Special issue on K. M. Munshi
ક.મા.મુનશી વિશેષાંક

કનૈયાલાલ મુનશીના પૌરાણિક નાટકોનો આધુનિકતા સાથે અનુબંધ

ગુજરાતી સાહિત્યમાં લખાયેલી પૌરાણિક કૃતિઓ પર નજર કરતાં મુનશી સામે આવ્યાં વિના રહેતા નથી. એમની પાસેથી સંખ્યાબંધ છતાય ઉતમ પૌરાણિક ગદ્યસાહિત્ય પ્રાપ્ત થયું છે. “પૌરાણિક નાટકો”માં ચાર કૃતિઓ ગ્રંથસ્થ છે.

  1. ૧. ‘પુરંદર પરાજય’
  2. ૨. ‘અવિભક્ત આત્મા’
  3. ૩. ‘તર્પણ’
  4. ૪. ‘પુત્ર સમોવડી’
આ કૃતિઓને મુનશીએ ‘પૌરાણિક’ કહી છે. પરંતુ ‘પૌરાણિક’ એ શબ્દને શબ્દસઃ લઇ શકાય તેમ નથી. કારણકે કેટલીકવાર પુરાણકાળ પહેલાંના વેદકાળમાં તે વિસ્તરે છે. એટલે આપણે ‘પૌરાણિક’નો ઈતિહાસ અને મહાકાવ્યોની પહેલાનો કાળ એવો ઉદાર અર્થ જ લેવો પડે.

મુનશીએ આ નાટકો માટે વિષયવસ્તુ મહાભારત પુરાણમાંથી લીધું છે. પૌરાણિક હકીકતોમા પોતાની કલ્પના દ્વારા લાવેલા ફેરફારોથી નાટકમાં આવેલ પરિવર્તન માંથી નિષ્પન્ન આધુનિકતા તપાસવાનો મેં પ્રયાસ કર્યો છે.

વનપર્વમાં આવતી રાજકુમારી સુકન્યા અને મહર્ષિ ચ્યવનની કથા ‘પુરંદર પરાજય’માં છે. ચ્યવન ઋષિની આંખો ફૂટી જવાથી સુકન્યા એમને વર્યા પછી પૂરી નિષ્ઠાથી પતિની સેવા કરે છે. જયારે આ નાટકમાં સુકન્યા મહાભારતની સુક્ન્યાથી તદન અલગ છે. અહિયાં સુકન્યાનો વિદ્રોહ, અંધ પતિ સાથે રહેવાનો નકાર, આ બધું એને પૌરાણિક પત્રથી જુદી પાડે છે. મુનશીની સુકન્યા કહી શકે છે,
“આની પત્ની ! મારે આની પત્ની રહેવું નથી. હું અહીં પળવાર રહેવાની નથી.”

એ ઋષિના આશ્રમમાં સતત અકળામણ અનુભવે છે. પોતાની યુવાની અને રૂપસૌંદર્ય પ્રત્યે અહોભાવ ધરાવતી એ અશ્વિનીકુમારોને પોતાનું અપહરણ કરવા સુદ્ધાં બોલાવે છે. વળી અશ્વિનીકુમારો થકી થનાર પુત્રને ભાર્ગવ જનપદનો કુલપતિ બનાવવાનું સહજતાથી વિચારી શકે છે. ચ્યવન ઋષિનાના કોપનો એને ભય નથી. એમની પીડાની દૂર દૂર સુધી કોઇ ફિકર નથી. પોતાના સ્વાર્થમાં રાચતી આ સુકન્યા આજનાં સમયની પ્રતિનિધિ છે.

અલબત્ત, નાટયાંતે એક નાગલોકની એક સ્ત્રી થકી સુકન્યાને થતો સત્ય બોધ, અને પતિવ્રતા ધર્મથી ચલિત થયાનો અફસોસ, એના પાત્રને ગતિશીલ બનાવે છે. અને નાટકને નાટ્યાત્મક ક્ષણ પૂરી પાડે છે.

