Special issue on K. M. Munshi
ક.મા.મુનશી વિશેષાંક

ક. મા. મુનશીના સામાજિક નાટક ‘કાકાની શશી’નું પુનર્મૂલ્યાંક્ન

પંડિતયુગના ઉત્તરાર્ધે ગુજરાતી સાહિત્યજગતમાં ડગ માંડનાર કનૈયાલાલ મુનશીએ ‘ઘનશ્યામ’ ઉપનામ તળે પહેલી નવલકથા ‘વેરની વસૂલાત’ (૧૯૧૩)માં લખી. પ્રારંભિક વર્ષોમાં જ ‘પાટણની પ્રભુતા’ (૧૯૧૬), ‘ગુજરાતનો નાથ’ (૧૯૧૯) અને ‘પૃથ્વી-વલ્લભ’ (૧૯૨૦) નવલકથાઓ દ્વારા કીર્તિ મેળવનાર મુનશીજીએ પહેલું નાટક ‘વાવાશેઠનું સ્વાતંત્ર્ય’ ૧૯૨૧માં લખ્યું. મુનશીની કલમે સર્જાયેલ પંદર નાટકોમાં નવ સામાજિક, ચાર પૌરાણિક અને બે ઐતિહાસિક નાટકો છે. પ્રસ્તુત લેખમાં મુનશીના આ નવ સામાજિક નાટકો પૈકી ચોથાક્રમે લખાયેલ નાટક ‘કાકાની શશી’નું પુનર્મૂલ્યાંકન કરીએ. ‘કાકાની શશી’નું પુનર્મૂલ્યાંકન કરવા કથાવસ્તુ, કથાપ્રવાહ અને પ્રસંગગૂંથણી, પાત્ર અને પત્રાલેખન, સંવાદ, રચનારીતિ અને મંચનક્ષમતા (Stagibilty) ઉપરાંત સામાજિક વાસ્તવ ઉપર દ્રષ્ટિ કરી છે.

સ્વબળે પુરુષ સમોવડી બનવા તત્પર અને અગ્રેસર સ્ત્રીઓની વાત અને રીતભાતથી આરંભાતી કથા સામાજિક સ્તરે વ્યાપેલા સ્ત્રી અને પુરુષ વચ્ચેના વૈમનસ્ય અને એકલપંથી જીવન જીવવાની વાતને પડઘાવતું જ્યારે અંતભાગમાં પહોંચે છે, ત્યારે પ્રબળ આંચકો આપનાર કથાવળાંક (Turning Point) દર્શકોની ક્લ્પનાથી પર હોય તેવો લાગે છે. ત્રણ અંક અને પાંચ પ્રવેશમાં વહેંચાયેલ નાટકનો આ પ્રસંગ નાટકને રૂઢિગત પરંપરાથી અલગ અને સમાજવાસ્તવનું દર્શન કરાવનારું બનાવે છે. ડા. બહેચરભાઇ પટેલે નોંધ્યું છે, “ જૂની રૂઢિઓને તોડીને નવ ચીલા પાડ્યા અને જીવનમાં અને સાહિત્યમાં નવા પ્રસ્થાન કર્યાં.” [1]

