‘ગોરા’ એક રસાસ્વાદ
ભારતના યુગ પુરુષ રવિન્દ્રનાથ ટાગોર કૃત ‘ગોરા’ નવલકથાનો એક આસ્વાદ કરાવ્યો છે. હિંદુ પરિવારની આનંદમયી બ્રાહ્મીલલિતાનું કન્યાદાન, આ દેશની અભણ કહેવાતી સ્ત્રીઓ પાસે, જે ભણેલા પુરુષો પાસે નથી હોતી એવી કોઈક ‘છઠ્ઠી ઈન્દ્રિય’ હોય છે, પોતાના ધર્મની – અડવા- અભડાવાની, વટલાવાની, પાપ લાગવાની, નર્કમાં જવાની-બધી જ આડશોને ક્ષણાર્ધમાં ઓળંગીને એક મરતી માના નવજાત આયરિશ બાળકને પરોપકારી બુદ્ધિથી કે દયાભાવથી નહીં પણ જાણે એ પોતાના જ અંગની, આત્માની નીપજ હોય એવા ઉભરાતા વાત્સલ્યથી ખોળે લે છે અને એનું નામ રાખે છે ‘ગોરા’ વિશ્વવિખ્યાત કૃતિનો આસ્વાદ છે.
રવિન્દ્રનાથ ટાગોરે આપણી અસ્મિતાની આવી આગવી ઓળખ આ પૂર્વે કોઈએ કરાવી નહોતી અને એમના ગયા પછી આજપર્યંત એમના કરતાં પણ વધુ પ્રભાવશાળી રીતે આપણી ઓળખ કરાવનાર કવિની હજુ આપણે વાટ જોઈએ છીએ. નવલકથાના રૂપમાં રવીન્દ્રનાથ જ આપણને આપે છે, આ કેવો યોગાનુયોગ સાહિત્યનું આ સામર્થ્ય છે. હજારો ઉપદેશ કે લાખો ભાષણો, પ્રજાને જેની પ્રતીતિ નથી કરાવી શકતાં એ કામ સાહિત્ય રમતવત્ કરાવી દે છે. રવીન્દ્રનાથની ‘ગોરા’ પણ એક સર્વાશ્લેષી રમણીય કલાકૃતિ છે.
આપણા હૃદયને પલ્લવિત કરી દે છે- પરેશ બાબુ, આનંદમયી અને ગોરા. પણ તેમાંય આનંદમયીને અવતારીને તો કવિવરે કમાલ કરી દીધી છે. પરેશબાબુની સમજણ અને ઉદારતાનાં જેટલાં વખાણ કરીએ એટલાં ઓછાં પણ આખરે એ માણસ એટલે અપૂર્ણતા એમને પણ એક પળ આભડી જાય છે. એ મુંઝાય છે કે વિનય જો બ્રાહ્મો ન બને તો લલિતા એને કેવી રીતે વરી શકે સુશિક્ષિત બ્રાહ્મી લલિતા તો વિનયની બ્રાહ્મો થવાની અરજીને જ ફાડી એના ઓજસથી આપણને આંજી દે છે.
હિંદુ બ્રાહ્મણ પરિવારની પરંપરામાં ઉછરેલા આ ‘ગોરા’ એક પ્રભાવશાળી પાત્ર છે અને ‘હિંદુ’ હોવાનું ગૌરવ છે. એ ભારતવર્ષને બેહદ ચાહે છે, પણ એનો ભારત એટલે એના બ્રાહ્મણીયા સંસ્કારની પેદાશવાળો સમાજ એને ભારતની વનશ્રી કરતાં પણ ભારતનો સમાજ વધુ વહાલો છે. પણ એને મન ભારતનો સમાજ એટલે માત્ર ‘હિંદુસમાજ’ એ જેવો છે તેવો ગરીબ, અજ્ઞાન, વહેમી, અંધશ્રદ્ધાળુ, રૂઢિજડ, કર્મકાંડી.... પણ એ એને કબુલ છે. એ કહે છે, પહેલાં એને ચાહો પછી બદલવાની વાત કરો, બ્રાહ્મણ પરંપરાના સંસ્કાર, બ્રાહ્મણ સિવાય બીજા હિંદુના હાથનું ન ખાવું ન પીવું એ પણ એને મંજૂર છે. પાઠપૂજા, હોમ-હવન, મૂર્તિપૂજા બધું જ જે જેમ છે તેમ જ એને સ્વીકાર્ય છે.