“અવિભક્ત આત્મા”ના અંતમાં અરુંધતી અને વસિષ્ઠના લગ્ન દ્વારા એમ કહેવું મુનશીને અભિપ્રેત હોઇ શકે તપ અને પદ કરતાં સ્નેહનું મૂલ્ય વધારે છે. અરુંધતી સપ્તર્ષિ પદ પ્રાપ્ત કરવા તપ આદરે છે. તપની સિદ્ધિના લોભથી અરુંધતી વિશિષ્ઠનો અતિ પ્રિય સમાગમ છોડી દે છે. અરુંધતી કહે છે કે “હું પરણું એટલે મારાપણું મટી જાય- મારો તમામ લોપ થઇ જાય. ભગવતી સંભૂતિ ને ભગવતી અનસૂયાની માફક તમારો આશ્રમ શોભાવવામાં, તમારી પ્રજા પાળવામાં, તમારી સેવા કરવામાં જ મારી તપશ્ચર્યા પૂરી થઇ જાય.” એના શબ્દોમાં વ્યક્ત થતી મહત્વકાંક્ષા બ્રહ્મર્ષિઓને સુ:સાધ્ય એવું પદ મેળવવાની કામના એ જ આજની કારકીર્દી પાછળની દોટ.

એ જ અરુંધતી વસિષ્ઠને સપ્તર્ષિ પદ મળ્યા બાદ પોતાના હજાર શિષ્યોને ભૂલી જઇને એમની સાથે ચાલી નીકળે છે.

‘તર્પણ’ અને ‘પુત્રસમોવડી’ બંને નાટક થોડે ઘણે અંશે મળતાં આવે છે. પિતાની માગણી અને હુકમ ખાતર કે પ્રભાવ હેઠળ સંતાનોનું બલિદાન છે. સ્વતંત્રતાનો મહિમા છે.

‘તર્પણ’માં સહસ્ત્રાર્જુને જમદગ્નિ માર્યા ત્યારથી તે સગર ગાદીએ બેઠાં ત્યાં સુધીની એક સતત વિપ્લવાત્મક વિગ્રહ ચાલી રહ્યો હતો એનો છેલ્લો પ્રસંગ આલેખાયો છે.

સગરના પાલક પિતા ઔર્વ અને સુવર્ણાના પિતા વીતહવ્ય કટ્ટર વેરી છે. સુવર્ણા પિતાનાં દુશ્મનના દીકરા સગરને કહે છે, “હું હૈહય રાજકન્યા છું. હું વરુ તે વર બાપ વરાવે તે નહી.”

સગરને આવતી કાલે હૈહય નગરને હણવાનું છે. ત્યારે અનુભવેલો એનો મનોસંઘર્ષ,
“સુવર્ણા ન મળે તો.. શું કરું ? કઇ સૂઝતું નથી. પિતામહને સુવર્ણા-કોની સાથે રહું ? કોનો કોલ પાળું? કોને છોડું? કોને વિસારું ? કોનો દ્રોહ કરું ? ઓ યમ, તું તો મારી વ્હારે ધા.. આ.. વિડંબણામાંથી છોડવ..”

સગરની આ ઉક્તિ માત્ર એની ન રહેતા આપણી બને છે, મારી તમારી આજ વ્યથા છે.

“પુત્રસમોવડી”ના કેન્દ્રમાં દાનવોના ગુરુ શુક્રાચાર્યની પુત્રી દેવયાની છે. પુત્રતુલ્ય થવા મથતી દેવયાની શુક્રાચાર્યનાં પ્રભાવમાં જીવે છે. પ્રથમ પ્રેમી કચથી પિતાને ખાતર છૂટી પડે છે. યયાતિ સાથેના લગ્નમાં પણ ઇન્દ્રાસન પર વિજય મેળવવાની શરત મૂકે છે. દેવયાનીમાં તેજ છે પણ એ તેજ પ્રકાશ ફેલાવવાને બદલે અન્યોને દઝાડે છે. વિદ્રોહ એને નિર્માલ્ય સ્ત્રી સ્ત્રી બનાવતો નથી. પણ મૂળ સ્ત્રીની પ્રકૃતિથી વિપરીત બનવા મથતી દેવયાની શુક્રાચાર્યના હાથની કઠપૂતડી લાગે છે.

આમ મુનશીના આ નાટકોમાં પૌરાણિક પત્રોમાં આવેલાં કાલ્પનિક બદલાવથી એમનો તંતુ આજનાં સમય સાથે જોડી શકાય છે.