Special issue on K. M. Munshi
ક.મા.મુનશી વિશેષાંક

ઐતિહાસિક નવલકથા તરીકે ‘પાટણની પ્રભુતા’ નવલકથાનું મૂલ્યાંકન

‘પાટણની પ્રભુતા’ મુનશીની ઐતિહાસિક નવલકથામાંની પ્રથમ નવલકથા છે. ‘ગુજરાતી‘ સાપ્તાહિકમાં આ કથા ધારાવાહિક રીતે છપાતી હતી. ઈ.સ. ૧૯૧૬માં એ પુસ્તકકારે પ્રગટ થઇ. એમાં ગુજરાતના સોલંકીયુગના રાજકીય, ધાર્મિક, સત્તાસંઘર્ષની સાથે મીનળ-મુંજાલ, હંસા-દેવપ્રસાદ તથા ત્રિભુવન-પ્રસન્ન વગેરેના પ્રેમ-સંબંધોની કથા નિરુપાઇ છે. યશવંત દોશીના મતે-
“મુનશીની નવલકથાઓની પીઠિકામાં ઇતિહાસ રહેલો હોય છે, પણ એમની નવલકથાઓના ઘણા પાત્રો અને પ્રસંગો કાલ્પનિક હોય છે. તે એક સુવિદિત બીના છે.”[1]

‘પાટણની પ્રભુતા’ એમની પહેલી ઐતિહાસિક નવલકથા. આ નવલકથાએ મુનશીને નવલકથાકાર તરીકે ગુજરાતી સાહિત્યમાં માનભર્યું સ્થાન અપાવ્યું છે. જોકે ‘પાટણની પ્રભુતા’ નવલકથા આરંભની હોઇ તેનું વસ્તુગૂંફન ‘ગુજરાતનો નાથ’ નવલકથાના મુકાબલે શિથિલ લાગે, પણ તોય વાચકને રસપ્રવાહમાં સતત રમમાણ રાખતી પ્રસંગપરંપરા અને કલાથી ભરપૂર સંયોજન ગુજરાતી ઐતિહાસિક નવલકથામાં તો ‘પાટણની પ્રભુતા’ નવલકથામાં પહેલ વહેલી વાર જોવા મળે છે.

મુનશીએ ‘પાટણની પ્રભુતા’ નવલકથામાં ઇતિહાસને અવગણીને કાળવ્યુત્ક્રમનો દોષ વહોરી લીધો છે તો પણ નવલકથામાં તેમણે વાર્તાસંયોજનની જે સિદ્ધિ દાખવી છે તે આજ લગી અદ્વિતિય છે.

‘પાટણની પ્રભુતા’ નવલકથા સોલંકીયુગના કર્ણદેવ સોલંકી અને તેના પુત્ર સિદ્ધરાજ જયસિંહના સમયના બનાવોને કેન્દ્રમાં રાખી લખાયેલી નવલકથા છે. મુનશી એને ઐતિહાસિક નવલકથા તરીકે ઓળખાવે છે. છતાં ‘પાટણની પ્રભુતા’ નવલકથાની ઐતિહાસિક્તાનો પ્રશ્ન ઉચિત રીતે જ ચર્ચાસ્પદ બન્યો છે.

‘પાટણની પ્રભુતા’ ઐતિહાસિક નવલકથામાં ઉપરથી દેખાતા ઐતિહાસિક વસ્તુમાં ઘણું મિશ્રણ થયું છે. ‘પાટણની પ્રભુતા’ ને વાર્તા તરીકે જ જોતા તેમાં અપ્રતીતિકર અંશો ઘણા બધાં છે. છતાં તેની ખીલવણી અને સંઘર્ષનો વિકાસ રસપૂર્ણ છે, એટલે વાર્તા વાચક માટે રસમય બને છે. વાર્તામાંથી રસને ગ્રહણ કરવામાં બે મુખ્ય વિરોધ આવી પડે છે. એક તો ગુજરતનો ઇતિહાસ ઘણો વિકૃત આલેખ્યો છે- આ કે આવો ઇતિહાસ છે જ નહી, એ એકદમ સત્ય હકીકત છે. એટલે જે સત્ય છે તેના માટે વાચકને તૈયાર કરવો એ મુનશીએ પાર પાડ્યું છે. છતાં રસ નિષ્પન્ન કરવામાં વિલંબ સર્જાય છે જ અને બીજું કલ્પનાના ઝબકારા છતાં દુમાની આંગળી પકડીને ચલાય છે, અને તેના પ્રસંગો, આલેખનો આ વાર્તામાં બંધબેસતા કરવાની પ્રવૃત્તિથી મુનશીનું પોતાનું કલ્પનાનું દર્શન નબળું પડે છે.

મીનળ-મુંજાલની પ્રણયકથા જે આ નવલકથાનું મુખ્ય અંગ છે તે મુનશીની કલ્પનાનું સર્જન છે. મુંજાલ જેવો મહાઅમાત્ય અને ગુજરાતની લોકપ્રિય રાણી એકબીજાને પરસ્પર પ્રેમ કરે એ ઐતિહાસિક સત્ય વિરુદ્ધ હોવા ઉપરાંત નૈતિકતાની દ્રષ્ટિએ પણ ચર્ચાસ્પદ પ્રશ્ન બને છે. જોકે મુનશીએ બન્નેનો પ્રેમ વિશુદ્ધ બતાવ્યો છે એટલે ક્ષમ્ય ગણી શકાય. વળી, મુંજાલ પણ ઇતિહાસમાં છે એવો નહીં, મુનશીની અતિમાનવની કલ્પનાને સાકાર કરે એવો બતાવ્યો છે. આનંદસૂરિનું પાત્ર અને તેનું વ્યક્તિત્વ મુનશીની કલ્પનાનું ફળ છે, તેમ દેવપ્રસાદને જૈનોના કટ્ટર દુશ્મન તરીકે બતાવી, આનંદસૂરિ અને તેને એકબીજાને દ્વેષ રાખતા બતાવી બન્ને પાત્રોને ઐતિહાસિક દ્રષ્ટિએ તો અન્યાય જ કર્યો છે.

