સામાજિક સંદર્ભને રજૂ કરતી નવલકથા : ચેમ્મીન
‘ચેમ્મીન’ મલયાલમ ભાષામાં લખાયેલી એક ચોક્કસ સમુદાયની(જ્ઞાતિની) તથા એક પ્રદેશ પર આધારિત પ્રાદેશિક નવલકથા છે. આ પ્રકારની પ્રાદેશિક કે જનપદની વાત લઈને આવતી કથાઓને કેન્દ્રમાં રાખી સર્જન પામેલી ભારતીય ભાષાઓમાં અનેક નવલકથા મળે છે. જેમાં ‘માનવીની ભવાઈ’, ‘મૈલા આંચલ’, ‘આરણ્યક’, ‘ગણદેતા’, ‘સોરઠ તારા વહેતા પાણી’, ‘આંગળિયાત’, ‘મલક’ વગેરે છે. ‘ચેમ્મીન’ નવલકથાની વાત કરતા પહેલા આ કૃતિના સર્જક તકષી શિવશંકર પિળ્ળાનો આછેરો પરિચય મેળવીએ.
૧૭મી એપ્રિલ ૧૯૧૪માં મધ્ય તિરૂવિતાંકુરમાં આવેલા તકષી ગામમાં એમનો જન્મ થયો. કાયદાની પદવી હાંસલ કરી વકીલાતનો વ્યવસાય સ્વીકારી, ત્રિવેન્દ્રમમાં વસવાટ કરે છે. તે સમયમાં લખાતા સાહિત્યમાં નવલકથા, નવલિકા વગેરેમાં સમાજવાદી વિચારસરણીને પ્રાધાન્ય આપવામાં આવતું હતું. સર્જક આ પ્રકારના સાહિત્ય સર્જકોની હરોળમાં પોતાનું સ્થાન મેળવી લે છે અને મલયાલમ ભાષામાં નામના મેળવે છે. આ લેખક પાસેથી મળેલી કેટલીક મહત્વની નવલકથાઓનો ગુજરાતી ભાષામાં અનુવાદ થયો છે. જેમાં ‘ચેમ્મીન’ નવલકથાનો અનુવાદ આ જ શીર્ષકથી કમલ જસાપરાએ કર્યો અને ઈ.સ.૧૯૮૦માં પ્રકાશિત થાય છે. તકષીની આ નવલકથાને ઈ.સ.૧૯૫૭માં સાહિત્ય અકાદમી દ્વારા પુરસ્કૃત પણ કરવામાં આવી છે.
‘ચેમ્મીન’માં કેરળ પ્રદેશના સાગરકાંઠાના સાગરખેડુ(માછીમાર) સમાજનાં માનવજીવનને આલેખવામાં આવ્યું છે. દરિયાકાંઠે વસતા માછીમાર સમાજનાં સામાજિક રીતરિવાજો, દરિયાખેડુને પડતી રોજબરોજની હાડમારીઓ, તેમની પ્રવૃત્તિઓ તેમજ જે તે સમાજની લૌકિક-અલૌકિક રીતભાત, શ્રદ્ધા-અંધશ્રદ્ધા તથા દરિયાકિનારે વેપાર અર્થે આવતા જુદા ધર્મના વેપારી વર્ગના માણસોને લઈ નવલકથાનું સર્જન કર્યું છે. નવલકથામાં જુદા-જુદા પાત્રોને નવલકથાકારે ચાલી આવતી પરંપરાનો વિદ્રોહ કરતા બતાવ્યાં છે. અહીં કેટલીક સામાજિક માન્યતાઓ સામે વિદ્રોહ જોવા મળે છે. આ માન્યતાઓ અને પરંપરાઓ ધર્મોની હોય કે પછી કોઈ સમાજની હોય, આ વાતને કળાત્મક રીતે રજૂ કરવામાં સર્જક સફળ થયા છે.