બ્રાહ્મોસમાજ માટે એને ચીડ છે, જેવી ધર્માંધ હિંદુને મુસલમાન માટે હોય એવી, એટલી હદે એ હિંદુવાદી છે, એને મન એ લોકો જાણે અસ્પૃશ્યો છે અથવા વિધર્મી છે. માણસ જ્યારે કોઈ માન્યતાના, વિચારના પ્રેમમાં પડે છે ત્યારે તે કેટલો નિર્દયી થઈ શકે છે તેનું ‘ગોરા’ ઉદાહરણ છે. એનો મિત્ર વિનય જે એને પ્રાણથી પણ પ્રિય છે, કારણ એ હિંદુ છે. પણ ત્યજી દઈ શકે છે. આટલી હદે એનું હિંદુત્વ ઝનૂની બને છે. આ ગોરા બાળકને ઉછેરતાં ઉછેરતાં જે સત્ય એની આનંદમયી માતા પામી છે, તે સત્ય હજુ આ પ્રાણવાન પુરુષ માટે પરાઈ ચીજ છે. ગોરાના પક્ષે કોઈ સત્ય એવું નથી. એ પોતાના દેશને, ભારતવર્ષને કેટલા ચાહે છે ? પણ એનો ભારત એટલે માત્ર હિંદુસમાજ, બ્રાહ્મો સમાજવાળા પણ ભારતવાસી છે એ સત્ય હજુ એની પકડમાં નથી આવ્યું. પણ રવિન્દ્રનાથે એને બંગાળના ગામડાં ખૂદાવી એના ‘મમસત્ય’ વિષે અસમંજસમાં મૂકી દીધો છે.
ગોરા એક ગામમાં જાય છે. જેમાં બધા મુસલમાન ખેડૂતો છે. જમીનના પાકની તકરારમાં પોલીસ બધાંને પકડી ગઈ છે. ગામમાં એકે પુરુષ રહ્યો નથી. ત્યાં એક જ ઘર હિંદુનું છે એ પણ હજામ. એ જમીનવિહોણો છે તેથી પોલીસના ત્રાસથી બચી શકયો. એ હજામને તે પૂછે છે તમે આવા ત્રાસમાં કેવી રીતે રહો છો ? ત્યારે હજામ શું જવાબ આપે છે ? એ કહે છે, ‘આખી જિંદગી અહીં ગાળી, સૌ સાથે માયા લાગી ગઈ છે હું અત્યારે એક જ પુરુષ ગામમાં છું. હું જાઉં તો બાઈ માણસોનું શું થાય ?’ આ જવાબ એક શૂદ્ર ગણાતા હિંદુ પાસેથી સાંભળી પોતાના અન્ય હિંદુના હાથનું પણ ન ખાવા-પીવાના સંસ્કાર માટે ગોરા વિચારમાં પડી જાય છે. એને થાય છે કે જુલમી બ્રાહ્મણ મેનેજર ચાટુ જ જેના ઘરનું અન્ન ખાવા કરતાં માનવતાથી ભર્યા હજામના ઘરનું અન્ન ખાવું વધુ ઉચિત છે. આ સત્ય પહેલી વાર એને સમજાય છે.
બ્રાહ્મોસમાજી અંગ્રેજી ભણી અને અંગ્રેજી હાકેમોની બરદાસી કરી અંગ્રેજિયતના પક્ષકાર બની ગયા છે. આ જોઈ એનું લોહી ઊકળી ઊઠે છે. આ સમાજમાં બધા હારેનબાબુ નથી. એમાં પરેશબાબુ, લલિતા, સુચરિતા જેવાં બ્રાહ્મોસમાજની સાંપ્રદાયિકતાથી ઉપર ઊઠી માણસ તરીકે જોનારા મહામાનવો પણ છે એવો અનુભવ એ જેમ જેમ કરતો જાય છે, તેમ તેમ એને પોતાના મૂઢાગ્રહો માટે પુનર્વિચાર કરવાની ફરજ પડે છે. એની સનાતની હિંદુ માતા આનંદમયીના હિંદુ કે બ્રાહ્મણોના ભેદ વિનાના ન કેવળ ઉદારતાભર્યા પણ પ્રેમભર્યા આત્મીય વ્યવહારોને જોતો જાય છે, તેમ તેમ જાત સાથેનો એનો સંઘર્ષ વધતો જાય છે.
