Special issue on K. M. Munshi
ક.મા.મુનશી વિશેષાંક

ચરિત્રકાર ક.મા.મુનશી : ‘નર્મદ: અર્વાચીનોમાં આદ્ય’ પુસ્તક સંદર્ભે

હજારોની ભીડમાં કોઈ એક એવું વ્યક્તિત્વ હોય છે જે મનને આકર્ષી જાય છે. તેનામાં રહેલું કોઈ વિશિષ્ટ તત્વ આખી ભીડમાં નોખું તરી આવે છે. તેના વિશે વધુ જાણવાની ઈચ્છા પ્રગટે છે અને ઘણું બધું જાણ્યા પછી તે બાબતો અન્યને જણાવવા માણસ ઉત્સુક બનતો હોય છે. આ ધરતી પર ઘણા એવા વીર થઇ જાય છે જે પોતાના કર્મોથી અન્યોને પ્રભાવિત કરી જાય છે અને આ પ્રભાવ તળે રહી કોઈ સર્જક ચરિત્રનું સર્જન કરે છે. આવા જ સુધારકયુગના અગ્રગણ્ય સેનાની નર્મદના જીવનચરિત્રનું, વ્યક્તિત્વનું આલેખન ગાંધીયુગના લેખક કનૈયાલાલ મુનશી પોતાના પુસ્તક ‘નર્મદ : અર્વાચીનોમાં આદ્ય’માં કરે છે.

ગુજરાતી સાહિત્યમાં જો આપણે જીવનચરિત્રકારની શોધ કરવા જઈએ તો આપણને ધારી સફળતા મળતી નથી. નર્મદ પહેલાં આ દિશામાં કોઈએ કાર્ય કર્યું હોય તેવું જણાતું નથી. નર્મદે ‘કવિચરિત્ર’ લખીને આ વિસ્તાર તરફ સર્જકોનું ધ્યાન ખેંચ્યું હતું. સુધારક યુગ અને પંડિત યુગમાં આ સાહિત્ય સ્વરૂપમાં આપણને ધ્યાનાકર્ષક કહી શકાય તેવું ખેડાણ થયેલું જોવા મળે છે. નર્મદ, મહીપતરામ નીલકંઠ, નવલરામ પંડ્યા, ગોવર્ધરામ ત્રિપાઠી, બળવંતરાય ઠાકોર જેવા સર્જકો પાસેથી આપણને ચરિત્રો સાંપડે છે. ત્યાર બાદ કિશોરલાલ મશરૂવાલા અને મહાદેવભાઈ દેસાઈ પણ મધુર શૈલીમાં જીવનચરિત્ર આપે છે. અહીં એક વાત નોંધ લેવા જેવી ખરી કે વિશ્વનાથ ભટ્ટ અને કનૈયાલાલ મુનશી સમાન વિષયો પર જ ચરિત્ર આલેખે છે. વિશ્વનાથ ભટ્ટ પાસેથી ‘વીર નર્મદ’ અને કનૈયાલાલ મુનશી પાસેથી ‘નર્મદઃ અર્વાચીનોમાં આદ્ય’ મળે છે. બંને સર્જકોએ એક જ વ્યક્તિને કેન્દ્રમાં રાખીને ચરિત્ર સર્જન કર્યું હોવા છતાં પોતપોતાની શૈલીમાં પોતાની આગવી વિશેષતાઓ આંકી બતાવી છે. ત્યાર બાદ ઘણા સર્જકો આ ક્ષેત્રે પોતાની કલમ ચલાવે છે. અને જેમ ચરિત્રોની સંખ્યા વધતી જાય છે તેમ ચરિત્રકારોની નિરૂપણપદ્ધતિમાં રસાળતા આવતી જાય છે ને ઉત્તમ ચરિત્રો આપણને પ્રાપ્ત થાય છે.

