કનૈયલાલ મુનશી સાહિત્ય સર્જક : એક પુર્નમૂલ્યાંકન
નવલકથાકાર મુનશી:-
અર્વાચીન યુગમાં ગુજરાતી સાહિત્યમાં નંદશંકર મહેતાના ‘કરણઘેલો’ ની ઐતિહાસિક નવલકથાપ્રાપ્ત થાય છે. ઝેનોનીના અનુવાદરૂપ મણિલાલ નભુભાઇ દ્વિવેદીની ‘ગુલાબસિંહ’ આવે છે. નારાયણ હેમચંદ્રની અને ઠ્ક્કર નારાયણજી વસનજીની ઐતિહસિક નવલકથાઓનું જŠથ પ્રાપ્ત થાય છે.ત્યાં ગોવર્ધનરામ ત્રિપાઠી રજવાડાંઓના પ્રસંગમિશ્રિત સામાજિક પ્રશ્નોની ચર્ચા ઉપસ્થિત થાય તેવી નવલકથા‘સરસ્વતીચંદ્ર’ ચાર ભાગમાં પ્રસિધ્ધ થાય છે, અને તે ગુજરાતી આલમને હલમલાવે છે. ત્યાં મુનશીની ઐતિહાસિક નવલકથાઓનું તેમજ પૌરાણિક નવલકથાઓનું જŠથ એટલા જ પ્રબળ પ્રકાશથી રજŠ થાય છે.
મુનશીની નવલકથાઓ ઇતિહાસ, સમાજ અને પુરાણ એવા ત્રણ ક્ષેત્રને આવરી લે છે. એમની નવલકથાઓનું મુખ્ય આકર્ષક તત્વ હોય તો તે એ છે કે તેમાં શૈલી નાટ્યાત્મક તેમજ પાત્રો અને પ્રસંગોનું નિરૂપણ પણ આકર્ષક બન્યું છે. એમની નવલકથાના અમુક અમુક પ્રકરણો નાનાં નાટક તરીકે રંગભૂમિ પર ભજવી શકાય એવા છે,વળી સંવાદોમાં નાટ્યશૈલી એ રીતે આવે છે કે એમાં આવતાં પાત્રો બોલે ત્યારે એના મ્હોં પર કેવા ભાવ આવતા હશે, શરીરના અંગોનું હલનચાલન કેવું થતું હશે, તે આપણા માનસપટ આગળ ખડુ થઇ જાય છે.
એમની કોઇપણ નવલકથામાં રસભંગ થતો નથી. જીવંત અને તેજસ્વી,‘ગુજરાતનો નાથ’ ના મુંજાલ, કાક, કીર્તિદેવ, કલ્પના સ્રૃષ્ટિની મંજરી વગેરે જ્વલંત પાત્રો માનસભુમિ પર એવી છાપ પાડે છે કે તે સદા તેવી જ પ્રકાશિત રહે છે. નવલકથાના પ્રસંગો, સંવાદો અને પાત્રો પર એલેક્ઝાંડર ડૂમાની અસર સ્પષ્ટ વર્તાય છે, છતાં મુનશીનું મૌલિત્વ તેથી જરાય ઝાંખું પડતુ નથી.
‘વેરની વસુલાત’ નવલકથાથી એમણે નવલકથા સાહિત્ય સ્વરૂપમાં પ્રવેશ કરીને પ્રજાનું હ્ર્દય જીતી લઇ વિવેચકોને પોતાના પ્રતિ આકર્ષયા હતા. મુનશીની આ પ્રથમ નવલકથા ઉપર ગોર્વધન ત્રિપાઠીની ‘સરસ્વતી ચંદ્ર’ નવલકથાની સ્પષ્ટ અસર વરતાય છે, તો બીજી તરફ એલેઝાંડર ડૂમાની ‘કાઉન્ટ ઓફ મોન્ટે ક્રિસ્ટો’ ના કથાનકની છાપ સ્પષ્ટ પણે જોઇ શકાય છે. આમ છતાં તેમાથી જે બોધ પ્રાપ્ત થાય છે તે કંઇક જુદા જ પ્રકારનો છે. એ કંઇક અંશે આત્મકથનાત્મક પણ છે. ‘વેરની વસુલાત’ માં મધ્યમવર્ગની એક વિધવાના પુત્ર જુગલકિશોર અને તનમનની કરુણ પ્રેમકથાનું નિરૂપણ થયેલુ છે. રાજરજવાંડઓમાં ચાલતી ખટપટોના પરિવેશની ભૂમિકા પર સર્જાયેલી આ નવલકથામાં જુગલકિશોર અને તનમનની પ્રણયોર્મિ અને અનંતાનંદની ભાવનાશીલતના રંગદર્શી અને કૌતુકરાગી નિરૂપણથી, સર્જકની નવીન અને આકર્ષક શૈલીથી ‘ઘનશ્યામ વ્યાસ’ ઉર્ફે ક્નૈયાલાલ મુનશીને લોકપ્રિય વાર્તાકાર તરીકેનો યશ અપાવ્યો.