ઇતિહાસમાં પ્રસિદ્ધ છે તે પ્રમાણે કર્ણદેવના મૃત્યુ પ્રસંગે રાજમાતા ઉદયમતી, મંત્રી શાંતુ મહેતા, મદનપાળ, મયણલ્લાદેવી પાટણના રાજ્યતંત્રમાં મહત્વપૂર્ણ સ્થાન ધરાવતાં હતાં. મુંજાલ તથા ઉદા મહેતાની ભૂમિકા અતિ ગૌણ હતી. શાંતુ મહેતાનું રાજકાજમાં કાંઇ ઉપજતું નથી; જ્યારે મુંજાલ મહેતા અને ઉદા મહેતા આ નવલકથામાં અગત્યનો ભાગ ભજવે છે. વિધવા રાજમાતા ઉદયમતીનો તો આ નવલકથામાં લેખકે કાંકરો જ કાઢી નાખ્યો છે. કોઇ પ્રસંગે તેના દર્શન આપણને થતાં નથી. આ વાર્તામાં મુંજાલના ચરિત્રમાં મોટેભાગે પોતાની અંગત પ્રણયસંવેદના, ગુજરાતની રાજકીય એકતા અને અસ્મિતાની ભાવના ઉપરાંત ‘નિત્શે’ ની જેમ અતિમાનવ ( superman ) ની કલ્પનાને મૂર્ત કરવાનો લેખકનો હેતું પ્રધાનસ્થાને રહે છે.

મુંજાલ અને મીનળ વચ્ચે આંતરિક પ્રણય પ્રગટે છે. મીનળ અને કર્ણદેવ વચ્ચે અંતર પડે છે. ઇતિહાસના આ બંને ભવ્ય અને ગૌરવવંતા પાત્રો મીનળદેવી અને મુંજાલને પોતપોતાના પ્રિયપાત્ર સાથે બેવફાઇ કરીને એકબીજાને ચોરીછૂપી ચાહતાં બતાવ્યા છે. મીનળ-મૂંજાલનો આવો અદભૂત સ્નેહસંબંધ માત્ર મુનશીની નવલકથા સિવાય ક્યાંય મળશે નહીં. તે સમયના વિવેચકોએ પણ આવા નિરુપણના આકરા પ્રશ્નો ઉઠાવ્યાં છે. લોકોની નજરમાં પવિત્ર, પતિપરાયણ અને ચારિત્ર્યવાન હતી તે રાજમાતા મીનળ પોતાના પતિને ‘પારકો’ કહી મુંજાલ જોડે દૈહિક સંબંધ સુધીની ઇચ્છા સેવે અને આવો ગુપ્તપ્રેમ રાખે તે લોકભાવનાને અરુચિકર જ નહીં આઘાતકારક પમાડનાર જ નીવડે તે સ્વાભાવિક છે.

મીનળદેવી-કર્ણદેવનો એકબીજાનો પ્રેમસંબંધ ઇતિહાસમાં અને અન્યત્ર અનેક સ્થળે વર્ણવેલો જોવા મળે છે. મીનળ કર્ણદેવ પર મોહિત થઈને તેને પરણવાનું કહેણ મોકલી ચૂકી હતી અને કર્ણદેવને વરવા જાતે ગુજરાતમાં આવી હતી એવી હકીકતો ઐતિહાસિક ઉલ્લેખો પરથી મળે છે અને છતાં મુનશી આપણને શું બતાવે છે? પતિ પરાયણ મનાયેલી રાજમાતા મીનળ પતિ કર્ણદેવ પ્રત્યે માત્ર શરીરસંબંધ સિવાય હૃદયમાં તેના પ્રત્યે સ્નેહની કોઈ લાગણી જ જાણે બતાવતી નથી.

મુનશી પોતે બચાવ કરતાં કહે છે કે વિધવા રાણી તેજસ્વી પ્રધાન માટે પ્રેમ રાખે એ પ્રસંગ કદી બનતો નથી એમ કોણ કહી શકે? આવું સંભવ નથી એમ નહીં કહી શકાય, પણ ઐતિહાસિક નવલકથામાં તો આવી પ્રસંગ-ઘટના જો અગત્યની હોય અને મહત્વના પાત્રો સાથે સંબંધ ધરાવતી હોય તો એ બની છે કે નહીં તે જ ધ્યાનમાં લેવું જોઈએ. આથી આવું કલ્પનાસર્જન કાલદ્રષ્ટિએ વખણવાલાયક હોવા છતાં ઐતિહાસિક નવલકથા માટે તો દોષવાળું જ દેખાય છે.

