Special issue on K. M. Munshi
ક.મા.મુનશી વિશેષાંક

નવલકથાકાર મુનશી

ગુજરાતી સાહિત્ય ક્ષેત્રે ગાંધીયુગના બે નવલકથા કારોમાં કનૈયાલાલ મુનશી અને રમણલાલ દેસાઈનું નામ એક સાથે લેવાય છે. તેજસ્વી ધારાશાસ્ત્રી, પ્રખર મુત્સદ્દી, સ્વાતંત્ર્યસંગ્રામના સાક્ષી સ્વતંત્રતા પૂર્વેના અને સ્વતંત્રતા પછીના સમયગાળાના ઉત્તમ રાજપુરુષ, ભારતીય વિદ્યાભવન જેવી વિદ્યાસંસ્થાના સ્થાપક અને કુલપતિ, ગુર્જર અસ્મિતાના ગાયક, ભારતીય સંસ્કૃતિના જ્યોતિર્ધર, સંસ્કાર પુરુષ અને પ્રતિભાશાળી સર્જક કનૈયાલાલ માણેકલાલ મુનશી, ગોવર્ધનરામ ત્રિપાઠી પછીના ઉત્તમ કોટીના નવલકથાકાર તરીકે ગુજરાતી સાહિત્યમાં જાણીતા છે. ઈ.સ. ૧૯૧૩ માં પ્રગટ કરેલ “વેરની વસુલાત”થી શરૂ કરીને તેમણે ૫૬ જેટલા ગુજરાતી અને ૩૬ જેટલા અંગ્રેજી પુસ્તકો લખ્યા છે. ગુજરાતી સાહિત્યના રસિકો મુનશીને ‘ગુજરાતનો નાથ’, ‘પૃથિવી વલ્લભ’, ‘ભગ્નપાદુકા’ અને ‘કૃષ્ણાવતાર’ જેવી નવલકથાઓના સર્જક તરીકે ભાવનાપ્રધાન ઐતિહાસિક-પૌરાણિક નાટકોના અને હાસ્યપ્રધાન સામાજિક નાટકોના કર્તા તરીકે ઓળખે છે.

‘ઘનશ્યામ’ ઉપનામ ધારણ કરી તેમણે તેમણે નવલકથા-લેખનનો આરંભ વકીલાતના વ્યવસાયની સમાંતરે કર્યો અને જોત-જોતામાં સામાજિક, ઐતિહાસિક તથા પૌરાણિક નવલકથાઓનું તેમણે માતબર સર્જન કર્યું. ‘વેરની વસુલાત’, ‘પાટણની પ્રભુતા’, ‘ગુજરાતનો નાથ’, ‘જય સોમનાથ’, ‘પૃથિવી વલ્લભ’, ‘સ્વપ્નદ્રષ્ટા’, ‘ભગવાન કૌટિલ્ય’, ‘તપસ્વિની’, ‘કૃષ્ણાવતાર’ વગેરે નવલકથાઓ મુનશી પાસેથી મળે છે.

નવલકથા એ અર્વાચીન ગુજરાતી સાહિત્યનો સૌથી લોકપ્રિય સાહિત્ય પ્રકાર છે. ૧૮૬૬માં નંદશંકર મહેતા રચિત ‘કરણઘેલો’ ગુજરાતી સાહિત્યની સૌ પ્રથમ ઐતિહાસિક નવલકથા ગણાય છે. ૧૮૬૬ થી ૧૮૮૭ માં રચાયેલી ‘સરસ્વતીચંદ્ર’ના પ્રગટ થયેલા પ્રથમ ભાગના બે દાયકા વચ્ચે ઘણી ઐતિહાસિક અને સામાજિક નવલકથાઓ લખાઈ છે. જેમાં ‘કરણઘેલો’ આપણી પહેલી ઐતિહાસિક નવલકથા અને ‘સાસવહુની લડાઈ’ પહેલી સામાજિક નવલકથા ગણાય છે. ૧૮૮૭માં ગોવર્ધનરામ ત્રિપાઠીની ‘સરસ્વતીચંદ્ર’માં વ્યક્તિ, કુટુંબ, ધર્મ, સમાજ, રાજ્ય-એમ પ્રજાસંસ્કૃતિના અનિવાર્ય એવા બધા પાસાનું સ્થળ કાળના બહોળા પટ પર નિરૂપણ થયેલું છે. ‘સરસ્વતીચંદ્ર’ પ્રેમકથા નિમિત્તે સંસ્કૃતિ કથા બની રહે છે. ત્યારબાદ રમણભાઈ નીલકંઠ ‘ભદ્રંભદ્ર’ દ્વારા ગુજરાતી સાહિત્યમાં સળંગ હાસ્યપ્રધાન નવલકથા આપી છે.