“નવલરામે ચરિત્રલેખકમાં સત્ય, શોધ, વિવેક અને વર્ણનશક્તિ એ ચાર ગુણોની અનિવાર્યતા બતાવી છે ત્યારથી આપણે ત્યાં જીવનચરિત્રને પણ સાહિત્યના એક કલાપ્રકાર તરીકે જોવાના પ્રયાસ થયા છે. વાસ્તવમાં જીવનચરિત્રમાં સત્ય હકીકતોની આવશ્યકતા સાથે જેટલી જરૂરિયાત એમાંથી સુંદર વ્યક્તિચિત્ર ઊઠી આવે એની છે એટલી જ જરૂરિયાત સૌંદર્યદૃષ્ટિની છે અને તો જ સર્જનાત્મક અંશોથી દીપતી મનોરમ કલાકૃતિનું નિર્માણ થઈ શકે. વૈજ્ઞાનિક ચોકસાઈ, વિવેકબુદ્ધિ અને તાટસ્થ્ય કેળવી પ્રમાણભૂત સાધનસામગ્રીનું શ્રમપૂર્વક સંપાદન કરવું પડે છે.”[1] ચરિત્રકાર તરીકે આવશ્યક એવી મૂળભૂત બાબતોની વાત અહીં કરવામાં આવી છે.

નવલકથાકાર, નાટ્યકાર, નવલિકાકાર અને આત્મકથાકાર તરીકે પ્રસિદ્ધ થયેલા ક.મા.મુનશી એક સારા ચરિત્રકાર પણ છે. તેમની પાસેથી આપણને બે પ્રભાવશાળી વ્યક્તિના ચરિત્રો સાંપડે છે. ‘નરસૈંયો : ભક્ત હરિનો’(૧૯૩૩)માં તેમણે નરસિંહ મહેતાનું ચરિત્ર સુંદર રીતે આલેખ્યું છે, તો ‘નર્મદ : અર્વાચીનોમાં આદ્ય’(૧૯૩૯) પુસ્તકમાં વીર નર્મદના વ્યક્તિત્વને પ્રગટ કરે છે. ઉપેન્દ્ર ર. ભટ્ટ પોતાના પુસ્તક ‘ચરિત્રસાહિત્ય’માં વિશ્વનાથ ભટ્ટના ‘વીર નર્મદ’ને સમસ્ત ગુજરાતી ચરિત્રવાંગ્મયની સર્વોત્તમ ચરિત્રકૃતિ ઠેરવ્યા પછી મુનશીની આ બે કૃતિઓને દ્વિતીય સ્થાને મૂકી આપે છે. આ બાબત જ મુનશી એક સફળ ચરિત્રકાર હતા એ વાતની સાબિતી પૂરે છે.

ઈ.સ.૧૯૩૨-૩૩માં જેલમાં લખાયેલું નર્મદનું ચરિત્ર ઈ.સ.૧૯૩૯માં પુસ્તકરૂપે પ્રગટ થાય છે. સાત પ્રકરણો અને ૧૨૮ પૃષ્ઠોમાં આલેખાયેલું વીર નર્મદનું વ્યક્તિત્વ મુનશી એક સારા ચરિત્રકાર પણ હતા તે બાબત સ્પષ્ટ કરી આપે છે. મુનશીએ નર્મદના વ્યક્તિત્વનો, સાહિત્યનો ઊંડાણથી અભ્યાસ કર્યો હોવાનો ખ્યાલ આપણને પુસ્તક વાંચતા જ થાય છે. નર્મદની કવિતા, નર્મદ થકી વિકાસ પામતું ગદ્ય,અન્ય સર્જકોના નર્મદ વિશેના વિચારો, પોતાના નર્મદ પરના કેટલાક વ્યાખ્યાનોનો ઉલ્લેખ પણ આપણને મુનશીની વિદ્વતા બતાવે છે.

મુનશી આ પુસ્તકમાં ચરિત્રનાયક માટેનું આકર્ષણ ઉભું કરી શક્યા છે. નર્મદના વ્યક્તિત્વનાં બધાં જ પાસાંઓને મુનશી ખોલી આપે છે. નર્મદનો જુસ્સો, મનોમંથન અને વિચારોને મુનશી વાર્તાકારની શૈલીમાં આપણી સમક્ષ મૂકી આપે છે. તેના કારણે જ ચરિત્ર માત્ર હકીકતનું નિરૂપણ ન રહેતા સુંદર રૂપ ધારણ કરે છે.

