‘એગામેમ્નોન’ નાટકનો આસ્વાદ
ગ્રીસમાં એરિસ્ટોફેનિસ, એસ્કાઈલસ, સોફોકલીસ અને યુરિપીડિસ એ ચાર મહાન નાટ્યલેખકો થઈ ગયા. તેમાં એરિસ્ટોફેનિસ કોમેડીનો શ્રેષ્ઠ લેખક ગણાય છે, જ્યારે બાકીના ત્રણ ટ્રેજડીના શ્રેષ્ઠ લેખકો ગણાય છે. એસ્કાઈલસનાં ‘એગામેમ્નોન’, ‘ચોઇફોરોઈ’ અને ‘યુમેનાઈડસ’ આ ત્રણ શ્રેષ્ઠ નાટકો ગણાય છે. ‘એગામેમ્નોન’નું વસ્તુ ગ્રીક કવિ હોમરના મહાકાવ્ય ‘ઈલિયડ’ માંથી લેવામાં આવ્યું છે. તેમનું પહેલું નાટક છે, છતાં તે મહત્વનું સ્થાન ધરાવે છે. જગતની ટ્રેજડીઓમાં એ એક સર્વોત્તમ ટ્રેજડી ગણાય છે.
કથાવસ્તુ
એગામેમ્નોનના પાપની અને ખૂનની ઘટના છે. આર્ગોસના રાજા એગામેમ્નોનના દાદા પેલોપ્લસને બે પુત્રો હતા. એટ્રિયસ અને થીયેસ્ટીસ. પિતાના મરણ બાદ એટ્રિયસ ગાદીએ બેઠો. તેણે થીયેસ્ટીસને રાજભાગ ન આપ્યો. તેથી રોષે ભરાઈને થીયેસ્ટીસે એટ્રિયસની પત્નીને (ભાભી) ભ્રષ્ટ કરી. એનું વેર લેવા એટ્રિયસે થીયેસ્ટીસને જમવા બોલાવ્યો અને થીયેસ્ટીસનાં બાળકો મારી નાખી તેમનું માંસ ભોજનમાં પીરસ્યું. ભાઈના આ રાક્ષસી કૃત્યની જાણ થતાં થીયેસ્ટીસે શાપ આપ્યો કે એટ્રિયસના વંશવારસોના ભૂંડા હાલહવાલ થશે. એટ્રિયસના મૃત્યુ બાદ તેના બે પુત્રો એગામેમ્નોન અને મેનેલોસને આ શાપ વારસામાં મળ્યો.
શરૂઆતમાં બંને ભાઈ સુખી હતા. મેનેલોસનું લગ્ન સૌંદર્ય માટે વિખ્યાત હેલન સાથે થયું હતું. મેનેલોસ હેલનના સૌદર્યમાં લુબ્ધ હતો. પણ એક દિવસ ટ્રોયના રાજકુમાર પારિસે એનું અપહરણ કર્યું. બંને ભાઈએ હેલનને પાછી મેળવવા ટ્રોય ઉપર ચડાઈ કરી. જેવું એમનું સૈન્ય ટ્રોય તરફ જવા નીકળ્યું ત્યાં ગ્રીક દેવી આર્ટેમીસના કોપને લીધે પ્રતિકૂળ પવન ફૂંકાવા લાગ્યા. એગામેમ્નોનના કાફલાની ભારે ખાનાખરાબી થઈ. કાલ્કસ નામના ભવિષ્યવેત્તાને આમાંથી બચવાનો ઉપાય પૂછવામાં આવ્યો. તેણે કહ્યું કે, એગામેમ્નોન પોતાની પુત્રી ઇફિજિનિયાનું બલિદાન આપે તો આર્ટેમીસ તૃપ્ત થાય અને તોફાન શમી જાય. એગામેમ્નોને ભારે હૈયે પોતાની પુત્રીનું બલિદાન આપ્યું અને સૈન્ય ટ્રોય પહોચ્યું.