ગોવર્ધનરામ ત્રિપાઠી પછી કનૈયાલાલ મુનશી મુખ્યત્વે ઐતિહાસિક નવલકથા લેખક તેરીકે પ્રસિદ્ધી પામ્યા છે. ‘પાટણની પ્રભુતા’, ‘ગુજરાતનો નાથ’ અને ‘રાજાધિરાજ’ એ મુનશીની પ્રખ્યાત ઐતિહાસિક નવલકથાત્રયી છે. ગુજરાતના ઇતિહાસમાં સુવર્ણકાળ તરીકે ઓળખાયેલા સોલંકીયુગની એ નવલકથાત્રયી છે. ‘પાટણની પ્રભુતા’માં કર્ણદેવ સોલંકીના અવશાન પ્રસંગે રાજસત્તાની ખટપટ વચ્ચે જયસિંહ સિદ્ધરાજની કથાનો પ્રારંભ થાય છે. વળી એ સત્તાસંઘર્ષની કથાની સાથે સાથે મીનળ અને મુંજાલ, હંસા અને દેવપ્રસાદ તેમજ ત્રિભુવન અને પ્રસન્ન (કાશ્મીરા દેવી) સરખા પાત્રોના પ્રેમસંબંધોની ઉપકથાઓ વણાઈ છે. ‘ગુજરાતનો નાથ’માં સ્વતંત્ર બનવા મથતા યુવાન જયસિંહની કથા છે અને મંત્રીશ્વર મુંજાલની રાહબરી હેઠળ ગુજરાત સ્વતંત્ર બનવા પ્રયત્ન કરે છે. પાટણની રાજ્કથાની દ્રષ્ટિએ અવંતીના સેનાપતિ ઉબકનું પાટણ પર આક્રમણ તેની સાથે થતું સમાધાન અને પાટણને હંફાવવા માંગતા સોરઠના રા’નવઘણનો પરાજય વગેરે મુખ્ય કથા પ્રવાહો છે.

સિદ્ધરાજ જયસિંહના સમયની કેટલીક ઐતિહાસિક ઘટનાઓનો આશ્રય લઈને અને પોતાની કેટલીક આગવી કલ્પનાઓનું મિશ્રણ કરીને મુનશીએ આ નવલકથા લખી છે. તેના સિદ્ધરાજ જયસિંહ ઉપરાંત મુંજાલ, કાક, કીર્તિદેવ, મીનળદેવી, મંજરી વગેરે પાત્રો નિરૂપાયા છે. જયસિંહ, મુંજાલ અને કાક ત્રણે ગુજરાતના નાથ બનવા દાવ અજમાવે છે. એની મુનશીએ સરસ રજૂઆત કરી છે. કાક ભટ્ટે લાટ પ્રદેશ કબજે કરવા કરેલા પ્રયત્નો, કાક-મંજરીનું લગ્ન, મીનળદેવી અને મુંજાલના સંબંધો, મુંજાલ-કીર્તિદેવનો મેળાપ, રાણક-જયદેવસિંહનો પ્રણય પ્રસંગ, જુનાગઢના રા’ખેંગારે રાણકદેવીનું કરેલું હરણ વગેરે આ કથાની મુખ્ય ઘટનાઓ છે.