નાટકમાં શિવગૌરીના મુખેથી ઉચ્ચારાતો પ્રથમ સંવાદ, “ રામા..! રામા..!” [2] પુરુષ નોકરને બોલાવવા પ્રયોજાયો છે, પણ આવે છે મોતીરામ..! અહીં મોતીરામ નામ સૂચક છે. પતિ સાથે પનારો ન પડતા સ્વગૃહે પાછી આવેલી શિવગૌરી પાંચ વર્ષથી ભાઇ મોતીરામના ઘેર અડ્ડો જમાવીને બેઠી છે. ‘સ્ત્રી સમાનતા સંઘ’ની મીટિંગમાં પુરુષ માટે ‘કૂતરો’, ‘હરામખોર’ અને ‘કાળમૂખો’ જેવા વિશેષણ પ્રયોજાય..! પુરુષ સમોવડી બનવા મથતી સ્ત્રીઓ બળવાને ધર્મયુદ્ધ સાથે સરખાવે ને સાથોસાથ સત્યવાદી હરિશ્ચંદ્ર, ધર્મરાજ યુધિષ્ઠીર, ગૌતમ બુદ્ધ અને ભગવાન કૃષ્ણની ઠેકડી પણ ઉડાવે..! સુશીલ અને સંસ્કારી સ્ત્રીઓના મુખેથી આવા શબ્દો વિસંગત અને અરુચિકર ભાસે છે. આટલું જ નહીં કેટલાક પાત્રોની વર્તણૂક પણ વિરોધાભાસી છે. પહેલા પ્રવેશના અંતે મનહરલાલ ભત્રીજી શશિકલાને લઇને જતા હોય ત્યારે બારીએથી જોતી શિવગૌરી બોલે, ‘‘કેવો સરસ માણસ છે..! (બેસી જઇને ઊંચું જુએ છે) કોઇક આવા સાથે અફલાતૂની પ્રેમ થાય તો ભવની ભાવટ જાય. અફલાતૂની પ્રેમ..! કેવો ભવ્ય આદર્શ..!’’[3] થોડીક ક્ષણ પહેલાં પુરુષોને ભાંડતી શિવગૌરીના પાત્રનો અચાનક બદલાતો અભિગમ અસંગત લાગે છે. આવી જ અસંગતતા ઇન્દ્રજિતના પાત્રલેખનમાં પણ દેખાય છે. શશિકલાનું નામ સાંભળી એ પુછે, ‘‘ એ કોણ છે..?’’ અને બે જ સંવાદ પછી કહે, ‘‘ એ બી.એ. છે, નહીં..! ક્યારે બી.એ. થયાં..?’’[4] જો ઇન્દ્રજિત શશિકલાને ઓળખતો જ નથી તો તેણી વિશેની હકિકત કેવી રીતે જણાવે..? ઇન્દ્રજિત એવો ચાલાક પણ નથી કે કોઇ યુક્તિ અન્વયે આવું બોલ્યો હોય. આવા દ્રશ્યો કે સંવાદો વિસંગતિ સર્જે છે. અહીં મુનશીજીએ આલેખેલ સમાજવાસ્તવ પણ કેટલાક પ્રશ્નો જન્માવે છે. આ ચળવળનો ઉદ્દેશ શું છે..? સ્ત્રી સ્વાતંત્ર્ય..? કે પુરુષ વિરોધ..? શિવગૌરી અંગે ડા. બાબુભાઇ દાવલપુરાએ લખ્યું છે, ‘‘ સ્વચ્છંદતાને સ્વતંત્રતા સમજી બેઠેલી અને પુરુષોને સ્ત્રીજાતિની કટ્ટર શત્રુ માનતી નવા જમાનાની સ્ત્રીઓએ સ્થાપેલા સ્ત્રીસમાનતા સંઘની તે સભ્ય છે.’’ [5]