આ કૃતિમાં નવલકથાકારે કરુત્તમ્મા અને પરીકુટ્ટીની પ્રણયની વાતને પોતાની કોઠાસૂઝથી વ્યક્ત કરી છે. આ બંને વચ્ચેના પ્રણયની વાત નીકુર્ન્ન્તના દરિયાકાંઠે કેવો ઝંઝાવાત ફેલાવશે, એની કલ્પના પણ કરવી મુશ્કેલ છે. પરીકુટ્ટી આ દરિયાકિનારે પોતાના વેપારી પિતાની આંગળી પકડી આવે છે. દરિયાકિનારે રમતા-રમતા ક્યારે મોટો થયો, ક્યારે નાનાશેઠ તરીકે ખ્યાતિ મેળવી અને ક્યારે ચેમ્બન કુન્ય અને ચક્કીની દીકરી કરુત્તમ્મા સાથે પ્રણય સંબંધથી જોડાયો તેની ખબર જ ન પડી. દરિયાકિનારે આ બંનેના પ્રણયની વાતનો ફેલાવો ન થાય તે પહેલા જ કરુત્તમ્માની મા(ચક્કી) પોતાની રીતે કરુત્તમ્માને પોતાના સમાજનાં રીતરિવાજ સમજાવે છે અને માછીના ઘરમાં સ્ત્રી તરીકે જન્મેલી માછણની પવિત્રતાની સમજ આપે છે; પરંતુ, કરુત્તમ્મા પર આ વાતની ઝાઝી અસર થતી નથી. ચેંબન કુન્યની મહેચ્છા છે કે, પોતે જાળ અને હોડીનો માલિક બને. આ સમાજના દરેક માનવીને આ પ્રકારની ઈચ્છાઓ હોય છે અને આ ઈચ્છાને પરિપૂર્ણ કરવા માટે બંને પતિ-પત્ની(ચેંબન-ચક્કી) તનતોડ મહેનત કરી સારી એવી બચત કરે છે. આ તમામ યુક્તિને કરુત્તમ્મા ધ્યાનથી જોયા કરે છે. મા-બાપની ઈચ્છા પૂર્ણ કરવા માટે ખૂટતા પૈસા એટલે કે મદદ થઈ શકે એટલા પૈસાની નાનાશેઠ(પરીકુટ્ટી) પાસેથી માંગણી કરુત્તમ્મા કરે છે; પરંતુ, નાનાશેઠ પોતાની પાસે પૈસા નથી. એમ જણાવે છે કે... “મારી પાસે રૂપિયા ક્યાં છે ?...”[પૃ-૧] સાથે જ પરીકુટ્ટી પોતાની બંધ મૂઠ્ઠી ખોલી બતાવે છે. ત્યાંથી બંને પાત્રો વચ્ચે પ્રણયની શરૂઆત થતી હોય એવું લાગે છે. આ પ્રણય સંબંધ બંનેને મૃત્યુ સુધી લઈ જાય છે, ત્યાં નવલકથાનો અંત આવે છે.
કરુત્તમ્માના પ્રણયની વાત પોતાની મા(ચક્કી)ને જાણ થતા, ચક્કી દરિયાકિનારે વસતા માછી સમાજના રીતરિવાજની પૂરી કથા સંભળાવે છે. જયારે પોતાનો માછી(પતિ) દરિયામાં માછલી પકડવા જાય છે ત્યારે તેની પત્નીએ(માછણે) માછી દરિયામાંથી હેમખેમ પાછો આવે એ માટે પ્રાર્થના, તપ વગેરે કરવા, તેમજ પવિત્રતા જાળવી રાખવી. આ પ્રકારની સમાજનાં લોકોની માન્યતા છે. આ પ્રકારની માન્યતાઓને શ્રદ્ધા ગણવી કે અંધશ્રદ્ધા. આ પ્રકારની વાતની કરુત્તમ્માને અસર થાય છે તેથી એ પરીકુટ્ટીથી દૂર રહેવાના પ્રયત્ન કરે છે. આ જ સમય દરમ્યાન પરીકુટ્ટીની મદદથી અને ચક્કી, ચેંબન કુન્યની મહેનતથી, ચેંબન હોડી અને જાળવાળો બને છે. ચેંબન ઉપર પોતાના સાથી મિત્રો તેમજ સમાજનાં કેટલાંક લોકો ઈર્ષા કરે છે. આ ઈર્ષાના ભોગ રૂપે આ દરિયાકિનારાના મુખીને નૈવેદ્ય ધરાવે છે. આ વાત ચેંબનને ગમતી નથી માટે સર્જક ચેંબન કુન્યના પાત્ર દ્વારા એનો વિરોધ દર્શાવે છે અને એમાં સફળતા પણ મેળવે છે.