નર્મદ પિતાના આગ્રહને વશ થઈને સુરત આવે છે ત્યાંથી મુનશી એ શરૂઆત કરી છે. અઢાર વર્ષના નર્મદના મનની વાત તથા ઉપસ્થિત થતા પ્રશ્નો પ્રથમ પ્રકરણમાં આલેખાયા છે. નામના મેળવવા માટેની નર્મદની ઇચ્છાની વાત પણ જોવા મળે છે. પત્નીનું અવસાન થતાં ૧૮૫૪માં સુરત છોડી મુંબઈ પાછા ફરતા નર્મદના જીવનની વાત બીજા પ્રકરણમાં છે. ઇન્સ્ટિટ્યુટમાં ફરીથી જોડાયેલા નર્મદ અન્ય વિદ્વાનો, સર્જકો અને મિત્રોના સંપર્કમાં આવે છે તથા ‘બુદ્ધિવર્ધક’ સભામાં સક્રિય બને છે. ગદ્યના ખેડાણની શરૂઆત કરનાર નર્મદ આપણને પ્રારંભના સુધારાના ત્રણ નિબંધો આપી જાય છે. ‘કવિજીવનનો પ્રારમ્ભ’ નામના ત્રીજા પ્રકરણમાં એક વાણિયા શેઠની પુત્રીના દુઃખને રજૂ કરતં. નર્મદનું કાવ્ય તેના કવિતાની દિશામાં ભરાતા ડગલાંરૂપે આવે છે. આ જ પ્રકરણમાં આપણને મુનશીના સાહિત્ય અંગેના થોડા વિચારો પણ જાણવા મળે છે. કલમને મા શારદા માની માથું નમાવનાર નર્મદ નોકરી છોડીને સુધારાના પયગંબર બનીને સમાજમાં સુધારો આણવા પ્રયત્નશીલ બને છે. ‘બુદ્ધિવર્ધક’ની જવાબદારી સંભાળનાર નર્મદ પાસેથી સ્ત્રીધર્મ, ન્યાત, ધર્મ વગેરે જેવા વિષયો પર કવિતા અને ભાષણો મળે છે. તો જદુનાથજી સામે ‘શાસ્ત્રો ઈશ્વરકૃત નથી’ એમ કહી તે સમયના સમાજમાં એક નવા વિચારનો પવન ફૂંકતા નર્મદનું દર્શન મુનશીની કલમ આપણને કરાવે છે.

‘પ્રેમશોર્ય’ને પોતાનો જીવનમંત્ર બનાવનાર નર્મદના જીવનમાં ઈ.સ.૧૮૬૦માં પ્રવેશનાર ડાહીગવરી નામની સ્ત્રી સર્જન પર શી અસર પાડે છે તેનું આલેખન પણ મુનશી કાવ્યનો આધાર લઈને કરે છે. ખુવાર થતા પ્રેમચંદ રાયચંદની અસર નર્મદની આર્થિક બાબતો પર પડે છે. સુરત પાછા ફરેલા નર્મદ પાસેથી આપણને ‘હિન્દુઓની પડતી’ મળે છે. ‘સરસ્વતી મંદિર’ની રચના દેવું કરીને કરનાર નર્મદ ત્યાં બેસીને જ લખે છે. નર્મદાગૌરી નામની વિધવા સાથે યથાવિધિ લગ્ન કરનાર નર્મદ સુધારાનો શંખ ફૂંકે છે. પરંતુ, પોતાની કલમ થકી ભાષાને સમૃદ્ધ કરનાર નર્મદ હવે હતાશા, નિરાશા તરફ વળવા માંડે છે. જીવનસંધ્યા તરફ પ્રયાણ કરતા નર્મદ સુરત છોડી મુંબઈ આવે છે. રાષ્ટ્રના રહસ્યોને કવિતામાં સમજાવતા એ નર્મદ એક ધર્માદા ખાતામાં મહિને સો રૂપિયાનું મંત્રીપદ સ્વીકારી પોતાના હાથે ‘વીર નર્મદ’ને જાણે કે મારી નાખે છે. આ સમયની નર્મદની મનોવ્યથા મુનશીએ કાવ્યો થકી વધુ ઘેરી બનાવીને મૂકી છે. ઈ.સ.૧૮૮૬માં મૃત્યુ પામતા નર્મદની સમગ્રતા વિષે ટૂંકમાં વાત કરીને મુનશી પોતાનો અભિપ્રાય જણાવી કૃતિને સમેટી લે છે.

