પ્રેમીઓના સનાતન પ્રશ્નોને વાચા આપતું ગીત ‘ઓ શરદપૂનમની ચંદા’
ઓ શરદપૂનમની ચંદા, મને જવાબ દેતી જા.
આ દર્દ –એ –દિલને મળે વિસામો,આ દુનિયામાં ક્યાં ?
મારો પહેલો સવાલ આ, મને જવાબ દેતી જા.
ઓ શરદપૂનમની ચંદા,મને જવાબ દેતી જા.
તે લાખ લાખ પ્રેમીને હૈયે,રસના ગીત ભર્યા,
કાં વિરહે બળતી વિજોગણોને,કાતીલ ઘાવ કર્યા
તું હા કહે કે ના, મને જવાબ દેતી જા.
ઓ શરદપૂનમની ચંદા,મને જવાબ દેતી જા.
શુદ્ધ હૃદયનાં બે પ્રેમીના, હૈયા જ્યાં મળતાં,
એ હૈયાની ઉજળી જ્યોતે, દુનિયા બળતી કાં,
મારો બીજો સવાલ આ, મને જવાબ દેતી જા.
ઓ શરદપૂનમની ચંદા,મને જવાબ દેતી જા.
શા માટે હદય જાગતું, શા માટે એ પ્રેમ માંગતું,
શા માટે પ્રેમીનું ધાર્યું, દુનિયામાં ના થાતું.
મારો છેલ્લો સવાલ આ, મને જવાબ દેતી જા.
ઓ શરદપૂનમની ચંદા,મને જવાબ દેતી જા.
------રઘુનાથ બ્રહ્મભટ્ટ
‘રસકવિ’ તરીકે ઓળખાતા રઘુનાથ બ્રહ્મભટ્ટ જૂની રંગભૂમિના ગીતકાર નાટ્યકાર તરીકે જાણીતા છે. નડિયાદમાં જન્મેલા રઘુનાથ બ્રહ્મભટ રંગભૂમિના ગીતો દ્વારા ગુજરાતી પ્રજાના હદયમાં આગવું સ્થાન ધરાવે છે. ‘કવિ ન્હાનાલાલનાં ગીતોની છાયાવાળા” શૃંગારરસ સભર તેમનાં કેટલાંક કાવ્યો લોકગીત જેટલાં પ્રસિદ્ધિ પામ્યાં છે. જેમ કે, “સાહ્યબો મારો ગુલાબનો છોડ, વેલી હું તો લવંગની...”, “ ઓ પંખીડાં જાજે, પારેવડાં જાજે..”, ‘’નાગરવેલીઓ રોપાવો ...”, “સાર આ સંસારમાં ન જોયો”, “મીઠી મીઠી તે સખી વ્રજની આ વાટલડી..” ‘સાંભરે પ્રથમ મિલનની રાત.’’ વગેરે. આ ગીતો ફરીફરી સાંભળવાનું મન થાય એવાં છે. ફિલ્મ મુધલે –એ-આઝમનું ગીત “મોહે પનઘટ પર નંદલાલ છેડ ગયો રે” એ અન્યના નામે રજૂ થયેલ, તે રસકવિની અમર રચના છે. કવિના પૌત્ર રાજ બ્રહ્મભટ્ટના પ્રયત્નથી મુધલે–એ-આઝમના પુન: નિર્માણ વખતે કવિના નામ સાથે સમાવેશ પામેલ છે. (આ ગીત નાટક ‘છત્રવિજ્ય’(1919)માટે લખાયેલું). રસકવિએ પૌરાણિક અને ઐતિહાસિક કથાવસ્તુવાળા નાટકો લખ્યાં છે. ‘શૃંગીઋષિ’, ‘અજાતશત્રુ’, ‘સ્નેહમુદ્રા’ વગેરે નાટકો ઘણાં લોકપ્રિય બન્યા હતાં. રસકવિએ ‘સ્મરણમંજરી’ (1955)નામે આત્મકથા અને ‘યશોધર્મા’(1971) નવકથા પણ લખી છે. તેમની ‘અખંડાનંદ’ સામયિકમાં અનેક સાહિત્ય રચનાઓ પ્રગટ થયેલી છે.
