સામાજિક વાસ્તવની કલાત્મક વાર્તા 'ઘાટની કથા'
બંગાળી ટૂંકીવાર્તાના પ્રથમ શ્રેષ્ઠ વાર્તાકાર એટલે રવીન્દ્રનાથ ટાગોર. ટાગોરની લેખનકલા માત્ર 'ગીતાંજલિ' પુરતી ગણીશું તો ટાગોર જેવા મહામાનવને અન્યાય કરી બેસવાનો સંભવ છે. ટાગોરે એ ઉપરાંત ઘણું વૈવિધ્યપૂર્ણ સર્જન આપ્યું છે,તેમાનું એક છે ટૂંકીવાર્તાનું વિશ્વ. સમાજના વિભિન્ન પ્રશ્નોને કલાત્મક રીતે ખીલવવાનું કૌશલ તેમને હસ્તગત છે.બંગાળી જનજીવનની સમસ્યા બાળલગ્ન અને વિધવા પુનર્વિવાહની અશ્ક્યતાઓ તરફ તેઓ આંગળી ચીંધે છે. આ બન્નેમાં ભોગ લેવાય છે સ્ત્રીનો અને એ પણ નિર્દોષ સ્ત્રીનો. બન્ને પરિસ્થિતિ નારીની અસહમતિથી પરીણમે છે. ટાગોર આ વાસ્તવિકતાને કલાના માપદંડોથી મુલવે છે ત્યારે ટાગોર એક મહાન કલાકાર નહીં પરંતુ,એક ઉચ્ચ દરજ્જાના સામાજિક વાર્તાકાર સિદ્ધ થાય છે અર્થાત ટાગોર એક વાસ્તવવાદી કલાકાર નીવડે છે. 'ઘાટની કથા' એક એવા જ સામાજિક વાસ્તવની કલાત્મક વાર્તા છે.
'જીવતી અને મરેલી',કાબુલીવાલા',સુભા',સંપત્તિ-સમર્પણ','ત્યાગ','જય-પરાજય' જેવી અનેકવિધ વાર્તાઓમાં ટાગોર સામાજિક વાસ્તવને કલાત્મક રીતે ખીલવે છે.પરંતુ, 'ઘાટની કથા' તેની રચનારીતિ તેમજ કથનકેન્દ્રની વિશિષ્ટતાને કારણે પણ ધ્યાન કેન્દ્રિત કરે છે.સામાજિક વાસ્તવ આ વાર્તામાં જેટલો કલાત્મક રીતે ખીલ્યો છે એટલો ભાગ્યે જ અન્ય કોઈ વાર્તામાં ખીલ્યો હશે.
ટાગોરની 'જીવતી અને મરેલી' તથા 'ઘાટની કથા' બન્નેનું કથયિતવ્ય સમાન છે.બન્નેમાં વાર્તા નાયિકાઓનું આત્મ-સમર્પણ છે.'જીવતી અને મરેલી'ની નાયિકા સંઘર્ષને અંતે મૃત્યુને વરે છે, જયારે 'ઘાટની કથા'ની નાયિકા કઠોર વાસ્તવિકતાને ન સ્વીકારી શકતા અંતે મૃત્યુને સ્વીકારે છે.
હવે 'ઘાટની કથા'ની કથન ગૂંથણી જોઈએ. 'ઘાટની કથા' વાર્તાનો આરમ્ભ અને અંત ઘાટથી થાય છે. ઘાટ સમગ્ર કથાનું કેન્દ્ર છે, ઘાટ અહીં જીવંત નિરૂપણ પામ્યો છે. સર્જક ચેતનાનો તે વાહક છે. ઘાટ એ વાર્તાનો કથક છે અને તે સર્વજ્ઞ કથક છે. વાર્તાનાયિકાના સંવેદનોનો મુક સાક્ષી છે અને વાર્તામાં એ મનોમંથનો અને મનોમુઝવણોને વાચા આપે છે.આ ઘાટ બધું જ જાણે છે. વર્ષોના ઈતિહાસને તે સાચવીને બેઠો છે. કુસુમની પરદાદીના સ્મરણોથી પણ વાકેફ છે. વાર્તાની શરૂઆત જ ઘાટ કરે છે.
કુસુમના પરિવારની વાત કરતા કરતા તે નાયિકા કુસુમ પર સ્થિર થાય છે.કુસુમના સંવેદનો પણ તે ઝીલે છે.
".....પાણીમાં જયારે કુસુમનો નાનો પડછાયો પડતો ત્યારે મને થતું કે એ પડછાયાને પકડી રાખી શકું, એ પડછાયાને પથ્થરમાં બાંધી રાખી શકું તો કેવું સારું !- એવી તેની મધુરતા હતી ! તે જયારે મારા પથ્થર પર પગ મૂકતી અને તેના ઝાંઝર છમછમ કરતાં વાગતા ત્યારે મારી લીલ અને ગુલ્મ પુલકિત થઇ જતા. કુસુમ બહુ રમતગમત કરતી કે બહુ વાતો કરતી કે બહુ હસી-મજાક કરતી એવું ન હતું, અને આશ્ચર્યની વાત એ છે કે તેના જેટલી બહેનપણીઓ બીજી કોઈ છોકરીને નહોતી. મસ્તીખોર છોકરીઓને તેના વિના ચાલતું જ નહી. કોઈ તેને કુસી કહેતું,કોઈ ખુશી કહેતું તો કોઈ રાખ્ખુસી (રાક્ષસી) પણ કહેતું. એની બા એને કુસ્મી કહેતી. હું અવારનવાર કુસુમને પાણીમાં પગ બોળીને બેઠેલી જોતો,પાણી સાથે જાણે એના હૃદયનો કંઈ ખાસ મેળ હતો ! તેને પાણી ખુબ ગમતું..." અહીંથી જ વાચકનો વાર્તાના ભાવ સાથે સંબંધ બંધાતો જાય છે. ઘાટ ત્યારબાદની તમામ પરિસ્થિતિનો સાક્ષી છે કુસુમના તમામ રહસ્યોને અંતે તે પોતાનામાં સમાવી લે છે.
