મુનશીનું ઐતિહાસિક નાટક : ‘ધૃવસ્વામિનીદેવી’- પુનર્મૂલ્યાંકન
કાળજે સર્જકને ટકાવી રાખે એવા સર્જકની પ્રતિભાનું બયાન કરતી વેળાએ અન્ય કોઈ ઉપમાઓ કે ઉપમાનો પ્રયોજવા જરૂરી ખરા ? જે સર્જક સ્થળ અને કાળથી પર બની ને પોતાની પ્રતિભા સાર્થક કરે છે, તેવા સર્જકને સમયની અવધિ નડતરરૂપ બનતી નથી એ તો પેઢી દર પેઢી લોકપ્રિયતાનું અને અમરત્વ વરદાન પ્રાપ્ત કરી લોકોના હૈયામાં જીવીયે જાય છે. કનૈયાલાલ માણેકલાલ મુનશી વિશે,આજના તેમના સાહિત્યના પુનર્મૂલ્યાંકનપ્રસંગે,તેમની લોકપ્રિયતાની ઉપસ્થિતિ સંદર્ભે ચોક્કસ કહી શકાય કે-તેમની લોકપ્રિયતા આજે પણ તેમના વિશે આપણને વિચારવા પ્રેરે છે. મુનશીને અને તેમની પ્રતિભાને કાળ ગ્રહી શક્યો નથી. હજુ આજેય આંગળીને વેઢે ગણી શકાય એવાં ગુજરાતીના પ્રતિભાશાળી અને લોકપ્રિય સર્જકો વિશે પૂછવામાં આવે તો સ્વાભાવિક રીતે જ મુનશીનું નામ તેમાં અવશ્ય લેવાય. અહીં મુનશીની પ્રતિભામાં અને તેમના સાહિત્યમાં એવું તો કયું તત્ત્વ છે કે જેના બળે તેઓઆજના સમયમાં પણ કાળથી પર થઈને હયાત છે, તે અંગે તેમના ઐતિહાસિક નાટક ‘ધ્રુવાસ્વામિની દેવી’ સંદર્ભે અભ્યાસ કરવાનો મારો પ્રયાસ છે.
કનૈયાલાલ મુનશીને આપણે એક જાજરમાન સર્જક-સાહિત્યકાર તરીકે જાણીએ છીએ. એ ઉપરાંત તેમના સામાજિક અને રાજકીય કર્તૃત્વ વિશે જેમાં ભારતની બંધારણસભાના સભ્ય, પ્રખર ધારાશાસ્ત્રી, ભારતીય ભાષાભવનના સ્થાપક જેવા મહત્વના પ્રદાન બદલ આપણે આજેય તેમને યાદ કરીએ છે અને તેઓ એક ગુજરાતી હોવાના નાતે ગૌરવ લઈએ છે. પણ સાહિત્ય સર્જનની બાબતમાં આટઆટલો સમય વહેણો વહી ગયા પછી પણ તેમની કોઈ કૃતિ આજે ભાવકને જકડી રાખે તો તે ઘટના પણ એક સાહિત્યકાર તરીકેની ગૌરવ લેવા જેવી ઘટના બને છે. આજની નવી પેઢીને મુનાશીમાં રસ પડે છે. તેમના વિશે અને તેમના સર્જન વિશે જાણવા માટે વિચારે છે અને તે આપણે જોઈએ છે ત્યારે એક અભ્યાસનો વિષય બનીને સામે આવે છે કે એવું તો કયું તત્ત્વ તેમનામાં છે કે વાંચક ચુંબકની જેમ ખેંચાય છે ?
કનૈયાલાલ માણેકલાલ મુનશીનાસાહિત્ય ઉપર દૃષ્ટિ કરીશું તો પ્રતિત થશે કે તેમનું સાહિત્ય ઐતિહાસિક, પૌરાણિક અને સામાજિક એમ ત્રણે ક્ષેત્રનો વિસ્તાર કરતુ આવે છે. એક સર્જક તરીકે તેમણે ગુજરાતી સાહિત્યમાં પદ્ય સિવાયના લગભગ બધા જ સ્વરૂપોમાં સર્જન કર્યું છે. વળી દરેકમાં ઉત્તમ પ્રકારે સર્જન કર્યું છે. અને આજના અવસરને ધ્યાનમાં રાખીને કહેવું હોય તો લોકો હંમેશ યાદ રાખે એવું સર્જન કર્યું છે.તેમને મળેલી એક નવલકથાકાર તરીકેની સિદ્ધિ આજે પણ અજરાઅમર છે. નવલકથામાં ઐતિહાસિકસામાજિક અને પૌરાણિક વિષય વસ્તુને માવજતથી વાપરનાર મુનશી, ઐતિહાસિક અને પૌરાણિક વિષયવસ્તુને જુદા જ રંગ રૂપ આપીને કલાનો વિષય તરીકે પ્રસ્તુત કરી આપી ઉત્તમ કક્ષાની સાહિત્યકૃતિઓનું નિર્માણ કરે છે.પુરાણ કરાતાં પણ ઈતિહાસમાંથી વસ્તુ લઈને મુનશી જ્યારે સાહિત્યકૃતિ આપે છે ત્યારે તે માણવા જેવી બને છે. તેમણે ઐતિહાસિકનવલકથાઓમાં ‘પૃથિવીવલ્લભ’, ‘જય સોમનાથ’, ‘પાટણની પ્રભુતા’, ‘ગુજરાતનો નાથ’, ‘રાજાધિરાજ’, જેવી ઐતિહાસિક વિષયવસ્તુવાળી નવલકથાઓની શ્રેણીઆપી છે. એ જ રીતે પૌરાણિક અને સામાજિક વિષયવસ્તુવાળીનવલકથાઓ પણ કનૈયાલાલ મુનશી આપે છે.
નવલકથાની જેમ જ નાટ્ય સર્જનમાં પણ તેઓ ઐતિહાસિક, પૌરાણિક અને સામાજિક વિષયવસ્તુનો ઉપયોગ કરે છે. પરંતુઐતિહાસિક નવલકથાઓની એક પરંપરા આપનાર મુનશી પાસેથી પૌરાણિક અને સામાજિક નાટકોની લાંબી શ્રુંખલા મળે છે. જ્યારે ઐતિહાસિક નાટકમાં માત્ર એક કૃતિ મળે છે. પૌરાણિક નાટકોમાં ‘પુરંદર પરાજય’, ‘અવિભક્ત આત્મા’, ‘તર્પણ’, ‘પુત્ર સમોવડી’, ‘લોપામુદ્રા’ વગેરે.જ્યારે સામાજિક નાટકોમાં ‘આજ્ઞાંકિત’, ‘કાકાની શશી’, ‘પીડાગ્રસ્ત પ્રોફેસર’, ‘ડૉ. મધુરિકા’, ‘બે ખરાબ જણ’, ‘વાવાશેઠનું સ્વાતંત્ર્ય’, ‘બ્રહ્મચર્યાશ્રમ’, ‘છીએ તે જ ઠીક’ ‘વાહ રે મેં વાહ’,જેવા નાટકો. અને ઐતિહાસિક નાટકોમાં એક માત્ર ‘ધૃવસ્વામિનીદેવી’ આપ્યું છે.