ધારા નગરીના રાજા મુંજના ચરિત્રનું કલ્પનામિશ્રિત ઇતિહાસ રૂપે ‘પૃથિવીવલ્લભ’ નવલકથામાં નિરૂપણ થયું છે. મુંજ એક વીર રાજા ઉપરાંત વિલાસી કવિ હતો. તેણે તૈલપને અનેક વખત પરાજય આપ્યો હતો. મુંજ કેદ પકડાય છે. મૃણાલનો મુંજ પ્રત્યેનો વેરભાવ છૂપા-પ્રણયરૂપે ફાલેફૂલે છે. તૈલપ કાતિલ યોજનાના ભાગરૂપે મુંજને જાહેરમાં મૃણાલની હાજરીમાં જ હાથીના પગ નીચે કચડીને મારી નંખાવે છે. અને પોતાની જીત માને છે. રાજકીય વેરની તૃપ્તિ અનુભવે છે. વાસ્તવમાં કાષ્ઠપિંજરમાં પુરાયેલો મુંજ મૃણાલના રસટિન જીવનને પ્રેમના આકર્ષણથી મધમધતું કરી મુકવામાં સફળ થાય છે. મુંજ મરીને પણ જીવી ગયો. આમ મુંજના વિજયની એ કથા બની રહે છે. મુનશીની એક આકર્ષક લઘુનવલકથા બની છે.

‘જય સોમનાથ’ નવલકથામાં મુસ્લિમ આક્રમણકાર મહમૂદ ગઝનીએ ૧૦૨૪માં ભારત પર આક્રમણ કરીને પશ્ચિમ ભારતના ગુજરાતના દરિયાકાંઠે આવેલા પુરાણપ્રસિદ્ધ વિશ્વવિખ્યાત સોમનાથનું શિવમંદિર તોડી, તેની મૂર્તિના ટુકડા કર્યા તેમજ અઢળક દ્રવ્ય અને સંપતિ સાથે મૂર્તિના ટુકડા પોતાના વતન લઈ ગયો એ ઇતિહાસસિદ્ધ વિગતોને કેટલીક કલ્પના સાથે ગૂંથીને મુનશીએ આ નવલકથા લખી છે. આક્રમણ સમયે રજપૂતોએ વીરતા દાખવી, એકત્ર થઇ, શક્ય તેટલું સોમનાથના મંદિરનું રક્ષણ કરવા પ્રયત્નો કર્યા હતા; તે શૌર્યકથાની પડછે વાર્તાનાયક ભીમદેવ સોલંકી અને ચૌલા નામની એક દેવનર્તકી સાથેના પ્રણયની કથા આલેખન પામી છે.

આ કથામાં ગઝનીના મહંમદનું આક્રમણ, રજપૂતોનું શૌર્ય, યુદ્ધવર્ણન, સોમનાથના મંદિરનો વૈભવ, ભીમ-ચૌલાનો પ્રણય પ્રસંગ, રણની આંધીનું વર્ણન, બેઉ બાજુના લશ્કરોનું વર્ણન વગેરે વિગતોનો સમાવેશ થયો છે.

સાહિત્યસર્જક તરીકે મુનશીની ખ્યાતી મુખ્યત્વે નવલકથાકાર તરીકે અને વીશેષત: ઐતિહાસિક નવલકલથાકાર તરીકે તેમાંય વળી ‘પાટણની પ્રભુતા’, ‘ગુજરાતનો નાથ’ અને ‘રાજાધિરાજ’ એ સોલંકી - નવલત્રયી તો વિશેષ કૃતિઓ આ ઉપરાંત ‘જય સોમનાથ’ તેમજ ‘ભગ્નપાદુકા’ પણ ગુજરાતના રાજપૂતયુગના ઈતિહાસની ઘટનાઓ પર જ આધારિત નવલો, તો ‘પૃથિવીવલ્લભ’ અને ‘ભગવાન કૌટિલ્ય’માં માળવા અને મગધની ઘટનાઓનું નિરૂપણ છે.