મુનશીની આ નવલકથામાં કેટલાંક બીજા પ્રધાનપાત્રોની બાબતમાં પણ ઇતિહાસની આધારભૂત હકીકતોથી પર જઈ મુનશીએ કલ્પનાનો દોર છૂટો મૂકી તેમાં ફેરફારો કર્યા છે અને તેમને તેમના સમયમાં નહીં પણ આજના સમયમાં હોય તેવાં આલેખ્યાં છે, તેમજ નવા પાત્રો ઉપજાવી કાઢ્યાં છે તે ઐતિહાસિક નવલકથામાં ઇતિહાસની અવગણનારૂપ ગણાયું છે. પ્રસન્ન ઉર્ફે કાશ્મીરાદેવીનો મીનળદેવીની ભત્રીજી તરીકેનો સંબંધ મુનશીની કલ્પનાનું પરિણામ છે. આ તોફાની, મસ્તીભરી કંઈક અંશે મર્યાદાહીન અને વડીલોની આજ્ઞાની અવગણના કરીને પણ ઇચ્છાવર વરતી પ્રસન્ન સિદ્ધરાજના સમયની સ્ત્રીઓ વિશેનો ભ્રામક ખ્યાલ આપે છે. પ્રસન્નનો માનવવિકાસ સિદ્ધરાજના સમયમાં સંભવિત નથી. આ પાત્ર સંપૂર્ણ કાલ્પનિક લાગે છે. વિચાર અને વર્તનથી બારમી સદીનું નહીં પણ પૂર્ણત: વીસમી સદીનું જ લાગે છે. અહીં પ્રશ્ન એ થાય છે કે આવા પાત્રો ઇતિહાસ સાથે બંધબેસતા નથી. આથી આવા પાત્રોમાં કાળવ્યુત્ક્રમનો દોષ આવી જાય છે અને છતાં બચાવપક્ષે એટલું તો જરૂર કબલવું પડે છે કે તેમ કરીને પણ તેમણે પાત્રોને જીવંત વ્યકિતત્વવાળાં બનાવ્યાં છે. ઐતિહાસિક બનાવોનો ત્યાગ કરી કલ્પિત રચનાને સ્થાન આપવા પાછળ લેખકની દ્રષ્ટિ ઇતિહાસસિદ્ધ બનાવોને વિકૃત કરવાની નથી, પણ એક સુંદર કલાકૃતિનું નિર્માણ કરવાની છે અને એથી એમના હાથે થયેલો આ ઇતિહાસભંગ સહ્ય બને છે.

‘ઉદાએ વાત કેવી રીતે જાળવી’ આ પ્રકરણ મુનશીની શૈલી અને રજૂઆત માટે શ્રેષ્ઠ ગણાય. ગઢવીની પ્રેરક વાણી વિશે પણ મુનશીની ઝીણી ઝીણી મજાકો રસપૂર્ણ છે. ગઢવી કોઈનું સાંભળ્યા વગર વીરરસ જમાવ્યે જાય છે, એ ચિત્ર ‘હ્યુમર’નું સારું ઉદાહરણ છે. મુનશીએ આવી જ શૈલી અને અભિવ્યક્તિ ચાલુ રાખ્યાં હોત તો ઘણું સારું પરિણામ આવત. ‘ઐતિહાસિક નવલકથા’ને આ રીતે લખવાનો-જોવાનો પ્રયત્ન કરી જોવા જેવો હતો-અને છે. માત્ર ગંભીર બનીને અદ્ભુત રસ બતાવવાને બદલે તેમાં જયાં જ્યાં વિચિત્ર રસપ્રસંગો હોય, એને લેખક હાસ્ય દ્વારા વધુ સારી રીતે પોતાની કથામાં આલેખી શકે. કદાચ આ રસ્તો વધારે યોગ્ય જણાય. અલબત્ત, પાત્રોનું ગૌરવ જાળવીને થઈ શકે.

અહીં શા માટે અને શી રીતે?- એ બે મહત્વના પ્રશ્નોના જવાબ મુનશીએ ટાળી દીધેલાં છે અને આપણે માની જ લેવાનું છે, આ વાર્તાની પૂર્વભૂમિકારૂપે છે પણ સંભવિતતાથી ઘણું દૂર છે. વાર્તાને આવા મૂળગત કે ચમત્કારિક અસંભવ દોષ ઉપર ચાલવું પડે છે. વાર્તાને કલાની દ્રષ્ટિએ નબળી પાડે છે. મુંજાલ જેવા મહાપુરુષ માટે પણ આ કલંક અનિવાર્ય જ હતું? લેખક વાર્તામાં બતાવે છે તેમ મીનળદેવી મુંજાલની પ્રેમિકા હતી અને તેની સલાહ, સૂચનો કે આજ્ઞા પ્રમાણે જ વર્તન કરતી. આ કામ પણ મુંજાલની સલાહ કે આજ્ઞાથી જ થયું એમ માનવામાં હરકત નથી. મુંજાલની બૌદ્ધિક મહાનતા સામે, એ આવું કોઈ કામ કરવા જેટલો મૂર્ખ પણ હતો એ ખ્યાલ પાત્રની રચનામાં વિરોધ ઉપસાવે છે. એ પોતે દેવપ્રસાદને કાબૂમાં રાખવા અથવા દેશદાઝથી પ્રેરાઈને પાટણની મહાનતા અખંડ ટકાવી રાખવા આ કામ કર્યું હોવાનો ત્રિભુવન પાસે દાવો કરે છે. પરંતુ એનાથી મોટો પોકળ અને ગળે ઊતરે તેવો બાલિશ વિચાર મુંજાલનો આખી વાર્તામાં બીજો એકેય નથી!

અહીં વિચારવા જેવો એક અગત્યનો પ્રશ્ન આ છે. પત્ની, પુત્ર અને બહેન આ બધાંનો ત્યાગ કરનાર મુંજાલ કેવો અંધ પ્રેમી છે, એ સુચવાય છે. મીનળ-મુંજાલનો લગ્નબાહ્ય પ્રણયસંબંધ વિષયવાસના દૂષિત છે કે કેમ? કારણ કે અહીં મુંજાલના પાત્ર દ્વારા એક પ્રેમી પ્રેમિકા પાછળ કેટલી હદે પાગલ છે એનો ખ્યાલ આવે છે. પણ મુંજાલને શરૂઆતમાં જ મહાન, સર્વદૅષ્ટા નિરૂપ્યો છે તેથી વિરોધ સર્જાય છે.