પાત્રગત અને સમાજવાસ્તવલક્ષી વિસંગતતા પહેલાં અંકના બીજા પ્રવેશમાં પણ વર્તાય છે. બધા જ પુરુષપાત્રોનો પ્રવેશ અને આગળના પ્રવેશમાં રજૂ થયેલ સ્ત્રીસ્વાતંત્ર્ય અને નારીગૌરવનો પુરુષપ્રધાન જવાબ અપાય ત્યાંસુધી કંઇ અજુગતું નથી લાગતું, પણ બાપ સમાન દુર્લભરામ અને વલ્લ્ભરામના મુખેથી દીકરી અને જમાઇ માટે બોલાતા અણછાજતા શબ્સપ્રચૂર સંવાદો, ‘‘ચોટલો પકડી લઇ આવ. મરદ મૂઓ છે કે વેશ..?, તું બાયલો જ રહ્યો..! અને મુંબઇમાં ક્યાં મવાલીની ખોટ છે..?’’[6] પુરુષોનું નમાલાપણું સિદ્ધ કરે છે. જમાઇ માટે ‘બાયલો’ શબ્દ પ્રયોજતા દુર્લભરામ કે દીકરી સમાન વહુને બળપૂર્વક ઊપાડી લાવવા કે અપહરણ કરી લાવવા ઇન્દ્રજિતને પ્રેરતા-દોરતા-મજબૂર કરતા વલ્લ્ભરામકાકા કયા સમાજનું પ્રતીક છે. નાટકમાં દર્શાવાયેલ શીષ્ટ સમાજ કે ભદ્રવર્ગનું પ્રતીક તો નથી જ. હા, પુરુષપ્રધાન સમાજની નબળી માનસિકતા અને જુલ્મી નીતિ-રીતિ જરૂર છતી થાય છે. નાટકમાં રજૂ થયેલ સામાજિક પ્રશ્ન ભલે ગંભીર હોય પણ તેની પ્રસ્તુતિ નીતિગત લાગતી નથી. પહેલો અંક વિસંગત અને વિરોધાભાસી વૃત્તિવાળો, વધારે પડતો બોલકો (Verbose), બિનજરૂરી લંબાઇવાળો, ધીમો અને નાટ્યત્વ (Dramatic element) વગરનો હોય નિરસ બને છે. ‘કાકાની શશી’નો પહેલો અંક મુનશીજીએ ટૂંકાવ્યો હોત તો યોગ્ય લેખાત.

મારા મતે આ દ્રશ્યના માધ્યમથી મુનશીજી વલ્લભરામ અને દુર્લભરામ જેવા પાત્રોના દૂરીતની સાપેક્ષમાં ઇન્દ્રજિતના સારાપણાને સહોપસ્થિત (Juxtapose) કરી આવા સીધા-સરળ પુરુષ સાથે પણ દાંપત્યજીવન જીવી ન શકનાર શિવગૌરીની અડોડાઇ તરફ ઇશારો કરતા સ્ત્રીની પુરુષ સમોવડી બનવાની ઘેલછાને ઉપહાસનું પાત્ર બનાવે છે. એટલું જ નહીં આવી ઘેલછા દાંપત્યજીવન રોળનારી બની શકે તેવો ઇશારો પણ કરે છે. અહીં મુનશીજી ઉપદેશક ન બનતા જે કહેવું છે તેનો આડકતરો ઇશારો કરે છે.

બીજા અંકમાં ત્રણ પ્રવેશ છે. કથાપ્રવાહ વેગીલો અને પ્રસંગપ્રચુર છે. મુનશીજી અહીં પાત્રોના માધ્યમથી સમાજચિત્ર રજૂ કરે છે. શશિકલાનો એકલપ્રેમ, મનહરલાલના મતે લગ્ન, બાળકો અને પતિમાં સ્ત્રીની સંપૂર્ણતા, વિધૂમતી અને કુંદનલાલના દાંપત્યજીવનની વાસ્તવિક સ્થિતિ, પતિને ઠેકાણે લાવવા મોડી રાત સુધી બહાર રહી પ્રતિકાત્મક બળવો, સ્વગતોક્તિ (Soliloquy) દ્વારા રજૂ થતી કુંદનલાલની વ્યગ્રતા, શશિકલાના કમનીય સ્ત્રીત્વની મોહિનીને કારણે કુંદનલાલ અને ગૌરીશંકર તેણીની પાછળ ઘેલા થયા હોવાનો મનહરલાલનો શશિકલા સમક્ષ ઘટસ્ફોટ અને બન્ને વચ્ચે સર્જાતા વિચારસંઘર્ષ આગળ આ અંક સમાપ્ત થાય ત્યારે નાટક નાટકીય રંગોથી તરબોળ થયી ચૂક્યું છે.