ક્લાઇટેમ્નેસ્ટ્રાને પોતાની વહાલી પુત્રીના બલિદાનથી અત્યંત દુ:ખ થયું. ટ્રોયનું યુદ્ધ દશ વર્ષ ચાલ્યું. દરમિયાન થીયેસ્ટીસનો પુત્ર ઇજિસ્થસ ક્લાઇટેમ્નેસ્ટ્રા પાસે આવી પહોચ્યો. દશ દશ વર્ષ સુધી પતિ વિહોણી રહેલી ક્લાઇટેમ્નેસ્ટ્રા એના પ્રેમમાં પડી. પોતાના પિતા ઉપર ગુજરેલા અત્યાચારનું વેર લેવા ઇજિસ્થસ તલસતો હતો. આ બંને પ્રેમીઓએ મળીને એગામેમ્નોનનું ખૂન કરવાનું કાવતરું રચ્યું.
દશ વર્ષ પછી ટ્રોય ઉપર વિજય મેળવીને એગામેમ્નોન ઘેર આવ્યો. સાથે ટ્રોયના રાજાની પુત્રી પારિસની બહેન કાસાન્ડ્રાને પોતાની રખાત તરીકે લેતો આવ્યો. પુત્રીના બલિદાનથી ક્લાઇટેમ્નેસ્ટ્રાના હૃદયમાં આગ સળગી ઊઠી હતી. તેમાં ઇજિસ્થસે ઘી હોમ્યું હતું. એગામેમ્નોનની આ બેવફાદારીએ જોશથી ફૂંકાતા પવનની ગરજ સારી. ક્લાઈટેમ્નેસ્ટ્રાના હૃદયનો અગ્નિ પૂરા સ્વરૂપે ભભૂકી ઊઠયો અને તેણે પતિનું અને કાસાન્ડ્રાનું ખૂન કર્યું.
પાત્રાલેખન –
‘એગામેમ્નોન’ નાટકના પાત્રો જીવંત છે. મહત્વાકાંક્ષી, પરાક્રમી, છતાં અભિમાની અને વિધિનો શિકાર બનતો એગામેમ્નોન. અજબ ચાતુર્ય, હિંમત અને જુસ્સો ધરાવતી ક્લાઇટેમ્નેસ્ટ્રા. એપોલોના શાપને લીધે અસહ્ય વેદના અનુભવતી, સહન કરીને સત્યને પામતી, કરુણમૂર્તિ કાસાન્ડ્રા. અભિમાની, કાયર અને કાવતરાબાજ ઈજિસ્થસ. થાક અને ચિંતાના ભાર નીચે કચડાતો ચોકીદાર. દેશપ્રેમી સંદેશવાહક. એગામેમ્નોનના કુટુંબની પાપલીલાથી તંગ આવી જનાર તેમજ વારંવાર પાપ અને શાપનું રહસ્ય પ્રગટ કરનાર કોરસ.
એગામેમ્નોન આ નાટકનો નાયક છે. તે પરાક્રમી છે. ટ્રોય ઉપર વિજય મેળવવાની લાલસામાં તે પોતાની પુત્રી ઇફિજિનિયાનું બલિદાન આપે છે. પુત્રીની કરુણ ચીસો, તેની કુમળી વય, તેનાં આંસુ – એ કશાની ગણના કરતો નથી. પરિણામે તે ક્લાઇટેમ્નેસ્ટ્રાના રોષનો ભોગ થઈ પડે છે. તે યુદ્ધમાંથી વિજય મેળવીને આવે છે ત્યારે ક્લાઇટેમ્નેસ્ટ્રા લાલ જાજમ પાથરી એનું સ્વાગત કરે છે. પોતે તેના ઉપર ચાલે તો દેવ નારાજ થાય એમ જાણે છે છતાં વિજયના નશામાં જાજમ ઉપર એ ચાલે છે. સ્ત્રીહૃદયને એ પારખી શકતો નથી. કાસાન્ડ્રાની સંભાળ રાખવાની ભલામણ કરવાથી ક્લાઇટેમ્નેસ્ટ્રાના હૃદયમાં ઈર્ષાની આગ જ ઉત્પન્ન થાય છે.