‘જવાબદારી’ નાટકનું આ ગીત ‘ઓ શરદપૂનમની ચંદા..’ ગણપતરામ પંચોટીયાના સંગીતથી મઢ્યું અને રેખા ત્રિવેદીના સ્વરમાં સાંભળવું એ એક રસલ્હાણ છે. આ ગીત શરદ પૂનમની ચન્દાને ઉદ્દેશીને લખાયું છે. નાયિકા શરદ પૂનમની ચંદાને પ્રશ્નો કરે છે? આપણા મનમાં પણ પ્રશ્ન થાય કે કાવ્ય નાયિકાએ પ્રશ્નના જવાબ માટે શરદની ચંદાને પર જ કેમ પસંદગી ઉતારી? એનો વિચાર કરીએ તો આસો માસના શુક્લ પક્ષની પૂનમને ‘શરદપૂનમ’ના રૂપમાં ઉજવવામાં આવે છે. આ પૂનમને ‘કોજાગરી પૂર્ણિમા’ અને ‘રાસપૂર્ણિમા’ તરીકે પણ ઓળખવામાં આવે છે. શરદ પૂર્ણિમા વિશે એવી પણ લોકમાન્યતા છે કે ચંદ્રમા સોળ કળાઓથી સંપન્ન થઈને અમૃત વર્ષા કરે છે. તેથી જ તો આ પૂનમની રાત્રીએ દૂધપૌંઆની ખીરને ખુલ્લા આકાશમાં મૂકીને સવારે પ્રસાદના રૂપમાં ખાવામાં આવે છે. આ રાત્રીએ ચંદ્રમા પણ પૃથ્વીની સૌથી નિકટ હોય છે. શરદપૂનમની રાત્રી અને તેની ચાંદની અન્ય પૂનમો કરતાં વિશિષ્ટ છે, આગવી છે. તે સાગરને તો છલકાવે છે જ પરંતુ પ્રેમીજનોના દિલમાં પણ ભરતી-ઓટ લાવે છે. તેથી કવિઓએ શરદ પૂર્ણિમાને કવિઓએ મન ભરીને ગાઈ છે. તે આજનો કવિ હોય કે પછી મધ્યકાળનો નરસિંહ મહેતા હોય. દરેક ગુજરાતીની જીભે રમતું આ ગીત:
“હે શરદ પૂનમની રાતડી જ રે અને ચાંદો ઊગ્યો છે આકાશ
અરે પણ સરખે સરખી સાહેલડી અરે મળી રમવા કારણ રાસ
હો .....પૂનમની પ્યારી પ્યારી રાત
મારી પ્રિતમ સાથે છે મુલાકાત,આજ તું ના જાતી.......”
કે પછી કવિ કાન્તનું ઝૂલણા છંદમાં શરદ પૂર્ણિમાએ રચાયેલું આ સંગીત કાવ્યને તો કેમ ભૂલી શકાય?
“આજ,મહરાજ ! જલ ઉપર ઉદય જોઇને
ચંદ્રનો, હૃદયમાં હર્ષ જામે ......”
આ તેમ જ બીજા ઘણાં બધાં કાવ્યો શરદપૂનમ વિશે લખાયાં છે, ગવાયાં છે.
જૂની રંગભૂમિના પ્રસ્તુત ગીતમાં કાવ્ય નાયિકા યા પ્રેમીજનોના, દર્દ-એ- દિલના પ્રશ્નો શરદ પૂનમની ચન્દાને પૂછે છે. કેમકે શરદ પૂનમની ચન્દા અનુભવી છે, યુગોથી તે પ્રેમ અને પ્રેમીઓની જાણતલ છે. કોઈ કવિ કહે છે તેમ:
“ રાધે રાની ચંદા, ચકોર હૈ બિહારી.. રાધે રાધે..
રાધે રાની મિસરી માખણ હૈ બિહારી”....
રાધાનું જ રૂપ છે ચંદા. પ્રેમના દર્દને રાધાથી વધુ કોણ જાણતું હોય! ગીતની નાયિકાનો પહેલો સવાલ ચન્દાને છે : ‘આ દર્દ –એ –દિલને મળે વિસામો,આ દુનિયામાં ક્યાં ?’ આ સવાલનો જવાબ ચન્દા જતાં પહેલાં આપતી જાય એમ ઈચ્છે છે. કેમ કે શરદ પૂનમની ચન્દા ગઈ તો બાર મહિને પાછી ફરવાની. ત્યાં સુધી આ દર્દ વેઢારવું પડે. ‘ઘાયલ કી ગત ઘાયલ જાણે’ એમ પણ કાવ્ય નાયિકા વિચારતી હોય. પરંતુ આ સવાલનો જવાબ સહેલો નથી તે તો પ્રેમીએ પ્રેમીએ જુદો હોવાનો. ઝેરનું મારણ ઝેર તેમ પ્રેમદર્દનો ઈલાજા પ્રેમદર્દ જ હોઈ શકે. શૂન્ય પાલનપુરી વાત તદ્દન સાચી છે:
“ પ્રેમ-દર્દીનો ઉપચાર મૂકો, સૌ ઈલાજોની એને ખબર છે;
રોગ થઈ જાય જેનો પુરાણો, શું ભલા એ તબીબોથી કમ છે?”
