ્ડ’, ‘ગેમ્બલર’, ‘બ્રધર્સ કેરેમેજોવ’ અને ‘ધી મીક વન’ જેવી ચિરંજીવ નવલકથાઓ પણ વિશ્વસાહિત્યને આપી છે. ઈ.સ. ૧૮૨૧માં જન્મેલ ડૉકટર પિતાનો આ પુત્ર યુવાનવયથી જ ક્રાંતિકારી વિચારનો હતો. યુવાનવયે તેમણે પ્રથમ નવલકથા ‘પુઅર ફોક’( ગરીબ બિચારા ) આપી જે ભારે પ્રસિદ્ધિ પામી. પરંતુ ત્યારપછી તેનાં જીવનમાં સંઘર્ષ ચાલુ થાય છે. રશિયાના શહેનશાહ જારને મારી નાખવાનાં કાવતરામાં તેના નામને સંડોવવામાં આવે છે. તેને આઠ મહિના એકાંત કોટડીમાં પૂરી રાખવામાં આવે છે. એટલું જ નહીં તેને ગોળીથી મારી નાખવાનો હુકમ પણ આપી દેવામાં આવે છે. જેલમાં અતિશય બરફીલી ઠંડીમાં તેને વાયના હુમલા આવવા લાગે છે. દસ વર્ષ તે ખૂબ યાતના વેઠે છે. પાછળથી તેને જારની માફી મળે છે. ને તે પીટર્સબર્ગ પાછો ફરે છે. જેલનો આ દસ વર્ષનો અનુભવ એમને જીવનનાં અનેક રહસ્યો સમજાવે છે, અને તેને અતિ ધાર્મિક બનાવી દે છે. દોસ્તોયેવ્સ્કીની આ સંઘર્ષયાત્રા એ જ એમની આ નવલકથાઓ છે. અને એટલે જ એકલતા, નિરાશા, વિફળતા, હતાશા, રોગિષ્ઠપણું, ખાલીપણું, એકધારાપણું, આત્મવંચના, કૃતકતા, યાંત્રિકતા, ગતિહીનતા, ગૂંગળામણ, વિચ્છિનતા, ક્ષુલ્લકતા, ઇત્યાદિ મનુષ્યની અસ્તિત્વગત સમસ્યાઓ એમની નવલકથાઓમાં મુખ્ય વિષય બનીને આવે છે. તેમનું સ્પષ્ટ માનવું છે કે, ‘સૌ કોઈ માનવીએ તેમનાં દુઃખો એકલા એ જ ભોગવવા પડે છે. તેમાં ન તો ઈશ્વર મદદ કરે છે કે ન તો ધર્મ. મૃત્યુ પામેલા ઈશ્વરના જગતમાં માનવીએ એકલા જ જીવવાનું છે. એકલતા એ જ માનવીની સ્થાયી સ્થિતિ છે. જીવનનું કોઈ ધ્યેય નથી. સમગ્ર પ્રવૃત્તિ નિરર્થક છે. માત્ર માનવજીવનનું મોટું અને મહત્વનું જો કોઈ સત્ય હોય તો તે છે મનુષ્ય અસ્તિત્વ. અને આ અસ્તિત્વનાં જવાબો માનવીએ પોતે જ શોધવાના છે.’ આ સત્ય સમજાવી ઈ.સ. ૧૮૮૧માં ૬૦ વર્ષની ઉંમરે દોસ્તોયેવ્સ્કી અનંતની યાત્રાએ નીકળી પડે છે.