‘ધૃવસ્વામિનીદેવી’ નાટક એ ઈતિહાસમાંથી ‘ચંદ્રગુપ્ત’નું કથાનક લઈને તૈયાર કરવામાં આવેલ નાટક છે. નાટક ચાર અંક ચાર દ્રશ્યમાં બે સ્થળોએ ભજવાય છે. આ નાટકની પ્રથમ આવૃત્તિ ઈ.સ. ૧૯૨૯માં થઇ હતી. તે પછી ત્રીજી આવૃત્તિ (૧૯૫૨)ના પણ ત્રણ પુનર્મુદ્રણ થઇ ચુક્યા છે. જે તેની એક રીતે લોકપ્રિયતા સૂચવે છે. ‘ચંદ્રગુપ્ત’,‘ધૃવદેવી’,‘રામગુપ્ત’, ‘સમુદ્રગુપ્ત’, ‘કાલિદાસ’ જેવા ઐતિહાસિક પાત્રો તથા કથાવસ્તુમાં ધર્મનો જય,ગૂર્જરઅસ્મિતાનું ગાન અને પ્રણય પિપાસાની કલાત્મક અભિવ્યક્તિ થયેલી છે. ઐતિહાસિક નાટ્ય કૃતિ છે એટલે તેમાં ઈતિહાસ હોવાનો.તો મુનશી છે એટલે તેમાં કઈ કેટલીયે છૂટ લીધેલ પણ હોવાની. પરંતુ એ બધી બાબતોને બાજુ પર રાખી નીર્ભેર કલાકૃતિ તરીકે તેની મૂલવણી કરીએ, તો અહીં આનંદમ્ કેવલ આનંદમની અનુભૂતિ કરાવશે. આ અભ્યાસલેખમાં કનૈયાલાલ મુનશી આજે પણ કેમ આટલા ઉપસ્થિત બની રહે છે તે સંદર્ભે અભ્યાસ કરવાનો ઉદ્દેશ્ય છે, આથી શરૂથી જ એ વિષયને ધ્યાનમાં લઈને આગળ વધીએ તો વધારે સારું રહેશે.
‘ધૃવસ્વામિનીદેવી’ નાટકનો પ્રથમ ઈતિહાસ સંદર્ભે વિચાર કરીએ તો- ભારતવર્ષ ઉપર થયેલા જુદા જુદા શાસનોમાં એક શાસન ગુપ્તવંશનું હતું. જેમાં ‘સમુદ્રગુપ્ત’ જેવા શૌર્યવાન રાજા હતા. આશરે ઈ.સ. ૩૦૦માં મગધ ઉપર ‘વિશ્વષ્ફણી’ રાજ્ય કરતો હતો. તેના પતન પછી ‘શ્રી ગુપ્ત’ નામનો રાજા મગધ અને સાકેત ઉપર રાજ્ય કરેછે. આ વંશની કથા ઇતિહાસકારે નોંધી છે. ‘ધૃવસ્વામિનીદેવી’નું કથાવસ્તુ ‘ચંદ્રગુપ્ત’-‘રામગુપ્ત’ સાથે સંકળાયેલ છે અર્થાત કે તે ઇતિહાસમાં ઈ.સ. ચોથી સદીમાં આપણને લઇ જાય છે. જે સમયે મગધમાં ચંદ્રગુપ્તનું શાસન હતું. ઈસુની ચોથી સદીના અંતભાગના ઇતિહાસને મુનશી પોતાના નાટકની કથા માટે પસંદ કરે છે.
મગધના રાજા અને રાજરાણી એવાં ‘ચંદ્રગુપ્ત’(પહેલો) અને ‘કુમારદેવી’ એ યુગલ પ્રાચીન ભારતવર્ષનું અદ્વિતીય યુગલ છે. તેમનો પુત્ર ‘સમુદ્રગુપ્ત’ અતિ પરાક્રમી અને શૌર્યવાન છે. તેણે માતા – પિતાની છાપવાળા સિક્કા પડાવ્યા હતા. અને એટલુ જ નહિ નર્મદાની ઉત્તરે આવેલા આર્યાવર્ત પર સંપૂર્ણ દિગ્વિજય કર્યો અને ‘કૃતાંતપરશુ’, ‘અજિતરાજ્જેતાજિત’, ‘પરાક્રમાંક’, ‘વ્યાઘ્રપરાક્રમાંક’ જેવા બીરુદોથી વિખ્યાત થયેલો. તેણે અશ્વમેઘ યજ્ઞ પણ કર્યો હતો. સાથો સાથ તે કલા અને વિદ્યા પ્રેમી પણ હતો. તેના દરબારમાં કલારત્નોનું આગવું સ્થાન હતું. એવો આ વીર ઈ.સ. ૩૮૭ના અરસામાં સ્વર્ગે સિધાવે છે. તે પછી તેનો ઉત્તરાધિકારી ‘ચંદ્રગુપ્ત’ રાજગાદી પર આવે છે. જેને આપણે ‘ચંદ્રગુપ્ત’ બીજો તરીકે ઓળખીએ છે જે આગળ જતાં બીજા નામ ‘વિક્રમઆદિત્ય’થી પણ ઓળખાય છે. જેના દરબારમાં મહાકવિ ‘કાલિદાસ’ થઇ ગયાં.આ ‘સમુદ્રગુપ્ત’ અને ‘ચંદ્રગુપ્ત’(બીજો)-વિક્રમાદિત્યના રાજ્યકાળ વચ્ચે ‘રામગુપ્ત’,‘સમુદ્રગુપ્ત’નો મોટો દીકરો રાજ્યની સત્તા સંભાળે છે. તેણે ગુપ્તવંશનો રાજ્ય દંડ ટૂંક સમય માટે પોતાના હાથમાં લીધો હતો, એવી શોધ ડો. સેલ્વિયન લેવીએ કરી છે. આ કથાવસ્તુને મુનશી પોતાના નાટક માટે પસંદ કરે છે તેમાં પોતાની કલ્પના ઉમેરીને રામગુપ્ત તેની નીચતા-અધમતાનાઅને દુરાગ્રહી વૃત્તિના કારણે ચંદ્રગુપ્તના હાથે તેનો વધ થાય, એવી કથા ઉભી કરે છે. ચંદ્રગુપ્ત અને ધૃવસ્વામિનીનો પ્રણયપ્રસંગને કલ્પનાથીઉમેરે છે.ડો. સેલ્વિયન લેવીના તારણને સ્વીકારી નાટકમાં સમુદ્રગુપ્ત પછી રામગુપ્તને રાજગાદીએ પ્રસ્થાપે છે.