ઘાટ કહે છે કે ત્યારબાદ અચાનક કુસુમ અહી મારી પાસે આવતી બંધ થઇ ગઈ હતી.તેની સખીઓ આવીને રડતી એમાંથી મને ખબર પડી કે કુસુમના લગ્ન થઇ ગયા છે. આ સાથે ઘાટ પણ જાણે સુમસાન રહેવા લાગ્યો. કુસુમની ગેરહાજરી તેને પીડવા લાગી. પરંતુ ઘાટ માટે કુસુમની ગેરહાજરી જ માત્ર પીડાકારક ન હતી તેથીયે વિશેષ કંઇક થવાનું હતું અને એ પણ માત્ર એકલા ઘાટને જ સહેવાનું હતું.
સમગ્ર ઘટનાલોક ઘાટની સામે જ મંડાય છે અને વિખરાય છે. કુસુમ વિધવા થઇ. ઘાટ પાસે તેની વીતક કથા અશ્રુ રુદન સાથે કુસુમ મૂકી જાય છે. ત્યારબાદ આ ઘાટ પર એક સંન્યાસી આવે છે ગામલોકો અને કુસુમ પણ તેને પોતાનો પુર્વાશ્રમનો પતી તરીકે ઓળખે છે. અને એ કુસુમને પોતાને ભૂલી જવા કહે છે. વાર્તા કલાત્મક રીતે અહી પૂર્ણ થઇ શકી હોત. પરંતુ, સર્જકને અભિપ્રેત છે સામાજિક વાસ્તવની પડખે ચાલતું કળામૂલ્ય. તેથી જ વાર્તાને હજુ આગળ વધારે છે.
વાર્તાનાયિકા હવે સ્વતંત્ર હતી. પરંતુ, સન્યાસીના વચનોથી ઘવાયેલી અંતે તે આત્મ-સમર્પણ કરે છે, મૃત્યુનો માર્ગ અપનાવે છે.ઘાટના પાણીમાં રમેલી,ઘાટ સાથે જીવેલી,ઘાટને જ સ્વજન અને સ્વહિત માનનારી અંતે ઘાટના ખોળામાં સમાઈ જાય છે. આ રીતે કુસુમ એક એવું પુષ્પ કે જે ખીલતાં પહેલા જ મુરઝાય જાય છે. બંગાળી સ્ત્રીજીવનની કદાચ આ જ વાસ્તવિકતા છે. પતી મૃત્યુ પામ્યો હોય કે પતી દ્વારા તરછોડાયેલી હય એવી તમામ સ્ત્રીએ સમાજના તમામ પ્રકારના બહિષ્કાર માટે તૈયાર રહેવું પડે. કુસુમની પરિસ્થિતિ પણ એ જ થવાની હતી તેથી જ તેણે જીવનનો અંત આણ્યો.
આમ ઘાટ જેવા એક સ્થૂળ અને પુરાતન અવશેષમાં જીવન્તતા નિરૂપી સર્જક સર્જનાત્મકતા દાખવે છે એના માધ્યમે ઘણા સંકેતો કરી જાય છે.કુસુમની સમસ્યાનું નિવેદન આ સ્થૂળ મુક પાષાણ પાસે થઇ રહ્યું છે એ ઈંગિત છે કે કુસુમની સમસ્યાનું કોઈ નિરાકરણ નથી થવાનું. આ ક્ષણે ટાગોરની "સુભા" વાર્તા પણ યાદ કરવી પડે. સુભાની નાયિકા તો પોતે જ મૂક છે અને તેના સંવેદનોની સાક્ષી તો ગાય છે એટલે કે સાક્ષીઓ પણ એવા છે કે તે ધારે તોપણ કશું કરી શકે જ નહી. આમ ટાગોરની વાર્તાઓમાં આવતાં આવા મુક સાક્ષીઓ પરિસ્થિતિને વધુ વેધક રીતે નીરુપે છે. પરિણામે કુસુમ જેવી સ્ત્રીઓ રહેંસાય જાય છે.
આમ આ વાર્તા માત્ર કળા કે માત્ર વાસ્તવ જ નહી,પરંતુ,કળા અને વાસ્તવને સાથે લઈને ચાલે છે.કુસુમની સાથે ભાવકને સહાનુભુતિ પણ થાય અને એક કલાત્મક કૃતિનો આસ્વાદ માણ્યાનો અનુભવ પણ સહેજે થાય.......