મારા મતે ‘કાકાની શશી’નો બીજા અંકમાં સર્જાતા સામાજિક વલયો તથા નાટકીય સંઘર્ષના કારણે નાટક અલગ ઊંચાઇ ધારણ કરે છે. હા, આ અંકમાં કેટલાક પાત્રોનો અસહજ પ્રવેશ અને લાંબીલચ સ્વગતોક્તિ નિવારી હોત તો નાટક અપ્રતિમ ઊંચાઇ પ્રાપ્ત કરી શક્યું હોત.

ત્રીજો અંક સાગર અને મનહરલાલના બંગલા વચ્ચેના રેતીના કિનારા ઉપર ભજવાય છે. પહેલા અને બીજા અંકમાં દેખાતા સામિજિક સંબંધો અહીં સામા છેડાની ફળશ્રુતિમાં પરિણામે છે. કાવ્ય દ્વારા હ્વદયોર્મિ ઠાલવતા ગૌરીશંકરના મનોરથ મહાલયો શશિકલાના હાથે જ જમીનદોસ્ત થાય. ૫ત્નીને છોડી શશિકલા પાછળ પ્રેમાંધ બનેલા કુંદનલાલને પણ તે ઠમઠોરે ત્યારે લગોલગ છતાંય અલગ-અલગ બનેલ વિધૂમતી અને કુંદનલાલના દાં૫ત્યજીવનની ગાડી પાટે ચઢે. આ દ્રશ્યથી મુનશીજી પરસ્ત્રી પાછળ ઘેલાં બનતા પુરુષને ઉઘાડો પણ પાડે અને કાન પકડી રસ્તો પણ બતાવે. બીજી તરફ પતિનું ઘર છોડીને આવેલી શિવગૌરી મનહરલાલ સમક્ષ અફલાતૂની પ્રેમ (Platonic Love)ની વાત કરે ત્યારે મનહરલાલ આરીસ્તાતાલીસના સિદ્ધાંત અનુસાર જે પરણેલી સ્ત્રી ઘર ન માંડે તેને નાક, કાન કાપી ગધેડે બેસાડી ગામ બહાર કરવાની વાત કરી યથાર્થતા દર્શન પણ કરાવે. આમ મુનશીજી ઉપદેશક બન્યા વગર માર્ગ પણ બતાવે છે અને સમાજમાં વધી રહેલાં લગ્નેત્તર સંબંધ તરફ ઇશારો પણ કરે છે. ખાસ કરીને પુરુષ વગરની સ્ત્રીની દશા કેવી હોય છે, તે વ્યક્ત કરવા બારીકાઇથી ગૂંથણી કરી છે. વિધવા ગંગાબહેન ૫ત્નીથી ત્યજાયેલ ઇન્દ્રજિતને પામવા પ્રયત્ન કરે. એકલા રહેતા ઇન્દ્રજિતની ઓરડીમાં પ્રવેશતા કહે, ‘‘ આજે મેં ઢોકળાં કર્યાં છે. હું મોકલીશ’’[7] પ્રવેશના અંતે ઢોકળાં લઇને આવે. નજીવા વાર્તાલાપ પછી અંદરના ઓરડામાં જઇ ઢોકળાં મૂકી પાછા જતા કહે, ‘‘ નાઓધૂઓ, નિશાળનો વખત થયો.’’ [8] અહીં સ્નેહભાવ સાથે અવ્યક્તપણે સંગીભાવ ૫ણ રજૂ થાય. કેવી અદ્દભૂત વાત.