ગમે તેમ મુનશીએ મુંજાલને ઉદાત્ત, મહાન, ગુજરાતની અસ્મિતાનો પુરસ્કર્તા બનાવવા ધાર્યો છે, પણ એ અભિમાની, દ્વેષી અને સંકુચિત વિચારસરણી ધરાવનાર માણસ છે. એવી લાગણી બે પ્રસંગમાં થયા વગર રહેતી નથી. એક જતિ સાથેના પ્રસંગ અને વિરોધમાં, બીજી વાર સ્પષ્ટ રીતે કીર્તિદેવ,સામેના પોતાના ટૂંકા વિચાર અને વર્તનમાં.

મુંજાલ ગર્વ અને પોતાપણાથી જ ભારતના એક બનવામાં અડચણરૂપ બને છે. મુનશી પણ આ જાણતા-સમજતા હોવા જોઈએ એટલે કાક દ્વારા તેની ભૂલ સુધરાવી લીધી છે. તે કીર્તિદેવના સ્વપ્નમાં અંજાઈ જાય છે અને ‘રાજાધિરાજ’ ઐતિહાસિક નવલકથામાં લાટનો ત્યાગ પાટણના વિકાસ માટે કરે છે. મુંજાલથી કાકમાં થતો વિકાસ મુનશીનો વિચાર છે.

મીનળદેવી વિદેશી છે. ચંદ્રાવતીની છે, પાટણની નથી. આ વાત પર આ કથામાં વધુ ભાર મૂકાય છે. આથી તે પાટણની પ્રજા અને મંડલેશ્વરનો વિશ્વાસ ગુમાવે છે, ત્યારે ત્રિભુવનપાળ બહારનો હોવા છતાં ‘સોલંકી’ હોવાથી થોડી વાર માટે પાટણનો લાડકો રાજા બની જાય છે. મીનળદેવી કે બીજી કોઈ પણ રાણી પાટણ બહારની જ હોય. પરણીને આવેલી સ્ત્રી પરદેશથી એટલે પાટણ બહારથી જ ન આવે તો ક્યાંથી આવે? ઉદયમતી કે સિદ્ધરાજની લીલાદેવી એ શું પાટણ બહારની નથી? ટૂંકમાં, રાણીઓ બહારથી જ લાવવી પડે એ સ્વાભાવિક હોય અને મન ફાવે ત્યારે આ મુદ્દા પર ભાર મૂકવામાં પાટણ લોક્શાહીને બદલે રેઢિયાળ પ્રજાવાળું શહેર હોય એવું લાગે છે. નહિતર કર્ણદેવને દબાવી મુંજાલને પ્રેમ કરતી અને કારણ વગર દેવપ્રસાદની પત્નીને કેદમાં પૂરી દેતી મીનળદેવી સામે પાટણના લોકોનો લોકશાહી અને ધાર્મિક જોશ કેમ દેખાતો જ નથી? છતાં કથામાં ખલનાયિકા, દુષ્ટતા જેવું પાત્ર ભજવતી મીનળદેવીનું પાત્ર યોગ્ય લાગે છે, કેમ કે મીનળદેવીએ મુંજાલને મનાવતી વખતે એનું ખરું કારણ જણાવ્યું છે. મુંજાલે ફોસલાવીને કર્ણદેવ સાથે પરણાવી ત્યારે એનું હૃદય બળી ગયું. છેતરપિંડી કરવાથી એનું વર્તન ઉદ્ધત બની ગયું. એના સ્ત્રીત્વ સાથે કરાયેલ રમતથી એની લાગણી દુભાઈ ગઈ એટલે એણે આ રીતે વેર વાળ્યું. આ પ્રસંગ યોગ્ય લાગે છે. તે ખલનાયિકા મટીને દયાવાન પાત્ર એવા કરુણપાત્રમાં જોવા મળે છે.

આગળ જતાં કરુણ અને વીરરસના બનાવો પણ કથામાં જોવા મળે છે. વાર્તાની શરૂઆતમાં બતાવેલ ‘જતિનો પ્રસંગ’ ઝડપ પકડે છે. મીનળ મુંજાલને કેદ પકડાવી, દેવપ્રસાદ-હંસાને છૂટા પાડવાનો પ્રયાસ કરે છે. ત્યાં રુદ્રમહાલય બાળી, કૂદી પડેલા દેવપ્રસાદનો સરસ્વતી નદીમાં પણ પીછો પકડી બંનેનું મૃત્યુ કરાવે છે. અહીં નાટકીય રીતે પરાકાષ્ઠાના બનાવો બને છે. પરાકાષ્ઠા પછી ધીમેધીમે કથાવસ્તુ આગળ વધી પૂર્ણ થાય છે. કથાના સંઘર્ષો અને જુદા જુદા પ્રવાહો નિશ્ચય સ્થાને અટકે છે. સંઘર્ષથી ખળભળી ઊઠી અંતમા કથા સમતુલા પ્રાપ્ત કરે છે. અહીં જીવનની લીલા સુંદર રીતે વર્ણવાઈ છે.

પ્રસન્ન અને ત્રિભુવનના પ્રસંગમાં ‘ઉદાએ વાત કેવી રીતે જાળવી?’ આ પ્રકરણમાં અને ‘ના જાઓ તજી અમને’માં મૌલિક પ્રતિભાના ચમકારા મુનશીએ દેખાડ્યા છે. દુમાથી સ્વતંત્રપણે પણ ક્યાંક તેઓ આગળ વધી શક્યા છે અને ત્યાં તેમની કળા આપણને બીજરૂપે દેખાય છે. એ સિવાય દેવપ્રસાદ અને હંસાના નિરૂપણમાં ખાસ કરીને મરણપ્રસંગે અતિચિત્રણ વાતાવરણ બનાવ્યું છે, છતાં લેખકની કલા સારી પેઠે જળવાય છે, અને મુનશી તેમાં મૌલિક પણ છે જ.