‘ભગવાન કૌટિલ્ય’ : ‘રાજાધિરાજ’ પછી છેક ૧૯૪૦માં મુનશી ગુજરાતના ઇતિહાસના પાના ઉખેળે છે અને ‘જય સોમનાથ’ રચાય છે. તે દરમ્યાનના ગાળામાં તેમની પાસેથી આપણને આ એક ઐતિહાસિક નવલકથા મળે છે. ‘ભગવાન કૌટિલ્ય’માં તો મુનશી આપણને છેક ઇતિહાસના ઉપ:કાળમાં લઈ જાય છે. પુરાણ અને ઇતિહાસના સંધિયુગમાં પ્રવેશે છે. ખરેખર તો ઇતિહાસના આરંભરેખા પાસે જ જાણે આ નવલકથા અટકે છે. ‘ભગ્ન પાદુકા’માં અલાઉદ્દીન ખીલજીના વિધ્વંસક આક્રમણથી ઉન્મૂલિત થઈ અસ્ત પામતા ગુજરાતના રાજપૂતયુગમાં અંતિમ અધ્યાયની કથા આલેખી છે. અલાઉદ્દીનના ઇતિહાસ વિખ્યાત ગુલામ-સરદાર મલેક કાફૂર, અને આક્રમણના પ્રચંડ વંટોળ સામે ગુજરાતને ટકાવવા મથતા બાડા મહારાજ વ. પાત્રોને કેન્દ્રમાં રાખીને રચાઈ છે.

‘પાટણની પ્રભુતા’થી ‘ભગ્નપાદુકા’ની સર્જનરેખા મુનશીના સોલંકીગાથા નિરૂપણનો એક આલેખ આંકી આપે છે. તો સાથે સાથે તેમના ઐતિહાસિક નવલકથાકાર તરીકેના વિકાસનો પણ આલેખ દર્શાવે છે. તદુપરાંત સમાન વસ્તુ નિરૂપણને કારણે તુલનાત્મક અભ્યાસની તક આપતો. ‘કરણઘેલો’થી ‘ભગ્નપાદુકા’નો એક આલેખ એ બે સીમાચીન્હોનો વચ્ચે સૂચક રીતે દોરાઈ રહે છે. વચ્ચે ગુજરાતી નવલકથાનો એક વિસ્તાર સમાયેલો છે એ વિસ્તાર ‘ગાંધીયુગ’ સાથે એકરૂપ છે ને છતાં સાહિત્ય વિષયક ગાંધીવિચારથી ભિન્ન પ્રણાલિકા દર્શાવતો છે તે પણ નોંધપાત્ર છે.

મુનશીની આ નવલકથાઓમાં એલેક્ઝાન્ડર ડ્યુમાની નવલકથાઓનો પ્રભાવ સ્પષ્ટ કરે છે. મુનશીએ નવલકથાના આદર્શ તરીકે ડ્યુમાની કૃતિઓને સ્વીકારી છે.

આજ સુધીમાં ગુજરાતી ભાષાએ અનેક નવલકથાકારો જોયા છે. તેમાં મુનશી કરતાં વધારે સતેજ કલ્પનાશક્તિ ધરાવતા લેખકો નથી એમ નથી. મુનશી કરતાં જેમની અવલોકનશક્તિ વધારે તીવ્ર હોય તેવાય લેખકો જોયા છે.પાંડિત્યની બાબતમાં તો મુનશી કરતાં ચડી જાય એવા કેટલાય લેખકો છે, મુનશીમાં હતી એના કરતાં ઘણી વધારે શ્રમવૃત્તિ પણ બીજા લેખકોમાં છે અને છતાં ગુજરાતી નવલકથાની વિકાસયાત્રામાં મુનશીની ઐતિહાસિક નવલકથાઓ સીમાચિન્હરૂપ બની રહી છે તે તેની ભાષા અને કથાકથનની રીતિને પ્રતાપે. ૨૯ વર્ષની ઉમરે લખેલી પોતાની પહેલી જ ઐતિહાસિક નવલકથામાં મુનશી યથાર્થ આકાર આપી શકે એવી ભાષા નીપજાવી શક્યા એ નાનીસૂની સિધ્ધી નથી.