ચેંબન બીજા દરિયાકાંઠેથી જેની હોડી અને જાળ ખરીદી લાવ્યો છે જાણે સાથે એ કંડનકોરન હોડીવાળાનું નસીબ પણ લઈ આવ્યો હોય એવી રીતે કમાતો થયો છે. પુષ્કળ પૈસા કમાવવાને લીધે, ચેંબનના સ્વભાવમાં થોડો અહમ દેખાતો હોય છે. ‘ચાંગરા’ની સીઝનમાં એક નવો જ અનુભવ ચેંબનને તથા ત્યાં વસતા માછીમારોને થાય છે. બીજા દરિયાકિનારેથી આવેલો(તૃકુન્ન પુઝા) પળની નામના યુવાન એ યુવાન, ચેંબન જેટલો જ હોડી ચલાવવામાં કુશળ માછીમાર છે. જાણે પળની, ચેંબનની સાથે હરિફાઈ કરતો હોય, ચેંબન પોતાની દીકરીને પરણાવવા માટે મુરતિયાની શોધમાં હતો, તે જાણે મળી ગયો હોય એમ માની, પળનીને તૈયાર કરે છે. પળની પણ એ પ્રસ્તાવનો સ્વીકાર કરી તૈયાર થાય છે; પરંતુ, એના લીધે બંને દરિયાકિનારે વસતા લોકોમાં થોડું આશ્ચર્ય ફેલાઈ છે. પરંતુ, ચેંબનના મનની વાત કોઈ સમજી શકતું નથી. ચેંબન ધીમે ધીમે પોતાની હોશિયારી તેમજ ચક્કીની કુશળતાથી ધનવાન બને છે. લોકોને તેમજ દરિયાકિનારે વસતા બીજા માછીમારોને પૈસા પણ ધીરતો થયો છે. જેના લીધે એકમાંથી બે હોડીનો માલિક પણ બને છે. ચેંબન કુન્ય પૈસાવાળો બન્યા પછી પરીકુટ્ટીનો ઉપકાર ભૂલી ગયો છે. વેપાર માટે પરીકુટ્ટીને માછલી પણ આપતો નથી. ચેંબન પોતાના માટે જ આવા પરંપરાગત રિવાજને તાબે થયા વિના પોતાની રીતે જ વર્તે છે અને પરંપરાનો વિદ્રોહ કરે છે. જ્યારે પોતે સામાન્ય માણસ હતો, તે પરિસ્થિતિ ભૂલી જઈ પૈસાવાળો બને છે, ત્યારથી સામાન્ય માનવીનું શોષણ કરતો થયો છે. આ પ્રકારના ચેંબન કુન્યના વર્તનમાં થયેલા ફેરફારને ચક્કી તથા તેમની બંને દીકરીઓ કરુત્તમ્મા અને પંચમી પણ અનુભવે છે. પંચમી તો એનો ભોગ પણ બને છે.
પળની અને કરુત્તમ્માના લગ્નના દિવસે સામાજિક રિવાજ પ્રમાણે વરપક્ષના લોકોએ ગામના મુખી પાસે નક્કી થયા મુજબની રકમ(પૈસા) જમા કરાવવાની હોય છે. રકમ થોડી વધુ હોવાથી વરપક્ષના લોકો જેવા કે અચ્યુત વગેરે મૂંઝવણમાં મૂકાય છે. જેના લીધે જાનમાં આવેલા લોકોમાંથી પપ્પુ નામના માણસે કરુત્તમ્મા વિશે થોડી ઘસાતી-ખરાબ વાતો પણ કરી, જેની વાત સાંભળી ચક્કી(મા) બેભાન થઈ જાય છે તેમજ બંને પક્ષો વચ્ચે થોડી ચડભડ પણ થાય છે. છેલ્લે ચેંબન આ રકમ પળનીને પોતાની પાસેથી આપવા તૈયાર થાય છે. અહીં પણ સમાજમાં ચાલતા રિવાજનો વિરોધ જ દર્શાવવામાં આવ્યો છે. પળની, ચેંબન પાસેથી પૈસા મેળવી મુખી પાસે જમા કરાવે છે. લગ્નની વિધિ પૂર્ણ થયા પછી, વિદાય વખતે ફરી મુશ્કેલી આવે છે. ચક્કીની તબિયત સુધરવાને બદલે વધુ બગડે છે. તેમ છતાં