કાકાની શશી : પરંપરાગત વ્યવસાયી રંગભૂમિ અને સાહિત્યિક નાટકવચ્ચે સેતુરૂપ હાસ્યરસનું નાટક
અર્વાચીન ગુજરાતી સાહિત્યના અતિખ્યાત અને સમર્થ લેખક છે : શ્રી કનૈયાલાલ મુનશી. ( ૧૮૮૭–૧૯૭૧). માત્ર કવિતા સિવાય સાહિત્યનાં વિવિધ ક્ષેત્રે-નવલકથા, નાટક, નિબંધ, ચરિત્ર, આત્મકથા, સાહિત્યિક ઇતિહાસ...... એમણે મહત્ત્વનું પ્રદાન કર્યું છે. ગુજરાતી નવલકથા ક્ષેત્રે એમણે ચિરંજીવ, સ્મરણીય અને સીમાસ્તંભરૂપ નવલો આપી છે. જેમની નવલકથાઓ નાટ્યતત્ત્વ અને નાટ્યાત્મક શૈલીથી રસભર બની છે, તેમની પાસેથી સ્વભાવિક જ નાટકો મળે. મુનશીની પ્રતિભા એક સમર્થ નાટય્કાર તરીકેની પણ છે. નાટય્કાર મુનશીએ સામાજિક, ઐતિહાસિક અને પૌરાણિક એમ ત્રણેય પ્રકારના નાટકો લખ્યાં છે.
જેમાં - 'વાવાશેક્નું સ્વાતંત્ર્ય ' (૧૯૨૧)
- 'બે ખરાબ જણ ' (૧૯૨૪)
- ' કાકાની શશી ' (૧૯૨૭)
- ' બ્રહ્મચર્યાશ્રમ'(૧૯૨૮)
- ' પીડાગ્રસ્ત પ્રોફેસર' (૧૯૩૩)
- ' ડૉ. મધુરિકા ' (૧૯૩૬)
- ' છીએ તે જ ઠીક ' (૧૯૪૮)
- ' વાહ રે મેં વાહ! '(૧૯૪૯)
એટલાં એમનાં સામાજિક નાટકો છે. અહીં આ નાટકો પૈકી'કાકાની શશી' નાટકનું મૂલ્યાંકન કરવાનો ઉપક્રમ છે. ' કાકાની શશી' એક સામાજિક સુખાંત (કૉમેડી) નાટક છે. તેમાં હાસ્ય સારા પ્રમાણમાં છે. અગાઉના 'વાવાશેકનું સ્વાતંત્ર્ય' કે ' બે ખરાબ જણ'ની જેમ અને પછીના ' બ્રહ્મચર્યાશ્રમ'ની જેમ તેમાં ફાર્સિકલ તત્ત્વ નથી.[1] એકંદરે ગંભીરતાથી રચાયેલી નાટ્યકૃતિ છે.
તેને પ્રહસન પણ કરી શકાય. લગ્નનો પ્રશ્ન નાટકના કેન્દ્રસ્યાને છે પણ તે તેનાં વિવિધ પાસાંઓ સાથે અહીં ગંભીરતાથી રજૂ થયો છે. માત્ર લગ્ન નહીં પણ સ્ત્રી પુરુષ સંબંધને તથા સ્ત્રીઓની સ્વતંત્રતાના પ્રશ્નને અહીં વિવિધ પાત્રોનાં ઉદાહરણ સહિત ચર્ચાવામાં આવ્યો છે. આ સંદર્ભે શ્રી. વિનોદ અધ્વર્યું નોંધે છે કે, “પુરુષોની સ્ત્રી પ્રત્યેની દ્દષ્ટિ, સ્ત્રીઓની પણ લોલુપતા અને નિર્બળતા નાટકમાંથી લગભગ 'ન સ્ત્રી સ્વાતંત્ર્યમ્ અર્હતિં’નો પ્રગટતો ધ્વનિ વગેરે મુનશીનાં મંતવ્યોને વ્યકત કરે છે. એ મંતોવ્યોના સંદર્ભમાં મુનશી ભાવનાશીલ અને સુધારક નહીં, પણ મહ્દઅંશે ફ્રોઇડ્ના કામપ્રાધાન્યતાના મતને અનુસરતા અને સ્ત્રીની આધુનિક સ્વાતંત્ર્ય વાંછુ મનોવૃત્તિના વિરોધી લાગે છે.''[2]