‘ક્રાઇમ એન્ડ પનિશમેન્ટ’ એમની તમામ નવલકથાઓમાં વિશિષ્ટ સ્થાન ધરાવે છે. ઈ.સ. ૧૯૯૫માં અનુવાદક અશોક હર્ષ છ પ્રકરણ અને ઉપસંહાર સાથે ચાલીસ પેટા પ્રકરણમાં ‘ક્રાઇમ એન્ડ પનિશમેન્ટ’ (અપરાધ અને સજા) નામે તેનો ગુજરાતીમાં ખૂબ જ સુંદર અનુવાદ કરે છે. દોસ્તોયેવ્સ્કીનો અભ્યાસ કરવા ઈચ્છનાર વાચકે ‘ક્રાઇમ એન્ડ પનિશમેન્ટ’થી શરૂઆત કરવી જોઈએ. આ નવલકથા ઈ.સ. ૧૮૬૫માં લખાવી શરૂ થઈ અને ઈ.સ. ૧૮૬૬માં પ્રગટ થઈ. આ જ સાલમાં આપણે ત્યાં ગુજરાતી સાહિત્યની પ્રથમ નવલકથા ‘કરણઘેલો’ પ્રસિદ્ધ થઈ. નંદશંકર મહેતા આપણને જ્યારે ગુજરાતનાં વાઘેલા વંશના છેલ્લા રાજપૂત રાજા વીર કરણઘેલાના ઈતિહાસનું રસપાન કરાવતાં હતાં ત્યારે દોસ્તોયેવ્સ્કી એ જ સમયે પશ્ચિમની પ્રજાને શ્રદ્ધા, વિશ્વાસ, પ્રેમ, દયા, ધર્મ, સદાચાર, પરોપકાર, જેવાં વિધેયાત્મક જીવનમૂલ્યોની પોકળતા અનુભવતાં જીવનરસ ખોઈ ચૂકેલા રાસ્કોલ્નિકોફનો પરિચય કરાવે છે. જે રાસ્કોલ્નિકોફ આજે ૧૫૦ વર્ષ પછી પણ આપણી સમજની બહાર છે. નવલકથામાંથી પસાર થતાં આપણને વિ.સ. ખાંડેકરની ‘યયાતિ’ નવલકથાનાં શબ્દો યાદ આવે છે –
“દુનિયા માણસના દિલમાં રહેલી દયા પર નભતી નથી, એના વહેવાર માનવીના કાંડામાં રહેલી શક્તિ પર ચાલે છે..... માનવી કેવળ પ્રેમ ઉપર જીવી શકતો નથી; એને અન્યને જીતીને જીવવું પડે છે. આ દુનિયા જે બધી ગડમથલ કરે છે. તે ભોગ ભોગવવા અર્થે હોય છે.... ત્યાગના પ્રવચનો મંદિરમાં બરાબર શોભે; પણ જીવન એ મંદિર નથી, એ તો યુદ્ધનું રણમેદાન છે.....”
- યયાતિની જેમ કથાનાયક રાસ્કોલ્નિકોફ પણ પોતાની જાતને સંબોધતા એટલે જ બોલી ઊઠે છે, “મારે મારી જાતમાં શ્રદ્ધા રાખવી જોઈએ, પ્રાર્થનામાં નહીં.”
નવલકથાનો હતાશ થઈ ગયેલો નાયક રાસ્કોલ્નિકોફ, જેની પાસેથી પૈસા ઉછીના લેતો હતો તે વ્યાજવટાનો ધંધો કરતી વૃદ્ધાનું અને તેની બહેનનું ક્યારેય ન પકડી શકાય એવી કુનેહ અને યુક્તિપૂર્વક ખૂન કરે છે. આવો ગુનો કરવામાં તેને કોઈ અનીતિ દેખાતી નથી. એમાં એનો કોઈ અંગત સ્વાર્થ નથી, પરંતુ એવું કામ કરીને પોતે માનવજાતનું ભલું કરતો હોય એમ તે માને છે. અને તે પેલી જૂ જેવી વૃદ્ધાની પૈસાની કોથળી અને કેટલાંક ઘરેણાંની પેટી લઈને એક મસમોટા પથ્થરના કાણામાં છુપાવી દે છે. આ રીતે જગતની આ મહાન નવલકથાનો પ્રારંભ થાય છે.
