Special issue on K. M. Munshi
ક.મા.મુનશી વિશેષાંક

પાત્ર પ્રધાન નવલકથા – પૃથિવીવલ્લભ

ક.મા.મુનશીએ ગુજરાતી સાહિત્યના એક અગ્રણી સાહિત્યકાર છે. તેમને સામાજિક - ઐતિહાસિક નવલકથાઓ તેમજ નાટકો લખ્યા છે. ઉપરાંત જીવનના ચડાવ ઉતારને આલેખતી આત્મકથા પણ લખી છે . તો ગુજરાતની અસ્મિતા આલેખવાનો પ્રયાસ પણ તેમને કર્યો છે.

શ્રી મુનશીએ ગુજરાતનો નાથ , પાટણની પ્રભુતા , રાજાધિરાજ , જય સોમનાથ , પૃથિવીવલ્લભ , ભગવાન કૌટિલ્ય વગેરે જેવી ઐતિહાસિક નવલકથાઓ રચી છે .તેમાં પૃથિવીવલ્લભ ખૂબ વખોડાઈ અને વખણાઈલી નવલકથા છે. કથાનું સ્વરૂપ લઘુનવલનું છે. નવલકથાનો મુખ્ય આશય મુંજની કીર્તિ ગાવાનો દેખાય છે . કથા આમ જોઈતો મુંજ-મૃણાલના પ્રણયની છે.

મૃણાલ તૈલપની તપસ્વની બહેન છે . તેને ઈચ્છા છે કે પોતાનો ભાઈ મુંજને કોઈ પણ રીતે યુધ્ધમાં હરાવી લાવે અને પાદપ્રક્ષાલન કરાવે . અને તેના માટે તે સતત પોતાના ભાઈને ઉચ્છ્કેરતી રહે છે . તૈલપને પણ એવી ઈચ્છા છે કે મુંજને હરાવી તેની આગળ પાદપ્રક્ષાલન કરાવું . કારણ કે મુંજે તેને યુધ્ધમાં સોળ વખત હરાવીને પાદપ્રક્ષાલન કારવ્યું હતું અને જીવતદાન આપ્યું હતું . આ અપમાનનો બદલો લેવાની ઈચ્છા લઈને તૈલપ જીવતો હતો .

આ પાત્ર પ્રધાન નવલકથા છે. બીજી રીતે કહીએ તો મુંજના વૈભવની કથા છે. તેમને એન કેન પ્રકારે મુંજને ગોલ્ડન હીરો બનાવવાનો પ્રયત્ન કર્યો છે . નવલકથામાં એવા ઘણા પ્રસંગો હતાં જ્યાં મુંજને ઝુકાવી શક્યા હોત પરંતુ મુનશીએ એ તકને જતી કરી છે . યુધ્ધમાં મુંજની હાર થાય અને ભિલ્લમરાજને હાથે પકડાય . ભિલ્લમરાજને આંનદ છે કે તેમના હાથે એક મહા બળવાન યોધ્ધાને યુધ્ધમાં પકડાયો છે . પરંતુ આ ભિલ્લમરાજ જયારે મૃણાલવતીને મળે છે ત્યારે એવું લાગે કે મુન્જનો કોઈ કવિ તેની કવિતા ગાતો હોય . તે કહે છે – “ મુંજ જેવો નર આખી પૃથિવીમાં સો વર્ષે એક પાકે, હજાર વર્ષે નજરે ચઢે , પણ દશ હજાર વર્ષે પણ આમ પકડાઈ આવતો ભાળીએ નહિ .” ( પૃ.૧૮ )

મૃણાલવતી મુંજને પાપી ગણતી . એજ મૃણાલ નવલકથાનાં અંતમાં તેને પરમેશ્વર મને છે .મુંજને ધિક્કારતી , જેને જોવાથી પણ પાપ લાગે અને તેને ભયંકર માં ભયંકર સજા થવી જોઈએ .તેના ભાઈને કહે છે –“ તારી પાસે અવંતીમાં અનેકવાર પગ ધોવડાવ્યા છે; તારી અને મારી કીર્તિ કલંકિત કરવા અનેક કાવ્યો રચ્યા ને રચાવ્યા છે. એને તો રિબાવી રિબાવી મારવો જોઈએ –ત્યારે જ તારું વેર વળે એમ છે .” (પૃ .૩૦ ) મુંજ –મૃણાલનો પ્રથમ મેળાપ વખતનો સંવાદ જુઓં કે કાષ્ઠપીંજરનો પ્રસંગ કે પાદપ્રક્ષાલન ગમે તે પ્રસંગે મુંજને ચડિયાતો અને તેની વાગ્વિલાસ આગળ બધાને નમતા કર્યા છે .