આ જ વાત ‘મુનશી-અભ્યાસ જીવન અને સાહિત્ય’ના લેખકો એ જરા જુદી રીતે નોંધી છે. માનવજીવનમાં જાતીયવૃત્તિનું કેટલું પ્રાબલ્ય છે અને સમાજમાં અગ્રણી કહેવાતા વિદ્વાન માણસો પણ એમાં અટવાઇ કેવા શ્રુદ્ર અને હાસ્યાસ્પદ બને છે તે આ નાટકમાં લેખકે માર્મિકતાથી બતાવ્યું છે. " ઓગણસી સદીના અંતમાં અને વીસમી સદીના પ્રારંભમાં આપણે ત્યાં સ્ત્રીસ્વાતંત્ર્યની બાબતમાં જે હિલચાલો શરુ થતી હતી તેના ભાવાવેશમાં તણાઇ સ્વતંત્ર થવા મથતા સ્ત્રી સમાજના વિકૃત માનસનું સરસ ચિત્રણ કર્યું છે"[3] આમ, આ નાટકમાં લેખનો મુખ્ય અને સચોટ કટાક્ષ તો આધુનિક નારી માનસ પર છે. આધુનિક સ્ત્રીસમાજમાં વધુ ઉદ્દામ બનતી સ્ત્રીસ્વાતંત્ર્યની હીલચાલનું ચાલકબળ તો તેમનામાં રહેલી પ્રબળ અને અતૃપ્ત કામવાસના જ છે એમ લેખકે પ્રત્યક્ષ કરી બતાવ્યું છે.
નાટકના પ્રથમ અંકમાં સ્ત્રીસ્વાતંત્ર્યની હિમાયતી સ્ત્રીઓ ભેગી થાય છે. બધાંને પુરુષથી મુક્ત થવું છે, લગ્નના બંધન ખપતાં નથી અને છતાંય પુરુષનો સહચાર તો સહુ ઝંખે છે. શિવગૌરી, વિધુમુખી, પીરોજા...વગેરે કોઇને કોઇ કારણે અસંતુષ્ટ છે. પુરુષોથી સ્વતંત્ર થવાની વાતો કરવા છતાં તેમાનાં દરેકને પુરુષના સહચાર વિના ચાલતું નથી. સાંજે મનહરકાકાના આગમન વેળાએ એમની ચેષ્ટાઓથી (શિવગૌરી, લૂગડું ઠીક કરે છે, પિરોજા ગજવામાંથી નાની આરસીને પફ કાઢી પાઉડર મારી હોઠ ઉપર રંગ લગાડે છે.ગંગા ચશ્મા સાફ કરે છે. વિધુમુખી વાળ ઠીક કરે છે)[4] એ વાત સ્પષ્ટ થઇ જાય છે, એટલું જ નહીં કાકાના ગયા પછી ઇન્દ્રજીત જેવા નિર્માલ્ય પતિ મેળવનાર પુરુષ વિરોધી શિવગૌરીના સ્વગત ઉદ્દગારોમાંથી કાકા સાથે 'અફલાતુની' પ્રેમ કરવાની ઇચ્છા પ્રગટ થાય છે એમને પુરુષ સાથેની મૈત્રીનો વાંધો નથી, બલ્કે પીરોજા જેવી સ્ત્રીને તો પુરુષોની મૈત્રી વિશેષ ગમે છે. એ કહે છે : " આય મને બિલકુલ ગમતું નથી. જો મારે તો માટીડા જોઇએ, લવ કરવા, નાચવા, ડીનર પર લઇ જવા "
આ સ્ત્રીઓનું પુરુષ પ્રત્યેનું આકર્ષણ મુનશીએ મનોવૈજ્ઞાનિક અભિગમથી સરસ રીતે પ્રગટ કર્યું છે. પહેલાજ અંક્ના પહેલા પ્રવેશના અંતમાં દુર્લભરામનો પ્રવેશને એની જોહુક્મી, બીજા પ્રવેશમાં ગંગા ઇન્દ્રજિતનો મીઠો સંબંધ, ઇન્દ્રજિતની ભીરુતા, શશી-ગૌરીશંકરનો પ્રવેશને ત્યાં જ દુર્લભરામ-વલ્લભરામનું આગમન થાય છે. દુર્લભરામ ઇન્દ્રજિતને ‘એળે નહીં તો બળે' શિવગૌરીને ધસડી લાવવા પ્રેરે છે. કુંદનલાલ પણ ઓચિંતા આવી ચડે છે ને શિવગૌરીને ઉપાડી લાવવાની યોજના દુર્લભરામ-વલ્લભરામ કરે છે. દુર્લભ-વલ્લભની જોડી દ્વારા પણ મુનશીએહાસ્યરમૂજ નિષ્પન્ન કર્યાં છે.