પળની, કરુત્તમ્માને પોતાની સાથે આ સમયે જ લઈ જવાનું જણાવતા, કરુત્તમ્મા પણ પોતાની માને બીમાર મૂકી પળની તથા જાનમાં આવેલા માણસો સાથે જવા તૈયાર થઈ નીકળી પડે છે. આ વાત ચેંબનથી સહન થતી નથી અને વધુ ગુસ્સે થાય છે. સાથે ચેંબન ખૂબ દુઃખી છે. ચક્કીની સારવાર કરનાર કોઈ નથી. થોડા દિવસ પછી ચક્કીનું મૃત્યુ થાય છે. તેના સમાચાર ચેંબન કે આ દરિયાકિનારાના માછીઓ તરફથી કરુત્તમ્માને આપવામાં આવતા નથી. જેના લીધે ચેંબન સમાજનાં રિવાજ પ્રમાણે લગ્ન પછી ચોથા કે પાંચમાં દિવસે છોકરીવાળા તરફથી જમવા બોલાવવાનો રિવાજ છે. પરંતુ ચેંબન, કરુત્તમ્મા અને જમાઈને ન બોલાવી એ રિવાજનું પણ ખંડન કરે છે. ચક્કીના મૃત્યુના સમાચાર અગાઉ ચક્કીના કહેવાથી પરીકુટ્ટી, કરુત્તમ્માનો ભાઈ બનીને આપવા જાય છે. સમાચાર આપે પણ છે છતાં કરુત્તમ્માને આ વાત પર વિશ્વાસ બેસતો નથી અને ત્યાંના દરિયાકિનારેના(તૃકુન્ન પુઝા) માછીમારો એનો સ્વીકાર કરતાં નથી. જેના લીધે કરુત્તમ્માને ખૂબ સહન કરવું પડે છે. લોકો કરુત્તમ્માને અપવિત્ર સ્ત્રી ગણે છે. જેનો ભોગ પળની પણ બને છે. કારણ કે એ જ દિવસથી પળનીને હોડીમાંથી ઉતારી મૂકવામાં આવે છે. એની પરિસ્થિતિનું વાસ્તવિક અને સંવેદનશીલ આલેખન સર્જકે કળાત્મક રીતે કર્યું છે. પળનીનો ધંધા રોજગાર છીનવાય છે. જેથી ઘરમાં મદદરૂપ થવા કરુત્તમ્મા માછલી વેચવાનો પ્રયત્ન કરે છે તો બીજી માછણો એના વિશે જાતભાતની વાતો કરી મુશ્કેલીમાં મૂકે છે. કરુત્તમ્મા પોતાની જાતને ભાંડે છે. આ સમય દરમ્યાન કરુત્તમ્મા પેટે દીકરીને જન્મ આપે છે. કરુત્તમ્મા નાખુશ દેખાય છે; પરંતુ, પળની ખૂબ આનંદમાં છે. પળનીને કોઈ ફેર પડતો નથી, કે સંતાન રૂપે દીકરો હોય કે દીકરી. અહીં પણ પરંપરાનો વિદ્રોહ પળનીના પાત્ર દ્વારા કરાવી, સર્જક ભાવકનું ધ્યાન દોરે છે.
ચક્કીના મૃત્યુથી એકલો પડેલો ચેંબન કુન્ય બીજા લગ્ન કરે છે. લગ્ન વખતે જે રિવાજ પ્રમાણે ગામના(દરિયાકિનારાના) મુખીને નજરાણું આપવા પડતું હોય છે, તે ચેંબન આપતો નથી. અહીં પણ પરંપરાનું ખંડન કરે છે. ચેંબન જેની સાથે લગ્ન કરે છે તે જાળ અને હોડીવાળા કંડનકોરની વિધવા પાળ્ળી કુન્ય છે. આ લગ્નથી પંચમી ખૂબ નારાજ છે. પાળ્ળી કુન્ય સાથે આવેલો છોકરાને પંચમી સ્વીકારતી જ નથી. જેથી ઘરમાં વારંવાર ઝઘડાઓ થાય છે. ચેંબન, પંચમીને હેરાન કરે છે. ત્યારે પાડોશણ નલ્લપેણ્ણ, પંચમીને પોતાની પાસે લઈ જાય છે અને આ અરસામાં પરીકુટ્ટી અને કરુત્તમ્માના પ્રણય સંબંધની વાત ચેંબનને જાણવા મળે છે.