ત્રીજા અંકનો કથાપ્રવાહ અને પ્રસંગગૂંથણીના વિનિયોગથી કથનકળા (Story telling) ધારદાર સ્વરૂપ ધારણ કરે છે. નાટકના અંતે શશિકલાને જીવનસત્ય, સંબંધોની પરિભાષા અને મનહરકાકાના સાચા સ્વરૂપના દર્શન થાય ત્યારે તેણીના મુખેથી નિકળતો સંવાદ, ‘‘ આજે બે કલાકમાં મને બહું ભાન આવ્યું છે. (મનહરલાલ જવા જાય છે તેને રોકીને) કાકા..! હવે બહું થયું. મારી પાસે બળ્યું શું કહેવડાવો છો..? (નીચું જોઇ) કાકા..! મને-મને-કાકી નહીં બનાવો..?’’[9]

નાટકના અંત અંગે ઘણાં મત-મતાંતરો પ્રવર્તે છે. ડા. બાબુભાઇ દાવલપુરાએ નોંધ્યું છે, ‘‘ મુનશી પ્રસ્તુત નાટકના અંતમાં એવી લગ્નભાવનાની પ્રતિષ્ઠા કરવા માંગે છે, જેમાં સ્ત્રી અને પુરુષને પસંદગી માટે અવકાશ હોય અને જેમાં સામાજિક રૂઢિરિવાજ યા નીતિનિયમનાં બંધન ન હોય તેમ છતાં રૂઢ પરંપરાગત દાંપત્યભાવના ચરિતાર્થ થઇ શકે તેવી મોકળાશ હોય. પરંતુ કલાસૂઝની ઊંણપને લઇને તેમનું કથયિત્વ નાટકના અંતમાં ચીટકાડી દેવાયું હોય તેવું આગંતુક લાગે છે.’’[10]

‘કાકાની શશી’ નાટકનો અંત ભલેને વિવેચકો કે શિષ્ટ સાહિત્યના સમર્થકોને અપ્રતીતિકર લાગ્યો હોય. મારા મતે ત્વરિત ભાવપલટો, આશ્ચર્યજનક આંચકો અને રૂઢિગત માન્યાતાઓનો ઉડાડી વિચારતા કરી મૂકનારો અંત, દ્રષ્ટિ મનોરંજન પૂરું પાડનારો અને તેની અસર હેઠળ એક્ઝિટ કરાવનારો છે. નાટકમાં આવતા આવા કથાવળાંકો (Turning Point) અને ભાવાત્મક આંચકાઓ ભલે નીતિગત ન લાગે, પણ કળાની દ્રષ્ટિ અને નાટ્યસ્વરૂપ અન્વયે યોગ્ય લાગે છે. આમ પણ મુનશીજીએ નીતિને કળાની વિષકન્યા માની હોય અંત નાટકનું સર્વશ્રેષ્ઠ પાસું બને છે. હા, એટલું જરૂર કહીશ કે નાટકનો કથાપ્રવાહ કેટલીક જગ્યાએ કુત્રિમ (Artificial) અને કંટાળાજનક લાગે છે. કથાનું પોત જાડું, ખરબચડું અને ક્યાંક તુંણાયેલું અને તણાયેલું પ્રતીત થાય છે. બિનજરૂરી લંબાઇ અને વધુ પડતું બોલકણું (Verbose) હોવાને કારણે શિથિલ જણાય છે.

મુનશીજીનું આ નાટક વિષયગત નવીનતા અને દ્રષ્ટિ સ્વતંત્રતા પ્રગટાવનારું સાબિત થયું છે. નાટકના માધ્યમથી તેમણે સ્ત્રી-પુરુષના સંબંધોને નવોર્મિ અર્પી છે. સમાજવાસ્તવને ઉઘાડવા પ્રહસનનો સુંદર વિનિયોગ કર્યો છે. પણ છતાંય સવાલો તો ઊભા જ છે.

શું તે સમયનો સમાજ આવો હતો..?
કે..? મુનશીજી પોતે ઊભો કરેલો કે ઊભો કરવા મથતા સમાજને નાટક દ્વારા રજૂ કર્યો છે..?