ડો. સેલ્વિયન લેવીએ શોધેલ ‘ચંદ્રગુપ્ત’ અને ‘ધ્રુવદેવી’નું કથાવસ્તુ ધરાવતું નાટક વિશાખદત્તનું દેવીચંદ્રગુપ્તમ્’ના ખંડિત અંશો ઉપલબ્ધ છે, જે પૂરાવા રૂપ છે. કનૈયાલાલ મુનશી ‘ધ્રુવસ્વામિનીદેવી’ નાટકની પ્રસ્તાવનામાં કહે છે – “ આ નષ્ટ થયેલા નાટકના નાટકના વસ્તુમાં બીજી ઐતિહાસિક અને કાલ્પનિક સામગ્રી ઉમેરી, નવે સ્વરૂપે આ નાટક લખવાનો મેં પ્રયત્ન કર્યો છે. ” તો આ જ પ્રકારનું કથાવસ્તુ ધરાવતી બીજી કેટલીક કૃતિઓ પણ લખાય હોય એવાં પુરાવા પણ મળે છે. જેમાં અન્ય કૃતિઓ હિન્દીમાં જયશંકરનું ‘ધૃવસ્વામિની’, રાજશેખર કૃત –‘काव्यमीमांसा’, ભોજ કૃત –शृंगाररूपकम्’,બાણ કૃત ‘हर्षचरित्’ જેવી રચનાઓમાં પ્રસ્તુત ઇતિહાસના કેટલાક અંશો ધરાવતું કથાવસ્તુનો ઉપયોગ થયો છે. આમ મુનશી ‘ધૃવસ્વામિનીદેવી’ નાટક આપે છે તે પૂર્વે આ કથાવસ્તુનો ઉપયોગ કરીને ઉપરોક્ત સાહિત્યકૃતિઓ રચાઈ ગયેલ છે. આ વિષય વસ્તુને મુનશી પોતાની આગવી શૈલીમાં સંયોજીને અલગ જ પ્રકારની એક સમર્થ નાટ્ય રચના આપવાનો પ્રયત્ન અહીં થયો છે.
મને મુનશીની લોકપ્રિયતાનું એક કારણમાં એક એ લાગ્યું કે-મુનશી ઇતિહાસના વસ્તુને નાટકના વસ્તુ તરીકે ઉપયોગમાં લે છે, ત્યારે એમાં માત્ર ઇતિહાસ નહિ પણ પોતાની કલ્પનાનું બળ ઉમેરીને સર્જન કરે છે. મુનશીની આ એક વિશિષ્ટત સિદ્ધિ છે. કે તેમની પાસેથી મળતી ઐતિહાસિક અને પૌરાણિક નવલકથાઓ કે નાટકોમાં તેમના દ્વારા થયેલું ઉમેરણ મૂળકથા સાથે સમરસ થઈ જાય છે. અને એક અનોખી રસસૃષ્ટિનું દ્યોતક બનીને તે આવે છે. ખરેખર મુનશીને મૂળકથાથી ઉફાળા ચાલવાનું લાભદાયી નીવડ્યું છે. કે પછી તેમને પૂરેપૂરી જાણ છે કે પોતે કલાનું ક્ષેત્ર ખેડી રહ્યા છે એટલે પોતાના કલાના ન્યાયે મુનશી આગળ વધે છે. આથી મુનશી ઇતિહાસના પાત્રોને જ્યારે પોતાના રંગમાં રંગીને, પોતે રચેલી આગવી દુનિયામાં ઊભા કરે છે ત્યારે કોઈ પણ સમયનો ભાવક મંત્ર મુગ્ધ બની જાય છે. આજનો ભાવક ઇતિહાસમાં રસ લેતો થયો છે. પણ ઇતિહાસનો ભાર તેની આંતર ચેતનાને મૂંઝવે છે. ત્યારે ઇતિહાસના ચોગાનમાંથી આવતું મુનશીનું સાહિત્ય રસમય શૈલી એ ઈતિહાસની મઝા કરાવે છે. ક્યારેક ઇતિહાસથી તદ્દન વિપરીત, તો ક્યારેક થોડી દૂર રહી જતી આ સાહિત્યની દુનિયામાં સર્જક મુનશી ઇતિહાસના જાહોજલાલીવાળા પાત્રોને પ્રેમ, શૌર્ય, ગરિમા અને અસ્મિતાથી ઝગઝગાટ કરતા નિરૂપે છે, ત્યારે ભાવક અભિભૂત થઇ જાય છે. આથી તેમની લોકપ્રિયતાનું એક મહત્વનો કારણ મૂળકથા કે ઇતિહાસમાં પોતાની ભવ્ય કલ્પનાનું ભેળસેળ છે એમ લાગે છે.
‘ધૃવસ્વામિનીદેવી’નાટક મુનશીએ ઈતિહાસમાંથી માત્ર પાત્રો લઈને લખ્યું છે. એમ કહીએ તો પણ ચાલે. કેમ કે અહીં હકીકત કરતાં કલ્પનાનું ઉમેરણ વધારે થયેલું જોઈ શકાય છે. પણ એ કલ્પના રૂચિકર બને, તે તેમની સિદ્ધિ છે.આખું નાટક ઐતિહાસિક હોવા છતાં ઇતિહાસના ભારણથી વેગળું રહ્યું છે અને એક શુદ્ધ પ્રણયકથા બનીને આવે છે. દ્રશ્યસંકલના અને પ્રસંગની માવજતમાં નાટ્યકાર મુનશીની ખૂબી જોઈ શકાય છે. નાટકના પરિવેશને ઐતિહાસિક રીતે વધુ મજબૂત બનાવવા તથા સમયની દ્રષ્ટીએ ચંદ્રગુપ્ત સુધી લઇ જવા માટે મુનશી તત્કાલીન સમયમાં થઇ ગયેલ કાલિદાસને એક પાત્ર તરીકે પ્રયોજે છે અને તેના થકી ‘મેઘદૂત’ અને ‘શાકુન્તલ’ જેવા નાટકની ઉત્ત્પત્તિનું માધ્યમ તથા ‘કુમારસંભવમ્’ની રચના થતી અને તેના કેટલાક અંશો ચોથા અંકમાં પ્રસ્તુત કરી આપી ધૃવસ્વામિનીદેવી અને ચંદ્રગુપ્તના પ્રેમને આલંબન અને ઉદ્દીપન આપવાનું કાર્ય થાય છે.