બીજા અંકમાં શશીના પુખ્ત થવાની સામે એને અલગ મકાન-મિલકત મળવાના નિર્દેશો છે. વકીલ કુંદનલાલને એ પોતાના હક્કો અંગે જાગૃતિ પૂર્વક જાણ કરે છે. બધો જ હિસાબ સ્પષ્ટ રીતે માગે છે. પોતાની પત્ની વિધુમુખીથી અસંતુષ્ટ કુંદનલાલને પણ ધીમે ધીમે શશી તરફ એકપક્ષી પ્રેમ જાગવા માડે છે. તો ગૌરીશંકરની પણ ઘેલછા પ્રગટ થાય છે. મનહરકાકા કબાટમાનો ખાંડનો હાથી જોઇ લાળ પાડતા પુરુષ પાત્રો તરફ શશીને ચેતવે છે. બીજા અંકના બીજા પ્રવેશમાં વિધુ-કુંદનલાલના સંસારની વિસંવાદિતા વિચિત્ર રીતે પ્રગટ કરે છે. તો ત્રીજા પ્રવેશમાં પોતે જેને અપૂર્વ સ્ત્રી બનાવવા ધારી હતી તે શશી આવતીકાલે એકવીસ વર્ષ પૂરાં કરી સ્વતંત્ર થતાં જુદા બંગલામાં રહેવા જશે એ વિચારે કાકાની આંખ ભીની થાય છે.
ત્રીજો અંક પ્રવેશો અને ઘટનાઓની ભરમારથી ઘેરાયેલો છે. શશી પોતાનાથી જુદી થશે એ વિચારે મનહરકાકાનું હૈયું વ્યથિત બને છે :
" જીવનભરની આશાઓ આજે મૃગજળ ઠરી "
---------------- ---------------
" પણ ! મૃગરાજ ! એ પ્રિયમૃગજળ પાછળ મરવામાં જ મોક્ષ છે "[7]
આ ઉદગારોમાં મનકરકાકાનું શશી પ્રત્યેનું આકર્ષણ મુનશી પ્રગટ કરે છે. એજ અંકમાં ગૌરીશંકર અને કુંદનલાલનું પોત પ્રગટ છે. શશીની મિલકત અંગેનું રાજ પણ ખૂલે છે. મનહરલાલે શશીકલાને અનાથ બાલિક તરીકે કઇ રીતે પાળી-પોષી, પોતે અપરણીત રહી ઉછેરી-સંસ્કારી, ભણાવી એની વિગતો ખૂલતી જાય છે વચ્ચે-વચ્ચે ઇન્દ્રજિત, શિવગૌરી, શિવગૌરી-મનહરકાકા, કુંદનલાલ-શશી વગેરેની સંતાકૂકડી આલેખી છે અને અંતે શશીના સ્નેહભ્રમનું નિરસન કરી, શશી પાસે કાકી બનવાનો પ્રસ્તાવ મુકાવે છે..
" કાકા ! મને - મને - કાકી નહીં બનાવો ? "[8]
રચનાના અંતે મનહરલાલના " મારી શશી" અને શશીના " મારા કાકા" એવા સંવાદો મૂકાયા છે. આ રીતે નાટ્કનો અંત અસંભવિત લાગે એવો છે. નાટકના અંત સંદર્ભે 'મુનશી અભ્યાસ : જીવન અને સાહિત્ય'ના લેખકો નોંધે છે : " નાટકનો આવો એકાએક આવતો અંત વિચિત્ર અને આશ્રર્યપ્રેરક લાગે છે, એટલું જ નહીં, તે પ્રતીતિજનક પણ નથી. જીવનભરની પુરુષ વિરોધી, લગ્ન અને છોકરાના નામ માત્રથી ચીઢાતી અને સૂગાતી શશી બીજા કોઈની સામે નહીં અને સ્ત્રીશત્રુ એવા પોતાના જ પાલકની સાથે પ્રેયસીભાવે પરણવા તૈયાર થાય એ બેહદુ લાગે છે; સામે પક્ષે નવીન સ્ત્રીઓમાં નાયકણોનાં દર્શન કરનાર શશીને પુરુષોનાં હૃદય સામે રમત કરનારી માનતા માનવસ્વભાવના પારખુ મનહરકાકા પોતે પણ પાલકમાંથી પ્રેમીમાં રૂપાંતર પામી આવા પલટાને ભોળાભાવે શ્રદ્ધાપૂર્વક સ્વીકારી લે એ પણ અસ્વાભાવિક જ નહીં, કુત્રિમ લાગે છે"૯ તો વિનોદ અધ્વર્યું નોંધે છે કે "કાકાની શશીનો વાસ્તવિકતા લાવવા જતાં સુરુચિની દ્દષ્ટિએ આ ઘાતાક બની જતો અંત અત્યંત વિવાદાસ્પદ નીવડયો છે " આમ, નાટકનું વસ્તુગુંફન સુશ્લિષ્ટ બનતું નથી.