નાટકના પાત્રો અને પાત્રલેખનની મુલવણી કરીએ તો, સ્ત્રી-પુરુષપાત્રોના સબળ આલેખન અને પારસ્પરિક સામ્ય-ભેદ વડે નાટકને મનોરંજક પ્રહસન બનાવ્યું છે. નાટકના બધા જ નાયકપાત્રો આરંભમાં દર્શાવ્યા છે તેવા અંતે રહેતા નથી. બીજી તરફ ખલપાત્રો અંત સુધી દૂરીતપણું છોડતા નથી. મારા મતે મુનશીજી અફર અને અડગ રહેતાં ખલપાત્રોના માધ્યમથી સમાજમાં ઘર કરી ગયેલા દૂરીત તરફ ઇશારો કરે છે. વળી નાયકપાત્રોનું પરિવર્તન ક્યાંક ઉતાવળું અને અતાર્કિક પણ લાગે છે.

સંવાદનું મહત્વ નાટકમાં વિશેષ રહ્યું છે, ‘કાકાની શશી’માં મુનશીજીએ સંવાદોની સવિશેષ કાળજી રાખી છે. પાત્રાનુરૂપ, પ્રસંગોચિત અને ચોટદાર સંવાદો પાત્રોને નિખારે છે. ‘‘શશી..! તું તો વ્યાઘ્રેશ્વરી છે; પુરુષોને સ્ત્રીઓના ખપ્પરમાં લેવા બેઠી છે.’’ મનહરલાલના મુખેથી ઉચ્ચારાતો આ સંવાદ શશિકલાના પાત્રના ઔદર્યને પ્રતિપાદિત કરે છે. બીજી તરફ રસોર્મિઓને પ્રાધાન્ય આપતા ગૌરીશંકરને કહે, ‘‘ છોકરા ભૂખે મરે તો એ રસોર્મિઓ પર ઇમ્પીરિયલ બેન્ક દોઢિયાં ધીરે કે..? ’’ સંવાદના માધ્યમથી પાત્રગત સૌંદર્ય અને નક્કર વાસ્તવિકતાનું બયાન નાટકને માંણવાક્ષમ બનાવે છે.

‘‘પ્રણય પ્રેરિત સંસાર એટલે સ્ત્રીઓનું કારાગૃહ’’ અને ‘‘મારી બેલડી પરમેશ્વર સરજે તો ખરા..! એની ધૂળ ખંખેરી કાઢું.’’ શશિકલાના આવા સંવાદો નાટક અને પાત્રનો મનોસ્વભાવ રજૂ કરે છે.

સ્ત્રીને પગની જૂતી ગણતા વલ્લભરામ અને દુર્લભરામનું મનોજગત સંવાદ ઉઘાડું કરે છે. ‘‘ગાડીમાં ઘાલીને પકડી લાવ’’ અને ‘‘ઉપાડી લાવ. હરણ કરી લાવ’’ જેવા સંવાદો તેનું ઉદાહરણ છે. લગ્નને તિરસ્કારથી જોતી અને પરણાવનાર મા-બા૫ને ભાંડતી શિવગૌરી ‘‘મરજો મારા મા ને બાપ કે ભણાવી-ગણાવી મને કૂવામાં નાંખી’’ અને સામા પક્ષે ઇન્દ્રજિતના સંવાદો ‘‘ નહીં આવે તો..!’’ અને ‘‘પાછી ચાલી જાય તો..?’’ પતિ-પત્નીના વિરોધાભાસી સ્વભાવને પ્રગટાવી, દાંપત્યદુઃખને સાચું ઠેરવે છે.

મારા મતે ‘કાકાની શશી’ના સંવાદો તેનું સબળ પાસું છે. જો મુનશીજી નાટકમાં વારંવાર આવતી લાંબીલચક સ્વગોક્તિથી (Soliloquy) પાત્રોને બચાવી શક્યા હોત તો ‘સોનામાં સુગંધ ભળત’. આમ થવાનું કારણ મુનશીજી ઉપર નવલકથાનો પ્રભાવ છે.