‘ધૃવસ્વામિનીદેવી’ નાટકનું અંક પ્રમાણે ટૂંકમાં કથાનક જોઈએ તો – પ્રથમ અંક કુસુમપુરમાં ભજવાય છે. જેમાં ‘રમગુપ્ત’ ગાદી પર આવે છે, આ અંકમાં તેની અધમતા અને નીચતાના દર્શન મુનશી કરાવે છે. મદ્યપાન, યવનકન્યાનો સતત સહવાસ, મોજશોખમાં અવિરત વિલાસી જીવન, બ્રાહ્મણોનો તિરસ્કાર, ઋષીઓને દક્ષિણા ન આપવી, રાજ ધર્મથી વિરક્ત, કાયરપણું, યુદ્ધની-ધર્મની ગરિમાનો અસ્વીકાર, ગૂર્જર અસ્મિતાપ્રત્યે બેદરકાર, જેવા ઘણા દોષોને કારણે તેનું પાત્ર એક ખલપાત્ર બને છે. પૃ. ૯ ઉપર શશિલેખા, માધવી અને કાલિદાસના સંવાદોમાં આશ્રમમાંથી ગુરુદક્ષિણા લેવા આવેલ ઋષિને દાન ના આપતા રામગુપ્તે કાઢી મૂક્યાનો ઉલ્લેખ આવે છે. તો સામે છેડે ચંદ્રગુપ્ત એ જ ઋષિને પોતાના કાનના કુંડળ અને ગળામાંથી હાર કાઢીને આપે. એ ઉલ્લેખ બીજું તો તે રસિક છે, પરાક્રમી છે, છેલ્લા બે વર્ષથી તે યદ્ધભૂમિ સેવીને આવ્યો છે રામગુપ્તને યુદ્ધમાં લઇ જવા માટે જેવા ઉલ્લેખો મળે જે ચંદ્રગુપ્તને એક સજ્જન તરીકે સ્થાપે છે. તો ધૃવસ્વામિનીદેવી અને રામગુપ્તના લગ્ન તદ્દન વિરોધાભાસ છે કાલિદાસ તેમના વિશે માધવી સાથે વાત કરતા કહે છે ---
“ કાલિદાસ : કેવો દેહ, કેવો આત્મા અને કેવું કર્મ ! જો તો ખરી, કેવી ભવ્ય ને કરુણ મૂર્તિ ! કેવી ખેદભરી ગતિ ! જાણે ઊગતાપ્રભાતે ભૂલી પડેલી ફિક્કી આછી શશિલેખા.
કાલીદાસ : ભગવાન ભોળાનાથ, આને ઘડી, તો એનો ભોગી શેં ન ઘડ્યો ?”
કાલિદાસના સંવાદ દ્વારા અને પ્રથમ અંકમાં ધૃવસ્વામિનીદેવીના પ્રવેશની સાથે જ રામગુપ્ત સાથેના તેમના વિરોધાભાસી દામ્પત્યનો ખ્યાલ ભાવકને આવી જાય તો ચંદ્રગુપ્ત અને ધૃવસ્વામિનીદેવી બંને એક બીજા માટે બન્યા છે તેનો ખ્યાલ આવે છે. રથમ અંકની મહત્વની ઘટના ચંદ્રગુપ્ત ઉજ્જયિનીમાં રોકાયેલ સૈન્યને ફરીથી ઉત્સાહથી ભરી દેવા માટે એક રાજા અને રાણી તરીકે રામગુપ્ત અને ધૃવસ્વામિનીદેવીને લેવા માટે આવ્યા છે.
બીજા અંકનુંસ્થળ ઉજ્જયિની છે અને આ અંકની મહત્વની ઘટનાઓમાં શકપતિ રુદ્રસેન સામેના યુદ્ધમાં રામગુપ્તની ઉદાસિનતાના કારણે હાર, રુદ્રસેનનું સંધી માટે તૈયાર થવું પણ બદલામાં ધૃવસ્વામિનીદેવીની માંગણી કરવી, રામગુપ્તની આપીદેવા માટેની તૈયારી પણ ચંદ્રગુપ્તનું અદભૂત પરાક્રમ સ્ત્રી વેસે રુદ્રસેન પાસે જઈને આક્રમણ કરી તેને મારવો જેવી ઘટનાઓ છે.
ત્રીજા અંકમાં બનતી ઘટનામાં ચન્દ્રગુપ્તનું ગાંડા બનવાનું નાટક, એ બહાને રામગુપ્ત અને ગૃહસેનની ચાલમાંથી બચવાના પ્રયત્નો એમાં રામગુપ્તનો વધ કરવો.
ચોથા અંકમાં ચંદ્રગુપ્ત અને ધૃવસ્વામિનીદેવીના પરસ્પર પ્રેમનો સ્વીકાર અને લગ્ન, સ્કંદ તથા વાત્સ્યએ કરેલ બળવાનું શમન છે. આમ આ ચાર અંકની કથામાં મુનશી એક સાથે પ્રણયકથા અસ્મિતાનું ગાન અને ધર્મનો જય સ્થાપવાનો પ્રયત્ન કરે છે.
આપણે કનૈયાલાલ મુનશીને અસ્મિતાના ઉદ્-ઘોષક તરીકે ઓળખીએ છે. જે તેમની એક અનન્ય સિદ્ધિ છે. તેમને લોકપ્રિય બનાવનારું એક મહત્વનું કારણ તેમના સાહિત્યના અણુ એ અણુમાં વ્યાપેલ અસ્મિતાનો ઉદઘોષ અને પ્રેમ જેવા શાશ્વત સંવેદનના નિરૂપણને ગણાવી શકાય. આજનો માણસ ભલે યંત્રયુગની ચેતનામાં ફસાઈ પડ્યો હોય, ભલે વ્યક્તિવાદી બની ગયો હોય, પણ તેના ચિત્તમાં ક્યાંક તો ધર્મ-અધર્મની સમજ કે સૂજ પડેલી છે જેથી તે અસ્મિતાની લહેરમાં વહી જાય છે. માણસના ચિત્તમાં હજુ આજેય એક રીતે પોતાના દેશ એન રાષ્ટ્ર માટે ગૌરવની ભાવના પડેલી છે, માણસને આજેય અન્યનું ભલુ વિચારવાનું મન થાય છે. અથવા તો એમ કહીએ કે તેના મનમાં આઓઆપ અન્યનું હિત આવી જાય છે. તો આજે પણ માણસને પ્રેમ ગમે છે, તેના વિષે સાંભળવું ગમે છે, ને કહેવું ગમે છે. ટૂંકમાં એમ કે મનુષ્ય હજુ પણ ભારતીય અસ્મિતામાં રસ લે છે. પ્રેમની કથામાં રસ લે છે. આથી જ્યારે મુનશીના સાહિત્યમાં પ્રેમ અને અસ્મિતા બંને ભેગા થઈને આવતા હોય ત્યારે સ્વાભાવિક રીતે તેમાં રસ પડવાનો. અને અસ્મિતા અને પ્રેમ એ શાશ્વત ભાવના છે જે યુગોથી ચાલી આવે છે અને ચાલેશે.