રાસ્કોલ્નિકોફ વિદ્યાર્થી છે. ગરીબાઈથી કંટાળી ગયો છે. કોઈપણ રીતે ગરીબાઈ દૂર કરવાં માંગે છે. એ માટે તે વૃદ્ધ વિધવા અને તેની બહેનની હત્યા કરે છે. પોલીસની પૂછપરછ થાય છે. પણ રાસ્કોલ્નિકોફ કુનેહપૂર્વક બચી જાય છે. તેનો પરિચય સોનિયા નામની વેશ્યા સાથે થાય છે. સોનિયાની ઈશ્વર શ્રદ્ધાથી તે પ્રભાવિત થાય છે. તેને પોતાના અપરાધ બદલ પશ્ચાતાપ થાય છે. તે સોનિયા આગળ પોતાના ગુનાની વાત કરે છે. આ દરમિયાન બાજુનાં રૂમમાં સ્વિદરિગેલોફ નામનો માણસ બેઠેલો હોય છે, જે આ વાત સાંભળી જાય છે. પોતાની માંગણીઓ સંતોષવા તે રાસ્કોલ્નિકોફને તંગ કરે છે. અંતમાં તે આત્મહત્યા કરે છે, ને રાસ્કોલ્નિકોફ ગુનાશોધક વિભાગના વડાની પાસે પોતાનો ગુનો કબૂલ કરી લે છે. પરંતુ મજા એ વાતની છે કે રાસ્કોલ્નિકોફે પેલી બાઈનાં ઘરેણાં કે પૈસાની કોથળીને ઉઘાડી પણ નથી; એટલે ન્યાય તોળનારાઓ આશ્ચર્ય વચ્ચે એવા તાત્પર્ય પર આવે છે કે ‘ક્ષણિક ગાંડપણને લીધે તેણે ખૂન કર્યા છે’ – એટલે તેને હળવી સજા કરવામાં આવે, અને તેને આઠ વર્ષની સજા થાય છે.
રાસ્કોલ્નિકોફ ક્રુર કે ધુતારો નથી. એનામાં પ્રામાણિકતા અને દયા છે. તેણે ભૂખ્યાઓને અન્ન આપ્યું છે; આગમાં ઘેરાઈ ગયેલા બાળકને બચાવવા જોખમ વહોરી લીધું છે; શરાબની લતમાં અકસ્માતે મૃત્યુ પામેલા માર્મેલડોવની દફનવિધિ વખતે પોતાના પૈસા ખર્ચી નાખ્યાં છે. તે શયતાની વૃત્તિનો ભલે નથી, પણ આસુરી વિચારધારામાં આવી ગયેલો છે. ઈશ્વર કે ન્યાય જેવું કશું જ તેને નથી લાગતું. તે ડાર્વિનના ‘સર્વાઇવલ ઑફ ધ ફિટેસ્ટ’માં માને છે. પણ મૂળમાં એ ઋજુ પ્રકૃતિનો છે. બંને ખૂનો તે કરી બેઠો છે! તેમાંય ભીતિથી ધ્રૂજતી નિર્દોષ લિઝવેટ્ટાનાં વિસ્ફારિત ચહેરાને તે ભૂલી શકતો નથી. એ એટલો બધો અપરાધભાવ અનુભવે છે કે એની નાનકડી રૂમમાં વારંવાર એ આત્મહત્યાનાં વિચાર કર્યા કરે છે. રાસ્કોલ્નિકોફનો રશિયન ભાષામાં અર્થ થાય છે – ‘વિદ્રોહી’. તે સમાજ સામે વિદ્રોહ કરવા નીકળ્યો છે. પણ ખરેખર તો વિદ્રોહ છે પોતાની સામે! ‘ક્રાઇમ એન્ડ પનિશમેન્ટ’ના સર્જકનું આયોજન એના નાયકને ‘ડિવાઇન કોમેડી’ના નાયકની જેમ શુદ્ધ કરવાનું છે. અપરાધની તીવ્ર સભાનતાના અનુભવ દ્વારા તેને પુનર્જન્મ આપવાનો અહીં હેતુ છે. દોસ્તોયેવ્સ્કીએ ખ્રિસ્તી ધર્મનો પ્રચલિત શબ્દ ‘રેઝરેક્ષન’- પુનર્જન્મનો ઉપયોગ કર્યો છે : “બ્રાઇટ વિથ ડૉન ઑફ અ ન્યૂ ફ્યુચર ઑફ ફુલ રેઝરેકશન ઈન્ટુ ન્યૂ લાઈફ.” – અનિષ્ટમાંથી મુક્ત થતી વેળાનું આ અપૂર્વ વર્ણન છે. રાસ્કોલ્નિકોફ ખૂન કરે તો જ એને સજા થાય તો જ પ્રાયશ્ચિત કરી તે પુનર્જન્મ પામી શકે. તીવ્ર અપરાધભાવને લીધે જ તે આમ અનિષ્ટમાંથી પાછો ફરી શકે. એટલે તે સોનિયા પાસે તેનો ગુનો કબૂલ કરે છે. એટલે રાસ્કોલ્નિકોફને સાઇબીરિયાની જેલની સજા થાય છે. અને અંતે પશ્ચાતાપની આગમાં બળીને તે પુનર્જીવન પ્રાપ્ત કરે છે. આમ ‘ક્રૂસિફિકેશન’ અને ‘રેઝરેક્શન’નો સંદર્ભ દોસ્તોયેવ્સ્કી ઉપસાવે છે.
સોનિયા દારૂડિયા પિતા માર્મેલડોવની પુત્રી છે. હજી અઢારનીય નથી! ક્ષયરોગથી પીડાતી અપર માને બીજી બે દીકરીઓ છે. આ સૌનું પેટ ભરવા સોનિયા વેશ્યાનું કામ કરે છે. આવી સોનિયા નાયકનું મુક્તિદ્વાર બને છે. બન્ને વચ્ચે નિર્વ્યાજ પ્રેમની મંદ્રમંદ્ર વર્ષા વરસ્યા કરે છે. અહીં યાદ આવે છે ટોલસ્ટોયની ‘વોર એન્ડ પીસ’ની નટાશા અને એન્ડ્રી વચ્ચેનો પ્રાંજલ પ્રેમ. સોનિયા અને રાસ્કોલ્નિકોફ પ્રકાશ અને સજાવટ વગરના કાતરિયામાં મળે છે. રાસ્કોલ્નિકોફ કહે છે :
“હું તને છેલ્લીવાર મળવા આવ્યો છું. કદાચ હું તને ફરી નયે મળું.”