‘કોનો વાંક?’ નવલકથામાં સામાજિક પરિસ્થિતિ અને પ્રશ્નોનું નિરૂપણ અને કેવળ સમાજ સુધારક તરીકે જ નહીં પરંતુ બળવાખોરોનું નિરૂપણ પણ મહત્વનું બન્યું છે. પોતાના અનુભવ જગતમાંથી કેટલીક સામગ્રી લઇને મુંબઇના ધમાલીયા જીવનમાં યુવાન હ્ર્દયમાં ચાલતી મૂંઝવણો અને સમાજના અન્ય દૂષણો તથા બંધનોનું આલેખન મહત્વનુ બની રહે છે. એમની પ્રથમ નવલકથા ‘વેરની વસુલાત’ જેવી સફળતા આ ક્રૃતિ ને મળી નથી છતાં એક લેખક તરીકેની લાક્ષણિક્તા એમાં પ્રગટી ઉઠી છે.
‘સ્વપ્નદ્રષ્ટા’ નવલકથામાં વીસમાં દાયકાના પ્રથમ દસકનું ચિત્ર આલેખાયેંલુ જોઇ શકાય છે. એમાં કોલેજકાળના રસિક અનુભવોની સામગ્રી પીરસાઇ છે. આ ક્રૃતિ નો નાયક સુદર્શન રાષ્ટ્રીયતના ઉછળતા જુવાળમાં આદર્શઘેલા અવાસ્તવિક સ્વપ્નોની દુનિયામાં મસ્ત રીતે ફરતો અને અંતે કઠોર વાસ્તવિકતાના ભૌતિક સ્પર્શથી અવઢવ અનુભવતો આલેખાયેલ છે. આ નવલકથાના કેટલાક પ્રસંગા સત્ય અને લેખકના પોતાના સ્વાનુભવરૂપ છે. એનો સ્વપનશીલ નાયક સુદર્શન એ બીજો કોઇ નહીં પણ મુનશી પોતે જ છે. હિંદના ઓલવાઇ જતા પ્રાણને ફરીથી જાગ્રૃત કરવાના સપના સુદર્શન સેવે છે. સુદર્શન બુધ્ધ કે ગાંધીજીના અહિંસક માર્ગે ચાલવામાં નહિં પણ પ્રૃથ્વીને નક્ષત્રી કરનાર પરશુરામ, ઔર્વ કે ચાણક્યના માર્ગે ચાલવાનુ પસંદ કરે છે. બંગાળના ભાગલા થવાથી સુદર્શનની સ્વપ્નશીલતા વધારે ઉગ્ર બને છે. તે પોતાનાસહપાઠી વિદ્યાર્થીઓ સમક્ષ પોતાની યોજના સ્પષ્ટ કરતાં કહે છે કે “આપણી માનવતા કોહવાઇ ગઇ છે. આપણે અસંખ્ય છીએ પણ આપણા જુસ્સમાં વ્યવસ્થાત્મક ઉત્સાહ નથી. આથી જ ચપટીમાં ચોળી નંખાય એટલા અંગ્રેજો હિંદ પર શાસન કરે છે” હિંદ ને સબળ દેશ બનાવવો હોય તો ‘વિપ્લવ’ એ જ એક સાચો અને સારો માર્ગ છે. સુદર્શનને હિંદના ઉધ્ધારની ઘેલછા લાગી છે. એવે વખતે મિત્રો સુરત કોંગ્રેસ વખતે ભેગા મળે છે. કોંગ્રેસના નેતાઓ સમાધાન કરવા જરાયે તૈયાર હોતા નથી. અને અહીં કોંગ્રેસ પડી ભાંગે છે. જે વાત સુદર્શન ને ગમતી નથી.મિત્રો તેને એકલો પાડી દે છે. સુદર્શનના પિતા સરકારમાં ઉચ્ચ હોદ્દો ધરાવતાહતા અને એમનો પુત્ર સુદર્શન સરકાર વિરુધ્ધપ્રવ્રૃત્તિઓમાં રસ લે છે. એ વાત તેમને પસંદ નથી. આથી સુદર્શનના સસરા બનાવટી વોરંટ કઢાવીને એને બેરિસ્ટર થવા માટે વિલાયત મોકલીઆપે છે.