અહીં ‘ધૃવસ્વામિનીદેવી’ નાટકમાં અધર્મી રામગુપ્ત સામે ધર્મ પ્રમાણે વર્તનારો, ગુરુજનો વડીલોનું સન્માન કરનારો, પરાક્રમી સજ્જન, યુયુત્સુ કીર્તિ ધરાવનાર ચંદ્રગુપ્ત છે. તો પોતાના યશને બચાવવા મરીમિતવા તૈયાર ઉન્દાન જેવો સેના નાયક, હરિસેન જે રુદ્રસેન સાથે થયલી હારને કારણે પોતાના અપમાનિત થવા કરતા મરવાનું પ્રશંસનીય સમજે છે. અને અસ્મિતા તેમના રોમ રોમમાં વસેલી છે. પરાક્રમી ચંદ્રગુપ્ત સ્ત્રીવેસ લઇ રુદ્રસેન પર હુમલો કરે ત્યારે મદદ માટે પહોંચી યુદ્ધ જીતે. તેમનું સમગ્ર જીવન યુદ્ધ અને પરાક્રમમાં વીત્યું છે. રુદ્રસેન સાથેની હાર પછી તે કેવી સ્થિતિ અનુભવે છે તેનું વર્ણન તેનાં જ શબ્દોમાં જોઈએ –
“ ઉન્દાન : આપણી ઉજ્જયિનીમાં દુર્ગો તોડી શકપતિ પેસી જાય ! આપણે શરણે થવું પડે ! હાય ! હાય! આ વિષનો ઘૂંટડો પરાક્રમદેવના મહાદંડનાયકને કરમે!”
“ ઉન્દાન : (આક્રંદ કરી)મારે શકપતિની શરતો સ્વીકારવી રહી... આટલાં ફાંફાં માર્યા પણ હું જીવતો રહ્યો. હરિસેન...એ આવીને શું કરશે ? પરાધીનતાની શ્રુંખલા ખખડાટ સંભળાવશે ? (રોહલ પાસે જઈ તેના ખભા પર હાથ મૂકી) રોહલ. દીકરા, શકપતિ મને પકડે તે પહેલા મારો શિરચ્છેદ કર. બેટા, બાલવાયથી વિજય સિવાય મેં કાંઈ જોયું નથી. અને બીજું કાંઈ જોવા મારે જીવવું નથી. રોહલ મારી આટલી આજ્ઞા માન...”
આ છે અસ્મિતા. પ્રાણ કરતાં પણ સ્વમાન વધારે વ્હાલું અને આવી આસ્મિતા આ નાટકમાં અનુભવી શકાય છે. જ્યારે ચંદ્રગુપ્ત અને ધૃવસ્વામિનીદેવીનો પ્રેમ તો આ નાટકમાં સરસ રીતે વિકસતો જોઈ શકાય છે બંનેનું પ્રેમ પ્રકરણ ચોથા અંકમાં વિસ્તરીને લગ્નમાં પરિણમે છે . પણ એ પહેલા પણ બંને એકબીજા માટે બન્યા છે એનો ઉલ્લેખ ક્યાંક ને ક્યાંક આડકતરી રીતે સર્જક કરી આપે છે. ધર્મમાં માનનાર ચંદ્રગુપ્ત ધર્મ અને ગુર્જર અસ્મિતા માટે સગા ભાઈનો વધ કરે છે. તેમાં ગ્લાનીનું કેન્દ્ર તે બનતો નથી. અર્થાત રામગુપ્તના અવસાનનું નિમિત્ત તેનો પોતાનો સ્વબચાવ લાગે છે. પ્રણયની ઉન્માદ લાગણીથી અભિભૂત ચંદ્રગુપ્ત અંતે ધૃવદેવી સસાથે લગ્ન કરી પુનઃ રાજ્ય સ્થાપિત કરે છે. અને ધર્મનો જય કરવા ઉન્મત બને છે. મુનશી અંતિમ દ્રશ્યમાં યાજ્ઞવલ્કયને લાવી ને પોતાને અભિપ્રેત એવો ધર્મનો જય આર્યવર્તનો જય ના ઉદ્દેશ્યને સિદ્ધ કરે છે.
નાટકમાં પ્રેમનું તત્વ પણ બળવત્તર છે. નાટકનું દ્રશ્ય ખુલે છે એ પ્રેમના એક દ્રશ્યથી જ ઉઘડે છે. કાલિદાસ તેની પ્રેમિકા માધવીની રાહ જોઈ રહ્યો છે ત્યાંથી લઈને બંનેની પ્રણયઘેલી મુલાકાત અહીં સુંદર રીતે ભજવાતી જોઈ શકાય છે.મંથર ગતિએ વિકસતો પ્રેમ અહીં આકર્ષણનું કેન્દ્ર બને છે. એમ કહી શકાય કે મુનશી એવા સાહિત્યકાર છે કે જેમના સર્જનમાં અસ્મિતા અને પ્રણય બંનેનો ઉદ્-ઘોષ સાથે લઈને ચાલે છે. તેમના સાહિત્યમાં અને આચાર વિચારમાં સતત ગૂર્જર અસ્મિતાનું પ્રતિનિધિત્વ ડોકાયા કરે છે. અનેતેમાં ભાવકને વધુ રસ પણ અડે છે અને પ્રેમની પ્રસ્તુતિમાં તો મુનશી બેનમુન સાબિત થાય છે.