‘ચરિત્રસાહિત્ય’માં ડૉ. ઉપેન્દ્ર ભટ્ટ નોંધે છે : “નર્મદ ગુજરાતની અસ્મિતાનો મહાન વિધાયક હતો અને થોડે માનવસહજ નિર્બળતાને લીધે મહત્તર હતો એ પ્રયોજન સિદ્ધ કરવાના હેતુથી આલેખાયેલી આ ચરિત્રકૃતિ સુવિકસિત જીવનકથા જેવી નહિ પણ જીવનરેખા જેવે લાગે છે. વિવિધ પ્રસંગોનું નિરૂપણ એવું તો તાદૃશ અને નાટ્યાત્મક છે, વર્ણન એવું સચોટ છે, સંવાદનો ઉપયોગ એવો તો યથાસ્થાને છે અને વીર તથા કરુણ રસની જમાવટ એવી નૈસર્ગિક છે કે નર્મદનું વ્યક્તિચિત્ર મુનશીની કલમે સજીવ બની ઉઠાવ પામે છે.”[2]

નર્મદનાં જીવનના વિવિધ પાસાંઓને ઉઘાડવામાં મુનશી સફળ થયા છે. તેઓ આપણી સમક્ષ તરવરતા નર્મદને પણ મૂકે છે અને એ જ નર્મદની પ્રૌઢ કલમ થકી ઉપસતાં એક વ્યક્તિત્વનું પણ દર્શન કરાવે છે. સુધારાના પયગંબર તરીકે નર્મદને દુનિયા સામે મૂકી આપનાર મુનશી સુધારાલક્ષી પ્રવૃત્તિ તરફ પણ આપણું ધ્યાન ખેંચે છે. નર્મદમાં રહેલા એ ઉત્સાહને પણ મુનશી બતાવે છે. તો બીજી બાજુ તેની વ્યથાને પણ ઉઘાડી કરી દે છે. જીવનના અંત તરફ જતા નર્મદના ભાવો તેમની કૃતિમાં કેવી રીતે પડઘાય છે તેની વાત મુનશીએ કરી છે.

નર્મદના સમગ્ર વ્યક્તિત્વને ટૂંકમાં રજૂ કરતી વખતે ક.મા.મુનશી કહે છે, “આમ નર્મદ જીવે છે અને આમ જાય છે. એ બે યુગને સંગમે, જન્મ્યો ને નવા યુગનો સ્રષ્ટા થયો. એણે નવા સંસ્કાર ઝીલ્યા ને જૂનાને સંશોધ્યા. એણે જૂના રસ, અલંકારને નાયિકાવિષયો નવા જમાનાને શીખવ્યા. પિંગળ, વ્યાકરણ, કોશ ને પુરાતત્વના પાયા નાખ્યા. જૂનાં બંધનોમાંથી મુક્ત કરી કવિતાને એણે અદ્ભુતરંગી, આત્મલક્ષી, ઊર્મિથી તરવરતી કરી મૂકી. એણે ઊર્મિગીતનો પ્રારંભ કર્યો; પ્રકૃતિવર્ણનનો નાદ લગાડ્યો; પ્રણયને યોગ્ય સ્થાને રાખી પૂજ્યો; જીવનનો ઉલ્લાસ તેણે માણ્યો તેવો ગાયો. એણે ગદ્યને વિશુદ્ધ કર્યું; રસમયતા - ચિત્રમયતાને માર્ગે વહેતું કર્યું; ભાષણ ને નિબંધ સુંદર કર્યો. ઇતિહાસ સર્જનમાં પ્રથમ પગલાં માંડ્યાં. આત્મકથાની દિશા દેખાડી.”[3] અહીં મુનશીની પ્રભાવક ભાષાશૈલી, શબ્દચિત્ર ઊભું કરવાની કળા આપણને જોવા મળે છે.

નર્મદની કવિતા વાંચતી વખતે આપણને પ્રશ્ન થાય કે, ‘શું આ સાહિત્ય છે કે માત્ર જોડકણા ?’ ભાષણ વાંચતી વખતે પણ આવા જ પ્રશ્નો આપણા મનમાં ઉપસ્થિત થાય. કારણકે, અત્યારે જે ગુજરાતી ભાષા છે તે નર્મદના સમયે તો હજુ વિકસતી હતી. શુદ્ધ સાહિત્ય અથવા સ્વરૂપ કે સ્વરૂપભાસ જેવા મુદ્દાઓ ચર્ચાયા નહોતા. તે સમયે નર્મદનો જમાનો શું માનતો હતો તે વાત મુનશી પોતાની ભાષામાં રજૂ કરતાં કહે છે, “સારી ચોપડીઓનો શોભા; માંકડ ચાંચડ વન ને ઋતુઓની યાદીઓ; હુન્નર ઉપર નિબંધ, સ્ત્રી સ્વાતંત્ર્ય ને શ્રીમંતના ધર્મ ઉપર, વિધવાઓ ને દેશની પડતી વિષે ભાષણો આ બધાને જોડકણાંમાં મૂકવાથી સાહિત્ય રચાયું એમ ‘બુદ્ધિવર્ધક’ જમાનો માનતો હતો. સચોટ કથન એટલે પ્રોત્સાહક, વાગ્પટુ કથન; સરસ કથન એટલે અલંકારયુક્ત ને પ્રાસ છંદબદ્ધ કથન – આ નર્મદની માન્યતાઓ.”[4] આ બધી સ્પષ્ટતાઓ સાથે મુનશી તે સમયના લોકોના સાહિત્ય અંગેના વિચારો જણાવી દે છે.