આ આખી કથા રવીન્દ્રનાથે એમની સંવાદકળાના બળે અત્યંત ધારદાર રીતે નિરૂપીને દરેક પાત્રને ઉચિત ન્યાય આપ્યો છે.
ગુજરાત જે અગ્નિ શિખાઓથી દગ્ધ થયું છે. તેને જો એ પીડામાંથી ઊગરી ચંદન જેવા શીતળ લેપની શાતા અનુભવવી હોય તો ફરીથી આ ‘ગોરા’ ગુજરાતના ઘર ઘરમાં વંચાવી જોઈએ. ખાસ તો આપણા ભાન ભૂલેલા ભાંડુઓએ એને ખાસ વાંચવી જોઈએ. ભારતવર્ષ રવીન્દ્રનાથનું સદાય ઋણી રહેશે. કારણ કે આ મહાકવિએ આપણને આપણી અસ્મિતાની ઓળખ કરાવી આપી છે. મિથ્યાભિમાનને અસ્મિતા માની લઈ દેશ, ધર્મ કે કોમને નામે ગુમરાહ થયેલા આપણા બાંધવો જો રવીન્દ્રનાથને ખુલ્લા મનથી વાંચે, સમજે તો ભારતવર્ષ મહા અનર્થમાંથી ઉગરી જાય, એવું કામ રવિબાબુ એમની સાહિત્યોપાસના દ્વારા કરી ગયા છે.
રવીન્દ્રનાથ ટાગોરની નવલકથા ‘ગોરા’ અંગ્રેજી શાસનમાં ભારતની રાષ્ટ્રીય ચેતનાને જગાડનારી નવલકથા છે. પ્રસ્તુત નવલકથામાં જ્યારે ભારતીય સમાજ સમયાંતરે જાતિવાદમાં ફંટાયેલો હતો પશ્ચિમી સંસ્કૃતિના રંગેરંગાયેલો ભારતીય સમાજ પોતાની જાતિ, સમાજના નીતિનિયમોને નેવે મૂકી પોતાની પરિવારની વ્યવસ્થાને ભૂલી ગયા છે. રાષ્ટ્રીય ચેતનાનું મૃતપાય કરી નાખી છે એવા સમયમાં ગોરા નવલકથા સમગ્ર સમાજમાં નવો પ્રાણ પૂરી એક નવી દિશા ખોલી આપે છે. તત્કાલીન ભારતીય સામાજિક, રાજનીતિક સ્થિતિનું જીવંત ચિત્રણ કરવામાં આવ્યું છે. ભારતીય ઈતિહાસમાં આ ઘટના અલિપિત નથી. અંગ્રેજી શાસનમાં જ્યારે અંગ્રેજોએ ભારતીય પ્રજાના માનસ પટ પર અંગ્રજોના પ્રભાવ હેઠળ રાખવાનો પ્રયત્ન કરે છે. એનો વિરોધ પણ થયો છે. હિન્દુ ધર્મનો નાશ કરવા માટેના પણ પ્રયત્નો થયા એનો ઉલ્લેખ ભારતીય ઈતિહાસમાં પણ જોવા મળે છે. કૈરી, ડફ, વિલ્સન વગેરેના નેતૃત્વ હેઠળ ઈસાઈ ધર્મ હિંદુ ધર્મ પર બાજ પક્ષીની જેમ તૂટી પડયો. આવી વિકટ સ્થિતિમાં બંગાળના શિક્ષિત લોકોને આકર્ષવા માટે ઈસાઈ ધર્મના લોકોએ અંગ્રેજી શિક્ષણનો પ્રારંભ કર્યો તેથી ઈશાઈ ધર્મના પ્રચારને વધારે વેગ મળતો થયો. એવી સ્થિતિનું જીવંત ચિત્ર પ્રસ્તુત નવલકથામાં લેખકે ઉભું કર્યું છે.
રવીન્દ્રનાથ ટાગોર સાહિત્યના ક્ષેત્રે વિશ્વમાં પોતાની પ્રતિભાને ઉજાગર કરી છે. ખરા અર્થમાં ગોરા નવલકથા ઓગણસમી સદીના ઉત્તરાર્ધ ભારતનું ચિત્રણ થયેલું છે. ‘ગોરા’ રાષ્ટ્રીય સ્તરની ઉચ્ચકોટીની નવલકથા છે.