મુનશી પાસે કથા કહેવાની કરતબ-કસબ બેનમૂન છે. કોઈ વિવેચકે પણ ક્યાંક કહ્યું છે કે તેમની નવલકથાઓ નાટ્યાત્મકતાના કારણે અને નાટકો કથનાત્મકતાને કારણે લોકપ્રિય થયા છે. સાંપ્રત સર્જકોએ મુનશી પાસેથી ઘણું શીખવાનું છે તેમાનું એક તે આ કરતબ પણ છે. કથામાં પ્રવેશ કરતાની સાથે જ વાંચકને પકડી લઈ તેને આમણ ઘૂમણ બધે ઘુમાવીને કથાના અંત સુધી જકડી રાખવાની કસબ તેમને જબરજસ્ત વળેલી છે. જેનો પરિચય વાચકને વાચન દરમ્યાન થઇ જાય છે. નાટક જેવા સાહિત્ય સ્વરૂપ કે જેણે રંગભૂમિ પર જવાનું છે તો તેને માટે સર્જકની કાબેલિયત જરૂરી રહેવાની. નાટક રંગભૂમિ પર ભજવાય ત્યારે નાટકમાં ત્વરિત ક્રિયાવેગ પ્રથમ જરૂરીયાત બની જાય છે નાટ્યકાર પાસે આ ખૂબી આવશ્ય હોવી જોઈએ. મુનશી પાસે તે છે. મુનશી નાટકને પણ કથારસના જાળમાં ગૂંથે છે ત્યારે કથાને કહેવાની, નાટકમાં ચાલતી ત્વરિત ક્રિયા પ્રતિક્રિયાને પકડી રાખીને નાટકને વેગમાન રાખે છે.
‘ધૃવસ્વામિનીદેવી’ નાટકને એ સંદર્ભે જોઈએ તો ખ્યાલ આવે છે કે ચાર અંકનું નાટક ખુબ સમય લે છે પણે એ સમયને મુનશી પકડી રાખે છે રંગમંચને સતત વેગવંત રાખે છે. નાટક શરુ થતાની સાથે જ કાલિદાસના પ્રણયનો નિર્દેશ અને તેની પ્રેમિકા સાથેની મધમીઠી મુલાકાતને નિરૂપી રસમય દ્રશ્ય જમાવે છે અને તરત જધૃવસ્વામિનીદેવીનો પ્રવેશ કરાવી એ દ્વારા રામગુપ્ત સાથેના તેમના લગ્નજીવનની વિસંવાદિતા અને રામગુપ્તની અધર્મતાનું સુચન કરવા માટે ગુરુદક્ષિણા માટે આવેલ બ્રાહ્મણનું અપમાન, ચંદ્રગુપ્તનો પ્રવેશ રામગુપ્તને ઉજ્જયિની લઇ જવા માટે જેવી ઘટનાઓ એક સાથે ક્રમમાં આગળ વધતી રહે છે જેનાથી નાટકને સરસ ક્રિયાવેગ મળ્યો છે. તો એક અંક પૂરો થાય એન બીજા અંકની શરૂઆતના દ્રશ્યમાં અઢી મહિનાનો સમય દર્શાવે અને એમાં બની ગયેલી ઘટનાઓ નો નિર્દેશ કરી ઉજ્જયિનીની યુદ્ધમાં થયેલ હારનું આખું દ્રશ્ય લે. આમ આ નાટકમાં સર્જક ક્રિયાવેગ ઝડપી રાખીને નાટકને જીવંત રાખે છે. જે નાટક જેવા સાહિત્ય સ્વરૂપને લોકપ્રિય બનાવે છે.
મુનશી નાટકમાં કાથાની સાથે નાટ્યાત્મકતાની અદભૂત કલા સિદ્ધ કરે છે. આ નાટકની એક વિશિષ્ટતા સીધો કથા પ્રવાહ છે, કથા કોઈ પણ આડા તેડા પાટે ન ચડતા સીધો ઈચ્છિત ક્રિયાવેગ સાધે છે. ઐતિહાસિક વિષયવસ્તુવાળી કૃતિમાં મુખ્યત્વે એવું બનતું હોય છે કે ઇતિહાસના ભારણને કારણે આવી કૃતિઓ મૂળવસ્તુ સાથેના વળગણને કારણે તેનો ક્રિયાવેગ મંદ પડી હોય અને નાટક જેવા સાહિત્યસ્વરૂપ માટે મંદક્રિયાવેગ એક બહુ મોટો દોષ કહેવાય જેમાં સપડવાનું મુનશી માટે બનતું નથી. નાટક તેનું રોચકત્વ ગુમાવ્યા વિના એક ધારું વહે છે. અને તખ્તા ઉપર ભજવાય ત્યારે કોઈ પણ પ્રકારની મુશ્કેલી ના પડે એ રીતની તખ્તાલાયકી નાટક ધરાવે છે.અર્થાત કોઈ પણ અવરોધ વિનાનું આ નાટક તખ્તાલાયક અને અભિનયક્ષમ બન્યું છે. મુનશી ગાંધીયુગના સર્જક હોવા છતાં જીવનવાદી અભિગમ કરતાં કલા ખાતર કલાનાવાદને સ્વીકારે છે અને કલાના ક્ષેત્રને નીતિના બંધનોથી દૂર રાખીને કલાના આગવા ક્ષેત્રને સ્વીકારે છે. કલાની સ્વયં સ્વાયત્તતા પર ભાર મુકે છે. અહીં ચંદ્રગુપ્ત અને ધૃવસ્વામિનીદેવી વચ્ચેના પ્રણય સંબંધને પ્રસ્તુત કરીને આ જ વિષયવસ્તુ વાળા અન્ય નાટકો કરતાં વધુ રસાળ બનાવી દે છે. જે નાટકને નાટ્યાત્મક બનાવવામાં મદદરૂપ બને છે. તો ચંદ્રગુપ્ત દ્વારા કરવામાં આવતો બનાવતી ગાંડા બનવાનો પ્રસંગ, રામગુપ્તનું નશાની હાલતમાં રહેવું – બબળાટ કરવો, જુસ્સાથી યુદ્ધમાટેનો જયઘોષ, અંતિમ દ્રશ્યમાં ગઢના દરવાજા તોડવાનો અવાજ વગેરે પ્રસંગોથી – ઘટનાઓથી નાટક મંચનક્ષમ અને નાટ્યાત્મકતા ધારણ કરે છે. ચંદ્રગુપ્તનો ગાંડા બનવાનો પ્રસંગ પ્રસિદ્ધ નાટ્યકાર શેક્સપિયરના ‘હેમ્લેટ’ની યાદ અપાવી જાય એ પ્રકારનો છે. તખ્તાની અને અભિનયક્ષમતાની પ્રશંસા કરીએ છે એટલે કે ‘ધૃવસ્વામિનીદેવી’ નાટક માત્ર અભિનયક્ષમ કે તખ્તા માટેનું જ નાટક નથી તે અભિનયની સાથે વાંચવું પણ ગમે એવું નાટક છે. મુનશીની ભાષા અને શૈલી આ નાટકને પ્રશિષ્ટ બનાવે છે. નાટક દ્વારા ઊભી થતી ભાવસૃષ્ટિ સાહિત્યના નવે રસોની અનુભૂતિ કરાવે છે.
