કનૈયાલાલ માણેકલાલ મુનશી (ક.મા.મુનશી; ઉપનામ: ઘનશ્યામ વ્યાસ) (૧૮૮૭-૧૯૭૧) ગુજરાતી ભાષાના જાણીતા નવલકથાકાર, નાટ્યકાર, વાર્તાકાર, ચરિત્રકાર, નિબંધકાર હતા. તેમનો જન્મ ૩૦ ડિસેમ્બર ૧૮૮૭ના રોજ ભરૂચમાં થયો હતો. તેમના પિતાનું નામ માણેકલાલ અને માતાનું નામ તાપી બા હતું. ૧૯૦૧માં તેમણે મૅટ્રિકની પરિક્ષા પાસ કરીને ૧૯૦૨માં વડોદરા કૉલેજમાં પ્રવેશ મેળવ્યો. ઓગણીસ વર્ષની ઉંમરે તેમણે એલિસ પ્રાઈઝ સાથે વિનયનના સ્નાતકની પદવી મેળવી અને ૧૯૧૦માં એલ.એલ.બી.ની પરિક્ષામાં ઉત્તિર્ણ થયા. ૧૯૧૩માં મુંબઈમાં વકીલાતનો વ્યવસાય શરૂ કર્યો. સાહિત્યની સેવાના પ્રારંભ રૂપે ૧૯૨૨માં ‘ગુજરાત’ માસિકનો પ્રારંભ કર્યો. તેમની સુદિર્ઘ કારકિર્દી દરમ્યાન ૧૯૩૭માં મુંબઈ રાજ્યના ગૃહપ્રધાન, ૧૯૪૮માં રાષ્ટ્રની બંધારણસભાના સભ્ય, એ પછી કેન્દ્રીય પ્રધાનમંડળમાં ખેતીવાડી ખાતાના પ્રધાન, ૧૯૫૨ની ચૂંટણી પછી ઉત્તરપ્રદેશના રાજ્યપાલ, વગેરે જેવા હોદ્દા સંભાળ્યા. ૧૯૩૮માં ભારતીય વિદ્યાભવનની સ્થાપના કરી અને ૧૯૩૭, ૧૯૪૯, ૧૯૫૫માં ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ તરીકે પણ રહ્યા. ફેબ્રુઆરી ૮,૧૯૭૧ના દીવસે ૮૩ વર્ષની જૈફ વયે મુંબઈમાં તેમનું અવસાન થયું.
જીવન ઝરમર
* ૧૯૦૪- ભરૂચમાં મફત પુસ્તકાલય ની સ્થાપના
* ૧૯૧૨ – ‘ભાર્ગવ’ માસિકની સ્થાપના
* ૧૯૧૫-૨૦ 'હોમરુલ લીગ’ ના મંત્રી
* ૧૯૧૫- ગાંધીજી આફ્રિકાથી પાછા આવ્યા તેમને આવકારવા સંમેલન યોજ્યું
અલારખીયાના ‘વીસમી સદી’ માસિકમાં પ્રસિધ્ધ ધારાવાહિક નવલકથાઓ લખતા.
* ૧૯૨૨- ‘ગુજરાત’ માસિક નું પ્રકાશન
* ૧૯૨૫- મુંબઇ ધારાસભામાં ચુંટાયા
* ૧૯૨૬- ગુજરાતી સાહિત્ય પરિષદના બંધારણના ઘડવૈયા
* ૧૯૩૦- ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાં પ્રવેશ
* ૧૯૩૦-૩૨ – સ્વાતંત્ર્ય સંગ્રામમાં ભાગ માટે જેલવાસ
* ૧૯૩૩- કોંગ્રેસના બંધારણનું ઘડતર
* ૧૯૩૭-૩૯ – મુંબઇ રાજ્યમાં ગૃહપ્રધાન
* ૧૯૩૮- ભારતીય વિદ્યાભવનની સ્થાપના
* ૧૯૩૮- કરાંચીમાં ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ
* ૧૯૪૨-૪૬- ગાંધીજી સાથે મતભેદ અને કોંગ્રેસ ત્યાગ અને પુનઃ પ્રવેશ
* ૧૯૪૬- ઉદયપુરમાં અખિલ ભારત હિન્દી સાહિત્ય પરિષદના પ્રમુખ
કનૈયાલાલ મુનશીની પહેલી નવલકથા "પાટણની પ્રભુતા" જે તેમણે ઘનશ્યામના નામે લખી હતી. જ્યારે પાટણની પ્રભુતાને આવકાર મળ્યો ત્યાર પછી તેમણે પોતાના સાચા નામે ગુજરાતી સાહિત્યમાં લખવાનુ રાખ્યુ. "જય સોમનાથ" એ "રાજાધિરાજ" પછીની લખાયેલ કૃતિ છે પણ હમેશા પહેલી ગણાય છે.