સોનિયાને કોઈએ છરી મારી હોય તેવી વેદના થાય છે. તે કહે છે : “ના, ના, ભગવાન આવું ભયંકર થવા નહિ દે !” સોનિયા પ્રભુપરસ્ત છે. પણ જ્યારે રાસ્કોલ્નિકોફ હસીને કહે છે કે, “ભગવાન ક્યાંય ન હોય”- ત્યારે સોનિયા ધ્રૂજી ઊઠે છે અને ધ્રૂસકે ધ્રૂસકે રડી પડે છે. રાસ્કોલ્નિકોફ અચાનક નીચે વળી સોનિયાને પગે ચુંબન કરે છે. સોનિયા રોષથી બોલી : “આ શું કરો છો?” ત્યારે રાસ્કોલ્નિકોફ કહે છે તે વિશ્વનો સૌથી મહાન ઉદગાર છે ! તે કહે છે: “સોનિયા, મેં તને વંદન નથી કર્યું; સર્વ વેદના સહેતી માનવજાતિને મેં વંદન કર્યું છે!”- આ દોસ્તોયેવ્સ્કી છે. જેણે આ એક સંવાદ દ્વારા નવલકથાને વૈશ્વિક સ્તરે મૂકી આપી. આગળ રાસ્કોલ્નિકોફના સોનિયા સાથે સંવાદ ચાલે છે. રાસ્કોલ્નિકોફ વાતનો દોર આગળ ચલાવે છે. “તું પાપની જિંદગી જીવે છે. એનાં કરતાં મરી જવું સારું.” ત્યારે સોનિયા કહે છે : “તો અપર મા અને ભાંડરડાનું શું થાય?” પ્રથમવાર રાસ્કોલ્નિકોફના મનમાં દીવો થાય છે. એને થાય છે કે સોનિયાને પાપ સ્પર્શ્યુ જ નથી! એ તો સર્વદા નિષ્પાપ જ રહી છે. વળી જ્યારે રાસ્કોલ્નિકોફ પૂછે છે : “ઈશ્વર તારા માટે શું કરે છે?” ત્યારે તે સરસ જવાબ આપે છે : “એ જ તો બધું સંભાળી રાખે છે!” રાસ્કોલ્નિકોફની વાત આટલાથી અટકતી નથી. તે સોનિયાને કહે છે, “મેં પેલી વૃદ્ધાનું ખૂન નથી કર્યું પણ મેં મારું પોતાનું જ ખૂન કર્યું છે!” સોનિયા સમજે છે કે આ જ મહાયાતના છે – સફરિંગ છે! તે રાસ્કોલ્નિકોફને કહે છે કે, “તમે આ ક્ષણે ધરતીને ચૂમો જેને તમે રક્તથી અપવિત્ર કરી છે! બધાં સાંભળે તેમ મોટેથી બોલો કે ‘હું ખૂની છું’. પરમાત્મા તમને નવજીવન આપશે. તમે દુઃખને માથે ચઢાવો; પાપ ધોવાઈ જશે. તમે ગુનો સ્વીકારી લો.” સોનિયા તેને ક્રૂસ આપે છે. પરંતુ રાસ્કોલ્નિકોફ તે સ્વીકારવાની હિંમત કરતો નથી. અંતમાં એ હિંમત પણ કરે છે. પોલીસથાણામાં જઈને તેણે કરેલા બંને ખૂનોનો સ્વીકાર કરી લે છે. પણ વિશ્વના આ મહાન લેખકને અહીં અટકવું નથી. તે અપરાધની કબૂલાત પણ કરાવે છે. અને રાસ્કોલ્નિકોફનો પુનર્જન્મ પણ કરે છે. એટલે લેખકે અહીં ઉપસંહારની યોજના કરી છે. ઉપસંહારના આ ચૌદ પાના વિશ્વની અમર કવિતા અને રાસ્કોલ્નિકોફના નવાં અવતારની અમરકથા બની રહે છે.
સોનિયા સાઇબીરિયા જવા તેની સાથે નીકળે છે. રાસ્કોલ્નિકોફ અન્ય કેદીઓ સાથે જેલમાં રહે છે. જ્યારે સોનિયા એ જ ગામમાં રહી સીવણકામ કરી રોજી-રોટી મેળવે છે. સાથે રાસ્કોલ્નિકોફની જરૂરિયાતો પણ પૂરી પાડે છે. રાસ્કોલ્નિકોફને બહાર કામ માટે લઈ જવામાં આવે છે ત્યારે સોનિયા તેને ત્યાં મળે છે; પણ તે કોઈ સાથે બોલતો નથી. એને ઊંડેઊંડે થયા કરે છે કે પોતે નકામી કબૂલાત કરી જેલનાં સળિયા પાછળ ધકેલાઇ ગયો; જ્યારે બીજા આવા ગુના કરનારા સમાજમાં મોજથી ફરે છે. રાસ્કોલ્નિકોફને હવે સમજાય છે કે, પોતે જ સાચા અને બીજા ખોટા એ હઠાગ્રહનું પરિણામ સર્વનાશ છે. એને એ પણ સમજાય છે કે અળગા રહેવું તે મૃત્યુ છે, સભર પ્રેમ એ જ જીવન છે. એને સમજાય છે કે પોતે મૃત્યુનું પ્રતીક છે; અને સોનિયા જીવનનું. એ કેટલાં સંકટો વચ્ચે પુષ્પની જેમ ખીલતી રહે છે!