આમ, અહીં કથા અને વસ્તુ એકબીજામાં એકરૂપ બની ઓગળી જતાં જણાય છે. કથા, કથા નથી રહેતી પણ એક સુગઠિત રચના બનીને, સરસ નાટકીય રચના તરીકે આવે છે. મુનશીની આ સિદ્ધિ ‘પાટણની પ્રભુતા’ નવલકથામાં જોઈ શકાય છે. મુનશીને પ્રિય એવો ‘રોમાન્સ’ રજૂ કરવા માટે ઐતિહાસિક નવલકથાના સ્થળકાળ ઠીક ઠીક સહાય કરે છે. વાસ્તવિક જીવન, જીવંત પાત્રો અને રહસ્યને લીધે ઐતિહાસિક રોમાન્સો નવલકથા બનવા જાય છે. આથી જ તો રવીન્દ્રનાથ ટાગોર કહે છે તેમ “ઇતિહાસના સંગમથી નવલકથામાં એક વિશેષ પ્રકારના રસનો સંચાર થાય છે”[2]

અહીં નવલકથા રોમાન્સ હોવા છતાં એટલી વાસ્તવિક લાગે છે કે તેને નવલકથા કહેવાનું મન થાય. વાતાવરણ પણ મધ્યકાળનું છે. પાત્રો વધુ પડતા જીવંત છે. ધબકવું જોઈએ એ કરતાં ઘણાં વધુ ઝડપથી તેમના જીવન, મન અને હૃદય ધબકી રહ્યાં છે. પ્રસંગો, બનાવો, અક્સ્માતો પણ એટલા ગતિશીલ છે જે સામાન્ય જીવનમાં જ ન સંભવે. રહસ્ય પણ આવું જ જીવનને લગતું નહિ પણ આદર્શો કે ભાવનાને લગતું છે. આ આદર્શ અને ભાવના પણ પ્રજાકીય છે. જેમ કે, ગુજરાતની અસ્મિતા, ભવ્ય સંસ્કૃતિનું ગાન, ઊજળું જીવન, અખંડ ભારતની ભાવના આ બધું જ વ્યક્તિગત નથી પણ પ્રજાકીય છે. આ કથામાં દરેક રહસ્ય સત્ય બનીને નહિ પણ સંદેશરૂપે આવે છે. અહીં ગુજરાતનો જય, પાટણની પ્રજાની ગણતંત્ર જેવી રાજ્યનીતિ, પ્રજાની જાગરુક્તા વગેરે સંદેશ માટે ફલિત થાય છે. પણ સંદેશ એ સત્તાથી નીચેની અને એક આંખે જોયેલ વસ્તું છે. ગુજરાતનો જય પણ અવંતી અને સોરઠને લાટને ભોગે? તે તે પ્રજાની લાગણીઓનું ત્યાં શું? વળી સ્વપ્નદ્રષ્ટાઓ ગુજરાતની અસ્મિતા સામે હારી જાય છે તેમાં પણ એવી જ એકરૂપતા છે. એટલે રોમાન્સને બદલે ‘નૉવેલ’ કહેવાનું મન થાય તોયે મનને મનાવી લેવું જોઈએ ‘મુનશી-અભ્યાસ : જીવન અને સાહિત્ય’ ના સર્જક કહે છે તેમ- “બહુ બહુ તો રોમાન્સ છે, એને નવલકથા કહી શકાય નહિ.”[3] છતાં ‘રોમાન્સ’ લખવો એ સહેલી વાત નથી અને મુનશીએ એ કાર્ય સફળતાથી પાર પાડ્યું છે એમાં બે મત નથી.

આ કથામાં મુંજાલ અને મીનળનો પ્રેમ વાર્તાનું મધ્યબિંદુ છે. પરંતુ કર્ણદેવનું માત્ર ચિત્ર જોઈને તેની પાછળ મુગ્ધ થનારી કન્યા મુંજાલ સાથે પ્રેમ ક્યાંથી રાખે? મુનશીએ આ પ્રમાણે પોતાના પાત્રોમાં ઐતિહાસિક ઘટનાઓને રમતી મૂકી. આ કથામાં ફ્રેન્ચ ઇતિહાસની કાયા પલટાવી આપણા ગુજરાતના ઇતિહાસમાં તેને મૂક્યો છે અને તેથી મીનળદેવી જેવી સતી, પતિપરાયણા અને આદરણીય રાણીને વળી ક્રૂર, વ્યભિચાર કરતી ચીતરી ઇતિહાસનું ખૂન કર્યું છે.