વિનોદ અધ્વર્યુ આ પુસ્તક સંદર્ભે પોતાના મંતવ્યો જણાવતાં કહે છે કે, “નર્મદનું ચરિત્ર મુનશીનાં આદર્શો અને અભિગમો તથા માનસિક વલણોને પણ પ્રગટ કરે છે. મુનશીનાં રંગદર્શી, ઉદ્દામ, પ્રગલ્ભ અને બળવાખોર માનસને નર્મદમાં અનુકૂળ આદર્શ દેખાય, ને ‘પ્રેમશૌર્ય’માં પોતાનો જીવનમંત્ર મળી રહે તે સ્વાભાવિક છે. તેમની નવલકથાઓમાંનાં જે જે મહત્વનાં પાત્રોમાં લેખકે પોતાનાં અનુભવો અથવા આકાંક્ષાઓનું પ્રક્ષેપણ કર્યું છે તે બધામાં આ ‘પ્રેમ’ અને ‘શૌર્ય’ પ્રવર્તતાં જણાશે.”[5] નર્મદનું વ્યક્તિત્વ મુનશીને તેનું ચરિત્ર લખવા આકર્ષતું હોય તેમ બને અને તે થકી એક ચરિત્રકાર મુનશી આપણને મળી રહે છે.

મુનશીએ આ ચરિત્રમાં નર્મદના જીવનની બધી જ ઘટનાઓમાં સાલવારીનો ઉલ્લેખ કર્યો નથી. પરંતુ જ્યાં જરૂર જણાઈ છે ત્યાં સ્પષ્ટ માહિતી મૂકી આપી છે. મુનશીએ પોતાના વિશિષ્ટ દૃષ્ટિબિંદુનો ઉપયોગ કરીને વીર નર્મદના ચરિત્રનું આલેખન કર્યું છે. મુનશીની રસપ્રધાન શૈલીએ આ પુસ્તકની ઊણપોને ખૂબીથી ઢાંકી દેવાનું કામ કર્યું છે. મુનશીએ નર્મદના જીવનની હકીકતોનું શુષ્ક વર્ણન નથી કર્યું, પરંતુ પોતે નર્મદને જે રીતે કલ્પ્યા છે અને ઓળખ્યા છે તે થકી નર્મદના વ્યક્તિત્વને શબ્દના માધ્યમથી ઉપસાવ્યું છે.

મુનશીએ આ પુસ્તકના લેખન માટે નર્મદની આત્મકથા, કવિતા, નિબંધો, લેખો, પોતાના વ્યાખ્યાનો તથા અન્ય સર્જકોનાં પુસ્તકોનો આધાર લીધો છે. જ્યાં જરૂર ઉભી થઇ છે ત્યાં તેમણે આ બધી બાબતોને રજૂ પણ કરી આપી છે. મુનશીએ તટસ્થ બનીને એક ચરિત્રકારની ભૂમિકા પણ ભજવી છે. તેમણે નર્મદના નામે કે તેના વિચારોના નામે પોતાના અભિપ્રાયો વાચક પર ઠોકી બેસાડવાનું કામ કર્યું નથી. નર્મદના વિચારોનું અર્થઘટન કરી પોતાની ભાષામાં રજૂ અવશ્ય કર્યાં છે. ઘણી વાર જે-તે બાબતોને લઈને પોતાના મંતવ્યો પણ રજૂ કરી આપ્યા છે. આ મંતવ્યો ચરિત્રને સમજવામાં ઉપકારક બને છે નહિ કે અવરોધક.

