Special issue on K. M. Munshi
ક.મા.મુનશી વિશેષાંક

નાટ્યકાર મુનશી અને ‘તર્પણ’(1924)

ભરૂચમાં તબલા અને સંગીતના શોખીન પિતા માણેકલાલ અને સુશીલ, સંસ્કારી,કાર્યકુશળ માતા તાપીબા (જીજીમા) ના કૂખેં છ પુત્રી પછી એકમાત્ર કુળદિપક તરીકે 30 મી ડિસેમ્બર 1887 ના રોજ કનૈયાલાલ મુનશીનો જન્મ થયો હતો. એમણે અનેક મુશ્કેલીઓ વચ્ચે શિક્ષણ લઇ રાજકારણી, ગૃહપ્રધાન, અન્નપ્રધાન, એજન્ટ જનરલ, રાજ્યપાલ વગેરે મોભાદાર પદો પામી તથા વકીલ તરીકે , લેખક, પત્રકાર તરીકે બહુમુખી પ્રતિભા ધરાવનાર મુનશીએ પ્રથમ અતિલક્ષ્મીબહેન સાથે અને એમના મૃત્યુબાદ લીલાવતીબહેન સાથે લગ્ન કરી મુંબઇમાં 8મી ફ્રેબુઆરી 1971 ના રોજ અવસાન પામ્યાં હતા

સાહિત્ય સર્જનમાં એક પધ સિવાય મુનશી બધાં જ સાહિત્ય સ્વરૂપોમાં કલમ ચલાવનાર લોકપ્રિય સર્જક છે. હિંદીના પ્રશિષ્ટ સાહિત્યકાર પ્રેમચંદજી સાથે ‘હંસ’ સામાયિક શરૂ કરતાં બંને તંત્રીઓના નામ ‘મુનશી-પ્રેમચંદ’ લોકમુખે ચઢી જાય છે. તેઓ દીર્ધર્દષ્ટા હતા. ‘વૃક્ષવાવો, ની ઝુંબેશ એમણે ‘પર્યાવરણ’ શબ્દ પ્રગટ્યો એ પહેલાંની કરેલી. જ્યારે આપણા દેશમાં હજી પર્યાવરણની જાળવણી કે વનીકરણની ચળવળનું કોઇએ નામ પણ નહોતું સાભળ્યું ત્યારે મુનશીએ વનમહોત્સવનો વિચાર રજૂ કરેલો. એટલું જ નહિ તેનો અમલ કરવાનો પણ શક્ય તેટલો પ્રયત્ન કરેલો. તેજ રીતે ‘બેટી બચાવો’ અભિયાન, સ્ત્રીસશક્તિકરણ ની હવા જે આજે જોરશોરથી ચાલે છે તેનો વિચાર પણ આપણે ‘પુત્રસમોવડી’ અને ‘તર્પણ’ માં જોઇ શકીએ છીએ.

નવલકથાકાર , વાર્તાકાર, ચરિત્રકાર, નિબંધકાર અને ‘ઘનશ્યામ વ્યાસ’ તખલ્લુસ ધારણ કરી સાહિત્યની સેવા કરનાર મુનશી નાટ્યક્ષેત્રે પણ મહત્વનું પ્રદાન કરે છે. ગુજરાતી નાટક અને રંગભૂમિના ક્ષેત્રે મુનશીના નાટકોનું આગમન સિમાચિન્હરૂપ ઘટના છે. ‘મુનશીની પહેલાં ધંધાદારી નાટકોનો એક પ્રવાહ વહી રહ્યો હતો. અને તેમાં પ્રેક્ષકની સામાન્ય રુચિને ગલગલિયા કરે તેવા સંવાદો, અભિનય, કથાવસ્તુ, ગીતો વગેરે આવતાં ધંધાદારી નાટકકંપનીનો લેખક ધાર્મિક કે ઐતિહાસિક કથાવસ્તુ ભલે લે, પરંતુ તેમાં ઉપદેશ સીધો આવતો. હાસ્ય ખાતર હાસ્ય ઊભું કરવાં ગૌણ કથા સાંકળવામાં આવતી,...પ્રેક્ષક હદયમાં અવાસ્તવિક ચિત્ર ઊભું કરવામાં આવતું. ચંદ્રવદન-મુનશીએ તે સમયે પા-પા પગલી કરતી બિનધંધાદારી ગુજરાતી નાટકમંડળીઓ માટે ઉત્કુષ્ટ કૃતિઓ આપવા માંડી. રંગભૂમિ ને સાહિત્યિક નાટકો વચ્ચે વધતા અંતરને ઓછું કરવા માંડ્યું. આ દષ્ટિએ મુનશીની નાટ્યકલા ગુજરાત માટે ચિરસ્મરણીય બની રેહશે’ (‘નાટક શિલ્પ અને સર્જન’ ડૉ.ભરત ઠાકર)

મુનશીમાં રંગભૂમિ અને નાટકો પ્રત્યે બાળપણથી જ આકર્ષણ અને ઉત્કટ લગાવ હોવા છતાં તેમણે નવલકથાની તુલનાએ સત્વ અને સંખ્યા બંને દષ્ટિએ નાટક ઓછાં લખ્યાં છે. નવલકથાનું સર્જન તો છેક (1912) થી મૃત્યુપર્યત (1971) સુધી સતત કર્યું છે. પરંતુ નાટકો તો એમની કારકિર્દીના મધ્યકાળે 1921 થી 1953 (ત્રણ દાયકા) સુધી જ રહ્યાં છે. એમના નાટકોના વસ્તુલક્ષી રીતે ત્રણ ભાગ પાડી શકાય. 1. પૌરાણિક. 2.ઐતિહાસિક 3. સામાજિક. ઐતિહાસિક નવલકથાકાર તરીકે ગુજરાતી સાહિત્યમાં ડંકો વગાડનાર મુનશીએ ઐતિહાસિક નાટકતો એકજ ‘ધ્રુવસ્વામિનીદેવી’ આપ્યું છે.એમાંયે કલ્પનાના અંશો વધુ છે. કુલ પદંર નાટકો લખ્યા છે. નવલકથામાં ઐતિહાસિક જ્યારે નાટકમાં એમને સામાજિક વિષયવસ્તુએ સફળતા અપાવી છે. મુનશીના સામાજિક નાટકો તરફ સૂક્ષ્મતાથી દષ્ટિપાત કરતાં જણાશે કે અનેકવિધ ક્ષેત્રોમાં પંતગિયાની જેમ સહજતાથી ઉડ્ડ્યન કરનાર આ મહત્વાકાંક્ષી સર્જકે પલાંઢી મારી નાટકો માટે ધ્યાન કેંન્દિત કર્યું હોત, કિશોરાવસ્થાથી અનેક નાટકો જોઇ જોઇને કેળવાયેલી રંગભૂમિ સૂઝને આ કલાકારે કાળજી પૂર્વક લેખે લગાડી હોત તો ઉત્તમ પરિણામો પ્રાપ્ત થયાં હોત. કલાત્મક રંગમંચક્ષમ નાટકોના દુકાળ અંગેની કાગારોળમાંથી આપણે વર્ષો પહેલાં મુક્ત થયાં હોત. (‘રંગભૂમિ કેન્વાસે’- લવકુમાર મ. દેસાઇ) એમણે જીવનના મધ્યાહ સુધી જ નાટકો રચ્યાં. જીવનપર્યત નાટકો રચ્યાં હોત તો નાટક સાહિત્ય સ્વરૂપની સ્થિતિ આજે જુદી જ હોત.