‘ગુજરાતનો નાથ’ મુનશીએ લખ્યું હતું ‘અહી વધુ વિશાળ ફલક પર અને ઊંડા ગંભીર હેતુપૂર્વક ગુજરાતના ઈતિહાસને આલેખવાનો હેતુ રહેલો છે.’ ‘ગુજરાતનો નાથ’ની સંકૂલ સ્થાપત્ય રચના અને દ્રઢબંધ આકૃતિ તેને આપણી નવલકથાની આકારરચનામાં મહત્વની સિદ્ધિરૂપ ઠેરવે તેમ છે. ગુજરાતી નવલકથાની વિકાસરેખામાં ‘સરસ્વતીચંદ્ર’ પછીનું એક મહત્વનું સીમાચિહ્ન પણ તે બની રહી છે. શૌર્યની પ્રતિમા જેવો કાક, સૌન્દર્ય, સંસ્કાર અને સાહિત્યપ્રીતિની મૂર્તિ સમી મંજરી, કોઈ વિશાલ મહાલયના ભવ્ય ખંડર જેવો મુંજાલ, પ્રૌઢ પ્રેમના ગંભીર સ્વસ્થ ચિત્ર જેવી મીનળદેવી, કુટિલ નીતિમાં પાવરધો ઉદો, સ્વપ્નદ્રષ્ટા કીર્તિદેવ, ગૌરવશાળી ત્રિભુવનપાળ તથા ગરવી રસિક કાશ્મીરાદેવી, સ્વપ્નસભર સોમ તથા અલૌકિકતાના આવિષ્કાર સમી રાણક- આવા વિવિધ રંગના પાત્રોની સૃષ્ટિ મુનશીએ આ નવલકથામાં ઘડી છે.

કોઈ એક જ કૃતિમાં આટલા બધા યાદગાર પાત્રો મળે એવું આપણી નવલકથામાં વારંવાર બનતું નથી. પાત્ર વિધાનની મુનશીની કલા ‘ગુજરાતનો નાથ’માં સોળે કળાએ ખીલી છે તો ‘પાટણની પ્રભુતા’માં જેનો પરિચય મળી ચૂક્યો હતો તે સંવાદકળા પણ અહીં વધુ ધારદાર બની છે.

ગોવર્ધનરામની ગદ્યશૈલીથી સદંતર જુદી પડતી વેગવાન, સ્વાભાવિક સરળ ગદ્યશૈલી, તેજસ્વી પાત્રોનું એવી જ તેજસ્વી કલમે આલેખન, ક્રીયાવેગ વગેરે આ નવલકથાના તત્વો મુનશીની ઘણી ખરી નવલકથાઓના પ્રભાવક તત્વો બની રહ્યા છે.

ઐતિહાસિક નવલકથાકર તરીકે મુનશી ગુજરાતી સાહિત્યમાં ચિરંજીવ સ્થાન પ્રાપ્ત કરનાર સર્જક છે. પોતાની ઐતિહાસિક નવલકથામાં મુનશી જે સૃષ્ટિ રચે છે તેની સાથે તેના વિવિધ તત્વો સુસંગત રીતે ગોથવાઈ જતા હોય છે. તેમાં મુનશીની નવલકથાકાર તરીકેની સિધ્ધી રહેલી છે. મુનશીએ એક ઐતિહાસિક કામ કર્યું. ‘ગુજરાતની અસ્મિતા’નો આદર્શ પ્રજા સમક્ષ મૂકવાનું. ૧૯મી સદીના અંતમાં અને ૨૦મી સદીના આરંભમાં જયારે આપણા દેશનો ઇતિહાસ બદલી રહ્યો હતો ત્યારે દેશના જુદા જુદા પ્રદેશોમાં સર્જકોએ ભૂતકાળની ગૌરવગાથાઓ નીરૂપવાનું અને પ્રાદેશિક તેમજ રાષ્ટ્રીય ભાવનાને સંકોરવાનું કામ કર્યું છે.

સંદર્ભ :
  1. (૧) અર્વાચીન ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ - રમેશ ત્રિવેદી
  2. (૨) ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ – રમણ સોની ગ્રંથ 4
  3. (૩) કનૈયાલાલ મુનશી – દીપક મહેતા