મહાન સ્ત્રી-પુરુષો પણ મનુષ્યો છે. મનુષ્યોનું બીજું નામ રસ છે. મીનળદેવીને મુંજાલના પ્રેમમાં પાડી એ અપરાધ-અપરાધ હોય તો પણ મોટો નથી. વસ્તુત: એ અપરાધ જ નથી, સાચું જોતાં કથાકાર જ આ છૂટ, મેળવી લે છે. તેમાં પણ જે ઔચિત્ય સાચવવું જોઈએ એ મુનશીએ બરાબર સાચવ્યું છે. મીનળ-મુંજાલ વચ્ચે એકાન્ત સમાગમના ઘણાં પ્રસંગો આવે છે, પણ એમનો વિશુદ્ધ પ્રેમ સદા પવિત્ર જ રહે છે. આ પ્રકારની પવિત્રતાનું પ્રથમ દર્શન શ્રી ગોવર્ધનરામે કુમુદના પાત્ર દ્વારા કરાવ્યું. અપાત્ર પતિના પનારે પડેલી, અને સંજોગવશાત્ જેની સાથે પોતાનું વેવિશાળ થયા પછી લગ્નસંસાર માણવાના ઓરતા અધૂરા જ રહી ગયેલા એ મનના માણીગર સરસ્વતીચંદ્ર સાથે વિધવા કથાનાયિકા કુમુદ દામ્પત્યજીવન માણવાને બદલે પોતાની નાની બહેન કુસુમ સાથે પરણાવે છે. મીનળદેવી પણ કુમુદસુંદરીની જેમ પ્રણયસંબંધને પવિત્ર રાખવા માંગે છે. તે પછીનો દોર ન્હાનાલાલની જ્યાજયંતમાં, રમણલાલની નવલોમાં ચાલતો જ રહ્યો છે. દરેક સર્જકની રીતો કાંઈક જુદી છે. પણ ભાવના એક છે. અને તે એ કે પ્રેમ આત્માના લગ્નમાં રહેલો છે, દેહલગ્નમાં રહેલો નથી. તૃપ્તિ કરતાં ત્યાગ મોટો છે. છેક સુધી મીનળદેવી અને મુંજાલનો પ્રેમ પવિત્ર અને ગંભીર છે.

આ કથામાં પહેલેથી જ રાણી અને અમાત્ય (મીનળ-મુંજાલ) વચ્ચેનો સંબંધ સરળ અને સ્વાભાવિક રીતે વર્ણવાય છે. આ બધું મુનશીના મગજમાં એવી રીતે ગોઠવાઈ ગયું છે કે તેને પહેલેથી એની ભૂમિકા આપવાની કે કશું પણ સ્પષ્ટ કરવાની સહેજે જરૂર વર્તાઈ નથી! પહેલે જ ધડાકે મંત્રીને રાણી સાથે આમ વર્તન કરતો જોઈને નવાઈ જ લાગે છે, જાણે મંત્રીએ રાણીના પ્રેમમાં હોવું એ તદ્દન સીધી અને રાબેતા મુજબની વાત હોય! આમ, મંત્રી રાણી સાથે વર્તન કરે તેમાં રસનું ઔચિત્ય જણાતું નથી. મુનશીના મનમાં આ ઠસી જવાનું કારણ તેઓ દુમાના પગલે ચાલ્યા હતા, પરંતું ફ્રાંસ અને ગુજરાત વચ્ચે જે ફરક છે તે આ કથામાં મુનશી ભૂલી ગયા હતા. રાજમાતા મીનળને દ્રોહી, સ્વાર્થી, ઘમંડી કે ખલ સ્વભાવની ચીતરી એ મુનશીનો ફેરફાર એક ભયંકર વિકૃતિ છે, કેમ કે કોઇ પણ દ્રષ્ટિએ એ આવકાર્ય નથી, અને આધાર વગરનો તરંગ છે. ઇતિહાસપ્રસિદ્ધ ન્યાયવૃતિ અને દયાભાવના ધરાવતી મીનળદેવી ગુજરાતના ઇતિહાસમાં અને લોક હૃદયમાં જે મૂર્તિ, જે છાપ, જે આદર અને ભક્તિ ધરાવે છે, તેને તોડી પાડે છે. બીજા શબ્દોમાં કહીએ તો સારો ફેરફાર ગમે તેવો કે તેવડો કરવામાં આવે બહુ એ ધ્યાન નથી દોરતો કે નથી બહુ વિરોધ પેદા કરતો, કેમ કે સારું પરિવર્તન મનને ગમે છે. પરંતું એક બુરો ફેરફાર કરતાં લેખકે હજાર વાર વિચાર કરવો પડે, કારણ કે પહેલા જ તે રુચિ, સમજ અને ન્યાયવૃતિ સાથે અથડાશે. એટલે ખરાબ ફેરફારને જ ‘વિકૃતિ’ કહેવાય છે. ‘પાટણની પ્રભુતા’ ઐતિહાસિક નવલકથા વાંચનારને દરેક વખત વિચિત્રતાનો અનુભવ થાય જ છે પણ આપણે ઘણા સમયથી આ કથા જોતા અને સાંભળતા આવ્યા હોવાથી આ પ્રકારનો અનુભવ ભૂલી જઇએ તેમ બને. છતાં ત્રણે નવલકથા ( પાટણની પ્રભુતા, ગુજરાતનો નાથ, રાજાધિરાજ) સાથે વાંચતા, મીનળ-મુંજાલ પ્રકરણ જ્યાં શરૂ થાય ત્યાં રસભંગ અને સહેજે કંટાળો પેદા થયા વગર નથી રહેતો. આ બાબતે મુનશી તો આટલું કહે છે કે-
‘‘હું તો વ્યક્તિત્વનિરૂપણનો જ રસિયો છું, જીવંત સ્ત્રી-પુરુષો ચીતરાય છે કે નહી એ સિવાય મને બીજી પરવા નથી.’’[4]

આટલું જોતા સ્પષ્ટ થાય છે કે મુનશી સોલંકીયુગના ગુજરાતના ઇતિહાસથી અજાણ નથી. પરંતુ તેમની ઐતિહાસિક નવલકથામાં પોતાને અભિપ્રેત પાત્રોનું સર્જન અને વસ્તુવિન્યાસ માટે લોકપ્રસિદ્ધ વ્યક્તિત્વને વિકૃત રૂપમાં આલેખવામાં તેઓ સહેજે સંકોચ અનુભવતા નથી.