ઘણા લાંબા સમય પછી મુનશી પાસેથી ‘તપસ્વિની’ પ્રાપ્ત થાય છે. આમાં ૧૮૫૭ ના બળવાથી ૧૯૩૭ સુધીના ભારતના સામાજિક, રાજકીય પ્રવાહોનું આલેખન કરાયું છે. આ નવલકથાનો મોટો ભાગ રાજકીય વ્રૃત્તાંત સાથે સંકળાયેલો છે.સમગ્ર નવલકથામાં પશ્ચિમની સંસ્ક્રૃતિના સંદર્ભો પૂર્વેની આર્ય સંસ્ક્રૃતિમાં રહેલા પરંપરાગત નૈતિક-આધ્યાત્મિક જીવન મૂલ્યોના વિજયનું દર્શન કરાવવાનો એમનો ઉપક્રમ દેખાય છે. આ નવલકથાની શૈલી પણ આત્મ કથાનત્માક છે. એમના પાત્રો અને પ્રસંગો એમની ‘સીંધા ચઢાણ’,‘સ્વપ્ન સિધ્ધની શોધમાં’,‘I Follow the Mahatma’ અને અન્ય ક્રૃતિઓમાં જોવા મળે એવા છે. ગાંધીજીના રાજકીય વિચારોથી ઘડાયેલા મુનશીના રાજકીય વિચારોની છાયા એમાં જોવા મળે છે. આ ક્રૃતિ સ્વરાજ પ્રાપ્તિના પુરુષાર્થની કથા છે. એમાં આલેખાયેલાં પાત્રો મધ્યમવર્ગના શિષ્ટ સમાજના છે. આ નવલકથાના પાત્રો જીવંત, કથાવસ્તુમાં નાટ્યાત્મકતા, વર્ણોનોની ચિત્રાત્મકતા અને સંવાદો ચમકારાપુર્ણ હોઇ અહીં મુનશીની કલા ઝંળકી ઉઠે છે. આમ છતાં આ ક્રૃતિ એટલી લોકપ્રિય બની નથી. રવિ અને ઉદય તેમજ શીલા અને રાજ એ આ નવલકથાના નાયકો અને નાયિકાઓ છે. રવિ અને ઉદય મુખ્ય પાત્રો તરીકે આલેખાંયેલા હોવા છતાં બંનેના ચિત્રણમાંઅલગ અલગ પાંસઓનું પ્રતિબિંબ નિહાળી શકાય છે. એકમાં વ્યક્તિત્વ ઘડતરનું અને બીજામાં પ્રણય જીવનનું. આમ છતાં રવિ મુખ્ય નાયક અને ઉદય ઉપનાયક તરીકે આલેખાયેલ છે. લગ્નજીવનમાં નિષ્ફળ ગયેલી શીલા ઉદયમાં કવિનું અને લગ્નસુખથી વિમુખં ઉદય શીલામાં તપસ્વીનીના દર્શન કરે છે. આ ક્રૃતિની આધ્યાત્મિકતા રાજના પાત્ર દ્વારા પ્રગટ થાય છે અને શીલાને ઉપનાયિકાના પદે બેસાડે છે. પ્રસ્તુત નવલકથામાં આવતા પાત્રો જેવાં કે – રાજબા, રવિ,શીલા, ઉદય, ગણપતિશંકર, રાધારમણ પોતાના વિશિષ્ટ વ્યકતિત્વની છાપ લઇને આવતા તેજસ્વી પાત્રો છે. ‘રાજાધિરાજ’ ની રાણકદેવી કે ‘જયસોમનાથ’ ની ચૌલા જેવું આધ્યાત્મિક તેજ શીલ ધારણ કરતી અનુભવાય છે.