‘પહેલાં નાટકમાં ગીતોનો સમાવેશ થતો હતો તેવા નાટકોથી મુનશીનાં નાટકો પ્રથમ નજરે જ જુદાં પડેલાં જણાય છે. બિનજરૂરી લંબાણ ઘટી ગયું. સમય સાથે તાલ મિલાવતાં આ નાટકો તત્કાલીન જનરૂચિને વિશેષ અનુકુળ નીવડ્યાં. એમાંની બોલચાલની ચોટદાર ગુજરાતીએ પણ એનું પ્રત્યાયન સરળ બનાવ્યું. એમાંના સામાજિક પ્રશ્નો સાથે લોકમાનસનું અનુસંધાન રચાયું. એમાંની હળવાશે એની ભજવણીને પણ વિશેષ હ્દય્ંગમ બનાવી. મોટાભાગે એમના નાટકો ગધમાં જ રચાયાં છે.’ (‘ગુજરાતી નાટક’ –સતીશ વ્યાસ) મુનશીનું જીવન ત્રિઅંકી નાટકના જેવું રોમાંચ, રહસ્ય અને કુતૂહલથી ભર્યું છે. બાળપણથી જ રંગભૂમિના ચાહક હોવાથી ગુજરાતી ધંધાદારી રંગભૂમિની વિશેષતા- મર્યાદાઓથી તેઓ અત્યંત વાકેફ અને એટલા જ સાવધ પણ ખરા. ધંધાદારી નાટકોની જેમ કલાતત્વને ભોગે મનોરંજક નાટકો આપવાનું પસંદ કરતા નથી. સમકાલીન રંગભૂમિના આંદોલને અને પાશ્ર્ચાત્ય સાહિત્યના અભ્યાસે મુનશીના કલાતત્વના આગ્રહો ઉચ્ચ કોટિના છે. ડૂમા, હ્યુગો, ઇલ્સન, શો જેવા સર્જકોનો તેમના માનસ પર વિશેષ પ્રભાવ હતો. તેથી તેઓ વ્યવસાયી રંગભૂમિનાં કેટલાક ઉત્તમ તત્વોનો અને પાશ્ર્ચાત્ય નાટ્યશૈલીનો સુંદર સમન્વય સાધી કલાત્મક સાહિત્યિક નાટકો આપવામાં રસ ધરાવે છે. પાત્રોની સંઘર્ષમય ક્ષણોની માનસશાસ્ત્રીય માવજત કરી કલાકૃતિનેજ સાધ્ય તરીકે સ્વીકારી, બોધ-ઉપદેશને નહિ. સંવાદ, પાત્ર, વિષયવસ્તુ, ઘટના, સંઘર્ષ, તખ્તાલાયિકી, ત્રિવિધ એકતા, શૈલી, રસ વગેરે નાટકના ઘટકતત્વો છે. કાવ્યમાં નાટક એ રમણીય સ્વરૂપ છે અને તેમાંય સંઘર્ષ એ નાટકનો પ્રાણ ગણાય છે. ‘No Conflict, no drama’.સંઘર્ષ નાટકનું કેન્દવર્તી તત્વ અને મુખ્ય ચાલકબળ ગણાય છે. ‘તર્પણ’ નાટકમાં સંઘર્ષ કેવી રીતે નિરૂપાયો છે તે જોવા –તપાસવાનો અહીં ઊપક્રમ છે.

સંઘર્ષ નાટકમાં વ્યક્તિ-વ્યક્તિ વચ્ચે, જૂથ જૂથ વચ્ચે, વ્યક્તિ અને સમાજ વચ્ચે, વ્યક્તિ અને અન્ય પરિબળો વચ્ચેનો હોય શકે છે. સંઘર્ષના નિરૂપણમાં નાટકનો આધાર હોય છે. નાટકમાં નિરૂપણની દષ્ટિએ સહેલામાં સહેલો સંઘર્ષ વ્યક્તિ-વ્યક્તિ વચ્ચેનો, નાયક અને ખલનાયકનો અને સૌથી અઘરું સંઘર્ષ નિરૂપણ સૂક્ષ્મ પરિબળો વચ્ચેનું અને મનોભૂમિકા પરનું, અમૂર્ત તત્વો વચ્ચેનો છે.

‘તર્પણ’ નાટકમાં પાત્રો આ પ્રમાણે છે. પિતામહ ઔર્વ, તાલજંઘ વીતહવ્ય(રાજા), સેનાપતિ અર્જુન, સગર, શંખ મહર્ષિ, ઉગ્ર મહર્ષિ, મુન શાંડિલ્ય, ગર્ગ, મહિષ્મન, સુવર્ણા વૈતહવ્યી (પુત્રી) , આવંતી (રાણી), ગાંધારી (રાણી), ધાત્રી.