દોસ્તોયેવ્સ્કીએ નવલકથાનો અંત અતિ કાવ્યમય કર્યો છે. ઉષ્માસભર પ્રકાશમય દિવસે રાસ્કોલ્નિકોફ નદીકાંઠે કામ પર ગયો છે. સામે કાંઠે જિપ્સીઓના તંબૂ છે. સંગીતની મધુર તરજો આવી રહી છે. રાસ્કોલ્નિકોફ એ સાંભળવામાં તલ્લીન છે! સોનિયા ક્યારે બાજુમાં આવીને બેસી ગઈ છે તેનીય તેને ખબર નથી. આજે બંનેએ હાથ મિલાવ્યા તે છૂટતા નથી. અગાઉ તો એ ઝટકા સાથે હાથ છોડી દેતો. પણ હવે તે પુનર્જન્મ જંખે છે. સોનિયા પગ પકડી ખૂબ રડે છે. સોનિયાનાં નેત્રોમાં અનર્ગળ સુખ ઉભરાઈ રહ્યું છે. બંનેની આંખોમાં આંસુ હતાં. બંનેના ચહેરા પર અનાગત પ્રભાતનું તેજ પથરાયું હતું. હવે સજા સાત વર્ષ બાકી હતી પણ તેમને તો તે માત્ર સાત દિવસ લાગ્યાં! કારણકે એનો પુનર્જન્મ થયો હતો. પરંતુ તેઓ નથી જાણતા કે, ‘નવું જીવન મફતમાં નથી મળી જતું, તેને માટે મોંઘી કિંમત ચૂકવવી પડે છે, અને તે માત્ર અત્યંત ધૈર્ય અને કષ્ટપૂર્વક, અને ભાવિ જબરા પ્રયત્નો દ્વારા મળે છે.’ પરંતુ તેઓ આ નવા જન્મનું મૂલ્ય ચૂકવશે. તેમના અને સમગ્ર માનવજાતનાં નવા અવતારનો ઈતિહાસ અહીંથી શરુ થાય છે અને નવલકથા પૂરી થાય છે.
આમ, દોસ્તોયેવ્સ્કીએ ‘ક્રાઇમ એન્ડ પનિશમેન્ટ’માં મનુષ્યના જ્યોતિર્મય રૂપને પ્રગટ કર્યું છે. મનોવૈજ્ઞાનિક બિમારી અને ગૂંચવણોને ઓળંગીને એ મનુષ્યને તેનાં અસલી મુકામે – પ્રકાશમય જીવન સુધી પહોંચાડે છે. અને એ દ્વારા કહેવા માંગે છે કે ‘માણસ બધાથી છૂટી શકે છે, પરંતુ પોતાના અંતરાત્માથી છૂટી શકતો નથી.’ આમ આ એક એવી કથા છે જે બહારના બદલે અંદર વિકસે છે. અને આકાર લે છે. અંતમાં દોસ્તોયેવ્સ્કી વીસમી સદીના મહાન લેખક છે અને ‘ક્રાઈમ એન્ડ પનિશમેન્ટ’ વિશ્વની અમર કલાકૃતિ.
સંદર્ભ ગ્રંથ :-
૧. ‘ક્રાઈમ એન્ડ પનીશમેન્ટ’ - અનુવાદ : અશોક હર્ષ
૨. ‘કથોપકથન’ - સુરેશ જોશી