નાટક્ની પાત્રસૃષ્ટિ નિર્જીવ કે અવાસ્તવિક નથી મુંબઇના ભદ્રસમાજના સ્ત્રીપુરુષોની બનેલી પત્રસૃષ્ટિ વૈવિધ્યભરી છે. અલબત,બધા પત્રો કાકા અને શશી જેવાં સ્પષ્ટ અને સુરેખ બન્યાં નથી. કેટલાક પાત્રો ઠઠ્ઠાચિત્રો જેવાં બની ગયાં છે. નાટકની ભાષા તખતાની ભાષા બની છે. વાસ્તવિક્તાનો રણકો એમાં ઉપસે છે, તેમ છતાં એનું ગાંભીર્ય જળવાયું નથી ક્યાંક ક્યાંક ' ભીડીં બજારિયોં ' શબ્દોનો ઉપયોગ થયો છે, જે પાત્રના ગૌરવને હણે છે. પાત્રોની સ્વગતોક્તિનો ઉપયોગ નાટકમાં થયો છે પણ તે નાટકનાં પાત્ર કે ઘટનાના વિકાસમાં પાસ ઉપકારક બનતી નથી. તેમ છતાં આ પાત્રો, પ્રસંગો, સંવાદોની પડછે વહેતો હાસ્યરસ આ નાટકનું જમાપસું છે. આ સંદર્ભે શ્રી રવીન્દ્ર ઠાકોરે યથાર્થ જ નોંધ્યું છે કે, " આ નાટકના જમા પક્ષે એટલું જ કહી શકાય કે, વ્યવસાયી રંગભૂમિનાં નાટકોમાં 'કોમિક'નાટકથી અલગ રહીને રજૂ થતું તેને બદલે મુનશીએ અંક સળંગહાસ્યપ્રધાન નાટક આપવાનો સફળ પ્રયત્ન કર્યો છે."
આજે જ્યારે આ નાટકનું મૂલ્યંકન કરીએ છીએ ત્યારે એ નોંધવું જોઈએ કે નાટક અને રંગભૂમિની દ્દષ્ટિએ 'કાકાની શશી' ખૂબ જ મહત્ત્વની નાટ્યકૃતિ છે. સ્થળે સ્થળે નાટકી લાગતી આ કૃતિ તત્કાલીન વ્યવસાયી નાટકોના સંદર્ભે વધુ વાસ્તવિક લાગે છે. આ સંદર્ભે શ્રી વિનોદ અધ્યર્યં નોંધે છે કે, “‘કાકાની શશી’ પરંપરાગત વ્યવસાયી રંગભૂમિ અને સાહિત્યિક નાટક વચ્ચે સંતરૂપ છે તો પરંપરાગત અને અર્વાચીન નાટક વચ્ચેની પણ એ કડી છે. એમાં આપણને 'સંસ્કારાયેલી' વ્યવસાયી રંગભૂમિનું નિદર્શન મળે છે, તો સાથે સાથે વ્યવસાયી રંગભૂમિનાં રંગક્ષમ તત્ત્વોનો તેમાં સમાવેશ પણ દેખાય છે. વ્યવસાયી રંગભૂમિ પર ભજવાતાં પણ સાહિત્ય ક્ષેત્રે સ્થાન ન પામતાં નાટ્સો અને પ્રશિષ્ટ નાટ્યકૃતિ લેખાતાં પણ કાયમાળ ન નીવડતાં નાટકો એ બન્નેમાં જે ઘટે છે તે 'કાકાની શશી' માં ઓળખી શકાશે. એ રીતે એ પરંપરાગત રંગભૂમિનું નવું નાટક બને છે.”[12] આમ, વ્યવસાયી નાટકો અને સાહિત્યિક નાટકો વચ્ચે સમન્વયની પ્રારંભિક કેડી મુનશી કંડારી શક્યા એટલો સંતોષ અવશ્ય લઈ શકાય કે, ‘કાકાની શશી’ પરંપરાગત વ્યવસાયી રંગભૂમિ અને સાહિત્યિક નાટક વચ્ચે સેતુરૂપ હાસ્યનું નાટક છે.