કનૈયાલાલ મુનશીની રસાત્મક લીલામય ગદ્યશૈલી પણ તેમની લોકપ્રિયતા માટેનું જવાબદાર ઘટકતત્વ છે. મુનશીનું વ્યક્તિત્વ જેટલું જાજરમાન છે એટલી જ જાજરમાન તેમની ગદ્યશૈલી છે. રંગદર્શીય ગદ્યની અદભૂત લીલા તેમના સાહિત્ય વાચનમાં વાચકનું મન હરી લે છે. અને એટલે જ મુનશી ગુજરાતી સાહિત્યના મહત્વના અને લોકપ્રિય સાહિત્યકાર સાબિત થયા છે.જેમ નવલકથામાં વસ્તુગૂંથન અને કથા કહેવાની કલા તેમને હસ્તગત છે. એ જ રીતે તેમને રંગમંચના કીમિયાઓ પણ હસ્તગત છે. આથી તેમના નાટકો અભિનયક્ષમ તથા રંગમંચ ક્ષમતા ધરાવનાર બન્યા છે. વધુમાં માત્ર તખ્તા માટે જ તેમના નાટકો નથી હોતા પરંતુ વાંચનક્ષમ એવા શિષ્ટ કહી શકીએ એવાં નાટકો હોય છે. તેનું કારણતરીકે ભાષાની ચબરાકીને કહી શકાય.આપણા ગુજરાતી સાહિત્યમાં ઉમદા ગદ્યના સ્વામીઓમાં એક મુનશી અવશ્ય આવી શકે.
નાટક અભિનયની કલા છે. આથી અભિનય સાથે સંવાદ અને એ સવાદનું ગદ્ય તેની રસાળતા, નાટ્યાત્મકતા અનિવાર્ય થઇ પડે છે અહીં આ નાટકમાં જોઈએ તો સંવાદમાં ચબરાકી અને રસાળતા બંનેની ખૂબી જોઈ શકાય છે. આ સંવાદની ભાષા પણ અદભૂતલીલા સર્જે છે. પ્રેમીઓની મીઠી મધુર સંવાદિતા કેવી હોય શકે તેનું ઉદાહરણ કાલિદાસ અને માધવીના આ સંવાદમાં નજરે ચડે છે.
“ માધવી : મારી વાત સાંભળો-
કાલિદાસ : (ઉત્સુકતાથી) પણ મારી વાત તો સાંભળ –
માધવી : ના, મારી સાંભળો; તમે બોલશો નહિ-
કાલિદાસ : પણ તું બોલવા જ દેતી નથી ને !
માધવી : (હાથ લંબાવીને) પણ મારી વાત તો સાંભળો.
કાલીદાસ : નથી સાંભળતો. (કાને હાથ દે છે.)
માધવી : નથી સાંભળતા તો પણ બોલીશ. સાંભળો,....”
જેવા સંવાદમાં બે પ્રેમીઓ વચ્ચે થતી મીઠી રકજક તો પ્રેમીઓ વચ્ચે થતા રોમાંસના સંવાદમાં ...
“ કાલિદાસ : ના, ના, એમ ખોટું શું લગાડે છે ? પણ હવે મારું કહ્યું જરા સાંભળશે?
માધવી : જુઓ, એવું કહો છો ? મેં કોઈ દહાડો ના કહી છે ખરી ?
કાલિદાસ : ત્યારે કોઈ તને આસપાસ દેખાય છે ?
માધવી : (ચારે તરફ જોઈ) ના.
કાલિદાસ : (આંખો નચાવી) ત્યારે પાસે આવ. ને-
માધવી : (મોં મચકાવી) ના. તમે શી વાત લાવ્યા છો તે કહો, પછી એનાં મૂલ્ય.
કાલિદાસ : કોઈ આવી ચઢે તો ? હું બધું કહું ને તેનાં દામ રહી જાય તો ?
માધવી : (એકદમ કાલિદાસને ચુંબન કરીને) લો, થયું? હવે કહો.”
મુનશી સંવાદોમાં આમ રસિકતા અને ભાવવાહી ભાષાને પ્રયોજે છે ઉપરાંત સંવાદો એટલા શક્તિમાન છે કે નાટકમાં બનવાની આગળની ઘટનાઓને નિર્દેશે છે. મુનશીએ દરેક અંક વચ્ચે સમયનું અંતર લીધું છે આથી આ અંકોના શરૂઆતના સંવાદો આ સમયમાં બની ગયેલ ઘટના કે પ્રસંગનો નિર્દેશ કરવામાં તેમને સંવાદ મદદરૂપ થયા છે.
બીજી મુનશીની વિશિષ્ટતા એટલે તેમનું પાત્રાલેખન કરવાની કલા. મુનશી ભભકાદાર પાત્રાલેખન કરવાની આવડતને કારણે પણ સૌની પ્રશંસા પામે છે.નાટકમાં શુરવીર અને દેશ માટે ઝઝૂમતા ચંદ્રગુપ્ત નાટકનું આકર્ષક વ્યક્તિત્વ બને છે. ચંદ્રગુપ્તનું પાત્રાલેખન મુનશીની કલમે ઉમદા થયું છે. ભારતવર્ષનો વીર યોદ્ધો, પ્રાતાપી રાજવી, જેના હૃદયમાં ભારતવર્ષની કીર્તિ અને ઉજ્જવળતા, આત્મસમર્પણની ભાવના ઊંચા આસને છે, મુનશીનો ચંદ્રગુપ્ત યુયુત્સુ છે. યુદ્ધ અને કીર્તિ માટે તે રચ્યો પચ્યો રહે છે. તે પરાક્રમી છે, રાજાની નિરસતાથી સેના હતાશ થઇ હારે છે. દુશ્મન દેશનો રાજા રુદ્રસેન સંધિનો પ્રસ્તાવ મૂકી, રામગુપ્તને પત્ની ધૃવદેવીને સોંપી રાજ્ય પરત લેવાની શરત કરે છે. જે અધમ રામગુપ્ત સ્વીકારે છે અને હારેલું રાજ્ય પાછું મેળવે છે. પરંતુ ગૂર્જર અસ્મિતાના પ્રેરક અને વીર પરાક્રમી ચંદ્રગુપ્તને આવી શરત મંજુર નથી. તેઓ ધૃવદેવીના વસ્ત્રો પહેરી સ્ત્રીવેસ ધારણ કરીને રુદ્રસેન ઉપર આક્રમણ કરે છે અને રુદ્રસેનને ઠાર મારે છે. બીજું કહીએ તો તે સ્વભાવે હળવાસથી જીવતો અને રસિક છે જેનો મિત્ર કવિ કાલિદાસ છે. એવો પપ્રણયના ઉન્માદથી તરબોળ ચંદ્રગુપ્તનું પાત્ર નાટકમાં આકર્ષણનું કેન્દ્ર બને છે.