જીવનના અંતિમ વર્ષોમાં તેઓ કૃષ્ણ ભક્તિ તરફ વળ્યા હતા અને એટલે તેમની છેલ્લી રચના "કૃષ્ણાવતાર" છે. જે અધુરી છે.
તેમણે લખેલ સાહિત્યમાં કેટલીક ઉલ્લેખનીય રચનાઓ નીચે મુજબ છે.
1. ગુજરાતનો નાથ
2. પાટણની પ્રભુતા
3. પૃથીવી વલ્લભ
4. કૃષ્ણાવતાર ભાગ ૧ થી ૭
5. રાજાધિરાજ
6. જય સોમનાથ
7. ભગવાન કૌટિલ્ય
8. ભગ્ન પાદુકા
9. લોપામુદ્રા
10. લોમહર્ષિણી
11. ભગવાન પરશુરામ
12. વેરની વસુલાત
13. કોનો વાંક
14. સ્વપ્નદ્રષ્ટા
15. તપસ્વિની
16. અડધે રસ્તે
17. સીધાં ચઢાણ
18. સ્વપ્નસિદ્ધિની શોધમાં
19. પુરંદર પરાજય
20. અવિભક્ત આત્મા
21. તર્પણ
22.પુત્રસમોવડી
23. વાવા શેઠનું સ્વાતંત્ર્ય
24. બે ખરાબ જણ
25. આજ્ઞાંકિત
26. ધ્રુવસંવામિનીદેવી
27. સ્નેહસંભ્રમ
28. ડૉ. મધુરિકા
29. કાકાની શશી
30. છીએ તે જ ઠીક
31. બ્રહ્મચર્યાશ્રમ
32. મારી બિનજવાબદાર કહાણી
33. ગુજરાતની કીર્તિગાથા
આ સિવાય ઘણી કૃતિઓ તેમણે અંગ્રેજીમાં પણ લખી છે.
1. Gujarat & its Literature
2. I Follow the Mahatma
3. Early Aryans in Gujarat
4. Akhand Hindustan
5. The Aryans of the West Coast
6. The Indian Deadlock
7. The Imperial Gurjars
8. Ruin that Britain Wrought
9. Bhagavad Gita and Modern Life
10. The Changing Shape of Indian Politics
11. The Creative Art of LIfe
12. Linguistic Provinces & Future of Bombay
13. Gandhi : The Master
14. Bhagavad Gita - An Approach
15. The Gospel of the Dirty Hand
16. Glory that was Gurjaradesh
17. Our Greatest Need
18. Saga of Indian Sculpture
19. The End of an Era (Hyderabad Memories)
20. Foundation of Indian Culture
21. Reconstruction of Society through Trusteeship
22. The World We Saw
23. Warnings of History
24. Gandhiji's Philosophy in Life and Action
સવિશેષ પરિચય
સાહિત્યસર્જક ક.મા. મુનશીને વિશેષ ખ્યાતિ નવલકથાકાર તરીકે મળી છે. ‘સ્વપ્નદ્રષ્ટા’ જેવી કૃતિમાં તેમણે આઝાદીની ચળવળના નેતાઓના પ્રભાવ હેઠળ નવયુવકોના માનસનો ચિતાર અપાયો છે તો ‘સ્નેહસંભ્રમ’ એક વ્યંગકટાક્ષ કરતી ફાર્સકૃતિ છે. ‘પાટણની પ્રભુતા’, ‘ગુજરાતનો નાથ’, ‘રાજાધિરાજ’, ‘પૃથિવીવલ્લભ’, ‘ભગવાન કૌટિલ્ય’, ‘જય સોમનાથ’, વગેરે જેવી એતિહાસિક નવલકથાઓ અને લઘુનવલોની પણ તેમણે ગુજરાતી સાહિત્યને ભેટ આપી છે. પૌરાણિક ઇતિહાસને વણી લઈને તેમણે ‘લોકમહર્ષિણી’, ‘ભગવાન પરશુરામ’ અને ૮ ભાગમાં ‘કૃષ્ણાવતાર’ જેવી રચનાઓ પણ કરી.