ઐતિહાસિક નવલકાર મુનશી:-
‘પ્રૃથિવીવલ્લ્ભ’,‘પાટણની પ્રભુતા’,‘ગુજરાતનો નાથ’ અને ‘રાજાધિરાજ’ એ મુનશીની ઐતિહાસિક નવલકથાઓ છે. એમાંની છેલ્લી ત્રણ નવલકથાઓ અતિ લોકપ્રિય બની છે, જ્યારે ‘પ્રૃથિવીવલ્લ્ભ’ નવલકથાનું માલવપતિ મુંજનુ પાત્ર નાટ્યાત્મક અંશો ધરાવતુ હોઇ તે રંગભુમિ પર સારી છાપ જન્માવી શક્યુ છે. તેમાં માળવાના વિલાસી મહારાજા મુંજનો રસિક ઇતિહાસ અસરકારક રીતે રજુ કરાયો છે. એમાં મુંજ, મ્રૃણાલ તથા વિલાસના પાત્રો આકર્ષક રીતે ચીતરાયાં છે. કેટલાંક વિદ્વાનોના મતે મુનશીએ સામાજિક નીતિ અને મર્યાદાઓને તોડી છે અને મ્રૃણાલ જે ઉચ્ચ ભાવનાશીલ પ્રબળ સ્ત્રીશક્તિ ધરાવે છે તે માલવપતિ મુંજ આગળ નમી પડી છે અને વિધવા બનેલી બ્રહ્મચારિણી રહેલી તે મુંજના શૃંગારને આધીન થઇ જાય છે. આ રીતે પ્રૃથિવીવલ્લ્ભ મુંજ આગળ મ્રૃણાલ હારી જાય છે. તે કેદમાં પુરાયેલા મુંજને હરાવી શકતી નથી.
‘પાટણની પ્રભુતા’,‘ગુજરાતનો નાથ’ અને ‘રાજાધિરાજ’ આ ત્રણ નવલકથાઓ એકબીજાની સાંકળરૂપ છે. આ નવલકથાઓમાં ગુજરાતના પુર્વ સમયની જહોજલાલીનું વર્ણન કરાયુ છે. મુનશી પોતે કહે છે તેમ ‘ગુજરાતની જહોજલાલી પર અંધકારના, વિસ્મરણના, પરાધીનતાના થર પર થર ચઢ્યા છે. ગુર્જરભુમિમાં સ્મશાન જેવી નીરસ શાંતિ વ્યાપત છે, છતાં અહિંયા જ જીવંત ઇતિહાસના પ્રસંગો પ્રગટ્યા હતા.’ આ ત્રણેય નવલકથાઓ મુનશીના ઉપરોક્ત વિધાનને સાર્થક કરે છે.
‘પાટણની પ્રભુતા’ માં જૈનોની રાજ ખટપટોથી ‘કર્ણદેવ’ ના સંબંધીઓમાં ફાટફૂટ પડે છે, અને મહાસમર્થ મુંજાલને પણ મીનળદેવી અધિકાર પદે દૂર કરવાના ષડયંત્રો રચે છે. મુંજાલ અને મીનળદેવીનો સ્નેહ મુનશી જાહેર કરી દે છે. મુંજાલનું વ્યક્તિત્વ પ્રચંડ અને અસહ્ય હોવાથી તેનાથી દબાતી મીનળ સ્નેહસંબંધ ભૂલી સત્તાના લોભે આકરું પગલુ ભરે છે, પણ ભાગ્યની ગતિ સદા વિચિત્ર જ હોય છે. જે ત્રિભુવનપાળને –મુંજાલના ભાણેજને તે દબાવી દેવા માગતી હતી તે જ આખરે પ્રસન્નને કારણે પાટણમાં ધણી થઇ જાય છે અને મુંજાલને હરાવવા નીકળેલી મીનળ પાટણથી બહાર રહી જાય છે. ત્રિભુવનપાળના પિતા દેવપ્રસાદને તથા તેની પ્રિયતમાને નદીમાં ડૂબવાનો પ્રસંગ આનંદસૂરિના કાવતરામાંથી થાય છે પણ આનંદસૂરિનું કાવતરુ જાહેર થઇ જતાં તે છોભીલો પડી જાય છે. પાટણમાંના પટ્ટ્ણીઓ જોરમાં આવે છે ને મીનળ આનંદસૂરિને દૂર કરે છે, અને ફરીથી પાટણમાં મીનળ અને મુંજાલ પોતાનુ પ્રભુત્વ જમાવે છે અને પટ્ટણીઓ પાટણની પ્રભુતા જાળવે છે. આ ભુમિકા રચતાં પાટણની પ્રભુતામાં દેખાતો બાળક સિધ્ધરાજ મહરાજા તરીકે પછીથી નવલકથાઓમાં ઊભરી આવે છે.