એજ રીતે અચ્યુતદેવની પુત્રી અને રામગુપ્ત સાથે લગ્ન થયા હોવાથી મહારાણી એવી ધૃવસ્વામિનીદેવી નાટકનું બીજું મહત્વનું પાત્ર છે. નાટકની શરૂઆતમાં જીવનથી ગમગીન અને રામગુપ્ત સાથેના લગ્નજીવનની વિસંવાદિતાથી ઉદાસિન હોય એવું નજરે ચડે છે. કાલિદાસના મુખમાં સર્જક સંવાદ મુકે છે એનાથી એ પાત્રની ગરિમા છતી થાય છે.
“ કેવો દેહ, કેવો આત્મા અને કેવું કર્મ ! જો તો ખરી, કેવી ભવ્ય ને કરુણ મૂર્તિ ! કેવી ખેદભરી ગતિ ! જાણે ઊગતા પ્રભાતે ભૂલી પડેલી ફિક્કી આછી શશિલેખા., ... ભગવાન ભોલાનાથ, આને ઘડી તો એનો ભોગી શે ન ઘડ્યો ?”
એક મહારાણી બનાવને સમર્થ છે, ચંદ્રગુપ્ત સાથે મળતાં અને તેનો ઉત્સાહ જોતા આર્યાવર્તના ઉદ્ધાર અને અસ્મિતા માટે તે પણ પ્રતિબદ્ધ બને છે. તે યુયુત્સુ છે, ઉજ્જયિની સૈન્યને હોંસ આપવા રામગુપ્ત જવાની ના પાડે છે ત્યારે તે ખુદ તૈયાર થાય છે તે ધર્મને વળેલી છે આથી રામગુપ્તનુંઅધાર્મિક આચરણ તેને ગમતું નથી અને સામે ચંદ્રગુપ્તના ધાર્મિક અને અસ્મિતાને વળેલા આચરણ તરફ ઝુકે છે. તેમની ખુમારી તો આખા નાટકમાં વર્તાય છે.
‘સમુદ્રગુપ્તના મૃત્યું પછી રાજગાદીએ આવેલો તેમનો મોટો પુત્ર રામગુપ્તનું પાત્રાલેખન પણ સર્જકે યથાયોગ્ય કર્યું છે. તેને નીચવૃત્તિનો દર્શાવી એક ખલ પાત્રમાં હોય એ બધા જ મદિરાપાન, યવનકન્યાનો સોબતી, ધર્મમાં ના માનનારો, ડરપોક, કાયર, લાલચુ, આળસુ, બ્રાહ્મણ કન્યાનું અપહરણ કરવા જેવું હિન કાર્ય કરતો ચિતારીયો છે. એક ભોગી રાજા તરીકે તેને ચિતારીયો છે. અહીં નાટકમાં અભિનયક્ષમતાના વિકાસમાટે તેનું પાત્રાલેખન ખુબ જ અસરકારક બની રહે છે. તેના પાત્ર દ્વારા હાસ્ય પણ નિષ્પન્ન થતું અનુભવી શકાય છે. આ મુખ્યપાત્રોની સાથે સાથે માધવી, કાલિદાસ, ઉન્દાન, હરિસેન, દત્તદેવી, રુદ્રસેન, ગૃહસેન, મધુરિકા, માલિકા, શશિલેખા વગેરે જેવા પાત્રોને મુનશી આકારિત કરી આપે છે.
મુનશીની ઐતિહાસિક નવલકથાઓનું ઐતિહાસિક દ્રષ્ટીએ મૂલ્યાંકન કરનાર મુનશીની ઈતિહાસ સાથેની છેતરપીંડીને તેમની સૌથી મોટી મર્યાદા ગણાવે અને આક્ષેપ કરે છે કે મુનશી ઇતિહાસને વફાદાર નથી રહ્યા. ઇતિહાસમાં કલ્પનાનું ઉમેરણ થઇ ગયું છે. અને એવું જ તેમના આ ઐતિહાસિક નાટક અંગે પણ કહેવાય છે. પરંતુ સાહિત્યિક સત્ય અને ઐતિહાસિક સત્ય વચ્ચે જો સમાનતા જ રાખવી હોય તો પછી ઈતિહાસ અને સાહિત્ય કૃતિ વચ્ચે ભેદ શું રહેશે ? ઇતિહાસકારે સમયની સચ્ચાઈ કહેવાની છે જ્યારે સાહિત્યકારે કલાના સત્વની તરફેણ કરવાની છે. પરિણામે આપણે આ ઐતિહાસિક રચનાને કલાના ધોરણે જ પોંખવી રહી. આમ આ આખું નાટક જોતા મને મુનશીની વર્તમાન સમયમાં ઉપસ્થિતિ લોકપ્રિયતા અંગે જે કઈ બાબતો જવાબદાર લાગી છે તે નીચે પ્રમાણે
- 1. ઇતિહાસ કે પ્રમાણભૂત વિષય વસ્તુની ઘેલછા નહિ, પણ ભાવકની ભાવ ચેતનાને ધ્યાનમાં રાખીને વિષય વસ્તુમાંમાં પોતાની મૌલિકતાના ઉમેરણ સાથે સર્જન કરે છે.
- 2. સાહિત્ય કૃતિના અણુ એ અણુમાં વ્યાપેલ અસ્મિતાનો ઉદઘોષ સાથે પ્રેમ જેવા શાશ્વત સંવેદનની ઉચિત રજૂઆત.
- 3. કથામાં ઉચિત ક્રિયા વેગને જાળવી રાખવાની કલા.
- 4. કનૈયાલાલ મુનશીની રસાત્મક લીલામય ગદ્ય શૈલી.
- 5. તેમની કથાને રજુ કરવાની-યોગ્ય આરંભ મધ્ય અને અંત સાથે ચાલવાની આવડત.
- 6. નાટક જેવા સાહિત્ય સ્વરૂપની ઊંડાણ પૂર્વકની સમજ.
- 7. કથન શૈલીની અને નાટ્યાત્મકતાની અદભૂત કલા.
- 8. ભાવકની નાડ પારખવાની શક્તિ.
- 9. ભભકાદાર પાત્રાલેખન કરવાની આવડત.