સંપાદકીય
મિત્રો,
આમ તો કનૈયાલાલ મા.મુનશી વિશે ખુબ લખાયું છે. મૂલ્યાંકનો અને પૂનર્મૂલ્યાંકનો થતાં જ રહ્યાં છે. તેમ છતાં આ વિશેષાંક એક ઉમેરણ. મુનશી જેવા સશક્ત સર્જકો હમેશાં ચર્ચાતા-વિચારાતાં રહે એમાં સાહિત્યનું જ ભલું. આમેય, ગુજરાતી સાહિત્યમાં હાલ બહુ સારી સ્થિતી નથી. ખાસ કરીને નવલકથાના ક્ષેત્રમાં. ઓછા સર્જકો નવલકથાઓ લખી રહ્યાં છે. એ કેવી છે, એ અલગ તપાસનો વિષય છે. પણ વાચકો નવલકથા જેવા લાંબા પટથી વિમુખ થઈ રહ્યાં છે એવું લાગ્યા વિના નથી રહેતું. એવું જ કવિતાની બાબતે પણ છે. ગઝલ જેવા સ્વરૂપમાં ખેડાણ થાય છે એટલું બીજા કાવ્યસ્વરૂપોમાં થતું નથી. આધુનિકગાળાની પેઢીના સક્રિય કવિઓને બાદ કરીએ તો ગઝલ સ્વરૂપ સીવાય બહુ મન ઠરે એવું ઓછું છે. આ સ્થિતિમાં જૂનાને વાગોળવા સીવાય ઉપાય પણ જડતો નથી.
વિવેચનની હાલત તો એનાથીય પાંગળી જણાય છે. કૃતિલક્ષી સમીક્ષાઓ થાય છે, આધુનિકગાળામાં જે વિવેચનની આબોહવા ફેલાઈ હતી એવી અત્યારે નથી. એ ગાળાના વિવેચકો દ્વારા જે વિચારણા થઈ હતી એને આધાર રાખીને, તો કેટલાંક જાગૃત વિવેચકો નારીવાદી, દલિતસાહિત્ય, માર્જિનલ સાહિત્યને લઈને મથામણ કરતા જણાય છે, પણ નક્કર કંઈ બંધાતું હોવાના અણસાર મળતા નથી. આમ, આખીયે પ્રવૃત્તિના પ્રાણ મંદ ચાલી રહ્યાં હોય એવો માહોલ સર્જાયો છે. એવા સમયે નવી પેઢીના વિદ્યાર્થીઓ, અધ્યાપકો આવી મુલ્યાંકન, પુનર્મૂલ્યાંકનની પ્રવૃત્તિ કરતા રહે તો અનુસંધાન જળવાઈ રહે...તેમ લાગે છે. સંશોધનની પ્રવૃત્તિ વિશે તો ભારે અંધેર જ જણાય છે. કેમકે, એ ક્ષેત્રમાં આસ્વાદ, સમીક્ષાથી આગળ ભાગ્યે જ નક્કર કામ ચાલે છે. પરિણામલક્ષી સંશોધનનો અકાળ છે.
સમયે સમયે આવો સમય પણ આવતો હોય છે. એ પણ પસાર થઈ જશે. નવી પ્રતિભા અને નવા વિવેચકો, તેમજ નવા સંશોધકો આવે એની રાહ છે.
ગુજરાતી વિભાગ, વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, સુરતમાં ગુજરાતના સુપ્રસિદ્ધ સાહિત્યકાર શ્રી કનૈયાલાલ મુનશી ચેરના ઉપક્રમે વિદ્યાર્થીઓ અને અધ્યાપકોને કેન્દ્રમાં રાખીને કાર્યક્રમો યોજાવામાં આવે છે. વર્ષોથી શરુ થયેલ આ પ્રવૃત્તિઓમાં વિભાગની સ્થાપના પછી વેગ આવ્યો છે. ગત વર્ષે વિભાગ દ્વારા ક.મા.મુનશી પર એક પુસ્તક પ્રકાશિત કરવામાં આવ્યું હતું. એમાં નીવડેલા વિવેચકોએ મુનશીને તપાસ્યાં છે સમયના આ બિંદુ પર ઊભા રહીને. આ વર્ષે મુનશીના જન્મદિવસ નિમિત્તિ અધ્યાપકો અને વિદ્યાર્થીઓ દ્વારા મુનશીના સાહિત્ય પર એક સેમિનારને આધાર બનાવીને કેટલાક સંશોધનપત્રો રજૂ કર્યાં. એમાંથી થોડાં અહીં પ્રકાશિત કર્યાં છે. આ લેખો એમના આરંભના પ્રયાસમાત્ર છે. એમાં તાલીમનો ભાવ રહેલો છે. એ વાત સુજ્ઞ વાચકો સમજી શકશે.
આ અંક વિશેના પ્રતિભાવો, સૂચનો અવશ્ય અમારા માટે ઉપકારક નીવડશે.
આભાર