‘વાવાશેઠનું સ્વાતંત્ર્ય’, ‘બે ખરાબ જણ’, ‘આજ્ઞાંકિત’, ‘બ્રહ્મચર્યાશ્રમ’, ‘પીડાગ્રસ્ત પ્રોફેસર’, વગેરે જેવા પ્રહસનો અને વિવિધ વિષય પર તેમણે લખેલા નાટકો છે તો ‘ધ્રુવસ્વામિની દેવી’ એમનું એકમાત્ર ઐતિહાસિક નાટક છે. ‘અડધે રસ્તે’માં એમણે પોતાનાં બાલ્યકાળ અને કૉલેજજીવનનાં ૧૮૮૭ થી ૧૯૦૬ સુધીનાં સંસ્મરણો; ‘સીધા ચઢાણ’માં ૧૯૦૭ થી ૧૯૨૨ના સમયખંડને, તો ‘સ્વપ્નસિદ્ધિની શોધમાં’માં ૧૯૨૩ થી ૧૯૨૬ના સમયખંડને આવરીને આત્મકથારૂપે તેમણે પોતાના જીવનના સંસ્મરણો આલેખ્યાં છેએમની પાસેથી અંગ્રેજીમાં પણ ચાળીસેક ગ્રંથો સાંપડ્યા છે. કનૈયાલાલ મુનશીના મૃત્યુ પછી ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલયદ્વારા તેમની લખેલી રચનાઓનો સંગ્રહ 'મુનશી ગ્રંથાવલી' તરીકે પ્રસ્તુત કરવામાં આવ્યો છે.
તેઓ સત્યાગ્રહના સમયના બહુપાર્શ્વીય વ્યક્તિત્વ ધરાવનાર લેખક હતાં. સત્યાગ્રહની ચળવળમાં આગળ પડતો ભાગ ભજવવા ઉપરાંત તેઓ એક વકીલ અને ઇતિહાસકાર હતાં. પરંતુ તેમને સૌથી વધુ ખ્યાતિ એક લેખક તરીકે મળી. તેમની નવલકથાઓ મોટા ભાગે ઐતિહાસીક કથાનકો પર આધારીત રહેતી. તેમની નવલકથાઓ માં તેમના ઇતિહાસ ના રસ અને જ્ઞાન નો પ્રભાવ ચોખ્ખો દેખાય છે, જે તેમને બીજા તમામ ગુજરાતી નવલકથાકારોથી જુદા પાડે છે. જો કે વિવેચકોનું નામવું છે કે આકૃતિવિધાનની શિથિલતા વિશાળ ફલક પર આલેખાયેલી આ નવલકથાને કલાકૃતિ બનતી અટકાવે છે. ડ્યૂમાની અસર નીચે તેઓ પોતાની નવલકથાઓમાં ત્વરિત ગતિથી વહેતો રસપૂર્ણ વસ્તુપ્રવાહ, સુશ્લિષ્ણ વસ્તુગૂંફન, સ્પષ્ટરેખ સજીવ પાત્રાલેખન, નાટ્યાત્મકતા, ચમકદાર સંવાદરચના આદિ નવલકથાનાં અંગોને આકર્ષક રીતે વિકસાવે છે. ચેતનથી તરવરતાં, અસાધારણ શક્તિવાળાં-પ્રભાવશાળી પાત્રો એમણે સજર્યાં છે. બોલાતી જીવંત ભાષાનો રણકાર એમની ભાષામાં સંભળાય છે