‘તર્પણ’ માં પિતામહ ઔર્વ ભાર્ગવ છે છતાં ઔર્વના પરાક્રમોનું વર્ણન કરવું એ આ નાટકનો ઉદ્દેશ નથી. નાટકનો ઉદ્દેશ તો છે આર્યાવર્તનું પુન:સ્થાપના. અહીં આર્યાવર્તનું પુન:સ્થાપન અહીં આર્યાવર્તનું પુન:સ્થાપન એટલે તાલજંઘોએ દબાવેલ ભૂમિને એમનો વિનાશ કરી હૈહયોએ પાછી મેળવવી. સ્વરાજ્ય સ્થાપવું અને એ રીતે આર્ય સંસ્કારનું-યજ્ઞ ને ધર્મ, મંત્ર એ પુરાણ, તપ, સત્ય અને ઋત એ બધાંનુ સંરક્ષણ કરવું એ છે. વેદકાળ અને પુરાણકાળની સંધિના સમયનું નાટક રજૂ થયું છે. નાટક પાંચ અંકમાં વહૈચાયેલું છે.

- પ્રથમ અંકમાં યમુનાના દક્ષિણ તીરે નદીમાં તણાયેલી સુવર્ણાને સગર બચાવે છે. બંનેને એકબીજાનો પરિચય થાય છે. હોડી ડુબાડી સુવર્ણાને મારવાનો પ્રયત્ન જે પ્રણયમાં પરિણમે છે.
- બીજા અંકમાં તણાયેલી દીકરી સુવર્ણાના સમાચારથી ચિંતિત પિતા રાજા વીતહવ્યનું વર્ણન છે. ચિંતા સકારણ છે. ‘રાજાના પાંચ પુત્રો યુધ્ધમાં ગયા, ત્રણ યમ લઇ ગયા, અને સાત.... ને જેમ તેમને ખોયા તેમ તને ખોવાનો ખ્યાલ આવતાં ગાત્ર ગળે છે. બેટા! તું તો મારો હિરો છે.’

સુવર્ણા: (શંકાશીલ) બાપુ, મારા સાતે ભાંડુ ઔર્વે મરાવ્યા એ ખરી વાત ! વીતહવ્ય: (કમકમાં આવે છે. દાંત પીસી) બેટા, એ વાત જવા દે. એ પાપાચારી વિકરાળ રાક્ષસે કાચી કળી જેવા તારા ભાંડુને ....

અહીં રાજાનો પોતાની જાત સાથેનો સંઘર્ષ નિરૂપાયો છે. તો એ જ અંકમાં સગર સુવર્ણાને મળવા નદીમાં તરીને આવે છે તે સમયે બંને પાત્રોનો સંઘર્ષ, બંનેની મન:સ્થિતિનું વર્ણન અને સુવર્ણાના શબ્દો : (હિમંતથી) ઔર્વેય, હું કૈકયની કન્યા છું. હું વરું તે વર, બાપ વરાવે તે નહીં.’ ઉત્તમ રીતે નિરૂપાયો છે.

- ત્રીજા અંકમાં તપસ્વી સગર પિતામહને કેવી રીતે સમજાવવા તેની મૂંઝવણમાં છે. યજ્ઞની તૈયારી થઇ રહી છે. દરેકના મનમાં ભય છે. કાલે સૂર્યોદય પહેલાં અહીયાથી ઔર્વયજ્ઞનો ધૂમ ગગને ચડશે. તે વખતે દરેક જનપદમાં હૈહયમાત્રનો વિનાશ થશે તે ઘેરઘેર આગ સળગશે. ને જે આજ્ઞા ઉલ્લંઘશે તેને ઔર્વનો શાપ લાગશે. ઔર્વ સગરને પોતાના સ્થાને બેસાડે છે. અને વચન માંગે છે. ‘સગર’ મારા ગુરુએ જેમ મને અસ્ત્ર આપ્યું તેમ હું તને આપું છું. જેમ મારા ગુરુના હાથમાં રહી એણે હૈહયો હણ્યા તેમ તારા હાથમાં પણ એ એ જ પરમ કર્તવ્ય કરશે.’

- ચોથા અંકમાં પિતામહ ઔર્વ સગરને એકાંતમાં મળવા બોલાવે છે. સગર પિતામહ અને વીતહવ્યની સંધિના સ્વપ્ના સેવે છે. પરંતુ પિતામહ તો અહીં ગુરુદક્ષિણા માંગે છે કે સૂર્યોદય પહેલાં વીતહવ્ય અને સુવર્ણાના શિર મને આપ. અહીં સગરનો પરિસ્થિતી સાથેનો સંઘર્ષ છે. એ વિચારે છે ‘એ બેના શિર મારાથી લવાય ? ગુરુદેવ, દયા કરો ! પિતા, આ દેહ તમારો છે. જોઇએ તો પાડો. પણ મારે હાથે એ બેનાં શિર ! અરરર ! એ કેમ બને? જેને પોતે ચાહે છે તે સુવર્ણા અને બીજું જેને પોતે ચાહે તેના પ્રિય પિતા.