મુનશીની નવલકથાઓ, નાટકો કે આત્મકથા વિશે જેટલી ચર્ચાઓ થઈ છે, તેટલી ચર્ચા તેમણે લખેલા જીવનચરિત્ર વિશે થયેલી જોવા મળી નથી. પરંતુ જેમણે પણ ચર્ચા કરી છે તેમણે મુનશીના આ પુસ્તકને વખાણ્યું છે અને જરૂર પડી છે ત્યાં અમુક બાબતો અંગે નોંધ પણ કરી છે. મનસુખલાલ ઝવેરી આ પુસ્તક સંદર્ભે વાત કરતાં કહે છે કે, “આ કૃતિ, નર્મદની વિસ્તૃત અને પ્રમાણભૂત જીવનકથા નથી; પણ નર્મદનું સજીવ અને સુરેખ શબ્દચિત્ર છે. એમાં વીર, સત્ય અને રસિક ટેકીપણાની મૂર્તિ જેવો નર્મદ ખડો થાય છે. મુનશી આ નવયુગના અરુણને રાષ્ટ્રીય અસ્મિતાના દ્રષ્ટા તરીકે ઓળખાવે છે. એમાં, નર્મદ હિન્દુ છે, તેને હિન્દુપણાનું અભિમાન છે અને હિન્દુઓને જ તે દેશજનતા ગણે છે, તેને મને ભારતનું રાષ્ટ્ર એટલે હિન્દુરાષ્ટ્ર જ, એ હકીકતની ઉપેક્ષા થઈ છે.”[6]

નર્મદના જીવનકાળ દરમ્યાનની રાજકીય ગતિવિધિ, સામાજિક સ્થિતિ, ધાર્મિક માન્યતાઓ, શિક્ષણ, વ્યવસાય, રૂઢિ-પરંપરા, નર્મદ સાથે સંકળાયેલી અન્ય વ્યક્તિઓ - આ બધું જ મુનશીની વિશિષ્ટ શૈલીને કારણે સુંદર રીતે આલેખન પામી શક્યા છે. આ બધાની ઉપસ્થિતિ હોવા છતાં નર્મદનું વ્યક્તિત્વ ક્યાંય ઝાંખું પડતું આપણને જોવા મળતું નથી. આ બધી બાબતો નર્મદના વિચારોને, તેના ચરિત્રને વધુ સારી રીતે આપણી સમક્ષ સ્પષ્ટ કરે છે. ચરિત્રકારના ચાર ગુણો – સત્ય, શોધ, વિવેક અને વર્ણનશક્તિને મુનશીએ આત્મસાત કર્યા હોય તેવું લાગે છે. ક્યાંય ચરિત્ર શુષ્ક જણાતું નથી, કે મુનશી વિવેક ચૂક્યા હોય તેમ પણ બનતું નથી. મુનશીએ નર્મદ અંગેની બધી બાબતો બરાબર શોધીને સત્યની નજીક રહીને જ જીવનચરિત્ર આલેખ્યું છે.

મુનશીએ પોતાના સર્જનમાં ચરિત્રો ભલે ઓછા આપ્યા હોય, પરંતુ ઘણા સારા આપ્યા છે. તેમના ચરિત્રો સંખ્યાની દૃષ્ટિએ નહિ પરંતુ ગુણવત્તાની દૃષ્ટિએ મહત્વના છે. નર્મદના આંતર-બાહ્ય વ્યક્તિત્વને સાચી રીતે સમજવામાં મુનશીનું આ પુસ્તક સર્વને ઉપયોગી થાય તેવું છે. નવલકથાકાર, નાટ્યકાર, આત્મકથાકાર, નવલિકાકારની પાછળ ક્યાંક છુપાઈ ગયેલા ચરિત્રકાર મુનશી નર્મદના વ્યક્તિત્વનું આલેખન કરતી વખતે આ પુસ્તકના માધ્યમથી આપણી સમક્ષ પ્રગટ થયા વગર રહેતા નથી.

પાદટીપ :
  1. [1] ‘કનૈયાલાલ મુનશી’, રતિલાલ સાં. નાયક, સોમાભાઈ પટેલ, પૃ.૨૦૮
  2. [2] એજન પૃ.૨૧૨
  3. [3] ‘નર્મદઃ અર્વાચીનોમાં આદ્ય’, કનૈયાલાલ મુનશી, પૃ.૧૨૬-૧૨૭
  4. [4] એજન પૃ.૧૨૭
  5. [5] ‘મુનશી’, વિનોદ અધ્વર્યુ, પૃ.૫૬
  6. [6] ‘કનૈયાલાલ મુનશી’, મનસુખલાલ ઝવેરી, પૃ.૪૫