છતાં મુનશીએ વિરોધ અને ટીકા દ્વારા પણ ‘પાટણની પ્રભુતા’ ઐતિહાસિક નવલકથા વડે કીર્તિ જ હાંસલ કરી છે. મુનશી તો માને છે કે કાલ્પનિક પાત્રો અને પ્રસંગો સર્જી તેમાં ઐતિહાસિક રંગ પૂરી રસ જમાવવો પરંતું એથી ઇતિહાસના સત્યને બાધા ન પહોંચવી જોઇએ. સિદ્ધરાજ જયસિંહની નાની ઉંમરે રાજ્યકર્તા કર્ણદેવનું મરણ થયું. ગાદી માટે ખૂબ ખટપટો ચાલી. એ સમયે રાજ્યધુરા સંભાળીને જયસિંહદેવને ગાદીએ બેસાડવાનું કૌશલ્ય અને નેતૃત્વ મીનળે બતાવ્યું હોવું જોઇએ અને એની સાબિતી એ છે કે જયસિંહ ઉપર માતાનો પ્રભાવ ખુબ દૅઢ હતો, એ મૂંડકાવેરો માફ કરવો, મીનળ તળાવ ખોદાવવું વગેરેમાં જોઇ શકાય. મીનળે કઇ રીતે જયસિંહને ગાદીએ બેસાડ્યો એ ઇતિહાસ કહેતો નથી. માટે મુનશી કલ્પના અને પરિવર્તનનો અધિકાર ધરાવે છે. તો પછી મુંજાલ ભલે અમાત્ય રહ્યો હશે છતાં કર્ણદેવ અને મીનળ વચ્ચે મનમેળ કરાવનાર એ હતો એવી દંતકથા છે જ. મીનળદેવીને કર્ણાટક જઇ મનાવી આવનાર અને કર્ણદેવને પ્રિય બનાવનાર એ હતો, એટલો બીજરૂપ આધાર લઇને મુનશીએ પોતાની કેડી ઇતિહાસ કરતા જુદી જ કંડારી છે. એમાં દુમાની અસર પણ પૂરેપૂરી કારણભૂત હતી. એ યોગ્ય કે ઉચિત હતું એમ કહેવાનો આશય નથી પરંતુ મૂળ આ કથામાં નથી એટલું જ સનાતન સત્ય છે. વાસ્તવિક અને નૈતિક અંતરાય ત્યાં ભાવકને નડે જ.

આ પ્રકારે કલ્પના અને પરિવર્તન કરવાનો અધિકાર એના બદલામાં કંઇક પોતાનો ધર્મ પણ મુનશી સ્વીકારે છે. એ ધર્મ ઔચિત્ય, વાસ્તવલક્ષી અને ‘કાંઇક અધિક’ આલેખન કરવાનું કહે છે. આ બધું જ નિરૂપવાનો હેતું રસનું આલેખન કરવાનો છે. આમ, લેખકની યાત્રા પરિવર્તન અને કલ્પનાની પ્રતિતી સુધીની છે. એમ પણ કહી શકાય કે ઇતિહાસના મૂળના બનાવમાં કરવાનું પરિવર્તન એ પાયો છે, એના પર ચણવાની ઇમારત કલ્પનાની છે અને તેનું શિખર પરિપૂર્ણ પ્રતિતીમાં થાય છે. આમ યોગ્ય અને ઉચિત રીતે કરેલો ફેરફાર કલાને પોષક, ઉપકારક અને સાર્થક નીવડે છે. જેમ કે ઇતિહાસના મુંજાલનું ગૌણપાત્ર મુનશીએ વિકસાવીને ભવ્ય અને ઉદાત્ત આલેખેલ છે. પરંતુ એ સિવાય પણ મુનશીના જીવનમાં કાંઇક એવું હતું, જેમાં પ્રેમની પવિત્રતાને સામાજિક લગ્નકરાર કરતા અધિક પવિત્ર ગણવાનો તીવ્ર આગ્રહભર્યો બળવો રહેલો છે. એને કારણે મુનશીમાં આવા અનીતિમય લાગે છતાં અંદરથી ભારે સદાચારી એવા પ્રેમનું નિરૂપણ થયું છે.

મુનશીના પાત્રો ક્યારેય પણ રૂઢીચુસ્ત સતીત્વ કબૂલ રાખતાં નથી. એટલે જ તો અહીં મીનળ પણ અંતરથી કર્ણદેવનું સ્વામીપણું કબૂલ કરતી નથી. મુનશીના સ્ત્રીપાત્રો મોટે ભાગે સતી જ હોય છે. પણ એમનું સતીત્વ એના લગ્નબંધનથી થયેલા પતિ તરફ નથી પણ પ્રેમીઓ પ્રત્યે હોય છે. આમ અહીં મુંજાલના ચહેરાનું પ્રતિબિંબ ન જોતા મીનળને અણગમો આવે છે. આ કથામાં એક વાત તો સ્પષ્ટ છે કે મુનશી કદાપિ જયસિંહને મુંજાલનો પુત્ર કલ્પવા જેટલી હદે જાય નહિ. મુનશી ઇતિહાસકાર પણ છે અને આવડી મોટી વિકૃતિ તેઓ જ સાંખી શકે નહી. મુનશીનાં પાત્રો સ્પર્શથી પણ જરાજરામાં અભડાય જાય ત્યારે એટલાં નીચા બને નહીં એ સમજી શકાય છે. તેમના પાત્રને ચુંબન, આલિંગન સુધી જવામાં જરાયે શરમ નથી અને તેમાં તેઓ ભ્રષ્ટતા માનતા પણ નથી. મુનશીના પાત્રો ખરેખર હૃદયથી પવિત્રભાવ સેવે છે કે નહીં? તો જવાબ હકારમાં જ આપવો પડે તેમ છે. એટલે આ કથામાં પ્રેમની કરુણતા અને ઉદારતા છે. ત્યાં વ્યભિચાર કે ભ્રષ્ટતા જેવા શબ્દો જ ભોંઠા પડે છે. આ વાત ‘હૃદય અને હૃદયનાથ’ પ્રકરણમાં સ્પષ્ટ થાય છે કે ‘‘મેં તને કહ્યું, કે ક્ષુદ્ર વાસના ત્યાગી આપણે ગુજરાતના સ્તંભ થઇ રહેવું જોઇએ.’’[5]