- પાંચમાં અંકમાં પિતામહના વચનોને પાળવા અને વીતહવ્યના શિરને સૂર્યોદય પહેલા લેવા આવેલો સગર અને બીજી બાજુ સંધિના સ્વપ્ના જોતી અને સગરના બાળકોની મા બનવાના સોણલા સેવતી સુવર્ણા. અહીં પાત્રોનો સંઘર્ષ પરાકાષ્ટાએ વર્ણવાયો છે. ભાવકને પણ થાય છે કે કોણ જીતશે? પ્રેમ કે બદલો? જેનું એ શિર કાપવા આવ્યો હતો એ તો પોતાના જ ખોળામાં નિરાંતની ઊંઘ લે છે. સગર સુવર્ણાને પૂછે છે તને દૂર-બધાથી, બાપથી, રાજવૈભવથી, આખી દુનિયાથી- માત્ર મારી જોડે ગમે ? સુવર્ણા જવાબ આપે છે ‘તમારે ખોળે મને એકલું કદી નહીં લાગે.’ એને બધાથી દૂર જવું છે પરંતુ સગર સાથે. દુનિયામાં એવો કોઇ પ્રદેશ નહિ હોય કે જ્યાં વીતહવ્ય ને ઔર્વના વેરના તણખા દઝાડે નહિ ? સવર્ણાને એમ કે ઔર્વ સંધિ કરાવવા આવશે. પરંતુ સગર જણાવે છે કે ઔર્વ ‘સંધિ કરવા નહિ, મારે હાથે વીતહવ્યનું ખૂન કરાવવા.... મને જવા દે, જલદીથી, તારા પિતાને હું નહિ મારું, મને જ મરવા દે.’

સુવર્ણા : (રડતાં) નાથ, તમે મરવા જાઓ ? ચાલો હું પણ આવું, સાથે નાસી જઇએ.
સગર : (તેની સામે જોઇ) તે જ હું કહેતો હતો. આવે છે?
એક બાજુ ઔર્વનું તર્પણ રાહ જુએ છે અને બીજી બાજુ સગરના પ્રેમનું તર્પણ થાય છે. ‘તર્પણ’ શીર્ષક દ્રિઅર્થી છે. તર્પણ થાય છે સગર અને સુવર્ણાના પ્રેમનું. વડીલોના વેરની આગ કોમળ-ભાવનાશીલ- પવિત્ર પ્રેમને મળવા નથી દેતો. અંત કરુણ છે.

નાટકમાં તીવ્ર સંઘર્ષવેદનાના નિરૂપણવાળા અંતિમ દ્દ્શ્યથી સગરના ચિત્તમાં જામતા સંઘર્ષનું, મનોમંથનનું નિરૂપણ છે. અહીં વ્યક્તિગત સૂક્ષ્મ ઘટનાનું સંઘર્ષાત્મક નિરૂપણ છે. એ માટે લેખકે સ્વગતોકિતનો ઉપયોગ કર્યો છે. સગરના મનમાં જાગતા સંઘર્ષનું કારણ છે તેની પરવશતા, તે ઇચ્છે તે કરી શકતો નથી. એક બાજુ છે સુકોમળ સુવર્ણા અને બીજી બાજુ છે કઠોર ઔર્વ. બંને વ્યક્તિઓ વચ્ચેનો સંઘર્ષ તીવ્ર બને છે. પ્રેમવશતા અને પરવશતા વચ્ચેની તાણ (તનાવ) અનુભવતા સગરને મૂકીને મુનશીએ અસરકારક તખ્તાલાયક નાટ્યાત્મકતા સાધી છે.