તૈલપ મુંજની હાંસી ઉડાવવા માટે કાષ્ઠપીંજરમાં પુરી નગર વચ્ચે ઉભો રાખે છે .પરંતુ કઇક જુદું જ બને છે . ખુદ તૈલપ જ હસીને પાત્ર બની જાય છે . પાદપ્રક્ષાલનનો પ્રસંગ જુઓ . પરંપરાથી એવો રિવાજ છે કે જે રાજા યુધ્ધમાં હારી જાય તે વિજેતા રાજાના પગ ધુએ અને પોતાનું રાજ્ય મેળવે અથવા મૃત્યને વરે . પરંતુ અહિ એવું કશુજ બનતું નથી . તૈલપ મુંજને પોતાના પગ ધોવાનું ફરમાન કરે છે ત્યારે મુંજ જે વળતો જવાબ આપે છે તે જુઓ – “ સ્યુનરાજ ! પૃથિવી- વલ્લભના પગ ધોઈ હાથ પર રહેલી ભીનાશ જેની સુકાઈ નથી તે તૈલપના હું પગ ધોઉં ? કઈ ભ્રમિત થયા છો ? “ (પૃ .૧૦૬ )

મૃણાલ આ નવલકથાનું એવુ જ એક મહત્વનું પાત્ર છે . તૈલપની વિધવા બહેન . જેવું એનું જીવન વેરાન હતું તેવુ જ એનું રાજ્ય . તેના જીવનમાં કોઈ આનંદ નહોતો . અને એટલે જ એને રાજ્ય માંથી સંગીત અને કવિતા ને દેશ વટો આપ્યો હતો . ગાવા – નાચવાની મનાઈ હતી . જપ ,તપ અને સંયમ એજ એનું જીવન હતું . પરંતુ મુંજ નો સ્પર્શ થતાં જ તેના જીવનમાં એક નવી કુપળ ફૂટે છે . પચાસને આરે ઉભેલી મૃણાલ સોળ વર્ષની કન્યાની જેમ નાચી ઉઠે છે .શરૂઆતમાં જે તૈલપને મુંજને મારવાની સલાહ આપતી હતી એ જ મૃણાલ આજે મુંજની થઈને બેઠી છે.તે કહે છે-“પૃથ્વીવલ્લભ ! તમે ગાંડી કરી નાખી છે.બોલો શું કરું ?”(પૃ-૧૨૯)

નવલકથાનું ત્રીજું મહત્વનું પાત્ર તૈલપનું છે . માન્યખેટનો રાજા છે . તેને સોળ વખત મુંજ સામે પરાજય વેઠ્યો છે . અને સોળ વખત મુંજના પગ ધોઈને પોતાનું રાજ્ય પાછુ મેળવ્યું છે . તૈલપ કપટ કરીને મુંજને યુધ્ધમાં હરાવે છે .પરંતુ નવલકથામાં તૈલપ ક્યાંય રાજા હોય તેવું વિશેષ લાગતું નથી . કોઈપણ નિર્ણય તે જાતે લઇ શકતો નથી . યુધ્ધમાં મુંજને હરાવીને કારાગૃહમાં પુરે છે . પાદપ્રક્ષાલન કરાવવામાં આવે છે કે લાકડાના પીંજરામાં પૂરવામાં આવે કે હાથીના પગ નીચે છુન્દવામાં આવે દરેક જગ્યાએ તૈલપ કરતાં મુંજની કીર્તિમાં વધારો થયો હોય તેવી લાગે છે . યુધ્ધમાં હાર્યા બાદ જયારે નગરમાં મુંજને લાવવામાં આવે છે ત્યારે તૈલપની વિજયયાત્રા નહિ પણ મુંજની વિજયયાત્રા સવિશેષ લાગે છે .

લક્ષ્મીદેવી હોય કે વિલાસવતી , ભિલ્લમ હોય કે રસનીધી દરેક પાત્રોને મુન્શીએ પોતાની રીતે ન્યાય આપ્યો છે . પરતું આ બધા જ લોકો મુંજ આગળ ઝાંખા લાગે છે .

મુનશીએ છેલ્લે ભારતની આસ્મિતા ઉજાગર કરતા મુંજ પાસે જ કહેડાવ્યું છે –“ લક્ષ્મી તો ગોવિન્દને ત્યાં જશે , કીર્તિ વીરોને ત્યાં જશે , પણ યશના પુંજરૂપ મુંજ રાજ મરતા બિચારી સરસ્વતી નિરાધાર થઇ રહેશે .” (પૃ.૧૬૬ ) અને પોતાની બહાદુરી બતાવતા કહે છે –જો પૃથ્વીવલ્લભ ગભરાય તો પૃથિવી રસાતાળ જાય .

નવલકથામાં સંવાદો વિશેષ છે . નાના નાના પ્રકરણોમાં વિભાજીત હોવાથી વાચકોનો કંટાળો નવલકથાને વેઠવો પડ્યો નથી . સંવાદો નાટ્યાત્મક હોઈ તેનું નાટ્ય રૂપાંતર શક્યું બન્યું છે . અને તેના લીધે જ ગુજરાતી તેમજ અન્ય ભાષામાં આ નવલકથા ઉપરથી ફિલ્મો બની છે .