મીનળદેવી, પ્રસન્ન અને મંજરી જેવાં સ્ત્રીપાત્રો આકર્ષક બન્યા છે, પણ એમાં આ કન્યાઓ આધુનિક જમાનાની સ્વતંત્રતાપ્રિય, મસ્તીખોર, અલ્લક કન્યાઓ જેવી વધારે જણાય છે. કિર્તિદેવ પણ કલ્પનાની પ્રતિમૂર્તિ જેવો છે. કાશ્મીરાદેવીનો મીનળદેવી સાથેનો સંબંધ, મુંજાલનો મીનળદેવી સાથેનો સંબંધ, કિર્તિદેવ સાથે મુંજાલનો સંબંધ પણ કલ્પિત છે.
‘પાટણની પ્રભુતા’ થી શરૂ કરીને ‘ભગવાન કૌટિલ્ય’ સુધી એની ઐતિહાસિક તથા સામાજિક નવલકથાઓનું પૂર સાહિત્યિકતાની દ્રષ્ટિએ ઊંચી ગુણવત્તા ધરાવે છે. એમાંના પાત્રોમાં અમુક અંશે એકસરખાપણું અનુભવાય છે, પણ તે મર્યાદા પાત્રોની ઉજ્જળવતાને કારણે ઢંકાઇ જાય છે. મુનશીનો પક્ષપાત આર્ય સંસ્ક્રૃતિ માટે ઊંડો છે, એ બાબત સ્પષ્ટ થાય છે.
આમ છતાં ‘પાટણની પ્રભુતા’ મુનશીની મૌલિક ક્રૃતિ નથી એમ પ્રથમ નારાયણ વસનજી ઠક્કુરે ‘પ્રજાબંધુ’ માં સ્પષ્ટ કર્યું. મુનશીની બધી ઐતિહાસિકનવલકથાઓ ઉપર ફ્રેંચ લેખક એલેકઝાંડર ડૂમાની ‘થ્રી મસ્કેટીઅર્સ’,‘ટવેન્ટીઇયર્સ આફ્ટર’ અને ‘મોન્ટી ક્રિસ્ટો’ ના આધરે લખાયેલી છે.
રામચંદ્ર શુક્લ લખે છે “ પ્રથમતઃ આ સામ્યપણું તપાસતા પૂર્વ આપણે ખાસ ધ્યાનમાં રખવાનું છે કે આ અનુકરણ હોઇ લેખક મહાશયે બહુ સાવધાનીથી કામ કર્યું છે. ઉપર ટપકે વાંચતા આ પુસ્તકો ભિન્ન અને અલગ લાગશે કિન્તુ બરાબર બારીક નજરે જોઇશું તો ‘પાટણની પ્રભુતા’ ઉક્ત પુસ્તક દ્રયમાંથી વાંચી શકાશે. આ આધાર લેવામાં રા.મુનશીએ નૈપુણ્ય દર્શાવ્યુ છે, કારણ કે તેમણે આખાં ને આખાં પાત્રો લીધાં નથી પણ મિશ્રણ કરી તેનો ઉપયોગ કર્યો છે. અહિંથી એક ઘટના ઉઠાવી મુનશીએ અન્ય જગ્યાએ બેસાડી છે, અને કોઇ વ્યક્તિનું વર્ણન કોઇને લાગુ પાડ્યું છે, પણ મૂળ વસ્તુનો કેટલોક ભાગ, પાત્રો સહિત સમૂળગો છોડી દેવામાં આવ્યો છે અને કેટલીક નૂતન વસ્તૂઓનો ઉમેરો કરવામાં આવ્યો છે.”
નવલરામ મુનશીની આ ભવ્ય નવલકથામાં બે તત્વો મુખ્યત્વે જુએ છે, જે મૌલિક રીતે રજૂ થાય છે. ‘સર્વ નવલકથાઓમાં એક સામાન્ય પ્રેમતત્વ છે. છએ નવલકથાઓમાં પ્રેમના સંયોગાત્મક અને વિયોગાત્મક એવા દ્વિવિધ સ્વરૂપનું દર્શન કરાવ્યુ છે.’ એમની દરેક નવલકથાઓમાં માતૃભુમિના ઉધ્ધારનું વલણ જોઇ શકાય છે. અને એ જ બાબત તેમનો માતૃભુમિ પ્રત્યેનો પ્રેમ દર્શાવે છે. આ સ્વપ્ન દ્રષ્ટાનું ધ્યાન દેશોન્નતિમાં એટલું બધું પરોવાઇ ગયું હોય છે કે તેમનાં જીવનમાં પ્રેમ કે લગ્ન માટે અવકાશ રેહતો નથી.