‘તર્પણ’ માં સંઘર્ષ અનેક ભૂમિકાએ છે. અને પરિસ્થિતી અનુસાર રૂપાંતર પામતો જાય છે. સાંસ્કૃતિક સંઘર્ષ ઔર્વને માટે અંગત-વ્યક્તિગત સંઘર્ષ બન્યો છે. તે આર્યોની સ્થાપના માટે તો છે જ પણ તેનાં પોતાની અંગત વૈરતૃપ્તિ પણ છે. આ સાંસ્કૃતિક સંઘર્ષ આર્યો-હૈહયોનો સંઘર્ષ બને છે. પછીની ભૂમિકાએ તે મૂર્ત રૂપે ઔર્વ અને તાલજંઘ વચ્ચેના સંગ્રામનું રૂપ લે છે. તો સગર માટે તે અંગત પ્રેમની લાગણીની ભૂમિકાએ થતી તાણ બની રહે છે. ઔર્વના સંઘર્ષનું ધમસાણ બાહ્ય જગતમાં છે. તેનાં યજ્ઞજ્વાલાઓ છે. આગ છે, સંહારો છે, સુવર્ણાની હત્યા કરવાના શંખના પ્રયત્ન સમાં કાવતરાં પણ છે, તો સગરના સંઘર્ષની ભૂમિકા જુદી છે તે તેની ભીતરમાં છે. કરુણતા એ છે કે નિર્ણય કરવા તે મુક્ત નથી. તેણે આદેશને અનુસરવાનો જ છે. પરિણામે સુવર્ણાનો વધ અનિવાર્ય બની જાય છે. સગર ભાવનાશીલ છે જેથી ઔર્વના પ્રભાવક વ્યક્તિત્વ આગળ દબાઇ જાય છે. પ્રતિકાર કરવાની ઇચ્છા હોવા છતાં કરી શકતો નથી.

આ નાટકમાં રંગભૂમિક્ષમતાનો સારો એવો સમન્વય સધાયો છે. છતાં પાત્રોના મનોભાવને લગતાં એવાં આકર્ષક વર્ણનો કર્યા છે જેની રંગભૂમિ ઉપર પ્રત્યક્ષ રજૂઆત મુશ્કેલ લાગે છે. જેવા કે, બીજા અંકમાં વીતહવ્ય શાંડિલ્યના બંને હાથ કાપે છે તે દ્ર્શ્ય, મહિષ્મત અને મશાલચી શાંડિલ્યના શબ તથા હાથોને લઇ જાય છે તે દ્દ્રશ્ય, લોહી નીગળતી તલવાર, ધુમાડાની શેર, નદીમાં તરવું, હોડી ચલાવવી વગેરે દ્રશ્યો. આજના યુગમાં ટેકનોલોજીના ઉપયોગ દ્વારા કદાચ આ મર્યાદાનેનિવારી શકાય.

ઐતિહાસિક સમયનું મંત્રોચારો, યજ્ઞો, આહુતિઓથી અલૌકિક બનતું વાતાવરણ, ચમત્કારિક ઘટનાઓ, મુનશીની રોમેન્ટિક કલમ, માટે અનુકૂળ સામગ્રી છે. પૌરાણિક પરિવેશને અનુરૂપ સંસ્કૃતમય ભાષાશૈલી તથા વાગ્મિતાપૂર્ણ છટા નાટ્યાત્મકતાને ઉપકારક નીવડે છે. નાટકમાં વિષય યુગોજુનો ‘પ્રેમ’ નો નિરુપાયો છે. દેશભક્તિ સાથે પ્રણયનિષ્ફળતા અને કલ્પનાના વિનિયોગ દ્વારા સુંદર નાટક પ્રાપ્ત થયું છે. આમ વિનોદ અધ્વર્યુના શબ્દમાં કહીએ તો ‘તર્પણ’ એક વિરલ ગુજરાતી નાટક છે.’

સંદર્ભ પુસ્તકો :
  1. 1. ગુજરાતી ગ્રંથકાર શ્રેણી- લે.મનસુખલાલ ઝવેરી.
  2. 2. રંગભૂમિ કેનવાસે –લે. લવકુમાર મ. દેસાઇ.
  3. 3. નાટક : શિલ્પ અને સર્જન – લે. ડૉ. ભરતકુમાર ઠાકર.
  4. 4. ગુજરાતી નાટક – લે. સતીશ વ્યાસ.
  5. 5. મુનશીનો વૈભવ- સંપાદક. દીપક મહેતા.
  6. 6. નાટ્યાનુભૂતિ – લે. વિનોદ અધ્વર્યુ.