ક્લાઇટેમ્નેસ્ટ્રા માત્ર ‘એગામેમ્નોન’ નું જ નહિ પણ સમગ્ર ગ્રીક સાહિત્યનું મહાન અને અમર પાત્ર છે. એનું વ્યક્તિત્વ આગવું અને પ્રભાવશાળી છે. જે કોઈ એના પરિચયમાં આવે છે તે એનાથી અંજાયા વિના રહેતું નથી. મનની વાત છુપાવવાની અદભૂત શક્તિ રહેલી છે. તેની હિંમત અને દ્રઢતાં ગજબની છે. એક વાર એગામેમ્નોનનું ખૂન કરવાની યોજના કરે છે, પછી ગમે તે ભોગે એ પૂર્ણ કરીને જ જંપે છે. પતિનું ખૂન એ એકલે હાથે અને ઠંડે કલેજે કરે છે. ખૂન કર્યા પછી એ હારી જતી નથી, પણ પરિણામને ભેટવાની તૈયારી દર્શાવે છે. એગામેમ્નોન રખાત તરીકે કાસાન્ડ્રાને લાવે છે, તેની સંભાળ રાખવાની ભલામણ કરવાથી ક્લાઇટેમ્નેસ્ટ્રાના હૃદયમાં રહેલા ઈર્ષાના અગ્નિમાં ઘી હોમાય છે. એગામેમ્નોનનું ખૂન કરવાનું કારણ (1) ઇફિજિનિયાના બલિદાનથી એના હૃદયમાં ઉત્પન્ન થયેલો ક્રોધ (2) ઈજિસ્થસ સાથે તેનો પ્રણયસંબંધ (3) પ્રેમમાં એગામેમ્નોનની બેવફાદારી.
ટ્રોયના રાજા પ્રાયમની પુત્રી અને પારસની બહેન કાસાન્ડ્રાને એગામેમ્નોન પોતાની રખાત તરીકે સાથે લાવે છે. ક્લાઇટેમ્નેસ્ટ્રા એગામેમ્નોન સાથે કાસાન્ડ્રાનું પણ ખૂન કરે છે. ગ્રીકોના દેવ એપોલોની એ પ્રિયતમા હતી. એપોલોને તેને દિલ અને દેહ આપવાનું વચન આપ્યું હતું. એપોલોએ તેને ભાવિ ઉકેલવાની શક્તિ આપી હતી, પણ કાસાન્ડ્રાએ પોતાનું વચન ન પાળ્યું એટલે એપોલોએ તેને શાપ આપ્યો કે તારી ભવિષ્યવાણી કોઈ સાચી માનશે નહિ. પરિણામે હેલનનું અપહરણ થયા પછી ટ્રોયનો વિનાશ તેને અગાઉથી જોયો, છતાં તેને રોકી શકી નહિ. આર્ગોસમાં આવીને પણ એગામેમ્નોન અને પોતાના મૃત્યુ વિષે એ ભવિષ્ય ભાખે છે પણ કોઈ સાચું માનતું નથી. કાસાન્ડ્રાની સ્થિતિ સહદેવ કરતાં પણ વધારે દયાપાત્ર છે. કાસાન્ડ્રા અને ક્લાઇટેમ્નેસ્ટ્રા બંને પાત્રો એકબીજાનાં વિરોધી છે. ક્લાઇટેમ્નેસ્ટ્રા કુટિલ અને પથ્થર હૃદયની છે, તો કાસાન્ડ્રા નિર્દોષ અને કોમળ હૃદયની છે.
નાટ્યાત્મક વક્રોક્તિઓ –
આખું નાટક નાટ્યાત્મક વક્રોક્તિઓથી ભરપૂર છે. શરૂઆતનું ચોકીદારનું સંભાષણ, કોરસના ભય, ક્લાઇટેમ્નેસ્ત્રાએ કરેલું પતિનું ઉમળકાભેર સ્વાગત, એગામેમ્નોનનો વિજયોન્માદ, કાસાન્ડ્રાની ભવિષ્યવાણી એ દરેકમાં વારંવાર ભાવિ અનિષ્ટના ભણકારા વાગ્યા કરે છે અને આખા નાટક દરમિયાન સંશયનાં વાદળ ઘેરાયેલાં રહે છે.