રચનારીતિની દ્રષ્ટિએ નાટકને મૂલવીએ તો ત્રીજ અંકમાં એકસાથે અને સમાંતરે આકાર લેતા ચારેક પ્રસંગોની ગૂંથણી વિશેષતા જન્માવે છે. રંગસજ્જાની દ્રષ્ટિએ ત્રણ અંકના કુલ છ પ્રવેશ અને આ તમામ પ્રવેશોમાં અલગ-અલગ સ્થળ (Location/setting) તથા આ તમામ સ્થળ અંગે કરાયેલું સવિશેષ વિવરણ વાંચવા માટે સારું લાગે, પણ એક મંચ ઉપર તેના સેટિંગ લગાવવા આજની તારીખે પણ લગભગ અશક્ય ભાસે છે. ૧૯૨૮માં લખાયેલ આ નાટકનું મંચનક્ષમતાની દ્રષ્ટિએ પ્રશ્રાર્થ ઊભો કરે છે. એક જ મંચ ઉપર છ દ્રશ્યોવાળું રીવોલ્વિંગ સ્ટેજ ઊભું કરવું ખર્ચાળ હોવા સાથે વિશાળમંચ ઉપર જ શક્ય બનાવી શકાય. મારા મતે આ નાટકની ભજવણી સામે ઊભી થતી બહુ માટી મર્યાદા છે. આજના સમયે પ્રોજેકશન ટેકનોલોજી, ડિજિટલ ડિસ્પ્લે અને પ્રકાશ આયોજનની મદદથી મંચસજ્જા કરી શકાય. ૫ણ તેમાં નાટકનું પોતીકાપણું ગુમાવવા સાથે નાટકનું ફિલ્મિકરણ કરવા જેવું થશે. મારા મતે મુનશીજી ઉપર નવલકથાના પ્રભાવ અને નાટકની ભજવણીના પ્રત્યક્ષ અનુભવના અભાવને કારણે આમ બન્યું છે.

સામાજિક નાટક ‘કાકાની શશી’ વિષે ઘણાં વિવેચકોએ મૂલ્યાંકન કર્યું છે. વિનોદ અધ્વર્યુ કહે છે, ‘‘આ નાટ્યકૃતિમાં મનુષ્યની સહજવૃત્તિજ્ન્ય નિર્બળતાઓ પર ઢાંકપિછોડો કરીને આધુનિકતાના આડંબરી ઓઠા નીચે કરાતા અવાસ્તવિક ઉધામા પાછળ છુપાયેલી દંભી ભદ્રજનોની ભીતરી જંતુવૃત્તિની ઠાવકી ઠેકડી કરાયેલી છે; અને કથયિતત્વની કઠોર કરવતધાર હાસ્યવ્યંગની હળવાશથી સહ્ય બનાવાયેલી છે. લેખકની ઉદ્દામ અઘાતક વૃત્તિએ અંતને વિવાદાસ્પદ બનાવ્યો છે.’’[11]

સતીશ ડણાકના મત અનુસાર, ‘‘ ‘કાકાની શશી’માં ભત્રીજીને કાકી બનાવવાની હદ સુધી પહોંચતા કાકાના ચિત્રને કેટલાક સુરુચિનો ભંગ કરનારું કે ઔચિત્યભંગ કરનારું ગણે તથાપિ સમાજની આવી કાળી કહેવાતી બાજુનું પણ વાસ્તવચિત્ર આપીને મુનશી જે કહેવાનું છે તે કહી દે છે.’’[11]

નાટ્યકાર પ્રાગજી ડોસાના મતે, ‘‘આ નાટકમાં મુનશીજી સ્ત્રી-સ્વાતંત્ર્યની ‘થીમ’ લાવ્યા છે. ઉપરાંત પિતાના વારસામાં દીકરીના પણ હકની તરફેણ કરવામાં આવી હતી. ભાવિના ગર્ભમાં જે બનવાનું હતું તે મુનશીજીએ ૧૯૨૮માં ભાખ્યું.’’[12]