કૃતુન્નપુઝાના દરિયાકિનારે કરુત્તમ્મા અને પરીકુટ્ટીના સંબંધોને લીધે વાતાવરણ ડોહળાયું હોય છે, ત્યારે પળની કરુત્તમ્મા પવિત્ર તથા સાચી માછણ છે એવી ખાતરી કરે છે. કરુત્તમ્મા પણ જે સાચી હકીકત છે પળનીને જણાવવાના અનેક પ્રયત્ન કરે છે; પરંતુ, નિષ્ફળતા મળે છે એ પોતાની સાચી હકીકત જણાવી શકતી નથી. આ દરિયાકિનારે પપ્પુ સાથે પળનીનો ઝઘડો થાય છે. પળની, કરુત્તમ્મા સજ્જન છે એવું સમજી એની સાથે સારો વ્યવહાર કરે છે. આ તરફ ચેંબનની બીજી પત્ની સાથે આવેલો પાળ્ળીનો દીકરો ગંગાદત્તન પૈસા માટે પોતાની માને ખૂબ હેરાન કરે છે. ચેંબનનો ધંધો ખલાસ થઈ ગયો છે. ઘરમાં હોડી સમારકામના પણ પૈસા નથી. હોડીઓ કિનારે ચડાવી દેવામાં આવી છે. ધંધો ન હોવાથી હોડી ગીરવે મૂકી, ચેંબન પૈસા મેળવે છે. તેમાંથી ચોરી કરી પાળ્ળી કુન્ય પોતાના દીકરાને થોડા રૂપિયા આપે છે; જેથી, દીકરો ત્યાંથી ક્યાંક જતો રહે છે. આ વાતની જાણ પંચમી દ્વારા ચેંબન થાય છે. જેના લીધે ઘરમાં ખૂબ ઝઘડો થાય છે. ચેંબન, પાળ્ળી કુન્યને ઘરમાંથી બહાર કાઢી મૂકે છે. પાળ્ળી કુન્ય દરિયાકિનારે રખડતી-રઝળતી થઈ જાય છે. પંચમી ત્યાંથી નીકળી પોતાની મોટી બહેનના ઘર તરફ ચાલી નીકળે છે અને કરુત્તમ્માના ઘરે પહોંચી જાય છે. પરીકુટ્ટી પણ ધંધામાં પાયમાલ થઈ ગયો છે એ પણ પાગલની જેમ દરિયાકિનારે ગીત ગાતો ફર્યા કરે છે.
પંચમી ભાગીને કરુત્તમ્માના ઘરે પહોંચી ગઈ છે. પંચમી અને કરુત્તમ્મા વચ્ચે નીર્કુન્નતના દરિયાકાંઠાની તેમજ પોતાના ઘરની વાતો થાય છે. તેની સાથે જ પરીકુટ્ટીની વાતો પણ નીકળે છે આ વાતો થતી હોય તે સમય પળની દરિયામાંથી આવી હોય, આ વાત સાંભળે છે. એને લીધે ફરી પળની કરુત્તમ્મા વિશે જુદું વિચારવા પ્રેરાય છે. બીજા દિવસે સવારે પળની ઘરની બહાર નીકળી જાય છે. બપોરે ઘરે આવ્યા પછી, તુરત માછલી પકડવાના કાંટાઓ લઈ દરિયામાં દૂર સુધી જાય છે. ખૂબ દૂર દરિયામાં જવાથી દરિયાઈ હાથીઓ એના ઉપર હુમલો પણ કરે છે. દરિયામાતા જાણે થોડી તોફાન કરતી હોય, એવી લહેર પણ ઊંડે છે. તે દરમ્યાન પળનીના માછલી પકડવાના કાંટામાં એક મોટી શાર્ક માછલી પકડાય છે. માછલીના વર્તન પ્રમાણે પળની પોતાની નાની હોડીને ચાલવા દે છે. આ માછલી જાણે પળનીને મોતના મુખમાં ખેંચી જાય છે. આ સમયે દરિયામાં ખૂબ તોફાને ચડે છે. આ તરફ નીર્કુન્નતના દરિયા કિનારે ચેંબન, પરીકુટ્ટીને પૈસા આપે છે. પરીકુટ્ટી અને કરુત્તમ્માનો પ્રણય કલંક રહિત તેમજ શુદ્ધ હોવા છતાં, પૈસા આપતા આપતા ચેંબન, પરીકુટ્ટીને