ફ્કત એક નવલકથાના પાત્રો તરીકે લઇએ અને ઇતિહાસની વ્યક્તિ ન ગણીએ તો આવા સંબંધમાં રૂઢિભંગ સિવાય કોઈ વાંધો લઇ શકાય નહિ. એક પ્રધાન અને પટરાણી આવો ગુપ્ત સંબંધ ધરાવતા હોય તો એમાં નૈતિકતા તો સંજોગો જોઇને તય થઇ શકે, અને અશક્યતા તો એમાં છે જ નહીં, પરંતું ઐતિહાસિક અને પ્રસિદ્ધ મહત્વ ધરાવતી વ્યક્તિઓ આ કથામાં છે. તેથી તેમને વિશે ગમે તેવી કલ્પના થઇ શકે નહીં. તેથી આ આરોપ વિચારણાં માંગી લે તેવો છે.

મુનશીએ ક્યાંય સંબંધના આલેખનમાં હદ વટાવી જઇ ઉચિત ન જણાય તેવું કશું સર્જ્યું નથી. મીનળ અને મુંજાલ વચ્ચે કામવાસના છે. તેઓ કાયદેસર અપરાધી ઠરતાં નથી. કારણ આવો પ્રેમ તો આવા દરેક પ્રેમીયુગલો વચ્ચે છે. કામની તીવ્રતા છતાં તેને દબાવી દેવામાં આવે છે. બંને હારી જતા નથી, જે મહત્વનું બિંદુ છે. કસોટી વિના સાચાપણાની કેમ ખાતરી થાય? આ કથામાં મુંજાલ અને મીનળ વચ્ચેનો પ્રેમ પણ તાવણીમાં તવાય છે. એમ કહેવું વધારે યોગ્ય છે.

આમ, કોઇ પણ રીતે ક્યાંય ગેરવાજબી બનતું બતાવાયું નથી. પાટણની રાણી અને મહાઅમાત્યની પ્રતિષ્ઠાને મુનશી બરાબર જાળવે છે, તેમની મર્યાદા પૂરેપૂરી સમજે છે. કાલ્પનિક કથામાં પણ લાંછન ન લાગી જાય તેનો વિવેક મુનશી જાળવે છે. આ કથામાં મુંજાલ કે મીનળ કોઇ નિર્બળ નથી, તેમનો સ્વસ્થ સંબંધ તથા સાચો પ્રેમ જોઇને પ્રતીતિ થાય છે, તેઓ પ્રેમમાં પડ્યા નથી, ચડ્યાં છે.

આમ કોઇપણ રીતે જોઇએ, હજી સુધી વિકૃત કામ સાથે કોઇ સહમત થયેલ નથી. લેખકને પરિવર્તન કરવાનો અધિકાર છે, વિકૃત કરવાનો નહિ. મુનશીની આ વિકૃતિ સારા ગુણોના શુભ્ર આકાશમાં કાળી વાદળીની ગરજ સારે છે. મુનશી આ ખામી દૂર કરત તો દોષ વગરની નવલકથા સર્જી શકાત, એમાં કોઇ શંકા નથી. સોનાની થાળીમાં લોઢાની મેળરૂપ આ ખામી છે.

સંદર્ભગ્રંથ :
  1. [1] ‘મુનશી વિશેષાંક- ગ્રંથ અંક ૧૦-૧૧’: યશવંત દોશી, પ્રથમ આવૃત્તિ- ઓક્ટોબર ૧૯૭૧, પૃ.-૨૭.
  2. [2] ‘મુનશી વિશેષાંક- ગ્રંથ અંક ૧૦-૧૧’: યશવંત દોશી, પ્રથમ આવૃત્તિ- ઓક્ટોબર ૧૯૭૧, પૃ. ૧૭, ૧૮.
  3. [3] ‘મુનશી અભ્યાસ’ : જીવન અને સાહિત્ય : વિષ્ણુપ્રસાદ ત્રિવેદી : સંપાદક – રતિલાલ સાં. નાયક/સોમાભાઇ વી પટેલ : અનડા પ્રકાશન, અમદાવાદ. પ્રથમ આવૃત્તિ – ૧૯૬૭, પૃ. ૫૯
  4. [4] ‘સ્વપ્નસિદ્ધિની શોધમાં નવું મંત્રદર્શન’ : કનૈયાલાલ માણેકલાલ મુનશી : ભારતીય વિદ્યાભવન વતી ગૂર્જર પ્રકાશન, મહાત્મા ગાંધી માર્ગ, અમદાવાદ-૩૮૦૦૦૧. પ્રથમ આવૃત્તિ – ૧૯૫૩, પૃ. ૧૯૪, ૧૯૫.
  5. [5] ‘પાટણની પ્રભુતા’ : મુનશી કનૈયાલાલ માણેકલાલ : ગૂર્જર પ્રકાશન, મહાત્મા ગાંધી માર્ગ, અમદાવાદ-૩૮૦૦૦૧. પ્રથમ આવૃત્તિ – ૧૯૧૬, પુનર્મુદ્રણ – ડિસેમ્બર ૨૦૦૫, પૃ.-૧૬૯.