મારા મતે પ્રભાવશાળી કથાબીજ ધરાવતું નાટક ‘કાકાની શશી’ વિષયગત સંકુલતા(complexity) ના પ્રભાવથી દૂર રહ્યું છે. નાટકનો પ્રહસનાત્મક અવાજ (comedy tone) સંવાદ અને સ્થિતિમાંથી જન્મે છે. નાટકનો આરંભ અગંભીર અને ક્ષુલ્લ્ક છે, પણ અંત લાગણીઓમાં વહાવનારો અને ભાવનાત્મક (sentimental) છે. નાટકમાં હોવા જોઇયે તે બધા તત્વો (Element) તેમાં હોવા સાથે મુનશીજી પ્રજાની નશ પારખવાની આવડત ‘કાકાની શશી’ નાટકને લોકભોગ્ય, મનોરંજક અને સૌથી વધુવાર ભજવાયેલ નાટક બનાવે છે. નાટ્યકાર મુનશી અંગે ધીરુભાઇ ઠાકરે નોંધ્યું છે, ‘‘ નવલકથાની માફક નાટકના ક્ષેત્રે પણ મુનશીના પ્રવેશ સાથે નવી મોસમ બેસે છે.’’ [14]

હું ધીરુભાઇના મત સાથે પૂર્ણતઃ સહમત છું. ૧૯૨૮માં આવા બોલ્ડ એન્ડ બ્યૂટિફૂલ વિષયની કલ્પના મુનશીજી જ કરી શકે. ફ્રેન્ચ નવલકથાકાર અને નાટ્યકાર એલેકઝાન્ડર ડૂમાએ કહ્યું છે, ‘‘Let your first act be clear, Last be short, And remaining interesting.’’ મારા મતે મુનશીજી નવલકથાની જેમ ‘કાકાની શશી’ નાટકમાં પણ એલેકઝાન્ડર ડૂમાને અનુસર્યા છે.

પાદટીપ :
 1. [1] સંપાદકઃ ‘પ્રશાંત’, ડા. ધર્મેન્દ્ર માસ્તર, ઉપેન્દ્ર પંડ્યા
  કનૈયાલાલ મા. મુનશી જન્મશતાબ્દી અધ્યયન ગ્રંથ (પૃષ્ઠ – ૨૦૬)
 2. [2] કનૈયાલાલ મુનશી, નાટકોઃ પૌરાણિક અને સામાજિક (પૃષ્ઠ – ૩૪૭)
 3. [3] --- એજન--- (પૃષ્ઠ – ૩૬૨)
 4. [4] --- એજન--- (પૃષ્ઠ – ૩૬૮)
 5. [5] ડા. બાબુ દાવલપુરા, મુનશીનાં સામાજિક નાટકો (પૃષ્ઠ – ૨૩)
 6. [6] કનૈયાલાલ મુનશી, નાટકોઃ પૌરાણિક અને સામાજિક (પૃષ્ઠ – ૩૭૧, ૩૭૨)
 7. [7] --- એજન--- (પૃષ્ઠ – ૩૬૭)
 8. [8] --- એજન--- (પૃષ્ઠ – ૩૬૭)
 9. [9] કનૈયાલાલ મુનશી, નાટકોઃ પૌરાણિક અને સામાજિક (પૃષ્ઠ – ૪૨૭)
 10. [10] ડા. બાબુ દાવલપુરા, મુનશીનાં સામાજિક નાટકો (પૃષ્ઠ – ૫૨)
 11. [11] www.gujaratisahityaparishad.com/prakashan/sarjako/savishesh/Savishesh-KM-Munshi.html
 12. [12] સંપાદકઃ ‘પ્રશાંત’, ડા. ધર્મેન્દ્ર માસ્તર, ઉપેન્દ્ર પંડ્યા
  કનૈયાલાલ મા. મુનશી જન્મશતાબ્દી અધ્યયન ગ્રંથ (પૃષ્ઠ – ૨૦૩)
 13. [13] --- એજન--- (પૃષ્ઠ – ૨૭૪)
 14. [14] ધીરુભાઇ ઠાકર, અર્વાચીન ગુજરાતી સાહિત્યની વિકાસરેખા ભાગ-૪ (પૃષ્ઠ – ૫૭)