પ્રેમીઓના દર્દને સમજવાં અઘરાં છે અને તેથીય અઘરું છે તેનું નિવારણ. દિલનું દર્દ ઘણીવાર કાર્ય-કારણના સંબધ વગરનું હોય છે, તેનું નિવારણ ઉપચાર વગર થાય છે. તેને તો જાણે ‘દર્દ કા હદ સે બઢ જાના દવા હો જાના’નો નિયમ લાગુ પડે. શરદ પૂનમની ચન્દા પાસે કદાચ જવાબ એટલા માગે માંગવામાં આવે છે કે આ ચન્દા જ લાખ્ખો લોકોના પ્રેમ અને વિરહ માટે જવાબદાર છે:
“તે લાખ લાખ પ્રેમીને હૈયે,રસના ગીત ભર્યા,
કાં વિરહે બળતી વિજોગણોને,કાતીલ ઘાવ કર્યા”
શરદ પૂનમની ચન્દા એક બાજુ પ્રેમીઓના દિલમાં પ્રેમરસ ભરે છે, તો બીજી બાજુ કાતીલ ઘાવ કરે છે. શરદ પૂનમની સરસ મજાની રાત હોયને પિયુ પરદેશ હોય તેવી વિજોગણની દશા કલ્પી શકાય એવી છે. જે ચન્દા પ્રેમીઓના પ્રેમને પોષવાનું કામ કરે છે તે જ ચન્દા વિરહિણીઓને તડપાવાનું પણ કામ કરે છે. તેના આ બેવડા વલણને કાવ્ય નાયિકા ‘હા કહે કે ના’ કબૂલ કરાવવાની કોશિશ કરે છે. આ પછી કાવ્ય નાયિકા ચન્દાને બીજો ધારદાર સવાલ કરે છે:
“શુદ્ધ હૃદયનાં બે પ્રેમીના, હૈયા જ્યાં મળતાં,
એ હૈયાની ઉજળી જ્યોતે,દુનિયા બળતી કાં,”
દુનિયાભરમાં પ્રેમીઓ સાથે લોકોનું વર્તન વિચિત્ર રહ્યું છે. પ્રેમ કરનારાઓને લોકો તરફથી હંમેશા પીડા જ મળી છે. બીજાનો પ્રેમ જોઈને આનંદ થવો જોઈએ પરંતુ જગતની વસ્તુસ્થિતિ ઉલટી છે. બીજાના સુખે સુખી નહિ પણ દુ:ખી થનારા લોકોનો આ જગતમાં ટોટો નથી. એટલે જ તો મરીઝ સાહેબ આવા ‘મિલનસાર’ લોકો પર કટાક્ષ કરતા કહે છે:
“ ટોળે વળે છે કોઈની દીવાનગી ઉપર
દુનિયાના લોક કેવા મિલનસાર હોય છે.”
અહીં લોકોની હીન મનોવૃત્તિ પર માર્મિક કટાક્ષ કર્યો છે. દિલની વાતો એવી હોય છે કે જે બધાને કહી શકાય નહિ. જ્યાં પોતાપણું લાગે તેની સામે જ દિલ ખોલીને વાત કરી શકાય. કાવ્ય નાયિકા અંગત ગોષ્ઠિમાં ચંદાને ત્રીજી વખત તો ઘણા બધા સવાલ એક સામટા પૂછે છે:
“શા માટે હ્રદય જાગતું, શા માટે એ પ્રેમ માંગતું,
શા માટે પ્રેમીનું ધાર્યું, દુનિયામાં ના થાતું.”
પ્રેમીના હૈયામાં ઉઠતા આ સવાલો આજકાલના નથી સનાતન છે. તેના જવાબ પરીક્ષામાં અપાતા જવાબોની જેમ અ, બ, ક, માં આપી શકાય તેમ નથી. દુનિયાના લોકોનો પ્રેમીઓ સાથે અને પ્રેમીઓનો દુનિયાના લોકો સાથે ઝાઝો મેળ ખાધો નથી. દર્દ- દિલાસો, અશ્રુ-સ્મિત, મિલન-વિરહનો અનુભવ પ્રણયીજનોનો સર્વસાધારણ અનુભવ રહ્યો છે. અંતે તો કવિ અમૃત ઘાયલ કહે છે તેમ :
“દુ:ખ પ્રીતનું જ્યાં ત્યાં ગાવું શું ? ડગલે પગલે પસ્તાવું શું ?
એ જોકે વસમી ઠોકર છે પણ ખાઈ જવામાં લિજ્જત છે. “
સંર્દભ ગ્રંથો :
1. ગુજરાતી સહિત્યનો ઇતિહાસ – ગ્રંથ -4, સંપાદક: ઉમાશંકર જોશી અને અન્ય, પ્રકાશક: ગુજરતી સાહિત્ય પરિષદ, અમદાવાદ, ત્રીજી આવૃત્તિ: ૨૦૧૧
2. બૃહત ગુજરાતી કાવ્યસમૃદ્ધિ સંપાદક : સુરેશ દલાલ, પ્રકાશક: ઇમેજ પબ્લિકેશન્સ, અમદાવાદ, પ્રથમ આવૃત્તિ: 2004
3. ‘શબ્દસૃષ્ટિ’ કાવ્યાસ્વાદ વિશેષાંક, ડિસેમ્બર: 2004