ન કહેવાના શબ્દો કહે છે; પરંતુ, પરીકુટ્ટી કોઈ જવાબ આપતો નથી. ચેંબનના કુટુંબ સાથેનો પરીકુટ્ટીનો નાતો જાણે કુટુંબને બરબાદ કરવામાં મુખ્ય ભાગ ભજવતો હોય એવું ચેંબન કુન્ય અનુભવે છે. પરીકુટ્ટી આ વાતમાં તદ્દન નિર્દોષ છે. આ સમયે ચેંબનની હોડી પાસેથી ચેંબન કુન્યનું મોતનું અટ્ટહાસ્ય સંભળાય છે. આ બાજુ પળની પણ દરિયામાતાના તોફાનમાં બરાબર ફસાયો છે. નવલકથાના અંતમાં જે દ્રશ્ય આવે છે તે પરીકુટ્ટી અને કરુત્તમ્માના આલિંગન દ્રશ્યોનો વિરોધ કરતો હોય તેમ પળની પોતાના મૃત્યુને વહોરવા જાણે કે દરિયામાતાની ઊંડાઈએ જતો હોય એવું અનુભવાય છે. દરિયામાતાના તોફાન સાથે જ યુદ્ધ, પોતાની જિંદગી સાથેનું તેમજ પોતાના મન સાથે પણ યુદ્ધ કરતો રહે છે. ત્યાં જ દરિયા માતા એક માછીને(પળનીને) પોતાનામાં સમાવી લે છે. આ તરફ પરીકુટ્ટીનું ગીત પવનની ગતિ સાથે વહેતું આવતું હોય એવું લાગે છે. નવલકથાકારે પરીકુટ્ટીના ગીતનો સુંદર સમન્વય કરીને ભાવકને આકર્ષણ ઊભું કરી આપ્યું છે. ગીતના વહેતા પ્રવાહમાં કરુત્તમ્મા આ દિશા તરફ દોડી આવે છે. કરુત્તમ્મા, પરીકુટ્ટીની બાહુમાં સમાય, દરિયામાતાના તોફાનમાં મૃત્યુ પામે છે. બહેન ઘરે આવતા પંચમી બીજા દિવસે સવારે દરિયા કિનારે આવે છે અને જે દ્રશ્ય જુએ છે તે દ્રશ્યથી સ્તબ્ધ બની જાય છે. એક સ્ત્રી તથા એક પુરુષ આલિંગન પામેલી હાલતમાં બન્નેના મૃતદેહો દરિયાકાંઠે પડ્યા છે. તેની બાજુમાં જ એક શાર્ક માછલી કાંટો ગળી ગયેલી હાલતમાં મૃત્યુ પામેલી જોવા મળે છે, અહીં નવલકથા સમાપ્ત થાય છે.
નવલકથાકારે પોતાની સૂઝથી પ્રાદેશિક કથાવસ્તુનું સંકલન ખૂબ કલાત્મક રીતે કર્યું છે. દરેક પાત્રો દ્વારા કંઈકને કંઈક સંદેશો માનવ સમાજને આપવામાં સર્જક સફળ થયા છે. ભલે એ સામાજિક રીતરિવાજ હોય, સંસ્કૃતિ હોય કે પછી પરંપરાના વિદ્રોહની વાત હોય. સર્જકે આ કૃતિમાં ભલે કેરળ પ્રદેશના માછીમારોની વાત કરી હોય, પરંતુ સમગ્ર દેશમાં વસતા માછીમારોની મુશ્કેલીઓ, સંસ્કૃતિ કે રીતરિવાજ વગેરે સરખા જ હોય તેવી પ્રતીતિ કરાવે છે. માછીમારી સાથે જોડાયેલા સમગ્ર માનવ સમાજનું નવલકથા પ્રતિનિધિત્વ કરતી હોવાનો પુરાવો પૂરો પાડે છે. એમાં માછીમારો જ નહીં વેપારી વર્ગની પરિસ્થિતિનો પણ ખ્યાલ આવે છે. દરિયાકિનારે વસતા લોકોની સમસ્યાઓ જુદી હોય, પરંતુ, પરિસ્થિતિ બધાની એક સરખી હોય છે આ કૃતિના ભાવક તરીકે મને અનુભવાય છે.
સંદર્ભ :
(1) ચેમ્મીન : અનુવાદ : કમલ જસાપરા
(2) ભારતીય નવલકથા : ભરત મહેતા