કોરસ –
કોરસ ગ્રીક નાટકનું મહત્વનું અંગ છે. ‘એગામેમ્નોન’માં કોરસની સંખ્યા 12ની છે. એગામેમ્નોન સાથે ન જઈ શકનાર વૃદ્ધજનોનું એ બનેલું છે. હેલનનું અપહરણ, મેનેલોસની માનસિક સ્થિતિ, ટ્રોય ઉપર એગામેમ્નોનની ચડાઈ, ઇફિજિનિયાનું બલિદાન, ટ્રોયનો સંહાર એ બધી માહિતી કોરસ દ્વારા પ્રાપ્ત થાય છે. એટ્રિયસના કુટુંબના વેરની અને શાપની વિગત પણ પૂરી પાડે છે. આર્ગોસના મહેલમાં ચાલતી પાપલીલાને એ વારંવાર પ્રગટ કરે છે. યુદ્ધમાં વિજય એ સાચો વિજય નથી એવું પુરવાર કરે છે. ભવિષ્યની આગાહી માટે પણ કોરસનો ઉપયોગ થયો છે. ભાવિ બનાવનાં સૂચન એ વારંવાર કરે છે અને અંતે તો શુભ પ્રવર્તનાર છે, એવી આશાના ઉદગારો ઘણી વાર એ કાઢે છે. આમ ‘એગામેમ્નોન’માં કોરસ મહત્વના પાત્રરૂપે રજૂ થાય છે.
દૃશ્યવિધાન-
‘એગામેમ્નોન’માં ગ્રીક રંગભૂમિ ઉપર આકર્ષક દૃશ્યો પણ યોજાયા છે. એગામેમ્નોનનું સશસ્ત્ર સૈનિકો સાથે આગમન, ભવિષ્યવેત્તાનાં ચિહ્નો ફેંકી દેતી કાસાન્ડ્રા, એગામેમ્નોન અને કાસાન્ડ્રાનાં શબ સાથે લોહીવાળાં કપડામાં દેખાતી ક્લાઈટેમ્નેસ્ટ્રા એ બધાં દ્રશ્યો નાટકને અનેરું રૂપ આપે છે. કોરસ પણ સંગીત અને નૃત્ય સારા પ્રમાણમાં પૂરાં પાડે છે.
ચિંતન-
લેખકે ‘એગામેમ્નોન’માં પરિચિત વસ્તુને કલાત્મક ઘાટ આપ્યો છે, તે ઉપરાંત તેમણે માનવજીવનનાં અને ઈશ્વરની લીલાનાં રહસ્યો સમજાવ્યા છે. ગર્વ કે વાસનાથી પ્રેરાઈને મનુષ્ય અને વારસોએ પણ ભોગવવાં પડે છે. એગામેમ્નોન આ રીતે પૂર્વજોનાં પાપનું પરિણામ ભોગવે છે. પારિસે હેલનનું અપહરણ કર્યું તો તેના આખા રાજ્યનો વિનાશ થયો. ક્લાઈટેમ્નેસ્ટ્રા વાસનાથી પ્રેરાઈને પતિનું ખૂન કરે છે, તો તેનો બદલો તે ભોગવે છે.
ટ્રોયના વિનાશનાં કરૂણ ચિત્રો સર્જીને એસ્કાઈલસે એ પણ બતાવ્યું છે કે યુદ્ધનો વિજય એ સાચો વિજય નથી. એમાં વિજય અને પરાજય પામનાર બંને ભાંગી પડે છે. વિજય પણ પરાજય જેટલો જ હાનિકારક નીવડે છે.
સ્ત્રીના હૃદયને પારખવામાં ન આવે, તેની લાગણીઓને સમજવામાં ન આવે તો કેવાં માઠાં પરિણામ આવે છે, ગૃહજીવન કેવું છિન્નભિન્ન થઈ જાય છે, એ પણ લેખકે બતાવ્યું છે.
આમ એસ્કાઈલસ નાટયકાર અને કવિ ઉપરાંત દ્રષ્ટા તરીકે પ્રગટ થાય છે. તેનું આ ચિંતન પાપની ભયાનકતા સાથે વિશ્વના માંગલ્યનું દર્શન કરાવે છે. ઈશ્વરની લીલાનું ભાન કરાવી એ તેનામાં શ્રદ્ધા પ્રેરે છે. આમ ‘એગામેમ્નોન’ ગંભીર, ગૌરવશાળી અને ભવ્ય ટ્રેજડી બની રહે છે. જગતની પ્રશિષ્ઠ કલાકૃતિઓમાં આગળ પડતું સ્થાન ધરાવે છે.
આધાર ગ્રંથ-
1. ‘એગામેમ્નોન’-લે.એસ્કાઈલસ અનુ. જયંતી દલાલ ઈ.સ. 1963 પ્રથમ આવૃતિ